તારીખ ૧૭ એપ્રિલ ૨૦૦૪, શનિવારના રોજ આંકલાવ મુકામે શ્રી દીલિપગિરિ મહંતના ગુરુ સ્વ હિરાગિરિ બેરીસ્ટરના જન્મ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે દંતાલીના પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ કરેલ ઉદબોધનના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.
- સંન્યાસના ચાર પ્રકાર છે.
૧ દંડી સંન્યાસી
૨ પરમહંસ સંન્યાસી
૩ નાગા બાવા
૪ ગોસ્વામી
- સંન્યાસમાં કેટલાક અઘરા નિયમોનું પાલન કરવાનું હોય છે; જેમ કે પાંચ ઘેરથી ભિક્ષા લાવી તેને પાણીમાં ધોઈ ખાવી. પાણીમાં ધોવાનો હેતું ખોરાકમાંના સ્વાદને દૂર કરવાનો છે.
- એક સ્થળે ફક્ત ત્રણ જ દિવસ રોકાવું જેથી તે સ્થળ કે ગામની આસક્તિ ન લાગે.
- આદર્શમાં વાસ્તવિક્તા હોવી જોઈએ; વ્યવહારિકતા હોવી જોઈએ.
- દશનામ ગોસ્વામી પૈકીના સાડા ત્રણ એટલે કે સરસ્વતી, તીર્થ, આશ્રમ અને અડધા ભારતી પદધારી દંડી સંન્યાસમાં આવે છે. જ્યારે બાકીના સાડા છ પદધારી પરમહંસ સંન્યાસમાં આવે છે.
- દંડી સંન્યાસી ફક્ત બ્રાહ્મણમાંથી જ બની શકાય, જ્યારે પરમહંસ સંન્યાસી બાકીની જ્ઞાતિમાંથી બને.
- અખાડાની રચના શાસ્ત્રધારીને શસ્ત્રધારી બનાવી વિદેશી હુમલાખોરોના ઝનુની આક્રમણ સામે રક્ષા કરવા માટે કરવામાં આવી. જેથી ધર્મ અને ધર્મ સ્થાનો સચવાઇ રહે.
- “અહિંસા પરમો ધર્મ” ને બદલે હવે “વિરતા પરમો ધર્મ” ની જરુરિયાત છે.
- અમર કોષમાં ગો ના ૧૬ અર્થ છે.
આ અર્થ પૈકીના કેટલાક અર્થ છે – ઈન્દ્રીયો, બ્રહ્મા, વિદ્યા, વેદની રુચા વિ. છે.
- કાળની ઉપેક્ષા ન કરાય. સમય બદલાય તેમ પરિવર્તન કરવું જ રહ્યું. પરિવર્તન આવશ્યક છે.
- ત્યાગથી સમાજ કે રાષ્ટ્રને જો કંઈ જ ન મળે તો તે ત્યાગ વાંઝીયો ત્યાગ કહેવાય અને આવો વાંઝીયો ત્યાગ ન ચાલે.
- સ્ત્રી ભવતારીણી છે; તેની ઉપેક્ષા ન કરાય.
- જે સ્થળે વિદ્યાભ્યાસ થાય તેને મઠ કહેવાય.
- મંદિરના નિર્માણ સાથે સાથે દવાખાનું અને સ્કુલ પણ બનાવવી જોઈએ.
# # # # #
લોકસત્તા દૈનિકના તારીખ ૨૦ ફેબ્રુઆરી ૨૦૦૫ ના અંકમાં સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ ધર્મ અને નૈતિક્તા ઉપર લખેલ લેખના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.
- નિતિ શાસ્ત્ર એટલે જીવનના વ્યવહારિક ક્ષેત્રમાં ઊંચા મુલ્યોની સ્થાપના અને ધર્મ શાસ્ત્ર એટલે પોતપોતાના સંપ્રદાયોમાં બનાવાયેલા રુઢ આચારો, વ્રત, નિયમ વિ.
- અર્થ શાસ્ત્ર કરતાં આધ્યાત્મ શાસ્ત્ર અને નિતિ શાસ્ત્ર કરતાં ધર્મ શાસ્ત્ર ને વધું મહત્વ આપીએ છીએ તેથી આપણે સમૃધ્ધિ વિરોધી આધ્યાત્મ તથા નિતિ વિનાના ધર્મને જડબેસલાક વળગી રહ્યા છીએ. આપણે તથા કથિત ધાર્મિક પ્રજા તો છીએ પણ નિતિવાન નથી કે બહું થોડા પ્રમાણમાં છીએ.
- ધર્મથી સુખી થવાય છે તેનો અર્થ એ હોવો જોઈએ કે નિતિમત્તાપુર્ણ, કર્તવ્ય પરાયણ જીવન જીવવાથી વ્યક્તિ તથા સમાજ સુખી થાય છે. પ્રત્યેક વ્યક્તિ જ્યાં છે ત્યાં પોતાનું કર્તવ્ય પાલન સત્ય નિષ્ઠાથી કરે. ઊચ્ચ નિતિમત્તાના ધોરણો જાળવી રાખવા માટે દુઃખો સહન કરવા પડે તો કરે. પણ નિતિમત્તાને આંચ ન આવવા દે.
- ભારતમાં ધાર્મિકતાનો પાર નથી. પણ નૈતિકતાનો બહું મોટો અભાવ છે. કોરી ધાર્મિકતા કે કોરા ધાર્મિક આચારોથી જો પ્રજાનું કલ્યાણ થઈ જતું હોય તો ક્યારનુંય આપણું કલ્યાણ થઈ ગયું હોત. પ્રજાનું કલ્યાણ તો નૈતિક આચારોથી જ થતું હોય છે. જેની આપણે ત્યાં કાળજી રખાતી નથી.
- ભારતની પ્રજા સતત ધાર્મિક પ્રવૃત્તિ જેવી કે સપ્તાહો, યજ્ઞો, સામૈયાઓ, યાત્રાઓ, સંઘ વિ. માં રચીપચી રહેતી હોવા છતાં તેની નૈતિકતા અને પ્રામાણિકતા ઘણી નીચી છે. જો ધાર્મિક પ્રવૃત્તિઓને પ્રજા જીવનની ઉચ્ચ નૈતિકતાના આધારે માપવાની હોય તો આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ પ્રવૃત્તિઓ લગભગ વાંઝણી છે, વ્યર્થ છે.
પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની વેબ સાઈટની લિન્ક - http://www.sachchidanandji.org/
No comments:
Post a Comment