Translate

Search This Blog

Wednesday, May 4, 2011

રામ કથા - માનસ રામ ચરિત

રામ કથા

માનસ રામ ચરિત

જંગલનાથ મહાદેવ

નલિયા (કચ્છ – ગુજરાત)

તારીખ ૦૬, સપ્ટેમ્બર ૨૦૦૮ થી તારીખ ૧૪, સપ્ટેમ્બર ૨૦૦૮

મુખ્ય ચોપાઈ

રામચરિત અતિ અમિત મુનીસા l

કહિ ન સકહિં સતકોટિ અહીસા ll

તદપિ જથાશ્રુત કહઉં બખાની l

સુમિરિ ગિરાપતિ પ્રભુ ધનુપાની ll

…………..બાલકાંડ ૧૦૪ ~૧૦૫

હે મુનિવર, રામચરિત અપાર છે, સો કરોડ શેષનાગ પણ એનું વર્ણન કરી ન શકે. છતાં પણ વાણીના પ્રેરક સ્વામી ધનુર્ધારી શ્રી રામનું સ્મરણ કરીને જેમ સાંભળ્યું છે તેમ હું આપને કહું છું.

તારીખ ૦૬-૦૯-૨૦૦૮, શનિવાર

રામ ચરિત માનસમાં મુખ્યત્વે પાંચ ચરિત્ર છે. ઘણા સાત ચરિત્ર પણ વર્ણવે છે. જે નીચે પ્રમાણે છે.

૧ રામ ચરિત્ર

૨ સીતા ચરિત્ર

૩ ભરત ચરિત્ર

૪ હનુમંત ચરિત્ર

૫ ભૂષંડી ચરિત્ર

૬ શિવ ચરિત્ર

૭ ઉમા ચરિત્ર

રામ ચરિત માનસ જીવંત ગ્રંથ છે, જીવંત શાસ્ત્ર છે. અને તેથી જ તે આજના યુગમાં પણ સમકાલીન છે.

રામ ચરિત માનસ નિત નૂતન છે, જીવંત છે, પ્રાસંગિક છે, મહિમાવંત છે, અનંત છે.

રશિયન કવિના રુપાંતરનો ભાવાર્થ નીચે પ્રમાણે છે.

ગ્રંથે માણસ અને ઈશ્વરને બનાવ્યા છે. તેમજ માણસ અને ઈશ્વર ગ્રંથમાં જ સમાઈ જાય છે. અને તે બંનેના સમાઈ ગયા પછી તેમની જગા ખાલી જ રહે છે, તેમના પેંગડામાં કોઇ જ પગ ઘાલી શકતું નથી.

ઈશ્વર જો માણસ બની શકે તો માણસ પણ ઈશ્વર બની શકે.

હરિનામ જ આહાર છે.

જો કોઈ માંસાહારી વ્યક્તિ કતલખાનું જુએ તો તે પછી તે માંસાહાર બંધ કરી દે.

અન્ન બ્રહ્મ છે. તેથી રામ નામ આહાર છે અને અન્ન પણ છે.

આહાર સ્વાદુ અને પુરતો હોવો જોઈએ.

રામ નામ આહાર સ્વાદુ છે અને સંતુષ્ટી પણ છે. તેમજ અપચો ન થાય તે માટે ઔષધી પણ છે. અને ઔષધી બનાવનાર વૈદ્ય પણ રામ નામ છે.

રામ નામ બધાનું મૂળ છે.

ગુરુમાં પંચદેવ સમાવિષ્ટ છે.

નાસ્તિ તત્વં ગુરોઃ પરમ્. (ગુરુથી કોઈ શ્રેષ્ઠ નથી) …….ગંધર્વરાજ પુષ્પદંત

ગુરુ નબળો હોઈ શકે પણ ગુરુપદ નબળું ન હોય. ગુરુપદનો મહિમા છે.

આપણે એવી વ્યક્તિની ખોજ કરીએ છીએ જે આપણી પાસે જે સંભાવનાઓ – ક્ષમતાઓ છે તેનો સદઉપયોગ કરાવે.

આવી વ્યક્તિ મિત્ર, ગુરુ વિં હોઈ શકે.

વ્યક્તિ કરતાં વ્યક્તિનો વિચાર મહત્વનો છે અને વ્યક્તિના વિચાર કરતાં તેનો આચાર વધારે મહિમાવંત છે.

સદગુરુને જાણવો એ પાપ છે. પણ સદગુરુને ન જાણવો એ મહાપાપ છે. આનો અર્થ નીચે પ્રમાણે છે.

સદગુરુ જાણવાની વસ્તુ નથી પણ માણવાની વસ્તું છે. એટલે સદગુરુને જાણવો એ પાપ છે.

“સદગુરુ જાણવાની વસ્તુ નથી પણ માણવાની વસ્તુ છે” એ ન જાણીએ તો એ મહા પાપ છે.

“કુદરતકો ના મંજુર હૈ સખ્તી બયાનમેં

ઈસી લિયે રખ્ખી નહિં હડ્ડી જબાનમેં.

મેરે રુહકી હકીકત મેરે આંસુઓસે પૂછો;

મેરી મજલીસી તબસુમ મેરા તરજુમા નહિં હૈ.

તબસુમ – હસવું

મજલીસી – બધાની વચ્ચે

સદગુરુ આપણો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સફળ કરે.

સત્ય એ જ ગુરુ.

પ્રેમ એ જ ગુરુ.

કરુણા એ જ ગુરુ.

હનુમાનજીને પણ ગુરુ તરીકે સ્થાપી શકાય.

તારીખ ૦૭-૦૯-૨૦૦૮, રવિવાર

જો વક્તા શાસ્ત્ર તેમજ સદગુરુને સમર્પિત હોય તો તે કાયમ પ્રસન્ન જ રહે.

ગમતાનો કરીએ ગુલાલ. ………… મકરંદ દવે

પ્રાપ્ત કરેલા શુભને વહેંચવાથી નયન, મન, વચન – વાણી, પવિત્ર થાય અને જ્યારે નયન મન, અને વાણી પવિત્ર થાય એટલે જીવન પણ પવિત્ર થાય જ. માણસ જેટલો અંદરથી પવિત્ર તેટલો તે પ્રસન્ન રહે.

અને આવા શુભ તત્વને વહેંચવાથી તે કાર્ય કર્યાનો અહંકાર ન આવે તે માટે ભગવાનને સ્મરણમાં રાખીને કહેવું જોઈએ. યાજ્ઞવલ્ક ઋષિ પણ આવું જ કરે છે.

વિવેક વગર વક્તામાં સાવધાની ન આવે.

રોબર્ટ એન ટેસ્ટની વાત

રોબર્ટે તેના અંતિમ સમયે લખેલ વાતનો ભાવાર્થ નીચે પ્રમાણે છે.

રોબર્ટ ચક્ષુદાનની વાત કરે છે. તે કહે છે કે તેની આંખો એવી વ્યક્તિને આપજો કે જેણે કદી જિંદગીમાં સૂર્યોદય જોયો ન હોય.

રોબર્ટ કહે છે કે જેનું હ્નદય દુનિયા માટે દ્રવીભૂત થયું હોય તેવી વ્યક્તિને મારું હ્નદય આપજો જેથી તેની કરુણામાં મારી કરુણા ઓતપ્રોત થાય.

રોબર્ટ તેનું લોહી એવા યુવાનને આપવા જણાવે છે કે જે યુવાનને અકસ્માત થયો હોય; જેથી તેને લોહી આપવાથી તે અકસ્માતમાંથી બચી જાય અને તેના પૌત્રોને તેના ઘરના આંગણામાં રમતાં જોઈ શકે.

રોબર્ટ તેના અશ્થિ વિકલાંગને આપવા માગે છે જેથી તે વિકલાંગ હાલતો ચાલતો થઈ શકે.

રોબર્ટ કહે છે કે તમે મારું મગજ ખોલી તેમાંથી કામ લાગે તેવા ભાગો એવા મૂંગા બાળકને આપજો જેથી તે મૂંગો બાળક તેની મા ને મા કહીને બોલાવી શકે. કોઈ બહેનને આપજો જેથી કરી તે વરસાદનો ધ્વનિ સાંભળી શકે.

રોબર્ટ કહે છે કે તેના બિન ઉપયોગી અવયવોને બાળી નાખજો અને તેની રાખ કરી તે રાખને ઉડાડી દેજો જેથી તે રાખમાંથી સારી વનસ્પતિ ઊગી શકે.

રોબર્ટ લખે છે કે ત્રણને દાટી દેજો. મારા દોષ, મારી નબળાઈઓ અને મારા તેજોદ્વેષના લીધે પેદા થયેલ પૂર્વ ગ્રહને દાટી દેવાનું રોબર્ટ જણાવે છે.

રોબર્ટ તેના આત્માને પરમાત્માને સોંપવાનું અને તેના પાપને સેતાનને આપવા જણાવે છે.

અને તે છેલ્લે લખે છે કે જો તમે આ પ્રમાણે કરશો તો હું અમર થઈ જઈશ.

શિવ ચરિત્રને ચાર ભાગમાં વહેંચી શકાય; ચાર પડાવ પણ કહી શકાય.

શિવ ચરિત્રનો પ્રથમ ભાગ

પહેલો પડાવ કથા શ્રવણ છે. કથા શ્રવણ કરવાથી – શુભ શ્રવણ કરવાથી ચરિત્ર નો પ્રારંભ થાય, ચરિત્ર નિર્માણ થાય.

“અંતર જેનાં ઊંજળાં એની જાતુ ન જોવાય.”

તમારી કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ થાય ત્યારે બીજાને તમે નાના જ લાગો. ……..નિત્સે

“રામાયણ ગીતા મારી ઊડવાની પાંખો”

“રામાયણ ગીતા મારી અંતર આંખો”

“હરિએ દીધી છે મને ઊંડવાની પાંખો.”

કુંભજ ઋષિમાં શંકરે ઘડામાં શું ભર્યું છે તે જોયું જ્યારે સતીએ ઘડો જોયો.

ઘડામાંના અમૃતને પીવાનું હોય; ઘડો જોવાનો ન હોય.

“નકશા તો એના એ જ છે;

અને ભ્રમણો નવા નવા;

રસ્તા તો બધા એના એ જ છે;

પણ ચરણો નવા નવા.”

…………….હરિશભાઈ જોષી

સુંદરકાંડના પ્રસંગમાં સીતાજી હનુમાનજીને જોઈને મોઢું ફેરવી લે છે. અહી સીતાજી પણ ઘડો જુએ છે. કથા કોણ કહે છે એ ન જોવાનું હોય પણ એ કથામાં શું કહે છે તે જોવાનું હોય- સાંભળવાનું હોય.

શિવજીની જેમ કથા શ્રવણ કરીએ તો પાછા ઘેર જતા જતા – ઘેર પહોંચતા પહેલાં રામના દર્શન થાય.

સમયનું બહું મહત્વ છે.

માણસ મોટો નથી પણ કાળ મોટો છે.

આપણો સમય ક્યારે આવશે તે આપણો ગુરુ જ જાણતો હોય છે. વિશ્વામિત્ર ધનુષ્ય ભંગનો સમય જાણતા હોવાથી જ્યારે તે સમય આવે છે ત્યારે જ તે રામને તે માટે સંકેત કરે છે.

સમયનું ભાન ન હોય તો માણસ સફળ ન થાય.

ગુરુ મને કહેશે એવી રાહ જોવી એ પણ તપસ્યા છે, સાધના છે.

“બ્રહ્મ સત્ય, જગત મિથ્યા” …. આદિ શંકર

અહીં મિથ્યાનો અર્થ તકલાદી, ટકાઉ ન હોય તેવું, અશાસ્વત એવો થાય છે.

ડોલરકાકાના મત અનુસાર જગત સત્ય છે. સત્યમ પરમ ધિમહિ. જગત સત્ય છે – જે દેખાય છે તે સત્ય છે. પણ તે દેખાતા સત્ય પાછળ જે નથી દેખાતું તે પરમ સત્ય છે.

બુધ્ધિ તત્વ આપે, જ્યારે હ્નદય સત્ય આપે.

બૌધિક વ્યક્તિ પ્રતિક્ષા ન કરે પણ પરીક્ષા કરે. સતી બુધ્ધિમાન બાપની દીકરી હોવાથી તે રામની પરીક્ષા કરે છે.

સંશય વિશ્વાસને સાથે ન લઈ જાય. સતી રામમાં સંશય કરે છે અને પરીક્ષા કરવા એકલી જ જાય છે. સાથે વિશ્વાસને – શંકરને નથી રાખતી.

Men are bad but man is not bad. …… Tagore

ટાગોર એક પ્રશ્નના જવાબમાં કહે છે કે તેમની અંતિમ સલામ એને હજો જેણે તેમની નબળાઇઓ જાણવા છતાં ય તેમને પ્રેમ કર્યો હોય.

ગુરુ આપણી નબળાઇઓને જાણવા છતાં ય આપણને પ્રેમ કરે છે.

શિવ ચરિત્રનું બીજું ચરણ

શિવ ચરિત્રનું બીજું ચરણ કથા શ્રવણને ચરિતાર્થ કરે એવો વિવેક છે.

શિવજી સતી વિશે બધું જાણવા છતાં ય સતીને કંઈ જ ન કહેતાં, કોઈ જ જાતનો ઠપકો ન આપતાં, મનોમન જ સંકલ્પ કરે છે. આ કથા શ્રવણનો વિવેક છે.

શિવ સંકલ્પ – શુભ સંકલ્પ જાહેર કરવાના ન હોય.

શિવ ચરિત્રનો ત્રીજો પડાવ

શિવ ચરિત્રનો ત્રીજો પડાવ શાંત બેસી જવું છે. ભગવાન શિવજી કૈલાસ પહોંચી શાંત બેસી જાય છે અને તેમને ધ્યાનમાં ૮૭૦૦૦ વર્ષ લાગે છે.

યજ્ઞ બદલો લેવા માટે ન હોય, બલિદાન માટે હોય.

શિવ ચરિત્રનો ચોથો પડાવ

શિવ ચરિત્રનો ચોથો પડાવ તમસ્યા છે.

પાર્વતિ શિવજીને પ્રાપ્ત કરવા તપ કરે છે અને શિવજી પણ સતીના વિરહમાં તપ કરે છે.

તારીખ ૦૮ સપ્ટેમ્બર ૨૦૦૮, સોમવાર

કૃષ્ણ દર્શનની લાલસા જ ગોપી છે.

શૈવ અને વૈષ્ણવો વચ્ચે સેતુબંધની વાત તુલસી કરે છે.

બધા વેચાવા તૈયાર છે પણ વહેંચાવવા તૈયાર નથી.

જ્યારે કોઈ પણ વસ્તું કે વ્યક્તિનો પડછાયો બહું લાંબો દેખાય ત્યારે સમજવું કે સૂર્યાસ્તની તૈયારી છે.

જ્યારે બહું નાની વ્યક્તિની પ્રતિષ્ઠા બહું મોટી દેખાય ત્યારે સમજવું કે તેનો અંત નજદિક છે.

વ્યક્તિને મરવું એટલે નથી ગમતું કે તેને ચિંતા છે કે તેના મર્યા પછી બીજા દિવાળી કરશે.

સત્યના આશ્રિતે તપ કરવું પડે; તપવું પડે. દાન એ જ પ્રેમ છે; પ્રેમ સર્વ શ્રેષ્ઠ દાન છે. કરુણા એ યજ્ઞ છે. યજ્ઞમાં દ્રવીભૂત આંસુની આહુતિ આપવાની હોય, જે કરુણા છે.

સત્ય, પ્રેમ અને કરુણા એટલે તપ, દાન અને યજ્ઞ.

સત્ય, પ્રેમ અને કરુણા એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાન એ સત્ય છે; ભક્તિ એ પ્રેમ છે અને કર્મ એ કરુણા છે.

સત્ય, પ્રેમ અને કરુણા એટલે મન, વચન અને કર્મ. મન એ પ્રેમ છે; વચન એ સત્ય છે અને કર્મ એ કરુણા છે.

રામચન્દ્રજીની જય એ સત્યની જય છે, બાલકૃષ્ણ ભગવાનની જય એ પ્રેમની જય છે અને સદગુરુ ભગવાનની જય એ કરૂણાની જય છે. તેમજ હરહર મહાદેવ એ આ ત્રણે ય જય ઉપર મંજુરીનો સિક્કો, છાપ, મહોર છે.

ઈશ્વરને કાર્ય કારણના નિયમો લાગું ન પડે.

રામાવતારના મુખ્ય પાંચ કારણ છે.

જલંધર અને વૃંદાનું કારણ

અહીં ભગવાન વિષ્ણુ છળ કરી જલંધરને મારે છે અને તેથી શ્રાપ વશ તેમને અવતાર લેવો પડે છે. જલંધર રાવણ રુપે જન્મે છે. છળથી રાવણ જ પેદા થાય.

જય વિજયનું કારણ

જય વિજય વિષ્ણુના દ્વારપાળ છે.

અહીં જય વિજય અને સાધુને અહંકાર આવે છે અને તેના પરિણામે જય વિજય રાવણ કુંભકર્ણ રુપે જન્મે છે.

અહંકારથી રાવણ જ જન્મે.

માણસમાં પણ તેના અહંકારના લીધે તેનામાં રાવણ વૃત્તિ પેદા થાય છે, રાવણ પેદા થાય છે.

નારદનું કારણ

નારદમાં કામ, ક્રોધ અને લોભ પેદા થાય છે અને તેના શ્રાપ વશ રાવણ જન્મે છે.

મનુ સત્રુપાનું કારણ

અહીં ભજન ભક્તિ છે અને તેનાથી ભગવાન રામ અવતરે છે.

પ્રતાપભાનુંનું કારણ

અહીં લોભવશ રાવણ, કુંભકર્ણ અને વિભિષણનો જન્મ થાય છે.


તારીખ ૦૯-૦૯-૨૦૦૮, મંગળવાર

શાસ્ત્રિય સંગીતમાં લય એટલે એક તાલથી બીજા તાલ વચ્ચેના અનુંસંધાનનો ગાળા જેના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે.

૧ વિલંબિત લય

૨ મધ્ય લય

૩ દ્રુત લય

રામાયણના વક્તાઓ આ ત્રણ ગતિમાં ચાલે છે.

યાજ્ઞવલ્ક ઋષિની ગતિ મધ્ય ગતિ છે. યાજ્ઞવલ્ક પરમ વિવેકી મહા પુરુષ છે. જ્ઞાનીની ગતિ મધ્ય ગતિ હોય.

કાકભૂષંડીની ગતિ દ્રુત ગતિ છે.

તટસ્થ એટલે એક પક્ષીય. તટ એટલે કિનારો.

નરસિંહ ભગવાનથી નરસંહ મહેતા સુધીના બધા જ સમ ગતિમાં છે.

ગિરનાર અમારી છાતી

નરસૈયો અમારી નાતી છે.

આવ્યું એટલું ઉડાડી દેવું

ઈશ્વર નક્કી ગુજરાતી છે.

……………………..હરદ્વાર ગોસ્વામી

વિષયી માણસ દ્રુત ગતિએ ચાલે અને વિષયી ગતિ વાળા માણસને લક્ષ્ય ન મળે એટલે નિરાશ થાય.

બે પ્રકારના આશ્રિતો હોય છે.

૧ બલ્બ જેવા

બલ્બની સ્વીચ બંધ કરતામ તરત જ બલ્બ બંધ થઈ જાય છે. તે પ્રમાણે આવા પ્રકારના આશ્રિતો સદગુરુના ઈશારે જ કાર્ય કરે. જેવો બંધ કરવાનો ઈશારો થાય એટલે તરત જ બંધ થઈ જાય. સદગુરુના ઈશારા પ્રમાણે જ કાર્ય કરે. આવા આશ્રિતો જો દ્રુત ગતિમાં હોય તો પણ સદગુરુના ઈશારે ગતિ બંધ કરી દે.

૨ પંખા જેવા

પંખાની સ્વીચ બંધ કર્યા પછી પણ પંખો થોડો સમય ચાલું રહે છે, થોડી ગતિ કરે છે. તે પ્રમાણે આવા પ્રકારના આશ્રિતો સદગુરુના ઈશારે બંધ તો થઈ જાય પણ પંખાની સ્વિચ બંધ કર્યા પછી પણ પંખો થોડો સમય ગતિમાં રહે છે તેમ આવા આશ્રિતો પણ પોતાના અહંકારને પોષવા થોડો સમય કાર્યરત રહે.

મઠના મહંત થવા કરતાં મનના મહંત થવું વધારે યોગ્ય છે.

તારીખ ૧૦-૦૯-૨૦૦૮, બુધવાર

કાન સાંભળવાવાળું સ્થુલ ઉપકરણ છે.

મસ્જિદકી અજા હો યા શિવાલયકા નાદ.

જથાશ્રુત એટલે જેમ છે તેમ.

રસના નવ પ્રકાર છે.

શૃંગાર રસ

અદભૂત રસ

ભયાનક રસ

બિભત્સ રસ

શાંત રસ

રૌદ્ર રસ

હાસ્ય રસ

વીર રસ

ખુદ સંભલના ઔર ખુદાકો સંભાલના.

કલહ વગરની કાયા એ જ અયોધ્યા છે. ……..પૂજ્ય ડૉગરે બાપા

જ્યાં યુધ્ધ નથી તે અયોધ્યા છે.

આપણી વધતી જતી ઈચ્છાઓના અનંતપણામાંથી વનવાસ પેદા થાય.

વૈરાગ્યનો જન્મ વિવેકમાંથી થવો જોઈએ.

જ્ઞાનનો જન્મ શ્રધ્ધામાંથી થવો જોઈએ.

ભક્તિનો જન્મ વિશ્વાસમાંથી થવો જોઈએ.

ત્યાગ એટલે શ્રેષ્ઠનો સ્વીકાર.

વિવેક સતસંગમાંથી જન્મે.

બિનુ સતસંગ વિવેક ન હોઈ

રામ કૃ્પા બિના સુલભ ન સોઈ.

સતસંગ ન થાય તો વાંધો નથી પણ નિચનો સંગ તો ન જ થવો જોઈએ. નર્કમાં નિવાસ કરવો પડે તો કરવો પણ દુર્જનનો સંગ ન કરવો.

કાન પાસેના સફેદ વાળ કાનમાં કહે છે કે હવે નિવૃત્તિ ક્રમશઃ શરુ કરવાનો સમય આવી ગયો છે.

તારીખ ૧૧-૦૯-૨૦૦૮, ગુરુવાર

રામ રાજ્ય ગાદી ઉપર બેસવાથી ન આવે.

ભરતજી નંદીગ્રામમાં ધરતીમાં ખાડો ખોદી તેમાં ગુફા બનાવીને રહે છે અને પાદુકાને પૂછી પૂછીને રાજ્યનો કારભાર ચલાવે છે. ગુફા ધરતીમાં ખાડો ખોદવાથી બનાવી છે એટલે ગુફા ધરતીની પુત્રી છે. સીતા પણ ધરતી પુત્રી છે. ભરત ઉપર જુએ છે તો નીલ આકાશ દેખાય છે. ભગવાન રામ નીલામ્બર છે. આમ ભરત સીતા માતાના ખોળામાં બેસી પિતા રામની છત્ર છાયા નીચે રાજ્યનો કારભાર ચલાવે છે.

આપણે બીજાને સુધારવાની જરુર નથી. પોતાની જાતને સુધારો અને બીજા બધાને સ્વીકારો.

જ્યાં હોમ થતો હોય તે જ home કહેવાય.

વિપ્ર એટલે જેના જીવનમાં વિવેકની પ્રધાનતા છે તે.

અન્ન બ્રહ્મ છે અને બ્રહ્મ રુપી અન્નને જે પકાવે તે બ્રાહ્મણ કહેવાય.

બધાને પ્રિય થવું હોય તો બધાનું હિત કરો; બધા પ્રત્યે મૈત્રી કરો; બધાનું કલ્યાણ કરો.

આપણા ઉપર જે સુખ દુઃખ આવે છે તે હરિની ઈચ્છા પ્રમાણે આવે છે. …..સવા ભગત

પ્રસંશા અને નીંદા એ બંનેને સમાન ગણો.

ઘાસલેટની દુકાનેથી ઘી ન મળે અને જો મળે તો તે ઘી માં ઘાસલેટની ગંધ આવે જ.

સત્ય બોલો પણ પ્રિય સત્ય બોલો.

કર્મ બ્રહ્મના બાપને – દશરથને – પણ છોડતું નથી.

દશરથ રાજા તેમના અંત સમયે ૬ વખત રામ બોલે છે. સંતોએ આ ૬ ના અનેક અર્થ કર્યા છે; જે પૈકીના કેટલાક અર્થ નીચે પ્રમાણે છે.

દશરથ રાજા રામ વિયોગના વિરહના છઠ્ઠા દિવસે પ્રાણ તજે છે તેથી ૬ વખત રામ બોલે છે.

દશરથ રાજા મહાન જ્ઞાની છે અને તે જ્ઞાનની છઠ્ઠી ભૂમિકાએ પહોંચી પ્રાણ તજે છે તેથી ૬ વખત રામ બોલે છે.

રામનું નામ એ છએ શાસ્ત્રોનો સાર છે તેથી દશરથ રાજા ૬ વખત રામ બોલે છે.

દશરથ રાજા રામ, સીતા અને લક્ષ્મણ એ ત્રણેને રામ રામ કરે છે. એક વ્યક્તિને રામ રામ કરવા બે વખત રામ બોલવું પડે. આમ રામ, સીતા અને લક્ષ્મણને રામ રામ કરવા દશરથ રાજા છ વખત રામ બોલે છે.

ભરત કુશાસન – દર્ભાસન ઉપર બેસી સુશાસન આપે છે જ્યારે અત્યારે ઊલટું છે.

જીવ દ્વેષી, ક્રોધી, કામી હોય જ્યારે જીવન એટલે કે જગજીવન – પરમાત્મા દ્વેષી, ક્રોધી, કામી ન હોય.

Life એ જ પરમાત્મા છે.

જગતને જગદીશથી ભિન્ન ન કરાય.

સંગીતમાં જેની રુચી હોય તે તુલનામાં ભૂલો ઓછી કરે.

I can not choose the best but the best chooses me. ……Ravindranatha Tagore

વાલ્મીકિ ઋષિ રામને તેમના નિવાસ કરવા માટે ૧૪ સ્થાન બતાવે છે.

૧૪ સ્થાનનો સંદર્ભ એવો છે કે રામને ૧૪ વર્ષનો વનવાસ છે અને બ્રહ્માંડ પણ ૧૪ છે.

પાંચ જ્ઞાનેન્દ્રીય, પાંચ કર્મેન્દ્રીય અને મન, બુધ્ધિ, ચિત અને અહંકાર મળી ૧૪ થાય.

૧૪ સ્થાન એ ૧૪ પ્રકારના ભક્તોની ચર્ચા છે.

ભક્તિનો આરંભ શ્રવણથી થાય; જ્ઞાનનો પ્રારંભ દર્શનથી થાય.

કથા શ્રવણ ભક્તિનો આરંભ છે.

કથા શ્રવણ પરમ સદભાગીને જ મળે.

આપણે ટ્ર્કની ચોરી થાય તેવું સાંભળ્યું છે પણ રેલ્વેની ચોરી થઈ શકતી નથી. રેલ્વે તેના બે ટ્રેક વચ્ચે જ ચાલે છે તેથી તેની ટ્રકની માફક ચોરી થતી નથી. જીવન પણ રેલ્વેની જેમ બે ટ્રેક ઉપર હશે તો કોઈ ચોરી નહિં જાય.

જેની દ્રષ્ટિ હરિ દર્શનથી તૃષ્ટ થઈ જાય છે, જેના નેત્રમાં હરિ દર્શનની ચાહ છે તેનામાં નિવાસ કરવો.

પાણીમાંથી જેમ હંસ મોતીનો જ ચારો ચરે છે તેમ જે શુભ હોય તે જ જુએ; અને અશુભ તરફ નજર જ ન નાખે.

આપણે જે શુભ જોઈએ તે લઈ લેવું જોઈએ.

દોષ દર્શન બંધ થઈ જાય તો હરિ દર્શન થાય.

અપ દિવો ભવ

પોતે પ્રગટાવેલો દીવો કોઈ ઓલવી નહિં શકે.

Life is God.

જે કંઈ સામગ્રી આપણી પાસે છે તે દ્વારા જ ભક્તિ કરવી.

પ્રસાદની સુગંધી લઈએ તોય ગતિ થઈ જાય.

પ્રસાદ એટલે કૃપા.

નાસિકાને ગુરુની ગંધ આવે.

ગ્રુરુની કૃપાને જે નાસિકા મહસુસ કરે એના હ્નદયમાં નિવાસ કરો.

કૈકેયીની મમતાએ રામ રાજ્ય ૧૪ વર્ષ સુધી અટકાવી દીધું.

જે તનની સેવા પોતે ન કરી શકે એ વતનની સેવા કેવી રીતે કરી શકે? આપણે આપણા શરીરને લગતાં કાર્ય જાતે જ કરવાં જોઈએ.

મંત્ર રાજ એટલે મહા મંત્ર જે રામ નામ છે.

મંત્ર રાજનો એક અર્થ એવો પણ છે કે તમારો મંત્ર (રામનો મંત્ર) જે શિવ મંત્ર છે તેને સ્વીકારે.

તારીખ ૧૨-૦૯-૨૦૦૯, શુક્રવાર

આધ્યાત્મમાં સ્થુળમાંથી સુક્ષ્મ તરફ ક્રર્મશઃ પ્રમાણિકપણે ગતિ કરવાની હોય.

વસુ કરતાં વસ્તુ વધારે મહત્વની છે. વસ્તુ કરતાં વ્યક્તિ વધારે મહત્વની છે. વ્યક્તિ કરતાં તેનો વિવેક મહાન છે. વિવેક કરતાં વૈરાગ્ય મહત્વનો છે.

વિવેક નિરાકાર છે.

આપણને ન આવડતું હોય તેની આલોચના કરવી મૂઢતા છે.

વક્તા લંબાણ પૂર્વક બોલતાં બોલતાં ક્રમશઃ મૌન તરફ જાય છે અને છેલ્લે મૌન થઈ જાય છે.અને છતાંય શ્રોતાને આનંદ અનુભવાય છે; મૌનમાં જ વ્યાખ્યાન પણ થાય છે અને શ્રોતાના સંદેહ પણ દૂર થાય છે.

વક્તા જ્યારે વ્યાસ ગાદિ ઉપર બિરાજમાન થઈ કથા કહે છે ત્યારે તેના માથા ઉપર કોઈક અજ્ઞાત ચેતનાનો હાથ હોય છે અને તે અજ્ઞાત ચેતનાના સંકેત અનુસાર કથા પ્રવાહ ચાલે છે; વક્તાને તેનું વ્યક્તવ્ય તૈયાર કરવાની આવશ્યકતા રહેતી નથી; કોઈ જાતની તૈયારી કરવાની રહેતી નથી.

જળાશયનું બધું પાણી આપણે પી શકતા નથી. એ જળાશયમાંથી ઘડો ભરી, એ ઘડામાંથી લોટો ભરી પછી એ લોટામાંથી આપણી પ્યાસ હોય તેટલું જ પાણી આપણે પીએ છીએ.

જેટલા આંખના પલકાર ઓછા તેટલું મગજ વધારે ચાલે.

આધ્યાત્મ માણસ ધરતી સાથે જોડાયેલો હોય છે.

મા નો ખોળો ખુંદાય; કુદાય નહિં.

ભૂમિ ઉપર આરામ ત્યારે જ મળે જ્યારે ભૂમિ સાથે સંપર્ક રહેલો હોય. ભૂમિ સાથે જેટલો સંપર્ક વધારે તેટલો આરામ વધારે મળે. માણસ જ્યારે ધરતી ઉપર ઊભો હોય ત્યારે તેના પગ પુરતો જ સંપર્ક હોય છે. જ્યારે તે પલાંઠી વાળી બેસે છે ત્યારે તેનો ભૂમિ સાથેનો સંપર્ક વધતાં ઊભા કરતાં વધારે આરામ મળે છે અને જ્યારે તે ભૂમિ ઉપર સુઈ જાય છે ત્યારે આખું શરીર ભૂમિના સંપર્કમાં રહેતાં વધારે આરામ મળે છે.

આધ્યાત્મિક વ્યક્તિ જરુર પુરતું જ બોલશે.

વ્યક્તિમાં પ્રેમ પ્રગટે એટલે પરમાત્મા પ્રગટે જ.

“પ્રેમ તે પ્રગટ ભયે કૃપાલા”

પ્રેમના પ્રગટ થવાના બે કારણ છે, બે રસ્તા છે.

બાલકાંડની અવસ્થામાં પ્રેમ સંયોગથી પ્રગટે અથવા વિયોગથી પ્રગટે. જ્યારે ઉત્તરકાંડની અવસ્થામાં ભરોંસામાંથી પ્રેમ પગટે.

સંયોગથી પ્રગટેલો પ્રેમ દીર્ઘાયુ હોય પણ તેવો પ્રેમ ક્યારે ક સમય બધ્ધ હોય. જેના સંયોગથી પ્રેમ પ્રગટ્યો હોય તે વ્યક્તિ ન રહેતાં પ્રેમ ન પણ રહે. જ્યારે વિયોગથી પ્રગટેલો પ્રેમ વધારે દીર્ઘાયું હોય છે.

સમજદાર પ્રેમી સંયોગી અને વિયોગી પ્રેમમાંથી વિયોગી પ્રેમને પસંદ કરે.

સંયોગ અને વિયોગ ક્યાંથી પ્રગટે?

સંયોગ અને વિયોગ દ્વૈતમાંથી-બેમાંથી પ્રગટે. બે જ્યારે ભેગા થાય કે જુદા પડે ત્યારે પ્રેમ પ્રગટે. કૃષ્ણ અને રાધા એ બે હોય ત્યારે જ પ્રેમ પ્રગટે. એકલી રાધા કે એકલા ક્ર્ષ્ણથી પ્રેમ ન પ્રગટે.

દ્વૈત ક્યાંથી પ્રગટે?

દ્વૈત અજ્ઞાનતામાંથી- મૂઢતામાંથી જન્મે. હું, તું, મારું, તારું વિ. અજ્ઞાનતાના લીધે જ જન્મે.

અજ્ઞાન ક્યાંથી જન્મે?

અજ્ઞાન કુસંગમાંથી જન્મે.

પ્રેમનો ઘાટ પંચમ ઘાટ છે જ્યાંથી પ્રેમ યજ્ઞની કથા થાય છે.

આપણે બધા જંતુ છીએ.

આપણામાં જેમ જેમ પ્રેમની માત્રા ક્ર્મશ; વધતી જાય તેમ તેમ આપણે જતુમાંથી મનુષ્ય, મનુષ્યમાંથી સાધક, સાધકમાંથી સિધ્ધ, સિધ્ધમાંથી શુધ્ધ, શુ્ધ્ધમાંથી સંત સમજાય તેવા અને સંત સમજાય તેવામાંથી સતસંગ કરતા થઈએ છીએ અને સતસંગ કરતાં કરતાં મોક્ષ દ્વાર ખૂલી જાય તે અવસ્થાએ પહોંચીએ છીએ.

આપણી સમૃધ્ધિ વધી છે પણ તેની સાથે સાથે વહેમ પણ વધ્યો છે; વિશ્વાસ નથી વધ્યો.

ગુરુ ડરાવે નહિં પણ અભય કરે.

જેનો અપરાધ કર્યો હોય તેની માફી માગવાની હોય; ભગવાનની માફી માગવાની ન હોય. આપણે અપરાધ કરનારની માફી માગી પછી ભગવાન પાસે જઈ તેને કહેવાનું હોય કે હે પ્રભુ મેં જેનો અપરાધ કર્યો હતો તેની માફી માગી લીધી છે અને આ માટે તને સાક્ષી રાખવા હું તારી પાસે આવ્યો છું.

કોઈના સુખી દંપત્ય જિવનમાં વહેમ રાખી ચચુપાત ન કરાય.

અત્રી ઋષિએ કરેલ રામ સ્તુતી ગુરુવારે ગવાતી સ્તુતી છે.

તુલસીદાસજીએ ચાર પ્રકારની નારીનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ચાર પ્રકારના પુરુષના પણ ભાગ પાડી શકાય.

તુલસીદાસજીએ નવ સાથે વિરોધ ન કરવો તેવું જણાવ્યું છે.

“તબ મારીચ હ્નદયં અનુમાના l

નવહિં બિરોધેં નહિં કલ્યાના ll

સસ્ત્રી મર્મી પ્રભુ સઠ ધની l

બૈદ બંદિ કબિ ભાનસ ગુની” ll

……………………પાન ૭૨૩

ત્યારે મારીચે મનમાં વિચાર્યું કે અસ્ત્રધારી, મર્મ જાણવા વાળો, માલિક, દુષ્ટ, ધનવાન, વૈદ્ય, બંદિજન, કવિ અને રસોયા આ નવ જણનો વિરોધ કરવામાં કલ્યાણ નથી.

૧ શસ્ત્રધારી

૨ આપણો ભેદ જાણનાર

૩ સમર્થ, શક્તિશાળી

૪ લુચ્ચો માણસ

૫ ધનવાન

૬ વૈદ્ય; ડૉક્ટર, હકિમ

૭ બંદિજન

૮ કવિ, સર્જક

૯ ભાનસ – રસોઈઓ

જટાયુ પહેલો સત્યાગ્રહી છે.

રામજી શબરીને નવ પ્રકારની ભક્તિનું વર્ણન જણાવે છે.

૧ સંતનો સંગ

સંતને ગણવેશ ન હોય, ગુણવેશ હોય.

જેનો કોઈ દિવસ અંત ન થાય તે સંત.

જે કોઈ વાતમાં તંત-વિરોધ ન કરે તે સંત.

જે શ્રાપ ન આપે, જે ક્રોધ ન કરે, જે મનનો મહંત હોય તે સંત.

૨ કથામાં રુચી

જેનામાં કથામાં રુચી હોય અને તે રુચી વધતી રહે, કથામાં ભાવ હોય તેમ જ તે ભાવ વધતો રહે.

૩ માન રહિત

માન છોડીને ગુરુની સેવા કરે, શિષ્યએ કદી બડાઈ ન કરવી જોઈએ. જે અભિમાન યુક્ત હોય.

૪ કપટ છોડીને ગુણગાન ગાય.

૫ વિશ્વાસથી મારો કોઈ પણ મંત્ર જપે.

મંત્ર માટે વિધી નહિં પણ વિશ્વાસ જોઈએ.

૬ ઈન્દ્રીયોનું નિયંત્રણ

વાણી, વિચાર અને આચરણમાં શીલ હોય. બહું કર્મોમાંથી નિવૃત્તિ. અત્યંત પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ.

૭ જગતને ઈશ્વરમય જોવું.

વિષ્ણુ કરતાં વૈષ્ણવ મોટો લાગે.

૮ પુરુષાર્થ પ્રમાણે જે પરિણામ આવે તેને સ્વીકારે.

પ્રમાદ તો મૃત્યું છે.

સ્વપ્નામાં પણ દોષ ન જોવા.

૯ સરળ જીવન જીવવું; ભરોંસાનું જીવન જીવવું; હર્ષ કે શોક ન રાખવો.

તારીખ ૧૩-૦૯-૨૦૦૮, શનિવાર

સદગુરુ મારે કે તારે?

આ પ્રશ્ન ઘણા મહાનુભાવોએ પૂછેલો છે અને અનેક મહાન વ્યક્તિઓએ તેના જવાબ પણ આપ્યા છે.

રજબનો જવાબ નીચે પ્રમાણે છે.

ગુરુ પહેલાં મારણહાર હોય પછી તારણહાર બને.

કોઈ પણ પાત્રને ખાલી ન કરવામાં આવે ત્યાં સુધી તે પાત્રમાં અન્ય વસ્તું ભરી શકાતી નથી. શિષ્યમાં શુભ વિચારને ભરવા માટે પહેલાં તેનામાં રહેલ અશુભ વિચારને કાઢવા જ પડે અને તો જ તેનામાં શુભ ભરી શકાય. આ કામ ગુરુ કરે છે.

જુના પુરાણા મંદિરનો જિર્ણોધાર કરવા માટે તેની દિવાલોને તોડવી જ પડે.

સાચો સદગુરુ કંઠી ન આપે પણ કંઠ પકડે.

મુંડન કરાવવું એટલે જુના અને નકામા તર્કનો, વિચારોનો નાશ.

જે ગરદન કપાવવા તૈયાર હિય તેની જ ગરદન સલામત છે.

પહેલાં પ્રહાર પછી જ પ્રસાદની પ્રાપ્તિ થાય.

સદગુરુ એ છે જેનો ક્રોધ પણ મોક્ષનો દરવાજો ખોલી દે.

જે સદગુરુ શિષ્યના વખાણ કરે શિષ્યની વાહવાહ કરે તેવા સદગુરુની જરુરિયાત નથી.

ગુરુને જગ કલ્યાણની વ્યગ્રતા હોય.

આપણે પોતે પોતાની વસ્તુને મારી શકતા નથી; આપણે આપણા મનને મારી શકતા નથી. તેથી આવા મનને મારવા માટે ગુરુની જરુર છે. ગુરુ જ આપણા મનને મારી શકે.

ગુરુનો મહિમા અનંત છે.

ગ્રુરુ કુંભાર છે અને શિષ્ય માટી છે. કુંભાર જેમ માટીને વિવિધ પ્રકારની પ્રક્રીયા કરી સુંદર માટલું તૈયાર કરે છે જેમાં ત્યાર પછી પાણી ભરી શકાય છે. તેવી જ રીતે ગુરુ પણ શિષ્યને વિવિધ પ્રકારની પ્રક્રીયામાંથી પસાર કરી સારો માણસ બનાવે છે.

ગુરુનો પંજો સાવજનો પંજો છે.

શંકર ત્રિભુવન ગુરુ છે.

તુમ ત્રિભુવન ગ્રુરુ બેદ ભખાના

વિશ્વનાથ મમ નાથ પુરારી

ત્રિભુવન મહિમા બિદિત બખાના

પહેલાં મારક એ તારવાની વિદ્યા છે.

ગુરુ શિષ્યને શ્લોક ન આપે તો તેનો વાંધો નથી પણ ગુરુએ શિષ્યનો શોક હરી લેવો જોઈએ.

ઓપરેશન કર્યા પછી ટાંકા લેવા પડે.

સદગુરુની આંખ સૌથી વધું ઊર્જાયુક્ત હોય છે.

વસ્તું કોના હાથમાં છે તે પ્રમાણે તેમાંથી અન્ય ચીજ બને.

આપણે જો કંઈ કરી શકવા શક્તિમાન ન હોઈએ તો જે કરી શકે તેવા સમર્થની-ગુરુની શરણમાં , ગુરુના ભરોંસે રહેવું જોઈએ.

જે ઢાંકે તે ગુરુ, ઊઘાડા કરે તે ગુરુ ન કહેવાય.

ગણોના અધિપતિ ગણેશ છે.

ગુણોના અધિપતિ ગુણપતિ છે.

ગ્રહના અધિપતિ ગ્રહપતિ છે.

ગૃહના અધિપતિ ગૃહપતિ છે.

ગુલના અધિપતિ ગુલપતિ-માળી છે.

રામ ગિરાપતિ છે. ગિરાપતિ એટલે વાણીના અધિપતિ.

માનવીનો બધો આધાર તેની વાણી ઉપર છે.

જીભ સ્વાદનું અને બોલવાનું કાર્ય કરે છે.

Think twice before you speak.

વિચારીને યાર ઉચ્ચાર વાણી.

પાંચ પ્રકારની વાણી છે.

નભવાણી - આકાશવાણી,

શબ્દ આકાશનો ગુણ એ. નભવાણી કૃપા વાણી હોય. ગુરુની કૃપા હોય તો સાધકમાં નભવાણી આવે.

આસમાસે ઉતારા ગયા હૈ

જિન્દી દે કે મારા ગયા હૈ.

નાભીવાણી

નાભીમાંથી-મૂલાધારમાંથી નીકળેલી વાણી.

રાવણ અંત સમયે મૂલાધરમાંથી એક જ વખત રામ બોલે છે અને તેનો ઉધ્ધાર થઈ જાય છે.

નીજવાણી

હ્નદયમાંથી બોલાતી વાણી, પોતાની મૌલિક વાણી, વિશિષ્ટ પધ્ધતિની વાણી.

નીર વાણી

ઝરણાના ખડખડાટ જેવી વાણી, પાણી જેવી વિશુધ્ધ વાણી.

નાગરી વાણી

નાગરોની વાણી જેવી મીઠી વાણી.

આ પાંચે ય પ્રકારની વાણીનું કેન્દ્ર સ્થાન ગિરાપતિ રઘુનાથજી છે.

જીવન ગતિશીલ હોવું જોઈએ.

વ્યવહારમાં નીચેની ત્રણ પરિસ્થિતિથી બચવું જોઈએ.

૧ ખોટા સ્થાનથી, ખોટી જગાથી દૂર રહેવું જોઈએ.

૨ ખોટા સાહિત્ય અને ખોટી ચેનલોથી બચવું જોઈએ.

૩ ખોટાના સંગથી દૂર રહેવું જોઈએ.

જ્યારે કોઈનો અંતરંગ પરિચય લેવાનો હોય ત્યારે નમીને પ્રશ્ન પૂછવો જોઈએ.

ભક્તિની શોભા એ વધારી શકે જે પ્રણામ કરી શકે.

તારીખ ૧૪-૦૯-૨૦૦૮, રવિવાર

ઈશ્વરની કૃપાની પરીક્ષા ન કરાય, સમીક્ષા કરાય.

જય પરાજય; સુખ દુઃખ, ગરીબી અમીરી એ બધું ઈશ્વરની કૃપા જ છે.

સતસંગમાં જવું એજ સ્વર્ગ નિવાસ છે. …….ચાણક્ય

દંતાલીના સ્વામી પૂજ્ય સચ્ચિદાનંદજીએ સતસંગ કેવી રીતે થવો જોઈએ તે માટે નીચે પ્રમાણેના પાંચ પ્રકાર બતાવ્યા છે.

૧ સતસંગ ફક્ત અર્થ પ્રાપ્તિ માટે ન થવો જોઈએ.

૨ કથા કે સતસંગ કોઈ પણ સંપ્રદાયના શિષ્યો કે કોઈ ગ્રુપના માણસો વધારવા માટે ન થવો જોઈએ.

૩ કર્તવ્ય કે ફરજ ચૂકી જવાય તેવો સતસંગ કે કથા ન થવી જોઈએ.

૪ ઘરબાર છોડાવી દે તેવો સતસંગ કે કથા ન થવી જોઈએ. આવેશમાં આવી ગૃહ ત્યાગ ન કરાય.

૫ વહેમ, અંધશ્રધ્ધા અને ભ્રમ ફેલાવે તેવો સતસંગ ન થવો જોઈએ.

રામ અને રામ ચરિત માનસ બંને રામ નવમીએ પ્રગટ થયા છે. તે બંનેનો વૈશ્વિક હેતુ સેતુ બંધ છે.

ઈશ્વર બધું જ કરી શકવા સમર્થ છે.

સેતુ ત્રિગુણાત્મક હોય છે; તેના બે છેડા એ બે છેડાએ આવેલા આધાર છે અને વચ્ચેનો ભાગ ત્રીજો આધાર છે. સેતુના આ ત્રણ રુપ છે.

કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગને જોડવાની સદભાવ પૂર્ણ પ્રવૃત્તિ એ સેતુબંધ છે.

સંતનું લક્ષણ ક્ષમા છે.

રામ ચરિત માનસમાં ત્રણ સ્ત્રી પાત્રોએ સેતુ બંધ તોડવાના (કર્મ યોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ) પ્રયત્ન કર્યા. આ ત્રણ પાત્ર તાડકા, મંથરા અને શુર્પંખા છે.

તાડકા વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરે છે. યજ્ઞ એ કર્મ યોગ છે. આમ તાડકા કર્મ યોગને તોડવાનો પ્રયત્ન કરે છે.

મંથરા ભેદ ઊભો કરે છે. તે જ્ઞાન યોગમાં અવરોધ ઊભો કરે છે.

શુર્પંખા સીતાના અપહરણ માટે રાવણને કહે છે. તે એમ સમજે છે કે જ્યાં સુધી સીતા છે ત્યાં સુધી તે રામ લક્ષ્મણ પાસે આવી શકશે નહિં. આમ સુર્પંખા ભક્તિનો વિરોધ કરે છે.

રામ ચરિત માનસમાં જનક અને દશરથ વચ્ચે, અયોધ્યા અને જનક્પુરી વચ્ચે, વિશ્વામિત્ર અને વશિષ્ટ વચ્ચે સેતુ બંધ કરાવે છે.

તુલસીદાસજી રાવણના પાત્ર દ્વારા સ્ત્રી પાત્રમાં આઠ અવગુણ હોય છે તેમ જણાવે છે. રાવણ મંદોદરીને કહે છે કે સ્ત્રી સ્વભાવ માટે બધા ખરું જ કહે છે. એના અંતરમાં આઠ અવગુણ રહેલા છે.

નારિ સુભાઉ સત્ય સબ કહહીં; અવગુન આઠ સદા ઉર રહહીં.

આ આઠ નીચે પ્રમાણે છે.

“સાહસ અનૃત ચપલતા માયા

ભય અબિબેક અસૌચ અદાયા”

……………………….પાન ૮૮૫

૧ વિવેક શૂન્ય સાહસ

૨ ખોટું બોલવું

૩ વિવેક વિહિન ચંચળતા

૪ માયા એટલે કે કંઈક છુપાવવું.

૫ ભય

૬ વિવેકહિનતા

૭ અપવિત્રતા

૮ વધારે પડતી કઠોરતા

યુધ્ધ ટાળવાના તમામ પ્રમાણિક પ્રયાસો કરવા જોઈએ. અને છતાં ય જો યુધ્ધ અનિવાર્ય બને તો તેને ધર્મ યુધ્ધ ગણીને યુધ્ધ કરવું જોઈએ.

યુધ્ધમાં હારેલો અને જીતેલો એ બંને પક્ષ હારે જ છે; કેવળ મૂઢતા જીતે છે.

૧૪ માણસો જીવતા હોવા છતાં ય મરેલા જ છે. જે નીચે પ્રમાણે છે. આવા લોકોને મારવા જોઈએ નહિં.

” કૌલ કામવશ ક્રિપળ વિમૂઢા

અતિદરિદ્ર અજસિ અતિ બૂઢા

સદા રોગ વશ સંતત ક્રોધી

વિશ્વ વિમુખ શ્રુતિ સંત વિરોધી

તનુ પોષક નીંદક અધખાની ”

૧ કૌલ – વામ માર્ગી; વિમુખી લોકો, સમાજથી અવળા ચાલનાર લોકો

૨ અત્યંય ભોગી, કાયમ ભોગમાં જ રચ્યા પચ્યા રહેનારા લોકો

૩ અત્યંત લોભી

૪ નિપટ-વિમૂઢ

૫ અત્યંત ગરીબ

૬ જેને બદનામી મળી છે તેવા લોકો

૭ અત્યંત વૃધ્ધ

૮ સદા રોગી રહેનારા

૯ ક્રોધી

૧૦ વિશાળતાના વિરોધી લોકો

૧૧ ધર્મ શાસ્ત્રના વિરોધી લોકો

૧૨ સંતના વિરોધી લોકો

૧૩ તનુ પોષક

૧૪ નીંદક

સીતાજીનો વર્ણ કનક વર્ણ છે, સોનાનો વર્ણ છે.

લંકા પણ સોનાની છે.

હનુમાનજી પણ સોનાના છે.

જે સોનું હોય તેને અગ્નિમાંથી પસાર થવું જ પડે. તેથી સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડે છે અને લંકા પણ અગ્નિમાં બળે છે અને હનુમાનજીને પણ અગ્નિ લગાડવામાં આવે છે.

સમજણ એટલું દુઃખ. જે વધારે સમજે તેને વધારે દુઃખી હોય.

શઠને કથા ન કહેવી એવું શંકર ભવાનીને કહે છે.

શંકર ભવાનીને – શ્રધ્ધાને કથા કહે છે.

કાકભૂષંડી ગરુડને – જ્ઞાનીને કથા કહે છે.

યાજ્ઞવલ્ક મુનિ ભરદ્વાજ ઋષિને – મનન શીલ વ્યક્તિને કથા કહે છે.

તુલસી મન રુપી શઠને કથા કહે છે.

રામ ભજ મનુ શઠ મન

જ્યારે પ્રેમના ઘાટમાં કહેવાતી કથા શ્રધ્ધાવાન, જ્ઞાની, મનન શીલ અને શઠ મન સાંભળે છે. કારણ કે પ્રેમ તો બધાને સ્વીકારે.

No comments:

Post a Comment