Translate

Search This Blog

Saturday, May 14, 2011

મહર્ષિ અરવિંદનાં પાંચ સ્વપ્ન – મહર્ષિનો સંદેશ

સદર માહિતિ તારીખ ૧૫ ઑગષ્ટ ૨૦૦૭, બુધવારના “લોકસત્તા” દૈનિકમાં પ્રકાશિત થઈ હતી. અહીં તે તેમના-લોકસતા દૈનિક તેમજ આ માહિતિના લેખકના સૌજન્ય અને આભાર સહ પ્રસ્તુત છે.

ક્રાંતિકારી દેશભક્ત અને મહાયોગી – મહર્ષિ અરવિંદ ઘોષ. …….શ્રી હરીશ દ્રિવેદી

પાંડેચેરીમાં અનેક આધ્યાત્મ માર્ગ પ્રવાસીઓ માટે “અરવિંદ આશ્રમ”ની સ્થાપના કરનાર અને “અતિમનસ્”ના આર્ષદ્રષ્ટા મહર્ષિ અરવિંદનો જન્મ ૧૫ મી ઑગષ્ટ ૧૮૭૨ ના રોજ કલકતામાં થયો હતો. શ્રી અરવિંદના પિતા ડૉ. કૃષ્ણધન ઘોષ દેશપ્રેમી હોવા છતાં અંગ્રેજી રહનસહન અને એટીકેટીના ભારે ચાહક હતાં પોતાના પુત્ર “ઓરો”ને પ્રથમ દાર્જિલિંગ મોકલી પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ માત્ર સાત વર્ષની ઉંમરે જ એને ઈંગ્લેંડ ભણવા માટે મોકલી આપ્યા હતા.

પોતાના લગભગ ચૌદ વર્ષના ઈંગ્લેન્ડ નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ અભ્યાસની સાથે સાથે લેટિન અને ગ્રીક જેવી પ્રાચીન ભાષાઓમાં પણ નિપૂણતા મેળવી હતી. આઇ.સી.એસ. થઇ અંગ્રેજોની નોકરી ન કરવી પડે એટલા માટે જાણી જોઇને આઇ.સી.એસ. ની પરીક્ષામાં તે નાપાસ થયા હતા. ઇંગ્લેન્ડના અભ્યાસકાળ દરમ્યાન તેમણે ભારતીય વિદ્યાર્થીમંડળની સ્થાપના કરી હતી. તેમની બુધ્ધિ પ્રતિભાથી ભારે પ્રભાવિત થઇ વડોદરાના શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્યમાં વહીવટીય અધિકારી તરીકે તેમની નિમણૂંક કરી હતી.

૧૯૦૧ની સાલમાં મૃણાલિનીદેવી સાથે લગ્ન કર્યું હતું. બાદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેઓ સક્રિય બન્યા હતા. તેમણે એક અત્યંત ગુપ્ત એવા ક્રાંતિદળની સ્થાપના કરી હતી. બીજી બાજું તેઓ યોગ સાધનાના માર્ગ તરફ પણ આગળ વધી રહ્યા હતા. ૧૯૦૫ માં બંગાળના ભાગલા પડતાં અને કલકતામાં નેશનલ કૉલેજની સ્થાપના થતાં અરવિંદ વડોદરાની ભૂમિ છોડી કલકતા ગયા હતા. ત્યાં તેઓ સ્વાતંત્ર્ય સેનાની બિપીનચંદ્ર પાલના “વંદેમાતરમ્” પત્રને ચલાવતા હતા અને સાથે સાથે એમાં ઉગ્ર લેખો પણ લખતા હતા.

૧૯૦૯ માં મુજફરપુરના બોંબધડાકા માટે તેમની ધરપકડ કરી તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા એ કેસમાં તેમનો નિર્દોષ છુટકારો થતાં જેલમાંથી બહાર આવી તેમણે અંગ્રેજીમાં “કર્મયોગિન” અને બંગાળીમાં “ધર્મ” નામે અઠવાડિક પત્રો શરૂ કર્યા હતા. એમાં “દેશબંધુઓ પ્રત્યે” લખેલા એક લેખ માટે તેમના ઉપર ધરપકડનું વોરંટ નીકળ્યું હતું.

ત્યારે કોઈક મિત્રની સહાયથી ફ્રેંચ શાસિત હિંદના પાટનગર પોંડિચેરીમાં તેઓ પહોંચી ગયા હતા. અહીંના એકલવાસના નિવાસ દરમ્યાન રાજકીય ક્ષેત્ર છોડી તેઓ જીવન સાધનાના માર્ગે વધુ આગળ વધતા ગયા. પોંડિચેરીમાં ચાર વર્ષની સાધના બાદ “આર્ય” નામે અંગ્રેજી માસિક તેમણે શરુ કર્યું હતું. ૨૪ નવેમ્બર ૧૯૨૬ના રોજ પોતાની સાધનાની ચરમ સિધ્ધિને પ્રાપ્ત કત્યા બાદ પોંડિચેરીમાં જ અરવિંદ આશ્રમની સ્થાપના કરી હતી. તેમના પૂર્ણ યોગના દર્શનથી પ્રેરાઈને ફ્રાંસથી તેમને શોધતા આવેલા માતાજીએ આશ્રમને પોતાનું સર્વસ્વ અર્પણ કરી પૂર્ણયોગની સાધનામાં અરવિંદ આશ્રમ સાથે જોડાઈ ગયા હતાં.

૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ મહર્ષિ અરવિંદનું સમાધિ અવસ્થામાં અવસાન થયું હતું. પૂર્ણયોગના આ મહાયોગી અને અતિમનસના આર્ષદ્રષ્ટા અરવિંદે આધ્યાત્મના ક્ષેત્રે “સાવિત્રી” ઉપરાંત અનેક મહત્વપૂર્ણ દાર્શનિક ગ્રંથોની રચના કરી હતી.

૧૫ ઑગસ્ટ, ભારતનું સ્વાતંત્ર્ય અને મહર્ષિ અરવિંદનાં પાંચ સ્વપ્ન

…………………………મહર્ષિ અરવિંદ

[ શ્રી અરવિંદે ૧૫, ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે આપેલો સંદેશ ફરી ફરીને વંચાતો રહે અને તેનું રહસ્ય તેમના લાખો લખો દેશબાંધવોને સમજાવાતું રહે એ ખૂબ જરૂરનું છે. ભારતને શ્રી અરવિંદની દ્રઢ પ્રતીતિની અને શ્રધ્ધાની ઘણી જ જરૂર છે. ...... શ્રીમાતાજી]

[ મારું એક બીજું સ્વપ્ન હતું ભારતે જગતને આપવાની આધ્યાત્મિકતાની ભેટ. એ કાર્ય પણ શરુ થઈ ચૂક્યું છે. ભારતની આધ્યાત્મિકતા યુરોપ અને અમેરિકામાં વધુ ને વધું પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે. એ પ્રવૃત્તિ હવે વિશેષ વૃધ્ધિ પામશે. આજના ઘોર વિપત્તિ યુગમાં વધુ ને વધુ આંખો ભારત તરફ આશાભેર વળવા લાગી છે. લોકો ભારતની તત્વ દ્રષ્ટિ અનુસરવા લાગ્યા છે. એટલું જ નહિં, ભારતની સુક્ષ્મ અને આધ્યાત્મિક સાધનાનો પણ આશ્રય લેવા લાગ્યા છે.]

ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ એ સ્વતંત્ર ભારતનો જન્મ દિવસ છે. ભારત માટે આ દિવસે એક જૂનો યુગ પુરો થાય છે, એક નવો યુગ બેસે છે. એટલું જ નહિ, આખા જગત માટે પણ આપણે એને મહત્વનો દિવસ બનાવી શકીએ છીએ. એક સ્વતંત્ર પ્રજા તરીકેના આપણા જીવન અને કર્મ દ્વારા આખી માનવ જાતિના ભાવિ માટે, તેના રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસની દિશામાં એક નવા યુગનું મંડાણ પણ આપણે કરી શકીએ છીએ.

૧૫ મી ઑગસ્ટ એ મારો પોતાનો જન્મ દિવસ છે. એ દિવસ આવું મહાન ગૌરવ ધારણ કરે એ પણ મારા માટે એક સ્વાભાવિક રીતે ઘણી આનંદમય ઘટના છે. આ સુયોગને હું કેવળ એક અકસ્માત તરીકે જ નથી જોતો. પરંતુ મારા જીવનના આરંભકાળથી મેં જે કાર્ય હાથ ધર્યું છે, અને એ કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મને પદે પદે દોરી રહી છે તે દિવ્ય શક્તિને મારા એ કાર્ય ઉપર આ સુયોગ દ્વારા પોતાની પૂર્ણ અનુમતિ દર્શાવતી, પોતાની મહોર – છાપ મારી આપતી જોઉં છું. આ સુયોગમાં હું મારા જીવનકાર્યને પૂર્ણ સિધ્ધિની દિશામાં ગતિ કરતું જોઉં છું. સાચે જ, મારા જીવનકાળ દરમ્યાન જે જે જગદવ્યાપી પ્રવૃત્તિઓ કેવળ અવ્યવહારૂ સ્વપ્ન જેવી જ દેખાતી હતી, તે સઘળી પ્રવૃત્તિઓને હું આજે સફળ થતી, યા તો સફળતાની દિશામાં ગતિ કરતી જોઉં છું. સ્વતંત્ર બનેલું ભારત આ સર્વ પ્રવૃત્તિઓમાં ઘણો મોટો ભાગ ભજવી શકે છે, જગતને માર્ગદર્શક બની શકે છે.

આ સ્વપ્નોમાં પ્રથમ સ્વપ્ન હતું એક ક્રાતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. આજે ભારત સ્વતંત્ર બન્યું છે પણ તેણે એકતા સિધ્ધ નથી કરી. એક ક્ષણે તો એમ પણ લાગતું હતું કે આ સ્વતંત્ર થવાની ક્રિયામાં જ તે પાછું બ્રિટિશ અમલ પૂર્વે હતી તેવી છૂટાં છૂટાંરાજ્યોની અંધાધૂધી ભરેલી હાલતમાં સરી પડશે. પરંતુ હવે એમ લાગે છે કે સદભાગ્યે આ ભય હવે ઊભો નહિં થાય, અને જો કે હજી તો અપૂર્ણ રહેલું છતાં એક વિશાળ અને શક્તિશાળી સંઘ તંત્ર સ્થપાશે. વળી બંધારણ સભાની ડહાપણપૂર્વકની જોરદાર નીતિને લીધે દલિત વર્ગોનો પ્રશ્ન પણ કશી ફાટફૂટ વિના ઊકલી જશે એમ સંભવિત લાગે છે. પણ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચેના જુના કોમી ભેદ આજે તો જાણે દેશના કાયમી રાજકીય ભાગલાનું રૂપ લઈ લીધેલું દેખાય છે. આશા રાખીએ કે આ સિધ્ધ ગણાતી હકીકતને હંમેશને માટે સિધ્ધ થઈ ગયેલી હકીકત તરીકે નહિં સ્વીકારી લેવામાં આવે,અને એને એક કામચલાઇ નિવેડો જ ગણવામાં આવશે. કારણ કે જો આ ભાગલા ચાલુ રહેશે તો શક્ય છે કે ભારત ગંભીરપણે નિર્બળ બની જાય, સાવ અપંગ બની જાય. આ ભાગલા રહેશે ત્યાં સુધી આંતરવિગ્રહનો હંમેશાં સંભવ રહેવાનો. એટલું જ નહિં, ભારત પર કોઈ બીજી સત્તાનું આક્રમણ પણ બને, અને પરદેશી સત્તાના હાથમાં પાછું ભારત ચાલ્યું જાય. ભાગલાને લીધે ભારતનો પોતાનો આંતરિક વિકાસ અને પ્રગતિ પણ અટકી પડે, જગતની પ્રજાઓમાં પણ એનું સ્થાન નબળું પડી જાય તથા ભારતનું પોતાનું જે વિશિષ્ટ જીવનકાર્ય છે તેને ક્ષતિ પહોંચે અને તે નષ્ટભ્રષ્ટ પણ થઈ જાય એવો પણ સંભવ છે જ. આમ ન જ થવા દેવાય. ભાગલા જવા જ જોઈએ. આપણે આશા રાખીએ કે આ ઘટના સ્વાભાવિક રીતે જ બની આવે. ભારતના આ બે ભાગ વચ્ચે શાંતિ અને સુમેળ હોવાં જરુરી છે એટલું જ નહિં પણ બંનેએ ભેગા મળીને કાર્ય કરવાનું છે એ વાતનો વધુને વધુ સ્વીકાર થવા લાગે. બંને ભાગો ભેગા મળીને કાર્ય કરવા લાગે અને એ માટે જરુરી સાધનો ઊભા કરવામાં આવે એ આ એકતા પાછી લાવવાના સંભવિત ઈલાજો છે. આ એકતા ભલે પછી ગમે તે રૂપમાં આવે. એ રૂપ કયા પ્રકારનું હશે તેનું ભલે વ્યવહારૂ દ્રષ્ટિએ મહત્વ હોય, પણ તેને એકતાના મૂળ પ્રશ્ન સાથે સીધા સંબંધ નથી. ગમે તે સાધન દ્વારા ગમે તે પ્રકારે, આ ભાગલા જવા જ જોઈએ. એકતા સ્થપાવી જ જોઈએ, અને સ્થપાશે જ. આ એક અનિવાર્ય આવશ્યકતા છે. એ વિના ભારત મહાન નહિં બની શકે.

મારું બીજું સ્વપ્ન હતું એશિયાની પ્રજાઓની જાગૃતિનું, તેમની સ્વતંત્રતાનું, માનવ સંસ્કૃતિના વિકાસમાં એશિયાએ જે મહાન ભાગ ભજવવાનો છે તે ભજવતું થાય તેનું. એશિયા જાગ્યું છે, એશિયાનો ઘણો મોટો ભાગ હવે તદ્દન સ્વતંત્ર થઇ રહ્યો છે. એશિયાના કેટલાક પ્રદેશ હજી પુરેપુરા અથવા તો અરધાપરધા પરતંત્ર છે, પણ તે પણ પોતપોતાના જંગ ખેલતા સ્વતંત્રતા પ્રત્યે ગતિ કરી રહ્યા છે. હવે માત્ર થોડું કરવાનું બાકી છે અને તે આજકાલમાં થઇ જશે. એ વિષયમાં પણ ભારતે પોતાનો ભાગ ભજવવાનો છે અને તે તેણે ભજવવા માંડ્યો છે. એ બાબતમાં ભારતે આ થોડા વખતમાં પણ એવી તો સ્ફૂર્તિ અને શક્તિ બતાવી છે કે જેમાંથી તેની ભાવિ શક્તિનો ખ્યાલ આજે આવી પણ આવી શકે છે અને જગતના પ્રજાસંઘમાં તે ક્યું સ્થાન લઇ શકે તેમ છે તે જો ઇ શકાય છે.

મારું ત્રીજું સ્વપ્ન હતું જગતના એક રાષ્ટ્રસંઘની સ્થાપના કે જે દ્વારા માનજાતિને એક વધું સુંદર, વધું ઉજ્વળ અને વધું ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. માનવજાતિની એ એકતા આજે રચાઇ રહી છે. એ દિશામાં હજી એક અપૂર્ણ એવું સંગઠન શરુ તો થયું છે, પરંતુ તેની સામે પ્રચંડ મુશ્કેલીઓ ઊભેલી છે, તો પણ એ કાર્યને વેગ મળી ચૂક્યો છે. એ વેગ વધુંને વધું વધતો જશે અને છેવટે આ પ્રવૃત્તિ વિજય પામવાની જ છે. આ વિષયમાં ભારતે આગળ પડતો ભાગ ભજવવા માંડ્યો છે અને જો ભારત, વર્તમાન પરિસ્થિતિ તથા નજીકની શક્યતાઓમાં જ પુરાઇ ન રહેતાં, ભવિષ્યની શક્યતાઓ જોઇ શકે અને તેને વધુ ને વધુ નજીક લઇ આવે એવી રાજકીય કુનેહ ખીલવી શકે તો રાષ્ટ્રસંઘમાં તે પોતાની હાજરીનો ઘણો પ્રભાવ પાડી શકશે. એ સંઘ અત્યારે જે મંદ વેગે બીતાં બીતાં ગતિ કરી રહ્યો છે તેમાં ભારત ઘણી હિંમત અને વેગ પુરી શકશે. આજે જે કાર્ય થઇ રહ્યું છે તેને અટકાવી દેવાય તો તેનો નાશ કરી નાખે એવી કોઇ આપત્તિ થવાનો પણ સંભવ છે, તેમ છતાં છેવટનું પરિણામ તો નિશ્ચિત જ છે. જગતની પ્રજાઓ એક બને એ કુદરતની પોતાની જ અવશ્યકતા છે. એ એક ટાળી ન શકાય તેવી ક્રિયા છે. જગતની પ્રજાઓ માટે આ કેટલી બધી આવશ્યક છે એ તો અત્યંત સ્પષ્ટ વાત છે. આવી એકતાની ગેરેહાજરીમાં જગતની નાની નાની પ્રજાઓની સ્વતંત્રતા કોઇ પણ ક્ષણે ભયમાં મુકાઇ જવાનો સંભવ છે. એટલું જ નહિ મોટી અને બળવાન પ્રજાઓનું જીવન પણ એટલું જ બિનસલામત રહેવાનું છે. આમ બધી રીતે જોતાં માનવજાતિની એકતા સર્વ કો ઇના હિતની વસ્તુ છે. જો માનવજાતિ નિર્વીર્ય હશે અને મૂર્ખ રીતે સ્વાર્થમાં ડૂબેલી રહેશે તો જ આ એકતા સિધ્ધ નહિ થાય, પરંતુ આ વસ્તુઓ કુદરતની આવશ્યકતા આગળ તેમ જ પરમાત્માની દિવ્ય ઈચ્છાશક્તિ આગળ કાયમની ટકી રહેવાની નથી જ. પણ આ એકતા સિધ્ધ કરવા માટે એકલી બાહ્ય ભૂમિકા જ પુરતી નથી. જગતમાં એક આંતરરાષ્ટ્રીય ભાવના અને દ્રષ્ટિનો પણ ઉદય થવો જોઈએ. આંતરરાષ્ટીય વ્યવહારો અને સંસ્થાઓ ઊભં થવાં જોઈએ. માણસોને બેવડી અથવા તો અનેક દેશીય નાગરિકતાના હક્ક મળે, સંસ્કૃતિઓનો બુધ્ધિપૂર્વક વિનિમય થાય, તેમનું સ્વેચ્છાપૂર્ણ સંમિશ્રણ થાય, એવી પ્રવૃ્ત્તિઓ થવા લાગવી જો ઇએ. રાષ્ટ્ર્વાદે કરવાનું કામ હવે થોડા સમયમા જ પુરૂ થઇ જશે. એનામાં રહેલી આક્રમણ વૃત્તિ હવે દૂર થઇ જશે. આ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે હરેક રાષ્ટ્ર પોતના આત્મસંરક્ષણનો તથા પોતાની લાક્ષણિક જીવનપ્રણાલીનો મેળ પણ જાળવી શકશે. માનવજાતિમાં હવે એકતાની એક નવીન ભાવના વ્યાપક બનશે.

મારું બીજું એક સ્વપ્ન હતું ભારતે જગતને આપવાની આધ્યાત્મિક ભેટ. એ કાર્ય પણ શરૂ થઇ ચૂક્યું છે. ભારતની આધ્યત્મિકતા યુરોપ અને અમેરિકામાં વધુ ને વધુ પ્રમાણમાં પ્રવેશ કરી રહી છે. એ પ્રવૃત્તિ હવે વિશેષ વૃર્ધ્ધિ પામશે. આજના ઘોર વિપત્તિ યુગમાં વધુ ને વધુ આંખો ભારત તરફ આશાભેર વળવા લાગી છે. લોકો ભારતની તત્વ દ્રષ્ટિ અનુસરવા લાગ્યા છે. એટલું જ નહિં, ભારતની સુક્ષ્મ અને આધ્યાત્મિક સાધનાનો પણ આશ્રય લેવા લાગ્યા છે.

મારું છેલ્લુ સ્વપ્નું હતું માનવ વિકાસમાં સાધવાનું એક નવું પગલું, એક નવી ભૂમિકાની પ્રાપ્તિ. એ એક એવું પગલું હશે કે જેને લીધે મનુષ્ય એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામશે. અને મનુષ્યમાં વિચાર શક્તિનો ઉદય થતાં તેણે પોતાની પૂર્ણાતાનાં તેમજ સંપૂર્ણ સમાજમાં સ્વપ્ન સેવવા માંડ્યાં ત્યારથી જે જે પ્રશ્નો એને ગુંચવી અને મુઝવી રહ્યાં છે તેમનો ઉકેલ લાવી શકશે, પરંતુ આ તો હજી અંગત આશા જ છે, કેવળ મારી પોતાની જ કલ્પના છે, મારો અંગત આદર્શ જ છે, તો પણ ભારતમાં તેમજ પશ્ચિમમાં પણ એ આદર્શ ચિંતનશીલ માણસોને આકર્ષવા માંડ્યાં છે. બીજા કોઇ ક્ષેત્ર કરતાં આ વિષયમાં તો ઘણી જ વિકટ મુશ્કેલીઓ સામે ઊભેલી છે, પણ મુશ્કેલીઓ ઊભી થાય છે એનો અર્થ એટલો જ છે કે, આપણે તેમને જીતવાની છે અને જો પ્રભુ ઈચ્છા હશે તો તે જીતાશે જ. આ કાર્ય આંતર ચેતનાના તથા આત્માના વિકાસ દ્વારા જ શક્ય બનવાનું છે અને આ વિષયમાં પણ માનવ જાતિમાં જો આ વિકાસ થવાનો હશે તો તેનો આરંભ ભારત જ કરી શકે તેમ છે. વળી આ પ્રવૃત્તિ એ સમસ્ત માનવજાતિની પ્રવૃતિ બનવાનું છે તો પણ સંભવ છે કે એનું કેન્દ્ર તો ભારત જ બને.

ભારતની સ્વતંત્રતાના આજના દિવસનું રહસ્ય હું આ રીતે જોઉં છું. આ આશા સફળ થશે કે નહિં, યા તો કેટલી સફળ થશે એનો આધાર હવેના સ્વતંત્ર અને નૂતન ભારત પર રહે છે.

No comments:

Post a Comment