Translate

Search This Blog

Tuesday, May 3, 2011

રામ કથા - માનસ નાગેશ્વર

રામ કથા

પ્રવક્તા – પૂજ્ય મોરારી બાપુ

માનસ નાગેશ્વર

નાગેશ્વર, દ્વારકા, ગુજરાત

તારીખ જુન ૭, ૨૦૦૮ થી તારીખ જુન ૧૫, ૨૦૦૮

મુખ્ય ચોપાઈ

નિજ કર ડાસિ નાગરિપુ છાલા l
બૈઠે સહજહિં સંભુ કૃપાલા ll
કૃંદ ઈન્દુ દર ગૌર સરીરા l
ભુજ પ્રલંબ પરિધન મુનિચીરા ll
.....................................................................બાલકાંડ પાન – ૧૫૪

પોતના હાથે જ વ્યાઘ્રચર્મ બિછાવી કૃપાળુ શિવજી સ્વાભાવિક રીતે જ ત્યાં બેઠા. મોગરાનાં પુષ્પ, ચન્દ્રમા અને શંખ સમાન ગૌર એમનું શરીર હતું, મોટા લાંબા હાથ હતા, વલ્કવસ્ત્ર ધારણ કરેલ હતાં.

નાગેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે. અહીં પૂજ્ય મોરારી બાપુના મુખારવિંદેથી રામ કથાનું ગાન થઈ રહ્યું છે. આ કથાના લાઈવ ટેલીકાસ્ટ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અહીં પ્રસ્તુત કરતાં હર્ષની લાગણી અનુભવું છે, તેમજ આ સૂત્રોમાં રહેલ ક્ષતિઓ મારી સમજનો અભાવ છે. તે માટે પૂજ્ય મોરારી બાપુની માનસિક માફી ચાહું છું.

તારીખ ૭ જુન ૨૦૦૮

પરમ રમ્ય ગિરિબરુ કૈલાસૂ l
સદા જહાં સિવ ઉમા નિવાસૂ ll
સિધ્ધ તપોધન જોગિજન સુર કિંનર મુનિબૃદ l
બસહિ તહાં સુક્ર્તી સકલ સેવહિં સિવ સુખકંદ ll
હરિહર બિમુખ ધર્મ રતિ નાહીં l
તે નર તહં સપને નહિં જાહીં ll
તેહિ ગિરિ પર બટ બિટપ બિસાલા l
નિત નૂતન સુંદર સબ કાલા ll
ત્રિવિધ સમીર સુસીતલિ છાયા l
સિવ બિશ્રામ બિટપ શ્રુતિ ગાયા ll
એક બાર તેહિં તર પ્રબુ ગયઊ l
તરુ બિલોકિ ઉર અતિ સુખ ભયઊ ll
નિજ કર ડાસિ નાગરિપુ છાલા l
બૈઠે સહજ્હિં સંભુ કૃપાલા ll
કૃંદ ઈન્દુ દર ગૌર સરીરા l
ભુજ પ્રલંબ પરિધન મુનિચીરા ll
તરુન અરુન અંબુજ સમ ચરના l
નખ દુતિ ભગત હ્નદય તમ હરના ll
બુજંગ ભૂતિ ભૂષન ત્રિપુરારી l
આનનુ સરદ ચંદ છબિ હારી l
જટામુકુટ સુરસરિત સિર લોચન નલિજન બિસાલ l
નીલકંઠ લાવન્યનિધિ સોહ બાલબિધુ ભાલ ll
બૈઠે સોહ કામરિપુ કૈસેં l
ધરે સરીરું સાંતરસુ જૈસેં ll

વિપત્તિનું વિસારણ પરમાત્માના સ્મરણની મહાન દેન છે.
ભગવાન શિવની પ્રતિષ્ઠા આ શરીર રુપી દેવાલયના હ્નદયમાં થઈ જાય તો વિચારનું ત્રિજું નેત્ર ખૂલી જાય. વિચારનું આ ત્રિજું નેત્ર જ્યાં સુધી ન ખૂલે ત્યાં સુધી વિકાર નાશ ન પામે.
દ્રષ્ટિવાન એટલે વિચારવાન.
શિવ એટલે કલ્યાણ.
વ્યક્તિનું ત્રીજું નેત્ર વિચાર છે.
રામ ચરિત માનસના દરેક કાંડમાં ભગવાન શિવની ચર્ચા છે. શિવ તત્વ વિના માનસની મહેક ઓછી થઈ જાય છે.

ભગવાન શિવજી ત્રિભુવન ગુરુ છે.
તુમ્હ ત્રિભુવન ગુરુ બેદ બખાના l
આના જીવ પાવર કા જાના ll

બીજા ગુરુ ન મળે તો ભગવાન શિવજીને ગુરુ માનો.

રામ અને રાવણના ઈષ્ટ દેવ શિવ છે, બંને શિવ સમર્પિત છે. પણ રામજી એવું માને છે કે હું (રામ) શિવજીના લીધે છું જ્યારે રાવણ એવું માને છે કે મારા (રાવણના) લીધે શિવ છે.
રામ ચરિત માનસના પ્રારંભના સાત શ્ર્લોક અને પાંચ સોરઠા મળી બાર થાય જેનો સંદર્ભ બાર જ્યોતિર્લિંગ સાથે છે.
સાત શ્ર્લોકમાં વાણી વિનાયકની વંદના છે અને પાંચ સોરઠામાં દેહાતી ભાષામાં પંચદેવની -ગણેશ, શિવ, દુર્ગા-ભવાની, વિષ્ણુ અને સૂર્યદેવ-વંદના છે.
ગણેશ વિવેકના દેવ છે. આપણે વિવેક પૂર્ણ રીતે વર્તીએ -વિવેક પૂર્ણ જીવન જીવીએ -એ જ ગણેશ વંદના છે.

સત્ સંગથી જ વિવેક આવે.

બિનુ સતસંગ બિબેક ન હોઈ l
રામ કૃપા બિનુ સુલભ ન સોઈ ll
સૂર્ય પૂજા એટલે મૂઢતામાં ન રહેવું, ઇજાળામાં, પ્રકાશમાં જીવવું.
વિષ્ણુ પૂજા એટલે સંકિર્ણ ન બનવું, વિશાળતા રાખવી, વિશ્ર્વ કલ્યાણ વિષે વિચારવું અને તેવું વર્તન કરવું.
દુર્ગા પૂજા એટલે શ્રધ્ધા રાખવી. અશ્રધ્ધા ન રાખવી તેમજ અંધશ્રધ્ધા પણ ન રાખવી.
શ્રધ્ધા જીવન છે, સંશય મોત છે. એવું સ્વામી વિવેકાનંદનું નિવેદન છે.
શ્રધ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરુર છે.
કુર્રાનમાં તો ક્યાં ય પયંગરની સહી નથી
…….જલન માત્રી
શિવ પૂજા એટલે બીજાનું કલ્યાણ કરવું. શિવ એટલે કલ્યાણ.
દરરોજ સૂર્ય ઊગે છે અને આપણે સવારે ઊઠીએ છીએ એ જ મોટામાં મોટો ચમત્કાર છે.
હનુમાન ચાલીસાથી બધું જ શક્ય છે. પણ એ બધું જ આપવાનો સમય આપણી મરજી પ્રમાણેનો નથી, હનુમાનજીની મરજી પ્રમાણેનો છે. કારણ કે હનુમાનજી પરમ હિતકારી છે અને તે જાણે છે કે આપણું હિત ક્યાં, ક્યારે અને શેમાં છે.

જેમ સાબુ મેલને દૂર કરે છે, કપડાંને સાબુથી ધોવાથી તેમાં રહેલ મેલ દૂર થાય છે તેમ સંતો સાબુ બની સંસારના પાપ દૂર કરે છે, પાપ ધોવે છે.

તારીખ ૮ જુન ૨૦૦૮

નાગ શબ્દના અનેક અર્થ થાય છે. આ અર્થો પૈકીના પાંચ અર્થ નીચે પ્રમાણે છે.
૧ નાગ એટલે સર્પ, સર્પની ગતિ વક્ર હોય છે.
૨ નાગ એટલે દેવતા, નાગ દેવતા જે પાતાળમાં રહે છે.
૩ નાગ એ નાગાલેન્ડમાં વસતી એક જાતી છે.
૪ નાગ એટલે હાથી
૫ નાગનો એક અર્થ નાગ પાષ થાય છેમ નાગ પાષ એક આયુધ છે, એક શસ્ત્ર છે, નાગ પાષ નામનું બાણ છે.
રામ ચરિત માનસમાં ઈશ્વર જે સંસ્કૃત શબ્દ છે તે પાંચ વાર આવે છે.
ઈશ્વરના પાંચ અર્થ, પાંચ લક્ષણ નીચે પ્રમાણે છે.
૧ ઈશ્વર એ છે જે કદી જુઠુ ન બોલે, જે સત્યવર્તિ હોય. જે કદી જુઠુ ન બોલે તે આપણા માટે ઈશ્વર છે.
૨ ઈશ્વર એ છે જે બધાન દિલમાં હોય, બધાને પ્યારો લાગે. આવી વ્યક્તિ આપણા માટે ઈશ્વર છે.
૩ ઈશ્વર એ છે જે અંતરયામી હોય. જે બધાને જાણે, બધાના દિલની વાત જાણે તે.
૪ ઈશ્વર એ છે જે વિભૂ હોય, સીમા રહિત હોય, અસીમ હોય, વ્યાપક હોય.
૫ ઈશ્વર એ છે જે કોઈ પણ હેતુ વિના બધાને પ્યાર કરે.
જે મૌન રહે તે મુનિ છે.
જેટલું વધારે બોલશો તેટલી વધારે ભૂલો થશે.
કોઈને ય શૂદ્ર ન સમજો, બધાનો સ્વીકાર કરો.
તપોધન એટલે જેની પાસે તપનું ધન છે તે. તપ એટલે તપવું, સહન કરવું.
કૈલાસ ઉપર ભગવાન શિવજી પાસે ૬ જણ રહે છે તેમજ શિવજીની સેવા કરે છે.
૧ સિધ્ધ
૨ તપસ્વી
૩ યોગી
૪ દેવતા
૫ કિન્નર
૬ મુનિવૃંદ
કોઈ પણ વ્યક્તિનો પરિચય મેળવવા માટે તેનું નામ, કામ અને ગામ જાણવું પડે.
સાધુ ભિક્ષા લે અને દીક્ષા આપે, કાચા અનાજની ભિક્ષા લે પણ તેને પકાવી પાકા રુપમાં બીજાને આપે.
સિધ્ધતા અને સેવકાઈ જેનામાં હોય તે સિધ્ધ કહેવાય.
યોગી આદેશ આપે અને સાથે સાથે સાથે સેવ પણ કરે.
વટ એટલે વિશ્વાસ જે સંકિર્ણ ન હોય પણ વ્યાપક હોય, દરરોજ નવીન હોય-નવો હોય.

તારીખ ૯ જુન ૨૦૦૮

હિમાલય પર્વતના એવરેષ્ટ શિખર ઉપર ઘણા વ્યક્તિઓએ આરોહણ કર્યું છે. પણ તેના કૈલાસ શિખર ઉપર કોઈ એ આરોહણ કર્યું નથી. કૈલાસ શ્રેષ્ઠ છે. ત્યાં સિધ્ધ, તપસ્વી, યોગી, દેવતા, કિન્નર અને મુનિવૃંદ રહે છે.
કૈલાસ સ્થુલ રુપે એક શિખર છે પણ તત્વતઃ શું છે તે જાણવું જરુરી છે.
ગીતાકાર કહે છે કે હિમાલય મારી વિભૂતિ છે, હિમાલય હું છું, ગંગા હું છું, મન હું છું, વાસુકી નાગ હું છું, સમુદ્ર મંથનમાંથી નીકળેલ ઐરાવત હાથી હું છું, ભષ્મ હું છું, આદિત્યમાં સૂર્ય હું છું. ગીતાકારની આ બધી જ વિભૂતિઓ કૈલાસ ઉપર પણ છે. ભગવાન શિવજીની જટામાં ગંગા છે, મનના રુપમાં ચન્દ્ર શિવજીના મસ્તક ઉપર છે, નાગને આભુષણ રુપે ધારણ કરેલ છે, શરીર ભષ્માંગ છે, શિવજીના નયન સૂર્ય ચન્દ્ર છે. સાત વિભૂતિને ધારણ કરેલ માતા પાર્વતિ પણ કૈલાસમાં બિરાજમાન છે.આમ શ્રી કૃષ્ણની વિભૂતિઓ જે એક જ સ્થળે છે તે સ્થળ કૈલાસ છે.
કૈલાસ ઊચાઈ ઉપર આવેલ સફેદ- ઉજ્વળ શિખર છે.
સાધકની સાધનાની સ્થિતિની એક ઊંચાઈ કે જ્યાં જીવનની ઉજ્વળતા હોય, વિચારોની ઊંચાઈ હોય, મનની મલિનતા દૂર થઈ ગઈ હોય અને જ્યાં વિશ્વાસના રુપમાં શિવજી અને શ્રધ્ધાના રુપમાં પાર્વતિ નિરંતર બિરાજમાન હોય, નિરંતર નિવાસ કરતા હોય તે સ્થળ સાધક માટે કૈલાસ છે.
પર્વત એ સ્થિરતાનું પ્રતીક છે, અચળતાનું પ્રતીક છે. પરમાત્મા તત્વ અચળ છે. સાધકની સાધનાની અચળતા -સ્થિરતા શંકર પાર્વતિને ત્યાં નિવાસ કરવા મજબુર કરી દેશે.
શૂન્ય શિખર એ જ કૈલાસ કે જેને કોઈ અડકી નથી શક્યું.

ઐતિહાસિક સંશોધન પ્રમાણે કૈલાસ પર્વત ૫૦ લાખ વર્ષ પુરાણો છે અને ગિરનાર પર્વત ૨૨ કરોડ વર્ષ પુરાણો છે.

રામ રાજ્યની સ્થાપના અયોધ્યામાં દશરથ રાજા નથી કરી શકતા, દંડકારણ્યમાં રામ રાજ્ય નથી સ્થપાતું, લંકામાં પણ રામ રાજ્ય નથી સ્થપાતું. પણ રામ રાજ્ય ચિત્રકૂટમાં સ્થપાય છે.અયોધ્યા બુધ્ધિમાનોની ભૂમિ છે, જ્યાં રાજા દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સચિવ સુમંત, મહર્ષિ વશિષ્ઠ જેવી મહા બુધ્ધિશાળી વ્યક્તિઓ વસે છે. ત્યાં મંથરા પણ રહે છે જે પણ બુધ્ધિશાળી છે કારણ કે તે એક રાતમાં રામના રાજ્યાભિષેકનો નિર્ણય બદલાવી નાખે છે.
બુધ્ધિશાળીઓની નગરીમાં રામ રાજ્ય ન સ્થપાય. કારણ કે કેવળ બૌધિકતા રામ રાજ્ય ન લાવી શકે. બુધ્ધિમાન વ્યક્તિઓ ટકરાવ ઉત્પન્ન કરે છે.
દંડક એ મનની ભૂમિકા છે. મનનું સ્વરુપ વેશ પરિવર્તન છે, વેશ પલટો છે. દંડકારણ્યમાં બધાએ વેશ પલટો કર્યો છે. આવી વેશ પલટાની ભૂમિકામાં પણ રામ રાજ્ય ન આવી શકે.
લંકા અહંકારની ભૂમિકા છે. તેથી ત્યાં પણ રામ રાજ્ય નથી સ્થપાયું.
બૌધિક સ્તર ઉપર, માનસિક સ્તર ઉપર તેમજ અહંકારના સ્તર ઉપર રામ રાજ્ય ન સ્થપાય.
રામ રાજ્ય ચિત્રકૂટમાં સ્થપાયું છે. ચિત્રકૂટ ચૈતસિક ભૂમિ છે – ચિત્તની ભૂમિ છે. તેથી ત્યાં રામ રાજ્ય સ્થપાયું છે.
સચિવ બિરાગુ બિબેકુ નરેસૂ
બિપિન સુહાવન પાવન દેસૂ
ભટ જમ નિયમ સૈલ રજધાની
સાંતિ સુમતિ સુચિ સુંદર રાની
સકલ અંગ સંપન્ન સુરાઊ
રામ ચરન આશ્રિત ચિત ચાઊ
અયોધ્યાકાંડ પાન – ૬૦૧, ૬૦૨
વનના આ સુંદર અને પવિત્ર દેશમાં વૈરાગ્ય મંત્રી છે અને વિવેક રાજા છે. યમ નિયમ વગેરે સુભટો છે, પર્વત રાજધાની છે. શાંતિ અને સદ્ બુધ્ધિ પવિત્ર અને સુંદર રાણીઓ છે. આમ આ શ્રેષ્ઠ રાજાનું રાજ્ય બધાં અંગોએ પૂર્ણ છે તેમજ શ્રી રામના ચરણોનો આશ્રય લઈ ને રહેતા હોવાથી તેમનાં ચિત્ત પ્રસન્ન છે.

રામાયણ અતિ વિચિત્ર ગ્રંથ છે. ચિત્રકૂટ પણ અતિ વિચિત્ર છે.

જ્યારે હનુમાનજી સમુદ્ર લાંઘે છે ત્યારે સિંહિકા તેમને પછાડે છે અને નીચે લાવે છે.
સિંહિકા ઈર્ષાનું પ્રતીક છે. હનુમાનજી સિંહિકાને મારે છે, નાશ કરે છે.
ઈર્ષાને માર્યા સિવાય જાનકી – ભક્તિ સુધી ન પહોંચાય.
સમુદ્ર જેવા વિશાળ હ્નદયમાં પણ ઈર્ષા રહે છે, જેને બીજાની ઊંચાઈની ઈર્ષા આવે છે.
લોભીના વારસદાર થતાં તેની સંપતિ વારસામાં મળે છે. તેથી લોભીના વારસદાર થવામાં ફાયદો છે.
મઠ અને મંદિરોના મહંતોએ મનના મહંત બનવું જોઈએ. મનની મહંતાઈ એ જ સાધુતા છે.
આપણી શુભ માનસિકતાનું અપહરણ થઈ ગયું છે જે એક ભયંકર ઘટના છે.
જાગ્રત અવસ્થામાં મન ઉપર બુધ્ધિનો કાબુ હોય છે અને તેથી મન સ્વતંત્ર નથી, મન નિર્ણય લઈ શકતું નથી. બુધ્ધિ મનને નિર્ણય લેવામાં રોકે છે.
સ્વપ્ન અવસ્થામાં બુધ્ધિ શાંત થઈ જાય છે અને તેથી મન ઉપર તેનો કાબુ રહેતો નથી. મન ઉપર નિયંત્રણ નથી હોતું. તેથી સ્વપ્ન અવસ્થામાં મન ગમે તેવાં સ્વપ્ન જુએ છે, ગમે તેમ વર્તે છે. બિધ્ધિ દ્વારા નિયંત્રિત મન દિવસે – જાગ્રત અવસ્થામાં- કંઈ નથી કરી શકતું પણ તે જ મન રાત્રે – સ્વપ્ન અવસ્થામાં- અનિયંત્રિત થતાં બેફામ રીતે વર્તે છે – ગમે તેવાં સ્વપ્ન જુએ છે.

ગામડાની કિડીઓ એક લાઈનમાં ચાલે છે જ્યારે નગરના નાગરો એક બીજાન પગ ખેંચે છે.

એકાન્તે સુખ માસ્યતામ……….આદિ શંકર
તું એક જગાએ સ્થિર થઈ જા.
શાસ્ત્ર પણ આખરે તો વાસના છે. તેને પણ છેવટે તો છોડવું જ પડે. ……..આદિ શંકર
વિશ્વમાં શસ્ત્ર અને શાસ્ત્રના બંધન છોડી આગળ જવું પડશે. શસ્ત્ર અને શાસ્ત્રોનું અતિક્રમણ કરવું પડશે.
પિટી પિટાઈ પરંપરાને સાહસ કરીને ઉલંગવી પડે.
કૈલાસમાં બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો મળે જ્યારે કાશીમાં શાસ્ત્રોનિષ્ઠ મહાપુરુષો મળે.
હું શ્રેષ્ઠને પસંદ નથી કરતો પણ શ્રેષ્ઠ મને પસંદ કરે છે. …..કવિવર રવીન્દ્રનાથ ટાગોર.
વૃક્ષની છાયા વટેમાર્ગુઓ માટે છે પણ તેનાં ફળ તો તેની પ્રાપ્તિ માટેના ઈંતજારમાં બેઠેલાઓ માટે છે.
ઘણા પૈસા કમાય છે અને બગડી જાય છે જ્યારે ઘણા બગડી ગયા પછી પૈસા કમાય છે…..ક્ષ
પ્રકાશ વિચાર વર્ધક છે જ્યારે અંધકાર વિચાર નાશક છે. તેથી જ સાધના અંધકારમાં કરવામાં આવે છે.

ચોરસ ન ઊતરે ચાકડે
માન મારા મન………હરિશભાઈ જોષી
અંતઃકરણમાં મન, બધ્ધિ, ચિત્ત અને અહંકારનો ચતુષ્કોણ છે.
જ્યાં રામ હોય ત્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય.
સત્ય હોય તો તેનાથી અભય આવે અને અભય આવતાં શાંતિ મળે અને શાંતિ મળે એટલે વિશ્રામ પ્રાપ્ત થાય. અને આ વિશ્રામ પરમ વિશ્રામ હોય જ્યાં રામ હોય.
પ્રેમ હોય ત્યાં ત્યાગ આવે અને ત્યાગ આવે એટલે શાંતિ મળે જે પરમ વિશ્રામ તરફ લઈ જાય, જ્યાં રામ હોય.
જ્યાં કરુણા હોય ત્યાં અહિંસા આવે અને અહિંસા આવે એટલે શાંતિ મળે જે પરમ વિશ્રામ તરફ લઈ જાય જ્યાં રામ હોય.
આમ જ્યાં રામ હોય ત્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય અને જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા હોય ત્યાં રામ હોય. અને ત્યાં જ પરમ શાંતિ હોય, પરમ વિશ્રામ હોય. આ એક ચક્ર છે, એક યાત્રા છે જે જ્યાંથી શરુ થાય છે ત્યાં જ આવીને પુરી થાય છે.

તુલસીદાસજી પણ લખે છે કે
પાયો પરમ બિશ્રામુ રામ સમાન પ્રભુ નાહિ કહૂ.

તારીખ ૧૦ જુન ૨૦૦૮

વિશ્વાસ અને શ્રધ્ધા નિત્ય નિવાસ ત્યારે જ કરે જ્યારે કૈલાસ જેવી ભૂમિકા બને.
કૈલાસ નિતાન્ત એકાન્તનો પરિચય છે. આવી ભૂમિકા હોય ત્યાં સિધ્ધિ, તપનું ધન, યોગીની શક્તિ, સમસ્ત કલા, દૈવી ગુણ તેમજ મૌન ધરવા વાળા મનિવૃંદ આપ મેળે આવવા લાગે. શ્રધ્ધા અને વિશ્વાસ નિરંતર નિવાસ કરે ત્યારે આ ૬ આવે.
જીવનનું ઊચ્ચતમ અને ઊજ્વળ શિખર એ છે જ્યાં સમતા હોય, સમ દર્શન હોય.
બિનુ વિશ્વાસ ભક્તિ ન હોઇ.
વિશ્વાસ કદી ય અંધ ન હોય. વિશ્વાસ મૌન હોય.
ભગવાનની મૂર્તિને મનુષ્ય ઉપર વિશ્વાસ છે તેથી જ મૂર્તિ મૌન રહે છે. મૂર્તિને વિશ્વાસ છે કે મનુષ્ય જરુર એક દિવસ મારી પાસે આવશે જ.
વ્યક્તિ જેટલો વધું શુધ્ધ તેટલો તે સિધ્ધ. સિધ્ધ એ છે જે શુધ્ધ છે.
કિસાન, માલધારી વિ. સાધક છે.
જ્યારે જ્યારે સાધક ચિંતા કરે છે કે હવે શું થશે ત્યારે ત્યારે સાધકના બાપ- ઈશ્વરને નીચા જોવાપણું થાય છે.
મૌન સાધનાનું મૂળ છે પણ મૌન જડ ન હોવું જોઈએ. મૌન હોય અને મોજ આવે તો કુદરતના સૌન્દર્યને માણવા ગાઈ શકાય અને આમ કરવામાં મૌન ભંગ નથી થતું.
શિવ દિવ્ય, ભવ્ય અને સેવ્ય છે.
શિવની ભવ્યતા અનુપમ છે. અભાવમાં પણ ભવ્યતા છે, અભાવનો પણ આનંદ છે.
શિવમાં નવ રસ સમાવિષ્ઠ છે તેમજ દશમો શાંત રસ પણ છે.
શિવનો કદી ય અનાદર ન કરવો.
જે હરિહર વિમુખ છે તેને કૈલાસમાં પ્રવેશ નથી મળતો. હરિહર એટલે હરિ અને હર તેમજ બીજાને ભોજન કરાવવું. જે બીજાને ભોજન કરાવવામાં વિમુખ છે, જે બીજાને ભોજન નથી કરાવતો તેને કૈલાસમાં પ્રવેશ નથી મળતો, કૈલાસમાં જવાની કલ્પના પણ નથી કરી શકતો.
ભાવ હોય તો થાંભલામાં પણ ભગવાન દેખાય અને જો ભાવ ન હોય તો ભગવાનમાં પણ થાંભલો દેખાય અથવા તો થાંભલો પણ ન દેખાય.
વિશ્વાસની ત્રણ શ્રેણી છે, ત્રિ પથ ગામી છે.
૧ સાત્વિક વિશ્વાસ
૨ તામસી વિશ્વાસ
૩ રાજસી વિશ્વાસ
રાવણને શંકર ઉપર જે વિશ્વાસ છે તે તામસી વિશ્વાસ છે.
દશરથનો શંકર ઉપર જે વિશ્વાસ છે તે રાજસી વિશ્વાસ છે.
રામનો ભરત ઉપરનો વિશ્વાસ સાત્વિક વિશ્વાસ છે.
મૂર્તિની રચના તંત્ર પ્રધાન છે. તંત્ર પરખ સાધનામાં તામસ વૃત્તિ આવે.
મૂર્તિઓ ભગવાન બૌધ પછી આવી. ભગવાન બૌધ પહેલાં નિરાકારનું મહત્વ હતું, બધા નિરાકાર વાદી હતા.
ઉપનિષદીય વિચારધારા નિરાકાર વાદની છે.
મૂર્તિ અને મંદિર આપણી સભ્યતાનાં પ્રતીક છે.
યજ્ઞમાં ક્યાં ક ને ક્યાં ક તંત્રની છાયા છે, તંત્રનો પ્રભાવ છે.
પ્રેમ હોય ત્યાં મુક્તિ હોય. પ્રેમ મુક્તિ પ્રધાન હોય, મર્યાદા પ્રધાન ન હોય. પ્રેમ મુક્તિ આપે, મર્યાદા ન બાંધે.
૨૧ મી સદીના રામના હાથમાં ધનુષ્યના બદલે કુસુમ હોવું જોઈએ.
વિશ્વાસને ઉપકરણોની જરુર નથી. વડના વૃક્ષને પાનખરમાં પણ કુપળ ફૂટે. તેને પાણી ન પાવું પડે, તેના મૂળ જ્યાં પાણી મળે તેમ હોય ત્યાં સુધી પહોંચી જાય. વડના ફળ નાનું હોય પણ તેમાં અસંખ્ય બીજ હોય જે અનેક નવા વડને પેદા કરે છે.


No comments:

Post a Comment