Translate

Search This Blog

Thursday, May 12, 2011

કથા - પૂજ્ય રમેશભાઈ ઓઝા

પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી ના નામે પણ જાણીતા છે.પૂજ્ય ભાઈશ્રી શ્રી મદ્ ભાગવદ્ ની કથાના પ્રવક્તા છે તેમજ ઘણી વખત શ્રી રામ ચરિત માનસની કથા પણ કહે છે.
તેઓના માર્ગ દર્શન હેઠળ પોરબંદરમાં શ્રી સાંદિપની વિધ્યાનિકેતન નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં વેદ અને ઉપનિષદ આધારિત સુંદર અભ્યાસક્રમો ચાલે છે. આ વિષેની વિશેષ માહિતિ તેમની વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. તેમની વેબ સાઈટનું નામ http://www.sandipani.org છે.તેમની વેબ સાઈટ ઉપર આપણું ઈમેઈલ સરનામુ રજીસ્ટર કરાવવાથી તેમનો સંદેશ તેમજ વિક્લી સૂત્રની માહિતિ મળે છે. આમ આપણને જીવનમાં ઉપ્યોગી સુંદર સૂત્રો તેમજ સંદેશ મળે છે.
તેમની કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલા વિચારો, સૂત્રો તેમજ અન્ય માહિતિ અહી પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું.

હનુમાન જયંતિ નિમિત્તે ફિરિજાબાદમાં એપ્રિલ ૨૦૦૮માં યોજાયેલ રામ કથા દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીએ રજુ કરેલું એક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.
બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક રુપિયો છે. હવે જો તે બંને તેમની પાસેના આ એક એક રુપિયાનું આદાન પ્રદાન કરે એટલે કે એક વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો બીજી વ્યક્તિને આપે અને બીજી વ્યક્તિ તેની પાસેનો એક રુપિયો પહેલી વ્યક્તિને આપે તો તે પછી પણ બંને વ્યક્તિ પાસે એક એક રુપિયો તો રહે જ. બંનેની સ્થિતિમાં કોઈ જ ફેરફાર ન થાય.
હવે બીજી બે વ્યક્તિ છે અને તે બંને પાસે એક એક સદવિચાર છે તેમજ તે બંને સદવિચાર જુદા જુદા છે. હવે જો આ બંને વ્યક્તિ તેમની પાસેના આ સદવિચારનું આદાન પ્રદાન કરે તો તે પછી બંને વ્યક્તિ પાસે બે બે સદવિચારની મૂડી ભેગી થાય. બંનેના સદવિચારોમાં વૃધ્ધિ થાય. આમ ધનનું આદાન પ્રદાન કરવાથી તેમાં વૃધ્ધિ થતી નથી પણ સદવિચારોના આદાન પ્રદાનથી સદવિચારોની વૃધ્ધિ થાય છે.

પરમાત્મા સત્ ચિત આનંદ સ્વરુપ છે. તેના રામાવતારમાં સત્ ગુણની પ્રધાનતા છે, કપિલ, વ્યાસ, દત્તાત્રય વિ. અવતારમાં ચિત ગુણની પ્રધાનતા છે જ્યારે કૃષ્ણાવતારમાં આનંદ ગુણની પ્રધાનતા છે.

ભારતમાં પાંચ નાથ, ચારે દિશામાં એક એક તેમજ મધ્ય ભાગમાં એક એમ પાંચ નાથ બિરાજમાન છે. ઉત્તર દિશામાં બદરીનાથ, દક્ષિણ દિશામાં રંગનાથ, પશ્ચિમ દિશામાં દ્વારકાનાથ અને પૂર્વ દિશામાં જગન્નાથ તેમજ મધ્ય ભારતમાં શ્રીનાથજી બિરાજમાન છે.

માનવ શરીર રથ છે, જેમાં આત્મા રથી છે, બુધ્ધિ સારથિ છે, મન લગામ છે, આંખ, કાન, નાક, જીવ્હા વિ. ઈન્દ્રીયો અશ્વ છે.
નદી તેના કિનારાની મર્યાદામાં રહી વહે તો તે નદી લોકોપયોગી છે, સારી છે, આવકારદાયક છે.પણ જો તે તેના કિનારાની મર્યાદા તોડીને વહે તો તે વિનાશકારી છે, આમ મર્યાદા ન હોય તો આવકારદાયક વસ્તુ વિનાશકારી બની જાય છે.
આવી જ રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં ધર્મ અને મોક્ષ, અર્થ અને કામના કિનારા છે.તેથી જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહે તો તે કલ્યાણકારી છે. પણ જો અર્થ અને કામ તેના કિનારા ધર્મ અને મોક્ષની મર્યાદા બહાર નીકળી જાય તો તે વિનાશકારી છે.
આંખનું કામ જોવાનું છે, તેણે સર્વોત્તમ રુપને, અવિનાશી રુપને જોવું જોઈએ.
જીભે હરિનામ બોલવું જોઈએ.
ત્વચાએ ઠાકોરજીના ચરણોનો સ્પર્શ કરવો જોઈએ.
નાકે તુલસી દલની સુગંધ લેવી જોઈએ.

મિથિલામાં રામ દૂલ્હા રામ છે, અયોધ્યામાં રામ રાજા રામ છે, અહી રામ સિંહાસન ઉપર બિરાજે હે; જ્યારે લંકામાં રામ તાપસ રામ છે, જ્યાં રામ તાપસ વેષમાં જાય છે.
જ્ઞાનીઓના ભગવાન નિષ્પક્ષ છે, જ્યારે ભક્તોના ભગવાન પક્ષધર છે, પક્ષપાતી છે, ભક્તોના પક્ષમાં છે.ભગવાનનો તેના ભક્તો પ્રત્યેનો પક્ષપાત એ જ તેની કૃપા છે.

આપણે આપણું લક્ષ્ય નક્કી કરી તેની પ્રાપ્તિ માટેનો સરળ તેમજ આપણે અનુકૂળ એવો રસ્તો પસંદ કરી તેના ઉપર પ્રયાણ કરવું જોઈએ. આપણા લક્ષ્યની પ્રાપ્તિના ઘણા રસ્તા હોઈ શકે પણ આપણે આપણને અનુકૂળ રસ્તો જ પકડવો જોઈએ.જો આપણે બધા જ રસ્તા ઉપર પ્રયાણ કરવા પ્રયાસ કરીશું તો લક્ષ્ય પ્રાપ્તિ નહિં થાય અને આપણે અહીં તહી ભટક્યા જ કરીશું.

***********************************

પ થી શરુ થતા આ શબ્દો – પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પ્રતિક્ષા, પ્રસાદ, પુકાર
-મહત્વના છે.
સચ્ચિદાનંદ એટલે સત્ , ચિત, આનંદ
સત્ એટલે સત્ય કે જે અખંડ છે, અવિનાશી છે, સર્વત્ર વ્યાપ્ત છે.
ચિત એટલે ચેતન કે જે જડ નથી.
આનંદ એટલે રસમય, રસ હોય તો જ આનંદ મળે.
શિવનું વાહન નંદી છે, નંદી ધર્મનું પ્રતીક છે. ધર્મના ચાર ચરણ છે, સત્ય, તપ, દયા અને દાન. નંદી ગતિશીલ છે,અને તેનું મુખ શિવજી તરફ છે,ધર્મના ચરણની ગતિ શિવ તરફ હોય, સાચી દિશા તરફ હોય તો જ શિવ મળે, કલ્યાણ થાય. શિવ એટલે કલ્યાણ.
બ્રહ્માનું વાહન હંસ છે, હંસ વિવેકનું પ્રતીક છે, બ્રહ્મા બુધ્ધિના દેવ છે.
વિષ્ણુનું વાહન ગરુડ છે, ગરુડ વેદનું પ્રતીક છે. ગરુડ ગતિ કરે છે ત્યારે તેની પાંખોમાંથી વેદની શ્રુતિઓનું ગાન થાય છે.

નિમિષ અથવા નિમેષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ
રણ્ય એટલે રણ મેદાન, લડાઈનું સ્થળ અને અરણ્ય એટલે જ્યાં લડાઈ નથી તેવું સ્થળ, જ્યાં રણ નથી તે અને તેથી જ ગ્રંથને આરણ્યક કહેવામાં આવે છે.
ભગવદ ગીતા આરણ્યક છે, ઉપનિષદોનો સાર છે.
જ્યાં મન શાન્ત થાય ત્યાં ભજન થઈ શકે અને તેને નૈમિષારણ્ય કહેવાય. નૈમિષારણ્યમાં મન શાન્ત થઈ જાય અને મનના સંકલ્પ વિકલ્પ મટી જાય તેમજ મન ભગવાનમાં લાગી જય.
મંગલાચરણ એ નૈમિષારણ્યમાં જવા માટેનું પ્રથમ પગથિયું છે, પ્રથમ સોપાન છે. તેથી જ દરેક કથામાં પ્રથમ મંગલાચરણ કરવામાં આવે છે. મંગલાચરણ એટલે મંગલ આચરણ. મંગલનો અર્થ તેના ધાતુ ઉપરથી શરુઆત એવો થાય છે. એટલે મંગલાચરણથી જે ગતિ સ્થગીત થઈ ગઈ છે ત્યાંથી શુભ તરફ ગતિશિલ થાય એવો થાય છે.
ગોમતીમાં ગો એટલે જ્ઞાન અને મતી એટલે પ્યાસ થાય છે એટલે ગોમતી એ છે જ્યાં જ્ઞાનની પ્યાસ છીપાય છે.
ગુરુ માં ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ, પ્રકાશ કરનાર થાય છે. તેથી ગુરુ એ છે જે તેના જ્ઞાનના પ્રકાશથી શિષ્યના અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.
ભગવાન શિવજી ત્રિભુવન ગુરુ છે.
તુમ્હ ત્રિભુવન ગુરુ બેદ બખાના
આના જીવ પાર કર જાના.
બાલકાંડ-પાન ૧૫૮

દીપ પ્રાગટ્યથી શરુઆત એટલે જ્ઞાનના પ્રકાશથી શરુઆત.
શ્રી મદ્ ભાગવત કથા સાર છે, ભવ રોગની ઔષધી છે. ભગવાન વેદ વ્યાસ કથાને ઔષધી ગણાવે છે, તુલસીદાસ કથાને વૈદ્ય ગણાવે છે.
શ્રી મદ્ ભાગવત શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરુપ છે, સ્વયં કૃષ્ણ રુપ છે.
કથા શ્રવણનાં ચાર ફળ છે.
૧ કથા શ્રવણથી કથામાં તેમજ ભગવાનમાં જે અરુચિ છે તે મટે,સંસારની તૃષ્ણા મટે.
૨ મનુષ્યનું મન અવિલંબ શુધ્ધ થાય, વિષયોની તૃષ્ણા મટે અને તેના ફળ સ્વરુપ મન શુધ્ધ થાય.
૩ ભગવાન પ્રત્યે પ્રેમ જાગે – અનુરાગ જાગે. રસૌવેસઃ એટલે રસમય, રસ એટલે ભગવાન.
૪ સંતો સાથે દિવ્ય સંબંધ બંધાય. સંતો ભગવાનના દૂત છે.

ભગવાનના દશાવતારમાં ક્રમશઃ ઉત્ક્રાન્તિ થઈ છે.
૧ મત્સ્યાવતાર
૨ કુર્મ
૩ વરાહ
૪ નૃસિંહ
૫ વામન
૬ પરશુરામ
૭ રામ
૮ કૃષ્ણ
૯ બુધ્ધ
૧૦ કલ્કિ

સાકાર અને નિરાકારનો અર્થ સમજવા માટે રાજા અને તેની સત્તા સમજવા જેવી છે. રાજા સાકાર છે પણ તેની સત્તા જે આખા રાજ્યમાં વ્યાપ્ત છે તે નિરાકાર છે.

સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દોમાં સત્ય દર્શાવવાની યુક્તિ.સૂત્ર એ એક સંક્ષેપ્ત છે અને તેથી તેનું સક્ષેપ્ત કરવું શક્ય નથી.
જગતનું અસ્તિત્વ જગદીશ આધારિત છે પણ જગદીશનું અસ્તિત્વ જગત આધારિત નથી.જગત સાપેક્ષ છે અને તેથી તે નાશવંત છે.જ્યારે જગદીશ નિરપેક્ષ છે તેથી તે નાશવંત નથી.જગદીશ સાગર છે, જ્યારે જગત સાગરમાંથી ઉત્પન્ન થયેલ લહેર-મોજા સમાન છે.જેમ લહેર – મોજું સાગરમાંથી ઉત્પન્ન થઈ તેમાં જ સમાઈ જાય છે તેમ જગત જગદીશમાંથી ઉત્પન્ન થઈ અંતે જગદીશમાં જ સમાઈ જાય છે.
માયા સત્યને છુપાવે છે અને અસત્યને દ્રશ્યમાન કરે છે.માયાનું આવરણ જગતને સત્ય બતાવવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર સત્ય નથી.જગત મિથ્યા છે પણ માયાના આવરણમાં તે સાચું દેખાય છે. જ્યારે જગદીશ જે સત્ય છે તેને માયા છુપાવે છે.
સંસાર દુઃખાલય છે તેથી તેમાં સુખની અપેક્ષા કેવી રીતે રખાય? સંસારમાં જે સુખ દેખાય છે તે હકીકતમાં સાચું સખ છે જ નહીં.

અર્જુન જીવ છે અને તેની યાત્રા વિષાદથી શરુ થાય છે અને પ્રસાદ સુધી પહોંચે છે.
વેદો કલ્પતરુ છે જ્યારે ભાગવત કલ્પતરુનું પરિપકવ થયેલું ફળ છે. ભાગવત તો વેદ અને ઉપનિષદોનો સાર છે, પરિપકવ ફળ છે. વેદ તત્વ એટલે ભગવાન. જેવી રીતે પોપટ-શુકના ચાંચ મારેલાં ફળ વધું મીઠા લાગે છે તેવી રીતે શુકદેવના મખેથી બોલાયેલ ભાગવત અતી મધુર લાગે છે. આવા ફળ ખાવા માટે નથી પણ પીવા માટે છે.કારણ કે આવા ફળ રસથી ભરપુર છે તેમજ તેમાં ગોટલા કે બી નથી તેમજ છોડાં પણ નથી, તેમાં ફક્ત રસ જ છે. અને તેથી જ તે પિવા માટે છે. આ રસ સર્વ રુપે ગ્રાહ્ય છે, તેમાંથી કશું જ છોડવા જેવું નથી. ભાગવત ઊંચા કલ્પતરુ ઉપર લાગેલ ફળ છે અને આ ફળ ઘની ભૂત રુપમાં છે.આ ફળના રસની પ્યાસ લાગે તો તે માટે પ્રાર્થનાની જિજ્ઞાસા પેદા થાય.પ્રાર્થના એટલે આગ્રહ પૂર્વકનો પ્રયાસ. કલ્પતરુ ઉપરના આ ફળને શુકની ચાંચ વાગતા જ તેમાં રહેલ ઘની ભૂત રુપી રસ દ્રવી ભૂત થઈ નીચે તરફ વહેવા લાગે છે અને આપણી પ્યાસ છિપાવે છે. આ રસ મુખથી ખાવા માટે નથી પણ કાન દ્વારા પીવા માટે છે.
શ્રુતીસાર એટલે ભાગવત.

કોઇ પણ પ્રશ્ન કરવા માટે વિવેક પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. જિજ્ઞાસા માટે પ્રશ્ન કરવો જોઈએ, આપની જિજ્ઞાસાની પ્યાસને છિપાવવા માટે વિવેક પૂર્ણ રીતે પ્રશ્ન કરાય. પ્રથમ પ્રણામ કરી પછી પ્રશ્ન કરાય.
સનકાદિક ઋષિ સુતજીને ૬ પ્રશ્ન પૂછે છે.
૧ શાસ્ત્રનો સાર શું છે?
૨ શ્રેય – કલ્યાણ શું છે?
૩ શ્રેય – કલ્યાણ પ્રાપ્ત કરવાનું સાધન શું છે?
૪ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે?
૫ ભગવાને કયા કયા અવતાર લીધા અને શું લીલા કરી?, શું ચરિત્ર કર્યું?
૬ અનવતાર દશામાં ધર્મનો નિર્ણય કેવી રીતે થાય?
શાસ્ત્રોની શરુઆત પ્રશ્નોથી થાય છે.જિજ્ઞાસુ યુક્ત પ્રશ્ન કરવાથી આધ્યાત્મ યાત્રાની શરુઆત થાય છે. પ્રશ્ન પૂછતાં પહેલાં પોતાની અજ્ઞાનતા જાહેર કરવી પડે. વક્તા પણ આવા પ્રશ્નથી રાજી થઈ શ્રોતા પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આભાર વ્યક્ત કરે છે અને શ્રોતાની પ્યાસ છિપાવવા માટે પ્રયત્ન કરે છે તેમજ રાજી પણ થાય છે. કારણ કે આવા પ્રશ્નોના જવાબ આપવામાં હરિ કથા ગાવાનો અવસર મળે છે. ભગવાનની કથા અંગે પ્રશ્ન કરનાર પોતાના ઉપર, વક્તા ઉપર અને અન્ય શ્રોતઓ ઉપર ઉપકાર કરે છે. કારણ કે આવો પ્રશ્ન કરવાથી વક્તાને હરિ ગુણ ગાવાનો તેમજ પ્રશ્ન કરનારને તેમજ અન્ય શ્રોતાઓને હરિ ગુણ સાંભળવાનો અવસર મળે છે અને તે દ્વારા આ ત્રણે ય પવિત્ર થાય છે.
રામાયણમાં મુખ્યત્વ રુપે ત્રણ સંવાદ છે – શંકર અને પાર્વતિ વચ્ચે, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ ઋષિ વચ્ચે અને કાકભૂષડી અને ગરુડ વચ્ચે.
ભાગવતમાં પણ ત્રણ સંવાદ છે – સુતજી અને સનકાદિક ઋષિ વચ્ચે, શુકદેવ અને પરીક્ષિત વચ્ચે અને—- —-.
રામાયણ, ભાગવદ, ગીતા વિગેરેનો આરંભ પ્રશ્ન પૂછવાથી થાય છે. તેથી જ કહેવાય છે કે પૂછતા નર પંડીત. આખી જિંદગી વિધ્યાર્થી થઈને રહેવું.
મોહનો ક્ષય એ જ મોક્ષ.
બુધ્ધિનો સ્વભાવ તર્ક છે.
નવનિત એટલે સાર.
ભાગવત નવનિત છે કારણ કે તે સાર છે, ભાગવત શાસ્ત્રોનો સાર છે.
જે ધર્મ મનુષ્યને ભગવાન પ્રેમી બનાવે તે સાચો ધર્મ.
સદાય સુખ-શાંતિ રહે એવી સુખ – શાંતિ પ્રભુ પ્રેમમાં જ મળે.અને આ ત્યારે જ મળે જ્યારે નિત્ય સાથે નાતો બંધાય.આવા પ્રેમને જે જગાડે તે ધર્મ.જે પ્રેમના અમૃતથી સીંચે તે ધર્મ.

* * * * * *

ભગવાનને આપણે ફૂલ-સુમન- ચઢાવીએ છીએ અને પછી નમન કરીએ છીએ. ભગવાનને સુમન અને નમન બહું જ પ્રિય છે. સુમન એટલે ફૂલ તેમજ સુંદર મન. ભગવાનને આપનું સુંદર મન બહું જ પ્રિય છે. ભગવાન પાસે મન નથી. તેમનું મન રાધાજીએ ચોરી લીધું છે. અને જેની પાસે જે વસ્તું ન હોય તે તેને આપીએ તો તે બહું જ રાજી થાય. તેથી મન વિનાના ભગવાનને આપણું સુમન- સુંદર મન કે જે ફૂલ જેવું ખિલેલું છે તે અર્પણ કરવાથી ભગવાન બહું જ રાજી થાય છે. નમન એટલે નમસ્કાર તેમજ ન મન પણ થાય. આમ ભગવાનને સુમન અને નમન કરવાથી આપણું મન તેમને રાજી કરે છે અને આપણે મન વિનાના થઈએ છીએ; આપણું મન ભગવાનમાં લાગી જાય છે.

No comments:

Post a Comment