Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા – ૬૭૭ - માનસ મગહર

રામ કથા – ૬૭૭
માનસ મગહર
શ્રી સદગુરૂ કબીર સમાધિ સ્થલી
ઉત્તર પ્રદેશ
તારીખ ૦૫ સપ્ટેમ્બર ૨૦૦૯ થી તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

કાસી મગ સુરસરિ ક્રમનાસા

મરૂ મારવ મહિદેવ ગવાસા

સરગ નરક અનુરાગ બિરાગા

નિગમાગમ ગુન દોષ બિભાગા

………….. બાલકાંડ ૫

કાશી – મગધ, ગંગાજી – કમનાશા, મારવાડ – માળવા, ભૂદેવ – કસાઈ, સ્વર્ગ - નર્ક, અનુરાગ – વૈરાગ્ય, ( આ બધું ) ગુણ દોષ અનુસાર શાસ્ત્રોએ અલગ દેખાડ્યું છે.

તારીખ ૦૫ સપ્ટેમ્બર, શનિવાર

કથા શ્રવણ થઈ ન શક્યું.

તારીખ ૦૬ સપ્ટેમ્બર, રવિવાર

કથા શ્રવણ થઈ ન શક્યું.

તારીખ ૦૭ સપ્ટેમ્બર, સોમવાર

તુલસીના રામ અંતર્યામી છે અને બહુર્યામી પણ છે.

રામ કથા કશું સિધ્ધ કરવા માટે નથી પણ શુધ્ધ થવા માટે છે.

જે સ્વયં સિધ્ધ છે તેને સિધ્ધ કરવાનો પ્રયાસ એક નિરર્થક બૌધિક વ્યામ છે.

સાધુ સાહસી હોય.

સાધુ ખોટી માન્યતાઓનો વિરોધ કરે જ. આવું કરવાનું સાહસ સાધુમાં હોય જ.

સત્ય આપણી જેટલી રક્ષા કરે છે તેટલી રક્ષા બીજું કોઈ નથી કરતું. …. સ્વામી શરણાનંદજી

સત્ય આપણી રક્ષા કરે તેમાં વિઘ્ન આવી શકે.

પ્રેમ આપણને જેટલો પરિપૂર્ણ કરે, ભરી શકે, તૄપ્ત કરી શકે તેટલું બીજી કોઈ ચીજ નથી કરી શકતી.

કબીરે જે કંઈ કહ્યું તે પ્રહાર નથી પણ ઉપહાર છે.

પ્રમાદ મૄત્યુનો પર્યાય છે. …. વ્યાસ

કબીર સ્વભાવે ફક્કડ હતા, આદતથી અક્કડ હતા. …. હજારીપ્રસાદ દ્વિવેદી

કબીર જો આજે હાજર હોય તો કહે કે “પોથી પઢ કર જગ જીયા, પ્રેમ ભયે સબ કોઈ”.

(પોથી પઢ કર જગ મુઆ ના બદલે)

લોક માન્યતા અગ્નિ છે.

કરૂણા આપણને જેટલી શુધ્ધ કરે છે તેટલી બીજી કોઈ વસ્તુ શુધ્ધ નથી કરી શકતી.

વિચાર અને વિશ્વાસના બે પૈડા વચ્ચે વિવેકની ધરી હોય તો જ રથ બરાબર ગતી કરી શકે.

શરણાગતીના ઘાટથી શરુઆત થાય તો કર્મ ધાટ, જ્ઞાન ઘાટ અને ઉપાસના ઘાટ સફળ થઈ જાય.

તુલસી શરણાગતીના ઘાટથી કથાની શરુઆત કરે છે; પછી યાજ્ઞવલ્કની કર્મના ઘાટની કથા આવે છે; પછી શિવજીની જ્ઞાન ઘાટની કથા આવે છે અને અંતે કાકભૂષંડીની ઉપાસના ઘાટની કથા આવે છે.

વિશિષ્ટ બનવા માટે ઘણું શિષ્ટ હોવું જોઈએ, ઘણું શિષ્ટ આવવું જોઈએ.

સદગુરૂ શિષ્યને પકડવાનું જાણે છે, તેને છોડવાનું જાણતા નથી. સદગુરૂ શિષ્યને અપનાવે પછી તેનો અનાદર કદીયે ન કરે.

શાસ્ત્ર મસ્તકમાં નહીં પણ હસ્તકમાં હોવું જોઈએ. શાસ્ત્ર જો મસ્તકમાં રહે તો તે નિષ્ક્રિય બની ને રહે પણ જો તે હસ્તકમાં આવે તો તે સક્રિય બની ક્રિયાત્મક બને.

શાસ્ત્ર ક્રિયાત્મક હોવું જોઈએ.

તારીખ ૦૮ સપ્ટેમ્બર, મંગળવાર

કાશી મોક્ષદાયી છે તો મગહર મુક્તિદાયી છે.

સતસંગનો હેતુ ફક્ત વિવેક પેદા કરવાનો છે. વિવેક આવે એટલે પ્રકાશ પ્રાપ્ત થાય અને બધું દેખાય.

રામ ભાષ્યનો વિષય નથી પણ ભજનનો વિષય છે.

કબીર સાહેબ શાંતિધારી છે, ક્રાન્તિકારી છે, ભ્રાંતિહારી છે.

કબીર શબ્દમાંના ક નો સંદર્ભ કવિતાનો છે. કબીરની કવિતાની રચના સહજ છે, કવિતાનું પ્રગટીકરણ અનાયાસ થાય છે.

કબીર શબ્દના બી નો સંદર્ભ બીજક છે; જેનામાંથી બધું પેદા થાય છે.

કબીર શબ્દના ર નો સંદર્ભ રમણેય તરફ છે.

કબીર શબ્દના ક નો સંદર્ભ કલ્યાણ તરફ છે. કબીર એટલે આત્મ કલ્યાણથી પુરા વિશ્વનું કલ્યાણ કરનાર, કલ્યાણ કરવામાં જેની વીરતા બેજોડ છે તે. ક નો એક અર્થ સત્ય છે.

બી નો સંદર્ભ – અર્થ વીરતા છે અને વીરતા પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ કરનાર વીર હોય, કાયર ન હોય. પ્રેમ વીરતાનું ક્ષેત્ર છે.

ર નો સંદર્ભ બધાની અંદર રમણ કરનાર કરૂણા તરફ છે.

આમ કબીર એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

કબીર એ સત્ય, પ્રેમ અને કરૂણાની ત્રિવેણી છે, કબીર સત્ય, પ્રેમ, કરૂણાનો ત્રિવેણી સંગમ છે.

દુનિયા દુઃખનો દરિયો છે.

પ્રકાશની ગેરહાજરી અંધકાર છે. …. ઓશો (અંધકાર જેવી વસ્તુ નથી પણ પ્રકાશની ગેરહાજરી છે.)

કબીર પરમ સુખ પ્રાપ્ત કરે છે, કબીર સંપૂર્ણ અભાવગ્રસ્ત અવસ્થામાં પણ પરમ સુખ પ્રાપ્ત કરે છે તે અદભૂત છે.

દરેક વૄક્ષમાં પૂતળી છુપાયેલી છે, સમાયેલી છે.

દરેક પથ્થરમાં મૂર્તિ સમાયેલી છે; કોઈ કલાકાર પથ્થરનો નકામો ભાગ કાઢી નાખે એટલે મૂર્તિ બહાર આવે.

દરેક સુતમાં વસ્ત્ર છુપાયેલું છે.

બધા કર્મ સકર્મ છે પણ ભક્તિ નિષ્કર્મ છે. ….. કબીર

ભક્તિ સ્વયં ફળ છે.

કથાનું ફળ કથા છે.

હરિનામનું ફળ હરિનામ છે.

ઘણી વખત પ્રહારની પાછળ કરૂણા છુપાયલી હોય છે.

શબ્દ ન સમજાય તો ભ્રમ પેદા થાય અને જો શબ્દ સમજાઈ જાય તો બ્રહ્મ પેદા થાય.

દેવ એ છે જે અપ્રત્યક્ષ સાથે પ્યાર કરે અને પ્રત્યક્ષ સાથે દ્વેષ કરે. ….. બ્રાહ્મણ ગ્રંથ

ખરેખર તો જે દ્વેષ કરે તે દેવ હોઈ જ ન શકે.

સ્વાર્થના ત્રણ પ્રકાર છે, કાયીક સ્વાર્થ, વાચિક સ્વાર્થ અને માનસિક સ્વાર્થ.

કાયીક સ્વાર્થ એ છે જ્યાં આપણે કોઈ કાર્ય કરવા સક્ષમ હોવા છતાં તે કાર્ય બીજાની કાયાનો ઉપયોગ કરી આપણે લાભ મેળવ્યો હોય.

વાચિક સ્વાર્થ એ છે જેમાં પોતાની વાણી – વચનનો ઉપયોગ કરી આપણે આપણો સ્વાર્થ સાધીએ છીએ.

માનસિક સ્વાર્થ એ છે જ્યાં આપણે જેવું વિચારીએ તેવું જ થાય તે પ્રકારનો સ્વાર્થ.

શિવ તત્વ રામ તત્વના ગર્ભ ગૃહમાં જવાનું પ્રવેશ દ્વાર છે.

શિવજી સ્વયં રામકથાના રચિયતા છે, શિવજીના ઘટમાં રામ કથા છે. છતાંય શિવજી કુંભજ ૠષિ પાસે કથા સાંભળવા જાય છે અને કથા શ્રવણનો આનંદ પ્રાપ્ત કરે છે. જેના ઘટમાં કથા છે તે ઘટક પાસે કથા શ્રવણ કરવા માટે જાય છે.

કથા સમુદ્ર સમાન છે. પણ સમુદ્રને પી ન શકાય. સમુદ્રમાંથી વરાળ પેદા થાય, વાદળ બને અને વર્ષા વરસે અને તે વર્ષાનું જલ કોઈ ઘટમાં ભરીએ ત્યારે તે જલ પી શકાય.

આવી જ રીતે સમુદ્ર સમાન કથાનું પાન કરવા માટે કોઈ વક્તા પાસે જવું જ પડે.

કથાના પ્રત્યેક અક્ષરમાં બ્રહ્મ બીરાજેલ છે.

કથા મંડપમાં ઘણા લોકો આવે છે પણ તેમાં બધા શ્રોતા નથી હોતા; શ્રોતા તો ઘણા ઓછા હોય છે.

ક્થાના આયોજનમાં ત્રણ પ્રકારના વર્ગ હોય છે.

આયોજક વર્ગ – આ વર્ગ કથાનું આયોજન કરે છે.

આસ્વાદક વર્ગ – આ વર્ગના લોકો કથાનું રસપાન કરે છે, કથાનો સ્વાદ લે છે, કથા રસ પીવે છે.

આલોચક વર્ગ – આ પ્રકારના લોકો કાયમ આલોચના જ કર્યા કરે છે.

આપણે માગવું ન જોઈએ પણ સામા વાળએ આપણને આપવું જ પડે તેવો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ.

સાધુ માગે તો પણ તે બીજાના માટે માગે છે.

લોભની સાથે લુચ્ચાઈ નકામી છે.

સંદેહ અને વિશ્વાસ એક સાથે ન રહે.

વિશ્વાસ હોય તો સંદેહ પેદા જ ન થાય.

વિશ્વાસમાં તર્કની શાખાઓ ન હોય.

વ્યક્તિ પરમાત્માની પરીક્ષા ન કરે પણ પ્રતીક્ષા કરે.

જો રામ દર્શન માટેનું સાધન શુધ્ધ હોય તો રામ દર્શનથી આનંદ મળે અને સંતાપ પેદા ન થાય. જો સાધન શુધ્દ્ધ ન હોય તો રામ દર્શનથી સંતાપ પેદા થાય. સતીનું સાધન શુધ્ધ ન હોવાથી તેને રામ દર્શનથી આનંદ પ્રાપ્ત નથી થતો પણ સંતાપ પેદા થાય છે.

જુઠુ બોલવા માટે યોજના બનાવવી પડે જ્યારે સત્ય સહજ બોલાય.

દુઃખ માણસને વિનમ્ર બનાવે છે.

આપણા જીવનમાં કર્માનુસાર, કાલાનુસાર, સ્વભાવાનુસાર દુઃખ આવે છે.

સ્વ અને સ્વભાવ મટે એ સ્વર્ગનો દરવાજો છે.

તારીખ ૦૯ સપ્ટેમ્બર, બુધવાર

અરબી ભાષામાં કબીર એટલે ઘણા મહાન, અત્યંત મહાન એવો અર્થ થાય છે. કબીર નામ કામ બધામાં મહાન હતા.

આપણે વિવાદ ઊભો કરી શકીએ, વિવાદનું કેન્દ્ર બની શકીએ પણ રામ વિવાદનું કેન્દ્ર ન બને.

સંતમાં મન ભેદ ન હોય, સત ભેદ હોઈ શકે. સત ભેદ એટલે એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતિ - એક જ સત્યને વિવિધ રીતે જોવું, દરેક સંતને પોત પોતાના રામ હોય જે એક બીજાથી અલગ અલગ હોય.

એક જ સત્યને વિવિધ રીતે જોવાની છૂટ છે અને તે બધાને સ્વીકાર્ય પણ છે. સત ભેદ એટલે એક જ તત્વને અલગ અલગ રીતે જોવું.

કબીર બધામાં રામને જુએ છે ( સબ ઘટમેં સાંઈ) જ્યારે તુલસી રામમાં બધાને જુએ છે. આ સત ભેદ છે, મત ભેદ નથી.

નિરંજન રંજન કરાવે છે. નિરંજન એટલે નિરાકાર અને સાકારથી ઉપરનું તત્વ.

મુસ્લિમ ધર્મમાં સુંગંધનું બહું મહત્વ છે. મહંમદ પયગંબરે અલ્લાની સુગંધનો અનુભવ કર્યો હતો તેવી માન્યતા છે.

કભી જો તૂટ જાય ખ્વાબ, તો અફસોસ મત કર કુંવર

વો તો વો હૈં જો ગહરી નીંદસે તુઝે જગાતા હૈ.

પરમાત્માનો પરિચય મેળવતા પહેલાં આપણે આપણો પરિચય આપવો પડે. આપણો પરિચય આપવો એટલે હું કોણ છું તે જાણવું.

અવતારવાદી

કરતારવાદી

અવસરવાદી

સંત કદી થાકે નહીં.

કથાકાર કથા ગાન કરે છે તે અસ્તિત્વની વ્યવસ્થાનો એક ભાગ છે.

મારો કોઈ દુશ્મન નથી કારણ કે મારો કોઈ મિત્ર નથી.

મહા પુરુષોનાં વચન, વાણી તે મહાપુરુષની ભૂમિકાના સ્તરે પહોંચીએ ત્યાર પછી જ સમજાય.

સંતની સરસ્વતી અને બ્રહ્મ ભવનની સરસ્વતી અલગ છે.

ભરત બોલે છે તેમાં અક્ષર ઓછા છે, અર્થ અનેક છે.

તારીખ ૧૦ સપ્ટેમ્બર, ગુરૂવાર

કબીર સાહેબમાં સત્યની પ્રધાનતા સત સાહેબ, સત નામ, સત કબીર વિ. દ્વારા પ્રમાણિત થાય છે.

કબીર સત્ય, પ્રેમ, કરૂણાની ત્રિવેણી છે.

સત્યનો સ્વધર્મ કથન છે.

સત્ય ત્રણ પ્રકારે, ત્રણ રીતે પૂર્ણ થાય. આ ત્રણ પ્રકાર ઉચ્ચાર, વિચાર અને આચાર છે. જ્યારે સત્ય ઉચ્ચારમાં હોય, વિચારમાં હોય અને આચારમાં હોય ત્યારે જ તે સત્ય પૂર્ણ થાય. આ શિવનું ત્રિપુંડ છે, ત્રિ સત્ય છે.

સત્યનો મહિમા કથનમાં વધારે છે; “સત્યમ્ વદ” એવું ઉપનિષદ કહે છે.

પ્રેમનું કથન ન થાય પણ ગાયન થાય. પ્રેમને બોલતાં નથી આવડતું. પ્રેમમાં તો તોતલી બોલી હોય. પ્રેમ ગાય, બોલે નહીં.

પ્રેમનો સ્વધર્મ ગાન છે. પ્રેમમાં ગાયન સુરીલું હોય અને પ્રેમમાં રુદન પણ સુરીલું હોય.

ગોપીઓનું રડવું પણ સારમાં છે, સુરીલું છે.

કબીર પ્રેમી છે; તેમણે જરુર ગાયું હશે.

પ્રેમી નાચ્યા વિના ન રહે. શરીરથી નાચી શકાય તેમજ ભીતરથી પણ નાચી શકાય. કારણ કે આત્મા નર્તક છે.

જબ દો ચાર બાર કભી હંસે હંસાલીયે,

તો સારે જંહાંને હાથમેં પથ્થર ઊઠા લીયે.

ઘણા ધર્મોએ માણસનું હસવાનું છીનવી લીધું છે.

ભક્તિનો માર્ગ, પ્રેમનો માર્ગ ઘણો નાજુક છે.

કરૂણાનો સ્વધર્મ વહન છે. કરૂણા કાયમ વહેતી રહે. જે અભાવગ્રસ્ત છે, જે ઉપેક્ષિત છે તેમના ઉપર કરૂણા પહેલી થાય.

આપણી કરૂણા સમાજના અંતિમ માણસ તરફ વહેવી જોઈએ.

કબીરમાં સત્યનું કથન, પ્રેમનું ગાયન અને કરૂણાનું વહન છે, એટલે કબીર સત્ય, પ્રેમ અને કરૂણાનો ત્રિવેણી સંગમ છે.

સત્ય જય વિજયથી ઉપર છે.

સત્ય અત્યંત નાજુક છે.

અમારી કોઈ ચાહ નથી એ પણ અહંકારનું પ્રતીક છે.

ચાહમાં અને અચાહમાં ઊર્જા વપરાય છે. તેથી લીન રહેવું.

કથા ગંગા છે, કેનાલ નથી. કેનાલના નકશા હોય. કેનાલને આપણી ઈચ્છા પ્રમાણે લઈ જઈ શકાય. જ્યારે ગંગાના નકશા ન હોય, આપણે ગંગાના પ્રવાહને આપણી મરજી પ્રમાણે ન લઈ જઈ શકીએ. તે પ્રમાણે કથાને પણ આપણી મરજી પ્રમાણે ન લઈ જઈ શકાય. કથા નદીના પ્રવાહ પ્રમાણે સ્વતંત્ર રીતે ચાલે.

કથાના વક્તાના ચાર સ્થંભ છે; ચાર પ્રધાન લક્ષણ છે.

કથાના વક્તાની મતિ પરમાત્મા પરખ હોવી જોઈએ. પરમાત્મા આપણી પાસેથી બુધ્ધિ માગે છે, બીજી વ્સ્તુઓ નથી માગતા.

કથાના વક્તાને કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. નિરપેક્ષ વ્યક્તિને ઘણું પ્રાપ્ત થાય છે.

કથાનો વક્તા સુરુદ હોવો જોઈએ. કથાના વક્તાને બધા આવકાર્ય હોય. કથાનો વક્તા બધાને આવકારે, બધાને અપનાવે. કથા અંતિમ માણસ સુધી પહોંચવી જોઈએ.

વ્યવસ્થા હોવી જોઈએ પણ વિષમતા ન હોવી જોઈએ.

વ્રત તોડી શકાય પણ બીજાનું દીલ ન તોડાય. બીજાના દીલને રાજી કરવા પોતાના વ્રતને તોડવાંમાં કોઈ વાંધો ન હોય.

દીનેશુ

કથાનો વક્તા દીનેશુ હોવો જોઈએ. જે આવે તેના પ્રત્યે અનુકંપા હોય, દયા હોય.

પ્રેમ વ્રત શ્રેષ્ઠ વ્રત છે.

આદમી મોતથી નથી ડરતો પણ મોતના ભયથી ડરે છે.

શિવજી પાર્વતીને રામ કથા કહે છે ત્યારે તેમનાં જે લક્ષણ છે, તેમના અંગનું જે વર્ણન છે, તે કથાના વક્તાને પણ લાગું પડે.

વક્તામાં બીજાને બોધ આપવાનું ચાતુર્ય હોવું જોઈએ.

વક્તાની દ્રષ્ટિ વિશાળ હોવી જોઇએ, જે બધા પ્રત્યે સમાન હોય.

વક્તા નીલકંઠ હોવો જોઈએ. વક્તામાં દુનિયાનું વિષ પિવાની ક્ષમતા હોવી જોઈએ.

શિવજીના ભાલમાંનો બાલ ચંદ્ર કાયમ પૂર્ણતા તરફ જવાની ઈચ્છા દર્શાવે છે. વક્તાએ કાયમ પોતે અપૂર્ણ છે અને પૂર્ણતા તરફ જવાનો પ્રત્યત્ન કરે તેવો હોવો જોઈએ.

નૃત્ય કરનારે ગાવાની જરૂર નથી, ગાનારે પ્રવચન કરવાની જરૂર નથી પણ વક્તાએ સાંભળવાની ખાસ જરૂર છે. વક્તાએ બીજાને સાંભળવાની ખાસ જરૂર છે.

તારીખ ૧૧ સપ્ટેમ્બર, શુક્રવાર

કથા કાનો કાન સાંભળવી જોઈએ, કથા મુખો મુખ જોવી જોઈએ અને કથા દિલો દિલ જીવવાની કોશિશ કરવી જોઈએ.

કબીર કહે છે કે . …………
” સુરતી કરો મેરે સાઁઈઆ, હમ હૈં ભવ જલ માંહી;
આપહી બહી જાયેગેં, જો નહી પકરી બાંહ,
અવગુણ મેરે બાપજી, બક્ષ ગરીબ નવાઝ

કબીર સાહેબ કહે છે કે હે સાઁઈ અમે તારી સુરતી નથી કરી શકતા. અમે સાંસારિક કાર્યોમાં ડૂબી જઈએ છીએ, તેથી તું અમારી સુરતી કર. ( સુરતી કરવી એટલે યાદ કરવું)
આ કબીરની શરણાગતીનો પોકાર છે.

કબીર સાહેબમાં યોગ, ધ્યાન, સમજ, સમાધિ છે.
કબીર સાહેબમાં શબ્દ છે, કબીર સાહેબમાં પૂર્ણ મૌન છે, કબીર સાહેબમાં પુકાર છે.
યોગી શૂન્ય થઈ જાય અથવા પોકાર કરે.
કબીર સાહેબમાં બધા પ્રકારના હુન્નર છે.
આપણ જેવા માટે હરિ આપણને યાદ કરે તે લાભદાયક છે.
યે નફરત હૈં જિસે લમ્હેંમેં; દુનિયા જાન લેતી હૈં.
મહોબતકી ખબર મિલને જનમ લગ જાતે હૈં.
સાધુને ઘણા ઓછા જાણી શકે છે.
આપણે ગંગા નદીમાં પૈસા નાખીએ છીએ. આનો અર્થ એવો થાય છે કે હે ગંગા મૈયા તારી પાસે જે છે તેની સરખામણીમાં મારા પૈસાની કોઈ કિંમત નથી. (મારા અર્થનો કોઈ અર્થ નથી) આ ઓશોનો અર્થ છે.
આધ્યાત્મિક માર્ગ પરીક્ષાનો માર્ગ નથી પણ પ્રતીક્ષાનો માર્ગ છે.
આપણામાં જો ગ્રંથીઓ હશે તો આપણને ગ્રંથ નહીં સમજાય.
શરણાગતિની પોકાર-ચિત્કાર હરિને સાંભળવો પડે છે. આવી પુકાર – ચિત્કાર બહું બળવાન હોય છે.
ખાદી વસ્ત્ર નથી પણ વૄત્તિ છે. …. મહાત્મા ગાંધી
જ્યારે કૄષ્ણ દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે તેનાં વસ્ત્ર પુરવા જાય છે ત્યારે કૄષ્ણ અને તેના વાહનની આગળ તેનું પિતાંબર દોડે છે. આ પિતાંબર વસ્ત્ર નથી પણ કૄષ્ણની તેના ભક્તને મદદ કરવાની વૄત્તિ છે.
બધા રામને યાદ કરે છે જ્યારે રામ ભરતને યાદ કરે છે.
વૄધ્ધાશ્રમ સમાજની શોભા નથી.
સાધુ હરિને -કબીર સાઁઈને પોતાના અવગુણ ગણાવે છે અને કહે છે કે હે બાપજી મારા અવગુણને ધ્યાનમાં ન લેશો.
હરિ હમારે અવગુણ ચિત ન ધરો.
ઈશ્વર ન્યાયપૂર્ણ છે કે કૄપાપૂર્ણ છે?
ઈશ્વર ન્યાયપૂર્ણ છે અને કૄપાપૂર્ણ પણ છે.
રામ વાલી સાથે ન્યાય કરે છે જ્યારે સુગ્રીવ સાથે કૄપા કરે છે. આ જુગપદ નિર્વાહ છે.
રામનું પ્રાગટ્ય થાય એટલે મોહ રૂપી રાત્રી નાશ પામે અને કાયમ વિવેકનું અજવાળૂં રહે – કાયમ દિવસ જ રહે.
જ્ઞાની લોક બ્રહ્માનંદમાં ડૂબે જ્યારે પ્રેમી લોક પરમાનંદમાં ડૂબે.
રામ મંત્ર છે, મહામંત્ર છે અને નામ પણ છે.
રામ નામ જપનારે રામના અનુજ ભાઈઓ – ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણની માફક વર્તવું પડે.
રામ નામ જપનારે ભરતની માફક બધાનું પોષણ કરવું જોઈએ – કોઈનું શોષણ ન કરવું જોઈએ; શત્રુઘ્નની માફક કોઈના પ્રત્યે વેર વૄત્તિ ન રાખવી જોઈએ, કોઈના પ્રત્યે દુશ્મની ન રાખવી જોઈએ; અને લક્ષ્મણની માફક બધાનો આધાર બનવું જોઈએ, બધાને મદદ રુપ થવું જોઈએ.
આશા ભવિષ્યવાદી છે જ્યારે ઈચ્છા વર્તમાનવાદી છે.
મહાપુરુષના દર્શનથી આશા પુરી થાય જ્યારે કૄપાથી ઈચ્છા પુરી થાય.
આશા
ઈચ્છા
મનોરથ
ગુરૂની સંપદા તેના યોગ્ય શિષ્ય – છાત્ર છે.
ભગવાન બહું કૌતુકી છે.

તારીખ ૧૨ સપ્ટેમ્બર, શનિવાર

કબીરને રામ કબીર, કૄષ્ણ કબીર, પ્રેમ કબીર, સત કબીર, સંત કબીર પણ કહી શકાય.

કાલાન્તરે ઘણા સૂત્રો બલદાઈ શકે પણ ફ્ક્ત નામ કાયમ રહેશે. તેથી નામનો મહિમા છે.

નામ સગુણ નિરગુણથી ઉપરનું તત્વ છે.

અદ્વૈત એટલે બે નહીં તેવો સામાન્ય અર્થ થાય. અહી બે નહી એટલે એક એવો અર્થ થાય છે. એક છે એટલે બીજો પણ હોઈ શકે. આ સામાન્ય અર્થ છે. એક હોય તો તેમાંથી અનેક પણ હોઈ શકે.

અદ્વૈતનો પરમ અર્થ છે બેમાંથી કોઈ પણ નહીં, બંને નથી. એટલે પૂણ્ય નથી અને પાપ પણ નથી, સુખ નથી અને દુઃખ પણ નથી., સગુણ નથી નિરગુણ પણ નથી.

કબીર કહે છે ફ્ક્ત નામ જ રહેશે, બીજું બધું નાશ પામશે. આ કબીરનું અદ્વૈત છે.

કબીર કહે છે કે ….

ના મૈં ધર્મી નહીં અધર્મી

ના મૈં જતી ન કામી

ન મૈં કહતા ના મૈં સુનતા

ના મૈં સેવક સ્વામી

ના મૈં બંધા ના મુક્તા

ના મૈં વિરત ના રંગી

સબ હી કર્મ હમારા કિયા

હમ કર્મ ન્યારા હો

હું આસ્તિક નથી, નાસ્તિક પણ નથી, હું વાસ્તવિક છું. …. મોરારી બાપુનું તેમના પોતાના માટેનું કથન

ઘણી જગાએ બુધ્ધિ કામની નથી પણ હ્નદય કામનું છે.

કબીરને સમજવા માટે કબીર બનવું પડે. ….. ઓશો

સંતને સમજવા માટે તેની કક્ષાએ પહોંચવું પડે. સંતને દુનિયા સમજી શકતી નથી.

બંદરમાંથી ઈન્સાન બનવા માટે સદીઓ લાગી છે પણ ઈન્સાનમાંથી બંદર બનવા માટે ફ્કત એક સેંકન્ડ જ લાગે.

નામ બાવન બહાર છે.

પૂજ્ય મધુસુદન સરસ્વતી મહારાજે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવા માટે ૯ સીડી બતાવી છે, જે નીચે પ્રમાણે છે.

શ્રધ્ધા

ગુરૂ અને શાસ્ત્રો ઉપર વિશ્વાસ કરવો એ શ્રધ્ધા છે. અને જો શ્રધ્ધા હશે તો સાધુનો સંગ થશે.

ભગવાન પાસે માગવું એ તેના અંતર્યામીપણાનું ખંડન છે.

હું હાથને મારા ફેલાવું,

તો તારી ખુદાઈ દૂર નથી,

હું માગું ને તું આપી દે,

એ વાત મને મંજુર નથી.

જો ઈશ્વર પાસે માગવું જ હોય તો માગો કે “હે ઈશ્વર તું જેને પ્રેમ કરે છે તેવા સાધુનો મને સંગ કરાવી દે.”

સાધુ સંગથી ભજન ક્રિયા શરૂ થશે.

સાધુનો સંગ થવા માટે બે પરિબળ કામ કરે છે. જો આપણી પાસે પૂણ્ય હોય તો સાધુનો સંગ થાય અને જો રામ કૄપા હોય તો સાધુનો સંગ થાય.

જો સાધુ સંગથી ભજન વધે તો તે સાધુ સંગ રામ કૄપાથી થયો છે અને જો સાધુ સંગથી પ્રતિષ્ઠા વધે તો તે સાધુ સંગ પૂણ્યના પરિબળથી થયો છે એમ માનજો.

સાધુ સંગ

ભજન ક્રિયા

૪ અનર્થોથી નિવૄત્તિ - આમ થવાથી ભગવાનની ભક્તિ આડેનાં વિઘ્ન દૂર થાય.

નિષ્ઠામાં વધારો

રૂચિમાં વધારો

કથામાં આસક્તિ વધે

ભાવમાં વધારો

પ્રેમમાં વધારો

દક્ષ કન્યા સતી કુંભજ ૠષિના આશ્રમમાં શ્રવણ કિર્તન, સ્મરણ , પાદ સેવન, અર્ચન, વંદન, દાસી ભાવ, સાંખ્ય ભાવ-મૈત્રી ભાવ, આત્મ નિવેદન ચૂકી જાય છે અને તેથી તેને રામ દર્શન નથી થતાં.

આજ સતી જ્યારે પાર્વતી રૂપે આવે છે ત્યારે તેનું બુધ્ધિપણું સમાપ્ત થઈ જાય છે અને તેનામાં શ્રધ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૄત્તિ, નિષ્ઠા, રૂચી, આસક્તિ, ભાવ જાગે છે અને તેનામાં રામ કથામાં પ્રેમ જાગે છે.

રામ ચરિત માનસમાં ૨૭ સ્તુતિ છે જે ૨૭ નક્ષત્ર સમાન છે.

તારીખ ૧૩ સપ્ટેમ્બર, રવિવાર

“તેરી દુનિયાસે દૂર હોંકે ભરપુર, રહેં કહીં ભી દૂર, હમેં યાદ રખના.

જો હનુમંત વૄત્તિ હોય અને જામ્બંત વૄત્તિનું માર્ગદર્શન હોય અને વાનર ભાલુનો સાથ હોય તો ભક્તિની શોધ કોઈ પણ પ્રદેશમાં – દરેક પ્રદેશમાં થઈ શકે.

કોઈ પણ સંત વિષે અભિપ્રાય આપતા પહેલાં તે સંત વિષે સંપૂર્ણ માહિતિ જાણવી -સંપૂર્ણ દર્શન અગત્યની છે. જો આમ નહી હોય તો સંતને તેના અધુરી ઓળખાણના આધારે આપેલ અભિપ્રાયથી અપરાધ થવાનો ખતરો છે.

લંકામાં હનુમાનજી મશક જેવડું રૂપ ધાર ણ કરે છે. આ દર્શાવે છે કે ભક્તિની શોધ માટે નાનામાં નાનુ અને સરળ બનવું પડે.

લંકીની ઉપર હનુમાનજી મુષ્ટિકાનો પ્રહાર કરે છે ત્યાર પછી તેની ભેદ બુધ્ધિ નાશ પામે છે. સંતના સંપર્કથી ભેદ બુધ્ધિ નષ્ટ થાય.

જો મંદિરમાં કે ધર્મ સ્થાનમાં ભક્તિ ન હોય તો તે મંદિર કે ધર્મ સ્થાન લંકા સમાન છે. અહીં ભક્તિ એટલે સત્કાર, આદર ભાવ, સમભાવ.

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે.

૧ આ પ્રકારના લોકો ફ્ક્ત વિચાર જ કર્યા કરે છે, પરિણામ કંઈ મળતું નથી.

૨ આ પ્રકારના લોકો વગર વિચાર્યે સાહસ કરે છે.

૩ આ પ્રકારના લોકો શાંતિથી વિચારે છે અને પછી કાર્ય આરંભ કરે છે અને પરિણામ પ્રાપ્ત કરે છે, લક્ષ્ય સુધી પહોંચે છે.

ચાર મિલે ચોસઠ ખીલે

બીસ રહે કર જોડ

હરિજનસે હરિજન મિલે

સાત કરોડ ખીલે.

દાંત અક્કડ રહે છે તેથી પડી જાય છે જ્યારે જીભ નરમ રહે છે તેથી નાશ નથી થતી. દાંત આવે છે તેથી દાંતને જવું પડે છે. જ્યારે જીભ આવતી પણ નથી અને જતી પણ નથી.

ભક્તિમય જીવન જીવનારને લોકો – સમાજ બાળે છે, નીંદા કરે છે.

બીજાને જે વૄત્તિથી બાળીએ તે જ વૄત્તિથી આપણે પણ બળીએ છીએ, તે જ વૄત્તિ આપણને બાળે છે.

મુદ્રિકા ભક્તિનું પ્રતીક છે જ્યારે ચૂડામણિ જ્ઞાનનું પ્રતીક છે. ભક્તિ કરનારને જ્ઞાન પ્રાપ્ત થાય છે.

મઝાર અને મંદિર વચ્ચે સેતુબંધ કબીરે કર્યો છે.

જો ધૂમાડામાં એકતા હોય તો સુગંધમાં એકતા કેમ ન હોય. ( અલગ અલગ પ્રકારનાં છાણાં બળવાથી એક જ જાતનો ધૂમાડો નીકળે છે.)

૧૭ ઊંટ ત્રણ દીકરા વચ્ચે એવી રીતે વહેંચો કે જેથી સૌથી નાના દીકરની ૧/૨ ભાગનાં ઊંટ મળે, વચલા દીકરાને ૧/૩ ભાગના ઊંટ મળે અને સૌથી મોટા દીકરાને ૧/૯ ભાગનાં ઊંટ મળે.

૧૭ ઊંટમાં જ્યારે કોઈ સંતનું ઊંટ ભેળવવામાં અવે તો પછી કુલ ૧૮ ઊંટ થાય અને આ ૧૮ ઊંટને ઉપર પ્રમાણે વહેંચતાં ૯, ૬, ૨ ઊંટ ત્રણે દીકરાઓને મળે અને ૧૮ મું ઊંટ સંત પરત લઈ લે.

જ્યાં સુધી પોતાનો ભાગ ન આપીએ ત્યાં સુધી યોગ્ય વહેંચણી ન થાય.

કબીર ધારાનાં ચાર શીખર છે.

૧ સંત સેવા- સાધુ સંગ

૨ ગુરૂ બંદગી

૩ ગુરૂ સ્મરણ

૪ વૈરાગ્ય – બીજાના માટે ત્યાગ કરવાની વૄત્તિ.

No comments:

Post a Comment