ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા બરાબર છે !
આ લેખ દિવ્ય ભાસ્કર દૈનિકમાં તારીખ ૦૨ જુલાઈ ૨૦૦૯ ના વડીલ વારસો માં ત્રંબક જોશીના નામે પ્રકાશિત થયેલ છે જે તેમના સૌજન્ય સહ અહીં પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું.
એક સરલ ભજનની કડી સુવિદિત છે, “હરિ તારાં છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી ?” તો વળી કોઈ હિન્દી ભગત કવિ કહે છે, પહેચાન શકે તો પહેચાન, કણ કણ મેં છૂપા હૈ ભગવાન ! તો કોઈક આપણી નિરાશાને આસ્થાનો આધાર દેવા કાંઈક આવું સૂચન કરે છે કે, જો તમને લાગે કે, “GOD IS NO WHERE” તો તે વાક્યમાં શ્રધ્ધાની સૂક્ષ્મતા ઉમેરશો તો એના એ જ અક્ષરોથી પડઘો પડશે. ” GOD IS NOW HERE ” . આ બધી જ વાતોને મર્મ આપણાથી આ ઉંમરે અજાણ્યો હોય, એવું માનવા મન તૈયાર નથી !
તેમ છતાં, પ્રભુને પામવાની આપણા સૌની પામરતા, પળે પળે આપણા પથમાં ઠોકર થઈને પીડે છે ! અલબત્ત, આપણી ગતિ એ મારગની હોય તો !
ધર્મ, શાસ્ત્રો, પુરાણોનાં અતિ વિદ્વાન વિભૂતિઓએ પણ અનેક ચર્ચા, સંવાદ, પરિસંવાદ બાદ અંતે શરણાગતિ સ્વીકારી “નેતિ નેતિ” કહી સપર્પિત થઈ ગઈ છે ! હવે વાત આવે આપણા જેવા અતિ સામાન્ય મિત્રોની ! હરિ અનંત, હરિકથા અનંતા. .. નો ઉત્તરાવસ્થામાં આનંદ માણતાં આપણને ઈશ્વરનાં દર્શન કરવાની, એની લીલાની અનુભૂતિ કરવાનું ગમે, મન થાય એ સ્વાભાવિક છે. અને પછી આપણી જિજ્ઞાસા બાળ સહજ કુતૂહલતાથી શરૂ થાય કે, ” કોઈ કહોને પરમેશ્વર કેવા હશે? કેવા હશે , ક્યાં રહેતા હશે. ? શિશુ વયની આ જિજ્ઞાસા પાકટ વયે અભિપ્સા બની રહે ત્યાં સુધીની આધ્યાત્મ યાત્રાનાં આપણે પ્રવાસી ભલે બની ગયાં હોઈએ છતાં ઈશ્વરની અખિલાઈને માપવી એ આકાશ કુસુમવત છે, એવી મહદ્ મુમુક્ષોની લાગણી રહી છે !
કોટિબ્રહ્માંડ નાયકનું વામનત્વ પણ કયારેક આશ્ચર્યના પહાડ ખડકી દે તેવું હોય છે તો તેનું વિરાટ સ્વરુપ કેવું હશે? આપણા જગતના આવરણમાંથી બહાર નીકળ્યા વિના આપણે સૌ ઉપરવાળાને આપણી કૂપમંડૂક ધારણાની સરહદમાં સીમિત કરવા મથતા આવ્યા છીએ ! એને માપવો એટલે આકાશને ગલેફ ચઢાવવા બરાબ છે, જે લગભગ અસંભવ છે, એવું આપણા અથાગ પ્રયાસો છતાં નથી લાગતું ? ક્યારે તો આપણી કલ્પનાનો ભગવાન, પેલા અંધ બાંધવોની હાથીની ઓળખ જેવો જ સાબિત થાય છે. એ બંધુઓને સમગ્ર હાથીની તો કલ્પના જ ક્યાંથી હોય? આમ જોવા જઈએ તો બધી જ મથામણ દેખીતી રીતે જ્ઞાનમાર્ગની નીપજ છે, એમ માનવું પડે !
જો કે અંધવિશ્વાસની આ સંદર્ભે કોઈ જ વાત નથી. છતાં જ્ઞાનપંથે પ્રશ્નાર્થોના અનેક પડાવ સહજ રીતે આવ્યા જ કરે છે ! આવું કેમ? આ શા માટે? આમ કેમ નથી? જેવા અનેક સવાલો આપણા મનમાં ઉભરાયા કરે છે અને આપણી તર્કબુધ્ધિ એમાં, આદત પ્રમાણે પેટાપ્રશ્નોનો ઉમેરો કરેછે ! બસ … પછી પ્રભુને માપવાની આપણી ફૂટપટ્ટી એક ક્ષિતિજ બની રહી છે, જેનો અંત જ નથી !
જો કે સમાંતર રીતે એક બીજો પ્રશ્ન મનોમન ઉદ્ ભવે કે, ઈશ્વરને માપવાની આપણે શી જરૂર ? જ્યાં જયાં નજર મારી ઠરે, ત્યાં જેની સ્મૃતિઓનાં વૃંદાવન મહેકતાં હોય, આપણો નશ્વર દેહ પણ એની જ કરામતે અનેક આશ્ચર્યનું સંગ્રહસ્થાન સાબિત થયો હોય, પ્રકૃતિના અણુએ અણુમાં ઉપરવાળાનું અસ્તિત્વ વિલસી રહ્યું હોય અને, એ બધું ને બધું આપણી આસપાસ જ હોય, ત્યાં એને પામવાનો આનંદ કોરે મૂકી, માપવાની મૂર્ખામી શીદને કરવી ?
કેટલીક વાર આપણું જ્ઞાન દર્શાવવાની આપબડાઈમાં, ઈશ્વરને ઓળખ્યાની બડાશ હાંકીએ ત્યારે, આપણે મહાસગારમાં પવાલું પાણી ઉમેરી, સમુદ્રની સપાટી માપવા જતા હોઈએ, એવા વામણા લાગીએ છીએ ! અનુભૂતિનો ઈશ્વર, દર્શનના ઈશ્વર કરતાં અનેક ગણો વિરાટ છે ! તેમ છતાં, રૂંવે રૂંવે એનું અસ્તિત્વ પ્રગટ્યાના દાખલા દ્રષ્ટાંતો, મસ્તક મૂકી એનું નામ દેનારા, અનેક ભક્તો દ્વારા આપણને મળ્યા છે ! અને આપણાં સર્વ માટે ખરો સરળ રસ્તો એ જ છે કે, કશું ય ન સમજાય તો, એ પરમતત્વને પીછાણવાની પળોજળમાં પડવાને બદલે, એના શરણે આપણું સઘળું સપર્પિત કરી દેવું !
” ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ . ..” ના શરણાગત ભાવે આપણામાં એક આંતર્ચક્ષુની દિવ્ય દ્રષ્ટિનું ઉદધાટન થશે અને ચર્મચક્ષુની ક્ષુલ્લકતાને આંબી, આપણે કદાચ પ્રભુની એક ઝલક પામવાને ભાગ્યશાળી બનીશું.
આ સ્થિતિનું નિર્માણ કોઈ બીજું કરી આપશે, એવું માનવાથી આપણે ઊલટા પ્રભુથી દૂર જતા જઈશું ! માટે ભગવાનની વિશાળતાનો તાગ કાઢવાની કોઈ જ કહેતાં કોઈ મથામણ ન કરતાં, બે હાથ જોડી નત મસ્તકે, શુદ્ધ હ્મદયે અને પવિત્ર મને પ્રભુને કહેવું, ” જેવો તેવો હું તારો, હાથ પકડ પ્રભુ મારો … ” આટલું જ જો શરણાગત ભાવે કરી શકાય, તો માંહયલા સાથે વસતો મુરલીધર એની મેળે અનાવૃત થઈ, આપણી આંગળી ઝાલી દોરીને જાતે જ એની અખિલાઈની અનુભૂતિ કરાવશે !
જો કે, ત્યાર પછી આપણને બીજું કશુંય જોવાની જરૂર નહીં રહે !
No comments:
Post a Comment