Translate

Search This Blog

Tuesday, May 24, 2016

ફરવું એ ગોમુખ છે, ગામતરું એ હરિદ્વાર છે અને પ્રવાસ છે પ્રયાગ

ફરવું એ ગોમુખ છે, ગામતરું એ હરિદ્વાર છે અને પ્રવાસ છે પ્રયાગ



  • પ્રયાગ જઈએ એટલે પણ યાત્રા જ કહીએ, પણ મારી દૃષ્ટિએ, યાત્રા તો એને કહેવાય કે ‘યદ્ગત્વા ન નિવર્તન્તે’. જ્યાં ગયા પછી પાછું ફરાતું નથી, એનું નામ યાત્રા છે
  • પ્રવાસનું ગોમુખ એ બહાર ફરવા જવું એ છે. આપણા બધાંના પ્રવાસનું એક ગોમુખ હોય છે.

  • પ્રવાસનું બીજું તત્ત્વ છે ગામતરું. એમાં તમારે થોડુંક દૂર જવાનું છે. તમારું મૂળ મૂકીને તમારે ક્યાંક ડાળ સુધી જવાનું છે કે પર્ણ સુધી જવાનું છે કે પુષ્પ સુધી જવાનું છે કે એમ જ સાધના આગળ વધે તો ફોરમ સુધી જવાનું છે! તો ગામતરું એ મારી દૃષ્ટિએ પ્રવાસનું હરિદ્વાર છે. હરવું-ફરવું, કોઇને ઘરે ચા-પાણી પીને પાછાં આવી જવું, ગપ્પાં મારીને આવી જવું એ ગોમુખ છે અને એ ગોમુખની ધારા તો બહુ જ નાની હોય, પણ અેમાંથી જ મોટા પ્રવાસનો જન્મ થયો હોય છે. 

  • અને પછી એક ત્રીજો પડાવ આવે છે એ પ્રયાગ છે. કેટલાક અનુભવોની ત્રિવેણીઓ મળતી હોય છે. ક્યાંકથી જીવનના સારા અનુભવોની પતીતપાવનની ગંગા, ક્યાંકથી કર્મની વિશુદ્ધિ કરતી યમુના અને ક્યાંકથી આપણે કહી ન શકીએ અને સામો સમજી ન શકે એવી ગુપ્ત સરસ્વતી વહેતી હોય છે.

  • પ્રવાસના અનુભવો એક ગ્રંથનાં સૂત્રો જેટલું કામ કરી શકે. 

જે શ્રદ્ધા સંબલ રહિત નહિં સંતન્હ કર સાથ.
તિન્હ કહું માનસ અગમ અતિ જિન્હહિ ન પ્રિય રઘુનાથ.


  • પ્રવાસને હું પ્રયાગ કહું છું ત્યારે એવા પ્રવાસ માટે શ્રદ્ધાનું સંબલ જોઇએ. અંધવિશ્વાસ નહીં, પણ મૌલિક શ્રદ્ધા. 
  • અમારે ગઢડામાં જાદવજી બાપાને કોઇએ પૂછ્યું કે બાપા, શ્રદ્ધા એટલે શું? તો એણે કહ્યું કે બુઝારું શિહોરમાં બને અને માટીનો ગોળો તો ગઢડાની માટીમાંથીય થાય, પણ ગમે તે ગોળા ઉપર શિહોરનું બુઝારું ફિટ થઇ જાય એનું નામ શ્રદ્ધા. મારો ને તમારો પિંડ ગમે ત્યાં હોય સાહેબ, પણ ધાતુએ એક સરખો આકાર પકડ્યો હોય અને એ આપણા પિંડ ઉપર બરાબર ફિટ થઇ જાય એ શ્રદ્ધા છે. તો એવી મૌલિક શ્રદ્ધા હોવી જોઇએ. અને ‘નહિં સંતન્હ કર સાથ.’ સંત એટલે કોઇ સારા માણસ.



  • હું તો આટલાં વર્ષ પછી સાધુની વ્યાખ્યા આટલી જ કરું છું કે જીવનમાં આવતી તમામ પરિસ્થિતિનો સ્વીકાર કરે એનું નામ સાધુ. અને ખરાબ પરિસ્થિતિ આવે તો પણ કોઇની સાથે તકરાર ન કરે એનું નામ સાધુ. તકદીર સાથે પણ તકરાર ન કરે એનું નામ સાધુ. અને કોઇપણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થનો તિરસ્કાર ન કરે એનું નામ સાધુ. અને ચોથું, આખા જગતને પ્યાર કરે એનું નામ સાધુ. પ્રવાસમાં આવા, કોઇ સાધુચરિત વ્યક્તિનો સંગ કરવો.


  • ત્રીજું, આપણે જ્યાં જવું છે એના તરફની પ્રીતિ હોવી જોઇએ. મૃત્યુ તરફ જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. હજ પઢવા જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. જગન્નાથ જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. એવો જો પ્રિય ભાવ આપણા હૃદયમાં ન હોય, તો એના માટે જીવનની કોઇ પણ યાત્રા દુર્ગમ છે, અગમ છે, મુશ્કેલીભરી છે.



(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment