મૃત્યુની ફિલસૂફી: માધવ મળવાને બોલાવે તો રડવાનું શું હોય! વિશે શ્રી કાન્તિ ભટ્ટનો લેખ “દિવ્ય ભાસ્કર” દૈનિકમાં પ્રકાશિત થયો છે.
Kanti Bhatt, Friday, May 08, 2009 00:51 [IST]
શ્રી કાન્તિ ભટ્ટ લખે છે કે,…..
વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. વી ઓ ગોડ એ ડેથ… હી વેટ ગીવ્ઝ ઈટ ધીસ યર ઈઝ કિવટસ ફોર ધ નેકસ્ટ. અર્થાત્ મૃત્યુ એ આપણું ઈશ્વર પ્રત્યેનું ઋણ છે. અર્થાત્ માણસ મરે ત્યારે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવે છે. મૃત્યુ એ ડરવાની ચીજ નથી. માનવીનો આત્મા મુકત થયો એમ માનીને મૃત્યુ ઊજવવાની ચીજ છે. મારા ગામમાં કોઈ રામાનંદી કે બીજા માર્ગી સાધુનું મોત થતું તો ભજનકીર્તન અને નાચગાના સાથે તેના શબને લઈ જવાતું.
જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું શું હોય?
માતા વસ્ત્રો મુજ બદલાવે એમાં ડરવાનું શું હોય?
થાકયાનો વિસામો મૃત્યુ, લોક કહે છે અંત
જીવનનો ના અંત કદીયે, જીવન છે અનંત
માધવ મળવાને બોલાવે રુદન કરવાનું શું હોય?. …… અજ્ઞાત
આ લેખ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરો.
મૃત્યુની ફિલસૂફી: માધવ મળવાને બોલાવે તો રડવાનું શું હોય!
The article is displayed below with the courtesy of the Columnist Shree Kantibhai Bhatt and the management of the Divya Bhaskar daily.
વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. વી ઓ ગોડ એ ડેથ... હી વેટ ગીવ્ઝ ઈટ ધીસ યર ઈઝ કિવટસ ફોર ધ નેકસ્ટ. અર્થાત્ મૃત્યુ એ આપણું ઈશ્વર પ્રત્યેનું ઋણ છે. અર્થાત્ માણસ મરે ત્યારે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવે છે. મૃત્યુ એ ડરવાની ચીજ નથી. માનવીનો આત્મા મુકત થયો એમ માનીને મૃત્યુ ઊજવવાની ચીજ છે. મારા ગામમાં કોઈ રામાનંદી કે બીજા માર્ગી સાધુનું મોત થતું તો ભજનકીર્તન અને નાચગાના સાથે તેના શબને લઈ જવાતું.બાળવાર્તાના મશહૂર લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન તેના ખિસ્સામાં હંમેશાં એક ચિઠ્ઠી રાખતાં કે તે મરણ પામે ત્યારે બરાબર ચોક્કસાઈ કરી લેવી કે મારો જીવ બરાબર ઊડી ગયો છે કે નહીં! જૈન સાધુઓમાં ઘણા મૃત્યુથી ડરતા નથી. ‘સંથારા’ દ્વારા પોતે જ મૃત્યુ આવે ત્યાં સુધી ઉપવાસ કરે છે. એટલું જ નહીં જે સાધુ ન થયા હોય તેવા જૈન ભાવુકો સંથારો કરે છે. ઈચ્છા-મૃત્યુ નોતરે છે.
નડિયાદમાં જૈનોના પૂજનીય સાધુ હેમરત્નસૂરી મહારાજ સાહેબ તાજેતરમાં તેમના પદમાસનના પોઝમાં મે ૨૦૦૯માં દેહાવસાન પામ્યા પછી અમદાવાદના કલ્પેશ શાહ નામના ભકતે હેમરત્નસૂરીજીના મૃત્યુના અંતિમસંસ્કાર કરવા માટે રૂ.૧ કરોડ ૧૧ લાખ અગિયાર હજાર એકસો એકની બોલી, બોલી હતી.
ભણેલાગણેલા કહેવાતા જૈનો કે બીજા વાચકોને આ વાત વિચિત્ર લાગી હશે પણ જૈનોમાં જ નહીં દરેક કોમમાં આ પ્રકારે મૃત્યુ પછીની વિધિઓમાં શ્રદ્ધાનું તત્ત્વ હોય છે તે શ્રદ્ધાને માન આપવું જોઈએ. જાપાનમાં ઝેન પંથના સાધુઓ તો બેચરી મુદ્દા દ્વારા પોતાનો પ્રાણવાયુ અટકાવીને ઈચ્છામૃત્યુ નોતરતા હતા.
કવિ મકરંદ દવેના દેહાવસાન પછી આજેય નંદીગ્રામમાં તેમના પત્ની કુંદનિકાબહેન દર ગુરુવારે મકરંદ દવે લિખિત‘વિષ્ણુ સહસ્ત્રનામ-અંતર પ્રવેશ’ના પાઠ સવારે ગવરાવે છે.એમના મૃત્યુની એક પુસ્તકરૂપે ‘ઉજવણી’ કરી જણાય છે. ‘અંતવેળાએ’ નામનું પુસ્તક કુંદનિકાબહેને પ્રગટ કર્યું છે જે જૈન મહારાજો હોય કે સાને ગુરુજી હોય કે પશ્ચિમના વિદ્વાનો હોય તેમણે ઈચ્છામૃત્યુ નોતર્યા છે. કુંદનિકાબહેન કાપડિયાએ આ પુસ્તકમાં એક અજ્ઞાત કવિની કાવ્ય પંકિતઓ છાપી છે.
જનની ખોળામાં બોલાવે એમાં ડરવાનું શું હોય?
માતા વસ્ત્રો મુજ બદલાવે એમાં ડરવાનું શું હોય?
થાકયાનો વિસામો મૃત્યુ, લોક કહે છે અંત
જીવનનો ના અંત કદીયે, જીવન છે અનંત
માધવ મળવાને બોલાવે રુદન કરવાનું શું હોય?
ખરેખર કુંદનિકાબહેન ‘અંતવેળાએ’ પુસ્તક લખ્યું છે તે મૃત્યુના મહાનિબંધ જેવું પુસ્તક છે. આ પુસ્તક લખવા માટે લગભગ બે ડઝન પુસ્તકોનો કુંદનિકાબહેને અભ્યાસ કર્યોછે. તેમાં મકરંદ દવેનું ગરુડપુરાણ, શ્રીકાંત આપ્ટેનું ‘મૃત્યુ : અમૃત ખોળો,’ ‘મૃત્યુના પ્રવેશદ્વારે’-લેખક જયોફે હડસન-અનુવાદક(ચીનુ મોદી) પરમ સખા મૃત્યુ-કાકા કાલેલકર અને બ્યુટી ઓફ ડેથ નામના મહેન્દ્ર મેઘાણીના સંપાદનવાળા પુસ્તકનાં અંશો પણ લીધા છે.
તેમાં તેમણે લીધેલા કેટલાંક મૃત્યુ વિશેના કીમતી ઉદ્ગારો વાચકો માટે અહીં ઉતારું છું. જૈનોના પૂજનીય હેમરત્નસૂરી મહારાજ સાહેબનાં દેહાવસાન નિમિત્તે અમદાવાદના અબજપતિ ભકતે તેમને અગ્નિદાહ દેવાનો મોકો મળ્યો છે તે સમાચારે જ મને આ લેખ લખવા પ્રેર્યો છે.
કુંદનિકાબહેને સ્વામી અભેદાનંદના પુસ્તકનો ઉલ્લેખ કર્યો નથી. સ્વામી અભેદાનંદજી આજથી બરાબર ૧૧૦ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા. તે વખતે ત્યાં ન્યુ ઇંગ્લેંડ ક્રિમેશન સોસાયટી ઊભી થઈ હતી. તેના પ્રમુખ પાદરી પોલ ફોધaગ હોમે ખ્રિસ્તીઓને દાટવાને બદલે હિન્દુઓ-જૈનોની જેમ અગ્નિદાહ દેવાની પદ્ધતિ વખાણી હતી. સ્વામી અભેદાનંદને ‘ક્રિમેશન ઈન ઇન્ડિયા’એ વિષય ઉપર બોલવા કહેલું.
સ્વામીએ કહેલું ‘‘હિન્દુઓમાં મૃત શરીરનો અંતિમવિધિ કરવાની એકદમ બ્યુટીફુલ પદ્ધતિ છે. હિન્દુ માને છે કે માનવીનો આત્મા-સ્પિરિટ તેના શરીરથી જુદો છે. તેનો આત્મા એ જ ખરો માનવ છે પણ આત્મા ચાલ્યો જાય ત્યારે દેહ એક કોચલું છે. છતાં પણ કોઈ મહાન આત્મા દેહ છોડે ત્યારે તે જે દેહ દ્વારા લોકોને ઉપદેશ આપતા હતા તે દેહ પણ ઘણા કીમતી સમજે છે.’’
સ્વામી અભેદાનંદની ઉપરની વાત પ્રમાણે અમદાવાદના અબજપતિ જૈન ભકતે હેમરત્નસૂરી મહારાજ સાહેબના દેહને અગ્નિદાહ દેવાનો મોકો મોંધે ભાવે ખરીધો તેમાં એ શ્રદ્ધાળુ ભાઈનું લોજિક સ્વામી અભેદાનંદજીના ઉદ્ગારો સાથે મેળ ખાય છે. સ્વામી અભેદાનંદે મૃત્યુ વિશે જે કહેલું તેનો સંપૂર્ણ અહેવાલ ૨-૬-૧૮૯૯ના ‘બોસ્ટન જર્નલ’ નામનાં અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિકમાં છાપેલો.
તેમાં લખેલું કે અભેદાનંદજીના કહેવા પ્રમાણે હિન્દુઓ મૃત્યુ અને અગ્નિદાહના વિષય ઉપર ઘણો ઊચો મત ધરાવે છે. હિન્દુ માને છે કે આત્મા જ સર્વસ્વ છે અને શરીર કાંઈ નથી. એ કાં મુકત થવા મથે છે કે પછી બીજા નવા શરીરમાં આવવા બીજો જન્મ ધરે છે.
પુસ્તક ‘અંતવેળાએ’ મારા હાથમાં આવ્યા પછી મેં નંદીગ્રામ (વલસાડથી ૧૩ માઈલ) ફોન કર્યોઅને પૂછયું તમારા આ પુસ્તકમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે તમને સૌથી પ્રિય હોય તે ભાગ રજૂ કરવા યોગ્ય હોય તે કહો. તેમાં ‘જીવનવિકાસનો અંતિમ તબક્કો’ એ લેખ તેમને રજૂ કરવા જેવો લાગ્યો છે તેનો મારી ભાષામાં સાર:‘‘મારી એક બહેનનું અવસાન થયું. ધૂળિયા ગામની ગલીમાં વહાલી બહેન સાથે બચપણ વિતાવેલું તે બહેને જીવનના અનેક ઉઝરડા ઝીલેલા છતાં તેણે ગુલાબનાં ફૂલ જેવી સંવેદનશીલતા જાળવી રાખેલી એમનું મૃત્યુ ભૂલવું આકરું લાગ્યું.
મૃત્યુ એક આકરી ઘટના છે. તેની સ્વીકતિ અઘરી છે પણ સ્વીકારવું પડે જ. એ વખતે ડો.એલિઝાબેથ કુબ્લર રોસનું પુસ્તક હાથમાં આવ્યું તે માનસોપચારક હતા. મૃત્યુ વિશે ઘણું સંશોધન કરેલું. અસાઘ્ય રોગના અંતિમ તબક્કામાં અતિ વેદનાથી પીડાતા દર્દીને મશીનોથી કૃત્રિમ રીતે જિવાડવાને બદલે તેને હોસ્પિટલને બદલે ઘરના હૂંફાળા વાતાવરણમાં મરવા દેવા જોઈએ. તેવો ડો. કુબ્લરનો મત હતો.’’ મૃત્યુની અવસ્થાને જીવનના વિકાસની છેલ્લી તક ગણાવતાં પુસ્તકનો આવો સાર છે.
‘‘મૃત્યુ જીવનની મર્યાદા આંકે છે. એટલે જ પોતાની પાસે છે તેટલા સમયની અંદર કંઈક સુંદર, સર્જનાત્મક કરી લેવાની મનુષ્યને આકાંક્ષા રહેવી જરૂરી છે. આપણે જે કંઈ છીએ, જે કાંઈ આપણે કર્યું છે તેનો બધો સરવાળો મૃત્યુ વખતે થાય છે.’’ મારી દ્રષ્ટિએ મૃત્યુને સમજવા કરતા જીવતા માણસે આ સૂત્ર ગોખવા જેવું છે.
મૃત્યુ અંગે તમે ટનબંધ વાંચો અને વિદ્વાનો મૃત્યુને ભલે આત્માની આનંદભૂમિ કહે કે એના વિશે ડહાપણભર્યા વાકયો કહે પણ આત્મજનનું મૃત્યુ ભુલાવું બહુ જ અઘરુ છે. શું કુંદનિકાબહેન મકરંદભાઈના મૃત્યુને ભૂલી ગયાં છે? આજે મકરંદભાઈની પ્રતિમાવાળી દહેરી નંદીગ્રામમાં ઊભી છે.
મૃત્યુને ભૂલી જવાનું કોઈને કહેવું તે સહેલું છે પણ એનું વિસ્મરણ ખૂબ કિઠન છે.ડો.ક્રિશ્ચિયન બર્નાડેએ ‘ગુડ લાઇફ ગુડ ડેથ’ નામનું પુસ્તક લખ્યું છે તેમાં જે વ્યકિત જિંદગીથી ગળે આવી જાય તેણે યુથેનેઝિયા અર્થાત્ સ્વમૃત્યુ નોતરી લેવું જોઈએ તેવી વાત લખી છે.
ડો.ક્રિશ્ચિયન બર્નાર્ડ કહે છે કે મૃત્યુ વિશે મેં પુસ્તક લખવાનો વિચાર કર્યોત્યાર પછી મૃત્યુ વિશેના પુસ્તકોની સંખ્યામાં ૧૦૦૦ ટકાનો ઉમેરો થયો છે! જો કુંદનિકાબહેને ‘અંતવેળાએ’ પુસ્તક લખવા માટે ૨૪ પુસ્તકોનો આશરો લીધો હોય તો પછી બીજા લેખકોએ કેટલા મૃત્યુ વિશેના પુસ્તકો વાંરયા હશે? પણ લોકો વહાલાજનના મૃત્યુને પુસ્તક વાંચી ભૂલે છે? નહીં.
ડો.ક્રિશ્ચિયન બર્નાર્ડ કહે છે કે ખરેખર તો જો તમારા નિકટના લોકોને વિલાપ કરતાં ન છોડવા હોય તો-અને જો તમે જિંદગીથી ગળે આવી ગયા હો તો ઈચ્છામૃત્યુ (આપઘાત) શ્રેષ્ઠ રસ્તો છે.
જો અકસ્માતમાં મરી જાઓ તો જુદી વાત છે પણ બીમારીમાં રીબાઈ રીબાઈને દવા થકી કૃત્રિમ રીતે (ખાટલામાં પડીને) જીવનને લંબાવવું તેના કરતાં હાથે જ મૃત્યુ નોતરવું સારું છે અને એ મૃત્યુની તૈયારી તમે કરો, સાથે તમે તમારા નિકટના લોકોને પણ માનસિક રીતે તૈયાર કરી શકો છો એટલે તમારા મૃત્યુ પછી કોઈને વિલાપ ન રહે. પણ એક વાત લખી લો કે કોઈના નિકટના વહાલાજનનું મૃત્યુ થાય તે પછી તે મૃત્યુને ભૂલી જવાની ફિલસૂફી ડહોળવી નહીં.
દરેક જણને પોતાના નિકટજનના મૃત્યુનો વિલાપ કે વિરહનું દુ:ખ તેની અંતિમ કક્ષાએ પહોંચે ત્યાં સુધી તે દુ:ખ ભોગવવાની અને વ્યક્ત કરવાની તક આપો. મરણ પછી કોઈ શોક કરે તો તેના હાથમાં ગમે તેટલા મરણ ઉપરની વિદ્વતાના થોથાં આપો, તે મરણને થોથાથી નહીં ભૂલે. માત્ર પોતાના વિલાપની વ્યર્થતા જાતે સમજશે ત્યારે જ ભૂલી જશે અગર નહીં પણ ભૂલે. દુ:ખને અંતિમ કક્ષાએ પહોંચવા દો તો જ દુ:ખ ભુલાય. તમારું દુ:ખી થવું તે બીજાને સુખ પણ આપતું હોય છે!
No comments:
Post a Comment