Translate

Search This Blog

Sunday, May 8, 2016

‘મા’ એ તો સવા અક્ષરનો મહામંત્ર

‘મા’ એ તો સવા અક્ષરનો મહામંત્ર



  • બાપ બાળકને સીધું સફરજન આપશે, જ્યારે મા સુધારીને, સમારીને, સારું કરીને આપશે, કારણ કે મા કોઈ પણ વસ્તુને નિર્મળ કરે છે



  • ‘વાલ્મીકિ રામાયણ’માં આપ હાથમાં ત્રાજવું લઈને બિલકુલ નીર-ક્ષીર વિવેકથી જોશો તો જણાશે કે વાલ્મીકિજીનો પક્ષપાત જાનકી તરફ વધારે છે અને હોવો જોઈએ. એટલે રામજીનું ચરિત્ર મહાન નથી, એમ વાલ્મીકિજી નહીં કહે, પણ એટલું તો ચોક્કસ કહે કે સીતાનું ચરિત્ર જ મહાન છે. મહાનમાં મહાન ચરિત્ર કોઈ હોય તો સીતાનું છે. ‘રામચરિતમાનસ’માં તુલસી જાનકીજીના સ્વરૂપનું વિશિષ્ટ દર્શન કરાવે છે. તુલસી લખે છે- 


જનક સુતા જગજનની જાનકી,
અતિસય પ્રિય કરુનાનિધાન કી.


  • નારી એ પુત્રી છે, મા છે અને પ્રિયા અથવા પત્ની છે. હવે એમાં બે બાબતમાં કોઈ પણ સ્ત્રીની સ્વતંત્રતા છે. એકમાં નારી કે કોઈ પણ જીવ કાયમ પરતંત્ર જ રહે છે. એ સત્યને કોઈ ઠુકરાવી ન શકે.



  • સ્ત્રીને મા થવું કે ન થવું એ એની સ્વતંત્રતા. બાળકની મા બનવું કે ન બનવું એ એની સ્વતંત્રતા છે. કોઈનાં પત્ની બનવું કે ન બનવું એ એની સ્વતંત્રતા છે. કોઈની સાથે લગ્ન કરવાં કે નહીં, એ એની સ્વતંત્રતા છે, પણ કોઈની દીકરી તો થવું જ પડે. એમાં એની જરાય સ્વતંત્રતા નથી. 



  • તો જાનકી, જનકની પુત્રી એ એક સ્તર. જગતની માતા એ બીજો સ્તર અને અતિશય પ્રિય કરુણાનિધાન કી, એ ત્રીજો સ્તર. 


તાકે જગુપદ કમલ મનાવઉં,
જાસ કૃપા નિરમલ મતિ પાવઉં.



  • તમે અમને બુદ્ધિ નિર્મલ કરી આપશો એટલે અમે એ માર્ગે ચાલતા થઈએ. બુદ્ધિ તો બધામાં છે, પણ નિર્મલ નથી. બુદ્ધિનો વિકાસ તો ખૂબ થયો છે, પણ નિર્મલ બુદ્ધિ નથી.



  • ‘મા’ શબ્દ એ મારી દૃષ્ટિએ સવા અક્ષરનો મહામંત્ર છે. કબીરસાહેબે ઢાઈ અક્ષરની વાત કરી છે. ‘મા’ એ તો ‘મ’ અને બાજુમાં એક કાનો, એમ સવા અક્ષરનો બનેલો શબ્દ છે.


મોઢે બોલું મા,
સાચેય નાનપણ સાંભરે,
ત્યારે મોટપની મજા,
મને કડવી લાગે કાગડા.
મા મટી, મદડું પડ્યું
છોરું ઉર ચડે,
એને ધાવણ ધાવવા દે
થોડી ઘડિયું ઠાકરા.


  • ત્યારે કવિની કલમ ધ્રૂજી ઊઠી હશે કે હે ઈશ્વર, તારે ઘરે આયુષ્યની ક્યાં ખોટ છે? એને થોડાક દિવસ આપી દે. એ છોકરું દૂધ પી લે ત્યાં સુધી એની માને જિવાડ, નહીંતર તારા ઘરમાં સંતાપ ઊભો થશે!
  • માતાપણું, માતૃત્વ એ મારી સમજ મુજબ મહામંત્ર છે.

  • (સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.


No comments:

Post a Comment