Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા - માનસ ગંગા

રામ કથા – 685

માનસ ગંગા

શેખપુરા

ગંગાઘાટ

હરદ્વાર

તારીખ ૦૩ એપ્રિલ ૨૦૧૦ થી ૧૧ એપ્રિલ ૨૦૧૦

મુખ્ય ચોપાઈ

ચલે રામ લછિમન મુનિ સંગા l

ગએ જહાં જગ પાવનિ ગંગા ll

ગાધિસૂનુ સબ કથા સુનાઈ l

જેહિ પ્રકાર સુરસરિ મહિ આઈ ll

……………….. બાલકાંડ ૨૧૧/૧

શ્રી રામ અને લક્ષ્મણજી મુનિ સાથે આગળ ચાલ્યા. જગતને પવિત્ર કરનારી ગંગાજી જ્યાં હતાં ત્યાં પહોંચ્યા. આ દેવનદી જે પ્રકારે પૄથ્વી પર આવ્યાં એ બધી કથા વિશ્વામિત્રજીએ કહી.

તારીખ ૦૩ એપ્રિલ ૨૦૧૦, શનિવાર

આ રામ કથાનું મુખ્ય ૩ પ્રકારે દર્શન કરવામાં આવશે.

૧ સ્થુલ રુપમાં પ્રવાહી ગંગાનું અવરતણ

૨ રામ ક્થા રુપી ગંગા – રામ કથા સ્વયં ગંગા છે.

૩ રામ ભક્તિ પણ ગંગા છે.

જગતને પવિત્ર કરવાનો સર્વોત્તમ ગુણ ગંગામાં છે અને તેનું પ્રતિપાદન તુલસીદાસજી કરે છે.

જ્યારે કોઈનો પ્રેમ કોઈ વસ્તુ સાથે જોડાય છે ત્યારે તે આસક્તિ બને છે; અને જ્યારે આ પ્રેમ આત્મા સાથે જોડાય છે ત્યારે તે અનુરુક્તિ બને છે અને જ્યારે આ પ્રેમ પરમાત્મા સાથે જોડાય છે ત્યારે તે ભક્તિમાં પરિવર્તિત થાય છે.

વિશિષ્ટ થવું, વિકસિત થવું સહેલું છે પણ વિશુદ્ધ થવું અઘરૂં છે.

જ્યારે આપણામાં અહંકાર આવે એટલે આપણામાં આક્રમકતા આવે અને આક્રમકતા આવે એટલે હિંસા થાય જે મહાન પાપ છે.

અહંકારનો જન્મ અજ્ઞાનતામાંથી – મૂઢતામાંથી થાય છે.

હનુમાનજીની ઉપાસના કરવા માટે ૩ શર્ત છે.

૧ હનુમાનજીની ઉપાસના કરવા દરમ્યાન અહંકાર ન આવવો જોઈએ.

૨ હનુમાનજીની ઉપાસના દરમ્યાન આપણામાં જેટલો સ્વાર્થ ઓછો આવે તેટલી હનુમાનજી પ્રત્યે પ્રિતિ વધે.

૩ જેટલી કપટની માત્રા ઓછી તેટલી હનુમાનજીની ઉપાસનાથી તેમની નજીક જવાય.

તારીખ ૦૪ એપ્રિલ ૨૦૧૦, રવિવાર

ગંગા સર્વ ગુણ સંપન્ન છે, તેનામાં સર્વને પવિત્ર કરવાનો સર્વોત્તમ ગુણ છે. ગંગા ત્રિલોકને પાવન કરનાર છે.

જે પોતે પવિત્રતાથી પરિપૂર્ણ હોય તે જ બીજાને પવિત્ર કરી શકે.

ગંગા આનંદનું મૂળ તત્વ છે. વિશ્વભરની મંગળતાનું મૂળ ગંગા છે.

આનંદ દરેકનું પોતાનું સ્વરુપ છે.

આપણી અંદર રહેલો આનંદ કોઈના દર્શનથી પ્રગટ થાય છે. દર્શનથી અંદર રહેલ તત્વ પગટ થાય છે.

ગંગા સમસ્ત સુખ – આત્મ સુખ, પરમ વિશ્રામ, સ્વાન્તઃ સુખ, નિજ સુખ પ્રદાન કરનાર છે.

પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજીએ કહ્યું છે કે ત્રણ કામ કરવાથી સતસંગ દ્વારા મંગલમય સૃષ્ટિ અનુભવાશે. આ ત્રણ કામ નીચે પ્રમાણે છે.

૧ શાંતિથી પોતાના જીવનનું દર્શન કરતાં કરતાં તેમજ પ્રભુ સાક્ષીએ પોતાનામાં રહેલ બુરાઈઓને દૂર કરો.

મકરંદ દવે કહે છે કે “ગમતાનો કરીએ ગુલાલ”

વ્યસનનો એક અર્થ દુઃખ થાય છે.

૨ જગતને સ્વપ્નમાં પણ ખરાબ ન સમજો.

આખું જગત સિયારામમય છે. સર્વમ્‌ ખલમિદમ્‌ બ્રહ્મ

૩ પરમાત્માને પ્રેમથી પોતાનો માનો.

ગંગાનું દર્શન કરવાથી બધા શૂલ મટે છે.

આધ્યાત્મ જગતનું શૂલ કયું છે? ગુરૂ અવજ્ઞના આધ્યાત્મ જગતનું શૂલ છે.

ગુરુ પરબ્રહ્મ છે, બ્રહ્મથી પણ મહાન છે.

ગુરુ વ્યક્તિ તરીકે કમજોર હોય તો પણ તેની નિષ્ઠામાં કરેલ સંકલ્પ અસ્તિત્ત્વ પૂર્ણ કરે છે.

આપણે શ્રદ્ધા તો રાખીએ છીએ પણ સાથે સાથે સંદેહ પણ રાખીએ છીએ.

ગંગા સ્નાનનો મહિમા છે.

યમુનાના પાનનો મહિમા ચે.

સરસ્વતીના ગાનનો મહિમા છે.

સરયુના તટ પર ધ્યાનનો મહિમા છે.

રામ કથા પણ ગંગા છે, જે આનંદ આપે છે, મંગલકારી છે, બધું સુખ આપનારી છે, બધાં શૂલ દૂર કરનાર છે, વિશ્રામ આપનાર છે, મન મુદિત કરનાર છે.

રામ ભક્તિ પણ ગંગા છે.

ભક્તિ રુપી ગંગા આનંદ આપે છે.

ઘડામાં ગંગા હોય તેમ ઘટમાં પણ ગંગા હોય છે.

ભક્તિમાર્ગી કદી દુઃખની ફરિયાદ ન કરે.

ભક્તિમાં બધી મમતા ભેગી કરી હરિના ચરણમાં ધરવાની હોય છે, હરિના ચરણમાં સમર્પણ કરવાની હોય છે. જ્યારે જ્ઞાન માર્ગમાં મમતા છોડવાની હોય છે.

તારીખ ૦૫ એપ્રિલ ૨૦૧૦, સોમવાર

ગંગા પ્રાગટ્યનાં પાંચ સૂત્ર સમજવા જરુરી છે. આ પાંચ સૂત્ર નીચે પ્રમાણે છે.

પ્રાગટ્ય

અહલ્યા સ્તુતીમાં ત્રણ પ્રાગટ્યનો સંગમ છે; અહીં ભગવાન રામનું પ્રાગટ્ય, ગંગા અવતરણ અને અહલ્યાનું પ્રાગટ્ય છે જે આ ત્રણેનો સંગમ છે.

અહલ્યા પ્રાગટ્ય એટલે જડમાંથી ચેતનનું પ્રાગટ્ય.

પ્રગટ થયેલ તત્વ પ્રવાહી બનવું જોઈએ, ગતિશીલ બનવું જોઈએ.

રામ અયોધ્યામાં પ્રગટ થાય છે અને ત્યાંથી જનકપુરી જાય છે, લંકા જાય છે અને પરત અયોધ્યા આવે છે ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય છે. આ રામ તત્વનું ગતિશીલપણું છે, પ્રવાહીતા છે. જો રામ તત્વ ગતિશીલ ન હોત અને ફક્ત અયોધ્યામાં જ સિમિત હોત તો રામ રાજ્યની સ્થાપના ન થાત.

ગતિ જ જીવન છે. ………. J Krishnamurti

પ્રગટ થયેલ તત્વનો પ્રવાહ પવિત્ર હોવો જોઈએ.

ગંગાનો પ્રવાહ પ્રવિત્ર કરનાર છે.

શુદ્ધતા બાહ્ય હોય જ્યારે પવિત્રતા આંતર હોય.

તત્વના પ્રગટ્ય પછી તેનું કોઈ પરિણામ આવવું જોઈએ, ફળ મળવું જોઈએ.

તત્વ અંતે પરમમાં વિલીન થવું જોઈએ.

પ્રેમમાં ૧+૧=૧ જ થાય, ૨ ન થાય. પ્રેમમાં દ્વૈત ન હોય.

પ્રેમમાં તન બે હોય પણ મન એક જ હોય.

સ્વબોધ એ જ સ્વર્ગ છે.

પવિત્રતાનો પ્રવાહ તાકાતવાન હોય છે.

અહંકાર ઊર્જાને ઓછી કરે.

તારીખ ૦૬ એપ્રિલ ૨૦૧૦, મંગળવાર

સૂત્રનો – શબ્દનો તેના ખરા અર્થમાં અર્થ કરવો જોઈએ, નહિં તો લક્ષ્ય સુધી પહોંચવામાં મોડું થઈ જશે.

ગંગ અને ગંગા એક જ છે.

અધ્યયન કરવું જોઈએ પણ અધ્યયન કર્યા પછી તેની અનુભૂતિ પણ કરવી જોઇએ, તેનો અનુભવ લેવો જોઈએ. ફક્ત એકલું અધ્યયન પુરતું નથી.

રામ ચરિત માનસમાં ગંગ શબ્દ ૮ વાર આવે છે અને ગંગા શબ્દ ૯ વાર આવે છે.

શબ્દની ધ્વની પણ ઇશ્વર જ છે.

ગંગાનો પ્રવાહ બ્રહ્મ છે, ગંગાનું દર્શન બ્રહ્મનું દર્શન છે, ગંગાનો સ્પર્શ બ્રહ્મ સ્પર્શ છે, ગંગા સ્નાન બ્રહ્મ સ્નાન છે, ગંગા પાન બ્રહ્મ પાન છે.

રામ કથા પણ ગંગા જ છે.

૧ પ્રાગટ્ય – રામ કથા રુપી ગંગા શિવના મુખમાંથી પ્રગટે છે.

મા પાર્વતી રામ કથા રુપી ગંગાની ભગીરથ છે. તેના દ્વારા રામ કથા રુપી ગંગા શિવ મુખેથી પ્રગટ થાય છે.

ગંગા હરદ્વાર, પ્રયાગ થઈ ગંગાસાગર જાય છે.

રામ કથા રુપી ગંગાના હરદ્વાર, પ્રયાગ, ગંગાસાગર કોણ છે?

રામ કથા રુપી ગંગાનું હરદ્વાર હરિ કૂપા છે.

અતિ હરિ કૄપા થાય તો જ રામ કથા રુપી ગંગામાં ડૂબકી લગાવી શકાય.

શ્રોતાઓને તો રામ કથામાં આવવા માટે માનસ જ નિમંત્રણ આપે છે.

મન, વચન, કર્મથી ચતુરાઈ છોડીએ ત્યારે જ હરિ કૄપાનું હરદ્વાર મળે.

ચતુર ન બનો પણ સમજ્દાર જરુર બનો.

હરિ કથા રુપી ગંગાનું પ્રયાગ સંત સમાજ છે. પ્રયાગ તો તીર્થરાજ છે.

કોઈ પણ શુભ તત્વની ચર્ચા કથા જ છે.

જે કદી તંત ન કરે તે સંત કહેવાય. (તંત – આગ્રહ)

જેનો કદી અંત ન થાય તે સંત કહેવાય.

જેને પદ પ્રતિષ્ઠાની આકાંક્ષા ન હોય તે સંત કહેવાય.

રામ ક્થા રુપી ગંગાનો ગંગાસગર પરમ વિશ્રામની પ્રાપ્તિ છે.

રામ કથા પવિત્ર છે.

રામ કથાનું પરિણામ જે ઈચ્છો તે મળે છે. પણ આવી ઈચ્છા કપટ છોડીને કરવી પડે.

તારીખ ૦૭ એપ્રિલ ૨૦૧૦, બુધવાર

ગંગાની સપ્ત ધારા છે એવો પણ ઉલ્લેખ છે. આ સપ્ત ધારાનો સંતોએ આધ્યાત્મિક અર્થ કર્યો છે.

૧ મંદ ધારા

ગંગાની મંદ ધારા તેના કિનારે સાધના કરતા સાધકના ચિત્તને વિક્ષેપ્ત નથી કરતી. આવી પરિસ્થિતિમાં સાધક કંઈક નવીન સાધના કરે છે, કોઈક નવો વિચાર આપે છે. કંઈક નવીનની ઉત્તપતિ થાય છે.

ગંગાની શક્તિ ઈશ્વરીય શક્તિ છે, દૈવી શક્તિ છે.

૨ તેજ ધારા – તિવ્ર ગતિ વાળી ધારા

ગંગાની તિવ્ર ગતિ વાળી ધારા તેમાં આવતા કચરાને જલ્દી દૂર કરે છે. આવી ધારા સાધકની ગ્લાનિને, સાધકના વિકારોને તિવ્ર ગતિથી દૂર કરી દે છે.

સાધકની જેવી વિચાર ધારા હોય તેવી ગતિ ગંગા ધારણ કરે છે.

૩ સૌમ્ય ધારા

સૌમ્ય ધારા સ્વભાવ પ્રધાન હોય છે. જ્યારે મંદ અને તેજ ધારા પ્રવાહ પ્રધાન હોય છે.

૪ રૌદ્ર ધારા

ગંગા અવતરણ સમયની ધારા રૌદ્ર ધારા છે.

૫ શાંત ધારા

૫ શીત ધારા

શીત ધારામાં શીતલતા હોય છે. ગંગા સ્નાનથી એક પ્રકારની હુંફ મળે છે, પ્રેમ સભર ઉષ્ણા પ્રાપ્ત થાય છે.

૬ દ્વંદ્વથી પરની ધારા

આવા પ્રકારની ધારા દ્વંદ્વથી મુક્ત હોય છે. આવી ધારા ફક્ત ગુરુ કૄપાથી જ અનુભવી શકાય. આવી ધારાનું કોઈ નામ આપી ન શકાય.

ગંગાની સપ્ત ધારા પ્રમાણે રામ કથા રુપી ગંગાની પણ સપ્ત ધારા છે.

રામ કથા રુપી ગંગાની આ સાત ધારા રામ ચરિત માનસના સાત કાંડ છે. અને આ સાત ધારાઓમાં કથાના વક્તાની જવાબદારી છે.

૧ બાલકાંડની ધારા

બાલ કાંડની રામ કથા રુપી ગંગાની ધારા બાલક સહજ નિખાલસતા છે. આવી નિખાલસતા વક્તામાં હોય તો વક્તા બાળકની માફક તોતલી બોલીમાં કથા ગાન કરે, આ ધારા આરપારની ધારા છે.

માણસને વિશેષણ મુક્ત રાખવાની ઉદારતા આપણે રાખવી જોઈએ. માણસને વિશેષણ લગાડવાથી તેને આવા વિશેષણોનો ભાર લાગે છે.

વિશેષણ સાધક વિશ્વ માટે બહું ઉપયોગી છે.

૨ અયોધ્યાકાંડની ધારા

અયોધ્યાકાંડની ધારા સંયમની ધારા છે. વક્તાની વાણીમાં સંયમતા હોવી જોઈએ.આ યુવાનીનો કાંડ છે. આ ધારા સમ્યકતાની ધારા છે. આવી ધારામાં અતિરેક પણ ન થાય અને કમી પણ ન રહે.

૩ અરણ્યકાંડની ધારા

અરણ્યકાંડની ધારા આરણ્યક ગ્રંથોનો આશ્રય લઈને ચાલતી ધારા છે. આ વૈરાગ્યની પ્રધાનતાની ધારા છે, વીરતીની ધારા છે.

ઈશ્વર ઈચ્છા પુરી કરે પણ વાસના પુરી ન કરે.

૪ કિષ્કિન્ધાકાંડની ધારા

કિષ્કિન્ધાકાંડની ધારા મૈત્રીની ધારા છે. મૈત્રી સાધુનો સદગુણ છે. આ ધારા બધાને જોડવાની ધારા છે.

૫ સુંદરકાંડની ધારા

સુંદરકાંડની ધારા જેમ જાનકી રાવણના શામ, દામ, દંડ, ભેદના પ્રયાસો સામે એક તણખલાના સહારે, તણખલાના ભરોંસે રક્ષણ મેળવે છે તેવી ધારા છે. આ ધારા તૄણવત જીવનની ધારા છે, ભરોંસાના જીવનની ધારા છે.

સ્મરણ મરણથી બચાવે છે.

૬ લંકાકાંડની ધારા

લંકાકાંડની ધારા ઉગ્ર ધારા છે. વિકાર મુક્તિની ધારા છે. વિકારોના નિર્વાણની ધારા છે.

૭ ઉત્તરકાંડની ધારા

ઉત્તરકાંડની ધારા શરણાગતિની ધારા છે.

તારીખ ૦૮ એપ્રિલ ૨૦૧૦, ગુરુવાર

તારીખ ૦૯ એપ્રિલ ૨૦૧૦, શુક્રવાર

તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૦, શનિવાર

તારીખ ૧૧ એપ્રિલ ૨૦૧૦, રવિવાર

No comments:

Post a Comment