Translate

Search This Blog

Sunday, November 8, 2009

રામ કથા, માનસ ભીમાશંકર

પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને માનસ ભીમાશંકરને કેદ્ર બિન્દુ રાખી રામ કથાનું વિજ્ઞાનના માધ્યમ દ્રારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કથા શ્રવણ દ્વારા મારી સમજમાં આવેલ સૂત્રો અહીં લખતાં આનંદ અનુભવું છું. આ પ્રયાસમાં જો કોઈ ક્ષતિ હોય તો તે મારી સમજનો અભાવ ગણી ક્ષમ્ય ગણવા પ્રાર્થના. પૂજ્ય મોરારી બાપુની પણ અત્રે માનસિક પ્રાર્થના સહ ક્ષમા યાચું છું કે અહી પ્રસ્તુત આપના વિચારોમાં જો કોઈ ક્ષતિ હોય અથવા તેનો સંદર્ભ બદલાઈ જતો હોય તો તે મારી સમજનો અભાવ છે. કદાચ હું આપના વિચારોને અને તેના સંદર્ભને સમજવા યોગ્ય ન પણ હોઉં. આ એક પ્રસાદી છે જેને મેં વહેંચવા નમ્ર પ્રયાસ કર્યો છે.

રામ કથા ( પ્રવક્તા - પૂજ્ય મોરારી બાપુ)

માનસ ભીમાશંકર

અંબે ગામ, જિ- પુના, મહારાષ્ટ્ર

તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૦૯ થી તારીખ ૦૧ નવેમ્બર ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

સદ્‌ગુરૂ ગ્યાન બિરાગ જોગ કે l

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે ll

.................................................................(બાલકાંડ ૩૧)

જપહુ જાઈ સંકર સત નામા l

હોઇહિ હ્નદયં તુરત બિશ્રામા ll

.................................................................(બાલકાંડ ૧૩૭)

અર્થ : એ જ્ઞાન, વૈરાગ્ય અને યોગ માટે સદ્‌ગુરૂ છે; જન્મ મરણના મહારોગ માટે દેવોના વૈદ્ય અશ્વિનીકુમાર છે.

ભગવાન કહે છે કે તમે હવે જઈને શિવજીનાં સો નામનો જપ કરો. આથી તમને હ્નદયમાં તરત શાંતિ થશે.

તારીખ ૨૪ ઑક્ટોબર ૨૦૦૯, શનિવાર

જીવ અપરાધ કે શિવ અપરાધ જાણે કે અજાણે થાય તો તેના નિવારણ માટે શંકરનાં ૧૦૦ નામ જપવાથી વિશ્રામ મળશે.

શંકર શબ્દ વર્ણમય - ધ્વનીમય છે. વર્ણ એટલે અક્ષર.

શબ્દનો અર્થ હોય.

અર્થથી ધ્વનીની મહિમા વધારે છે.

ઓમકાર શબ્દ નથી પણ ધ્વની છે.

ઘી ને નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે.

વસ્તુ ખોવાઈ જાય તેનો વાંધો નથી પણ વરસો (વર્ષો) ખોવાઈ જાય તેનો વાંધો છે.

રામચરિત માનસના બાલકાંડનો નિરંતર પાઠ કરવાથી વ્યક્તિની નિર્દોષતામાં વધારો થાય છે, અયોધ્યાકાંડનો નિરંતર પાઠ કરવાથી વ્યક્તિ સહનશીલ બને છે, સહનશીલતામાં વધારો થાય; અરણ્યકાંડનો પાઠ કરવાથી ઉપાસના, પારાયણ કરવાની વૄત્તિ અને વૈરાગ્યમાં દ્રઢતા વધે, વૈરાગ્ય દ્રઢ થાય; કિષ્કિન્ધાકાંડનો નિરંતર પાઠ કરવાથી મૈત્રીમાં દ્રઢતા આવે, સુંદરકાંડનો નિરંતર પાઠ કરવાથી - પારાયણ કરવાથી હરિનામનો અનુભવ થવા લાગે, હરિનામનો પ્રતાપ અનુભવાય, નામમાં નિષ્ઠા વધે; લંકાકાંડના પારાયણથી સંઘર્ષ વચ્ચે બુધ્ધત્વ પ્રાપ્ત થાય; ઉત્તરકાંડનો નિરંતર પાઠ કરવાથી વિશાલ મનવાળા બનાય, ઉદારતા વધે.

ગુરૂનો પરિચય


ઘણા લોકો દેહજીવી હોય છે. દેહજીવી લોકો પોતાનું જ વિચારે, બીજાનું ન વિચારે.

ઘણા લોકો મનજીવી હોય છે. મનજીવી લોકો માટે દેહ ગૌણ બની જાય છે.

ઘણા લોકો બુધ્ધિજીવી હોય છે જે વિવેકથી શુભ અશુભ વિચારે, બીજાનો પરિચય પ્રાપ્ત કરે.

ઘણા લોકો પ્રેમજીવી હોય છે જે પ્રેમમાં ડૂબી જાય છે અને તેવા લોકો માટે બુધ્ધિ પણ ગૌણ બની જાય છે.

સદ્‌ગુરૂ કદીય દેહજીવી ન હોય.

આત્માનો પોષાક દેહ છે.

સદ્‌ગુરૂ મનજીવી ન હોય, તે કોઈની ઈર્ષા ન કરે.

ભક્તિ માર્ગનો ગુરૂ પ્રેમજીવી હોય અને જ્ઞાન માર્ગનો ગુરૂ આત્મજીવી હોય.

જો કે ઘણા ગુરૂ પ્રેમજીવી પણ હોય અને આત્મજીવી પણ હોય.

તારીખ ૨૫ ઑક્ટોબર ૨૦૦૯, રવિવાર

રામ કથા સ્વયં સદ્‍૬ગુરૂ છે, વૈદ્ય છે.

શિવ પરમ સદ્‍ગુરૂ છે.

રામ ચરિત માનસમાં ૭૫ વાર સંકર શબ્દ આવે છે.

ભયાનક રોગોનો વૈદ્ય સદ્‌ગુરૂ છે.

રામ ચરિતમાનસમાં ભીમ શબ્દ ૩ વાર આવે છે.

ભીમ રૂપ એટલે ભયાનક રૂપ.

શંકર ભયાનક છે અને દયાનક પણ છે.

સદ્‍ગુરૂ સમસ્ત વસ્તુંઓનું સમન્વીત રૂપ છે. જેનામાં બધું જ છે તે સદ્‌ગુરૂ છે. પણ આવો સદ્‌ગુરૂ પોતે તો એવું વિચારે છે કે પોતાનામાં કંઈજ નથી.

"દિખાવા સબકો આતા હૈ, મહોબત કૌન કરતા હૈ?" ........... મજબુર સાહેબ

"આપ ચાહે તો ઈન હાથોંકી તલાસી લે લે

મેરે હાથોંમેં લકીરોકે સિવા કુછ ભી નહીં હૈ" ......... રાજેશ રેડી

"જિન્દગી તુને લહું લેકે દીયા કુછ ભી નહીં

તેરે દામનમેં મેરે વાસતે ક્યા કુછ ભી નહીં ?"

સદ્‌ગુરૂમાં પૂર્ણતા હોય અને શૂન્યતા પણ હોય.

સદ્‌ગુરૂ બનવાનો મનોરથ સારો નથી. સદ્‍ગુરૂને ઓળખો તેટલું જ પુરતું છે.

સાહિબ સૌનો છે સરવાળો. ..... નવનિત વડગામા

જે માણસને તીર્થ માને છે તે સદ્‌ગુરૂ છે.

આપણે કોઈનો આશ્રય કરીએ, કોઈના આશ્રિત બનીએ એટલે આપણામાં પરાધીનતા આવે, આપણે પરાધીન બની જઈએ. પણ જો આપણે સદ્‌ગુરૂના આશ્રિત બનીએ તો પરાધીનતા ન આવે.

પ્રકૄતિ હકારાત્મક છે જ્યારે સંસ્કૄતિ નકારાત્મક છે.

વિશ્વાસ સ્વાભિક આવે જ્યારે શ્રધ્ધાનો જન્મ થાય. શંકર વિશ્વાસ છે જે સ્વાભાવિક આવે જ્યારે પાર્વતી શ્રધ્ધા છે જેનો જન્મ થાય છે.

વિશ્વાસ હ્નદયનો સાહજિક ધર્મ છે.

ભીમ રૂપ

ઘણા લોકોનું રૂપ - આકૄતિ ભયાનક હોય છે.

શબ્દ સ્પર્શ કરે.

શબ્દ રૂપ નિર્માણ કરે.

શબ્દ રસ પેદા કરે. શબ્દ ૯ રસ પેદા કરી શકે.

શબ્દથી ગંધ આવે.

ઘણા મહાપુરૂષોનાં વચન તેની મહેંક પેદા કરે, મહેંક લાવે.

ભીમ કર્મ એટલે ભયાનક કર્મ.

તારીખ ૨૬-૧૦-૨૦૦૯, સોમવાર

સમાજમાં ઘણા કુંભકર્ણ હોય છે.

મહાભારતનો કર્ણ અને રામાયણનો કુંભકર્ણ અદભૂત પાત્ર છે.

કોઈ પણ કથા ગાનમાં કથાના પ્રસંગો કરતાં કથા દરમ્યાન થતો સતસંગ વધારે મહત્વનો છે.

તથ્ય અને સત્યના ટ્રેક ઉપર સાધના ચાલવી જોઈએ.

પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી મહારાજે સતસંગના ૩ આયામ - અર્થ વર્ણવ્યા છે.

સત સંગ એટલે સત ચિંતન. સત્યનું ચિંતન, સત્ય વિશેનો વિચાર એ સતસંગ છે. કોઈ પણ શુભ ચિંતન જે પરોપકારી હોય તે સતસંગ છે.

સત વિશેની ચર્ચા સતસંગ છે. સમૂહમાં થતી સત્ય વિશેની ચર્ચા સતસંગ છે.

રામનો અર્થ જ સમન્વય છે, રામનો અર્થ સેતુબંધ છે, એક બીજાને જોડવું છે.

સાચા માણસનો સંગ સતસંગ છે.

આચારની શક્તિ કરતાં વિચાર શક્તિ વધારે છે.

આધ્યાત્મ એકાંતનો વિષય છે, એકાન્તે સુખ માસ્યભમ્‌

ઈશ્વર બધામાં છે પણ આપણને તે પ્રત્યક્ષ દેખાતો નથી. તેથી લેખીથી દેખી સુધીની યાત્રા સતસંગ છે. (લેખી એટલે લખાણ અને દેખી એટલે પોતે અનુભવ કરવો, પ્રત્યક્ષ દર્શન કરવું)

જે સંગથી પરમાર્થ સધાય તે સતસંગ છે.

રામ ચરિતમાનસમાં શંકર કે જે સંસ્કૃત શબ્દ છે તે ૮ વાર આવે છે. આ ભગવાન શંકરની અષ્ટ મૂર્તિનો સંકેત છે.

પ્રભુની કઠોરતા પાછળ પણ તેની કરૂણા જ છે.

શંકરના ૮ રૂપો છે

શંકરનું વિશ્વાસ રૂપ

"ભવાનીશંકરૌ વન્દે શ્રધ્ધાવિશ્વાસરૂપિણૌ" ....... બાલકાંડ

શંકર વિશ્વાસ છે, ભવાની શ્રધ્ધા છે.

વિશ્વાસ બધામાં જ હોય, વિશ્વાસ પ્રગટ ન થાય. શંકર અજન્મા છે.

પાર્વતી જન્મ લે છે, પ્રગટ થાય છે; તેમ શ્રધ્ધા પ્રગટ થાય છે.

શંકર અને વિશ્વાસ સિક્કાની બે બાજુ છે.

વિશ્વાસનાં ૧૫ લક્ષણ છે.

નારદમુનિ હિમાલયના નિવાસે પાર્વતીના પતિના કેવા ગુણ છે તે વિશે ભવિષ્યવાણી દ્વારા કહે છે કે, (બાલકાંડ)

અગુન અમાન માતુ પિતુ હીના l

ઉદાસીન સબ સંસય છીના ll

જોગી જટિલ અકામ મન નગન અમંગલ બેષ l

વિશ્વાસમાં હિમાલય જેવી અચલતા હોય. પહાડની આવી અચલતા જ આપણને તેની પ્રદક્ષિણા કરવા પ્રેરે છે.

માળાના મેરૂને ન લાંઘાય.

હિમાલય વિશ્વાસનું પ્રતીક છે.

ગુરૂ ઈશ્વરથી મોટો છે પણ ઈશ્વર નથી. ગુરૂના લીધે ઈશ્વરને હટાવી ન દેવાય. ગુરૂ જરૂર મહાન છે પણ ગુરૂની મહિમાને આવી ઊંચાઈ આપવા છતાં ય ઈશ્વરને ન ભૂલાય.

વિશ્વાસનાં લક્ષણ

અગુણ - નિર્ગુણ

વિશ્વાસ ગુણ રહિત હોય. વ્યવહારમાં વિશ્વાસ તમો ગુણી હોય, પણ આવો તમો ગુણી વિશ્વાસ વિશ્રામ ન આપી શકે. ઘણા માણસોનો વિશ્વાસ રજો ગુણી હોય. માનવીની વૄત્તિ રજોગુણી હોય. સતો ગુણી વિશ્વાસ શાંત હોય.

અમાન

વિશ્વાસને કોઈ માનની જરુર ન હોય. વિશ્વાસ પોતે જ એક સર્વોત્તમ એવોર્ડ છે, તેને બીજાના માનની, બીજાના પ્રમાણ પત્રની, બીજાના સન્માનની જરુર નથી.

અજન્મા

વિશ્વાસ અજન્મા હોય. વિશ્વાસ પેદા ન થાય. વિશ્વાસને માતાપિતા નથી. જીવ એ શિવનો અંશ હોવાના નાતે તેનામાં (જીવમાં) વિશ્વાસનો અંશ હોય જ. જે જન્મે તે વધે અને અંતે નાશ પણ પામે. જે અજન્મા હોય તે વધે નહીં અને નાશ પણ ન પામે. વિશ્વાસ સદા એક સરખો જ હોય. વિશ્વાસ ન જન્મે, તેનામાં વધઘટ ન થાય અને તે નાશ પણ ન પામે.

ઉદાસીન

વિશ્વાસમાં રાગદ્વેષ ન હોય. વિશ્વાસ રગદ્વેષ રહિત હોય. જે વિશ્વાસુ હોય તે રાગદ્વેષ રહિત હોય. વિશ્વાસની એટલી ઊંચાઈ આવે કે જેથી રાગદ્વેષની છાયા જ સમાપ્ત થઈ જાય.

સંશય મુક્ત

વિશ્વાસની અવસ્થા કાયમ બધા જ પ્રકારના સંશયથી મુક્ત હોય.

જોગી - યોગી

વિશ્વાસ જોગી હોય (યોગી હોય) એટલે કે વિશ્વાસ વિયોગી ન હોય. વિશ્વાસુને કદી વિયોગ ન લાગે.

ભક્ત એ છે જે કદી પ્રભુથી વિભકત ન થાય. ..... પાંડુરંગદાદા

નિષ્કામ

વિશ્વાસને કોઈ કામના ન હોય. વિશ્વાસુ કામના રહિત હોય. વિશ્વાસ એટલે વિશેષ પ્રકારનો શ્વાસ.

નગ્ન - દિગંબર

વિશ્વાસમાં કંઈ છુપાવવા જેવું ન હોય. કપડું એ એક પ્રકારનો પટ છે જે કંઈક છુપાવવા માટે છે.

અમંગલ વેશ

વિશ્વાસને કોઈ વેશ ન હોય, તેને અમંગલ વેશ હોય, અવધુતી વેશ હોય. તે ગણવેશ રહિત હોય.

અમંગલ વેશ પણ આવો વેશ પરમ મંગલકારી છે.

૧૦

આરપાર

તારીખ ૨૭-૧૦-૨૦૦૯, મંગળવાર

ભીમ એટલે ભયાનક

ભયાનકતા ૨ પ્રકારની હોય. ૧ બહિર ભયાનકતા અને ૨ ભીતરની ભયાનકતા

પ્રભાવની ભયાનકતા હોય અને સ્વભાવની ભયાનકતા પણ હોય.

"આપ ચાહે તો ઈન હાથોંકી તસલ્લી લે લે;

મેરે હાથોંમેં લકીરોંકે સિવા કુછ ભી નહીં હૈ.

............................. રાજેશ રેડી

શંકરની ભયાનકતા તેના પ્રભાવની ભયાનકતા છે, તેની લીલા ક્ષેત્રની ભયાનકતા છે પણ આ ભયાનકતા તેના સ્વભાવની ભયાનકતા નથી.

મણસે તેની સહજતામાં વર્તવું જોઈએ. સહજતામાં દોષ હોય તો પણ તેનો વાંધો નથી.

રામ, કૄષ્ણ, શંકર વિ. સહજ છે.

જાગૄત મહાપુરૂષ સહજ હોય.

જેનામાં બધું જ છે તેમજ જેનામાં કંઈ જ નથી તે સદ્‌ગુરૂ છે, તે શંકર છે.

વેદ મંત્રનો શબ્દસહ અર્થ કરવો અઘરો છે.

મહાપુરૂષોનું ગદ્ય પણ પદ્ય જેવું લાગે.

જેને જે સાંભળવું હોય તે જ તે સાંભળે; તેને બીજું ન સંભળાય.


વિશ્વાસના બીજા ૫ લક્ષણ

વિશ્વાસ વિશાલ હોય, નિત નૂતન હોય, સદા કાળ સુંદર હોય, ત્રણ પ્રકારની હવા જેવો હોય અને સુશીતલ છાયા જેવો હોય. આ વિશ્વાસના બીજા ૫ લક્ષણ છે. આમ વિશ્વાસનાં પહેલાંના ૧૦ અને આ ૫ મળી કુલ ૧૫ લક્ષણ થાય.

૧૧

વિશાલ વિશ્વાસ

વિશ્વાસ વિશાળ હોય. વિશ્વાસ કદી સંકીર્ણ ન હોય. વિશાળ વિશ્વાસ એટલે મન - વિચાર, વચન અને કર્મંમાં વિશ્વાસ. જેનો વિશ્વાસ વિશાલ હોય તેના વિચારમાં વિશ્વાસ હોય, તેના વચનમાં વિશ્વાસ હોય અને તેના કર્મમાં વિશ્વાસ હોય. વિશાલ વિશ્વાસ ફક્ત વિચાર કે વચન કે કર્મ પૈકીના કોઈ એકમાં ન હોય પણ વિચાર, વચન અને કર્મ ત્રણેયમાં હોય.

જે વિશ્વાસ સદ્‌ગુરૂના મન ઉપર ( વિચાર ઉપર), સદ્‍ગુરૂના વચન ઉપર, સદ્‍ગુરૂના કર્મ ઉપર હોય તે વિશ્વાસ વિશાલ વિશ્વાસ છે. મન, વચન અને કર્મ ઉપરનો વિશ્વાસ ત્રીશાખીય વિશ્વાસ છે.

ખુદની કરૂણા આગળ ખુદા પણ મજબુર છે.

કર્મના દ્રશ્ય ફળ હોય અને અદ્રશ્ય ફળ પણ હોય.

૧૨

નિત નૂતન વિશ્વાસ

વિશ્વાસ નિત નવો હોવો જોઈએ. વિશ્વાસ કદી વાસી ન હોય. વડલો વિશ્વાસનું પ્રતીક છે. વડલાને પાનખરમાં પણ કૂંપળ ફૂંટે છે. વડલાને પાનખર ન આવે.

કથા વિશ્વાસના વડલા નીચે થવી જોઈએ. વિશ્વાસના વડ નીચે જો શ્રોતા અને વક્તા ન બેઠા હોય તો કથા સફળ ન થાય.

૧૩

સદા કાળ સુંદર

વિશ્વાસ સદાય સુંદર હોય. વિશ્વાસ ભૂતકાળમાં સુંદર હોય, વર્તમાન કાળમાં સુંદર હોય અને ભવિષ્ય કાળમાં પણ સુંદર જ હોય.

૧૪

ત્રિવિધ સમીર સુશીલ

વિશ્વાસ ત્રણ પ્રકારની હવા જેવો હોય. હવા મંદ, સુંગંધી અને શીતલ હોય તેમ વિશ્વાસ પણ મંદ હોય એટલે કે વિશ્વાસ ઉગ્ર ન હોય પણ વિનમ્ર હોય, વિશ્વાસ ખુશબુથી ભરેલો હોય એટલે કે વિશ્વાસ બદબુથી બરેલો ન હોય અને વિશ્વાસ શીતલ હોય એટલે કે વિશ્વાસ સુખ પ્રદ હોય.

ભગવાન વિષ્ણુ શેષ નાગના છત્ર નીચે સાગરમાં વિશ્રામ કરે છે અને તેમના પગ લક્ષ્મીજી કે જે વિભૂતિ છે તે દબાવે છે. જે શેષમાં વિશ્રામ કરે તેના પગ લક્ષ્મીજી દબાવે અને તેને વિષ્ણુ કહેવાય.

૧૫

સુશીતલ છાયા

વિશ્વાસની છાયા સુશીતલ હોય.

તારીખ ૨૮-૧૦-૨૦૦૯, બુધવાર

ભગવાન શંકર વિશ્વાસનું ઘનીભૂત સ્વરૂપ છે.

"ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વારૂપિણૌ l

યાભ્યાં વિના ન પશ્યન્તિ સિધ્ધાઃ સ્વાન્તમ્‌શ્વરસ્થી ll

વંદે બોધમયં નિત્યં ગુરું શંકર રૂપિણમ્‌ l

યમાશ્રિતો હિ વક્રોડપિ ચંદ્રઃ સર્વત્ર વન્ધતે " ll

......................... બાલકાંડ

શંકર ગુરૂ રૂપ છે અથવા ગુરૂ રૂપ શંકર છે.

શંકર પરમ સદ્‌ગુરૂ છે.

શુધ્ધતાથી એટલે સાવધાન ચિત્તથી કથા શ્રવણ કરવાથી ઘણા રહસ્યો ખૂલે છે.

વક્તાની ચૈત્સિક અવસ્થા સાથે શ્રોતાના શુધ્ધ ચિત્તથી સંવાદ થાય તો શ્રવણ ભક્તિ થાય.

સમતા આધ્યાત્મમાં ઘણી વખત દૂર્ગુણ ગણાય. સમતા વ્યવહારિક જીવનમાં યોગ્ય છે.

આધ્યાત્મમાં પાત્રતાનું મહત્વ છે.

સાચો ગુરૂ પોતા માટે યોગ્ય પાત્રતા ધરાવતો શિષ્ય શોધે છે. ગુરૂને શોધવાની જરુર નથી પણ જો આપણામાં યોગ્યતા હશે તો ગુરૂ જ આપણને શોધી લેશે. સાચો ગુરૂ આવા શિષ્યની શોધમાં જ હોય છે.

વક્તા અને શ્રોતા વચ્ચે સુરનું મિલન થવું જોઈએ.

સુરમાં ગાનાર માટે બેસુરમાં ગાવું અઘરું છે.

શંકર રૂપ ગુરૂનાં લક્ષણ નીચે પ્રમાણે છે.

વિવેક

જેનામાં સમુદ્ર જેટલો બલ્કે સમુદ્રથી પણ વધારે વિવેક હોય તે ગુરૂ હોય.

ગુરૂ વિવેક સાગર જગ જાના

જે વિવેક સિન્ધુ હોય, કૄપાસિન્ધુ હોય તે ગુરૂ કહેવાય. ગુરૂ ગારુડી સિન્ધુ છે જે શિષ્યના વિકારોના ઝેરને ચૂસી લે છે (ગારુડી એટલે મંત્રથી સર્પનું ઝેર ઉતારનાર). ગુરૂનું એક રૂપ ગારુડી રૂપ છે જે શિષ્યના વિકારનું ઝેર હરી લે છે.

ગુરૂ ગોસાંઈ એટલે ઈન્દ્રીયો ઉપર વિવેક પૂર્ણ સમ્યકતા.

સમ્યક કામ નિંદાજનક નથી.

કામ કૄષ્ણનો બેટો છે.

કામ, ક્રોધ, લોભ સમ્યક રૂપમાં સ્વીકાર્ય છે, તેમાં અતિરેક ન થવો જોઈએ.

લોભ ઈચ્છાના રસ્તેથી આવે. ઈચ્છા થાય એટલે લોભ આવે.

કામનો રસ્તો નારી છે.

ક્રોધનો રસ્તો કર્કશ વાણી છે.

સંશય એ ભયંકર દૂર્ગુણ છે.

"પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ સકલ કલા ગુણ ધામ, જોગ વૈરાગ્ય પ્રણત કલ્પતરુ" એ ગુરૂની પરિભાષાનો દોહો છે.

૧ ગુરૂ પ્રભુ છે, ગુરૂ વિભુ છે, ગુરૂ શંભુ છે. પ્રભુ, વિભુ અને શંભુની ત્રિવેણી ગુરૂ છે.

પ્રભુ પ્રભુતાથી ભરપુર હોય

રુદ્રનો આશ્રય જ બધાથી મોટો રુદ્રાક્ષ છે.

વિભુ એટલે જે વ્યાપક છે તે. જે આકાશ સમાન વ્યાપક છે તે વિભુ છે.

વિભુ એક જ હોય; વિભુતિ અનેક હોય.

જે સ્વયંભુ છે તે શંભુ છે.

સમર્થ

સદ્‌ગુરૂ સમર્થ હોય.

સમર્થ એ છે જે બધું જ કરી શકે છે અને ધારે તો કંઈ જ ન કરે અને જો ઈચ્છે તો બધું કરેલું નષ્ટ કરી શકે.

સૂર્ય, ગંગા વિ. સમર્થ છે.

સંહારક

સદ્‌ગુરૂ સંહારક હોય.

સંહારક સદ્‌ગુરૂ આશ્રિતના કચરાનો, આશ્રિતના નકામા કચરાનો, દૂર્ગુણો વિ. નો સંહાર કરે છે.

વસ્તુ જ્યાં ખોવાઈ હોય ત્યાંથી જ જડે.

વચન ભંગનો નિયમ ગુરૂને લાગું ન પડે.

શિવ રૂપી ગુરૂ સર્વજ્ઞ હોય. આવા ગુરૂ બધું જ જાણે પણ બોલે કંઈ નહીં, જાણકારી કોઈને કહે નહીં.

આપણે નિર્દોષ ભાવે જ્યારે આશ્રય કરીએ ત્યારે આપણો આવો નિર્દોષ આશ્રય જેનો કરીએ તે આપણા માટે સર્વજ્ઞ બની જાય.

દા.ત. બાળક અને મા

સર્વજ્ઞ ગુરૂ પોતાના બધા આશ્રિતોને જાણે અને બધા આશ્રિતોને નિભાવે.

કલ્યાણકારી

શિવ રૂપી ગુરૂ કલ્યાણકારી હોય.

સકલ ગુણ ધામ

શિવરૂપી સદ્‌ગુરૂ સકલ ગુણ ધામ હોય, સકલ કલા ધામ હોય. જે સકલ કલા નિધાન હોય તે બધી કલા જાણે અને કલાનો આદર પણ કરે.

તમે જો નૄત્ય ન કરી શકો તો પણ નૄત્યનો આદર કરો.

ગુરૂમાં ૭૨ કલા હોય અને ૩૨ ગુણ હોય.

યોગ; જોગ

શિવરૂપી સદ્‌ગુરૂ યોગને જાણે. સદ્‍ગુરૂમાં એવો યોગ હોય જે બધાને જોડે, બધાનો સમન્વય કરે, કોઈનો નિષેધ ન કરે.

શંકરનું સેવન બધા કરે.

જ્ઞાન નિધી

સદ્‌ગુરૂનું જ્ઞાન અખંડ હોય. શિવ બોધમય છે અને તેનો બોધ કાયમ છે, અખંડ છે.

સદ્‌ગુરૂ કોઈનો વિરોધ ન કરે, કોઈની સાથે દુશ્મની ન કરે.

વૈરાગ્ય નિધી

સદ્‌ગુરૂ વૈરાગ્ય નિધી હોય. બધાની વચ્ચે રહી બધાથી મુક્ત રહેવું તેને વૈરાગ્ય કહેવાય.

શ્રેષ્ઠને પકડીએ એટલે નિષ્કૄષ્ઠ આપોઆપ છૂટી જાય.

પ્રણત કલ્પ્તરૂ

સદ્‍ગુરૂ પ્રણત કલ્પતરૂ સમાન હોય. તેનું નામ લેવાથી બધું જ કાર્ય થઈ જાય.

૧૦

વક્રને સ્વીકારે

સદ્‌ગુરૂ વક્રને પણ સ્વીકારે અને તેને માન મળે તેવા સ્થાને રાખે. ગુરૂ વક્રને પણ આશ્રિત બનાવી ઊચ્ચત્તમ આસને લઈ જાય અને વંદનીય વનાવે.

તારીખ ૨૯-૧૦-૨૦૦૯, ગુરૂવાર

સર્જક, પાલક, સંહારક એ ત્રણ તત્વ છે, ૩ પ્રવાહ છે, ત્રણ ધારા છે.

બ્રહ્મા સર્જક છે, વિષ્ણુ પાલક છે અને શંકર સંહારક છે.

ઉપરોક્ત ત્રણમાં શ્રેષ્ઠ કોણ ? આમ તો ત્રણે ય સમાન છે છતાંય તેમાં શ્રેષ્ઠ કોણ ગણાય?

તર્ક અસત્યને સિધ્ધ કરી શકે,સત્યને સિધ્ધ ન કરી શકે.

સત્યને પ્રમાણિત કરવાની શક્તિ તર્કમાં છે જ નહીં.

તર્ક તલવાર છે જે કાપવાનું જ કામ કરે, જોડી ન શકે.

બી વાવનાર સર્જક છે, તેને પાણી પાનાર પાલક છે. પણ મૂળ બી સાથેના નીંદામણને ન કાઢીએ તો બી ના છોડને ફળ નહીં આવે.

નીંદામણની સંહારક પ્રવૃત્તિમાં જ પાલકની પ્રવૄત્તિ અને સર્જકની પ્રવૄત્તિ ફળદાયી બને, ઉપયોગી થાય.

તેથી જ શંકરની સંહારક ધારા જ શ્રેષ્ઠ છે અને તેથી જ શંકરને મહાદેવ કહેવાય છે.

જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી નવસર્જન ન થાય.

સંહારક જ રક્ષક હોય.

સર્જકમાં કામના હોય, સર્જકને તેની સર્જકની પ્રવૄત્તિ પાછળ કંઈક કામના હોય, ઈચ્છા હોય. પાલકને તેની પ્રવૄત્તિ પાછળ કંઈક લોભ હોય. જ્યારે સંહરકને તેની સંહારક પ્રવૄત્તિ પાછળ રક્ષકતા હોય.

શંકર વિશ્વાસ છે, શંકર ગુરૂ છે અને શંકર સંહારકના રૂપે રક્ષક છે.

શંકરની રહસ્યમય ગતિ વિધી જે જાણી લે તે તેના રક્ષકના રૂપને સમજી શકે, રક્ષકતા પામી શકે.

શંકરનું સંહારકપણું વિશ્વ માટે કલ્યાણકારક છે, જેનાથી અદભૂત ઘટના અકાર લે છે.

સલામતી કરનાર રક્ષક, ચોકીદાર જો સંહારક હોય તો જ તે રક્ષા કરી શકે.

ભક્તનું કર્મ ફળની આશા વિનાનું હોય છે. દા.ત. ભરતનું ફણા વિનાનું બાણ

જે રક્ષક હોય તેની પાસે જ રક્ષણની માગણી કરી શકાય.

રક્ષકનાં ૧૨ લક્ષણ છે. આ ૧૨ લક્ષણ અયોધ્યાકાંડના પ્રથમ શ્લોકમાં વર્ણવામાં આવ્યાં છે.

યસ્યાડઃકે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે

ભાલે બાલવિધુર્ગલે ચ ગરલં યસ્યોરપસિ વ્યાલરાટ્‌ l

સોડઃયં ભૂતિવિભૂષણઃ સુરવરઃ સર્વાધિપઃ સર્વદા

શર્વઃ સર્વગતઃ શિવઃ શશિનિભઃ શ્રીશંકરઃપાતુ મામ્‌ ll

................. અયોધ્યાકાંડ


જેની ગોદમાં હિમાલય પુત્રી પાર્વતીજી, મસ્તક ઉપર ગંગાજી, ભાલમાં બીજનો ચંદ્ર, કંઠમાં હળાહળ ઝેર અને વક્ષ સ્થલ ઉપર સર્પોના રાજા શેષનાગ સુશોભિત છે, જે ભસ્મથી વિભૂષિત છે, જે દેવતાઓમાં શ્રેષ્ઠ છે, જે સર્વેશ્વર છે, જે સંહારકર્તા છે, જે સર્વવ્યાપક છે, જે કલ્યાણરૂપ છે, જે ચંદ્રમા સમાન ધવલ વર્ણ છે, એવા શ્રી શંકર મારી કાયમ રક્ષા કરો.

આ ૧૨ લક્ષણ જ શંકરનાં ૧૨ જ્યોતિર્લિંગ છે.

યસ્યાંગે

પાર્વતી શંકરની ગોદમાં બેઠાં છે. પાર્વતી શ્રધ્ધા છે તેથી શ્રધ્ધાનું સ્થાન કોઈ શ્રેષ્ઠની ગોદમાં જ હોય. શંકર શ્રેષ્ઠ છે. તેથી જ પાર્વતી-શ્રધ્ધા શંકરની ગોદમાં બેઠા છે.

શ્રધ્ધા બુધ્ધિમાં પેદા થાય પણ રહે વિશ્વાસની ગોદમાં.

રક્ષકનું લક્ષણ એ છે કે તે જે શ્રધ્ધાને પોતાની ગોદમાં રાખે. ગોદમાં રાખવું એટલે ખૂબ સંભાળીને રાખવું. બાળક જેની ગોદમાં હોય તે તેની ખૂબ કાળજી રાખે, સંભાળીને રાખે.

ગાદીમાં રહેવાથી (ગાદી ઉપર બેસવાથી) અહંકાર આવે જ્યારે ગોદમાં રહેવાથી (ગોદમાં બેસવાથી) અહંકાર ન આવે પણ રક્ષણ મળે.

શિવમંદિરમાં જલાધારી ( થાળું) શક્તિ છે અને લિંગ સ્વયં શિવ છે. બ્રહ્મા અને વિષ્ણુનું વરદાન છે કે જ્યાં શિવ મંદિર હશે ત્યાં શિવ અને શક્તિ, લિંગ અને જળાધારીના સ્વરૂપે એક સાથે જ રહેશે. તેમને કોઈ અલગ નહીં કરી શકે. આમ શિવ શક્તિ એક સાથે જ હોય છે. આમ જ્યારે શિવ અને શક્તિ એક સાથે જ હોય તો જ તે રક્ષણ કરી શકે.

ગંગાને મસ્તક ઉપર રાખવી

શંકર ગંગાને તેમના શિર ઉપર જટામાં ધારણ કરે છે. ગંગા ભક્તિનું સ્વરૂપ છે. જે ભક્તિની ગંગાને શિર ઉપર રાખે, શિર ઉપર ધારણ કરે, જેનું મસ્તક ભક્તો પ્રેરીત હોય તે જ રક્ષા કરી શકે. જેના વિચાર ભક્તિમય છે, જેના વિચાર ફકત બુધ્ધિમય નથી તે જ રક્ષણ કરી શકે, તે જ રક્ષક બની શકે.

તારીખ ૩૦-૧૦-૨૦૦૯, શુક્રવાર

શંકર ભગવાન ભીમ રોગોના દેવ વૈદ્ય છે.

આવા દેવ વૈદ્ય શંકર તપાસ કરે છે પંણ ઔષધી બાબતમાં કંઈ કહેતા નથી. શંકર ભગવાન તપાસ કરે છે પણ દવા બીજા પાસે કરાવે છે. અને તે બીજી વ્યક્તિ વિષ્ણુ છે. આ વિષ્ણુ ઔષધી રૂપે ભગવાન શંકરના ૧૦૦ નામ જપવાની ઔષધી બતાવે છે, આપે છે.

સદ્‌ગુરૂ ગ્યાન બિરાગ જોગ કે l

બિબુધ બૈદ ભવ ભીમ રોગ કે ll

જપહુ જાઈ સંકર સત નામા l

હોઇહિ હ્નદયં તુરત બિશ્રામા ll

શંકર એટલે કલ્યાણ કરનાર, કલ્યાણકારી

શંકર નખ શીષ પરમ રમ્ય છે અને ભાવ ગમ્ય છે. પરમ રમ્ય એટલે બહું જ સુંદર. પરમ રમ્યનાં ૫ લક્ષણ છે.

રામચરિત માનસ એ કૈલાસનો ગ્રંથ છે અને તેનું વિમોચન અયોધ્યામાં થયું છે.

જ્યારે કામ શરીર ધર્મી બને ત્યારે વ્યક્તિનું પતન થાય.

જ્યારે કામ શ્રધ્ધા - ભક્તિનો આશ્રય છોડે ત્યારે પતન થાય.

જ્યારે કામ છૂપાય ત્યારે કામનું પતન થાય.

સૌંદર્ય દર્શન વાસના ગ્રસ્ત ન હોવું જોઈએ.

"નજર કરું ત્યાં નારાયણ

હાથ ધરું ત્યાં હરિ હર

પગ મુકું ત્યાં મારા પુરૂષોત્તમનું ઘર

હું એવા ઘરમાં ઠરી રે ! "

............. પુષ્પાબેન વ્યાસ

શંકર જ સુખની જન્મ ભૂમિ છે. ........ તુલસી

પવિત્ર આંખોએ કલાની કદર કરવી જોઈએ.

જે પ્રમ રમ્ય હોય તેનામાં નીચે પ્રમાણેનાં ૫ લક્ષણ હોવાં જોઈએ. આ ૫ પરમ રમ્યનાં લક્ષણ છે.

૧ શંખ

શંખ જેવા ગુણ ધરાવે તે પરમ રમ્ય હોય. શંખમાં લીસાપણું (smoothness) છે અને ચિકણાપણું છે. શંખ વિષ્ણુની શોભા વધારે છે.

૨ કુન્દ ફૂલ

જે કુન્દના જેવા કોમલ ગુણ ધરાવે તે પરમ રમ્ય હોય. (કુન્દ એટલે મોગરો)

૩ ચંદ્ર

જે ચંદ્ર જેવી પરમ શીતલતા આપે તે પરમ રમ્ય હોય.

૪ કપુર જેવા ગૌર

જે કપુર જેવા સફેદ - ગૌર હોય તે પરમ રમ્ય હોય.

૫ કપુર જેવી ગંધ

જે કપુર જેવી સુગંધ ધરાવે તે પરમ રમ્ય હોય.

શંકર રક્ષક છે અને આવા રક્ષકના ૧૨ લક્ષણ છે. જેનામાં આવાં લક્ષણ હોય તે રક્ષક બની શકે,રક્ષા કરી શકે.

શંકરે કામદેવનો નાશ કરી તેની પત્ની રતિને વરદાન આપ્યું છે કામ બધામાં વ્યાપ્ત રહેશે. આમ શંકરે કામનો નાશ કરી તેને પ્રસ્થાપિત કરી રક્ષણ કર્યું છે.

જેની ગોદમાં શ્રધ્ધા હોય તે રક્ષા કરી શકે.

જેના વિચાર ગંગા જેવા પવિત્ર હોય તે રક્ષા કરી શકે.

જે નાના માણસને પણ વંદનીય બનાવે તે રક્ષા કરી શકે. શંકર વક્ર ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરી ચન્દ્રને વંદનીય બનાવે છે, ઉંચ્ચ સ્થાને બેસાડે છે.

બીજાના ભલા માટે જે ઝેર પી શકે તે રક્ષા કરી શકે.

જે છાતી ઉપર શેષને ધારણ કરી શકે તે રક્ષા કરી શકે. જે શેષને હ્નદયમાં રાખી શકે તે રક્ષા કરી શકે. જે શેષમાં રાજી થાય તે રક્ષા કરી શકે.

જે વિભૂતિ જેવો શ્રીંગાર કરી શકે તે રક્ષા કરી શકે.

જે સુર વર હોય, જે શ્રેષ્ઠ હોય તે રક્ષા કરી શકે. સુર વર એટલે મહાદેવ.

દેવો સ્વાર્થી છે જ્યારે મહાદેવ સ્વાર્થી નથી.

જે સર્વાધિપતિ હોય, સર્વેશ્વર હોય - જે બધાનો ઈશ્વર હોય તે રક્ષા કરી શકે.

જે શર્વ હોય, (શર્વ એટલે નાશ કરનાર) જે આશ્રિતની નકામી વસ્તુનો સંહાર કરી શકે તે રક્ષા કરી શકે.

૧૦

જે સર્વ ગત હોય, જે વ્યાપક હોય તે રક્ષા કરી શકે.

૧૧

જે કલ્યાણકારી હોય તે રક્ષા કરી શકે.

૧૨

જેની આભા ચંદ્ર જેવી ઉજ્જવલ અને સુંદર હોય તે રક્ષા કરી શકે.

સર્વદા રક્ષા કરવી એટલે કાયમ રક્ષા કરવી.

શંકરનું ચોથું રૂપ

શંકરનું ચોથું રુપ સર્વ પ્રિય રૂપ છે.

સંસારમાં બધાને પ્રિય બનવું મુશ્કેલ છે.

શંકર રામને પ્રિય છે અને રામ એટલે સમગ્ર જગત, સમગ્ર વ્યાપકતા.

જે બધાને પ્રિય હોય તેનાં લક્ષણ નીચે પ્રમાણે છે. જેનામાં આવાં લક્ષણ હોય તે સર્વ પ્રિય બની શકે.

જે ધર્મ રૂપી મૂળની જડ હોય તે સર્વ પ્રિય બની શકે.

દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન

જેના મૂળમાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય તે સર્વ પ્રિય બની શકે. જેના મૂળમાં સત્ય હોય તે બધાને પ્રિય હોય.

ગાંધીજી દુશ્મનોને પણ પ્રિય હતા કારણ કે ગાંધીજીના મૂળમાં સત્ય હતું.

સત્યના આચરણ કરનારે બીજાનું સત્ય પણ સ્વીકારવું પડે.

મૂળની જડ જેમ છૂપાયેલી રહે છે તેમ સત્ય પણ જડની માફક છૂપાયેલું રહે.

સત્ય સત્ય જ છે, તેને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી.

સત્યને જય વિજય સાથે લેવાદેવા નથી.

પાણી મૂળને પાવામાં આવે છે.

જે વિવેક પૂર્ણ હોય તે બધાને પ્રિય હોય.

શંકર પૂર્ણ હોવા છતાંય વિવેકથી આનંદિત કરે છે તેથી બધાને પ્રિય છે.

અવિવેકીના કાર્યમાં સહયોગ કરવાથી બીજાની આંખોમાંથી ઊતરી જવાય અને પછી ત્યાંથી ઊઠી પણ ન શકાય.

બીજાના વૈરાગ્યને વિકસીત કરવામાં પોતાની શક્તિ વાપરે તે બધાને પ્રિય હોય. જે વૈરાગ્યને વિકસીત કરવામાં સૂર્ય સમાન હોય તે બધાને પ્રિય હોય. જેમ સૂર્ય કમળને ખીલવે છે તેમ જે બીજાના કમળને ખીલવવા માટે સૂર્ય બને તે બધાને પ્રિય બને.

જે બીજાનાં પાપ દૂર કરી શકે, બીજાની બુરાઈ દૂર કરી શકે તે બધાને પ્રિય બની શકે. જે ત્રિવિધ તાપોનું શમન કરી શકે તે બધાને પ્રિય બની શકે.

દરેક સાધુને ભૂતકાળ હોય છે તેમ દરેક શેતાનને ભવિષ્યકાળ હોઈ શકે.

જે મોહને નષ્ટ કરી શકે તે બધાને પ્રિય બની શકે.

પવન સ્વયંભૂ છે.

જે પોતાની પાસે જે છે તેનો ઉપયોગ કરીને બીજાની સેવા કરે તે બધાને પ્રિય બની શકે.

પવનની માફક જે બીજાને શુધ્ધ કરી શકે તે બધાને પ્રિય બની શકે.

શંકરનું કૂળ - બ્રહ્મકૂળ ઉત્તમ કૂળ છે.

કલંક શમન રામ શિવને પ્રણામ કરે છે.

શંકર રામને પ્રિય છે.

તારીખ ૩૧-૧૧-૧૦૦૯

બધાને પ્રણામ કરવા, બધાને વંદન કરવા, બધાને નમન કરવા, બધાને દંડવત કરવા એવી ચાર પ્રકારની વિધી આપણે ત્યાં છે.

બધાને પ્રણામ બે હાથ જોડીને કરાય. આ પ્રણામ જ્ઞાન સૂચક છે. જ્યારે આપણામાં બોધ હોય કે બધામાં પ્રણ્યમ તત્વ છે અને હું તે પ્રણ્યમ તત્વને પ્રણામ કરું છું. આવું જ્ઞાન હોય એટલે આપણે બધાને પ્રણામ કરીએ છીએ.

"સિયરામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ જાની"

સમગ્ર જગત બ્રહ્મમય છે તેથી હું હાથ જોડી પ્રણામ કરું છું. આ જ્ઞાન પરખ અવસ્થા છે.

વંદન બીજાના પગમાં કરાય. વંદન ભક્તિ સૂચક છે. વંદનમાં કાયમ ચરણની પ્રધાનતા હોય.

"ગઈ ભવાનિ ....

બંદઉં ગુરૂ પદ ...

પ્રણામ બધાને કરાય, ચરણ વંદના કોઈ એકને જ કરાય. જો આવું ન કરીએ તો આપણી ભક્તિ વ્યભિચારિણી ગણાય, ભક્તિ વ્યભિચારિણી થઈ જાય.

વ્યભિચારિણી ભક્તિ એટલે ડામાડોળ ભક્તિ. ભક્તિ એક નિષ્ઠ હોવી જોઈએ.

જેની ભક્તિ વ્યભિચારિણી નથી - જેની ભક્તિ ડામાડોળ નથી તેની વંદના અવ્યભિચારિણી હોય, તેની વંદના કોઈ એક પ્રત્યે જ હોય, એક નિષ્ઠ હોય. આવું જેને ગુરૂ જ્ઞાન થઈ ગયું હોય તે કરી શકે.

મહંમદ પયગંબર સાહેબ અવ્યભિચારિણી ભક્તિમાં માનતા હતા.

સૂફી સંત અવ્યભિચારિણી ભક્તિમાં માને.

સેકુલર મુરબ્બો - ગુણવંત શાહ નીચે પ્રમાણે જણાવે છે.

અવ્યભિચારિણી ભક્તોને પરમાત્મા સાથે ચાર પ્રકારે સંબંધ હોય.

૧ આવા બંદા ખુદા સાથે વતચીત કરે, ગુફતેગું કરે.

જે હરિને જાણી લે તે મરે નહીં.

કબીર, જાનાબાઈ, સમર્થ રામદાસ. તુલસી, મીરાં, નરસિંહ મહેતા વિ. મર્યા નથી.

ઘટના બને તો અહીં જ બને અને હમણાં જ બને. (Here and Now)

૨ બંદા પરમાત્માના રહસ્યો વિશે વિચારે.

પ્રેમી એક નવા હ્નદયનું પોતાના હ્નદયમાં નિર્માણ કરે.

આ અવ્યભિચારિણી ભક્તિ છે.

અવ્યભિચારિણી ભક્તિવાળાને દુનિયાના લોકો પાગલ ગણે છે.

પ્રેમ રોગી પાગલ જ હોય.

જેમણે પરમાત્માને પ્રેમ કર્યો હોય તે પ્રેમ બાહ્ય રીતે અંધ છે પણ ભિતરી રીતે બહું પ્રજ્ઞાવાન છે.

ભરત પ્રેમી છે.

રામ જ્ઞાન છે, કૄષ્ણ કર્મ છે અને હરિ ભક્તિ છે. રામ સત્ય છે, કૄષ્ણ પ્રેમ છે અને હરિ કરૂણા છે. તેથી "રામ કૄષ્ણ હરિ" એવી ધૂન બોલાય છે. આ બીજ મંત્ર છે.

ઘૂવડ કહે છે કે, " સૂર્ય છે જ નહીં, આખી દુનિયા આંધળી છે જેથી સૂર્યને પૂજે છે".

"મને શંકા પડે છે કે દિવાના શું દિવાના છે?

સમજદારીથી અળગા થઈ જવાના સૌ બહાના છે."

........................... જલન માત્રી

૩ બંદા ક્યારેક આત્મ ચિંતન કરે. જે વિચારે છે તેના વિશે ચિંતન કરે.

૪ બંદા દુનિયાદારીમાં જીવે અને દુનિયાના સંબંધો નિભાવે.

ઉપરોક્ત વિચારો શ્રી ગુણવંત શાહના પુસ્તકમાં છે.

દંડવત

દંદવત કરવા એતલે કોઈના ચરણોમાં સર્વ રૂપે શરણાગત થઈ જવું. આ પૂર્ણ શરણાગતિની સ્થિતિ છે. દંડવત કહેવાય નહીં પણ દંડવત પોતે કરવા પડે. જે દંડવત કરે તે પરતંત્ર બની જાય. દંડવત કરનાર જેને દંડવત કર્યા છે તેનો થઈ જાય, તેનો પરતંત્ર બની જાય. જેમ કોઈના પગ આગળ લાકડી મૂકે દેવામાં આવે તેમ દંડવત કરનાર લાકડી માફક પરતંત્ર બની જાય.

નમામિ - નમસ્કાર

જેનામાં પરમ વિશિષ્ટતા છે તેને નમામિ - નમસ્કાર કરાય. તેથી જ શંકરને નમામિ કરાય છે. જેની આંખો અને આત્મામાં બંનેમાં વિશિષ્ટતા દેખાય છે તેને નમસ્કાર કરાય.

શંકરનું રૂપ નમસ્કારીય રૂપ છે.

લંકાકાંડના મંગલાચરણના શ્લોકમાંનું શંકરનું સ્વરૂપ

શંખેન્દ્રાભમતીવસુન્દરતનું શાર્દૂલચર્મામ્બરં

કાલવ્યાલકરાલભૂષણધરં ગંગાશશાંકપ્રિયમ્‌ l

કાશીશં કલિક્લ્મષૌધશમનં કલ્યાણકલ્પદ્રુમં

નૌમીડઃયં ગિરિજાપતિં ગુણનિધિં કન્દર્પહં શંકરમ્‌ ll

શંખ અને ચંદ્રમા જેવી કાન્તિ સમાન અત્યંત સુંદર શરીરવાળા, વાઘના ચામડાને વસ્ત્ર તરીકે ધારણ કરવાવાળા, કાળરૂપ ભયાનક સર્પોનાં આભૂષણ ધારણ કરવાવાળા, ગંગા અને ચંદ્રમાના પ્રેમી, કાશીપતિ, કલિયુગના પાપોનો નાશ કરનાર, કલ્યાણના કલ્પવૄક્ષ સમાન, ગુણોના નિધાન અને કામદેવને ભસ્મીભૂત કરવાવાળા પાર્વતીના પતિ વંદનીય શ્રી શંકરને હું નમસ્કાર કરું છું.


સમુદ્ર મંથન વખતે નીકળેલ શંખ, કપ્લતરૂ, ચંદ્ર, ઝેર વિ. શંકર પાસે છે.

શંખ અને ચંદ્ર જેવું સૌંદર્ય શંકરનું છે.

શંકરનું આસન અને આવરણ એક જ છે (વ્યાઘ્રામ્બર).

પહેરવેશની પતિભા ઉપર અસર પડે.

વસ્ત્ર લજ્જાનું પ્રતીક છે.

શંકરનું વસ્ત્ર જે લજ્જાનું પણ પ્રતીક છે તે કદી ફાટે તેવું નથી છે, તેને કોઈ ચોરી ન જાય અને તેને ધોવાની પણ જરુર નથી.

શંકરનું આભૂષણ કાળ છે જેને કોઈ ચોરે જ નહીં.

ગંગા અને ચન્દ્ર શંકરને પ્રિય છે.

શંકરને પતિત પ્રિય છે. પતિત એટલે જેનું પતન થયેલું છે તે. ગંગા વિષ્ણુના અંગુઠામાંથી નીકળી નીચે પડે છે અને ચન્દ્ર વક્ર છે.

શંકરનું મૂળ નિવાસ સ્થાન કૈલાસ છે પણ તે વહિવટ કરવા કાશી આવે છે.

ભરેલો ડૂબે, ખાલી તરે.

શંકર કલીયુગનાં પાપનો નાશ કરનાર છે.

શંકર કલ્યાણના કલ્પતરૂ છે.

સત્‌ પુરૂષોના કૈવલ્યમૂર્તિ શંકર છે.

ખલને દંડિત કરી તેની (ખલની) ભલાઈ કરનાર શંકર છે.

તુલસી પોતાના કલ્યાણનો વિસ્તાર કરવાનું શંકરને કહે છે.

દરેકમાં ભલું કરવાની વૄત્તિ હોય છે. આવી વૄત્તિનો વિસ્તાર કરવાથી બીજાનું પણ ભલું કરવાની વૄત્તિ આવે.

બીજી બધી વસ્તુઓનો વિસ્તાર - વૄધ્ધિ કરવાની સાથે સાથે કલ્યાણ કરવાની વૄત્તિનો વિસ્તાર પણ જરૂરી છે. અને આ શંકર જ કરી શકે.

આપણી શુધ્ધિ શંકર જ કરી શકે.

શંકર કરૂણાવતાર છે, કરૂણાવાન છે.

શંકરનાં નેત્ર અસંગ, શુભ, કમલ જેવાં છે.

શુધ્ધિમાં આંખની મહતા છે, સિધ્ધિમાં પાંખની મહતા છે.

હું સક્ષમ નથી પણ અમક્ષ જરૂર છું.

પક્ષી પાસે ચાંચ છે પણ તે બીજામાં ચંચુપાત નથી કરતું અને પક્ષી પાસે પાંખ છે પણ પક્ષપાત નથી કરતું. અને માણસ પાસે ચાંચ નથી અને પાંખ પણ નથી છતાંય તે ચંચુપાત કરે છે અને પક્ષપાત કરે છે.

હરિની બહું જ કૄપા થાય તો જ નિર્વિકાર બની શકાય.

રામને વનવાસ મળે છે પણ વનને રામવાસ મળે છે.

તારીખ ૦૧-૧૧-૨૦૦૯, રવિવાર

કૄપાના સેતુ ઉપર જે ચાલે તે ડૂબે નહીં.

જાનકીના આવ્યા પછી લંકા શ્રીલંકા બને છે. ( પહેલાં લંકા હતી અને શ્રી સ્વરુપે જાનકી આવતાં લંકામાંથી શ્રીલંકા બને છે.)

યુધ્ધમાં છળકપટ પણ એક શસ્ત્ર છે.

રુદ્રાષ્ટ્રકમ્‌ માં શંકર શબ્દ ૮ મી વાર આવે છે.

શંકરનું ૮ મું રૂપ ભજનીય રૂપ છે.

ઘણા લોકો - તત્વો વંદનીય હોય.

ઘણા લોકો - તત્વો વર્ણનીય - કથનીય હોય.

ઘણા લોકો - તત્વો સરાહનીય હોય.

ઘણા લોકો - તત્વો પૂજનીય હોય.

ઘણા લોકો - તત્વો દર્શનીય હોય.

ઘણા લોકો - તત્વો મનનીય - એકાંતમાં વિચારવા લાયક હોય.

ઘણા લોકો - તત્વો સેવનીય - સેવા કરવા જેવા હોય.

ઘણા લોકો - તત્વો ગયનીય - ગાવા યોગ્ય હોય.

ઘણા લોકો અનુભવનીય હોય.

જે ભજનીય હોય તે વંદનીય હોય, વર્ણનીય - કથનીય હોય, સરાહનીય હોય, પૂજનીય હોય, દર્શનીય હોય, મનનીય - એકાંતમાં વિચારવા લાયક હોય, સેવનીય - સેવા કરવા જેવા હોય, ગયનીય ગાવા યોગ્ય હોય, અનુભવનીય હોય.

શંકર ભજનીય છે અને ભજન કરવાની પ્રેરણા પણ શંકર જ આપે છે.

No comments:

Post a Comment