Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા - માનસ સાહિબ

રામ કથા
કબીર ધામ
માનસ સાહિબ
મોરબી (ગુજરાત)
તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૯
મુખ્ય ચોપાઈ
ગુર ગોસાંઈ સાહિબ સિય રામૂ l
લાગત મોહિ નીક પરિનામૂ ll
ગુર પ્રસન્ન સાહિબ અનુકૂલા l
મિટી મલિન મન કલપિત સૂલા ll
…………. અયોધ્યાકાંડ


તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯
સદ્ ગુરુના હોઠમાં સત્ય હોય, હ્નદયમાં પ્રેમ હોય અને આંખમાં કરૂણા હોય.
મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે પણ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની ન હોય કારણ કે સ્વરૂપમાં તો પ્રાણ હોય જ. તેમાં તો ફક્ત ભાવ જ ઉમેરવાનો હોય.
સદ્ ગુરુ સ્વરૂપ છે.
૨૧ સદીમાં વિવેક પૂર્ણ સાહસ કરી શકે તેવા સાધુની જરુર છે.
મુઝકો શૂલી પર ક્યા ચઢાઓગે,
મેરી કલમ છીન લો મેં મર જાઉંગા.
……………………બાદશાહ ઝફર
ગુરૂ નિષ્ઠ સાધકને ઈશ્વરના ચરણમાં ગુરૂ પદ દેખાય, ઈશ્વરના ચરણ ગુરૂના ચરણ જેવા દેખાય. પ્રહલ્લાદને નૃસિંહ ભગવાનના પગ નારદના પગ જેવા દેખાય છે. કારણ કે તે પગ - ચરણ તેના ગુરૂ નારદના ચરણ – પગ છે.
ગુરૂ જ્યોત છે, રોશની છે, પ્રકાશ છે.
સૂત્ર અને વ્યક્તિ કાળની પરીક્ષામાં પાસ થવા જોઈએ. સૂત્ર અને વ્યક્તિ દરેક કાળમાં – દરેક સમયે સાચા જ હોવા જોઈએ.
પહેલાં નેણ અને પછી વેણની શુધ્ધિ કરવી પડે.
વીર એ છે જે શસ્ત્રથી વિજય મેળવે જ્યારે મહાવીર એ છે જે વગર શસ્ત્રે વિજય મેળવે. હનુમાનજી મહાવીર છે. તે વિજય મેળવવા કોઈ શસ્ત્રનો ઉપયોગ કરતા નથી. તે સામે વાળો જે શસ્ત્રનો કે વસ્તુનો ઉપયોગ કરે તે જ શસ્ત્ર કે વસ્તુને તે પાછી ફેંકે છે અને વિજય મેળવે છે.
તારીખ ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯
ગુરૂ જ્યારે સાહિબ શબ્દ પ્રયોગ કરે ત્યારે તેનો સંકેત પરમાત્મા તરફ હોય છે. જ્યારે આપણા જેવા જ્યારે સાહિબનો શબ્દ પ્રયોગ કરે ત્યારે તેનો સંકેત આપણા ગુરૂ તરફ હોય છે, આપણા સાહિબ આપણા ગુરૂ છે.
ગુરૂ ઉપયોગ માટે નથી પણ ગુરૂ યોગ માટે છે. આપણે ગુરુનો ઉપયોગ કરીને આપણી પ્રતિષ્ઠા કે કોઈ સાંસારિક કાર્ય ન કરી શકીએ.
ગુરૂ હાનિ તેમજ લાભને લાંઘી ગયેલું અસ્તિત્વ છે. ગુરૂને લાભ કે હાનિ જેવું કંઈ હોતું જ નથી.
ગુરૂ આપણને કાયમ સારો જ લાગવો જોઈએ.
ગુરૂની પૂજા કરવાની બહું જરુર નથી પણ તેના ચરણમાં પ્રેમ કરવાની જરુર છે.
સાહિબની પરિભાષા-લક્ષણ નીચે પ્રમાણે છે.
ગઇ બહુરિ ગરીબ નવાજુ
સરલ સબલ સાહિબ રઘુરાજુ
આ ચોપાઇમાં સાહિબના ચાર લક્ષણ છે.
જે આપણું ગુમાવેલું પાછું મેળવી આપે – ગ ઇ બહુરિ- તે સાહિબ હોય. આપણી માનસિક, દૈવી સંપદા જતી રહી હોય, આપણે તે ભૂલી ગયા હોઇએ તે આપણને પરત લાવી આપે તે સાહિબ કહેવાય. અહીં સાંસારિક વસ્તુનો ઉલ્લેખ નથી પણ દૈવી સંપદાનો ઉલ્લેખ છે. જે આપણી ગુમાવેલી સ્મૃતિ પાછી લાવી આપે તે સાહિબ કહેવાય. અહં બ્રહ્માસ્મિ જેવા સૂત્રો જે આપણી સ્મૃતિમાંથી જતા રહ્યા છે તે સ્મૃતિ આપણને કરાવે તે સાહિબ કહેવાય.
ગ્રંથ ગુરૂ છે.
સાહિબ ગરીબ નવાઝ હોય – ગરીબનો નિર્વાહ કરનાર હોય. સાહિબ સ્વભાવથી ગરીબ છે, રાંક છે. તે પોતાના બળને પોતાનું ન ગણે પણ તે બળ હરિનું બળ છે તેવું ગણે.
તેથી જ તો ગંગાસતી કહે છે કે
ભક્તિ રે કરવી તેણે રાંક થઈ ને રહેવું પાનબાઈ કરવું ન મન અભિમાન રે
પોતે છેતરાઈ જાય પણ જે બીજાને છેતરે નહિં તે રાંક પણું છે.
સબળ હોવા છતાંય સરલ
જે સરલ હોય તે સાહિબ છે. અને આ સરળતા પણ દંભ રહિત હોય. પરમાત્માને દંભ પસંદ નથી.
સબળ
સબળ હોવા છતાંય જે સરલ હોય તે સાહિબ છે.
ભિક્ષૂક ભીખ માગીને તેની સાદગી બતાવે છે.
સૂફીવાદમાં હરિ પ્રિયતમા છે જ્યારે સાધક પિયુ છે અને કબીરવાદમાં સાધક પ્રિયતમા છે અને હરિ પિયુ છે, હરિ પતિ છે.
પોતાના આશ્રિતની બદનામી સહન કરે તે સાહિબ. ઉપહાસને મજાકને જે સહન કરે તે સાહિબ.
આશ્રિતને ઉપર બેસાડે અને પોતે નીચે બેસે તે સાહિબ તેમજ ઉપર બેઠેલા આશ્રિતની અવળચંડાઇ પણ સહન કરી લે તે સાહિબ કહેવાય. રામ નીચે બેસે છે અને વાંદરાઓને ઝાડ ઉપર બેસાડે છે. તેમજ આ વાંદરાઓ તેમની પૂંછ રામજીના માથા ઉપર અડકાળે છે, મોં ઉપર પણ ફેરેવે છે અને આ બધું રામજી સહન કરે છે. આ સાહિબપણું છે.
તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૯
સહિબ શબ્દના શબ્દકોષીય અર્થ માલિક, સ્વામી, શ્રેષ્ઠ, પાલક વિ. થાય છે.
કોઈની નિજતા ઉપર પ્રહાર કરવો એ ૨૧ મી સદિનું પાપ છે. દરેકે પોત પોતાની નિજતામાં જ જીવવું જોઈએ. બીજાની નિજતા ભંગ કરવી ન જોઈએ.
શ્લોકની સીમા છે જ્યારે લોક અસીમ છે, લોક સાગર છે.
શ્લોકમાં ન હોય પણ જો લોકમાં હોય તો તેને માનવું જોઈએ એટલે કે લોક હ્નદયની વાત માનવી જોઈએ .
કબીર ચારેય યુગમાં છે.
બિલાડી તુલસી ક્યારા પાસે બેસે છે. પણ આ બિલાડી દૂધમાં જીભ જ નાખે, તુલસી દલ ન જ નાખે. આ જ બિલાડીનો સ્વભાવ છે. બિલાડી પાસેથી તુલસી દલ દૂધમાં નાખવાની અપેક્ષા જ ન રખાય.
આત્મા અમર છે, આત્મા પરતો નથી પછી મહાત્મા તો મરે જ કેવી રીતે? તે તો અમર જ હોય.
વ્યાસ ગાદી ગોદ છે, ગુરૂની ગોદ છે અને તેની ઉપર જે બેસે છે તેને ગુરૂના વાત્સલ્ય ભાવની ધારાનો અનુભવ થાય છે.
મનના મહંત થવાય. મન એક મંદિર છે, એના મહંત થવાય.
“અબ મોહિ રામ ભરોંસા તેરા ઔર કોનકા કરો નિહોરા.”
જાકે રામ સરીખા સાહિબ ભાઈ …..
નિર્ગુણ નિરાકર બ્રહ્મને જ્યારે નામથી પોકરવામાં આવ્યું ત્યારે તે નામ રામ હતું. …..ઓશો રજનીશ
વિનય પત્રિકાના આધારે સાહિબની પરિભાષા નીચે પ્રમાણે છે.
સુમુખ – સુમુખ એટલે સુંદર મુખ જેમાં મનનું , વિચારોનું, વર્તનનું તેમજ વ્યવહારનું સૌન્દર્ય હોય. આ જેનામાં હોય તે સાહિબ કહેવાય.
સુખદ – જે કાયમ સુખ જ આપે તે સાહિબ હોય. જ્યાં દુઃખની વ્યવસ્થા જ નથી તે સાહિબ છે. એનું આપેલું દુઃખ દુનિયાને દુઃખ લાગે પણ સાધકને તો તે સુખ જ લાગે. દા.ત. નર્સિંહ મહેતા, મીરાંબાઈ વિ.
સમાજની લોક નીંદા જ ઝેર છે, જેને મીરાં પી જાય છે.
સત્યની સાધનામાં દુઃખ જ મળે. પણ આ દુઃખ લૈકિક દ્રષ્ટિમાં હોય , સાધક માટે તો તે સુખ જ હોય.
સત્તામાં મેવા હોય, સત્યમાં મેવા ન હોય.
આંધિયાં ગમો કી ચલેગી તો મેં સવર જાઉંગા,
મેં તેરી ઝુલ્ફ નહીં હું કિ બિખર જાઉંગા.
મેં તો શાયર હું કિતાબોમેં ઉતર જાઉંગા.
પ્રેમમાં સુખ અને દુઃખ બંને મળે, પ્રેમમાં સંયોગ હોય અને વિયોગ પણ હોય.
પ્રેમ ભગવાનને પણ પિગળાવી દે છે.
કરૂણા ફક્ત સુખ જ આપે છે. તમે કોઈના ઉપર કરૂણા કરો એટલે તમને સુખનો ઓડકાર આવે જ.
સુધીર
સુધીર એટલે વિચારવાન, સદવિચારોથી ભરેલો, ભાળ લેનાર-દેખરેખ રાખનાર.
સંત નાટક ત્રાટક વાળા નથી પણ ફાટક વાળા છે. તે ફાટક દ્વારા યોગ્ય સમયે જ ફાટક ખોલે જેથી અકસ્માત ન થાય.
સમર્થ
કૃપાલુ – કૃપામય, કરૂણા જ જેનો સ્વભાવ છે.
તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૯
રામ જન્મ અને રામજન્મોત્સવ
તારીખ ૧૮ ફેબ્રુઆરી ૨૦૦૯
વટવાળા કરતાં કેવટને રામાયણ પચે.
“ઉમા કહહું અનુભવ અપના
તત હરિ ભજન જગત સબ સપના
શિવજીનું નિવેદન
નિજ અનુભવ અબ કહહું ખગેશા
બિનું હરિ ભજન જાગી કલેષા
સહિબની પરિભષા પૂ. મોરારી બાપુના અનુભવના આધારે નીચે પ્રમાણે છે.
પ્રવેશ
જે પ્રવેશ આપે તે સાહિબ હોય.
આધ્યાત્મ સાધનામાં જે પ્રવેશ આપે, નિમંત્રણ આપે તે સાહિબ કહેવાય. સાહેબ એ છે જે તેની અનુભવની પાઠશાળામાં પ્રવેશ આપે.
હું શ્રેષ્ઠનું વર્ણન નથી કરતો, શ્રેષ્ઠ મારું વર્ણન કરે છે. ….. રવીન્દ્રનાથ ટાગોર
પઢાવે
સાહિબ એ ચે જે આપણને પઢાવે. જે આપણને પ્રેમના પાઠ ભણાવે તે સાહેબ. પોથી તો ભણાવે પણ સાથેસાથે પ્રેમના પાઠ પણ ભણાવે. કારણ કે ફક્ત પોથી જ ભણાવે અને પ્રેમના પાઠ ન ભણાવે તો, પોથીમાં પ્રેમ ન આવે તો પંડિત ન થવાય.
પોથી પઢ પઢ જગ મૂઆ, પડિત ભયા ન કોઈ.
ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોય.
મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા
આ પંક્તિમાં ફેરેફાર કરી
મેં તો શુધ્ધ રે જાણી ને તમને સેવિયા કરવાની આજના જમાનામાં જરુર છે. કારણ કે જે સિધ્ધ હોય પણ શુધ્ધ ન પણ હોય. પણ જે શુધ્ધ હોય તે સિધ્ધ જરુર હોય.
સિધ્ધ સંત કરતાં શુધ્ધ સંત વિશ્વાસુ અને અનુકૂળ છે.
રાગમાંથી અનુરાગ તરફ ઉન્નતિ થવી જોઈએ.
પ્રેમ શિકારી ન હોવો જોઈએ, વિકારી પણ ન હોવો જોઈએ પણ સ્વીકારી હોવો જોઈએ.
પ્રેમમાં સ્વયં પ્રકાશ છે જે કદી બુઝાતો નથી, દૂર થતો નથી.
સેંકડો દીલ જલે હૈ મહેફિલમેં, કૌન કહતા હૈ કિ રોશની કમ હૈ.
મહપુરુષ વિતરણ કરે, વિક્રય ન કરે.
પુરુષાર્થ
જે આપણી પાસે પુરુષાર્થ કરાવે તે સાહિબ હોય. ગુરુ સાધકને સાધન પકડાવી પુરુષાર્થ કરાવીને થકવી નાખે છે. કારણ કે શ્રમિત થયા પછી જ વિશ્રામ મળે અને એ જ વિશ્રામને માણી શકાય.
તુલસીદાસ પણ લખે છે કે
યહીં કલીકાળ સકલ સાધન તરૂ
…..
કાગે બ્રહ્મલોક છોડ્યો પતિતોને કાજે.
પરીક્ષા
સાહિબ એ છે જે સાધકને પોતે કરાવેલ પુરુષાર્થની પરીક્ષા કરે જેથી એને ખબર પડે કે શિષ્યે કેટલો પુરુષાર્થ કર્યો છે.
પરિણામ
સાહિબ એ છે જે કરેલા પુરુષાર્થનું પરિણામ આપે.
પાસ
સાહિબ એ છે જે સાધકે ને પરિણામના રુપમાં પાસ કરે. સાચો સાહિબ શિષ્યને પાસ જ કરે.
આમ પ્રવેશથી પાસ કરવાની જે યાત્રા કરાવે તે સાહિબ કહેવાય.
રીત લોક પ્રસિધ્ધ હોય અને વેદ પ્રસિધ્ધ પણ હોય.
પ્રવાહ નો સ્વભાવ છે કે એ બે કિનારા પેદા કરે જ. બે કિનારા વચ્ચે જ પ્રવાહ બને. કિનારા વિનાનો પ્રવાહ શક્ય જ નથી.
લોક અને શ્લોકના બે કિનારા વચ્ચે જ રહેવાય.
સાહિબ એ છે જે આપણી વિનંતિને સાંભળે અને જો તે વિનંતિ સ્વીકારવા જેવી હોય તો સ્વીકારે અને જો ન સ્વીકારવા જેવી હોય તો ન પણ સ્વીકારે. વિનંતિનો સ્વીકાર કે અસ્વીકાર સાધકની કક્ષા પ્રમાણે સાહેબ કરે.
ડોક્ટર દર્દીની સ્થિતિ અને રોગ પ્રમાણે દવા આપે.
સાહિબ એ છે જે સાધકની પ્રિતિને સમજે.
પરસ્પર દેવો ભવ. ……અવધૂત મહારાજ, નારેશ્વર
શઠ સાથે વિનય ન કરવો એવું નિતિ શાસ્ત્રનું નિવેદન છે . પણ આ સાહિબને લાગુ ન પડે. સાહિબ તો શઠ સાથે પણ વિનય કરે.
કુટિલ સાથે પ્રિતિ ન કરવી એવું નિતિ શાસ્ત્ર કહે છે પણ સાહિબ એ છે જે કુટિલ સાથે પણ પ્રિતિ કરે.
લુચ્ચાઈ વગર લોભ હોય જ નહિં, લોભી લુચ્ચો જ હોય, લુચ્ચાઈ વગર લોભ પાકે જ નહિં.
તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૯
કથા ગાન અને કથા શ્રવણ પુરા અંતઃકરણથી ન કરવું. પુરા અંતઃકરણથી કથા ગાન અને શ્રવણ કરવાથી મહાપુરુષો નારાજ થઈ શકે છે. કથા ગાન અને શ્રવણ પુરા મનથી કરવું. વક્તાએ વિચારશીલ વાણી વિનય સહિત બોલવી અને શ્રોતાએ આંધળું અનુકરણ ન કરવું, પોતાની બુધ્ધિથી વિચારી જો યોગ્ય લાગે તો જ અનુકરણ કરવું.
વિક્ષિપ્ત ચિત્ત હોય ત્યારે કથા ગાન કે કથા શ્રવણ ન કરવું.
વક્તા તેમજ શ્રોતા અહંકાર છોડી કથા ગાન, કથા શ્રવણ કરવું.
“થોડે સબ કહૌં સમજાઇ, સુનહું લખન મન મતિ ચિત લગાઇ”.
શ્રોતાનો કથા શ્રવણ દરમ્યાનનો અહંકાર એ છે કે તે માની લે છે કે આ કથા તો હું જાણતો હતો, મને ખબર હતી, આ કથા પ્રસંગ પછી ફલાણો પ્રસંગ જ આવશે વિ. ઘણા શ્રોતાઓ કથાના ગાનમાં પોતે કહેલ સૂત્રો કે પ્રસંગ કે કથાનક આવે છે કે નહિં તે જાણવા, જોવા અહંકાર પૂર્વક કથા શ્રવણ કરે છે.
કથાના વક્તાનો અહંકાર એ છે કે તે માને છે કે મારું વક્તવ્ય અદભૂત છે જેના લીધે લાખો શ્રોતાઓ મારી કથા સાંભળવા આવે છે.
મન, બુધ્ધિ, ચિત્ત લગાડીને અને અહંકાર છોડીને કથા ગાન તેમજ કથા શ્રવણ કરવું.
શ્રવણ દરમ્યાન જો એકાગ્રતા નહિં હોય તો કથાના સૂત્રો કે શબ્દો યોગ્ય અર્થમાં સમજાશે નહિં અને સમય પણ વેડફાઈ જશે.
વર કે બર એટલે શ્રેષ્ઠ.
રઘુબર
કબર
નટવર
પણ ગોબર, જાનવર વિ. માં અર્થ બદલાઇ જાય છે.
સતસંગ મૂલ્યવાન છે અને તેના માટે ગમે તેટલો ખર્ચ થાય તો તે ખર્ચ નગણ્ય છે, તે ખર્ચની ચિંતા કે ટીકા કરવાની ન હોય.
સતસંગતી દૂર્લભ સંસારા
આ લોકમાં જીવવા માટે અને પરલોક સુધારવા માટે વિવેક આવશ્યક છે, જરુરી છે અને આ વિવેક સતસંગ દ્વારા આવે.
બિનું સતસંગ વિવેક ન હોઇ
સરલ સુસાહિબ શીલનિધાનુ
પ્રણત બાલ સર્વજ્ઞ સુજાનુ
સરલ અને શીલવાન અંગેની ચર્ચા-દર્શન આગળ આવી ગયેલ છે. આ ઉપરાંતના સાહિબના લક્ષણ નીચે પ્રમાને છે.
સર્વજ્ઞ
સાહિબ એ છે જે સર્વજ્ઞ હોય, ગુરુ પણ સર્વજ્ઞ હોય, તે બધું જ જાણતો હોય છે.
સર્વજ્ઞપણું એ વરદાન પણ છે તેમજ ઘણી વખત આ વરદાન મુસીબત સમાન પણ લાગે.
સ્મૃતિ વરદાન છે તેમજ વિસ્મૃતિ પણ વરદાન છે. ઘણી વખત અમુક બાબતો ભૂલી જવાની હોય અને આ ત્યારે જ શક્ય છે જ્યારે વિસ્મૃતિનું વરદાન મળેલ હોય.
જેનું અંતઃકરંણ જેટલું વધારે પવિત્ર તેટલો તે વધારે સર્વજ્ઞ હોય. પવિત્ર માણસ બધું જાણી શકે.
સાહિબમાં પવિત્રપણું હોય તેથી તે સર્વજ્ઞ પણ હોય.
ગુરુ પાસે જઈ બહું બોલ બોલ ન કરવું. કારણ કે ગુરુ તો બધું જ જાણે છે. આપણું બોલવું, આપણી કથની તેને કહેવી એ ગુરુની સર્વજ્ઞતાનું અપમાન છે, તેની સર્વજ્ઞતાના ખંડન સમાન છે.
ગાલિબ તું ન કર હજુરમેં અરજ બારબાર………….

સુજાન
સુજાન એટલે સારો જાણનારો.
માહિતિ અને જ્ઞાનમાં ફેર છે.
માહિતિ સાચી કે ખોટી પણ હોઈ શકે પણ જ્ઞાન સાચું જ હોય.
આપણે કોની પાસે માગવું જોઈએ?
આપણું માગવાપણું મિટાવી દે તે સાહિબ હોય.
દાતાઓએ ધર્મ જગતમાં સહયોગ કરવો જોઈએ. પણ સાથે સાથે ધર્મ જગતનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘણા દાતાઓ ધર્મ જગતને દાન આપી સહયોગ કરે છે પણ બદલામાં તેમનું કામ કરવા માટે ધર્મ જગતનો ઉપયોગ પણ કરે છે, જે યોગ્ય નથી.
સાચો સદગુરૂ મળી જાય તો તે આપણી બધી જ માગણી પુરૂ કરી દે જેથી બીજે માંગવાનું રહેજ નહિં, બીજી કોઈ માગણી રહેજ નહિં. આવો ગુરૂ માલામાલ કરી દે.

અભિમત દાતાર
અભિમત દાતાર એટલે આપણા મનમાં જે હોય તે આપનાર દાતા, આપણા મનમાં જે માગણી હોય તે આપનાર દાતા.
સાહિબ અભિમત દાતાર છે.
સાહિબ એ છે જે ન માગવાની વૃત્તિને જ સમાપ્ત કરી દે. એટલે સાહિબ જે ન માગવા જેવી વસ્તુઓ છે તેના વિષેની વૃત્તિઓને જ સમાપ્ત કરી દે છે. જેથી સાધક અયોગ્ય માગણીની ઈચ્છા જ ન કરે.
તુલસી ગુરૂ અને ગુર શબ્દ પ્રયોગ કરે છે. આ બે શબ્દોમાં ફેર છે.
જ્ઞાન ગુરૂ મુખ હોય, ગુરૂ મુખેથી સાંભળેલું હોય. સંપૂર્ણ જ્ઞાન કેસેટ સાંભળવાથી કે પુસ્તકો વાંચવાથી નથી આવતું.
પુસ્તકોમાં બે લીટી વચ્ચેની ખાલી જગામાં સમાયેલ અર્થને સમજવા ગુરૂ મૂખથી સમજવું પડે. બે લીટી વચ્ચેની ખાલી જગાના અર્થો આપણામાં ખાલીપણું હોય તો જ સમજાય.
ધર્મ જગતનો દ્વેષ ધૂજારી પેદા કરે છે. જગતમાં ન બનવાના જે પ્રસંગો બને છે તે ધર્મ જગતના દ્વેષના લીધે પેદા થાય છે.
જો આપણામાં અહંકાર કે દ્વેષ વૃત્તિ આવે તો ગુરૂની કૃપા અને ગુરૂનો પ્રેમ આપણને તેમાંથી બચાવે, ગુરુ જ તારી દે.
જનક રાજા અને કેવટ બંને રામજીના ચરણ પખાળે છે. આ બંને વ્યક્તિઓમાં ફેરે છે, બંનેમાં સામ્યતા નથી. જનક મહાન જ્ઞાની છે, મહારાજા છે જ્યારે કેવટ એક મામુલી માણસ છે. અને છતાંય તેને પણ રામજીના ચરણ પ્રક્ષાલનનો લાભ મળે છે. જનક અને કેવટમાં ફક્ત એક જ સમાનત હતી અને તે સમાનતા અનુરાગ હતી.
ક થી શરૂ થતા શબ્દો
કામળી
કાળી બિંદી
કબીર
કૃષ્ણ
કૃપાલુ
કપીસ
કેદાર
કૈલાસ
કલ્યાણ
કરૂણા
કાકભૂષંડી
અનુરાગ એટલે અતિ આનંદ
ફક્ત અનુરાગ હોય અને બીજું કંઈ જ ના હોય તો પણ બેડો પાર થઈ જાય, કામ થઈ જાય.
મા પોતાના બાળકોનાં બાળોતિયાં ધૂવે અને બળતરા પણ ધૂવે.
વશિષ્ટ વરિષ્ઠ પણ છે અને વિશિષ્ટ પણ છે.
ભગવાનની કૃપા અને સુકૃપા વચ્ચે ફેર છે. તેની કૃપા એ છે જે આપની બધી ઈચ્છા પુરી કરે.
આપણને મળેલ મનુષ્ય શરીર એ તેની કૃપા છે જ્યારે આપણને સાચો ગુરૂ મળે એ સુકૃપા છે.
આપણને ભોગ આપે તે કૃપા છે અને આપણને ભોગ ભોગવવામાં રચ્યાપચ્યા વિના ભજનમાં મન લગાવી દે તે સુકૃપા છે.
ધનની પ્રાપ્તિ એ કૃપા છે અને આ ધનનો સદુપયોગ સુકૃપા છે.
કોઈ મહા પુરુષના સમકાલીન બનવું એ કૃપા છે.
તન તેરા, મન તેરા, પીંડ ભી તેરા સબ કુછ તેરા
લેકિન એક તું મેરા યે હૈ દાદુકા જ્ઞાન
જ્યારે આપણને હરિનું નામ લેવાની ઈચ્છા થાય એટલે સમજવું કે હરિએ આપણને યાદ કર્યા છે. આ હરિની કૃપા છે. હરિનીના યાદ કરવાથી આપણને હરિનું નામ લેવાની ઈચ્છા થાય એ હરિની કૃપા છે.
સાહિબ એ છે જે આપણા દુઃખ, દરિદ્રતાને મટાડે. ગુરૂ તો સુખનો દરિયો છે.
દુઃખના ચાર કારણ છે.

કાળ જન્ય દુઃખ
શિયાળામાં ઠંડી લાગે, ઊનાળામાં ગરમી લાગે, વૃધ્ધાવસ્થા આવે, જરામૃત્યુ આવે આ બધા કાળ જન્ય દુઃખ છે.

કર્મ જન્ય દુઃખ
કર્મ જન્ય દુઃખ ગત કોઈ જન્મના કર્મના ફળ સ્વરુપે હોય છે. આ કારણે જ ધણાએ આ જન્મમાં કંઈ જ ખરાબ ન કર્યું હોય અને છતાંય દુઃખો હોય તેમજ ઘણાએ અનેક ખરાબ કૃત્યો કરવા છતાં ય સુખી હોય છે.
કર્મની ગતિ અત્યંત ગહન છે.

ગુણ જન્ય દુઃખ
ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય આ મૂળ ધાતુ જન્ય ગુણ છે.
ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે.
સતો, રજો અને તમો આ ત્રણ મુળ ધાતુ ગુણ છે.
સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમો ગુણ યોગ્ય છે પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમો ગુણ યોગ્ય નથી.
રજો ગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજો ગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજો ગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે.
પૂજાપાઠ સમયે સતો ગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજો ગુણ કે તમો ગુણ આવે તો તે યોગ્ય નથી.
આમ રજો, તમો અને સતો ગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે.
કાળ જન્ય દુઃખ, કર્મ જન્ય દુઃખ અને ગુણ જન્ય દુઃખ નિવારી શકાય. કર્મ જન્ય દુઃખ યોગ્ય ગુરૂ મળે તો નિવારી શકાય.

સ્વભાવ જન્ય દુઃખ
સ્વભાવ જન્ય દુઃખ ફક્ત કથા શ્રવણ - સતસંગ દ્વારા જ નિવારી શકાય.
ગુરૂ તેના શિષ્યના ધાતુ ગત ગુણોને નિવારવા શિષ્યનો અગ્નિ સંસ્કાર જ કરી નાખે છે.
સતી તેના બુધ્ધિમાન બાપની બુધ્ધિમાન દીકરી છે તે ધાતુ ગુણ દૂર કરવા તેનું શરીર હવન કુંડમાં હોમી દે છે અને બીજા ધાતુ ગુણના રૂપે પાર્વતી બને છે.

ધર્મનું ધામ
સાહિબ એ છે જે જગતના સર્વ ધર્મોનું ધામ હોય, સર્વ ધર્મોનું સાક્ષાત તીર્થ સ્થાન હોય.

રુપ
કામદેવથી પણ રુપાળો હોય તે સાહિબ કહેવાય.

દાન આપનાર
દાન રુપી ખડગ રાખે એ સાહિબ કહેવાય. સાહિબ કાયમ આપ્યા જ કરે. જે દાન રુપી શસ્ત્ર રાખે તે સાહિબ કહેવાય.
આપણે ત્યાં ત્રિકાળ સંધ્યાનો મહિમા છે. આપણા જેવા સંસારીઓ માટે સવારે ઊઠીને ઈશ્વર પ્રત્યે જો અહોભાવ જાગે તો તે પ્રાતઃ સધ્યા છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે ખબર નથી હોતી કે સવારે ઊઠીશું. જો સવારે ઊઠીએ તો એ ઈશ્વરની કૃપા છે. આ કૃપા પ્રત્યેનો અહોભાવ પ્રાતઃ સંધ્યા છે.
બપોરના સમયે આપણામાં કોઈ પિડિતને મદદ કરવાની વૃત્તિ આવે તો તે બપોરની સંધ્યા છે.
સાંજે આખા દિવસમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરતાં કરતાં આંસું આવે તો તે સાયંકાળની સંધ્યા છે.
તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૯
સહિબની પ્રસન્નતાથી સાંસારિક પરિતાપ નાશ પામે, મલિન મનની કલ્પિત ધારણા નાશ પામે. અદ્વૈતવાદી માટે પણ ગુરૂ શિષ્ય વચ્ચે દ્વૈતવાદ રાખવો પડે.
સાહિબ અને સેવક
સાહિબનું પૂર્ણ રૂપ સમજવા માટે સેવક કેવો હોવો જોઈએ તે જાણવું જોઈએ.
જો સમર્થ સાહિબ મળે અને તેના મળવા છતાંય જો મનની મલિનતા ન મટે તો સેવકાઈમાં કંઈક ખામી છે તેમ સમજવું.
તુલસી બાલકાંડથી તેમની યાત્રા શરૂ કરે છે અને છે ક ઉત્ત્રરકાંડમાં કહે છે કે પોતે શઠ છે. જ્યારે આપણા જેવા તો બાલ કાંડમાં પણ પોતાની શઠતા સ્વીકારતા નથી.
બુધ્ધમાં અને કબીરમાં સામ્ય છે. આ બંને મહા પુરુષોએ ખોટા કર્મ કાંડનો વિરોધ કર્યો હતો.
વિશ્વમાં સેતુ બાંધવા માટે બધાને એક કરવા માટે ……
કબીરા કૂવા એક હૈ, બરતન સબ ન્યારે ભયે પાની સબમેં એક.
આપણે ખોટા સંગથી બચવું જોઈએ. આજના જમાનામાં બીજા વિધી વિધાન ન કરીએ અને
જો ખોટો સંગ ન કરીએ તો તે પણ પર્યાપ્ત છે. કારણ કે ખોટા સંગથી સંગ દોષ લાગી જ જાય છે.
જો પ્રવાસમાં ભક્તિ ભળી જાય તો તે પ્રવાસ યાત્રા બની જાય છે.
હમારે હરિ અવગુણ ચિત ન ધરો
સમદર્શી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો
અવગુણ ચિત ન ધરો
સેવકની ચૂક કઈ કઈ છે?
જો સેવક સાહિબ હિ સંતોષી
નિજ હિત ચહકી સા સુમતિ કોરી
જે સેવક પોતાના સાહિબને સંકોચમાં નાખી પોતાનું હિત સાધવાનો પ્રયત્ન કરે તેની બુધ્ધિ કાચી છે, તેની બુધ્દ્ધિ ડગી જાય તેવી છે, તેની બુધ્ધિ અડગ નથી. આપણે આપણા સાહિબનું ભજન ચૂકાવીને તેને આપણા બીજા કામમાં વ્યસ્ત કરી દઈએ છીએ.
જે જીવ શિવને સંકોચમાં નાખે તે જીવ દુર્ગંધમય છે.
ક્યારે ક ગુરૂ કે સાહિબ સંકોચમાં રહે છે. આના ત્રણ કારણ છે જે નીચે પ્રમાણે છે.
૧ ગુરૂ શિષ્યથી દબાયેલો હોય ત્યારે ગુરૂ સંકોચ પામે. ગુરૂ શિષ્યના કોઈ અહેસાન હેઠળ હોય એટલે તે સંકોચ પામે જ.
૨ જો ગુરૂમાં કોઈ દોષ હોય અને આ દોષ જો શિષ્ય જાણતો હોય તેવા સંજોગોમાં ગુરુને સંકોચ થાય.
૩ સદગુરૂની સાધુતા પણ સંકોચ પેદા કરે. ગુરૂને તેના શિષ્યની ચાલાકીનો થાક લાગે છે, કારણ કે ગુરુ તેની સાધુતાના બળે જાણે છે કે તેનો શિષ્ય ચાલાકી કરે છે.
સહજ રીતે જીવો અને બીજાની સહજતા પણ નીભાવો.
સેવકેને હિત હોય અને સેવકને હિત હોવું જ જોઈએ.
સેવક હિત સાહિબ સેવકાઈ
કરે સકલ સુખ લોભ નિવારું
પોતાના સહિબની સેવા કરવાનું હિત સેવકનું હોય.
સેવકને તેના સાહિબની સેવા મળે એ પરમાનંદ છે. સેવા કરવાથી સુખ મળે તેની અપેક્ષા ન રાખવી, સુખનો લોભ ન રાખવો. સેવા કોઈ પણ સુખના લોભથી રહિત હોવી જોઈએ.
સાહિબ પોતાને સેવકને જુએ તે સુકૃપા છે, સાહિબની દ્રષ્ટિ પોતાના ઉપર – સેવક ઉપર રહે તે સુકૃપા છે.
સાહિબની કઈ સેવા કરવી અને કેવી રીતે કરવી?
આજ્ઞા સમ ન હ સુસાહિબ સેવા
સો પ્રસાદ જન પાવે દેવા
ગુરૂની આજ્ઞાનો અમલ એ સેવક્ની ઉત્તમ સેવા છે.
સાહિબની સેવામાં તો અસ્તિત્વ પણ જાજર થઈ જાય છે.
ગુરૂ – સાહિબ એની મેળે આજ્ઞા કરે એવી પ્રસાદી સેવા કરવાનો મોકો મળે તો તે સેવકની ઉત્તમ સેવા છે.
સેવક કર પદ નયન
આદિઅંત …..વિનય પત્રિકા
સીતાપતિ સારીસો ન સાહિબ
શીલનિધાન કૈસે મળે કર……
સાહિબ કાયમ એટલે કે આદિ, મધ્ય અને અંત સમયે પણ ભલો જ હોય. તેમજ સાહિબ ભધાને ભલો જ લાગે. અમુકને ભલો લાગે અને બીજાને ભલો ન લાગે એવું ન બને.
સાહિબ સાકરના ગાંગળા જેવો છે. સાકરનો ગાંગળો બધા જ ભાગેથી ગળ્યો જ લાગે. સાકરના ગાંગળાના ગુણ બધા જ ભાગે એક સરખા જ હોય.
સાહિબ એ છે જે આખા વિશ્વનું ભલું કરે. સાહિબ જેને મળે તેનું ભલું કરે અને જેને ન મળે તેનું પણ ભલું જ કરે.
જેની પ્રતિષ્ઠા લોક અને પંડિતોમાં પ્રસિધ્ધ હોય તે સાહિબ કહેવાય.
એક ઘા અને કટકા ત્રણ
એ સમજવું હોય તો ગુજરાતી ભણ ……… હરિદ્વાર ગોસ્વામી
તારીખ ૨૧ ફેબ્રુઆરી ૨૦૦૯
આ કથાના દર્શન દરમ્યાન સાહિબ શબ્દ પપાછળનું તત્વ દર્શન રામ ચરિત માનસ અને તુલસી સાહિત્ય અંતરગત કરવામાં આવ્યું છે.
સાહેબની આજ્ઞા એ જ સેવકની સેવા.
આપણે આપણા ધર્મ સંભાળવા
રાત રહે પાછલી ખટ ઘડી
સાધુ પુરુષે સૂઈ ન રહેવું
નીદ્રાને પરહરી સમરવા શ્રી હરિ
એક તું એક તું એમ કહેવું
ચિદાનંદ રુપ શિવોહમ…..
સર્વ ધર્મ પરિતાજ્ય મામેકમ શરણમ વ્રજ
આ બધાના ઊડા અર્થ સમજી લેવાની જરુર છે.
પોતાનો ધર્મ એટલે નિજ ધર્મ, સ્વભાવ ધર્મ.
સ્વભાવ એ જ ધર્મ છે. …. લાઓત્સે
સેવકનો ધર્મ સેવા છે, લોભ અને કામના રાખ્યા સિવાયની સેવા.
આગમ (શાસ્ત્ર) નિગમ (વેદ) પ્રસિધ્ધ પુરાણ
સેવા ધર્મ કઠિન
જો સેવક તેના સેવા ધર્મમાં સુજાન હોય તો તે સેવક તેના સાહિબથી પણ આગળ નિકળી જાય.
સાહિબસે સેવક બડો જે નિજ ધર્મ સુજાન.
રામને અને તેમની સેનાને દરિયો પાર કરવા માટે સેતુ બાંધવો પડે છે જ્યારે હનુમાનજી તેમની સેવાના લીધે દરિયો લાંઘી જાય છે. આ સેવાનો પ્રતાપ છે. અહીં સાહિબ કરતાં સેવક આગળ નીકળી જાય છે.
લાખ રુપિયા આપી દાતાર બની શકાય લાખ રુપિયા આપી સેવક ન બની શકાય.
ગુજરાતી ભાષા ધર્મની ભાષા છે.
હિન્દી ભાષા અર્થની ભાષા છે.
અંગ્રેજી ભાષા કામની ભાષા છે,
સંસ્કૃત મોક્ષની ભાષા છે.
હનુમાનજીને સંજીવની લઈને પાછા ફરતાં તરસ કેમ લાગે છે?
આ પ્રસંગમાં તરસ લાગવા પાછળ લીલા કરવાની યોજના છે. હનુમાનજીને કાળનેત્રીનો ઉધ્ધાર કરવા લીલા કરવી પડે છે. વળી આ પ્રસંગ રામ કાર્ય થઈ ગયા પછીનો પ્રસંગ છે. વળી કાલનેત્રી રામ કથા કહે છે અને હનુમાનજીને રામ કથા હોય ત્યાં જવું જ પડે એટલે તે ત્યાં જાય છે. હનુમાનજીને રામ કથાના પાનની તરસ લાગે છે. એનું જલ પાન હરિ કથા છે. તેથી તે રામ કથા સુનિબે કો રસિયા કહેવાય છે.
હરિનામ અહાર એવું નિંબારકીય પરંપરામાં કહેવામાં આવે છે.
હરિકથા જ વિશ્રામ છે.
ધર્મ જગતમાં શ્રધ્ધા હોય, સ્પર્ધા ન હોય.
જો કૂતરું રોટલો ખાઈને રાતે ભસે નહિં, ચોકી ન કરે તો તેને ખસનો રોગ થાય છે.
સાધુ સંત સમાજના રોટલા ખાઈને સમાજ સેવા ન કરે તો તે ખસવાળું કૂતરું બને.
મોંઢામાં એક જીભ હોય છે અને ૩૨ દાંત હોય છે. ૩૨ ના અંકોનો સરવાળો ૩+૨ = ૫ થાય છે. આ પાંચ જીભના પાંચ રસ તરફ નિર્દેશ કરે છે.
એ રસને જાણે શુકદેવ જોગી
કંઈક જાણે મહેતો નરસૈંયો ભોગી
જેણે સેવ્યા ચરણ રસ ચાપ
જેના મુખમાં ૧૦ રસ હોય તે સાહિબ કહેવાય.
દાંત કઠણ હોય છે. અને ૩૨ દાંતના અંકનો સરવાળો ૩+૨=૫ થાય છે. આમ જેનામાં પાંચ કઠીન વસ્તુ હોય તે સાહિબ કહેવાય.
જેનું શરીર સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય તે સાહિબ કહેવાય. સાહિબનું સ્થુલ શરીર નાદુરસ્ત હોઈ શકે પણ તેનું સુક્ષ્મ શરીર તો તંદુરસ્ત જ હોય. સાહિબનું સુક્ષ્મ શરીર કાયમ નિરોગી જ હોય, સ્વસ્થ જ હોય.
પાકેલા ફળને પડવાના બહાના હોય.
સાહિબ એ છે જેની ઈન્દ્રીયોની શક્તિ અખંડ હોય. કાન વગર સાંભળી શકે તે સાહિબ કહેવાય.
જે કીડીના પગના ઝાંઝરને સાંભળી શકે તે રીતે સાહિબ.
જેનું બુધ્ધિનું જ્ઞાન અખંડ રહે તે સાહિબ કહેવાય.

જેનો સંકલ્પ દ્રઢ હોય તે સાહિબ કહેવાય. સાહિબ મનમાં દ્રઢ સંકલ્પ કરે, શિવ સંકલ્પ કરે. જો સંકલ્પ દ્રઢ હોય તો કાર્ય પૂર્ણ થાય જ. સાહિબનો સંકલ્પ શિવ સંકલ્પ હોય, વિકલ્પ વગરનો સંકલ્પ પરિણામ લાવે જ.

સાહિબ એ છે જેની નમ્રતા ન તૂટે. જીભ બોલે છે પણ દાંત તો શાંત જ રહે છે. આ દાંતની નમ્રતા છે. નમ્રતા દ્રઢ હોય.
જીભના શાંત રસ, દાસ્ય રસ, સાંખ્ય રસ, વાત્સલ્ય રસ, અને કાંત રસ
જીભના પાંચ રસના આધારે સાહિબનાં પાંચ લક્ષ્ણ

શાંત રસ
સાહિબનો પહેલો રસ એ છે જે શાંત રહે. જે શાંત રહે તે સાહિબ હોય. કબીર પંથના સંત શાંત હોય છે. અપવાદ હોઈ શકે. આવા સાધુ ઉદરસ્થ સાધુ હોય.
વીરડાને જેટલો ઉલેચો તેટલું પાણી આવ્યા જ કરે.

દાસ્ય રસ
જેનામાં દાસ પણું હોય તે સાહિબ કહેવાય. સાહિબ પોતાનું પદ અધિકારી શિષ્યને સોંપે. આ દાસ પણું છે.ચરણના સેવકો ચરણ ઉપર જ નજર રાખે, બીજા અંગો તરફ ન જુએ.
દાસ સેવામાં દાસ હોય અને પાછા બાપુ પણ હોય.

સખ્ય રસ
શિષ્ય સાથે સદગુરૂ સખા ભાવ રાખે. અર્જુન કૃષ્ણ વચ્ચે સખ્ય રસ છે. સાહિબ સખ્ય રસ રાખી નિર્વાણ સુધી લઈ જાય.

વાત્સલ્ય રસ
સાહિબ એ છે, ગુરૂ એ છે જે પોતાના શિષ્યને પોતાની ગોદમાં રાખે. શિષ્યને ગુરૂ ગાદી આપે તે ગાદી ગુરૂની ગોદ જ છે.

કાંત રસ
આ શૃંગાર રસ છે.આ રસમાં અહીં દેહ પ્રધાનતા નથી પણ દીલ પ્રધાનતા છે. અહીં હ્નદયની પ્રધાનતા છે.
આમ આ મુખ રુપી સાહિબના ૧૦ લક્ષણ છે.
મુખ વિવેક પૂર્ણ રીતે નખથી શિખા સુધી બધા જ અંગોને તેના જરુરીયાત પ્રમાણે ખોરાકનું રુપાંતર કરી પોષક દ્રવ્યોના રુપે પહોંચાડે છે.
દોહાવલી રામયણના આધારે સાહિબની પરિભાષા
દુનિયાના કહેવાતા સાહિબ-માલિક સેવકના અપરાધ સાંભળીને ગુસ્સો કરે છે, તેણે આવો અપરાધ બીજાના કહેવાથી માની લીધો હોય, પોતે જોયો જ ન હોય. આવા સાહિબ-માલિક સાચા સાહિબ નથી. સાચો સાહિબ તો એ છે જેણે પોતે સેવકને અપરાધ કરતો જોયો હોય તો પણ સેવકના તે અપરાધ તરફ લક્ષ્ય જ ન આપે. અને જાણે પોતે સેવકના અપરાધ વિષે કંઈ જાણતા જ નથી તેવો ભાવ રાખે.
રામ એવા સાહિબ છે જેને પોતાના આશ્રિતની ઈચ્છા પૂર્ણ કરવાની જ હોય છે.
સેવક અતિ કોમળ હોય, સેવક અતિ વિનમ્ર હોય, તેની વૃત્તિઓ નિર્મળ હોય, તેના મનમાં કોઈ પ્રત્યે દુર્ભાવ ન હોય, તેનું મન તેના સાહિબમાં જ નિરંતર રહે.
રામજીને સીતા પ્રાપ્ત થાય તે પહેલાં તે તાડકા વધ કરે છે, અહલ્યાનો ઉધ્ધાર કરે છે અને ધનુષ્ય ભંગ કરે છે. તાડકા એ મનની દુરાષા છે, આ મનની સ્થિતિનો ઉલ્લેખ છે, અહલ્યાનો ઉધ્ધાર એ બુધ્ધિની સ્થિતિનો ઉલ્લેખ છે કારણ કે અહલ્યા બુધ્ધિ છે જે જડ બની ગઈ છે તેને ચેતનવંતી કરે છે. ચિત્તની પરમ તત્વમાં એકાગ્રતા કરે છે અને પછી ધનુષ્ય ભંગ કરે છે. ધનુષ્ય ભંગ એ અહંકારનો નાશનો સંકેત છે.
આમ મન, બુધ્ધિ, ચિત્ત, અને અહંકારમાં ફેરફાર થાય એટલે લગ્ન થાય, મિલન થાય, સત્ય અને ભક્તિ એક થાય.
તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૯
અયોધ્યાકાંડમાં નગર જનો એક પછી એક ઈચ્છાઓ કર્યા જ કરે છે અને અંતે રામ વનવાસનું દુઃખ આવે છે.
ઈચ્છાઓના અનંતપણામાંથી દુઃખ જ પ્રગટે છે. આ અયોધ્યા કાંડનો સંદેશ છે.
પણ એનો અર્થ એવો નથી કે કોઈ પણ જાતની ઈચ્છા જ ન કરવી. ગુરૂ કૃપાથી મન સમ્યકા ઈચ્છઓ કરો તે તે સારું છે.
કૈકેયીની બુધ્ધિ મંથરાના સંગથી બગડે છે. કુસંગથી દુઃખ જ આવે.
સાધુઓએ ઉદાસીન વ્રત રાખવું, કોઈ એક સ્થળે બહું રોકાવું નહિં. સાધુ તો ચલતા ભલા.
અત્રિ સ્તુતિનો આશ્રય કરવાથી કામ, ક્રોધ અને લોભ- આ ત્રણ ગુણ છૂટી જશે, ત્રિગુણાતિત રહી શકાશે. અત્રિ સ્તિતિ ત્રિગુણાતિત કરવા સમર્થ છે.
સદગુરૂ કૃપા કરે, હરિ કૃપા કરે તો આ ત્રણ ગુણ છૂટી જાય.
વડલાની છાયામાં બીજ વાવીએ તો તેમાંથી છોડ તો પેદા થાય પણ તે છોડ મોટો ન થાય. અત્રિ સ્તુતિ વડલો છે. આવા વડલાની છાયામાં કામ, ક્રોધ, લોભ વિ. ના છોડ પેદા થશે પણ તેની વૃધ્ધિ અટકી જશે.
જીવ જ્યારે વધારે જાગે, વધારે જાગૃત થાય ત્યારે જ વધારે વિઘ્ન આવે. લક્ષ્મણ પાંચ પ્રશ્નો પૂછી તેના મનનું સમાધાન કરે છે પછી જ તાડકા આવે છે. આમ જાગતાને જ વધારે વિધ્ન નડે. જે જાગ્રત નથી તેને આવા વિધ્નો નડતા નથી.
જીવનમાં સતત સાવધાન રહેવું એ સાહિબનો સંકેત છે. કારણ કે આ માયા મહા ઠગની છે, ગુણમયી માયા ગમે ત્યારે ફસાવી દે. માયા ઉપરથી સુંદર દેખાય.
ટ્રકની પાછળનું સૂત્ર ” સાવધાની હટી, દુર્ઘટના ઘટી”
પરમ પૂજ્ય ડૉગરે બાપા તેમની કથા દરમ્યાન કહેતા કે “શુકદેવજી સાવધાન”
સાહેબ શબ્દમાં સ, હ અને બ અક્ષર આવે છે. આ ત્રણ અક્ષરના પણ સાંકેતિક અર્થ કરી શકાય.
આમ સા એટલે સાવધાન રહેવું.
હ ઍટલે હકારત્મક વિચાર રાખવા.
પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે શિલ્પીએ તે પથ્થરના નકામા ભાગને દૂર કરવો જ પડે.
સદગુરૂ શિલ્પી બની નકામા ભાગને દૂર કરી આપણું નિર્માણ કરે છે, મૂર્તિ સમાન બનાવે છે. દરેક પથ્થરમાં કોઈ મૂર્તિ હોય જ છે, જરુર ફક્ત નકામા ભાગને દૂર કરનાર શિલ્પીની. આ જ પ્રમાણે આપણામાં પણ શિવ તત્વ છે જ, જરુર છે આપણા નકામા ગુણોને દૂર કરવાની અને તે પણ સદગુરૂ દ્વારા. આપણા જેવા પથ્થર સમાન જડ માણસમાંથી અસલી મૂર્તિ ગુરૂ બહાર કાઢે છે. જીવપણાની ભ્રાંતિ તૂટે તો અંદર બેઠેલું શિવપણું બહાર આવે. આ કામ ગુરૂ કરી શકે.
કબીર હકારાત્મક હતા તેથી જ વિશ્વના મહાપુરુષોએ તેમને સ્વીકાર્યા છે અને આજે પણ યાદ કરે છે. કબીર પ્રાસંગિક છે તેથી તે out dated-out of date- ન બની શકે.
રહિમન રોશ ન કીજીએ
કોઈ કહે ક્યો હૈ
તો હંસ કર કહીયે, હ બાબા યું હૈ.
સાહિબ શબ્દના બ અક્ષરનો સંકેત છે કે બંદગી કરવી.
કિસાન સાધક છે.
તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. પણ પછી જો તીર્થ ક્ષેત્રમાં કરેલાં પાપ ક્યાં ધોવાય? અન્ય ક્ષેત્રમાં કરેલ પાપ તીર્થ ક્ષેત્રમાં ધોવાઈ જાય પણ તીર્થ ક્ષેત્રમાં કરેલ પાપ ન ધોવાય.
મનુષ્ય શરીર ક્ષેત્ર છે- તીર્થ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં કરેલ પાપ વજ્ર લેપ બની જાય છે, આ પાપ જલ્દી નાશ ન કરી શકાય. અન્ય યોનીમાં કરેલ પાપ મનુષ્ય જીવન મળતાં સમાપ્ત થઈ જાય.
નીંદામાં શું છે તે ન સમજવું. નીંદામાં અભણ રહેવું વધારે સારું છે.
ભજનના ભોગે સેવા ન કરવી.
જેનું સ્મરણ ગયું તેના માટે મરણ સિવાય કંઈ જ બાકી રહેતું નથી.
સદગુરૂ સાધક માટે મૃત્યુ સમાન છે. સાધકનું મહા મૃત્યુ એ જ સદગુરૂ છે.
શંકર કાળનો પણ કાળ છે તેથી તે મહાકાળ છે, વિશ્વ ગુરૂ છે.
નીંદા ટેક્ષ છે અને પ્રતિષ્ઠા કમાણી છે.
જેમ જેમ કમાણી વધે તેમ તેમ વધારે ટેક્ષ ચૂકવવો પડે.
આજ રીતે જેમ જેમ પ્રતિષ્ઠા વધે તેમ તેમ નીંદા પણ વધવાની જ.
ફરિયાદ ન કર ફરિયાદ ન કર
યે દુઃખ જો તુઝકો મિલતા હૈ
નિજ કર્મકા લેખાજોખા હૈ
યે જનમ તુઝકો અણમોલ મિલા
બરબાદ ન કર બરબાદ ન કર
ઈશ્વર પણ સંતના ગુણ ગાઈ શકતો નથી.
મોહ મમતાની રાત્રી જ રામરાજ્ય આવવા નથી દેતી. કૈકયીના મોહ અને દશરથની તેના પ્રત્યેની મમતાના પરિણામે રામ રાજ્ય ૧૪ વર્ષ પાછળ જતું રહે છે.
આધ્યાત્મ જગતમાં સફળ થવા માટે કરેલ કર્મ પુરુષાર્થ કહેવાય.
દોહાવલી રામાયણના આધારે સાહેબના પાંચ લક્ષણ છે. આ પાંચ લક્ષણ જેનામાં હોય તે સાહિબ કહેવાય.
ધીર
જે ધીર ધારણ કરનાર હોય, ધીરજ રાખનાર હોય, ધૈર્ય ન ગુમાવનાર હોય તે સાહિબ કહેવાય.
બંદગી કર્યા પછી ગંદકી ઉત્પન્ન ન કરવી.
તું નિશાને બેમિશાલ હૈ.
મેરા શિર વહાં ઝૂકા હૈ
જહાં બંદગી ખતમ હુઈ
વીર
જે વીર હોય તે સાહિબ કહેવાય. અભિમાન ન હોય પણ તેના માલિકનું બળ હોય તે સાહિબ. બદનામી થાય તો પણ બંદગી ન છોડે તેવો જે વીર હોય તે સાહિબ કહેવાય.
હીર
હીર એ છે જે કંઈક જેનામાં હોય અને તે હીર તે વ્યક્તિના ગયા પછી પણ રહે. આવું હીર જેનામાં હોય તે સાહિબ કહેવાય.
નીર
જેનું જીવન નીર જેવું સ્વચ્છ હોય, જેનું જીવન આરપાર હોય, જેનું જીવન ગંગાના પાણી જેવું હોય તે સાહિબ કહેવાય.
પીડ
જેને સમાજની પીડ છે, સમાજની ચિંતા છે તે સાહિબ કહેવાય. જગત માટે જેને પીડા હોય તે સાહિબ કહેવાય.

No comments:

Post a Comment