Translate

Search This Blog

Monday, August 25, 2014

જગદ્‌ગુરૂ આદિ શંકરાચાર્ય, મઠ અને મઠાધિપતિ

જગદ્‌ગુરૂ આદિ શંકરાચાર્ય, મઠ અને મઠાધિપતિ

જગદ્‌ગુરૂ આદિ શંકરાચાર્ય મહારાજ માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વની વિરલ વિભૂતિ, મનુષ્ય દેહ ધારી મહાન દેવ, માનવ તરીકે દેવત્વ અને માનવત્વ વચ્ચે સેતુબંધ નિર્માણ કરનાર તેમજ બહું જ ટૂંકા સમયના જીવન ગાળા દરમ્યાન વિદ્વતા, બુદ્ધિમત્તા, ધાર્મિકતા, લોકસેવા અને સફળ નેતાગીરીના સર્વોત્તમ શિખરો સર કરી વિશ્વના મહાન તત્વ ચિંતકોમાં ગણના પામનાર, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગના ત્રિવેણી સંગમ તીર્થ સમાન, અદ્વૈત મત, "બ્રહ્મસત્ય જગત મિથ્યા", "જીવો બ્રહ્મૈ નાપરઃ" -  અર્થાત્‌ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ સ્વરૂપ છે, તેમજ "અહં બ્રહ્માસ્મિ" ના પ્રખર પ્રચારક તેમજ સનાતન વૈદિક ધર્મના પુનઃ સ્થાપક તરીકે વિશિષ્ટ સ્થાન શોભાવે છે.

જગદ્‌ગુરૂ આદિ શંકરાચાર્ય


જગદ્‌ગુરૂ તરીકે સત્‌યુગમાં બ્રહ્મા, ત્રેતાયુગમાં મહર્ષિ વશિષ્ટ, દ્વાપરયુગમાં મહર્ષિ વેદ વ્યાસ અને કળિયુગમાં શંકરાચાર્યની ગણના થશે એવું  આદિ શંકરાચાર્યે રાજા સંધવાને જણાવ્યું હતું.

કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયામ્ ઋષિસતમઃ    l
દ્વાપરે વ્યાસ એવ સ્યાત્‌ કલાવ્રત ભવામ્યહમ્‌       ll

આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરૂ પરંપરાના અગિયારમા અધિષ્ઠાતા છે, જેનો ક્રમ આ પ્રમાણે છે.

સત્‌યુગમાં --------------(૧) નારાયણ  
                                 (૨) બ્રહ્મા              
                                 (૩) રુદ્ર

ત્રેતાયુગમાં -------------(૪)  વશિષ્ટ    
                                 (૫)  શક્તિ          
                                 (૬) પારાશર

દ્વાપરયુગમાં------------ (૭)  વેદ વ્યાસ
                                 (૮)  શુકદેવજી

કળિયુગમાં--------------(૯) ગૌડપાદ  
                                (૧૦) ગોવિંદપાદ  
                                (૧૧) શંકરાચાર્ય

નારાયણં પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં
વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં    l
શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં
તં તોટકં વાર્ત્તિકકારમન્યાનસ્મનસ્મન્દ્રુરૂન્‌ સન્તતમાનતોસ્મિ     ll
સદાશિવ સમારમ્ભાં શંકરાચર્યમધ્યમાં       l
અસ્મદાચાર્ય પર્યન્તાં વન્દે ગુરુપરમ્પરામ્‌               ll

આદિ શંકરાચાર્યનો જન્મ ઈ.સ. ૬૮૬ માં વૈશાખ સુદ - ૫ ના રોજ કેરલ રાજ્યના કાલડી ગામમાં નામ્પુદ્રિ ( નામ્બુદ્રિ) કુટુંબમાં થયો હતો. આદિ શકરના જન્મ સમય અંગે અનેક મત પ્રવર્તે છે. ઘણી જગાએ ઈ. સ. ૭૮૮ નો ઉલ્લેખ મળે છે.વળી અન્ય કેટલાક મત અનુસાર તેમજ હાલના ચારેય મઠોની પરંપરા ૨૫૦૦ વર્ષ પુરાણી ગણતાં ઈ. સ. પૂર્વે ૫૦૯ નો ઉલ્લેખ પણ મળે છે. આજે આપણે વૈશાખ સુદ - ૫ ના રોજ શંકરાચાર્ય જયંતિની ઉજવણી કરીએ છીએ. તેમની માતાનું નામ વિશિષ્ટા દેવી (કેટલાક ગ્રંથોમાં આયામ્બા, અંબા કે સતી ના નામનો ઉલ્લેખ પણ છે) અને પિતાનું નામ શિવગુરૂ અને દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરૂ અને વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમેને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું અને તેથી જ આ બાળકનું નામ શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના શરીર ઉપર દિવ્ય  ચિહ્ન જેવાં કે માથા ઉપર ચંદ્ર/ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા ઉપર ત્રિશૂલ હતાં. આમ બાળ શંકર સ્વયં શિવાવતાર હતા. બાળપણથી જ તેઓ શાન્ત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઊમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી તેના અનેક ગ્રંથ તેમજ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વિ. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે તે કંઠસ્થ થઈ જાય તેવા હતા. પાંચમા વર્ષે શંકરેને ગુરૂ ગૃહે અભ્યાસ અર્થે મોકલતાં ફક્ત બે જ વર્ષના વિદ્યાભ્યાસ દરમ્યાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરૂ શિક્ષામાં પારંગત બન્યા. પિતાના અવસાન બાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યકત કરી પણ શંકરે તે માટે અનિચ્છા દર્શાવી. શંકરની જન્મ કુંડલીમાં આઠ, સોળ અને બત્રીસમા વર્ષમાં મૃત્યુ યોગ હતો. તેમજ આઠમા વર્ષનો મૃત્યુ યોગ તપ દ્વારા અને સોળમા વર્ષનો મૃત્યુ યોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે તેમ હતો. આઠ વર્ષની વયે પૂર્ણા નદીમાં સ્નાન કરતાં મગરે શંકરનો પગ પકડ્યો અને તેથી આ મૃત્યુ યોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા માતા પાસેથી મેળવી લીધી. આમ આ આઠમા વર્ષના મૃત્યુ યોગનું નિવારણ થયું. આઠમા વર્ષે સ્વયં પોતે વિરજાહોમ કરી સંસારનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરૂની શોધમાં નીકળી પડ્યા. નર્મદા નદીના કિનારે ઓમકારનાથ નામના સ્થળે ગોવિન્દપાદ નામના મહાન યોગીએ તેમને શિષ્ય રુપે સ્વીકાર કરી બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન આપ્યું. ગુરૂ પાસેથી શંકરે  ફક્ત ત્રણ જ વર્ષમાં ત્રણેય પ્રકારના શ્રેષ્ઠ યોગ (હઠ યોગ, રાજ યોગ અને જ્ઞાન યોગ)નું શિક્ષણ મેળવી યોગ સિદ્ધિ મેળવી લીધી. સર્વ વિદ્યામાં પારંગત થયેલ શિષ્ય શંકરને કાશી જવાનું જણાવી ગુરૂએ કહ્યું કે કાશીમાં સ્વયં ભવાનીપતિ શંકર તને દર્શન આપશે. આગળના કાર્ય માટે ભવાનીપતિ આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરવાનું જણાવી ગુરૂ ગોવિન્દપાદ યોગ બળે સમાધિ લઈ મહા નિર્વાણ પામ્યા. ગુરૂના આદેશાનુસાર શંકર કાશી આવ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલ ચંડાલ શંકરના માર્ગમાં આવ્યો. આ ચંડાલ સ્વય્મ ભવાનીપતિ હતા અને ચાર ડાઘિયા કૂતરાઓ ચાર વેદનું પ્રતીક હતા. ચંડાલ સ્વરુપે ઉપસ્થિત થઇ ભવાનીપતિએ શંકરની પરીક્ષા કરી, અને શમ્કર રચિત મનીષાપંચક સામ્ભળી પ્રસન્ન થઈ મૂળ રુપમાં પ્રગટ થઈ વેદનો પ્રચાર કરવા આદેશ આપ્યો. ભવાનીપતિએ શંકરના માથે હાથ મુકી કહ્યું કે, "તું મારો અંશ છુ અને તારું કાર્ય વેદાન્ત ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવાનું છે, જે પૂર્ણ થયે તું સ્વયં મારામાં સમાઈ જઈશ." ભવાનીપતિએ શંકરને મહર્ષિ વ્યાસ રચિત બ્રહ્મ સૂત્ર ઉપર ભાષ્ય રચના કરવા પણ જણાવ્યું. આ વખતે શંકરની ઉમર અગિયાર વર્ષની હતી. આદેશાનુસાર શંકરે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહિ બાર ઉપનિષદ, બ્રહ્મ સૂત્ર, ભગવદ્‌ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, મનત્સુજાતીય એમ સોળ પ્રસિદ્ધ ગ્રંથો ઉપર ભાષ્ય રચના કરી. આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે અને તેના ઉપર ભાષ્ય રચના કરનાર આચાર્ય ગણાય છે. આમ શંકર આચાર્ય બનતાં શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા. હવે શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુનઃપર્તિષ્ઠા માટે ભારત ભ્રમણ શરુ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર તેમજ તેમાં શાલીગ્રામોની પુનઃપર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરુ કર્યો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો. સન્દનનું મૂળ નામ વિષ્ણુ શર્મા હતું. સન્દન પાછળથી પદ્‌મપાદ નામે જાણીતા થયા.તીર્થાટન દરમ્યાન મહર્ષિ વેદ વ્યાસે બ્રાહ્મણનું રૂપ લઈ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેમાં તેઓ સંતુષ્ટ થતાં મૂળ સ્વરુપે દર્શન આપ્યું. આ વખતે શંકરાચાર્ય સોળ વર્ષના થયા હતા.  મહર્ષિ વેદ વ્યાસે આશીર્વાદ દ્વારા શંકરાચાર્યના સોળમા વર્ષનો મૃત્યુ યોગ દૂર કરી તેમના આયુષ્યમામ બીજા સોળ વર્ષનો વધારો કર્યો. સાથે સાથે મહર્ષિ વેદ વ્યાસે આ સોળ વર્ષ દરમ્યાન શંકરાચાર્યને મહાન પંડિતોને શાસ્ત્રાર્થમામ પરાજીત કરી સનાતન વૈદિક ધર્મના પ્રવાહમાં માનતા કરી સનાતન ધર્મની પુનઃપ્રતિષ્ઠાનું મહાન કાર્ય કરવાનું જણાવ્યું. તદ્‌અનુસાર આચાર્યે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરી શાસ્ત્રાર્થમાં કુમારિલ ભટ્ટ, મંડનમિશ્ર (મંડનમિશ્રનું મૂળ નામ વિશ્વરૂપ હતું), મંડનમિશ્રના પત્ની ઉભયા ભારતી, ભાસ્કર પંડિત, બાણ, મયૂર, દંડી તેમજ અન્ય બૌદ્ધ અને જૈન ધર્માચાર્યોને પરાજીત કર્યા. મંડનમિશ્ર શાસ્ત્રાર્થમાં પરાજીત થતાં શંકરાચાર્યના શિષ્ય બન્યા અને સુરેશ્વરાચાર્ય તરીકે જાણીતા થયા. શ્રીબેલી નામના સ્થળે આચાર્યે એક ગૂંગા બાળકને દીક્ષા આપી તેના શરીરમાં રહેલ દિવ્ય આત્માને આશીર્વાદ થકી બોલતો કર્યો અને તેને હસ્તામલક નામ આપ્યું. હસ્તામલકનું મૂંળ નામ પૃથ્વીધર હતું. શ્રૄંગેરીમાં એક ગિરિ કે આનંદગિરિ નામના યુવકને શિષ્ય બનાવી તેને તોટકાચાર્ય નામ આપ્યું. આમ શંકરાચાર્યે પોતાના શિષ્ય સમુદાયને સાથે રાખી ધર્મ ક્ષેત્રે દિગ્વિજય મેળવવા તેમજ વેદાન્ત ધર્મનો જય જય કાર કરવા અથાગ પ્રયત્નો કર્યા. આમ કરતાં શંકરાચાર્ય શિષ્ય ગણ સાથે કાશ્મીરની સર્વજ્ઞ શારદાપીઠના પ્રખર પંડિતોને શાસ્ત્રાર્થમાં પરાજીત કર્યા અને આ સર્વજ્ઞ પીઠ ઉપર આરોહણ કરવાનો અધિકાર મેળવ્યો. તે દરમ્યાન શારદાદેવી સ્તોત્ર દ્વારા પ્રાર્થના કરતાં શારદાદેવીએ પ્રસન્ન થઈ શંકરાચાર્યને સર્વજ્ઞની ઉપાધિ અર્પણ કરી અને સર્વજ્ઞ શારદાપીઠ ઉપર બેસવા માટે દૈવ વાણી દ્વારા અધિકાર આપ્યો. આમ યતિ શ્રેષ્ઠ શંકરાચાર્ય પંડિત શ્રેષ્ઠ બન્યા અને સનાતન ધર્મનો દિગ્વિજય પૂર્ણ થયો. અને આમ તેઓ જગદ્‌ગુરૂ શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
       તીર્થાટન દરમ્યાન શ્રૄંગેરીમાં એક દિવસ આચાર્ય શંકરને તેમની માતાના સ્તન પાનના સંકેત દ્વારા તેમની માતાના અંતિમ કાળનો અણસાર મળતાં યોગ બળ દ્વારા માતા સમક્ષ ઉપસ્થિત થઈ શ્રીકૃષ્ણાષ્ટકમ્‌ નામનું સ્તોત્ર રચી માતાને તેમની ઈચ્છા અનુસાર સ્વયં શ્રી વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો અને પરમ પદની પ્રાપ્તિ કરાવી મોક્ષ અપાવ્યો તેમજ લોકોના વિરોધ વચ્ચે પણ તેમના સ્થૂળ શરીરની અંતિમ ક્રિયા પણ કરી.  એવું કહેવાય છે કે તેમણે માતાના જમણા અંગુઠામાંથી અગ્નિ પેટાવી માતાના અગ્નિસંસ્કાર ઘરના આંગણામાં જ કર્યા હતા. તેમના પોતાના જમણા અંગુઠામાં અગ્નિ પેટાવ્યાનું પણ કથન મળે છે.

       આમ કરતાં બત્રીસ વર્ષની વયે શંકરાચાર્યે પોતાના શિષ્યોને વિશ્વ કલ્યાણ અને વેદાન્ત ધર્મને સ્થાયી રાખવા સંન્યાસી સંઘની સ્થાપના કરવા આદેશ આપ્યો તેમજ ચાર દિશાઓમાં ચાર મઠ - પીઠની અને તેના આચાર્ય તરીકે પોતાના ચાર મુખ્ય શિષ્યોની પ્રથમ મઠાધીશ તરીકે નિમણૂંક કરી, ચાર સંપ્રદાય (કોટવાર, ભોગવાર, આનંદવાર અને ભૂરિવારની સ્થાપના કરી. આ મઠોના સંચાલન માટે આચાર સંહિતા રુપ નિયમ બનાવ્યા જે "મઠામ્નાય" સેતુ નામના ગ્રંથ તરીકે જાણીતા છે. અંતે પોતાનું કાર્ય સંપૂર્ણ થતાં બત્રીસ વર્ષની વયે કેદાર ધામમાં પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ તેમજ આદેશ આપી સમાધિ યોગ દ્વારા સ્વયં કેદારનાથમાં વિલીન થઈ ગયા. જો કે અંતિમ સ્થાન અંગે વિવિધ મત પ્રવર્તે છે. અને કૈલાસ, કાંચી,ત્રિચુર તેમજ અન્ય કેટલાક સ્થળોનો અંતિમ સ્થાન અંગેનો ઉલ્લેખ દર્શાવ્યો છે.

આદિ શંકરાચાર્યના જીવનના અનેક પ્રસંગો અલૌકિક અને અદ્‌ભૂત છે.
                માતાના સ્નાન માટે પૂર્ણા નદીના પ્રવાહને બદલ્વો માતૃભક્તિનું ઉદાહરણ છે. ગુરૂ ગૃહના સમય દરમ્યાન શંકરે કનકધારાસ્તોત્રના ૧૮ શ્લોકની સ્વયંભૂ રચના કરી લક્ષ્મીજીની સ્તુતિ કરી અને આ આ સ્તુતિ પુરી થતાં જ દરીદ્ર ગૃહિણીના ઘરમાં સોનાના આમળાની વર્ષા થઈ. આમ દરીદ્ર ગૃહિણી તરફથી પોતાને મળેલ એક જ આમળાનો બદલો સોનાના આમળાની વર્ષા દ્વારા કર્યો. આ કનકધારા સ્તોત્ર તેમની પ્રથમ રચના છે. આજે પણ કાલટી ગામ પાસે સ્વર્ણત્તમ ના નામથી જાણીતું એ સુવર્ણગૃહ જોવા મળે છે.
                સમાધિમાં બેઠેલા ગુરૂ અને તેમના આશ્રમને નર્મદા નદીના પુરથી બચાવવા માટે બાળ શંકરે અભિમંત્રિત કરેલો ઘડો ગુરુની ગુફાના દ્વાર આગળ મુકી નર્મદાના સઘળા પ્રવાહને ઘડામાં સમાવી તેમની ગુરૂ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ અને પોતાની શક્તિનું પ્રમાણ પુરું પાડ્યું છે.
                કાશીમાં વૄદ્ધોને ઉદ્દેશીને કરેલ "ભજગોવિન્દમ્‌" ની રચના શંકરાચાર્યની એક અનુપમ કૃતિ છે.
           જગદ્‌ગુરૂએ બદરીધામમાં શ્રી નારાયણની સ્તુતિ માટે રચેલ હરિમીડે નામનું સ્તોત્ર તેમની અંતિમ રચના કહેવાય છે.
                જગદ્‌ગુરૂ શંકરાચાર્યની મુદ્રામાં તેમણે તેમનો અંગુઠો તર્જની આમઅળીને અડકાયેલો રાખ્યો છે. જે જીવ અને શિવનો ઐક્ય સંબંધ સુચવે છે, કારણ કે અંગુઠો બ્રહ્મનું અને તર્જની આંગળી જીવનું પ્રતીક છે.


આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ, ક્ષેત્ર, સંપ્રદાય, પ્રથમ મઠાધિશ, મહા વાક્ય, વેદ, શિષ્ય ગણ 


પશ્ચિમામ્નાય શારદા મઠ, પૂર્વામ્નાય ગોવર્ધન મઠ,
ઉત્તરામ્નાય જ્યિતિર્મઠ, દક્ષિણામ્નાય શૄગેરી મઠ.



પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્યમાં દ્વારકા ક્ષેત્ર, ગોમતી તીર્થ, શારદા મઠ અને ભદ્રકાળી પીઠની તેમજ આરાધ્ય સિદ્ધેશ્વર દેવ અને ભદ્રકાળી દેવીની સ્થાપના કરવામાં આવી છે. આ પીઠને કાલિકા પીઠ પણ કહેવાય છે. આ પીઠની ગણના અખંડ પીઠ તરીકે થાય છે. પ્રથમ મઠાધિશ તરીકે હસ્તામલકાચાર્ય (મૂળ નામ પૃથ્વીધર) ની નિમણૂંક કરી સામવેદના છાંદોગ્ય ઉપનિષદના મહા વાક્ય "તત્વ મસિ - તત્‌ ત્વમ્‌ અસિ" એટલે કે "તે બ્રહ્મ તું છે" અર્થાત્‌ "તે બ્રહ્મ અને આ જીવ બંને એક જ છે" નો ઉપદેશ આપી સામવેદ અર્પણ કરવામાં આવ્યો. આ પીઠનો શિષ્ય સમુદાય કીટવાર સંપ્રદાય તરીકે ઓળખાયો. કીટવાર સંપ્રદાય એટલે કીડીથી લઈને બધા જ જીવો પ્રત્યે દયા ભાવ રાખનાર સંન્યાસીઓનો સંપ્રદાય. શારદા પીઠમાં રહી સામવેદનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી તેમજ નવદીક્ષિત બ્રહ્મચારી પોતાના નામના છેડે સ્વરુપ ઉપાધિ પદ ધારણ કરે છે અને આ પદ ધારી બ્રહ્મચારી અંતે મઠ - પીઠનો ઉત્તરાધિકારી બની લોક્ગુરૂ શંકરાચાર્ય તરીકે પૂજાય છે. "હું કોણ છું?" ની ઓળખ જેણે જાણી લીધી હોય તેવો બ્રહ્મચારી સ્વરુપ ઉપાધિ પદ માટે લાયક ગણાય છે. આ પીઠનો શિષ્ય સમુદાય તીર્થ કે આશ્રમ પદ ધારણ કરે છે. જે પવિત્ર અને તિર્થ સમાન છે ત જ તીર્થ પદ માટે યોગ્ય છે અને જે સંન્યાસ આશ્રમમાં પ્રતિષ્ઠાવાન અને જન્મ મૃત્યુના પ્રભાવથી મુક્ત છે તે જ આશ્રમ પદ માટે યોગ્ય છે. પ્રથમ મઠાધિપતિ હસ્તમલકાચાર્યે ગૌતમતીર્થ અને અનંતઆશ્રમ નામના બે શિષ્યો બનાવ્ય હતા. શારદામઠના શંકરાચાર્ય તરીકે મુખ્યત્વે આશ્રમ પદ ધારી આચાર્ય હોવાનું નક્કી થયેલ છે. પરંતુ આશ્રમ પદ ધારી યોગ્ય શિષ્યની અવેજીમાં તીર્થ પદ ધારી યોગ્ય શિષ્ય આચાર્ય પદે આવે છે. આશ્રમ અને તીર્થ સમુદાયમાંથી પણ યોગ્ય શિષ્ય ન મળે તો સ્વરુપ પદ ધારી બ્રહ્મચારી સંન્યાસ ગ્રહણ કરી તીર્થ કે આશ્રમ પદ ધારણ કરી શંકરાચાર્યના પદને શોભાવે છે. હાલમાં આ પીઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ છે. તેઓ આ પીઠના ૭૮ મા શંકરાચાર્ય છે. તેઓશ્રી ઈ. સ. ૧૯૮૨ થી આ  પીઠના મઠાધિપતિ છે. ઈ. સ. ૧૯૮૨ માં તેમની નિમણૂંક શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામીના વસિયતનામા મુજબ કરવામાં આવી છે. પૂજ્ય પાદ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨0૨૨ ના રોજ ૯૯ વર્ષની વયે સ્વધામ પધાર્યા છે.  તેમના પૂર્વના મઠાધિપતિઓમાં શ્રી ત્રિવિક્રમ તીર્થના (૧૯૨૧) પછી શ્રી ભારતી ક્રિષ્ણ તીર્થ (૧૯૨૧~૧૯૨૫), શ્રી સ્વરૂપાનંદ તીર્થ (૧૯૨૫~?), શ્રી યોગેશ્વરાનંદ તીર્થ (?~૧૯૪૫), શ્રિ અભિનવ સચ્ચિદાનંદ તીર્થ (૧૯૪૫~૧૯૮૨) હતા. પૂજ્ય પાદ્‌ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજનું સરનામુંઃ  શ્રી સ્વામી બ્રહ્મવિદ્યાનંદજી, પરમહંસી ગંગા આશ્રમ, જોન્ટેસ્વર, જિ. નરસિંપુર, મધ્ય પ્રદેશ છે.

જ્યોતિર્મઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તારાધિકારીઓનાં નામ સોમવાર, તારીખ ૧૧ સપ્ટેમ્બર, ૨0૨૨ ના રોજ જાહેર કરવામાં આવ્યાં છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠ બદ્રીનાથ અને સ્વામી સદાનંદને દ્વારકા શારદા પીઠના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત શંકરાચાર્યજીના પાર્થિવદેહની સામે જ કરવામાં આવી છે.



પૂર્વ દિશામાં ઓરીસ્સા રાજ્યમાં જગન્નાથ ક્ષેત્રે, મહોદધિ - સાગરા તીર્થ, ગોવર્ધન મઠ અને વિમળા પીઠની સ્થાપના કરવામાં આવી. જગન્નાથ દેવ અને વિમળા દેવી આરાધ્ય દેવ - દેવી તરીકે સ્થાપાયાં. પદમ્‌પાદ (મૂળ નામ સનન્દન તેમજ વિષ્ણુ શર્મા) નામના શિષ્યને પ્રથમ મઠાધિશ તરીકે નિમણૂંક કરી ૠગ્વેદના ઐતરેય ઉપનિષદના મહા વાક્ય - "પ્રજ્ઞાનં બ્રહ્મ" એટલે કે "બ્રહ્મનો સાચો સ્વભાવ એ જ જ્ઞાન છે", અર્થાત્‌ "બ્રહ્મ એટલે કે વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલ પરમ તત્વ જ્ઞાન સ્વરુપ છે. બ્રહ્મ અને જ્ઞાન એક બીજાથી બિન્ન નથી" નો ઉપદેશ આપી ૠગ્વેદ અર્પણ કરવામાં આવ્યો. આમ પદમ્‌પાદાચાર્ય પ્રથમ મઠાધિશ બન્યા. આ પીઠનો ૠગ્વેદનો અભ્યાસી શિષ્ય સમુદાય ભોગવાર સંપ્રદાય તરીકે ઓળખાયો. ભોગવાર શિષ્ય સમુદાય એટલે બધા જ પ્રાણીઓના વિષય ભોગનું નિવારણ કરવા સમર્થ શિષ્ય સમુદાય. આ પીઠમાં રહી ૠગ્વેદનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી - નવદીક્ષિત બ્રહ્મચારી પોતાના નામના છેડે પ્રકાશ ઉપાધિ પદ ધારણ કરે છે. આ પ્રકાશ પદ ધારી બ્રહ્મચારી સંન્યાસ ગ્રહણ કરી મઠ - પીઠનો શિષ્ય બને તો તે વન કે અરણ્ય પદ ધારણ કરે છે. અને આ પદ ધારી જ આ પીઠના શંકરાચાર્ય બની શકે છે. યોગ સાધના થકી તત્વજ્ઞાનમાં નિપૂણ બની આત્મા એ જ પરમાત્મામાં માનનાર બ્રહ્મચારી પ્રકાશ - પ્રકાશક ઉપાધિ પદ માટે લાયક ગણાય છે.જે નિર્જન વનના એકાન્તમાં નિવાસ કરી છે અને કોઈ જાતની આશા નથી રાખતો તે જ વન પદ માટે યોગ્ય છે. પ્રથમ મઠાધિપતિ પદમ્‌પાદાચાર્યે વશિષ્ઠવન અને શંભુઅરણ્ય નામના બે શિષ્યો બનાવ્યા હતા. આ પીઠના આચાર્ય તરીકે મુખ્યમાં અરણ્ય પદ ધારી શિષ્ય જ આવે છે. વન અને અરણ્ય પદ ધારી સમુદાયમાંથી યોગ્ય શિષ્ય ન મળે તો પ્રકાશ બ્રહ્મચારીમાંથી યોગ્ય બ્રહ્મચારી સંન્યાસ ગ્રહણ કરી વન કે અરણ્ય પદ ધારણ કરી આચાર્ય પદે આવી શંકરાચાર્ય તરીકે ગણના પામે છે. હાલમાં ગોવર્ધન મઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી સ્વામી નિશ્ચ્ચલાનંદ સરસ્વતી મહારાજ છે. તેઓ ઈ.સ. ૧૯૯૨ થી આ મઠના મઠાધિપતિ છે અને તેઓ ૧૪૫ મા મઠાધિપતિ છે. તેમના પૂર્વના મઠાધિપતિઓમાં શ્રી શંકર મધુસુદન તીર્થ (૧૯૨૫) પછી શ્રી ભારતી ક્રિષ્ણ તીર્થ (૧૯૨૫~૧૯૬૦), શ્રી યોગેશ્વરાનંદ તીર્થ (૧૯૬૦~૧૯૬૧), શ્રી નિરંજનદેવ તીર્થ (૧૯૬૪~૧૯૯૨) હતા. ૧૯૬૧~૧૯૬૪ દરમ્યાન લીટીગેશન ચાલતું હતું. શ્રી સ્વામી અધોક્શાનંદ પણ હાલમાં આ પીઠના મઠાધિપતિ તરીકેનો દાવો કરે છે. પૂજ્ય પાદ્‌ સ્વામી શ્રી નિશ્ચ્ચલાનંદ સરસ્વતી મહારાજનું સરનામું : પુરી ગોવર્ધન મઠ, પુરી, ઓરીસ્સા, પીન કોડ - ૭૫૨ ૦૦૧ છે.



ઉત્તર દિશામાં ઉત્તરાંચલ પ્રદેશમાં હિમાલયમાં ૬૧૦૭ ફૂટની ઊંચાઈએ બદ્રિકાશ્રમ ક્ષેત્રે અલકનંદ તીર્થ, જ્યોતિર્મઠ અને પૂર્ણગિરિ પીઠની સ્થાપના કરવામાં આવી. આરાધ્ય દેવ તરીકે બદ્રીનારાયણ દેવ અને પૂર્ણાગિરિ દેવીની સ્થાપના કરી પ્રથમ મઠાધિશ તરીકે તોટકાચાર્ય (મૂળ નામ ગિરિ કે આનંદગિરિ) ની નિમણૂંક કરી અથર્વવેદના માંડ્યૂક ઉપનિષદના મહા વાક્ય "અયમાત્મા બ્રહ્મ - અયમ્‌ આત્મા બ્રહ્મ" એટલે કે "આ પ્રત્યેક માનસનો આત્મા બ્રહ્મ છે", અર્થાત્‌ આત્મા અને બ્રહ્મ, જીવ અને શિવ અભિન્ન છે" નો ઉપદેશ આપી અથર્વવેદ અર્પણ કર્યો. આ પીઠનો અથર્વવેદનો અભ્યાસી સમુદાય આનંદવાર સંપ્રદાય તરીકે ઓળખાયો. આનંદવાર સંપ્રદાય એટલે સંસારના ભોગ વિલાસનો ત્યાગ કરી પરમાનંદની પ્રાપ્તિ માટે આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ શિષ્ય સમુદાય. જ્યોતિર્મઠમાં અથર્વવેદનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી - નવ દીક્ષિત બ્રહ્મચારી પોતાના નામના છેડે આનંદ ઉપાધિ પદ ધારણ કરે છે તેમજ શિષ્ય સમુદાય ગિર, પર્વત કે સાગર ઉપાધિ પદ ધારણ કરે છે. જે સત્ય, જ્ઞાન અને અનંત રૂપ બ્રહ્મ પ પરમતત્વનું દરરોજ ધ્યાન કરે છે તેમજ આત્માના આનંદમાં મસ્ત રહે છે તેવા બ્રહ્મચારીને આનંદ ઉપાધિ માટે લાયક ગણવામાં આવે છે. જે બુદ્ધિમાં ગંભીર છે અને અવિચળ રહે છે તે ગિરિ પદ માટે લાયક છે. જે અદ્વૈત આત્મજ્ઞાનમાં પ્રતિષ્ઠાવાન છે અને પર્વત ઉપર રહે છે તે પર્વત પદ માટે લાયક છે. જે સાગરમાંથી રત્નો કાઢનારની માફક તત્વજ્ઞાનમાંથી રત્ન મેલવે છે તે સાગર પદ માટે લાયક છે. પ્રથમ મઠાધિશ તોટકાચાર્યે નારયણગિરિ, પૂર્ણપર્વત અને રામસાગર નામના ત્રણ શિષ્યો બનાવ્યા. આ મઠ - પીઠના આચાર્ય તરીકે મુખ્યમાં પર્વત પદ ધારી હોવાનું નક્કી થયેલ છે અને તેની અવેજીમાં ગિરિ કે સાગર પદ ધારી લાયક બ્રહ્મચારી આચાર્ય બને છે. આ ત્રણેય પદ ધારીમાંથી યોગ્ય શિષ્ય ન મળે તો આનંદ પદ ધારી બ્રહ્મચારી સંન્યાસ ગ્રહણ કરી ગિરિ, પર્વત કે સાગર પદ ધારણ કરી આચાર્ય પદે આવી શંકરાચાર્ય તરીકે ગણના પામે છે. આજના જ્યોતિર્મઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ  છે.તેઓ શારદા મઠ તેમજ જ્યોતિર્મઠ એમ બંને પીઠના આચાર્ય પદે છે. તેઓ શ્રી ૧૯૭૩ થી આ મઠના મઠાધિશ છે. આ મઠના મઠાધિશ અંગે ઘણા વિવાદ પણ છે. ૧૮ મી સદીમાં તે વખતના મઠાધિપતિ સ્વામી રામ ક્રિષ્ન તીર્થના પછી લગભગ ૧૬૫ વર્ષ સુધી આ પીઠ મઠાધિપતિ વિનાની રહી હતી. ૧૯૪૧ માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીએ પીઠને પુનઃ કાર્યવંત કરી તેના મઠાધિપતિ બન્યા. ૧૯૫૩ માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા. પણ તેમણે તેમના વારસદારની સ્પષ્ટતા ન કરી. વળી તેમનો દેહ વિલય ઝેર આપવાથી થયાનું પણ કહેવાય છે. તેમના બ્રહ્મલીન થયા પછી તેમના વસિયતનામાનો પણ ઉલ્લેખ છે. જો કે આ અંગે પણ વિવાદ છે. આ વસિયતનામા મુજબ શ્રી સાન્તાનંદ સરસ્વતી મઠાધિપતિ બન્યા, પણ તેઓ વિવાદાસ્પદ રહ્યા અને પીઠ પરંપરાના ભાગલા પડ્યા. સ્વામી ક્રિષ્નબોધ આશ્રમ બીજા ભાગના મઠાધિપતિ બનતાં વિવાદ વધ્યો. ૧૯૭૩ માં ક્રિષ્નબોધ આશ્રમ બ્રહ્મલીન થતાં તેમના અનુગામી તરીકે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મઠાધિપતિ બન્યા. ઈ.સ. ૧૯૮૨ માં દ્વારકા મઠના મઠાધિપતિ શ્રી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સ્વામીના વારસદાર તરીકે તેમના વસિયતનામા મુજબ સ્વામી સ્વરૂપાનદ સરસ્વતીની દ્વારકા પીઠના મઠાધિપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી. પણ તેમણે જ્યિતિર્મઠની ગાદીનો ત્યાગ ન કરતાં આ પીઠના મઠાધિપતિ તરીકે વિવાદાસ્પદ બન્યા. ૧૯૮૦ માં સાન્તાનંદ સરસ્વતીએ ગાદીનો ત્યાગ કરી સ્વામી વિષ્ણુદેવાનંદ સરસ્વતીને મઠાધિપતિ બનાવ્યા. ૧૯૮૯/૯૦ માં વિષ્ણુદેવાનંદ સરસ્વતી બ્રહ્મલીન થતાં સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મઠાધિપતિ બન્યા. હાલમાં શ્રી સ્વામી માધવ આશ્રમે પણ તેમનો દાવો રજુ કર્યો છે. આમ હાલમાં આ પીઠના મઠાધિપતિ તરીકે ત્રણ નામ (સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અને સ્વામી માધવ આશ્રમ) છે. જો કે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનો હક્ક ઘણાયે માન્ય રાખ્યો છે. પણ તે વિવાદાસ્પદ છે જ. કેટલાક દિવાની કેસો પણ ચાલે છે. આ મઠ જ્યોતિષ મઠ કે જોશી મઠ તરીકે પણ ઓળખાય છે. આ મઠનું સરનામુંઃ શ્રી શંકરાચાર્ય મઠ, જોષી મઠ, ચપોલી, ઉત્તરાંચલ, પીન કોડ - ૨૪૬ ૪૪૩ છે.



દક્ષિણ દિશામાં કર્ણાટક રાજ્યમાં રામેશ્વર ક્ષેત્રે, તુંગભદ્રા તીર્થ, શૃગેરી મઠ અને કામાક્ષી પીથની સથાપના કરવામાં આવી. આ પીઠ શૃગેરી શારદા પીઠ તરીકે પણ અઓળખાય છે. આરાદ્યદેવ તરિકે આદિ વારાહદેવ અને કામાક્ષી દેવીની સ્થાપના કરવામાં આવી. પ્રથમ મઠાધિશ તરીકે સુરેશ્વરાચાર્યની (મૂળ નામ મંડન્મિશ્ર તેમજ વિશ્વરૂપ) નિમણૂંક કરી યજુર્વેદના શુક્લ શાખાના બૃહદારણ્યક  ઉપનિષદના મહાવાક્ય "અહં બ્રહ્માસ્મિ - અહં બ્રહ્મ અસ્મિ" એટલે કે "હું બ્રહ્મ છું" અર્થાત્‌ " આ જીવ એ એજ શિવ છે, આત્મા એ જ પરમાત્મા ચે, તે બ્રહ્મથી ભિન્ન નથી" નો ઉપદેશ આપી યજુર્વેદ અર્પણ કરવામાં આવ્યો. યજુર્વેદનો અભ્યાસ કરતો આ પીઠનો શિષ્ય સમુદાય ભૂરિવાર સંપ્રદાય તરીકે ઓળખાયો. ભુરિવાર સંપ્રદાયનો શિષ્ય સમૂહ અમૂલ્ય ધન, વિલાસ અને સંસારના વૈભવનો ત્યાગ કરી વૈરાગ્યમય જીવન જીવે છે અને આત્મચિંતનમાં મગ્ન રહે છે. આ પીઠનો યજુર્વેદનો અભ્યાસી વિદ્યાર્થી - નવદીક્ષિત બ્રહ્મચારી પોતાના નામના છેડે ચૈતન્ય ઉપાધિ પદ ધારણ કરે છે અને શિષ્ય સમુદાય સરસ્વતી, ભારતી કે પુરી પદ ધારણ કરે છે. જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય અને વિષય રહીત બની અજર અમર શિવ સ્વરુપ સમાન હોય તેવો બ્રહ્મચારી જ ચૈતન્ય ઉપાધિ પદને લાયક ગણાય છે. સદાય મગ્ન રહેનાર, કવિશ્રેષ્ઠ અને બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર સરસ્વતી પદને લાયક ગણાય છે. સંસારના બધા જ બંધનોથી મુક્ત થઈ પરમ વિદ્યામાં પરીપૂર્ણ તેમજ દુઃખની અનુભૂતિ ન થાય તેવી રીતે રહેનાર ભારતી પદને લાયક છે. જ્ઞાનમાં પરીપૂર્ણ બ્રહ્મ પદમાં સ્થિર અને સદાય પરમબ્રહ્મના આનંદમાં રહેનાર પુરી પદને લાયક ગણાય છે. આ મઠ-પીઠના આચાર્ય તરીકે ભારતી પદ ધારીની જ નિમણૂંક થાય છે. પણ તેની અવેજીમાં સરસ્વતી કે પુરી પદ ધારી અને આ ત્રણેય - સરસ્વતી, પુરી, ભારતી ની અવેજીમાં ચૈતન્ય બ્રહ્મચારી સમુદાયમાંથી લાયક વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરી સરસ્વતી, પુરી કે ભારતી પદ ધારણ કરી આચાર્ય પદે આવી શંકરાચાર્ય તરીકે ગણના પામે છે. પ્રથમ મઠાધિપતિ સુરેશ્વરાચાર્યે પરમાનંદસરસ્વતી, હસ્તામલકભારતી અને નિત્યાનંદપુરી નામના ત્રણ શિષ્યો બનાવ્યા. હાલમાં શૃગેરી મઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી ભારતી તીર્થ મહારાજ છે. તેઓ ૧૯૮૯ થી આ મઠના પીઠાધિશ છે. તેઓ આ પીઠના ૩૬ મા શંકરાચાર્ય છે. તેમના પૂર્વના મઠાધિપતિઓની નામાવલી અને કાર્યકાળ આ પ્રમાણે છે. આદિ શંકરાચાર્ય પ્રથમ આચાર્ય ગણાય છે.

1


2
શ્રી સુરેશ્વરાચાર્ય
(૮૨૦~૮૩૪)
3
શ્રી નિત્યબોધાગ્ન
(૮૩૪~૮૪૮)
4
શ્રી જ્ઞાનાગ્ન
(૮૪૮~૯૧૦)
5
શ્રી જ્ઞાનોત્તમ
(૯૧૦~૯૫૪)
6
શ્રી જ્ઞાનગિરિ
(૯૫૪~૧૦૩૮)
7
શ્રી સિંહગિરિ
(૧૦૩૮~૧૦૯૮)
8
શ્રી ઈશ્વર તીર્થ  
(૧૦૯૮~૧૧૪૬)
9
શ્રી નરસિંહ તીર્થ
(૧૧૪૬~૧૨૨૯)
10
શ્રી વિદ્યાશંકર તીર્થ
(૧૨૨૯~૧૩૩૩)
11
શ્રી ભારતી ક્રિષ્ન તીર્થ
(૧૩૩૩~૧૩૮૦)
12
શ્રી વિદ્યા અરણ્ય
(૧૩૮૦~૧૩૮૬)
13
શ્રી ચન્દ્રશેખર ભારતી - પ્રથમ
(૧૩૮૬~૧૩૮૯)
14
શ્રી નરસિંહ ભારતી - પ્રથમ
(૧૩૮૯~૧૪૦૮)
15
શ્રી પુરૂષોત્તમ ભારતી - પ્રથમ
(૧૪૦૮~૧૪૪૮)
16
શ્રી શંકર ભારતી
(૧૪૪૮~૧૪૫૫)
17
શ્રી ચન્દ્ર શેખર ભારતી - દ્વિતીય
(૧૪૫૫~૧૪૬૪)
18
શ્રી નરસિંહ ભારતી - દ્વિતીય
(૧૪૬૪~૧૪૭૯)
19
શ્રી પુરૂષોત્તમ ભારતી - દ્વિતીય
(૧૪૭૯~૧૫૧૭)
20
શ્રી રામચન્દ્ર ભારતી
(૧૫૧૭~૧૫૬૦)
21
શ્રી નરસિંહ ભારતી ત્રીતીય
(૧૫૬૦~૧૫૭૩)
22
શ્રી નરસિંહ ભારતી - ચતુર્થ
(૧૫૭૩~૧૫૭૬)
23
શ્રી નરસિંહ ભારતી - પંચમ
(૧૫૭૬~૧૬૦૦)
24
શ્રી અભિનવ નરસિંહ ભારતી
(૧૬૦૦~૧૬૨૩)
25
શ્રી સચ્ચિદાનંદ ભારતી - પ્રથમ
(૧૬૨૩~૧૬૬૩)
26
શ્રી નરસિંહ ભારથી - છઠ્ઠા
(૧૬૬૩~૧૭૦૬)
27
શ્રી સચ્ચિદાનંદ ભારતી - દ્વિતીય
(૧૭૦૬~૧૭૪૧)
28
શ્રી અભિનવ સચ્ચિદાનંદ ભારતી - પ્રથમ
(૧૭૪૧~૧૭૬૭)
29
શ્રીનરસિંંહ ભારતી -  સપ્તમ
(૧૭૬૭~૧૭૭૦)
30
શ્રી સચ્ચિદાનંદ ભારતી તૃતીય
(૧૭૭૦~૧૮૧૪)
31
શ્રી અભિનવ સચ્ચિદાનંદ ભારતી - દ્વિતીય
(૧૮૧૪~૧૮૧૭)
32
શ્રી નરસિંંહ ભારતી - અષ્ટમ
(૧૮૧૭~૧૮૭૯)
33
શ્રી સચ્ચિદાનંદ સિવાભિનવ નરસિંહ ભારતી
(૧૮૭૯~૧૯૧૨)
34
શ્રીચન્દ્રશેખર ભારતી - તૃતીય
(૧૯૧૨~૧૯૫૪)
35
શ્રી અભિનવ વિદ્યાતીર્થ  
(૧૯૫૪~૧૯૮૯)
36
શ્રી ભારતી તીર્થ
(૧૯૮૯~


                   
સરનામુંઃ શ્રી શ્રૂંગેરી મઠ, શ્રી શ્રૂંગેરી શારદા પીઠ, શૄગેરી, કર્ણાટક - ૫૭૭ ૧૩૯

આ ચાર પીઠ ઉપરાંત બીજી ત્રણ પીઠ - સુમેરૂ મઠ, પરમાત્મા મઠ અને સહસ્ત્રાર્ક ધ્યુતિ મઠ પણ અસ્તિત્વ ધરાવે છે. આ પીઠો નાગા સંન્યાસીઓની પીઠો તરીકે ઓળખાય છે. આ પીઠો અખાડા તરીકે પણ ઓળખાય છે. આકાશનો આશ્રય રાખનાર ઊર્ધ્વામ્નાય સુમેરૂ મઠ, પોત પોતાનામાં જ મસ્ત રહેનાર સ્વાત્મામ્નાયનો પરમાત્મા મઠ અને ગુરૂ એ જ સર્વસ્વ માનીને ગુરૂની ચરણ પાદૂકાને મહત્વ આપનારનો નિષ્કલામ્નાયનો સહસ્ત્રાર્ક ધ્યુતિ મઠ એમ ત્રણ મઠ છે.

આ ઉપરાંત તામીલનાડુ રાજ્યમાં કાંચીપુરમની કાંચી કામકોટી પીઠ પણ છે અને તે પ્રધાન પીઠ તરીકે ઓળખાય છે. આદિ શંકરાચાર્યે તેમના જીવન કાળના અંતિમ વર્ષો કંચી કામકોટીમાં વિતાવ્યા હતા તેમજ આ પીઠ ઉપર આદિ હ્સંકરાચાર્ય આરૂઢ થયા હતા તેવું પણ કહેવાય છે. હાલમાં કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય પૂજ્ય પાદ શ્રી જયેન્દ્ર સરસ્વતી મહારાજ છે. તેઓ આ પીઠના ૬૮ મા શંકરાચાર્ય છે. આ મઠનું સરનામુંઃ ૧, સલાઈ સ્ટૃટ છે, કામ્ચીપુરમ, તામીલનાડુ, પીન કોડ ઃ ૬૩૧ ૫૦૨ છે.
આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ ઉપરાંત શ્રી રામાનુજાચાર્ય દ્વારા આઠ મઠ તેમજ શ્રી માધ્વાચાર્ય દ્વારા સ્થાપિત આઠ મઠ પણ છે. આ ઉપરાંત રામાનંદજી નિંબાર્ક, વલ્લભાચાર્ય, ચૈત્ન્ય મહાપ્રભુ વિ. એ પણ કેટલાક મઠોની સ્થાપના કરી હતી. રામક્રિષ્ણ પરમહંસનો બેલૂર મઠ પણ જાણીતો છે.

ભગવદ્ગોમંડલમાં વર્ણવ્યા અનુસાર ભાષ્ય એટલે સર્વ સાધનોને લક્ષમાં લઈ વેદમંત્રોનો અર્થ કે સંગતિનો ટીકા ગ્રંથ; દર્શનશાસ્ત્ર ઉપર લખાયેલ વિવેચન; જેમાં સૂત્રને અનુસરતાં વાક્યો વડે સૂત્રનો અર્થ વર્ણવ્યો હોય તથા ભાષ્યકારના પોતાનાં પદોનું પણ વર્ણન કર્યું હોય તે, જેમકે, શાંકરભાષ્ય.


અને અંતમાં આદિ જગદ્‌ગુરૂના ચરણોમાં વારંવાર પ્રણામ સહ ............

શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌
સૂત્રભાષ્યકૃતૌ વન્દે ભગવન્તૌ પુનઃ પુનઃ





updating is in progress............................Please visit again...............