Translate

Search This Blog

Thursday, May 5, 2011

રામ કથા - માનસ કામસૂત્ર

રામ કથા

માનસ કામસૂત્ર

ચિત્રકૂટધામ

કોણાર્ક

ઓરિસ્સા

તારીખ ૦૭ માર્ચ ૨૦૦૯ થી તારીખ ૧૫ માર્ચ ૨૦૦૯

મુખ્ય ચોપાઈ

કામ કલા કછુ મુનિહિ ન બ્યાપી l

નિજ ભયં ડરેઉ મનોભવ પાપી ll

સિમ કિ ચાંપિ સકઈ કોઉ તાસૂ l

બડ રખવાર રમાપતિ જાસૂ ll

મુનિને – નારદ મુનિને કામદેવની કળાની કોઈ અસર ન થઈ, ત્યારે એ પાપી કામદેવ પોતાના પતનના ભયથી ડરી ગયો. લક્ષ્મીપતિ ભગવાનનાં જ જેને મોટાં રખવાળાં હોય એની સીમને કોણ દબાવી શકે? (ભક્તની મર્યાદા કોણ લોપી શકે?)

……………………………બાલકાંડ – ૧૨૫, પાન – ૧૭૧


તારીખ ૦૭ માર્ચ ૨૦૦૯, શનિવાર

સૂર્યના પ્રકાશમાં કામનું દર્શન કરવાથી રામ સુધીની યાત્રા થાય.

તુલસીદાસજીએ તેમના રામ ચરિત માનસના બાલકાંડથી ઉત્તરકાંડ સુધીમાં કંઈ જગાએ કામનું દર્શન કરાવ્યું છે, કામનો ઉલ્લેખ કર્યો છે.

આપણે કામને પણ કામદેવ ગણીએ છીએ.

યાત્રા કામથી જ શરૂ થાય.

કામ, ક્રોધ અને લોભ આ ત્રણમાંથી લોભ અને ક્રોધથી કોઈ નામ શરુ થતાં નથી, અથવા આ બે શબ્દો કોઈના નામમાં વપરાતા નથી. પણ કામથી ઘણા નામ શરૂ થાય છે તેમજ કામ શબ્દ ઘણા નામમાં વપરાય છે.

કંદર્પ એટલે કામ

સત્યકામ એટલે સત્યની સાથે કામ.

કામ, ક્રોધ અને લોભ એ નર્કના દ્વાર છે એવું ગીતાનું કથન છે.

પરંપરાવાદીઓ કામને દુષ્ટ વૃત્તિ ગણે છે.

પરમાત્માએ પ્રથ્વી બનાવી અને તેમાં અમુક વસ્તુઓના વિસ્તૃતિકરણ માટે કામને સામગ્રી તરીકે વાપરી છે.

જો આપણામાં લોભ વૃત્તિ જ ન હોય તો કોઈ કામ થાય જ નહિં.

કામ, ક્રોધ અને લોભ તેમજ વાત, પિત અને કફ સમ્યક પ્રમાણમાં રહેવા જ જોઈએ.

કામ, ક્રોધ અને લોભનું સંતુલન જરુરી છે.

કોઈ પણ કાર્ય પાછળ ઉદ્દેશ શું છે તેના ઉપરથી તે કાર્ય ખરાબ કે સારૂ નક્કી કરી શકાય.

વિવાહનો દેવતા કામ છે.

કાર્તીકેયનો જન્મ થાય અને તે અસુરોનો નાશ કરે તે કામ પ્રસંશનીય છે.

જો કામ, ક્રોધ, અને લોભ નિર્મૂલ થાય તો તે સારૂ છે, પણ આ અઘરૂ છે. તેથી આ ત્રણનું સંતુલન જરુરી છે.

વૈદ્ય વાત, પિત અને કફનું સતુલન કરે છે. આ જ રીતે સદગુરૂ પણ કામ, ક્રોધ અને લોભનું સંતુલન કરે છે.

કોઈ ગેરરીતી કરે તો તેને રોકવા માટે ક્રોધ જરુરી છે. રાજાએ ગુનેગારોને દંડ આપવો જ પડે. આ જરુરી છે.

સામ, દામ, દંડ અને ભેદ એ પરંપરા છે.

હિંસા ઉપાય નથી પણ ઔષધ હોઈ શકે.

તુલસી ઉત્તરકાંડમાં કહે છે કે જેમ કોઈ કામીને સ્ત્રી પ્રિય લાગે તે રીતે મને રામ પ્રિય લાગે.

સારા ઉદ્દેશ વાળો કામ પ્રસંશનીય છે.

કામ ઉપર આપણે સવાર થવું જોઈએ, કામ આપણા ઉપર સવાર ન થવો જોઈએ.

ભગવાનનું ભજન આપણી રખેવાળી કરે છે.

કામવૃત્તિની પરેશાનીથી રામ જ બચાવી શકે.

જમાનેમેં તેરે ગમકી હિફાજત કૌન કરતા હૈ

દિખાવા સબકો આતા હૈ, મહોબત કૌન કરત હૈ

…………………..પરવાઝ સાહેબ

જેની બુધ્ધિ સુબુધ્ધિ છે તેના માટે કામ ઉર્ધવગતિ કરાવશે અને જેની બુધ્ધિ કુબુધ્ધિ છે તેના માટે કામ અધઃગતિ કરાવશે.

ભમરો ફૂલનો રસ પીએ છે પણ તે ફૂલની અસ્મિતાનો નાશ નથી કરતો.

કામદેવની ધજામાં માછલીનું ચિહ્ન છે.

માછલી જલના રસ વિના જીવી શકતી નથી.

કામ રસ વૃત્તિ છે.

લલીત કળાના મૂળમાં રસ હોય છે.

કોઈ પણ વસ્તુ હદથી વધે ત્યારે તે ઝેર બની જાય છે. ,…………સ્વામી વિવેકાનંદ

કામદેવ પરોપકારી છે. …..રમણ

ઈશ્વરની કૃપા મહેસુસ કરવા માટે ભજન જરુરી છે.

જ્યાં સુધી મન છે ત્યાં સુધી કામવૃ્ત્તિ રહેવાની જ. તેથી કામને મનોજ પણ કહેવાયો છે. પણ આ કામ વૃત્તિમાં રામ આવી જાય તો સંતુલન થઈ જાય.

કામ સામાન્ય રીતે અંધારાનો આશ્રય કરે છે પણ જો આ કામ પ્રકાશનો આશ્રય કરે તો તે સંતુલીત બની જાય.

તારીખ ૦૮ માર્ચ ૨૦૦૯, રવિવાર

ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા વિ. ભગવાન વેદ યાસની રચના છે.

નારદનું ભક્તિ સૂત્ર છે, જે પ્રેમ સૂત્ર પણ છે.

કપિલ ભગવાનનું સાંખ્ય સૂત્ર છે.

પતંજલીનું યોગ સૂત્ર છે.

ગૌતમ મહર્ષિનું ન્યાય સૂત્ર છે.

મનુ ભગવાન વિ. નું ધર્મ સૂત્ર છે.

લોકમાન્ય તિલક વિ. નું કર્મ સૂત્ર છે.

વાત્સાયનનું કામ સૂત્ર છે.

જ્ઞાન સૂત્રનો સમાવેશ બ્રહ્મ સૂત્રમાં થઈ જાય છે.

સૂત્ર એટલે નાના વાક્યો જેમાં જ્ઞાન - સાર સમાવિષ્ટ હોય.

એકવાર અસત્ય બોલવાથી ૪૦ દિવસનું ભજન નાશ પામે.

અન્ન બ્રહ્મ છે. આપણે અન્ન નથી ખાતા પણ બ્રહ્મને ખાઈએ છીએ.

અન્ન જો પ્રમાણસર લેવાય તો તે બ્રહ્મ છે. પણ જો વધારે પ્રમાણમાં લેવાય તો તે બ્રહ્મ ન રહેતા, તેનું વમન થાય છે.

કામ ઈશ્વરની વિભૂતિ છે.

ન્યાય સંગત કામ, ધર્મ સંગત કામ હું છું. એવું કૃષ્ણ કહે છે. અને કૃષ્ણ બ્રહ્મ હોવાના નાતે કામ પણ બ્રહ્મ છે. કૃષ્ણનો પુત્ર કામ દેવ છે.

જેમ સતુલિત અન્ન બ્રહ્મ છે, તે જ રીતે જો કામ સંતુલિત હોય તો તે કામ પણ બ્રહ્મ છે.

કામના અને આસક્તિ વિનાનું બળ ભગવાનની વિભૂતિ છે. એવું શ્રી કૃષ્ણ કહે છે. પણ બધાનું બળ વુભૂતિ નથી.

જ્યારે અતિરેક થાય ત્યારે મિત્ર પણ દુશ્મન બની જાય છે.

કાગળના પૃષ્ઠ ઉપર અને પાષાણ ઉપર કામ સૂત્ર અંકિત થયેલ છે.

જ્ઞાનીઓનો વેરી કામ છે અને કામ તો કૃષ્ણ હોવાના નાતે કૃષ્ણ પણ જ્ઞાનીઓનો વેરી ગણાય. આનું કારણ એ છે કે કૃષ્ણ તો ભાવ પ્રધાન છે, તેને ભાવની જરુર છે, જ્ઞાનની જરુર નથી. અત્યંત વિદ્વાનની કૃષ્ણને જરુર નથી. આમ કૃષ્ણ જ્ઞાનીઓનો વેરી ગણાય.

દીપ શિખા એટલે જ્યોતિ.

અસુંદરને પણ સુંદર બનાવે તે સુંદરતા કહેવાય.

જ્યોતિના બે ગુણ છે, તે પ્રકાશ આપે અને બીજી વસ્તુને જલાવે-બાળે.

જાનકી દીપ શિખા છે, જ્યોતિ છે.

જાનકીની જ્યોતિ ભક્તિ સ્વરુપે જનકપુરીમાં પ્રકાશ ફેલાવે છે. જ્યારે આ જ જાનકી લંકામાં અસુરોને બાળે છે. અહીં જાનકી માયા રુપે દીપ શિખા બને છે અને લંકાને બાળે છે.

કામ સૂત્ર ભણ્યા પછી તુલસી શાસ્ત્ર- રામ શાસ્ત્ર ભણવું જરુરી છે. આમ કરવાથી રામ શાસ્ત્ર ઔષધ બનીને કામ કરશે.

કામ, ક્રોધ અને લોભથી બચવા માટે ઔષધીની જરુર છે.

ક્રોધથી બચવાની ઔષધી ક્ષમા છે. જો તમારામાં ક્ષમાનો ગુણ આવશે એટલે ક્રોધ આપોઆપ દૂર થઈ જશે.

લોભથી બચવાની ઔષધી દાન છે. દાન કરવાથી લોભ વૃત્તિ નાશ પામે.

કામથી બચવાની ઔષધી શું છે?

બ્રહ્મચર્ય, સંયમ, ઉપવાસ જેવા વ્રત વિ. કામથી બચવાની ઔષધી છે. પણ કામ બહું બળવાન હોવાથી તે બ્રહ્મચર્ય, સંયમ, ઉપવાસ જેવા વ્રત વિ. ઔષધીનો જ નાશ કરી નાખે છે.

પણ હરિ ભજન નામનું ઔષધ કામથી બચવાનું ઔષધ છે અને કામ આ ઔષધને નાશ કરવા શક્તિમાન નથી.

કામનો સીધો સાદો અર્થ ઈચ્છા થાય છે.

ઈચ્છાનો પર્યાય કામ છે.

ઈશ્વર મનથી પર છે, મનનીય છે, તેથી તેને ઈચ્છા નથી અને તેને કામ પણ નથી.

ઈચ્છા માટે મન જોઈએ જ. જો મન ન હોય તો ઈચ્છા પેદા જ ન થાય.

ઈશ્વરને ઈચ્છા જાગતાં તેને એકલાપણું લાગ્યું અને તેણે પૃથ્વીનું નિર્માણ કર્યું.

ઈચ્છાના ત્રણ પ્રકાર છે અને તે જ પ્રમાણે કામના પણ ત્રણ પ્રકાર છે. કારણ કે કામનો પર્યાય ઈચ્છા છે.

ઉત્તમ ઈચ્છા – ઉત્તમ કામ

મધ્યમ ઈચ્છા – મધ્યમ કામ

નિમ્ન ઈચ્છા - નિમ્ન કામ

સુતેષણા એ છે જે પુત્રની ઈચ્છા રાખે છે.

વિતેષણા એટલે ધનની -વિતની ઈચ્છા.

લોકેષણા એટલે પ્રતિષ્ઠાની ઈચ્છા.

જેનાથી ચેતના પેદા થાય તે કામ હું છું. ….. આવું કૃષ્ણએ કહ્યું છે.

ચેતનાની ઈચ્છા ઉત્તમ ઈચ્છા છે.

વિતેષણાથી પદાર્થની પ્રાપ્તિ થાય પણ ચેતનાની પ્રાપ્તિ ન થાય. પૈસાથી પદાર્થ મેળવી શકાય પણ નવીન ચેતના ન મેળવી શકાય.

લોકેષણા અધમ ઈચ્છા છે. લોક પ્રતિષ્ઠા અધમ છે.

પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા છે. …. ચૈતન્ય મહાપ્રભુ

રાસ લીલામાં કૃષ્ણ મનને સ્વીકારે છે. કારણ કે રાસ વિના રસ ન આવે.

ભગવાન પાસે મન નથી. તેથી તે મનનીય છે. તેથી તેને આપણે આપનું મન આપવું જોઈએ. જેની પાસે જે વસ્તુ ન હોય તે વસ્તુ તેને આપવી જોઈએ. તેમજ આપણે તેને સુમન – સુંદર મન આપવું જોઈએ. બીજાને આપવાની વસ્તુ સુંદર હોવી જોઈએ.

આપણા પગમાં કાંટો વાગ્યો હોય તો તે કાંટાને કાઢવા માટે આપણે પહેલાં આપણા પગને ધોવો પડે જેથી કરીને કાંટો ક્યાં વાગ્યો છે તે જોઈ શકાય. અને પછી કોઈક સાધનથી તે કાંટો કાઢી શકાય. આ કાંટો એ મેલ છે દુર્ગુણ છે. આવા મેલને કાઢવા માટે સદગુરુ પાસે જવું પડે અને તે પણ સ્વચ્છ થઈને જવું પડે, જેથી સદગુરૂ – સંત ને મેલ દેખાય જેથી તે તેને દૂર કરે.

વિશ્વાસને અંદર ન આવવા દે તેવા વિવેકની જરુર નથી. તેથી ગણેશનું માથુ છેદવામાં આવે છે.

હાથી વિવેકી હોય છે. તેથી હાથીનું મસ્તક ગણેશના ધડ ઉપર બેસાડવામાં આવે છે.

બકરામાં અહંકાર નથી હોતો. તેથી ભગવાન શિવના મંદિરમાં ઘણા ભક્તો બકરાનો અવાજ કાઢી દર્શન કર છે.

વાલ્મીકિના રામ અને તુલસીના રામમાં ફેર છે. વાલ્મીકિના રામ કઠોર છે, ન્યાયાધીશ છે. ન્યાયાધીશ કઠોર જ હોવા જોઈએ. ન્યાયાધીશ ભાવ પ્રધાન બને તો ન્યાય ન કરી શકે.

તુલસીના રામ કૃપાળુ રામ છે.

પદ મળે એટલે મદ આવે જ. અને જો પદ મળવા છતાંય જો મદ ન આવે તો સમજવું કે તે પ્રભુની કૃપાનું પરિણામ છે.

શંકરના મનમાં કામ દેવ ક્ષોભ પેદા કરે છે, તેમજ પુષ્પ વાટિકામાં રામના મનમાં પણ ક્ષોભ પેદા થાય છે.

ક્ષોભનો મૂળ અર્થ શુમ છે તે સમજવો પડે.

દૂધમાં થોડુક દહીં નાખવામાં આવે તો તે દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે.

દહીં દૂધનું ક્ષોભિત રૂપ છે.

કામદેવ પાસે પાંચ પ્રકારના બાણ છે.

બળનું બાણ

કલાનું બાણ

પલનું બાણ – ક્ષણનું બાણ

ચલનું બાણ

તારીખ ૦૯ માર્ચ ૨૦૦૯, સોમવાર

દોષનો સ્વાભાવિક સ્વભાવ ભયભીત રહેવાનો છે. દોષ ભીરૂ હોય. ચોર કાયમ ડરપોક જ હોય. દોષ અને વિકાર કાયમ ડરપોક જ હોય.

કામનો બાપ કૃષ્ણ છે.

કૃષ્ણનું એક નામ રમાપતિ છે.

વિષ્ણુને પણ રમાપતિ કહેવામાં આવે છે.

જે ભજન કરે છે તેનાથી કામ ડરે છે.

ભક્તોમાં કામ આવે પણ તે કામ મર્યાદામાં રહે, મર્યાદા ન તોડે.

જેટલી રામની સત્તા વ્યાપક છે, તેટલી જ કામની સત્તા પણ વ્યાપક છે.

તુલસી રામનું અને કામનું પ્રગટીકરણ સ્તુતીથી કરે છે.

ઈશ્વર બધાના હ્મદયમાં રહે છે અને કામ પણ બધાના હ્મદયમાં રહે છે.

કામ જીવનની પહેલી સિડી છે અને રામ જીવનની આખરી સિડી છે. આ બધાના જીવનનું સત્ય છે.

કામ એ તો રામને પ્રગટ કરવાની સામગ્રી છે. જીવને એટલે કે ચેતનાને પ્રગટ કરવા કામ જ કારણ છે.

જીવના જન્મનું જે કારણ છે તે જ શિવના પ્રાગટ્યનું પણ કારણ છે, સામગ્રી છે, કાચો માલ – raw material- છે.

જીવનું સામર્થ્ય કામને રોકવા માટે પર્યાપ્ત નથી.

જે ભજન કરે છે, તેના કારણે એક સિમા અંકિત થાય છે અને આ સિમા કામ ઓળંગી શકતો નથી. કામનો બાપ ઈશ્વર છે અને ઇશ્વર આ રેખા દોરે છે. આમ બાપે નિયત કરેલ રેખા-સિમા દીકરો ન તોડે.

જે ભજન કરે છે તેના કામને-વિકારોને રામ રોકશે. ભજન કરનારે પોતે પોતાના કામને રોકવાની જરુર જ નહિં રહે. કારણ કે તેના વિકાર, કામ સિમા ઓળંગશે જ નહિં.

પરમાત્મા ડૉક્ટર છે અને આપણાંકર્મ તેનો કંમ્પાઉન્ડર છે. જેમ ડૉકટરની ફી લેવા માટે તેનો કંમ્પાઉન્ડર દરદીની પાછળ પાછળ રહે છે, આવે છે તેમ આપણા કર્મ પણ તેની ફી લેવા આપણી પાછળ જ આવ્યા કરે છે.

સુગ્રીવને રામ વૃક્ષની આડશમાં રહી જુએ છે અને કામ પણ શિવને આંબાના વૃક્ષની આડશમાં જુએ છે.

રામ વૃક્ષની આડશમાં રહી જીવને જુએ છે, જીવના ક્રિયા કલાપને નિહાળે છે અને કામ વૃક્ષની આડશમાં શિવને જુએ છે.

રામાયણમાં કામના ત્રણ પ્રસંગ આવે છે. શિવ ઉપર કામનું આક્રમણ, નારદનો પ્રસંગ અને સીતા શોધ દરમ્યાન રામનું ક્ષોભિત થવું.

કામ બધાને અંધ બનાવી દે છે. અંધ એ જે જેને દેશ, કાલ અને પાત્રનું ભાન ન રહે, આ ત્રણ ન દેખાય.

શંકર નામ છે, એટલે કે શંકર વ્યક્તિ છે જ્યારે શિવ વ્યક્તિત્વ છે. વ્યક્તિને ક્ષોભિત કરી શકાય પણ વ્યક્તિત્વને ક્ષોભિત ન કરી શકાય. આમ તુલસી શંકર શબ્દનો પ્રયોગ કરે છે. શંકર કામના પ્રભાવમાં ક્ષોભિત થાય છે. એક વ્યક્તિ રુપે ક્ષોભિત થાય છે.

રામ માનવ લીલ કરવા આવ્યા હોવાથી રામ વ્યક્તિ રૂપે હોવાથી ક્ષોભિત થાય છે.

કામદેવ જ્યારે શંકર પાસે જાય છે ત્યારે તે ત્રણ રીતે તૈયાર થઈને જાય છે.

કામ પરોપકાર કરવા જાય છે. કારણ કે દેવો તેને સમજાવે છે કે શંકરની સમાધિ તૂટે તો તેના લગ્ન થાય, કાર્તિકેયનો જન્મ થાય અને તાડકાસુરનો વધ થાય. આ પરોપકારનું કાર્ય છે.

કામ જાણે છે કે શંકરની સમાધિ તોડવાથી તેનું મૃત્યુ નક્કી છે. કામદેવ શંકર સામે જોઈ હાસ્ય કરે છે. સામે મૃત્યુ હોવા છતાં ય તે હાસ્ય કરે છે. આમ આ આપણેને એક સંકેત છે કે આપણું મૃત્યુ નક્કી જ છે. તેને હસતા મોઢે સ્વીકારી લો. મોતથી ડરો નહિં.

કામ મરવા સાથેની તૈયારી સાથે ભગવાનની સમાધિ તોડવા જાય છે.

કામને બાળ્યા પછી ભગવાન શંકરને સંધ્યા કરવાની ઈચ્છા થાય છે અને ત્યારે કામને બાળવાથી જે ભસ્મ બની છે તે ભસ્મનું ભગવાન લેપન કરે છે. આમ કામ ધન્ય થઈ જાય છે. કારણ કે તેની ભસ્મ ભગવાનના અંગો ઉપર સ્થાન પામે છે.

કામના ત્રણ પ્રકાર છે.

૧ ભૂમિગત કામ

ભૂમિગત કામ દેહ કેન્દ્રીત કામ છે. આ પૃથ્વીગત કામ છે. આ કામ સ્થુલ કામ છે. ભૂમિગત કામમાં શરીરની પ્રધાનતા હોય છે, વિજાતીય શરીરની આવશ્યકતા રહે છે. આ દેહ કેન્દ્રીત કામ છે અને આ વિષયી માણસોનું ક્ષેત્ર છે.

૨ જલગત કામ

જલ નો એક અર્થ રસ થાય છે. જલનું એક નામ રસ છે.કોઈના નૃત્યને કામ-વાસના રહિત ભાવે માણવું, કોઈનું સંગીત માણવું એ જલગત કામ છે. આવા પ્રકારના કામ દરમ્યાન શાલિનતા અને મર્યાદા તોડ્યા વિના કલાને, કામને માણવામાં આવે છે, કલાના રસને માણવામાં આવે છે. કથક નૃત્યને માણવું એ જલ ગત કામ છે. આ સાધકનું ક્ષેત્ર છે.

૩ ગગનગત કામ

ગગન ગત કામ સિધ્ધનું ક્ષેત્ર છે. આ કામ માણસને ગગન માફક અસંગ બનાવે છે, ઉદાસીન બનાવે છે. ગગન અસંગ છે. ઉદાસીનતા એટલે અંધતા, મૂઢતાથી પરની સ્થિતિ.

ભગવાન શંકરનું ક્ષેત્ર ઉદાસીન કામનું ક્ષેત્ર છે. ભગવાન શંકર ઉદાસીન કામના પ્રતિક છે.

રામનો કામ પણ ઉદાસીન કામ છે.

પહેલા પ્રકારના કામમાં માનસ મૂર્છિત સ્થિતિમાં હોય, બીજા પ્રકારના કામમાં મગન સ્થિતિમાં હોય અને ત્રીજા પ્રકારના કામમાં માણસ ઉદાસીન સ્થિતિમાં હોય.

ઋગ્વેદનના નિચેના મંત્રમાં કામ ઊર્જાનું વર્ણન છે.

ૐ કામસ્ત્ગ્રે અમવર્તતાધિ મનસોરેતઃ પ્રથમમ્ યદાસિત તતો બનતુમસતી નિરબિદન રૂધિ પ્રસિસ્યા તવયો મનિસા

કામની ઊર્જા ઉર્ધ્વગામી બને તો બ્રહ્મ પેદા કરે અને જો અધોગામી બને તો જીવને પેદા કરે.

માણસોના ત્રણ પ્રકાર હોય છે.

પહેલા પ્રકારના માણસો પોતાના ગુણને જુએ અને બીજાના દોષને જુએ.

ગુણ દર્શન અહંકાર પેદા કરે અને દોષ દર્શન ક્રોધ પેદા કરે. પોતાના સારા ગુણોને લીધે અહંકાર આવે અને બીજાના દોષને લીધે તેના ઉપર ક્રોધ આવે.

બીજા પરકારના માણસો પોતાના દોષ જુએ અને બીજાના ગુણને જુએ. અહીં સામેની વ્યક્તિના ગુણ જોવાથી તેનામાં અહંકાર આવી શકે.

ત્રીજા પ્રકારના માણસો કોઈના પણ ગુણ ન જુએ તેમજ દોષ પણ ન જુએ. તે ફક્ત દ્રષ્ટા બની રહે.

કામ નર્કનો દરવાજો છે એ આલોચના નથી પણ કરૂણા છે. આ કથન દ્વારા આપણને સાવધાન કરે છે કે આ દરવાજો ખોલવા જેવો નથી. તેને ખોલવાથી ખતરો પેદા થઈ શકે છે.

શાસ્ત્રમાં કેટલીક વાતોની મનાઇ હોય છે. ગુરુ પણ આપનને અમુક કામ ન કરવા માટે જણાવે છે. આમ શાસ્ત્રમાં કે ગુરુ દ્વારા આ પ્રકારની રોક – મનાઈ કઠોરતા નથી પણ કરૂણા છે.

સુમન એટલે ફૂલ અને સુંદર મન એવો અર્થ થાય.

સુંદરતા માટે મેકઅપની જરૂર નથી પણ મુસ્કાનની જરુર છે. વિવેક જ wake up છે. ગમે તેટલા સુંદર હો પણ જો મુખ ઉપર મુસ્કાન ન હોય તો તે સુંદરતાનો કોઈ અર્થ નથી.

કામનું દમન ન કરો, દહન પણ ન કરો ફક્ત દર્શન કરો.

આપણે નિષ્કામ ન બની શકીએ તેમજ પૂર્ણ કામ પણ ન બની શકીએ. તેથી રતિકામ બનો.અહીં રતિ એટલે ભક્તિ, પ્રિત અને કામ એટલે ઈચ્છા. એટલે કે આપણે ભક્તિની ઈચ્છા રાખવી જોઈએ.

તારીખ ૧૦ માર્ચ ૨૦૦૯, મંગળવાર

સૂત્ર એટલે દોરો.

દોરામાં જ્યારે ગ્રંથી બને, ગાંઠ વાળવામાં આવે ત્યારે તે દોરાની લંબાઈ ઓછી થાય, લંબાઈ ઘટે. જેટલી ગ્રંથી વધારે તેટલી લંબાઈ વધારે ઓછી.

માળામાં દોરો એક હોય પણ મણકા ઘણા હોય. જ્યાં સુધી દોરો એક હોય-તૂટેલો નહોય ત્યાં સુધી માળાના મણકા ભેગા રહે અને જેવો દોરો તૂટે એટલે બધા મણકા આમતેમ વિખરાઈ જાય.

કામશાસ્ત્રની કલાના ૬૪ પ્રકાર છે. આ ક્લાનો પ્રયોગ શંકર ઉપર થયો, નારદ ઉપર થયો, પણ તેમના ઉપર અસર ન થઈ.

૬૪ માંથી ૬ કાઢી નાખતાં ૪ વધે. આ ચાર કામની કલા છે.

ગાયન

કામની એક કલા ગાયન છે. પ્રત્યેક લલીત કલાના મૂળમાં કામ છે.

મુદ્રા

મુદ્રા કામની બીજી કલા છે. ગાયક ગાતાં ગાતાં પ્રાકૃતિક મુદ્રાઓ થવા માંડે. આ મુદ્રાઓ આરોહ અવરોહ સાથે બદલાયા કરે.

વાદ્ય

કામની ત્રીજી કલા વાદ્ય છે.

નૃત્ય

કામની ચોથી કલા નૃત્ય છે.

કામ અને રામ એક સાથે કેવી રીતે રહે?

અંધારૂં અને અજવાળુ સાપેક્ષ છે.

જેલખાનું, પાગલખાનું અને ઘરમાં દિવાલો હોય છે, તાળું મારવાની વ્યવસ્થા હોય છે, બારણું હોય છે. તો આ ત્રણમાં શું ફેર છે?

આપણું ઘર જેલખાનું નથી, પાગલખાનું પણ નથી પણ એક ઘર -home છે.

જેલમાં દિવાલો હોય, દરવાજો પણ હોય અને તાળું પણ મારેલું હોય, પણ આ તાળું બહારથી મારેલું હોય – અંદરથી તાળુ મારવાની વ્યવસ્થા ન હોય, અને તેની ચાવી જેલર પાસે હોય.

જ્યારે ઘરમાં આ બધું જ હોય અને તાળું અંદર તેમજ બહારથી મારવાની વ્યવસ્થ હોય અને તેની ચાવી પોતાની પાસે હોય.

વધારે પડતા નિયમોનું પાલન કરાવવાથી ઘર જેલખાનું બની જાય અને વધારે પડતી સ્વતંત્રા આપવાથી માણસો ઉચ્છંખલ બની જાય અને તે ઘર પાગલખાનું બની જાય.

કામ અને રામ સાપેક્ષ છે, બાપ બેટો છે. કામ બેટો છે, રામ બાપ છે.

બાપ અને બેટાની ઉત્પત્તિ એક સાથે ન થાય, ક્રમશઃ થાય. પહેલાં બાપની ઉત્પત્તિ થાય અને પછી સમયાંતરે તેના ઘેર બેટો આવે – બેટો ઉત્પન્ન થાય. આ જ રીતે રામ અને કામ ક્રમશઃ રહે, એક સાથે ન રહે.

સીડીનાં પગથિયાં જો ક્રમશઃ હોય તો જ તે સિડી દ્વારા ઉપર ચઢી શકાય. પણ જો આ જ સિડીનાં પગથિયાંને એક સાથે-એકની પાસે એક એમ ગોઠવવામાં આવે તો તે સિડી દ્વારા ઉપર ન ચઢાય. યાત્રા કરવા માટે, ઉપર ચઢવા માટે પગથિયાં ક્રમશઃ હોવાં જોઈએ.

તુલસી દશરથના પ્રસંગમાં “પુત્ર કામ શુભ યજ્ઞ” શબ્દ વાપરે છે. પુત્રની કામના એક શુભ યજ્ઞ છે. અહી કામથી રામની ઉત્પત્તિ છે.

આમ કામથી રામ આવે, રામથી આરામ પ્રાપ્ત થાય, આરામથી વિશ્રામ મળે અને તે જ વિશ્રામથી પરમ વિશ્રામ મળે.

આમ ક્રમશઃ યાત્રા થાય તો કામથી પરમ વિશ્રામ સુધીની યાત્રા થાય, કામથી મોક્ષ સુધી જવાય.

આમ કથા આપણને ક્રમ શીખવાડે છે.

કથા બાલકાંડથી જ શરૂ થાય અને ઉત્તરકાં સુધી જાય.

સૂત્રને ખોટી રીતે સમજતાં તેનો અનર્થ થાય અને ગમે તેમ વર્તન કરવાથી ઘર પાગલખાનું બની જાય.

આ શરીર પણ એક ઘર છે. આ ઘરને જેલખાનું ન બનાવાય, પાગલખાનું પણ ન બનાવાય, ફક્ત તેને એક ઘર – home જ બનાવાય.

સાધુ યહ તન તંબુરેકા

આ તન એક તંબુરા સમાન છે. તેના તારને યોગ્ય રીતે તંગ રાખીએ તો જ તેમાંથી સૂર નીકળે. આ શરીર રૂપી તંબુરાના તાર ભોગમાં ઢીલા હોય અને તપસ્યાના નિયમોમાં બહું જ તંગ હોય ત્યારે તેમાંથી સૂર ન જ નીકળે.

આધ્યાત્મ પુરૂષના લક્ષણ નીચે પ્રમાણે છે. આધ્યાત્મ પુરુષ એટલે ગુરૂ, મહાપુરુષ. તે નર પણ હોઈ શકે અને નારી પણ હોઇ શકે. અહી પુરૂષ એ નર વાચક શબ્દ નથી. આધ્યાત્મ પુરુષમાં નર અને નારી બંને સમાવિષ્ઠ છે. મીરાં, રમણ, ચૈત્યન્ત, ગંગાસતી, નરસિંહ, બુધ્ધ વિ. આધ્યાત્મ પુરૂષ છે. જે પુરમાં રહે તે પુરુષ કહેવાય, પછી ભલે તે નર હોય કે નારી હોય.

આંખ

આધ્યાત્મ પુરુષની આંખ વિશાળ હોય, સીધી અને સરળ હોય, ડરાવવાવાળી ન હોય. તેની આંખમાં વિશાળતા હોય, સંકીર્ણતા ન હોય.

ઘડો પણ એક આકાશનું રૂપ છે પણ તે સંકીર્ણ છે. ઘડાના આકાશમાં વાદળ ન આવે અને વિજળી પણ ન થાય. આકાશ વિશાળ હોવાથી તેમાં વાદળ આવે અને વિજળી પણ પેદા થાય.

જેની આંખમાં વાસનાનાં કોઈ વાદળ ન આવે તે આધ્યાત્મ પુરુષ હોય.

વક્ર અવલોકન

આધ્યાત્મ પુરુષ કોઈ પ્રત્યે વક્ર અવલોકન ન કરે, કોઈ પ્રત્યે ટેઢાપણું ન રાખે, લુચ્ચાઈ ભરી નજર ન રાખે.

મૂર્તિમાં મેલ નથી હોતો પણ માનવીના મનમાં મેલ હોય છે.

કાન

આધ્યાત્મ પુરૂષના કાન મોટા હોય, જે બધાનું સાંભળે, ભલું, બુરૂ બધું જ સાંભળે.

નાક

આધ્યાત્મ પુરૂષનું નાક લાંબુ અને સપ્રમાણ હોય.

મન

આધ્યાત્મ પુરૂષનું મન કોઈના પ્રત્યે ક્યારે ય સંદેહ ન ક્રે-સંશય ન કરે. તેને કોઈ પ્રત્યે વહેમ ન હોય તેમજ કોઈ પણ ઘટના પ્રત્યે સંદેહ ન હોય.

સંદેહ જાય એટલે સિધ્ધ બની જવાય.

વિશ્વસનીયતા

જેનો વિશ્વાસ અડગ હોય, જેણે એક વાર પાકુ કર્યું હોય એટલે પછી તેમાંથી વિશ્વાસ ન ડગે, ભરોંસો કાયમ રહે તે આધ્યાત્મ પુરુષ કહેવાય.

આશ્રિત પ્રત્યેનો ભાવ

જેની પાસે તેના આશ્રિતોનો X ray હોય, આશ્રિતને આરપાર જોયેલો હોય તે આધ્યાત્મ પુરુષ કહેવાય.

કોઈને દુવા આપવાનો ઠેકો કોઈ એક જ વ્યક્તિનો નથી અને આવો ઠેકો કોઈએ એક જ વ્યક્તિને આપ્યો પણ નથી.

પડોશીથી લડી દૂરની વાતો – મોક્ષની વાતો ન કરાય.

પહેલાં પોતાનું ઘર સંભાળવું પડે, પોતાના ઘરને સાફ કરવું પડે.

સામાન્યતહઃ શિક્ષિત ભાષાંતર કરે છે. પણ શિક્ષિતના ભાષાંતર અને દિક્ષિતના ભાષાંતરમાં ફેર હોય છે.

રામ ભજન બિનુ મિટિ ન હી કામા… ભજન કરે હિ નિકામ

આ તુલસીની આખરી ઔષધી છે.

ભજન જ નિષ્કામ કરે.

મહાપુરુષ – વૈદ્ય ઔષધી બનાવે – વારંવાર ખરલમાં ઘૂંટે અને આખરી ઔષધી બનાવે. તેમજ તે ઔષધીનો પોતાના ઉપર પ્રયોગ કરી તેની ખાતરી કરે કે આ ઔષધી બરાબર બની છે.

કામથી મુક્ત થવાના ૮ માર્ગ છે.

જગત મિથ્યા છે તે સમજઈ જાય તો કામ છૂટી જાય.

આપણા હાથમાં ૫૦૦ રુપિયાની નોટ હોય અને જો આપણે ખબર પડે કે આ નોટ ખોટી છે. તો તરત જ આપણે તે નોટને ફેંકી દઈશું. આજ પ્રમાણે જો આપણને સમજાઈ જાય કે જગત મિથ્યા છે તો તે તરત જ છૂટી જાય.

જો કોઈ મોટી વસ્તુ મળી જાય તો નાની વસ્તુ છૂટી જાય.

બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ જાય તો કામનાનો આનંદ છૂટી જાય.

ગુરૂનો દ્રઢાશ્રય કામથી મુક્ત કરાવે.

ગુરૂ પાસે જઈ ગુરૂને એવું ન કહો કે મારે ઘણી મોટી મુશ્કેલીઓ છે. પણ તેના બદલે મુશ્કેલીઓને કહો કે મારી પાસે ઘણો મોટો ગુરૂ છે.

રામની કૃપા તેના આશ્રિત પાસેથી બધું છીનવી લે. રામ હનુમાનજી ઉપર કૃપા કરી તેનું બધું જ લઈ લે છે.

રામ જેને પ્રેમ કરે તેને તે બધું જ આપે. રામ સુગ્રીવ અને વિભિષણને ઘણું બધું આપે છે જે તેના પ્રેમને કારણે છે.

રામાયણમાં સંત, અનંત, અને ભગવંત કામને વશ થઈ જાય છે જે આપણને સંદેશ આપે છે કે કામથી બચવા ભજન વધારો.

સંત – હનુમાનજી ઈન્દ્રજીતના બ્રહ્માસ્ત્રથી બંધાય છે.

અનંત – લક્ષ્મણ ઈન્દ્રજીતના પ્રહારથી મૂર્છિત થાય છે.

ભગવાન રામ ઈન્દ્રજીતના મોહ પાશથી નાગપાશમાં બંધાય છે.

તારીખ ૧૧ માર્ચ ૨૦૦૯, બુધવાર

માળાના મણકા સૂત્રનો આધાર રાખે ત્યાં સુધી સુંદર રહે છે. પણ જ્યારે સૂત્ર તૂટે ત્યારે બધા મણકા વિખરાઈ જાય.

આપણે ત્યાં બે માર્ગ છે.

પ્રવૃત્તિનો માર્ગ

આ માર્ગમાં નવું સર્જન થાય, વિસ્તાર થાય. રાજા જનક આ માર્ગના છે.

નિવૃત્તિનો માર્ગ

આ સર્જનનો માર્ગ નથી પણ વિસર્જનનો માર્ગ છે. કપિલ ભગવાન, નિવૃતિ માર્ગના આચાર્ય છે. ચાર સનત્કુમાર, દેવર્ષિ નારદ, શુકદેવજી પણ આ માર્ગના આચાર્ય છે.

પ્રવૃત્તિ માર્ગીઓએ કામને સંતુલીત રૂપે સ્વીકાર્યો છે.

વિશ્વનાથ ગુરૂ છે રામ ચરિત માનસ પણ ગુરૂ છે. ગુરૂ હોય તે પાકા વૈદ્ય પણ હોય.

સદ્ ગુરૂના ૩ લક્ષણ નિતાંત આવશ્યક છે.

સદ્ ગુરૂ સચો વૈદ્ય હોવો જોઈએ, ઊંટ વૈદ્ય ન હોવો જોઈએ, લૂંટ વૈદ્ય ન હોવો જોઈએ અને જૂઠ વૈદ્ય પણ ન હોવો જોઈએ.

સદ્ ગુરૂ રુપી વૈદ્યને ઔષધીની પાકી જાણકારી હોવી જોઈએ. તેમજ તેણે તેની ઔષધીનો તેના પોતાના ઉપર પ્રયોગ કરેલો હોવો જોઈએ.

સદ્ ગુરૂ રુપી વૈદ્યને સમયનું ભાન હોવું જોઈએ. તેને ખબર હોવી જોઈએ કે કયા સમયે કઈ ઔષધી કેટલા પ્રમાણમાં -કેટલી માત્રામાં

આપવી જોઈએ.

લંકામાં સુષેણ વૈદ્ય પાકો વૈદ્ય છે.

રાજમાં વૈદ્યની એવી વ્યવસ્થા હોવી જોઈએ કે તે વૈદ્ય બધાને સરળતાથી મળી રહે.

સુષેણ વૈદ્યનો ઉપયોગ લંકાવાસીઓએ નથી કર્યો. કારણ કે તે ઓ માને છે કે તેમને કોઈ રોગ છે જ નહિં.

રામજી લંકામાંથી – દુશ્મનની નગરીમાંથી વૈદ્યને બોલાવે છે. કારણ કે તેઓ જાણે છે કે સુષેણ સાચો વૈદ્ય છે અને તે સાચું જ નિદાન કરશે. કારણ કે સાચો વૈદ્ય હંમેશાં સાચું જ નિદાન કરે, સાચા દોષને જ જુએ. તેમજ દુશ્મનની નગરીનો વૈદ્ય જ સાચા દોષ જોઈ નિદાન કરી સાચી ઔષધી આપશે.

સદ્ ગુરૂ તેના આશ્રિતનું સાચુ નિદાન કરે અને નક્કી કરે કે મારા આશ્રિતમાં કયા કયા દોષ છે, કયો રોગ છે. સાચુ દોષ દર્શન કરે.

સદ્ ગુરૂ આશ્રિતની સરાહના ન કરે. તેમજ સદ્ ગુરૂ આશ્રિતને અલગ અલગ ઔષધી અલગ અલગ માત્રામાં આપે. કારણ કે બધા આશ્રિતના દોષ – રોગ એક સરખા ન પણ હોય. તેમજ દરેક આશ્રિતને ઔષધીની માત્રા પણ અલગ અલગ હોય. સદગુરૂ કોઈ આશ્રિતને જપ, માળા, તપ વિ. આપે.

સદગુરૂ ક્યારેક તેનાઆશ્રિત ઉપર ક્રોધ પણ કરે છે. અને આમ આવો ક્રોધ પણ આશ્રિતના ભલા માટે હોય છે. આમ સદગુરૂ ક્રોધ કરીને પણ આશ્રિતને બચાવે છે.

આપણે જો મંદિરમાં પૂજા કરતા હોઈએ અને જો આપણા સદગુરૂ આવે તો પૂજા બંધ કરીને પણ ગુરૂને અંદર આવવા દેવા જોઈએ, ગુરૂનો આદર કરવો જોઈએ. આમ કરવાથી મંદિરમાંનો ભગવાન નારાજ નહિં થાય.

શંકર કે જે વિશ્વગુરૂ છે, તેણે કામને ભષ્મ કરીને વિશ્વના કામને નિયંત્રિત કર્યો છે.

ખાનદાની કુટુંબનો બેટો મર્યાદા ન તોડે.

કૃષ્ણ બાપ છે અને કામ તેનો બેટો છે. આમ કામ ખાનદાની કુટુંબનો બેટો છે જે તેની મર્યાદામાં જ રહે, મર્યાદા ન તોડે.

બાપ અને બેટો એક જ ઘરમાં રહે તે સારું છે. કામ અને કૃષ્ણ એક જ ઘરમાં રહે તે સારું છે. સમજદાર બાપની છાયામાં રહેતો આજ્ઞાકિંત બેટો શ્રેષ્ઠ છે. આવો બેટો ઉચ્છંખલ નહિં બને. આને આવા બેટા માટે તેનો બાપ પણ અનુકૂળ સમયે રતિ જેવી કન્યા લાવી

તેના બેટાને આપશે, રતિ જેવી પુત્રવધૂ ઘરમાં લાવશે.

હ્મદય રૂપી ઘરમાં રામ અને કામ સાથે રહે તે આવકાર્ય છે.

સત્યની પિચકારીથી, તેમાં પ્રેમનું પવિત્ર પાણી ભરી તેમાં કરૂણાનો રંગ ભેળવીને હોળી ખેલાય.

શિવ કામને જલાવે છે.

નારદ કામને જીતે છે.

ત્યારે જીવે કામ પ્રત્યે શું કરવું જોઈએ?

નારદ કામને જીતે છે પણ તેને કામને જીતવાનો અહંકાર આવે છે. આમ નારદનો કામ હ્મદયમાંથી નીકળી અહંકારમાં આવે છે.

જીવે કામને વશ ન કરવો, કામને વશ પણ ન થવું પણ ફક્ત રસમાં રહેવું.

આપણે જીવ છીએ અને તેથી આપણે કામને વશ કરવા સમર્થ નથી તેથી આપણે કામને વશ કરવાનો ન હોય. તેમજ આપણે કામને વશ થઈ જઈએ તે પણ યોગ્ય નથી. તેથી આપણે વચ્ચેનો માર્ગ અપનાવી રસમાં જીવવું જોઈએ.

શિવ રસમાં જીવે છે.

પરમાત્મા રસમય છે, પરમાત્મા રસ છે.

રામાયણ રસની વાત કરે છે. તેના આદિ, મધ્ય અને અંતમાં રસ છે, રસની પ્રસ્થાપના છે.

આપણે બ્રહ્મના અંશ છીએ, તેથી આપણે શું કામ કામને વશ થવું જોઈએ?

જ્યાં કથા થાય છે ત્યાં એક બનારસ બને છે. બનારસ એટલે બના અને રસ, એટલે કે બનાવાયેલો રસ.

સાહિત્યના ૯ રસ છે, ભોજનના ૬ રસ છે અને ભાવના ૫ રસ છે.

સહિત્યના ૯ રસ

શીંગાર

કરૂણ

રુદ્ર

વીર

ભયાનક

અદભૂત

હાસ્ય

શાંત

બીભસ્ત

ભોજનના ૫ રસ

ખાટો

કડવો

મીઠો

નમકીન

તુરો

તીખો

ભાવના ૫ રસ

સખ્ય

દાસ્ય

વાત્સલ્ય

માધુર્ય

કાન્ત

શાંત રસ સમસ્ત રસોનો મંચ છે- સ્ટેજ છે.

કામના યુક્ત ચિત્ત થાય ત્યારે શાંત રસ પેદા થાય.

ભાવ રસમાં મધુર રસ પ્રિય છે. કથા મધુર રસ છે.

હરિ રસમાં જીવવું, ભગવત રસ, કથા રસમાં જીવવું.

રસ શાસ્ત્રમાં તૃપ્તિ ન થાય. કાયમ અતૃપ્તિ જ રહે.

કથા સાંભળ્યા પછી ફરી ફરી કથા સાંભળવાની અતૃપ્તિ રહ્યા જ કરે. કથા સાભળ્યા પછી જો તૃપ્તિ થઈ જાય તો કથા શ્રવણમાં ખામી રહી ગઈ છે તેમ સમજવું.

મહાપુરુષના સાનિધ્યમાં રહેવાથી આશ્રિતની વૃત્તિ બદલાય. અને જો મહાપુરુષના સાનિધ્યમાં રહેવા છતાં જો આશ્રિતની વૃત્તિ ન બદલાય તો મહપુરુષ એવું વિચારે કે તેનામાં-મહાપુરુષમાં કંઈક ખામી છે જેના કારણે મારા આશ્રિતની વૃત્તિમાં બદલાવ નથી આવતો. મહાપુરુષ આશ્રિતની ખામી ન કાઢે પણ પોતાની ખામી જુએ.

તારીખ ૧૨ માર્ચ ૨૦૦૯, ગુરૂવાર

જેની સિમાની સુરક્ષા ભગવાન કરે છે તે સિમાને જે લાંઘવાનો પ્રયત્ન કરે છે તે સફળ થતો નથી તેમજ આવું કૃત્ય જે કરે છે તે ભયભિત થઈ જાય છે.

સાધના માટેની આવશ્યક વસ્તુઓમાં એક વસ્તુ સાધના માટેનું સ્થાન છે. સાધના માટે ઉપયોગમાં લેવાતા સ્થનની આજુબાજુનું વાતાવરણ, સ્થાનની પવિત્રતા સાધના ઉપર અસર કરે છે. સાધનાના સ્થાનનું વાતાવરણ પરમાત્મા પ્રત્યે અનુરાગ પેદા કરવામાં સહાયરૂપ બને છે.

સંયમ, નિયમ આસન, ધ્યાન, ધારણા, યોગ, પ્રત્યાહાર, સમાધિ એ અષ્ટાંગ યોગ છે. પણા આ અષ્ટાંગ યોગમાં સ્મરણનો સમાવેશ થતો નથી.

દક્ષ પ્રજાપતિનો નારદને શ્રાપ છે કે નારદ એક જગ્યાએ રહી ન શકે. પણ જ્યારે નારદ હિમાલયની ગુફામાં જાય છે ત્યારે હરિનામ સ્મરણ કરે છે અને આ નામ સ્મરણ કરતાં તેમને સમાધિ લાગી જાય છે. અને હિમાલયની ગુફામાં સમાધિમાં લીન થઈ જાય છે. આમ હરિનામ સ્મરણથી નારદના શ્રાપનું નિવારણ થાય છે.

હરિનામ સ્મરણથી સાધકની બાધા -જેવી કે શ્રાપ, દૂર થાય, સાધકનું મન પવિત્ર થાય અને સાધકને સમાધિ લગી જાય.

હરિનામ જપ કરવા માટે કોઈ લક્ષ્ય ન રાખો. કારણ કે જો આવું લક્ષ્ય રાખશો અને તે લક્ષ્ય પ્રાપ્ત નહિં થાય તેવા સંજોગોમાં હરિનામ સ્મરણ વિશે શંકા જાગશે.

સ્વરૂપ અનુસંધાનનું ફળ સમાધિ છે અને સ્મૃર્તિ – સ્મરણ અનુંસંધાનનું ફળ પણ સમાધિ છે.

સત્ય બોલનારે બીજાના સત્યનો પણ સ્વીકાર કરવો પડે.

ભગવાને ઉત્પન્ન કરેલ સાધન સામગ્રીનો ઉપયોગ કરવાથી આનંદ આવે પણ આપણા દ્વારા પેદા કરેલ સુવિધા દુઃખદ છે. કૃત્રિમ સુવિધા દુઃખદાયક છે.

ભગવાને પેદા કરેલ ઘોડા ઉપર સવારી કરીએ અને જો કોઈ ક કારણસર આપણે ઘોડા ઉપરથી પડી જઈએ તો જાતવાન ઘોડો આપણી પાસે ઊભો રહી જશે તેમજ આપણું રક્ષણ કરશે. પણ આપણી બનાવેલ મોટર બાઈકને અકસ્માત થાય તો આપણે તે બાઈકને ર્રીપેર કરાવવા પ્રયત્ન કરવો પડે. અને તે ઘોડા માફક આપણું રક્ષણ ન કરે.

નારદની સમાધિ તોડવા કામને ઈન્દ્ર મોકલે છે. પણ નારદ ઉપર કામની કોઈ અસર થતી નથી. અને આમ નારદ કામ ઉપર વિજય મેળવે છે. આમ નારદ ક્રોધ પણ નથી કરતા અને કામને જીતે છે. જ્યારે શંકર ભગવાનના પ્રસંગમાં શંકર ક્રોધ કરી કામને ભષ્મ કરે છે. આમ નારદ માને છે કે તેમણે કામને જીતી લીધો છે અને તેના ઉપર ક્રોધ પણ નથી કર્યો. આમ નારદને કામ અને કોધને જીતવાનો અહંકાર આવે છે. નારદમાં કામ અહંકારમાં વસે છે.

પતનથી બચવું હોય તો તમારી પ્રસંશા થાય ત્યારે તેના ઉપર પડદો પાડી દો.

અભિમાની માણસ તેને મનાઈ કરેલ કાર્ય કરવા જ પ્રેરાય.

ભગવાન ભજનમાં પ્રવિણતાની – ચાલાકીની જરુર નથી.

સંગીત દ્વારા કથા મધુર નથી થતી પણ કથા સ્વયં જ મધુર છે.

મનના સ્તરેથી સાંભળેલી કથા મનોરંજન આપે જ. મનથી કથા સાંભળતા સાંભળતા બુધ્ધિના સ્તરે કથા સાંભળો તો મનોરંજન આપોઆપ છૂટી જશે અને વિવેક પેદા થશે. એકલી બુધ્ધિથી નહિં પણ સુબુધ્ધિથી કથા સાંભળવી, હકારાત્મક વલણથી કથા સાંભળવી.

નીંદકને નજીક રાખો. ……કબીર

આમ - કેરી- સ્વયં મધુર છે અને રામ પણ સ્વયં મધુર છે.

બુધ્ધિથી કથા શ્રવણ કરતાં કરતાં તે ચિત્તમાં જવી જોઈએ. ચિત્તમાં કથા આવવાથી ભગવાનના દર્શનનો – ભગવાનના સાક્ષાત્કારનો યોગ બનશે.

તારીખ ૧૩ માર્ચ ૨૦૦૯, શુક્રવાર

મનના સ્તરે કરેલ કથા શ્રવણ મનોરંજન આપે.

બુધ્ધિના સ્તરે કરેલ કથા શ્રવણ વિવેક આપે.

ચિત્તના સ્તરે કરેલ કથા શ્રવણ યોગ આપે.

મનના સ્તરે કરેલ કથા શ્રવણથી સાહિત્યિક રસોનું મનોરંજન મળશે – હાસ્ય, વીર, રૌદ્ર વિ. ૯ રસોને માણી શકાશે.

બુધ્ધિના સ્તરે વિવેક પૂર્ણ રીતે કરેલ કથા શ્રવણથી સ્વાદના રસોની આપણી પસંદગી અનુસારના રસોનો અનુભવ થશે.

ચિત્તના સ્તરે કરેલ કથા શ્રવણ/કથા ગાન – ચિત્તની ભૂમિ ઉપર કરેલ કથા શ્રવણ/ગાન ચિત્તની દિવાર ઉપર એક ચિત્ર અંકિત કરશે.

કામને વશ નથી કરવો, કામનો ત્યાગ પણ નથી કરવો પણ કામના રસને અનુભવી મહારસ સુધી જવાનું છે.

સાધક કૃતકૃત્ય થયા પછી પણ સાધક રસને ન છોડે.

ચિંતન, મનનથી કામનું નિરૂપણ અશક્ય છે. પણ સાહસ કરી જીવનમાં કામનું સ્થાન શું છે, ક્યાં છે તે સત્ય સમજવું પડે. અને આ સત્ય પણ સાશ્ત્ર અનુસાર સમજવું પડે.

સમય થાય એટલે કકડીને ભૂખ લાગે એ નિરોગીપણાનું – સારા આરોગ્યનું લક્ષણ છે. પણ જો ભૂખ ન લાગે તો તે રોગ છે.

શરીરને ભોજનની ભૂખ હોય.

મનને પણ કોઈક ભૂખ હોય અને મનને યોગ્ય સમયે ભૂખ લાગે તો તે મનના સારા આરોગ્યની નીશાની છે.

મનની ભૂખ કામ, ક્રોધ અને લોભ છે. કામ, ક્રોધ અને લોભ સાપેક્ષ છે, એક બીજા ઉપર અનુંસંધાનીત છે. તેમજ આ ત્રણમાં પહેલા નંબરે કોણ છે, કોની પ્રધાનતા છે તે નક્કી કરવું અઘરું છે.

કામ, ક્રોધ, લોભ એ ત્રણે ભાઈ છે અને આ ત્રણે ભાઈઓ સાથે સાથે રહે છે.

ગ્રંથની વાતો ગ્રંથકારની અનુભૂતી છે, આપણી અનુભૂતી નથી.

દોષોથી જેટલા ડરશો તેટલા દોષ મજબુત થશે. દોષનો સામનો કરશો તો દોષ નબળા પડશે.

આપણને લાભ થાય અને જો આ લાભની માત્રા વધે તો લાભ લોભમાં પરિવર્તિત થાય. લાભ લોભમાં પરિવર્તિત ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

અયોધ્યાની સંમૃધ્ધિ લાભની સમૃધ્ધિ છે જ્યારે લંકાની સંમૃધ્ધિ લોભની સંમૃધ્ધિ છે.

પુરુષાર્થથી સંતુષ્ટ ન થાવ પણ તેનાથી મળેલ લાભથી સંતુષ્ટ થાવ.

પુરુષાર્થથી જે લાભ થાય – લાભ મળે તે ૮ મી ભક્તિ છે.

રાવણની નીચે પ્રમાણેની ૧૦ વસ્તુ દરરોજ વધે છે.

સુખ, સંપત્તિ, સુત, સેના, સહાય, ધન, બળ, પ્રતાપ, બુધ્ધિ, બડાઈ-કીર્તિ

અતિ લોભ ન કરવો પણ સાથે સાથે લોભને ત્યજી પણ ન દેવો. આજ રીતે અતિ ક્રોધ ન કરવો તેમજ ક્રોધને ત્યજી પણ ન દેવો અને અતિ કામ ન કરવો તેમજ કામને ત્યજી પણ ન દેવો.

લોભ કફ છે, કામ વાત છે અને ક્રોધ પિત છે. આમ વાત પિત અને કફ સપ્રમાણમાં રહે તો જ શરીર રોગ મુક્ત રહે.

ભજન કરો પણ ભજન કરી બીજાને હરાવવો છે તેવો હેતુ ન રાખો. ભજનનો ઉપયોગ બીજાને હરાવવા ન કરાય.

તપ શુધ્ધિ માટે કરવાનું હોય, સિધ્ધિ માટે કરવાનું ન હોય.

શરણાગતિ એ છે જેમાં કામના પુર્ણ ન થાય તો પણ હરિનામ ન છોડે- સ્મરણ ન છોડે.

દુઃખ પોતે ભોગવો અને સુખ બીજાને વહેંચો તો શિવ થવાય. ઝેર શિવ પોતે પીએ છે અને અમૃત બધાને વહેંચે છે.

માનસ પિયુષ નામના ગ્રંથમાં શિવના ૧૦૦ નામની વિગત છે.

નારદનો કામ રામના પ્રાગટ્યનું એક કારણ છે.

તારીખ ૧૪ માર્ચ ૨૦૦૯, શનિવાર

જીવનના સત્યને મહેસુસ કરવું જોઈએ. આ અગત્યનું છે. જીવનનું સત્ય એટલે જીવનનો અનુભવ.

દાર્શનિક મત એટલે જે જોયું છે તેનું દર્શન. પણ આ જીવનનું સત્ય નથી. જીવનનું સત્ય તો એ છે કે તમે જે જુઓ છો તે ઘટના તમારા ઉપર બને અને તે ઘટનાનો-પ્રસંગનો તમે જાતે અનુભવ કરો, તેમાં રહેલ સુખ દુઃખનો અનુભવ જાતે કરો.

સામન્ય રીતે કામસૂત્ર વયસ્ક માટે હોય છે તેમજ તે ગોપનીય હોય છે. પણ રામ ચરિત માનસનું કામસૂત્ર ગોપનીય નથી અને વયસ્ક માટે પણ નથી. તે તો બધા માટે છે.

અત્યંત ભોગી બનવું સહેલું છે, ભોગનો ત્યાગ કરવો પણ સહેલો છે. પણ ભોગને સંતુલિત કરવો અઘરો છે.

એરણની ચોરી અને સોયનું દાન જેવી સ્થિતિ ઘણાની છે.

રાવણની લંકામાં બધા મંદિર છે અને તેમાં અખાડો પણ છે. અને તુલસી આ અખાડને પણ મંદિર વર્ણવે છે.

જ્યાં નિરદંભતા હોય તે મંદિર છે.

ગોપી ગીતનો વિશેષ અર્થ પણ છે.

ક એટલે કબુતરનો ક અને ક એટલે બ્રહ્મ પણ થાય છે.

કામ, ક્રોધ, લોભ આદિનો જેને મદ ન હોય, તેનો જે દંભ ન કરે તેને આશ્રિત હું છું એવું રામનું નિવેદન છે.

દોષ હોય તો તેને છુપવો નહિં, દોષને છુપાવવાનો દંભ ન કરો.

મતિ મંદ તુલસી દાસ – એવું તુલસી ગ્રંથના અંતમાં પણ કહે છે.

કામ વિ. ને ભોગવવાથી તેનો અંત નહી આવતો. ઉલટાની કામના વધતી જ જાય છે.

નિષ્કામ હોવાનો પણ દંભ ન કરો.

ઈચ્છા આપણી હોય અને બીજો તેને પુરી કરે તે બેઈમાની છે. ઈચ્છા બીજાની અને તેને પુરી આપણે કરીએ તો તે સંસ્કાર છે.

ધર્મગુરૂ જે કહે તેના ઉપર પ્રશ્ન કરી શકાય. પણ સદગુરૂ જે કહે તે કરવું જ પડે, તેના ઉપર પ્રશ્ન ન કરાય. સદગુરૂના વચન ઉપર પ્રશ્ન ન કરાય.

કામના બુધ્ધિને જડ બનાવી દે છે. તેથી અહલ્યાને પાષાણ બનાવી છે.

કામ જ્યારે જુગારના રૂપે આવે ત્યારે પતન કરાવે અને જ્યારે યજ્ઞના રૂપે આવે ત્યારે કૃતકૃત્ય કરી દે છે.

તારીખ ૧૫ માર્ચ ૨૦૦૯, રવિવાર

જ્યારે ભક્તિમય જીવન હોય, પ્રેમમય જીવન હોય તો સદા વસંત રહે, બધું સુખદાયક લાગે.

પુષ્પવાટિકાના પ્રસંગમાં વસંત ઋતુ સુખ આપે છે. કારણ કે પુષ્પવાટિકામાં જાનકીજી સાથે છે. પણ અરણ્યકાંડના પ્રસંગમાં વસંત ઋતુ દુઃખદ છે. કારણ કે અહીં સીતાજી સાથે નથી.

કામદેવ આવશ્યક વૃ્ત્તિ છે પણ તેનું સંતુલન જરુરી છે. કામદેવનું સૌથી મોટું બળ નારી છે.

લોભને દંભ -દાની હોવાનો દંભ- અને ઈચ્છાનું બળ હોય છે.

ક્રોધને કર્કશ વાણીનું બળ હોય છે.

માત્રામાં કામ સતોગુણ છે.

કામ માણસને મરકટ બનાવી શકે પણ જો રામ સાથે હોય તો રામ જંબુરિયો બની કામને નિયંત્રીત રાખે- કામ રૂપી મરકટને અંકુશીત રાખે.

કામ વર્તમાન કાળ વાદી હોય, ક્રોધ ભૂતકાળ વાદી હોય અને લોભ ભવિષ્યકાળ વાદી હોય.

વસ્તુ છોડવી સહેલી છે પણ વૃત્તિ છોડવી અઘરી છે.

No comments:

Post a Comment