Translate

Search This Blog

Tuesday, May 10, 2011

રામ કથા - માનસ મુક્તિ

રામ કથા

માનસ મુક્તિ

Wembley Arena, Arena Square
Engineers Way, Wembley
London, UK

તારીખ ૧૧ જુલાઈ ૨૦૦૯ થી તારીખ ૧૯ જુલાઈ ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

રામ ભજત સોઈ મુકુતિ ગોસાંઈ l

અનઇચ્છિત આવઇ બરિઆઇં ll

અસ બિચારિ હરિં ભગત સયાને l

મુક્તિ નિરાદર ભગતિ બિહાઇ ll

પરંતુ એ જ મુક્તિ શ્રી રામને ભજવાથી ઈચ્છા પણ કર્યા વિના પરાણે આવી મળે છે.

આમ વિચારી સુજ્ઞ હરિ ભક્તો મુક્તિનો નિરાદર કરી ભક્તિમાં લોભાયા છે.

……………………… ઉત્તરકાંડ ૧૧૮

તારીખ ૧૧ જુલાઈ ૨૦૦૯, શનિવાર

આપણા જેવા માટે ગુરૂ આવશ્યક છે, અનિવાર્ય છે.

ગુરૂ તો આપણું ઓઢણું છે, આપણે ખુલ્લા માથે ફરી ન શકીએ, માથા ઉપર ગુરૂનું ઓઢણું જરૂરી છે.

ગુરુ આધાર છે.

કોઈનો સ્પર્શ આપણા હાસ્યને પ્રગટાવે છે અને તે સ્પર્શ ગુરૂ છે.

ગુરુ પ્રત્યેનો અહોભાવ – નિષ્ઠા જાહેર ન કરો. આવો અહોભાવ જાહેર કરવાથી બીજાને તમારા ગુરૂની ટિકા કરવાનો મોકો મળશે.

ગુરૂ આપણને જાગૃત કરે, આપણો દેશ બતાવે.

“ગુરૂ તારો પાર ન પાયો”

ગુરૂ કૃપાસિન્ધુ હોય.

ગુરૂ સકલ ગુણ નિધાન હોય.

જેનામાં ત્રણ વસ્તુ ન હોય તે ગુરૂ હોય. ગુરૂમાં કપટ ન હોય, ગુરૂમાં દંભ ન હોય અને ગુરૂમાં માયાવીપણું ન હોય.

જેનામાં આ ત્રણ ન હોય તેને વંદન કરાય, તેનું માર્ગ દર્શન મેળવાય.

આ ત્રણ જેનામાં ન હોય તે પરમાત્માને પાત્ર છે.

સાચા ખોટાનો જે ભેદ સમજાવે તે ગુરૂ.

આત્મા ગુરૂ છે.

શિવ ગુરૂ છે.

ગુરૂ બહું જ વજનદાર તત્વ છે.

કોઈ આપણને પરાણે ગુરૂ બનાવા ન કહી શકે.

ગુરૂદેવ તુમ્હારી જય જય હો.

મહાદેવ તુમ્હારી જય જય હો.

સદગુરૂ તુમ્હારી જય જય હો.

તારીખ ૧૨ જુલાઈ ૨૦૦૯, રવિવાર

રામ ચરિત માનસમાં મુક્તિ શબ્દ ૭ વાર આવે છે. (૩ વાર બાલકાંડમાં, એક એક વાર કિષ્કિન્ધાકાંડ અને લંકાકાંડમાં અને ૨ વાર ઉત્તરકાંડમાં)

રામાયણની આરતીમાં પણ મુક્તિ શબ્દ આવે છે પણ તે રામ ચરિત માનસની બહાર ગણાય.

તુલસી મુક્તિવાદી નથી પણ ભક્તિવાદી છે.

એકલો રોટલો સ્વાદુ ન લાગે પણ જો તે જ રોટલાને દૂધ સાથે ખાવામાં આવે તો તે જરૂર સ્વાદુ લાગે. રોટલો એ મોક્ષ છે અને દૂધ એ ભક્તિ છે. આમ મોક્ષની સાથે જો ભક્તિનું દૂધ હોય તો તે મોક્ષ સુખમય લાગે.

જેમ સ્થળ વગર જળ ન રહી શકે તેમ ભક્તિ વગર મોક્ષ અસંભવ છે.

તારીખ ૧૩ જુલાઈ ૨૦૦૯, સોમવાર

મોક્ષ એટલે મોહનો ક્ષય.

જો તમને જગતમાં કયાંય મોહ ન હોય તો તમે બુધ્ધ છો. જો તમને બુધ્ધમાં મોહ સ્થાપિત થાય તો તમે દુનિયાદારી છો. ………….. ઝેન વિચારધારા

બુધ્ધતા એટલે નિજમાં લીન થવું, સ્થિર થવું.

સત્યમાં ન જીવી શકાય તો સત્યની જેટલું નજીક જીવાય તેટલું નજીક જીવવું.

સત્ય પાળનારે બીજાનું સત્ય પણ સ્વીકારવું પડે.

બીજાનું સત્ય સ્વીકારવું એ સત્યની ઉપાસના છે.

કલાનો પૂર્ણ વિકાસ એ નિર્વાણ છે. ….. ગુલાબનું ફૂલ પૂર્ણ વિકસીત થાય એ તેનું નિર્વાણ છે. ….. રવીન્દ્રનાથ ટાગોર

ભક્તિમાંથી જ જ્ઞાન પ્રગટે. ……. મધુસુદન સરસ્વતી

જ્ઞાનમાંથી ભક્તિ પ્રગટે કે ન પણ પ્રગટે.

જ્ઞાનમાંથી સમાધાન મળે.

સાધન ભક્તિમાં પ્રશ્નો ઉદભવે

જ્ઞાનમાંથી ભક્તિ, ભક્તિમાંથી સમાધન ભક્તિ અને પછી દ્રષ્ટિ પ્રાપ્ત થાય.

શબદ અને સુરતા પરણે છે.

શબદ એટલે ગુરૂનો શબ્દ અને સુરતા એટલે સાધકની જિજ્ઞાસા, આ બે એક થાય છે.

ઉદ્વેગ ભજનમાં - ભક્તિમાં બાધક છે.

કારણ વગરના તર્ક વિતર્ક એ ભક્તિ માર્ગનું બાધક તત્વ છે.

ભોગ પણ ભક્તિ માર્ગનું બાધક તત્વ છે.

આમ ઉદ્વેગ, તર્ક વિતર્ક અને ભોગ આ ત્રણ ભક્તિ માર્ગનાં બાધક તત્વ છે.

જમાનેમેં તેરે ગમકી હિફાજત કૌન કરતા હૈ.

દિખાવા સબકો આતા હૈ, મહોબત કૌન કરતા હૈ?. …… પરવાઝ સાહેબ

તારીખ ૧૪ જુલાઈ ૨૦૦૯, મંગળવાર

ભક્તના ૪ પ્રકાર છે.

આર્ત ભક્ત

પિડા સહન કરનાર ભક્ત

દા. ત. ગજેન્દ્ર, દ્રૌપદી

જિજ્ઞાસુ ભક્ત

કંઈક જાણવાની ઈચ્છાવાળા ભક્તો

અર્થ ભક્ર્ત

સ્થૂલ અર્થમાં અર્થના હેતુવાળા ભક્ત. પણ કદાચ જીવનનો અર્થ સમજવાવાળા ભક્ત પણ હોઈ શકે.

જ્ઞાની ભક્ત

ભક્તિ એ મહોબત છે, પ્રેમ છે.

ભક્તિ માર્ગે જવું એ જ્ઞાન માર્ગનો નિરાદર નથી પણ આપણને ભક્તિ માર્ગ આપણા સ્વભાવને અનુકૂળ હોવાથી પસંદ કર્યો છે.

ભક્તિ માર્ગીઓએ કોઈનો ય નિરાદર ન કરવો.

મુક્તિના – મોક્ષના ૪ પ્રકાર છે.

સાલોક્ય મુક્તિ

આ એવી મુક્તિ છે જ્યાં જીવ પરમાત્માના લોકમાં નિવાસ કરતો હોય, હરિના લોકમાં નિવાસ કરતો હોય.

દા. ત. વિભીષણ

સાયુજ્ય ભક્ત

આ પરકારની મુક્તિમાં જીવ હરિમાં સમાઈ જાય છે, પરમાત્માના તેજમાં તેજ સમાઈ જાય.

દા. ત. રાવણ – રાવણનું તેજ રામના તેજમાં વિલીન થઈ જાય છે.

સારૂપ્ય મુક્તિ

આવા પ્રકારની મુક્તિમાં ભક્તે ઈશ્વરનું જે રૂપ કલપ્યુ હોય તેવું જ રૂપ ભક્ત હરિને ભજતાં ભજતાં પ્રાપ્ત કરે છે.

દા. ત. જટાયુ

જટાયુને સારૂપ્ય મક્તિ મળે છે. જટાયુ નારાયણ રુપ ધરી મુક્તિ પામે છે.

સામિપ્ય મુક્તિ

આવા પ્રકારની મુક્તિમાં હરિના સામિપ્યમાં રહેવા મળે છે.

દા. ત. શંખ, સુદર્શન ચક્ર, પરમાત્માનં વસ્ત્રો, શ્રીગારમાં ચઢાવેલ વસ્તુઓ વિ.

તારીખ ૧૫ જુલાઈ ૨૦૦૯, બુધવાર

સત્યમાં જય પરાજય ન હોય.

ઈશ્વરનો આદિ અંત નથી તેથી આપને ઈશ્વરના અંશ હોવાના નાતે આપણો પણ આદિ કે અંત નથી.

જેનું જીવન સાચુ, સાદુ અને સામુ તે સાધુ. સામુ જીવન એટલે આરપાર જીવન, જેવું છે તે સામે જ દેખાય તેવું જીવન.

ભક્તિનો જન્મ પ્રિતિમાંથી થાય.

ભક્તિની ભાષા તોતલી ભાષા છે.

અતિ વિચિત્ર એટલે ન સમજાય તેવું.

ગુરૂ આશ્રિતના અંતઃકરણને જોઈને તેના પ્રશ્નનો ઉત્તર આપે છે.

સાધક સ્વયં જ એક પ્રશ્ન છે.

સંસારના તમામ વિષયોને વિષની જેમ ત્યજવા એ મુક્તિનો માર્ગ છે. સંસારના વિષયો જ્યારે વિષ જેવા લાગે ત્યારે જ તે છૂટે.

જ્ઞાન માર્ગમાં પહેલાં ત્યજવાનું છે અને પછી ભજવાનું છે, જ્યારે ભક્તિ માર્ગમાં પહેલાં ભજવાનું છે અને પછી ત્યજવાનું છે. ભજન કર્યા પછી જે ત્યજવાનું છે તે એની મેળે છૂટી જશે.

જે પાંચ અમૃતનું સેવન કરે છે તે ભજનાનંદી કહેવાય. આ પાંચ અમૃત નીચે પ્રમાણે છે.

ક્ષમા પહેલું અમૃત છે. બલિદાન અપાય, પણ બદલો ન લેવાય.

કોમળતા અમૃત છે. કઠોરતા ન રાખવી. સાધુનું લક્ષણ ઋજુતા છે.

દયા અમૃત છે. દયા અને કરૂણામાં ગણતરી ન કરાય, તેમજ તર્ક પણ ન કરાય.

સંતોષ અમૃત છે. અસંતુષ્ટી વિષ છે.

સત્ય અમૃત છે, અસત્ય વિષ છે.

રામ મહામંત્ર છે. આ મહામંત્ર જપનારે રામના બીજા ભાઈઓના ગુણ પ્રમાણે જપ કરવો જોઈએ. રામ જપનારે ભરતની માફક કોઈનું શોષણ ન કરાય, પણ પોષણ કરવાનું હોય, લક્ષ્મણની માફક બીજાનો આધાર બનવાનું હોય અને શત્રુઘ્નની માફક કોઈની સાથે શત્રુતા ન રાખવાની હોય.

તારીખ ૧૬ જુલાઈ ૨૦૦૯મ ગુરૂવાર

મુક્તિ અને ભક્તિમાં એક સામ્ય છે અને આ સામ્ય જુગતી છે. મુક્તિ અને ભક્તિ વચ્ચે જુગતી એ એક સેતુ સમાન છે. આવી જુગતી કોઈને કહેવી ન જોઈએ. આવી જુગતી સુપાત્રને જ કહેવાય.

સદગુરુ, ગુરુ, કે સાધુ સંદેશ આપે, ઉપદેશ પણ આપે અને જ્યારે કોઈ સાધક કે આશ્રિત ગુરુને પ્રિય બની જાય ત્યારે તે સાધકને આદેશ પણ આપે.

જ્યારે ગુરુનો આદેશ મળે ત્યારે આપણે ઉત્સવ મનાવવો જોઈએ. કારણ કે આપણે ગુરુને પ્રિય લાગવા લાગ્યા છીએ.

સંદેશ સર્વ માટે હોય, ઉપદેશ જિજ્ઞાસુ સાધક માટે હોય અને આદેશ ગુરુના કોઈ પ્રિય પાત્ર માટે હોય.

સદગુરુનો આદેશ મન, બુધ્ધિ, ચિત અને અહંકારની પરથી ભૂમિકા ઉપરથી આવેલ હોય છે. ગુરુના આદેશ ઉપર તર્ક ન કરાય અને જો તમે તર્ક કરો તો તમે પડ્યા જ સમજો.

યોગ, જુગતી, તપ, અને મંત્ર રહસ્યમય હોય છે. તેને છુપાવીને રખાય, ગમે તેને ન કહેવાય.

ખેર (ખુશી), ખુન, ખાંસી, ખુશી

વેર, પ્રિત, મધુપાન છૂપે ન છૂપાય.

ભગવતકારના કથન અનુસાર ૭ સાથે દ્વેષ ન કરાય અને જો આ સાત સાથે દ્વેષ થાય તો વિનાશ - મૃત્યુ થાય.

દેવતાઓ સાથે દ્વેષ ન રખાય. દેવતાઓ એટલે જેમનામાં દિવત્યા છે તે.

વેદ કે કોઈ પણ ધર્મ શાસ્ત્ર પ્રત્યે દ્વેષ ન કરાય.

ગાયનો દ્વેષ ન કરવો. ગો એટલે ઈન્દ્રીય થાય છે એટલે ઈન્દ્રીયોનો દ્વેષ ન કરવો પણ ઈન્દ્રીયોનો સદ ઉપયોગ કરી તેના દ્વારાસારા કાર્યો કરવાં.

ગાય જેવા રંક માણસોનો દ્વેષ ન કરવો.

બ્રાહ્મણનો દ્વેષ ન કરવો. બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણે છે તે.

સાધુનો દ્વેષ કે અપરાધ ન કરવો.

કોઈ પણ ધર્મનો દ્વેષ ન કરવો.

કૃષ્ણનો – મારો દ્વેષ ન કરવો એવું કૃષ્ણ કહે છે.

મુક્તિ મેળવવાની ૪ જુગતી છે – (૧) શ્રવણ કરવું, (૨) ગાવું, (૩) કથન કરવું – ચર્ચા કરવી અને (૪) સમજવું.

તારીખ ૧૭ જુલાઈ ૨૦૦૯, શુક્રવાર

જુગતી એટલે યુક્તિ, ચાવી.

ભક્તિની જુગતી સ્મજાઈ જાય તો મુક્તિ આપો આપ આવશે, અનઈચ્છિત આવશે.

વિભીષણ જે રીતે લંકામાં રહે છે તે સમજાઈ જાય તો ભક્તિની મુક્તિનો પ્રકાશ પ્રાપ્ત થાય.

જાનકી એટલે ભક્તિ.

વિભીષણ હનુમાનજીને જાનકીને પ્રાપ્ત કરવાનો રસ્તો બતાવે છે.

મંદિરમાં શાંતિ હોય, ભક્તિ હોય.

કોઈ વખત કોઈ મંદિરમાં ભક્તિ ન હોય પણ કોઈ વૈષ્ણવના ભવનમાં ભક્તિ હોઈ શકે.

પ્રસન્ન થવું અને હરખાવું એ બેમાં ફેર છે.

હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્ન થવું એ ચિતનું લક્ષણ છે – ચિતનું ક્ષેત્ર છે.

બહું હરખાવું એ સારૂ નથી. આવો હરખ ગમે ત્યારે શોકમાં પરિવર્તિત થઈ જાય. જે હરખાય તેના માર્ગમાં બહું વિઘ્ન આવે.

આપણને લાભ થાય અને જે ખુશી થાય તેને હરખાવું કહેવાય.

બીજાને લાભ થાય અને આપણે ખુશ થઈએ તેને પ્રસન્નતા કહેવાય.

ભક્તે હરખાવું નહીં પણ ભક્તે પ્રસન્ન રહેવું.

તારીખ ૧૮ જુલાઈ ૨૦૦૯, શનિવાર

બીજ મંત્ર એટલે મૂળ મંત્ર જેમાંથી બધું જ નીકળ્યું છે.

મોક્ષની પ્રાપ્તિ માટે શૂન્યની ભૂમિકા એ એક દર્શન છે.

મોક્ષની પ્રાપ્તિ માટે પૂર્ણની ભૂમિકા પણ એક દર્શન છે.

આપણા જેવા માટે શૂન્યની ભૂમિકા અને પૂર્ણની ભૂમિકા અઘરી છે. તેથી આપણે શૂન્ય અને પૂર્ણની વચ્ચે – મધ્યમાં રહી બંને – શૂન્ય અને પૂર્ણ – વચ્ચે અસંગ રહેવું.

આગ્રહ મુક્ત જુગતી એ સાધન છે.

સુર અને સુરતા વચ્ચેની ગાંઠ મજબૂત થવી જોઈએ.

ગુરુનો શબ્દ અને સાધકની સુરતાની ગાંઠ મજબૂત થવી જોઈએ.

ગુરૂ અને શિષ્ય વચ્ચે હંમેશાં દ્વૈત હોય, અદ્વૈત ન હોય.

સ્વપ્ન વિનાની નીંદ્રા અને નીંદા વગરનો દિવસ એ તંદુરસ્ત સાધકની નિશાની છે.

તટસ્થ સ્થિતિ પક્ષપાતી સ્થિતિ છે, તટસ્થ એક કિનારે ઊભો રહીને બીજા કિનારા પ્રત્યે પક્ષપાત કરે છે. તેથી મધ્યમાં રહી બંને કિનારા વચ્ચે સમાન અંતર રાખવું જોઈએ .

સતસંગ – કથા સ્થળાંતર કરાવે, સતસંગ – કથા કાલાંતર કરાવે, સતસંગ – કથા પરિવર્તન પણ કરાવે.

સતસંગ – કથા રૂપાંતર પણ કરાવે. રૂપાંતર એટલે અંદરથી થતો ફેરફાર. કથા – સતસંગથી પુરેપુરૂ રૂપાંતર થતું નથી. પુરેપુરૂ રૂપાંતર કરવા માટે વારંવાર કથા – સતસંગ કરવો પડે.

જ્ઞાન માર્ગમાં દીક્ષા ૪ રીતે અપાય.

શબ્દ દીક્ષા – શબ્દ કે અવાજ દ્વારા અપાતી દીક્ષા. ટીંટોળી તેના બચ્ચાનું સેવન શબ્દ દ્વારા – એક પ્રકારના અવાજ દ્વારા કરે છે.

સ્પર્શ દીક્ષા – મરઘી તેના સ્પર્શ દ્વારા ઈંડાનું સેવન કરે છે.

દ્રષ્ટિ દીક્ષા – માછલી તેની દ્રષ્ટિ તેના ઈંડા ઉપર રાખી સેવન કરે છે.

સ્મૃતિ દીક્ષા – કાચબી સ્મૃતિ દ્વારા – સ્મરણ દ્વારા તેના ઈંડાનું સેવન કરે છે.

ભક્તિ માર્ગમાં દીક્ષા ન હોય પણ દીશા હોય.

દીશા – મુખ્ય દીશા ૪ છે. (કુલ દીશા ૧૦ છે.) ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ

વગર પૂછે ઉત્તર મળે તે ઉત્તર દીશા છે. અહીં ઉત્તર મળે એટલે સાધકની દીશા બદલાઈ જાય.

દક્ષિણ માર્ગની દીશા એટલે સવળા માર્ગની – સાચા માર્ગની દીશા. કોઈ આપણને સવળો માર્ગ બતાવે અને આપણી દીશા બદલાઈ જાય, સાચી દીશા પકડાઈ જાય.

પૂર્વ દીશા એટલે આપણા પૂર્વાચાર્યોએ બતાવેલ દીશા.

પશ્ચિમ દીશા એટલે આપણને ખબર ન પડે તેમ આપણી પાછળ રહી આપણને દીશા બતાવે તે દીશા.

જ્ઞાન માર્ગમાં મુક્તિ મેળવવા જવું પડે, જ્યારે ભક્તિ માર્ગમાં મુક્તિ દોડતી આપણી ઈચ્છા વગર આપણને મળવા આવે.

ફ્ક્ત કથા શ્રવણથી પણ ભક્તિ – મુક્તિ મળી શકે છે.

તારીખ ૧૯ જુલાઈ ૨૦૦૯, રવિવાર

અત્યંત સુખ દુઃખનું કારણ બને છે.

સુખ ને દુઃખ બંને સમાન અંતરે રહે છે.

સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે. તમને સિક્કો મળે એટલે સુખ પણ આવે અને દુઃખ પણ આવે જ. એકલું સુખ કે એકલું દુઃખ શક્ય જ નથી.

સિક્કાની ધાતુ બદલી ન શકાય.

હલકાનો સંગ થાય એટલે ડાહ્યાની ચતુરાઈ ટકતી નથી. દા. ત. કૈકેયી અને મંથરા

તેથી કુસંગ ન થાય તેનું ધ્યાન રાખવું જરુરી છે.

કુસંગ નર્કથી પણ ખરાબ છે.

નર્કમાંથી પાપ નાશ પામે એટલે નર્કમાંથી છુટકારો થાય. પણ કુસંગ છુટતો નથી.

દુર્જન માણસો ઉપરના ઉપકારનું ફળ વિકાર જ આવે.

દા. ત. દેડકો, વાંદરો, વાણિયો અને બગલો

દોહો દશમો વેદ છે.

દોહામાં અનેક રહસ્યો ઉદઘાટિત થાય છે.

મુક્તિ હસ્તાંતરણની વસ્તુ નથી. મુક્તિ આપણી અંદર જ છે. તેને કોઈના સાનિધ્ય દ્વારા જાગૃત કરવાની જરુર છે.

મુક્તિ એ તો આપણી એક અવસ્થા છે. તેથી મુક્તિ આપણે જાતે આપણને જ પ્રાપ્ત કરવા માટે છે.

લાકડાની મૂર્તિમાંથી તેનું વિઘટન કરતાં લાકડું જ નીકળે.

આ શરીર પંચ મહાભૂતનું બનેલું છે. અને આ પાંચ મહાભૂત જડ છે. તેથી આ શરીર પણ જડ જ છે.

પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ આ પાંચ મહાભૂત જડ છે. તેમજ મન, બુધ્ધિ અને અહંકાર પણ જડ છે.

આ શરીર આમાંથી બનેલું છે અને તેથી તે જડ જ છે.

પાંચ મહાભૂત અને મન, બુધ્ધિ અને અહંકાર એ આઠમાં જીવ જ ચેતન છે.

જે સંગ ભ્રંમણા પેદા કરે તે સતસંગ છે જ નહીં.

ગુરૂ અપરાધ પાંચ છે, જે નીચે મુજબ છે.

ગુરૂ તરફ ગેર સમજ કરવી કે પેદા થવી એ ગુરૂ અપરાધ છે. ગુરૂ જે કંઈ કરે છે તે તેના આશ્રિત માટે જ કરે છે.

આપણ મન કથિત વાક્યો કે સૂત્રો કે કથન ગુરૂના માથે ચઢાવવા એ ગુરૂ અપરાધ છે.

ગુરૂએ કહેલું તેને સ્મરણ કર્યા સિવાય પોતાના કથનમાં કહેવું ગુરૂ અપરાધ છે.

ગુરૂના ચરણ પ્રક્ષાલન કરો, ચરણ સેવા કરો પણ ગુરૂનું કહ્યું ન કરો તો તે ગુરૂ અપરાધ છે.

ગુરૂના અપરાધથી ગુરૂ નારાજ નથી થતો પણ અસ્તિત્વ જરુર નારાજ થાય છે.

ગુરૂની નકલ કરવી એ ગુરૂ અપરાધ છે.

હરિનામ લેવામાં કોઈ વિધીની જરુર નથી , ફક્ત વિશ્વાસની જરુર છે.

પાચ શિષ્ય અપરાધ છે, જે નીચે મુજબ છે.

ગુરૂ જો શિષ્યની સ્વતંત્રા છીનવી લે તો તે શિષ્ય અપરાધ છે. ગુરૂએ શિષ્યને તેની મરજી મુજબ ધર્મ કે રીત અપનાવવા સ્વતંત્ર રાખવો જોઈએ. ગુરૂ ફી લઈ શકે પણ શિષ્યને ફ્રી રાખવો પડે.

ગુરૂ શિષ્યનું ધન લઈ લે પણ તેની સાથે શિષ્યના સંતાપ ન લે તો તે શિષ્ય અપરાધ છે.

શિષ્યની સેવાથી ગુરૂ અસંતુષ્ઠ રહે તે શિષ્ય અપરાધ છે.

ગુરુ જો કોઈના પ્રભાવમાં આવી તેના શિષ્યનું સન્માન કરે કે શિષ્યને કોઈ વિશિષ્ટ વિધી પ્રદાન કરે તે શિષ્ય અપરાધ છે.

શિષ્યને કોઈ ચોક્કસ મંત્ર તેની ઈચ્છા વિરુધ આપવો એ શિષ્ય અપરાધ છે.

ધન, વૈભવને સ્પર્શ કરો, સ્વીકારો નહીં.

રામ સત્યાવતાર છે.

કૃષ્ણ પ્રેમાવતાર છે.

શંકર કરૂણાવતાર છે.

સ્વામી શરણાનંદનું કથન છે કે ઈચ્છાઓ રહી જાય અને પ્રાણ જાય એ મૃત્યુ છે અને પ્રાણ હોય અને કામનાઓ ન હોય એ મોક્ષ છે.

જે છૂટવાનું હોય છે તે છૂટી જ જાય છે અને જે શાસ્વત છે તે જ રહે છે. પૂર્ણતા એ જ મોક્ષ છે. મુક્તિના આનંદથી પેલે પારની સ્થિતિ એ પૂર્ણતા છે. …. રામદુલારી બાપુ

ઈશ્વર પ્રેમ કરે તો ભક્તિ આપે અને જો ક્રોધ કરે તો મુક્તિ આપે.

No comments:

Post a Comment