The image, article and its source links are displayed here with the courtesy of Divya Bhaskar.
ચિત્તની દુવૃત્તિનો નાશ કરે સંતનો સથવારો
Morari Bapu
Read full article at Divya Bhaskar.
courtesy : Divya Bhaskar |
ઓરડામાં અંધકારનો નાશ એક કોડિયામાં બળતી ઘીની વાટથી થાય છે. હવે વિચાર કરો કે એક દીવડામાં આટલી તાકાત હોય તો દેશના સાધુઓમાં આટલી તાકાત ન હોય?
આપણા જીવનમાં કોઇ સંત મળી જાય તો 'પુનાતિ ભુવન ત્રયમ્’ ત્રિભુવન તરી જવાય છે. શ્રીમદ્ ભાગવતમાં એક વાક્ય છે. 'પરમબુદ્ધિસત્તમ’ શ્રીમદ્ ભાગવતજીમાં ઉદ્વવના મુખમાંથી નીકળેલું વાક્ય છે કે ગોપાંગનાઓ કૃષ્ણકીર્તનમાં તલ્લીન રહે છે. ભગવાન કૃષ્ણના ગુણ ગાવામાં મગ્ન છે.
આપણે ત્યાં એવું કહેવાય છે કે કોઇપણ વસ્તુમાં તલ્લીન થવું એ પણ એક જીવનની અવસ્થા છે, પણ આજે મારી અને તમારી તલ્લીનતા અખંડ હોતી નથી. થોડી જીવનમાં તકલીફ પડે એટલે આપણું કર્મ છૂટી જાય છે. આજે સમાજમાં ઘણા એવા માણસો પણ જોવા મળે છે કે પોતે તલ્લીન બન્યા પછી ક્યારેય પગથિયું ચૂકતા નથી. પોતાના કર્મમાં 'તદ્ગત’ બની જાય છે. આપણને કોઇપણ વસ્તુમાં તલ્લીનતા લાગે અથવા તો અમુક વસ્તુમાં ઓતપ્રોત બની જવું એ 'તદ્ગત’ છે.
તદ્ગત એટલે કે બીજામાં ઓતપ્રોત બની જવું, પણ ઘણીવાર એવું બને છે અથવા તો બન્યું પણ છે કે 'તદ્ગત’ થનારો કર્મનો ઉપાસક સાધક જ્યારે સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે પછી સમાજમાં પોતાના નામના નવા વાડાઓ શરૂ કરે છે. નવાં નામો આપીને સંપ્રદાયો શરૂ કરે છે. મારે કોઇની ટીકા કરવી નથી. મારે કોઇને બોધ પણ આપવો નથી. મારી વ્યાસપીઠ બોધ આપવા માટે નથી પણ બીજાને શુદ્ધ કરવા માટે છે, પણ આજે સમાજમાં જે વાડાઓ શરૂ થયા છે એ આપણા બધા માટે ખતરો છે.
આજે તો સમાજમાં જેને ફાવે એ પ્રકારે નવા નવા ધર્મના નામે ચીલાઓ શરૂ કરી દીધા છે. જેને ફાવે એ રીતે ધર્મના નામે વાડાઓ સ્થાપવા લાગ્યા છે, પણ મારું વ્યાસપીઠ ઉપરથી બહુ જૂનું એક નિવેદન છે કે ખોટી રીતે ઊભા કરેલા ધર્મના વાડાઓનું આયુષ્ય લાંબું હોતું નથી. સમય આવતાં બળીને ભસ્મ થાય છે અને એટલા માટે જ આપણા શાસ્ત્રકારો કહે છે કે જીવનમાં 'તદાશ્રિત’ની ભૂમિકા બહુ અગત્યની છે.
તદાશ્રિત એટલે કે 'કૃષ્ણ એવ ગર્તિ મમ’ આપણને બધાને ખ્યાલ છે કે માણસની બુદ્ધિને બગાડનારાં તત્ત્વો ત્રણ છે જ્યારે માણસની બુદ્ધિને શુદ્ધ કરનારા પણ ત્રણ તત્ત્વો છે. બુદ્ધિને શુદ્ધ કરનારાં તત્ત્વો વિશે મારી વ્યાસપીઠ ગીતાજીના ન્યાયે ઘણીવાર ચર્ચા થતી આવી છે. આજે પણ બુદ્ધિને બગાડનારાં તત્ત્વોની ચર્ચા કરવી છે. મને મારી રામકથાની યાત્રામાં જે અનુભવાયું છે, એ ચર્ચા તમારી સાથે બેસીને સંવાદના સ્વરમાં મારી વ્યાસપીઠ ઉપરથી કહી રહ્યો છું. તો વ્યવહારિક જીવનમાં આપણી બુદ્ધિ મલિન થાય છે એનાં કારણો આ પ્રમાણે છે.
૧. ભેદવૃત્તિ
જ્યારે માણસની બુદ્ધિમાં ભેદ પ્રગટ થાય ત્યારે બુદ્ધિ મલિન બને છે. હા બીજાં કારણો ઘણાં હોઇ શકે છે. આપ ઘણાં બીજાં કારણ શોધી શકો છો, પણ મને એક કારણ એ સમજાય છે કે દૃષ્ટિમાં, વ્યવહારમાં ભેદ પ્રગટ થાય છે ત્યારે બુદ્ધિ મલિન બની જાય છે. જીવનમાંથી ભેદવૃત્તિ હટવી જોઇએ. જગત્ગુરુ શંકરાચાર્ય પણ એ સમયે ભેદને સ્વીકારતા ન હતા. એમણે તો બહુ સ્પષ્ટ કહી દીધું કે 'ન મે જાતિ ભેદ.’ મને કોઇ જાતિનો ભેદ નથી. આ વાત તો સમાજની જાતિનો થઈ પણ કોઇપણ પ્રકારનો ભેદ રાખવો જોઇએ નહીં. જ્યાં ભેદ પ્રગટ થાય છે ત્યાં બુદ્ધિ મલિન બની જાય છે અને માણસને વધારેમાં વધારે બુદ્ધિ જ હેરાન કરે છે અને એ પણ ત્યારે જ બને છે જ્યારે બુદ્ધિ મલિન બને છે. તો જીવનમાં ભેદભાવને છોડજો અને સમાજના નાનામાં નાના માણસને તેમજ માણસની વાતને સાંભળજો, પરમાત્મામાં અવશ્ય પ્રીતિ પ્રગટ થશે.
૨. વ્યભિચાર
મારી અને તમારી બુદ્ધિ અનેક જગ્યાએ ભટકે છે માટે બુદ્ધિ મલિન બને છે. આ કોઇ વિવેચના નથી આત્મનિવેદન છે. આપણા જીવનમાં કોઇ બુદ્ધપુરુષ, સંતપુરુષ કે જેને પરમાત્મા સ્વયં પ્રેમ કરતો હોય એવા મહાપુરુષની એક દૃષ્ટિ આપણને મળી જાય તો આપણી બુદ્ધિ મલિન બનતાં અટકી જાય છે અથવા તો કોઇ સંતનો સથવારો મળી જાય તો આ ભવસાગરમાં આપણે ભટકવાની જરૂર ન રહે. ઘણા નથી કહેતા કે અમે આ મહાપુરુષની સાથે રહ્યા છીએ એની સાથે ફોટા પણ પડાવ્યા છે. અરે ફોટા પડાવવા કરતાં તું તારી દૃષ્ટિને એનાં ચરણોમાં અર્પણ કરી દે. તારું જીવન સફળ બની જશે. માળા કરતા હોઇએ અને આપણી ચિત્તવૃત્તિ ઠીક ન રહે તો આપણે વધારે સાવધાન બનવું જોઇએ. ગીતામાં જેને વ્યભિચારી બુદ્ધિ છે એ આપણી મલિનતા છે.
એક શાયરનો શેર યાદ આવે છે:
કદમ યે જરા ભી બહક ના સકેંગે
કિ હર લમ્હા ઉસકી મુઝી પે નજર હૈ
હવે મારા પગ ક્યારેય લડખડાશે નહીં. હું બહેકી નહીં જાઉં. મારા ગુરુની મારા પર દૃષ્ટિ છે. એક બીજો શેર યાદ આવે છે:
જો હોને લગા હૈ મેરી જિંદગી મેં
ઉસે ભી ખબર હૈ મુજે ભી ખબર હૈ
સત્સંગ કરતાં કરતાં જીવનમાં કરવટ બદલે છે. તેનાં પ્રમાણો બીજેથી લાવવાની જરૂર નથી. મારો ને તમારો માહ્યલો કહી દે એ આપણા માટે પ્રમાણ છે.
યે કૈસી હૈ ચાહત ઔર કૈસા અસર હૈ
વો જહા ભી ખડા હૈ વહા સભી કી નજર હૈ
તો વાત એ ચાલતી હતી કે કોઇ બુદ્ધ પુરુષની દૃષ્ટિમાં રહેવું જોઇએ. આ જીવનની સર્વોત્તમ અવસ્થા છે. બુદ્ધિને એ ભટકતી રોકી દે છે.
૩. અહંકારવૃત્તિ
બુદ્ધિ મલિન થવાનું ત્રીજું લક્ષણ માણસની અહંકારવૃત્તિ છે. અહંકારવૃત્તિથી મુક્ત થવા માટે ગીતામાં ઉપાયો બતાવ્યા છે. ગીતા કહે છે કે આપણી બુદ્ધિમાં જ્યારે અહંકારવૃત્તિ પ્રવેશ કરે ત્યારે 'યજ્ઞ દાનં તપ:કર્મ:’
યજ્ઞ, દાન અને તપ અહંકારવૃત્તિને મારી શકે છે, પણ મારે તો આપને વ્યાસપીઠ ઉપરથી કહેવું છે કે કોઇ સંત જીવનમાં મળી જાય તો આપણી બુદ્ધિ સ્વયં અહંકાર બનતા અટકી જશે. સંત આપણા અહંકારને તોડે છે. સંત તો ત્રિભુવનને પણ પવિત્ર કરી શકે છે. હવે વિચાર કરો કે એક સંત આટલું કાર્ય કરે તો જ્યાં આખો સંતસમાજ એકત્રિત થાય એ કેટલું કાર્ય કરી શકે છે. એ સ્થાન અને સંત સમાજનો મહિમા કેટલો બની જાય. આપણે ત્યાં લોકો એવું બોલતા હોય છે કે સિંહનાં ટોળાં હોતાં નથી પણ અપવાદ બધે જ હોય છે. આપણે એવો કોઇ નિયમ સ્થાપિત ન કરી શકીએ કે સિંહનાં ટોળાં હોતાં નથી.
સારું વન હોય તો સિંહનાં ટોળાં જોવા મળે છે. એવી જ રીતે સારું જીવન હોય તો સંતનાં ટોળાં પણ હોય છે. એક ઓરડામાં અંધારું હોય એ બધા જ અંધકારનો નાશ એક કોડિયામાં બળતી ઘીની વાટથી થાય છે. હવે વિચાર કરો કે એક દીવડામાં આટલી તાકાત હોય તો દેશના સાધુઓમાં આટલી તાકાત ન હોય? એક નાનક, એક કબીર, એક નરસિંહ કે તુકારામ કે સંતરામ કાફી છે. જેના પિંડના કોડિયામાં ચિત્તવૃત્તિની વાટ હરિએ મૂકી હોય અને સ્નેહરૂપી તેલનું સિંચન જેણે કર્યું હોય અને જેને કોઇપણ પ્રકારની હવા ઓલવી ન શકે એવા દીવડા શું ન કરી શકે. રામચરિત માનસમાં સંત સમાજ વિશે તુલસીદાસજી લખે છે:
'મુદ મંગલમય સંત સમાજ’
આપણે ત્યાં સમાજ તો ઘણા છે. બ્રહ્મ સમાજ, વૈષ્ણવ સમાજ, પટેલ સમાજ, ગિરિ સમાજ, લુહાણા સમાજ‘NARROW DOMESTIC WALLS’ જેને ટાગોર કહે છે કે નાની નાની સામાજિક દીવાલોથી આપણે દેશની અખંડતાને તોડી રહ્યા છીએ. જ્યારે સંતનો સમાજ તો જોડવાનું કામ કરે છે.
સંતની વાત આવે એટલે તરત જ મને મારો સાધુ-સંતનો સમાજ યાદ આવે. સંતસમાજ તો મારા માટે હાલતો ચાલતો પ્રયાગ છે એવા પ્રયાગને મારા શત શત નમન. 'જય સિયારામ’ '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
માનસદર્શન, મોરારિબાપુ