રામ કથા
માનસ અમૃત ભાગ – ૨
પ્રવક્તા – પૂજ્ય મોરારી બાપુ
તારીખ ૨૬ એપ્રિલ ૨૦૦૮ થી તારીખ ૪ મે ૨૦૦૮
કલ્યાણ આશ્રમ ( મહંત પૂજ્ય શ્રી હેમંતદાસ )
કલાનૌર, જિ – રોહતક, હરિયાણા
મુખ્ય ચોપાઈ
શ્રવનામૃત જેહિં કથા સુહાઈ
કહી સો પ્રગટ હોતિ કિન ભાઇ .
સુંદરકાંડ પાન – ૮૧૦
પ્રભુ બચનામૃત સુનિ ન અઘાઊં
તનુ પુલકિત મન અતિ હરષાઊં .
ઉત્તરકાંડ પાન – ૧૧૧૦
પૂજ્ય મોરારી બાપુની માનસ અમૃત ભાગ-૨ રામ કથા સંસ્કાર ચેનલ ઉપર લાઈવ ટેલીકાસ્ટ થતી હતી. આ કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે.
ગોસ્વામી તુલસીદાસજી વિનય પત્રિકામાં સાંસારિક જીવનના વ્યવહારમાં સુખી થવા માટેની ચાવી વર્ણવે છે. આ માટે નીચેની ચાર રીતે વર્તવું જોઈએ, તે પ્રમાણે અમલ કરવો જોઈએ.
૧ સમ એટલેકે સમાજમાં સમાનતા આવવી જોઈએ.
૨ સત્ય એટલે કે સત્યનો સ્વીકાર કરવો જોઈએ.
૩ સમજ એટલે કે સમજણ પૂર્વક વર્તવું જોઈએ જેથી સંતોષ મળે.
૪ વિવેક પૂણ રીતે બીજાને સાંભળવા જોઈએ.
આપણું ઉદર ઉદધિ છે, સમુદ્ર છે. અને તેમાં અમૃત છુપાયેલું છે. અમૃતની સાથે સાથે તેમાં ઝેર પણ સમાયેલું છે.
ઉદરમાં આત્મા રુપી અમૃત સમાયેલું છે. આત્મા અમૃત છે તેથી જ આત્મા અમર છે. આપણે અમૃતના સંતાનો છીએ તેથી આપણામાં આપણા માબાપના ગુણ હોવા જ જોઈએ. માબાપના જીન્સ તેના સંતાનમાં આવે જ.
સાધકે એટલું ધ્યાન રાખવાનું છે કે ચેતન ઉપર જડનું પ્રભુત્વ ન થઈ જાય.
આપણે બીજાના દુઃખથી દુઃખી થઈએ છીએ પણ બીજાના સુખથી સુખી નથી થતા પણ તેમાં પણ દુઃખી જ થઈએ છીએ.
આત્મા અમૃત છે. આત્માના આ અમૃતને પામવા માટેના નીચે પ્રમાણેના ચાર રસ્તા છે.
૧ સત્યનો આશ્રય
નિત્ય સત્યનો આશ્રય કરનાર આત્માને મેળવી શકે છે.
તેથી જ તો આપણે કહીએ છીએ કે
અસતો મા સત ગમય
તમસો મા જ્યોતિર્ ગમય.
૨ તપ
આત્માની પ્રાપ્તિનો માર્ગ તપ છે. તપથી પાર્વતી માતાને શંકરની પ્રાપ્તિ થાય છે.
મનુ શત્રુપાને રામની પ્રાપ્તિ તપ દ્વારા થાય છે. તેમના તપથી પ્રસન્ન થઈ ભગવાન તેમને ત્યાં પુત્ર રુપે પ્રગટ થાય છે.
તપથી હંમેશાં સુખ જ મળે, દુઃખ ન મળે.
મૌન પણ એક તપનો જ પ્રકાર છે.
૩ સમ્યક જ્ઞાન
સમ્યક જ્ઞાનથી અમૃતની પ્રાપ્તિ થઈ શકે.
૪ બ્રહ્મચર્ય
નિત્ય સંયમી જીવન જીવવાથી આત્મારુપી અમૃત મળે. બ્રહ્મચર્ય એટલે સંયમી જીવન.
રામ ચરિત માનસમાં અમૃત શબ્દ સાત વાર આવે છે, જ્યારે અમૃતના પર્યાય વાચક શબ્દો ૮૬ ~ ૮૭ વખત આવે છે.
વિનય પત્રિકામાં અમૃત શબ્દ ૨૭ વખત આવે છે.
ભગવદ્ ગીતામાં અમૃત શબ્દ ૧૧ વખત આવે છે.
જે રામ નામ જપે છે તે તપસ્વી છે, તે તપસ્વી બની જાય છે.
નામ જપમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ સમાઈ જાય છે.
હરિ નામ એ જ આહાર એવું નિંબારકીય પરંપરામાં માનવામાં આવે છે.
ભક્તિ અમૃત છે.
જ્ઞાન અમૃત છે.
મોક્ષ અમૃત છે.
પરમ પ્રેમ અમૃત છે.
બોધ ઈન્દ્રીયો દ્વારા પ્રાપ્ત થાય છે.
કંઈ પણ ક્રિયા કર્યા સિવાય, એકાંતમાં સહજ બેસવાથી જે આભાસ થાય છે તેને પ્રતિબોધ કહે છે. આવા પ્રકારના આભાસની અનુભૂતિ પ્રતિબોધની યાત્રાની શરુઆત છે. પ્રતિબોધ એટલે આત્મા તરફ પ્રયાણ, આત્મા તરફ ગતિ.
મંથન કરીએ એટલે અમૃત નીકળે જ.
મંથનના ઘણા પ્રકાર છે, જેવા કે મનોમંથન, દેહ મંથન, બૌધિક મંથન, સમુદ્ર મંથન, સમાજ મંથન. મનોમંથન, દેહ મંથન, બૌધિક મંથન, સમુદ્ર મંથન, સમાજ મંથન વિ. કરવાથી અમૃત નીકળે.
દરેક આશ્રમમાં એક ધર્મશાળા, ગૌ શાળા, પાઠ શાળા, ભોજન શાળા, વ્યાયામ શાળા, સંગીત કે નૃત્ય શાળા હોવી જોઈએ.
માતૃ શરીરમાં ઈશ્વરની સાત વિભૂતિઓ સમાવિષ્ઠ છે, તેથી સ્ત્રી ભ્રૂણની હત્યા કરવાથી ઈશ્વરની આ સાત વિભૂતિઓની હત્યા થાય છે.
સીતા માતા ધરતીમાંથી ઉત્પન્ન થયાં છે. તે ધરતીનું અમૃત છે.
હાથનો સ્પર્શ આસક્તિ પેદા કરે છે, જ્યારે ચરણ સ્પર્શ ભક્તિ પેદા કરે છે. ચરણ સ્પર્શનો મહિમા અદ્ ભૂત છે. અત્યંત પવિત્ર ચરણના ચરણ સ્પર્શ અધિક મહિમાવંત છે.
વિશ્વામિત્ર ઋષિ રામ અને લક્ષ્મણને લઈને જનક રાજાએ યોજેલ ધનુષ્ય યજ્ઞમાં ભાગ લેવા માટે જાય છે. વિશ્વામિત્ર ઋષિ વિચારે છે કે તેમનો યજ્ઞ તો પૂર્ણ થયો હવે જનક રાજાનો યજ્ઞ પણ પૂર્ણ થવો જોઈએ.
ભગવાન રામ આ યજ્ઞમાં શંકર ભગવાનના ધનુષ્યને મધ્ય ભાગમાંથી તોડી જનક રાજાની પ્રતિજ્ઞા પૂર્ણ કરે છે અને જાનકીને પામે છે.
ભગવાન રામના આ ધનુષ્યને મધ્ય ભાગમાંથી તોડવાની ઘટનાના સંતોએ અનેક અર્થ કર્યા છે.જે પૈકી કેટલાક અર્થ નીચે પ્રમાણે છે.
ધનુષ્યનો મધ્યનો ભાગ મજબૂત ભાગ હોય છે. તેથી બીજા રાજાઓની આલોચનાને અવકાશ ન રહે તેથી મજબૂત ભાગ-મધ્ય ભાગમાંથી ધનુષ્ય ભંગ કર્યો છે.
ભગવાન રામે ધનુષ્ય મધ્ય સભામાં તોડયું છે.
સ્વર્ગ લોક, મૃત્યુ લોક અને પાતાળ લોકમાંથી મધ્યના મૃત્યુ લોકમાં ધનુષ્ય ભંગ થયો છે.
દેવ, માનવ અને દાનવ પૈકીના મધ્યના માનવ રુપે પ્રગટેલા રામે ધનુષ્ય તોડ્યું છે.
ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ આ ત્રણ કાળ પૈકીના વર્તમાન કાળમાં ધનુષ્ય ભંગ થયો છે. અહંકારનું ધનુષ્ય વર્તમાન કાળમાં જ તોડાય.
અગ્નિવંશ, સૂર્ય વંશ અને ચન્દ્ર વંશ પૈકીના સૂર્ય વંશમાં પ્રગટેલા રામે ધનુષ્ય તોડ્યું છે અગ્નિ વંશના રામ પરશુરામ છે, સૂર્ય વંશના રામ ભગવાન રામચન્દ્ર છે અને ચન્દ્ર વંશના રામ બલરામ છે.
રામનું પ્રાગટ્ય મધ્યાન્હે થયું છે તેથી ધનુષ્ય ભંગ પણ મધ્યાન્હે થયો છે.
બચપણ, યુવાની અને બુઢાપાની અવસ્થા પૈકીના મધ્યના યુવાનીના મધ્ય કાળમાં ધનુષ્ય ભંગ થયો છે.
રામ, લક્ષ્મણ અને સીતામાં રામ મધ્યમાં છે તેથી ધનુષ્ય મધ્ય ભાગેથી તોડ્યું છે.
લાલ, પીળો અને વાદળી એ ત્રણ મુખ્ય રંગ છે. લક્ષ્મણ તેમના સ્વભાવ અનુસાર ગુસ્સથી લાલ રહે છે. જાનકીજી કનક વર્ણા છે, પીળા રંગે છે. જ્યારે રામજી શ્યામ વર્ણા છે. તેથી મધ્યના વાદળી રંગના-શ્યામ વર્ણના રામે મધ્ય ભાગેથી ધનુષ્ય તોડ્યું છે.
રામે ધનુષ્ય પગથી નથી તોડ્યું, મસ્તકના સહારે નથી તોડ્યું પણ મધ્યના કટી ભાગના સહારે તોડ્યું છે. કટી ભાગ સંયમનું પ્રતીક છે. રામે સંયમથી ધનુષ્ય તોડ્યું છે.
રામે ધનુષ્ય ગુરુની કૃપાથી ગુરુવારના દિવસે તોડ્યું છે. ગુરુવાર અઠવાડિયાનો મધ્યનો વાર છે. તેથી મધ્યમાંથી તોડ્યું છે.
વેદ અમૃત છે. ઋગ્વેદ, સામવેદ વિ. વેદો પુષ્પ છે અને અમૃત તેનો રસ છે.
નીચે દર્શાવેલ પાંચ વસ્તુ અથવા તે પૈકીની કોઈ પણ એક વસ્તુ જ્યાં હોય ત્યાં અમૃત હોય. આ પાંચ વસ્તુ અમૃત રસ છે.
૧ યશ – કિર્તિ
૨ તેજ – પ્રકાશ
૩ ઐશ્વર્ય – દૈવી વૈભવ, આંતરિક વૈભવ
૪ શક્તિ – વિશેષ પ્રકારની શક્તિ
૫ અન્ન – અનાજ
માણસના ત્રણ પ્રકાર હોય છે.
૧ આર્ટ સ્પેશિયાલિસ્ટ – આવા પ્રકારના માણસોમાં કોઈક પ્રકારની કલા હોય છે, તેમજ તે તેની તે કલામાં નિપૂણ હોય છે. કલા પ્રભુની વિભૂતિ છે. સાચો કલાકાર પોતાની ભૂલનો સહજ સ્વીકાર કરે.પોતાની ભૂલ સ્વીકારવામાં કોઈ પણ જાતનો સંકોચ ન અનુભવે. જે ભૂલ સ્વીકારે તે તેની ભૂલ સુધારી તેની સાધનામાં પ્રગતિ કરે. જે કલાકર કલાનો ખોટો આંચળો ઓઢીને રહે છે તે પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતો તેમજ તે તેની સાધનામાં પ્રગતિ પણ નથી કરી શકતો.
૨ હાર્ટ સ્પેશિયાલિસ્ટ – આવા પ્રકારના માણસો હદય પ્રધાન હોય છે, ભાવ પ્રધાન હોય છે.
૩ કૉર્ટ સ્પેશિયાલિસ્ટ – આવા પ્રકારના માણસો કાયમ તકરાર જ કર્યા કરે, તકરાર કર્યા સિવાય તેને ચાલે જ નહિં.
નીચે દર્શાવેલ ૬ પ્રસંગે-સમયે તકરાર ન કરવી. પણ તેનો અર્થ એવો નથી થતો કે આ ૬ સમય સિવાયના પ્રસંગોએ-સમયે તકરાર કરવી.
૧ ભોજન સમયે તકરાર ન કરવી.
૨ જ્યારે બહાર જવાનો પ્રસંગ હોય ત્યારે તકરાર ન કરવી.
૩ જ્યારે બહારથી ઘેર આવીએ ત્યારે તકરાર ન કરવી.
૪ ભજનના સમયે તકરાર ન કરવી.
૫ રાત્રે સુવાના સમયે તકરાર ન કરવી.
૬ સવારે જાગીને તરત જ તકરાર ન કરવી.
No comments:
Post a Comment