Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા ક્રમાંક – ૬૭૪ નવસારી

રામ કથા ક્રમાંક – ૬૭૪

નવસારી

ગુજરાત

તારીખ ૦૯ મે ૨૦૦૯ થી તારીખ ૧૭ મે ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

જે એહિ કથહિ સનેહ સમેતા l

કહિહહિં સુનિહહિં સમુઝિ સચેતા ll

હોઇહહિં રામ ચરન અનુરાગી l

કલિ મલ રહિત સુમંગલ ભાગી ll

……બાલકાંડ

૧ તારીખ ૦૯ મે ૨૦૦૯, શનિવાર

પૂજ્ય મોરારી બાપુ કહે છે કે તે કોઈ આદેશ નથી આપતા, કોઈ ઉપદેશ પણ નથી આપતા કારણ કે ઉપદેશ આપવા શક્તિમાન નથી, પણ તેઓ ફક્ત સંદેશ જ આપે છે.

સંતનો મત તેના અંતઃકરણની પ્રવૃત્તિથી થાય છે.

વેદ બધાને અગમ્ય છે, સમજાય તેવો નથી.

ચારે ય વેદ વાલ્મીકિ રામાયણમાં સમાયેલા છે.

વાલ્મીકિ રામાયણ આદિ કાવ્ય છે.

રામ ચરિત માનસ એ વાલ્મીકિ રામાયણનો અવતાર છે.

જે પ્રેમ પૂર્વક કહેશે, સાંભળશે અને સમજશે તેને રામ પ્રત્યે અનુરાગ – પ્રેમ પેદા થશે.

રામ એટલે સમગ્ર જગત. સમગ્ર જગત રામનો પર્યાય છે.

રામનો ટૂકો અર્થ કરવાથી રામ ન સમજાય.

રામ એટલે સત્ય, પ્રેમ અને કરૂણા.

સીયારામમય સબ જગ જાની કરહું પ્રનામ જોરી જુગ જાનિ.

ભગવાનને સમજવો સહેલો છે પણ મનુષ્યને સમજવો અઘરો છે.

માણસનું માપ ન કાઢો, તેને પ્રેમ કરો.

સંસારસે ભાગે ફિરતે હો ભગવાનસે ક્યા પાઓગે !

કથાકાર એટલે ક , થા, કા અને ર

ક એટલે કલમાં નહિં પણ પલમાં જીવવું. આજે જે પલ છે તેમાં જીવવું, ભૂતકાળનો શોક ન કરવો, ભવિષ્યની ચિંતા ન કરવી પણ હમણાં જે છે તેમાં જીવવું.

કથા સાંભળ્યા પછી વિવેક ન આવે તો વધારે મહેનત કરો.

આપણો આત્મા જ્યારે સાથ ન આપે ત્યારે ત્યાં રોકાઈ જવું.

થા એટલે આ કથાનો કોઈ થાહ નાહિં પામે. કથા પુરી સમજી લીધી છે એવું ન માનવું.

માણસમાંથી દેવ બનવું એ ખોટનો ધંધો છે.

પરમાત્મા પણ માનવ બનવાની ઈચ્છા રાખે છે.

કા

અમુક દુઃખો તો આપણે પોતે જ ઊભા કર્યા છે.

ત્રિકાળ સંધ્યા એટલે સવારમાં અહોભાવના આંસુ આવે તે સવારની સંધ્યા, બપોરે કોઈના તરફ કરૂણાના આંસુ આવે તે બપોરની સંધ્યા અને સાજે કોઈનો અપરાધ થઈ ગયો હોય તેના માટે પ્રાયશ્ચિત કરતાં આવતા આંસુ એ સાંજની સંધ્યા છે.

તારીખ ૧૦ મે ૨૦૦૯, રવિવાર

આ કથાની મુખ્ય ચોપાઈમાં જે કથાની વાત એ કઈ કથાની વાત છે?

અહીં જે કથાનો સંદર્ભ છે તે એવી વ્યક્તિની કથા છે જે વ્યક્તિમાં નામ, રૂપ, લીલા અને ધામ હોય. જે વ્યક્તિમાં નામ, રૂપ, લીલા અને ધામ હોય તેવી વ્યક્તિનું ચરિત્ર કથા છે.

નામ – જે નામ મંત્ર બને તેવું હોય તે નામ કથાનકને યોગ્ય છે.

રૂપ – જે રૂપ ભોગને બદલે ભગવાનને યાદ અપાવે તેવું હોય તે રૂપ કથાનકને યોગ્ય છે.

લીલા – જેની જીવન ચર્યા, જીવન ચરિત્ર ગાવાની ઈચ્છા થાય તેવું જેનું ચરિત્ર હોય તે કથાની સામગ્રી છે.

ધામ – જે ધામ લોકોને આકર્ષિત કરે તેવું હોય તે ધામ કથાની સામગ્રી છે.

અહીં તો રેતનો દરિયો છે;

અહીં શું કાંકરીચાળો? ……. કિરણ ચૌહાણ

એકલું થડ વૃક્ષ કહેવાશે?

જરુર છે બહું ડાળોની

તમારા ખુદના જીવનમાં

તમારો શું ફાળો છે?

આપણા જીવનમાં માબાપનો, શિક્ષકનો, ગુરૂનો, મિત્રોનો, પુસ્તકોનો, આજુબાજુના માનવ જીવનનો ફાળો હોય છે; આપણો પોતાનો કોઈ ફાળો હોતો નથી.

પ્રેમ ભાવથી લીધેલું કોઈ પણ નામ મંત્ર છે.

રૂપજીવી નારી, મલ્લ, સેવક – નોકર ઘરડા થાય એટલે તેમની કિંમત ઘટે.

મંત્રી, રાજા, વૈદ્ય અને યતિ – યોગી ઘરડા થાય તેમ તેમની કિંમત વધે.

કથાની આલોચના એ એક અપરાધ છે.

કથા એ એક સફળ માધ્યમ છે.

આપણા દેશનો પ્રાણ કથા છે.

કથા સમજવા માટે બાહ્ય શુધ્ધિ અને અંતઃ શુધ્દ્ધિ આવશ્યક છે. બાહ્ય શુધ્ધિથી કથામાં રૂચી પેદા થશે. અંતઃશુધ્ધિ કથા સમજવામાં ઉપયોગી થશે.

કથા સાંભળવાથી, સમજવાથી નીચે પ્રમાણેના ફાયદા થાય.

૧ મનનો ખેદ મટે, દુઃખ ઓછા થાય.

૨ વ્યક્તિ એકાગ્ર થાય.

૩ કથા શ્રવણ દરમ્યાન સામાન્ય નિયમો પાળવાથી આપણી ઈન્દ્રીયો સંયમિત થાય, ઈન્દ્રીયો નિયંત્રિત થાય.

મહત્વની વાત જે સમજાવી દે તે સાધુ કહેવાય.

સાર રૂપ વાત જે સમજાવી દે તે સાધુ કહેવાય.

સામથી જે વાત કરે, પ્રલોભન ન આપે તે સાધુ કહેવાય.

જે શાનમાં સમજાવે તે સાધુ કહેવાય.

જે સાદ પાડીને સમાજને જાગૃત કરે તે સાધુ કહેવાય.

જે શાખ પુરે તે સાધુ કહેવાય. જે આપણી સાક્ષી પુરે તે સાધુ કહેવાય. જો આપણી સાક્ષી સાધુએ આપી હોય તો પછી બીજાની સાક્ષીની જરુર જ રહેતી નથી.

કથા, ભજન, સમાધિ વિ. માં ક્યારેય રસભંગ ન થાય. કાયમ તેમાં રસ પડ્યા જ કરે. આ બધામાં ક્યારેય ઉબ ન આવે. તેથી તો કહેવાયું છે કે “લાગી સમાધિ અખંડ અપારા.”

કરૂણા વિમુખને સન્મુખ કરે.

એવું છે એક સંતનું કહેવું

ગુનો કરે તોય કંઈ ન કહેવું.

કોઈના પ્રત્યે તમને બદલો લેવાનો મોકો મળે તો પણ બદલો ન લો પણ બલિદાન આપો.

કથા શ્રવણ, ગાન, સ્મરણ, ધ્યાન વિ. વિષમ પરિસ્થિતિ પસાર કરવાના સાધનો છે.

જ્યારે આપણે આપણી ચતુરાઈ છોડીએ ત્યારે જ હરિની કૃપા અનુભવાય.

તારીખ ૧૧ મે ૨૦૦૯, સોમવાર

આ કથા જે કહેશે, જાણશે, જાગૃતી પૂર્વક સાંભળશે તેને રામ પ્રત્યે અનુરાગ પેદા થશે.

વ્યથા મટાડે તેનું નામ કથા.

કથાથી વિશ્રામ મળે અને પરમ વિશ્રામ પણ મળી શકે.

કથાને ઉલટી રીતે વાંચીએ તો થાક થાય. આમ જે આપણો થાક ઉતારે તે કથા કહેવાય.

ધર્મ જગતમાં પાખંડ એ આપણા દેશની દૂર્દશા છે.

પાખંડી કથા સતસંગ નથી પણ કુસંગ છે.

વેદ શાસ્ત્ર વિશુધ્ધિ એટલે વેદને દેશકાળ પ્રમાણે સમજાય, તે રીતે રજુ કરાય.

શાસ્ત્ર વચનમાં સંશોધન જરુરી છે.

શુકદેવજીમાં કરૂણા જાગી અને તેના ફળ સ્વરૂપે – પરિણામે ભાગવદનો જન્મ થયો.

વિવેક બુધ્ધિનો જન્મ સતસંગથી થાય.

બિનુ સતસંગ બિબેક ન હોઇ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ.

સતસંગનું ક્ષેત્ર બહું વિશાળ છે.

ધર્મ મંચ વિવેક ચૂકે એ દયાજનક છે.

કથામાં શ્રોતાની રૂચી પ્રમાણેના પ્રસંગ કે કથાનક ન આવે તો શ્રોતાને થાક લાગે.

કથા કહેવામાં જો પ્રયાસ પૂર્વક કથા કહેવી પડે તો પણ થાક લાગે. પ્રયાસ પૂર્વક કથા કહેવી એટલે અમુક રીતે જ કથા કહેવી, અમુક પ્રસંગોનો જ ઉલ્લેખ કરવો.

નદીને વહેવામાં થાક ન લાગે.

કથા વૃથાનો નાશ કરે. વૃથા એટલે નકામી વસ્તુ.

મંગલ કરની કલિ મલ હરનિ તુલસી કથા રઘુનાથકી.

કલિયુગનો મલ દૂર કરનાર કથા છે.

યથાર્થ કહેવાય તેનું નામ કથા, જે પ્રમાણે હોય તે પ્રમાણે જ કથાનક આવે, તેમાં પોતાનાં મંતવ્યો ઉમેરીને કથા ન કરાય.

કથા મહામંત્ર છે.

કથા વિધાતાના લેખને પણ બદલી શકે છે.

કથા સંસારના રોગની ઔષધિ છે, ભવરોગ મટાડનાર છે.

કથા ગંગા છે.

કથા એ તો મુક્તિ રૂપી યુવતીનો શૃંગાર છે.

કથા સમગ્ર શાસ્ત્રોનો સાર, રસ છે.

કથા મારા માબાપ છે. ….. મોરારી બાપુનો અંગત મત

કાચબા ધર્મ એટલે એ ધર્મ જેમાં વિશાળતા ન હોય, સંકુચિતતા હોય.

કથા એ માતા છે. … પૂજ્ય કૃષ્ણશંકરદાદા

કથા વર્તુળાકાર સંસારનો મણિ છે.

કથા જગત રૂપી જપ માળાના ૧૦૮ મણકાનો મેરૂ છે. મેરૂ રૂપી મણકો હોય તો જ માળા ફેરવાય.

પારાયણનો વિધી વિશ્વાસ છે.

આ જગત એક ખોળિયું છે અને કથા તેનો પ્રાણ – આત્મા છે.

પ્રેમ પ્રાપ્ત કરવાની ૧૧ ભૂમિકાની ચર્ચા પૂજ્ય મધુસુધન સરસ્વતી મહારાજે કરી છે. એની સામે તુલસી પ્રેમ પ્રગટ કરવા માટે એક જ માર્ગ અને તે પણ એકદમ સરળ માર્ગ બતાવે છે.

આ ૧૧ ભૂમિકા નીચે પ્રમાણે છે.

સેવા

પ્રેમ પ્રગટ કરવા મહત વ્યક્તિની સેવા કરવી. મહત વ્યક્તિ એટલે આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિ. મહત વ્યક્તિ ગુરૂ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, કે એવી કોઈ પણ વ્યક્તિ હોય.

મહત વ્યક્તિમાં શીલ બળ બહું હોય, તે કોઈની ઈર્ષા દ્વેષ ન કરે.

મ એ નકારાત્મક અક્ષર છે. મહાન એટલે જેનાથી કોઈને હાની ન થાય તે.

જેમ લાકડામાં અગ્નિ સમાયેલો છે તેમ આપણા ઘટમાં પ્રેમ સમાયેલો છે. ફક્ત તેને પ્રગટ કરવાની જ જરુર છે.

સેવા એટલે મહાન વ્યક્તિ જે આજ્ઞા કરે તેનું ચુસ્તપણે પાલન.

સેવા ધર્મ કઠીન ધર્મ છે કઠીન કાર્ય છે.

મહાન વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય, તેની કૃપાના વારસદાર બનવા મળે એ બીજી ભૂમિકા છે.

આપણે જેની સેવા કરી, જેની કૃપાના પાત્ર બન્યા તેના ધર્મમાં શ્રધ્ધા રાખવી એ ત્રીજી ભૂમિકા છે. અહીં ધર્મમાં શ્રધ્ધા એટલે તેના સ્વભાવમાં શ્રધ્ધા, તેના પ્રભાવમાં શ્રધ્ધા નહિં.

ગુરૂના સ્વભાવને સમજી તેને અનુરૂપ જીવવું એ તેના ધર્મમાં શ્રધ્ધા છે.

ગુરૂ આપણને લૂંટીને તેના જેવો ફકીર બનાવી દે છે. ગુરૂ આપણૂં બધું જ લૂટી લે છે જેથી આપણી પાસે પ્રેમ સિવાય કંઈ જ ન રહે.

ધર્મ ચોવિસે કલાક ચાલતી પ્રકિય્રા છે, ફક્ત અમુક જ સમય ગાળા પુરતી સિમિત ક્રિયા નથી.

પ્રભુની ચર્ચા, ગુણગાન એ ચોથી ભૂમિકા છે. પ્રભુના ગુણગાન ગાવાથી, પ્રભુની ચર્ચા કરવાથી પ્રભુના ચરણ પ્રત્યેં આપણામાં રતિનો અંકુર ફૂટે છે.

આપણામાં પ્રભુના ચરણ પ્રત્યે રતિનો અંકુર પ્રગટે એટલે તેના સ્વરુપ તરફ આપણે ખેંચાઈએ. આપણું મન બીજે ક્યાંય જાય નહિં.

આ પાંચમી ભૂમિકા છે.

આવું કરવાથી આનંદ વધે, ભાવ વધે. ભાવ પ્રગટે. આ છઠ્ઠી ભૂમિકા છે.

મહાન વ્યક્તિનાં જે લક્ષણ હોય તેવાં લક્ષણ આપણામાં પણ આવે. આપણામાં આનંદની સ્ફૂરણા આવે.

પરમાત્માના ગુણોમાં નિષ્ઠા જાગે.

ગુરૂના ગુણ અને શીલ આપણામાં આવવા લાગે.

માબાપ જન્મ આપે છે તો ગુરૂ જીવન આપે છે. જન્મ આપનારના ગુણ આપણામાં આવે છે તો જીવન આપનારના પણ ગુણ આપણામાં આવે જ.

૧૦

૧૧

ગટરનું ઢાંકણ ખોલીએ ત્યારે જ તેમાં રહેલ ગંદકી દેખાય, ગંદકીની દૂર્ગંધ આવે.

આપણામાં દબાઈ રહેલા અવગૂણ પ્રસંગ આવે ત્યારે જ બહાર પડે. પ્રસંગ ન આવે ત્યાં સુધી ઢંકાયેલા રહે.

સાધુ શ્રાપ ન આપે, શ્રાપ આપે તે સાધુ ન હોય.

મન વિચાર કરે, મન ઈચ્છા કરે અને મનમાં વિવિધ લાગણીઓ પેદા થાય. આ મનોવૈજ્ઞાનિક સત્ય છે.

વિચાર કરવો એ જ્ઞાન યોગ છે.

ઈચ્છા કરવી એ કર્મ યોગ છે. ઈચ્છા કરીએ એટલે તેને પૂર્ણ કરવા કાર્ય કરવું પડે, કર્મ કરવું પડે.

લાગણી એ ભક્તિ યોગ છે.

દશરથ રાજાની રાણીઓમાં ત્રણેય યોગ સમાવિષ્ઠ છે.

કૌશલ્યા જ્ઞાન શક્તિ છે, કૈકેયી કર્મ શક્તિ છે અને સુમિત્રા ઉપાસના શક્તિ છે.

તારીખ ૧૨ મે ૨૦૦૯, મંગળવાર

એકતા અને નેકતા બહું જરુરી છે.

ગીતાનો કેન્દ્રવર્તી વિચાર “સમ” છે, રામાયણનો કેન્દ્રવર્તી વિચાર “સબ” છે અને ઉપનિષદનો કેન્દ્રવર્તી વિચાર “સત” છે.

કથા સ્ત્રી વાચક શબ્દ છે.

સ્ત્રીનું સમર્પણ, ત્યાગ, સ્નેહ, સહન શક્તિ પુરૂષના સમર્પણ, ત્યાગ, સ્નેહ, સહન શક્તિ કરતાં વધારે છે.

કોઈ પણ ચરિત્રમાંનું સત્ય એ કથા છે.

પ્રસંગોમાં પ્રેમ એ કથા છે.

કહાનીમાં કરૂણા એ કથા છે.

નવરસમાં કરૂણ રસ પ્રધાન રસ છે.

તમામ સદગુણોની જનની કથા છે.

કથા અમૃત છે.

કથા કઠોરને કોમળ બનાવી દે છે.

બ્રહ્મ કુસુમથી કોમળ અને વજ્રથી કઠોર છે.

કથા સિવાયનો દેશ મડદું છે.

વક્તાના ૧૮ લક્ષણો છે.

ચિત્તની વૃત્તિઓમાંની એક વૃત્તિ નિદ્રા છે. નિદ્રામાં માણસ બધું ત્યાગી દે છે. નિદ્રા ત્યાગ વૃત્તિનું સ્મરણ કરાવે છે. નિદ્રા અવસ્થામાં માણસ વધારે ત્યાગે છે.

ચિત્તની એક વ્રત્તિ પ્રમાણ છે.

પ્રમાણ ત્રણ છે.

૧ પ્રત્યક્ષ પ્રમાણ

૨ કલ્પના પ્રમાણ – અનુમાન પ્રમાણ

૩ શાસ્ત્ર પ્રમાણ

૪ સાધુના અંતઃકરણની વૃત્તિ પ્રમાણ છે, આત્માની વૃત્તિ પ્રમાણ છે.

ચિત્તની એક વૃત્તિ વિપર્ય વૃત્તિ છે. વિપર્ય વ્રત્તિ એટલે હોય તેના કરતાં ઊલટું વિચારવાની વૃત્તિ.

ચિત્તની એક વૃત્તિ વિકલ્પ વૃત્તિ છે.

એક વસ્તુને સિધ્ધ કરવા માટે બીજી વસ્તુ સાથે સરખામણી એ વિકલ્પ છે.

તુલસી સ્નેહથી કથા સાંભળવા જણાવે છે. અહી સ્નેહ એટલે શું?

મોટી વ્યક્તિ નાની વ્યક્તિને ઉપર રાખે, નાની વ્યક્તિ તરફ લાગણી રાખે તે મોટી વ્યક્તિનો નાની વ્યક્તિ ઉપરનો સ્નેહ છે.

સમાન વ્યક્તિમાં એક બીજા પ્રત્યે આદાન પ્રદાન થાય તે પ્રેમ કહેવાય.

મોટા માણસ પ્રત્યે આપણો ભાવ હોય તે ભક્તિ કહેવાય.

સ્નેહની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે છે.

જ્યારે આપણે કોઈનું દર્શન કરીએ, કોઈને સાંભળીયે, કોઈની સાથે વાર્તાલાપ કરીએ અને જો આપણું હ્નદય – અંતઃકરણ – ચિત્ત દ્રવીભૂત થાય તો તેને સ્નેહ કહેવાય.

ચિકણા પદાર્થો સ્નેહ યુક્ત હોય છે.

ચુરમામાં ઘી એ સ્નેહ છે. ઘી વિના ચુરમાના લાડું ન બનાવી શકાય.

પ્રવચન ઘી વગરનું ચુરમું છે.

સ્કુલનાં પગથિયાં નાના બાળકો ચઢી શકે તેવાં હોવાં જોઈએ, શિક્ષક ચઢે તેવાં પગથિયાં યોગ્ય નથી.

કથા કોઈની ફરમાઈશ ઉપર ન ચાલે. કથા તો તેના પ્રવાહમાં જ ચાલે, તેને કોઈના કહેવા પ્રમાણે ન કરાય.

રામ મહામંત્ર છે. આ મહામંત્ર જ્યારે આપણે કરીએ ત્યારે તે ભરતની માફક બધાને ભરી દે તેવા હોવા જોઈએ. રામ મહામંત્ર જપનારે આ બધું ધ્યાનમાં રાખવાની જરુર છે. કોઈના પ્રત્યે વેર વૃત્તિ રાખ્યા સિવાય, દ્વેષ રાખ્યા સિવાય અને આપણાથી બનાય તેટલા પ્રમાણમાં બીજાના આધાર બની રામ મહા મંત્ર જપવો.

માણસ પાસે તેના વિકારોને પૂર્તિ કરવાનાં બધા સાધનો, બધી સુવિધા હોય અને છતાંય જો તે વિચલિત ન થાય, વિકારોને આવવા ન દે તો તે માણસ ધૈર્યવાન છે.

વિકારોથી ભજન જ બચાવી શકે.

તારીખ ૧૩ મે ૨૦૦૯, બુધવાર

જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય ત્યાંથી જ તે મળે. જો શાંતિ ઘરમાં ખોવાઈ હોય – ઘરમાં શાતિ ન હોય – તો તે ઘરમાંથી મેળવી શકાય.

આ કથાની મુખ્ય ચોપાઈમાં ત્રણ મહત્વના શબ્દ છે – કથા, સ્નેહ અને સચેત.

રામ કથા મંદાકિની છે.

સાવધાન ચિત એ ચિત્રકૂટ છે, આજુ બાજુનું વન એ સ્નેહ છે.

મોક્ષ પ્રાપ્ત કરવાના ઘણા રસ્તા છે પણ ભક્તિથી મોક્ષને પ્રાપ્ત કરવાનો રસ્તો સરળ છે. …… આદિ શંકર

જનક્પુરના બાગમાં રામ જાનકીના પગનાં ઝાંઝર, કંગન અને કટિભાગના કંદોરાનો અવાજ સાંભળે છે. પગનાં ઝાંઝર એ સાધકનું આચરણ છે, કંગન એ સમર્પણ છે અને કટીભાગનો કંદોરો સંયમ છે.

સાધકના આચરણ, સમર્પણ અને સંયમના આભૂષણ હરિને સાંભળવાં ગમે છે.

તારીખ ૧૪ મે ૨૦૦૯, ગુરુવાર

કથા કામદૂર્ગા ગાય છે.

કથા કલ્પવૃક્ષ છે.

રામાયણ સુર તરૂકી છાયા

દુઃખ ભયે દૂરી નિકટ જો આયા

કથા સુખ સંપાદન તત્વ છે.

ચોપાઈ ચતુષ્પાદ હોય છે, તે કામધેનુ ગાયના ચાર પગ છે.

ગાય દૂધ આપે છે, જે એક ફળ છે.

કથા પણ ફળ આપે છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ કથાના ફળ છે.

રામ કથા કામધેનુ ગાય છે પણ આ ગાયને શીંગ નથી. કારણ કે રામ કથા કોઈને શીંગડે ન ચઢાવે.

કથાને શિખર હોય, શીંગ ન હોય.

આપણે ઢોર ઢાંખર એવો શબ્દ પ્રયોગ વાપરીએ છીએ. જે જાણે છતાં ય સાવધાન ન કરે તેને ઢાંખર કહેવાય.

જેટલું સત્યથી નજીક રહેવાય તેટલો સાધક પાકો કહેવાય.

વિવેક તો ગુરૂના ચરણની રજ આંખોમાં આંજ્યા પછી જ આવે.

ઘણાને આંખો હોય છે પણ દ્રષ્ટિ નથી હોતી.

નરેદ્રથી વિવેક સુધીની યાત્રા ગુરૂની કૃપાથી થાય.

કથા ચાર પ્રકારની હોય.

રજો ગુણ પ્રધાન કથા

રજો ગુણ પ્રધાન કથામાં નીચે પ્રમાણે હોય.

આ પ્રકારની કથામાં કથાનક કરતાં કર્મ કાંડ વધારે હોય.

કથાના પ્રસંગો આવે ત્યારે તે પ્રસંગોના કર્મ કાડની સાધન સામગ્રીની વિધી આવે.

કથાનો વક્તા, કથાના શ્રોતા અને કથાના યજમાન અર્થ પ્રાપ્તી હોય, ધની હોય.

જે કથાની વ્યાસ પીઠ શણગારવામાં આવે તેવી કથા રજો ગુણી કથા છે.

આવા પ્રકારની કથા દરમ્યાન વક્ત રજો ગુણની વૃધ્ધિ થાય એવું વકતવ્ય આપે.

જે કથામાં આરતી ઊતારવા માટે બોલી બોલાય તે કથા રજો ગુણી કથા છે.

જે કથામાં કથાના સાર કરતાં સંગીત વધારે હોય તે કથા રજો ગુણી કથા છે.

જે કથામાં ચલચિત્રની પંક્તિ આવે તે કથા રજો ગુણી કથા છે.

વક્તા મધનો પૂડો છે.

સબસે બડા રોગ ક્યા કહેગે લોગ

તમો ગુણી કથા

આવા પ્રકરની કથા આળસથી સંભળાય.

આવી કથા ગમે તેમ કરીને પુરી કરવાની હોય, કોઈ ઉત્સાહ કે આનંદ ન હોય, જાગૃતિ પૂર્વક કથા ન કહેવાતી હોય, તેમજ શ્રોતા જાગૃતિ પૂર્વક સાંભળતા ન હોય.

કથામાં શ્રોતાઓને ઠપકાઓ જ આપવામાં આવતા હોય, તેમજ શ્રોતાઓનું દોષ દર્શન કરવામાં આવતું હોય.

કથામાં અજાગૃતિ હોય, શ્રોતાઓ ઉપર પ્રહાર થતા હોય, પ્રસાદવાળી કથા ન હોય. અહીં પ્રસાદ એટલે કૃપા.

આવા પ્રકારની કથાના વક્તા કથા કરવા માટે સંઘર્ષ કરતા હોય.

આવા પ્રકારની કથા દરમ્યાન સંઘર્ષ થાય, લડાઈ થાય, કથા દરમ્યાન શ્રાપ આપવામાં આવે.

કથામાં સ્મૃતિ અને અસ્મૃતિનું મિશ્રણ હોય. સુત્રની જ્યારે જરુર હોય ત્યારે જ ભૂલાઈ જવાય. અપ્રાસંગિક સૂત્રો આપવામાં આવે, કહેવામાં આવે.

સતો ગુણી કથા

આવા પ્રકારની કથામાં સમયનો કોઈ બાધ ન હોય, કથા સ્વાન્તઃ સુખાયના ભાવ સાથે કેહવાય/સંભળાય.

કથામાં વેપારનો અંશ ન હોય.

કથા દરમ્યાન ફક્ત હરિ જ કેન્દ્રમાં હોય, આદિ, મધ્ય અને અંતમાં હરિ જ હોય.

વક્તામાં સાદગી અને સાત્વિક્તા હોય.

કથાનું નિર્વહન અત્યંત આવશ્યક પ્રવાહી પરંપરા પ્રમાણે અને વિવેક પૂર્ણ રીતે જતન કરવામાં આવે.

કથા સત્વ પ્રધાન હોય, કથામાં કોઈ પણ પ્રકારનાં ખોટાં પ્રલોભનો આપવામાં ન આવે.

ત્રિગુણાતિત કથા

આવા પ્રકારની કથાને બંધ કરવા માટે નિયમ ન હોય, નિયમોથી શ્રોતા ન જકડાય તેમજ બીજા કોઈ પ્રકારના નિયમો નહોય.

કથા માટે ગોપી ભાવ આવશ્યક છે.

આવા પ્રકારની કથા દરમ્યાન સાવધાની પૂર્વક શ્રવણ કરવામાં આવે, કથા દરમ્યાન અર્થની ગંધ ન આવે પણ શાસ્ત્રના અર્થ જરુર સમજાવવામાં આવે.

આવી કથા નિરંતર ચાલ્યા જ કરે. તેને સમય કે દેશનો બાધ ન લાગે, પક્ષનો પણ બાધ ન લાગે.

આવી કથામાં પૂજા, કર્મ, વિધી વિ. ન હોય, વક્તા તેમજ શ્રોતાને અહંકાર ન હોય.

આવી કથા સર્વ શ્રેષ્ઠ કથા છે.

બ્રહ્મ તત્વ નિર્ગુણ છે.

આપણામાં દૂર્ગુણો અને વિકારો દબાયેલા પડ્યા છે; જેવું કુસંગનું ઝાપટું પડે એટલે આ બધા દૂર્ગુણો અને વિકારો બહાર પડે.

તારીખ ૧૫ મે ૨૦૦૯, શુક્રવાર

ભગવાન શિવજી ૩ શબ્દોનો પ્રયોગ એક કથાનક માટે કરે છે અને તેમાથી ૩ અર્થ નીકળે છે, ચરિત્ર, લીલા અને કથા.

રામની કથા ચરિત્ર છે.

રામ ચરિત માનસ એહી નામા

સુનત શ્રવન પાઈય બિશ્રામા

ગિરિજા ચરિત રામ કે સગુણ ભવાનિ કરતી ન જાઈ બુધ્ધિ મન માંહિ.

ચરિત્રમાં આચરણની, વર્તનની પ્રધાનતા હોય.

આચરણ યુક્ત જીવન એ ચરિત્ર છે.

રામ લીલા

ગિરજા સુનહું રામ કે લીલા

લીલામાં અભિનય હોય. અને અભિનયમાં ચરિત્ર ન હોય. કલાકર રંગમંચ ઉપર જે અભિનય કરે તે પ્રંમાણે તેનું વર્તન ન પણ હોય.

પુરુષ સ્ત્રી પાત્રની રંગમંચ ઉપર પ્રસ્તુતી કરે પણ હકીકતમાં તે સ્ત્રી નથી પણ પુરુષ છે. આ લીલા છે.

ઘણા માણસોનું ચરિત્ર અને અભિનય એક સમાન પણ હોઈ શકે. આવા માણસોનું જેવું જીવન હોય તેવો જ અભિનય હોય.

કથા

રામ અમી રામ અનંત ગુણ કથા

રામ કથા ગિરિજા મેં બરનિ.

ચરિત્ર અને અભિનયમાંની અસ્મંજસતા ઉત્તપન્ન થાય અને આવી અસમંજસતા દૂર કરે તે કથા કહેવાય.

શિવજીના મુખેથી કથા સાંભળી પાર્વતીના મનની અસમંજસતા દૂર થાય છે.

સતી રામની જાનકીના વિયોગની લીલાને ચરિત્ર સમજતાં અસમંજસતા-સંદેહ પેદા થાય છે.

કાકભૂષડી અને ગરૂડના મનની અસમંજસતા કથા દ્વારા જ દૂર થાય છે.

કથા પૂર્વ ગ્રહથી મુક્ત કરે.

સરવાળો સત કાર્યનો

ગુણનો ગુણાકાર

બાદબાકી બુરાઈની

ભ્રમનો ભાગાકાર

….. જયંત બાપા

કથા વંચાય નહિં, કથા કહેવાય, કથા સંભળાય. કોઈએ લખેલી કથા વાંચી જવાની પ્રવૃત્તિ યોગ્ય ન ગણાય.

કથા કથન ૧૮ દોષથી મુક્ત હોવું જોઈએ. વક્તા ૧૮ દોષથી મુક્ત હોવો જોઈએ. આ વ્યાસનું કથન છે.

અપિતાર્થ

વક્તાનું વકતવ્ય અર્થથી બહું દૂર ન રહેવું જોઈએ. ગરબા ગાતા, ગાતાં ગરબાના કેન્દ્રની આસપાસ જ રહેવાય, ગમે તેટલા દૂર જતા ન રહેવાય. કેન્દ્રથી બહું દૂર જતું રહેવું એ મોટું પતન છે.

અભિન્નાર્થ

વક્તા જે વકતવ્ય આપે તે અને તે વકતવ્યનો અર્થ એક બીજાથી અભિન્ન હોવા જોઈએ, વકતવ્યનો અર્થ તેના વકતવ્ય સાથે નિરંતર જોડાયેલો હોવો જોઈએ.

અપ્રવૃત્ત

વક્તાએ એવા શબ્દો ન બોલવા જોઈએ જે પ્રચલિત ન હોય. આ કારણથી જ તુલસીએ ગ્રામ્ય ગિરામાં રચના કરી છે.

અધિકતા

વક્તાએ જેટલા જરૂરી હોય તેટલા જ શબ્દો બોલવા જોઈએ, જરૂરી હોય તેના કરતાં વધું શબ્દો ન વાપરવા જોઈએ, વધું ન બોલવું જોઈએ, સૂત્રાત્મક બોલવું જોઈએ.

સ્પષ્ટતા

વક્તાનું વકતવ્ય સ્પષ્ટ હોવું જોઈએ. સ્પષ્ટતા વિનાની વાત ન કરવી જોઈએ.

સંદિગ્ધ ભાષા

સમજાય તેવી ભાષામાં વકતવ્ય આપવું જોઈએ. સંદિગ્ધ ભાષા દોષ છે.

પદાન્ત લક્ષણ

વકતવ્ય દરમ્યાન પદના અંતનો મર્મ ચૂકાવો ન જોઈએ.

પરાંગ મુખ

ઉલટા અર્થ વાળી ભાષા ન વાપરવી જોઇએ.

અવળ વાણી ન બોલવી જોઈએ.

સંત અવળ વાણી બોલી શકે છે.

ખોટું બોલવું, અનૃત બોલવું

વક્તાએ ખોટું ન બોલવું જોઈએ, પ્રજ્ઞા ચોરી ન કરવી જોઈએ. બીજાનું વકતવ્ય પોતાના નામે ન ચઢાવવું જોઈએ.

૧૦

અસંસ્કૃત – સંસ્કરા વિહિન વાણી

વક્તા સંસ્કાર વિહિન વાણી ન બોલી શકે.

૧૧

ત્રિવર્ગથી વિરુધ્ધ વાત

ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. ધર્મ, અર્થ અને કામથી વિરુધ્ધની વાણી દોષ છે. અહીં કામ એટલે ફરજ. સતસંગ પ્રમાદી ન બનાવે. રામકથા ફરજ બરાબર નિભાવવા પ્રેરણા આપે.

૧૨

ન્યુન ન બનવું

અપુરતી વાણી ન બોલવી. જેટલું જરુરી છે તેટલું બોલવું. વાણીનો ઉપાસક ન્યુન ન બની શકે.

૧૩

કષ્ટ શબ્દ

વક્તાએ શ્રોતાને કષ્ટ થાય તેવા શબ્દો ન બોલવા જોઈએ.

૧૪

અતિ શબ્દ

વક્તાએ અત્યંત શબ્દાવલી ન કરવી જોઈએ. વક્તાએ સમય મર્યાદામાં યોગ્ય વકતવ્ય પુરૂ કરી દેવું જોઈએ. અતિ પ્રશ્ન પણ દોષ છે.

૧૫

ક્રમ સંગતિ

કથા દરમ્યાન પ્રસંગોની ક્રમ સંગતી રહેવી જોઈએ. ક્રમ સંગતી ન રહે તે દોષ છે.

૧૬

સશેષ

વક્તા બોલે ઘણું અને છતાંય જે કહેવાનુ છે તે રહી જાય તે દોષ છે.

૧૭

અહેતુ

વક્તાનું અહેતુ બોલવું દોષ છે.

૧૮

અકારણ

અકારણ બોલવું દોષ છે.

પુનરુક્તિ પણ દોષ છે. એકની એક વાત વરંવાર કહેવી એ પુનરુક્તિ દોષ છે.

માણસે નીચેના ચાર સાથે જીવવું જ પડે.

૧ ઈશ્વર, નાસ્તિકે પણ તેમ કહેવામાં ઈશ્વરનું નામ લેવું પડે છે.

૨ ઈશ્વરના ભક્તો, સંતો

૩ મૂર્ખા માણસો

૪ દ્વેષ કરનાર

આ ચાર સાથે જે વર્તન કરવનું શીખી જાય તે મધ્યમ વ્યક્તિ છે. આ ચાર સાથે પ્રેમ, મૈત્રી, કૃપા અને ઉદાસીનતા દ્વારા વર્તન કરવું જોઈએ.

આપણે ઈશ્વર પ્રત્યે પ્રેમ કરવો જોઈએ, પરમાત્માના ભક્તો સાથે મૈત્રી કરવી જોઇએ, મૂર્ખાઓ ઉપર કૃપા કરવી જોઈએ અને દ્વેષ કરનાર સાથે ઉદાસીનતા રાખવી જોઈએ – ઉપેક્ષા રાખવી જોઈએ.

ઈશ્વર પાસેથી કંઈ નથી જોઈતું એવું કહેનારા જ કેવટ છે. કેવટ પ્રસંગમાં કેવટ કહે છે કે મારે કંઈ નથી જોઈતું.

તારીખ ૧૬ મે ૨૦૦૯, શનિવાર

ગુણાતીત કથાનો ગાયક, વક્તા માટેનો મંત્ર નીચે પ્રમાણે છે.

ભગવનમતી નિરપેક્ષઃ

સુરુતો દીનેસુ સાનુકંપોયઃ

બહુદા બોધન ચતુરો

વક્તા સન્માનીતો બુધેહી

આ મંત્રમાં ગુણાતીત કથાના કથન માટેના વક્તાનાં ૫ પરમ લક્ષણ દર્શાવ્યાં છે, જે નીચે પ્રમાણે છે.

૧ ભગવન મતી

આ પ્રકારનું લક્ષણ એટલે જ્યાં કથાના ગાયકની બુધ્ધિ પરમાત્માને જ સમર્પિત હોય. બુધ્ધિ વ્યભિચારી ન હોય, બુધ્ધિ ચાલાકી કરી પાખંડને પોષે તેવી ન હોય, બુધ્ધિ ફક્ત ભગવાનને જ સમર્પિત હોય. ગાયક જ્ઞાનયુક્ત હોય પણ આચરણ યુક્ત ન હોય તેનો અર્થ નથી. ગાયક નેટવર્ક ગોઠવે તેવો ન હોય.

ભીષ્મ પિતામહ તેમની બુધ્ધિને કુંવારી દીકરી કહે છે અને તેને કૃષ્ણ સાથે પરણાવવા માગે છે. ભીષ્મ જેવા વક્તાને કૃષ્ણ પણ પ્રશ્ન પૂછે છે.

કૃષ્ણ આપણને આપણી બુધ્ધિ અને મન તેમને આપવા કહે છે. આમ કરવાથી કૃષ્ણ આપણી બુધ્ધિને સાફ કરી બુધ્ધિનો બુધ્ધિ યોગ બનાવી આપણને પરત આપે છે.

શુધ્ધ બુધ્ધિ જ સિધ્ધ બુધ્ધિ છે.

ભગવાનમાં બુધ્ધિ રાખીએ તો બધું જ મળે પણ જો બધે બુધ્ધિ રાખીએ તો બધુ તો મળે પણ ભગવાન ન મળે.

વસ્તુની સાથે કઈ વૃત્તિ જોડાયેલી છે એ મહત્વનું છે.

રુદ્રાક્ષની સાથે નમઃશિવાય જોડાયેલો હોવો જોઈએ.

સાધન શુધ્ધિ બહું જરૂરી છે.

બિલીપત્ર ત્રણ દલનું હોય તે જ યોગ્ય છે, ત્રણ દલથી વધારે દલવાળું બિલીપત્ર એ બિલીપત્રની વિકૃતિ છે.

માણસ ચતુર બન્યો એટલે હરિ ભજનનો રસ ચૂકી ગયો છે.

૨ અનપેક્ષઃ

અનપેક્ષઃ એટલે જેને અપેક્ષા ન હોય. જેને ઈશ્વરમાં ભરોંસો હોય તેને કોઈ અપેક્ષા ન હોય. આવા વક્તાને પદ, પ્રતિષ્ઠા, પ્રમાણ પત્ર, પહેચાન વિ. ની કોઈ અપેક્ષા ન હોય, અનપેક્ષ ન હોય.

જગત બોલે પણ કંઈ કરે નહિં જ્યારે હરિ બોલે નહિં પણ કરે બધું.

જેને હરિનો ભરોંસો હોય તેને પ્રમાણની શી જરુર?

અપેક્ષા રહિત જીવનના બે ખતરા છે; બે દોષ છે; ૧ આવી વ્યક્તિને અહંકાર આવવાનો ખતરો રહે છે, ૨ તેમજ આવી વ્યક્તિને બીજાની ઉપેક્ષા કરવાની વૃત્તિ આવી શકે છે. તેથી અપેક્ષા રહિત જીવન જીવનારે અહંકાર ન કરવો અને બીજાની ઉપેક્ષા ન કરવી.

૩ સુરુતો – હ્નદય સ્નેહથી ભરેલું હોય

ગુણાતિત કથાના વક્તાએ તેના શ્રોતાઓ સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ. શ્રોતા અને વકતામાં શ્રોતા શ્રેષ્ઠ છે, પહેલાં શ્રોતા હોય પછી વક્તા આવે. ગુણાતિત કથાના વકતાને તેના શ્રોતાઓમાં હરિ દેખાવો જોઈએ.

૪ દીનેસુ

ગુણાતિત કથાના વક્તાને છેલ્લામાં છેલ્લો માણસ દેખાવો જોઈએ, છેલ્લામાં છેલ્લો માણસનું ધ્યાન રાખવું જોઈએ, છેલ્લામાં છેલ્લા માણસ પ્રત્યે અનુકંપા હોવી જોઈએ.

૫ કૌશલ્યતા

ગુણાતિત કથાના વક્તાની કહેવાની શૈલીમાં કૌશલ્યતા હોય જેથી સામેનો માણસ – શ્રોતા સમજી શકે.

શ્રોતાનાં ૮ લક્ષણ નીચે પ્રમાણે છે. આમાં ચાર પ્રકારના શ્રોતા પ્રવર પ્રકારના શ્રોતા છે, જે ઉત્તમ પ્રકારના શ્રોતા છે અને બીજા ચાર પ્રકારના શ્રોતા અવર પ્રકારના શ્રોતા છે જે થોડા મધ્યમ પ્રકારના શ્રોતા છે.

૧ ચાતક શ્રોતા

આ પ્રકારના શ્રોતા ચાતક પક્ષી માફક સ્વાતી બુંદુને ગ્રહણ કરવામાં જ તલ્લીન હોય. તેને અન્ય કંઈ ખબર ન હોય. આવા શ્રોતા એક નિષ્ઠાથી શ્રવણ કરે.

૨ હંસ શ્રોતા

હંસ પ્રકારના શ્રોતા વિવેક રાખે અને હંસની માફક ક્ષિર નીર અલગ કરે. કથામાં જે આવે તેને પોતાના સ્વભાવને અનુકૂળ હોય તે ગ્રહણ કરે અને અન્ય વસ્તુને છોડી દે. તેમજ જે વસ્તુને છોડી દે તેની આલોચના ન કરે.

૩ શુક શ્રોતા

શુક પ્રકારના શ્રોતા શુક માફક સાંભળે એટલું જ બોલ્યા કરે, તેનો અર્થ ન સમજે.

૪ મીન શ્રોતા

મીન પ્રકારના શ્રોતા માછલીની માફક ખુલ્લી આંખે સાવચેતી પૂર્વક કથા સાંભળ્યા કરે, અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખે, કથા શ્રવણ વિના જીવી ન શકે.

૫ વરૂ શ્રોતા

જેમ જંગલમાં વરૂ બોલ્યા જકરે છે તેમ વરૂ પ્રકારના શ્રોતા કાયમ બોલ્યા જ કરે, બીજાને ડરાવ્યા કરે, આજુબાજુવાળાને સમજવા ન દે અને બોલ બોલ કર્યા કરે, વિક્ષેપ કર્યા કરે.

૬ ભુરુડ શ્રોતા

ભુરુડ પ્રકારના શ્રોતા પણ કાયમ બોલ્યા જ કરે, અન્ય વક્તા જે કહે તે પોતાના નામે ચઢાવી બોલ્યા જ કરે.

૭ આખલા શ્રોતા

આખલો બધું જ ખાઈ જાય છે તેમ આખલા પ્રકારના શ્રોતા પણ વિવેક ન રાખે અને બધું જ લઈ લે, ગ્રહણ કરી લે.

૮ ઊંટ શ્રોતા

ઊંટ કેરી અને લીંબોડી સાથે સાથે હોય તો ફક્ત લીંબોડી જ ખાય, કેરી ન ખાય. આવા પ્રકારના શ્રોતા કાયમ ભૂલો જ શોધ્યા કરે.

તારીખ ૧૭ મે ૨૦૦૯, રવિવાર

જાગૃતિ વગર કથા ન સમજાય.

કથાનું ઉદગમ સ્થાન કયું છે?

બિનુ સતસંગ ન હરિ કથા

હરિ કથા સતસંગમાંથી પ્રગટ થાય. સતસંગ એટલે સત્યનો સંગ. સત્યના સંગમાં જે વાર્તાલાપ થાય તે કથા કહેવાય.

સંતનો સંગ એ પ્રથમ ભક્તિ છે, બીજી ભક્તિ હરિ કથામાં રુચી છે. પ્રથમ ભક્તિમાં શર્ત નથી જ્યારે બીજી ભક્તિમાં શર્ત છે.

સતસંગ રૂપી પ્રથમ ધોરણ પાસ કરીએ તો હરિ કથાના બીજા ધોરણમાં પ્રવેશ મળે. પ્રથમ ધોરણમાં કોઈ શર્ત નથી પણ બીજા ધોરણના પ્રવેશ માટે પ્રથમ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

કથાથી મોહ નષ્ટ થાય.

મોહના નાશ થયા વિના રામના ચરણમાં અનુરાગ ન થાય.

ઈન્દ્રજીત કામ છે જ્યારે લક્ષ્મણ વૈરાગ્ય છે. ઈન્દ્રજીત અનેકવાર પરાજીત ઠાય છે પણ એક વખત તે લક્ષ્મણને બેભાન કરે છે. આનો અર્થ એવો થાય કે વૈરાગ્ય કામને હરાવે પણ ક્યારેક કામ વૈરાગ્યને પણ હરાવી શકે.

લક્ષ્મણ બેભાન થતાં ઈન્દ્રજીત તેને ઊઠાવી રાવણ પાસે લઈ જવા પ્રયત્ન કરે છે. પણ તે લક્ષ્મણને ઊઠાવી શકતો નથી. પણ હનુમાનજી લક્ષ્મણને ઊઠાવીને રામ પાસે લઈ જાય છે. કામના કમજોર હોય, કામના વૈરાગ્યવાનને ઊઠાવી ન શકે. હનુમાનજી પ્રબળ વૈરાગી હોવાથી તે લક્ષ્મણને ઊઠાવી શકે છે.

દુશ્મન પક્ષ દોષ દર્શન કરે. દા.ત. સુષેણ વદ્ય

વૈદ્ય પણ દોષ દર્શન જ કરે. વૈદ્ય દોષ દર્શી જ હોવો જોઈએ.

વ્યાસ ગાદી ઉપર વક્તા બોલીને જે રહસ્યો ખોલે છે તે વક્તા બોલતો નથી પણ હરિ જ હરિના રહસ્યો ખોલે છે. ઈશ્વર વક્તાનો ઉપયોગ રામકથા બોલવા માટે કરે છે, વક્તા ફક્ત એક માધ્યમ છે.

હનુમાનજી જ્યારે સંજીવની લેવા જાય છે ત્યારે માર્ગમાં કાલમુનિ રામ કથા કહે છે અને હનુમાનજીના માર્ગમાં રાવણની પ્રેરણાથી પ્રપંચ રચે છે અને પાખંડી કથા કરે છે. તેનો હેતુ રામ લક્ષ્મણ અને જાનકીનું મૃત્યુ થાય તે છે. રામ, લક્ષ્મણ, જાનકી સત્ય, વૈરાગ્ય અને ભક્તિ છે.

સત્ય, વૈરાગ્ય અને ભક્તિને પલપાવે તે કથા હોય, તેનો અંત ઈચ્છે તે કથા ન હોય.

જે કથા મોહ પ્રેરીત હોય તે કથા કમંડલ જેવી કથા છે.

રામના રાજ્યાભિષેક વચ્ચે એક રાત આવતાં રામ રાજ્ય ૧૪ વર્ષ પાછળ જતું રહે છે. રાત એ મમતા છે. મમતા વચ્ચે પડે ત્યારે બધી બાજી પલટાઈ જાય. કૈકેયીની મમતા રામ રાજ્યને ૧૪ વર્ષ પાછળ કરી દે છે.

No comments:

Post a Comment