રામ કથા
લીમડી, સૌરાષ્ટ, ગુજરાત
તારીખ ૫ એપ્રિલ ૨૦૦૮ થી તારીખ ૧૩ એપ્રિલ ૨૦૦૮
પ્રવક્તા – પૂજ્ય મોરારી બાપુ
જૌં મો પર પ્રસન્ન સુખરાસી,
જાનિઅ સત્ય મોહિ નિજ દાસી.
તૌ પ્રભુ હરહુ મોર અગ્યાના,
કહિ રઘુનાથ કથા બિધિ નાના.
..........................................................................બાલકાંડ દોહા – ૧૦૮, પાન-૧૫૫
હે સુખના ભંડાર, જો આપ મારા પર પ્રસન્ન છો અને ખરેખર મને આપ પોતાની દાસી માનો છો તો હે પ્રભુ મારું અજ્ઞાન શ્રી રઘુનાથજીની અનેક વિધ કથાઓ કહીને દૂર કરો.
આવું મા પાર્વતી ભગવાન શિવજીને કહે છે.
પૂજ્ય મોરારી બાપુની લીમડીની રામ કથા ઉપરોક્ત દોહાને પ્રધાન રુપે રાખી રામ કથાનું દર્શન છે.
પૂજ્ય મોરારી બાપુની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તેના કેટલાક અંશ અહી પ્રસ્તુત કરતા મને આનંદ થાય છે. સાથે સાથે પૂજ્ય મોરારી બાપુની માનસ પ્રાર્થના કરી માફી માગી લઉં છું કે અહીં પ્રસ્તુત વિચારો આપની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં જે આવ્યું છે તે પ્રમાણે છે. તેમાં જે કંઈ ક્ષતિ હોય તો તે મારી સમજણનો અભાવ છે.
૧
બાલકાંડ આનંદ પ્રદાતા છે, બાલકાંડ આનંદનો કાંડ છે. બાલકાંડના કેન્દ્રમાં આનંદ છે. રામ આનંદ સિન્ધુ છે.
૨
અયોધ્યાકાંડ આક્રંદનો કાંડ છે.
આંસુ અંતઃકરણને શુધ્ધ કરે છે.
પરમને યાદ કરીને આંસુ આવે તો જ અંતઃકરણ શુધ્ધ થાય.
૩
અરણ્યકાંડ આશ્રમનો કાંડ છે. આ કાંડમાં અત્રિ મુનિથી શબરીના આશ્રમની કથા આવે છે.
૪
કિષ્કિન્ધાકાંડ આશ્રયનો કાંડ છે.
૫
સુંદરકાંડ આશીષનો કાંડ છે, આશીર્વાદનો કાંડ છે, શુભ કામનાઓનો કાંડ છે. સુંદરકાંડના સેવનથી વિરોધીઓની પણ શુભ કામના મળે, આશીર્વાદ મળે.
૬
લંકાકાંડ આતંકનો કાંડ છે, લંકાકાંડમાં ઘમાસણ યુધ્ધ છે.
૭
ઉત્તરકાંડ આરામનો કાંડ છે.
આનંદથી આરામની યાત્રા માટે રામકથા છે. જો સાધક બનીને ઉપાસના કરે તો જરુર આનંદથી આરામ સુધીની યાત્રા પ્રાપ્ત થાય.
જો આરામની જરુર હોય તો આ રામની શરણમાં અને રામ રામ કર.
પાર્વતી ૯ પ્રશ્ન પૂછે છે જેના જવાબ ભગવાન શિવજી આપે છે. નિર્ગુણ સગુણ રુપ શા માટે ધારણ કરે છે?
ભક્તનો પ્રેમ નિરાકારને સાકાર બનાવે છે.
ભગવાન શિવજી પ્રસન્ન રહે છે.
પ્રસન્ન રહેવા માટે નીચે પ્રમાણે વર્તન કરવું.
૧ દાન
દાન કરવું
જે આપની પાસે શુભ હોય તે બીજાને આપવું તેને દાન કહેવાય.
શંકર મહા દાની છે તેથી તે પ્રસન્ન છે.
૨ અમાન
અમાન રહેવું.
જગતમાં માનની અપેક્ષા ન રાખવી.
શંકર અમાન છે તેથી પ્રસન્ન છે.
૩ ખાન
ખાન આપવું.
બીજાને ભોજન આપો.
આહાર આપો પણ હરિનામ આહાર.
શંકર નિરંતર હરિ નામનું સ્મરણ કરે છે તેથી જ તે પ્રસન્ન છે.
સ્થુળ આહારથી પ્રસન્નતા આવે પણ હરિનામ આહારથી કાયમની પ્રસન્નતા આવે.
૪ પાન
ભગવાનની કથાનું રસપાન કરે તે પ્રસન્ન રહે.
૫ જ્ઞાન
જ્ઞાની કાયમ પ્રસન્ન રહે. શંકર પરમ જ્ઞાની છે.
૬ ગાન
ગાયક કાયમ પ્રસન્ન રહે છે. શંકર સંગીતના દેવતા છે.
શુભ વિચારોના સંગઠનનું નામ સંપ્રદાય છે એવું દાદા ધર્માધિકારીજીએ કહ્યું છે. પણ આ સંપ્રદાયમાંથી વાદ ઉત્પન્ન ન થવો જોઈએ. કારણ કે વાદથી વાદ વિવાદ ઊભા થાય છે.
તુલસીદાસજીના જીવનમાં તેમને હનુમાનજીનો બે વાર સાક્ષાત્કાર થયો છે.
જ્યારે તુલસીદાસજીને તેમના અંતિમ સમયે હનુમાનજીનો સાક્ષાત્કાર થાય છે ત્યારે હનુમાનજી રામનામનાં પાંચ લક્ષણ વર્ણવે છે.
૧
રામનામ તારક મંત્ર છે. રામનામ તારક તત્વ છે.
૨
રામનામ દંડક છે. દંડક એટલે જેના હાથમાં દંડ છે, જે ડૂબતાને તારવા માટે વપરાય છે. દંડથી ડૂબતા માણસને તરી જવામાં મદદ મળે. ડૂબતાને તારવા માટે દંડનો ઉપયોગ થાય છે.
૩
રામનામ કુંડલ છે. કુંડલ એ કાનની શોભા છે. રામ નામ સાંભળવું એ કાનની શોભા છે, કાનના કુંડલ છે. રામનું નામ ચહેરાની શોભા છે.
૪
રામનામ બીજક છે, બીજ મંત્ર છે. રામનામ અર્ધ ચંદ્રાકાર છે. ઓમકારનો બીજક જેને અર્ધ ચંદ્રકાર કહેવાય છે તે રામનામ છે. રામનામ સાત્વિક મંત્ર છે.
૫
રામનામ બિંદુ મંત્ર છે. ઓમકારનું બિંદુ રામ નામ છે.
No comments:
Post a Comment