Translate

Search This Blog

Tuesday, July 21, 2015

પ્રેમનગર મત જાના મુસાફિર

The article by Dr. Gunavant Shah published in the Divya Bhaskar daily dated November 21, 2010 is displayed here with the courtesy of Divya Bhaskar and Dr. Gunvant Shah.

પ્રેમનગર મત જાના મુસાફિર
વિચારોના વૃંદાવનમાં, ગુણવંત શાહ

Vicharo Na Vrindavan Ma, Gunvant ShahNov 21, 2010,

Source Link:  http://www.divyabhaskar.co.in/news/MAG-dont-go-premnagar-traveler-1568439.html

પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. નાના હતા ત્યારે અમારા ફળિયામાં કેટલાક બાવાઓ હાથમાં એકતારો લઇને આવી પહોંચતા. એમની ગરિમા એવી કે ઘરમાંથી લોટ લાવીને આપવાનું મન થાય. તેઓને ભિખારી કહેવામાં સંકોચ થતો. તેઓ ભિક્ષાર્થી હતા, ભિખારી ન હતા. મારા બાપુ એમને આદરપૂર્વક ઘરની આગલી પરસાળમાં બેસાડતા અને એકતારાના સૂર સાથે અમને ભજનો સાંભળવાનો લહાવો પ્રાપ્ત થતો. આ રીતે સાંભળવા મળેલા બ્રહ્નાનંદના એક ભજનના શબ્દો હજી યાદ છે: ‘પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના.’ અયોધ્યા, કાશી, દ્વારકા કે જેરૂસલામ જેવાં પુરાતન નગરો પવિત્ર ગણાય છે. આજે પણ લાખો લોકો ભીના હૃદયે બેથલહમ જઇને ઇસુનો જન્મ થયો હતો તે સ્થાને રચાયેલા ચર્ચ ઓફ નેટિવિટીની મુલાકાતે જાય છે અને પ્રાર્થનામય ચિત્તે કોઢારમાં જન્મેલા બાળ ઇસુનું સ્મરણ કરે છે. આવાં બધાં તીર્થનગરો પવિત્ર ગણાય છે, પરંતુ એ નગરો કરતાંય અધિક પવિત્ર એવા એક નગરનું નામ છે: ‘પ્રેમનગર.’ જગતમાં ક્યાંય આ નગરનો પત્તો નથી મળતો. ગોકુળ હતું ખરું, પરંતુ પૃથ્વી પર ક્યાંય આજે ગોકુળમાં હતી તેવી ઋજુતા નથી. ગોકુળ એક ભાવવાચક નામ બની ગયું છે. દુનિયામાં ક્યાંય ગોકુળતા ઝટ જડતી નથી. સર્વત્ર કપટયુક્ત માનવસંબંધોની બજાર ખીલી રહી છે. જ્યાં બજાર હોય ત્યાં મોહબ્બત ક્યાંથી? બજાર હોય ત્યાં સંવનન પણ બજારુ! પ્રેમનગરમાં જવાની ના પાડવાનું કારણ શું? કારણ એ જ કે એ નગરમાં કાચાપોચા આદમીનું કામ નહીં. એ પવિત્ર નગરમાં કપટ, સ્વાર્થ, ગણતરી અને અશ્રદ્ધા સાથે પ્રવેશી ન શકાય. પવિત્ર નગરમાં નિર્મળ થઇને પ્રવેશવું પડે. પવિત્ર કોણ? જેણે જીવનમાં ભરપૂર પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ પવિત્ર છે. એ વ્યક્તિ સામેથી પ્રેમ ન પામે તોય પવિત્ર છે. કોઇના પ્રગાઢ પ્રેમમાં પાગલ બનવું, એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી. આ જગતમાં બધી કક્ષાના પ્રેમીજનો પવિત્ર છે. અરે! એમની નિષ્ફળતા પણ પવિત્ર છે અને એમની ભૂલ પણ પવિત્ર છે. લોકો ધૂળમાં રગદોળાયેલી કે કાદવમાં પડેલી સોનામહોરને પણ ‘સોનામહોર’ જ કહે છે! હિમાલય એ જ શિવાલય છે. શિવ અચલ છે, અકૃત્રિમ છે અને અનાકુલ છે. હિમાલય પવિત્ર છે, કારણ કે એ પ્રેમતીર્થ છે. હિમાલય તો શિવ-પાર્વતીનું પ્રેમાલય છે. જ્યાં પણ બે ‘મળેલા જીવ’ વચ્ચે જન્મેલી મુગ્ધતાનું માધુર્ય છે, ત્યાં અન્યને કાને ન પડે તેવી ગુફતેગો હોવાની. થોડીક ક્ષણો માટે કોઇ કોલેજના કેમ્પસ પર આવેલા વૃક્ષની નીચે આવું પ્રેમતીર્થ રચાય ત્યારે ત્યાં આગળથી પસાર થનારે મૌનપૂર્વક બીજી દિશામાં જોવાનું રાખીને ચાલી જવું જોઇએ. એથી ઊલટું બને છે કારણ કે સમાજના ઘણાખરા ઉંમરલાયક માણસો પાસે ઉંમર સિવાયની બીજી કોઇ જ પાત્રતા નથી હોતી. આપણો રુગ્ણ સમાજ અતૃપ્ત બુઝુર્ગોના વણદીઠા ઉપદ્રવોથી પરેશાન છે. જે સમાજમાં બે જણાં વચ્ચે અનાયાસ ઊગેલો સહજ પ્રેમ પવિત્ર ગણાતો ન હોય, એવા સમાજમાં ઇષ્ર્યા, દ્વેષ, હરીફાઇ અને નિંદાકૂથલીનું નરક ઓટલે ઓટલે હોવાનું! ક્યાંક પ્રેમનો ટહુકો સંભળાય ત્યાં ખલનાયકો આપોઆપ એકઠા થઇ જાય છે. આવા ખલનાયકો ક્યારેક અયોધ્યા, કાશી, મક્કા, જેરૂસલમ કે બેથલહમની યાત્રાએ પણ જતા હોય છે. એકમેકમાં ઓતપ્રોત એવાં બે પ્રેમીઓ ક્યારેક વિખૂટાં પડી જાય છે. સંજોગોના ષડ્યંત્રને કારણે વિખૂટાં પડેલાં બે પ્રેમીજનો વર્ષો પછી ટ્રેનની એસી ચેરકારમાં અચાનક ભેગાં થઇ જાય ત્યારે સામસામે બેસીને કોફી શા માટે ન પીએ? બળી ગયેલી ધૂપસળી અને મનગમતી મૈત્રીની રાખ પણ સુગંધીદાર હોય છે. મૌનપૂર્વક છુટા પડેલા બે રસ્તાઓ પણ એકબીજાથી દૂર દૂર ચાલી નીકળે છે. બે પ્રેમીજનો વિખૂટાં પડે, તે ઘટના તો દુ:ખદાયક હોય તોય કાવ્યમય હોય છે. જ્યાં વિરહની વેદના હોય કે મજબૂરી હોય ત્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય છે. જ્યાં સંબંધ કેવળ ચર્મકક્ષાનો હોય ત્યાં આકર્ષણ પણ હંગામી હોય છે. આવો પ્રેમસંબંધ પવિત્ર નથી. એ સેક્સ અફેર છે, લવ અફેર નથી. જ્યાં સાચકલો પ્રેમસંબંધ રચાય ત્યાં ઉદાત્ત જવાબદારીનો ભાવ હોય છે. જ્યાં કેવળ સેક્સ કે સ્વાર્થની જ બોલબાલા હોય, ત્યાં વિખૂટાં પડતી વખતે ટનબંધ કટુતા પ્રગટ થતી હોય છે. પ્રેમસંબંધ તૂટે પછી બંને જણાં સામેના પાર્ટનરના કલ્યાણ માટે પ્રાર્થના કરે ત્યારે એમને સાધુ કહેવાનું ફરજિયાત નથી. વનસ્પતિ સૃષ્ટિમાં જે સ્થાન પુષ્પનું છે, વસંતોત્સવમાં જે સ્થાન ટહુકાનું છે, વાદળોના ભીના સામ્રાજ્યમાં જે સ્થાન મેઘધનુષ્યનું છે, તે સ્થાન ચહેરાઓના વનમાં પ્રેમનું છે. પુષ્પમાં સુગંધ ન હોય, નદીમાં જળ ન હોય, આકાશમાં તારા ન હોય, નીંદરમાં સમણાં ન હોય, અને આંખમાં આંસુ ન હોય, તો માણસ કેવો, ને પ્રેમ કેવો! ગોકુળ પવિત્ર છે, કારણ કે એ સમગ્ર વિશ્વનું ‘પ્રેમગ્રામ’ છે. ગોકુળ કેવળ પ્રેમતીર્થ નથી, એ વિરહતીર્થ પણ છે. જ્યાં વિખૂટાં પડવાની કળા પ્રગટ થાય ત્યાં આજે પણ ગોકુળ સર્જાય છે. પ્રેમ દ્રવ્ય નથી કે એમાં વધઘટ થઇ શકે. પ્રેમ પ્રવાહી નથી કે એની સપાટી ઊંચી કે નીચી જઇ શકે. પ્રેમ તો આકાશ છે, જેમાં બધું જ ઓગળી શકે અને નિ:શેષ શૂન્યતામાં વિલીન થઇ શકે. તૃપ્ત થવું એટલે જ લુપ્ત થવું! શરદની શીતળ ચાંદનીમાં સ્નાન કરી રહેલા પ્રસન્ન અંધકારને તમે જોયો છે? એ અંધકાર તો શ્યામ-ઘનશ્યામના વિરહમાં શેકાઇ રહેલી રાધાનો પાલવ છે. બે પ્રેમીજનોનું મિલન પવિત્ર છે, પરંતુ બે વિખૂટાં પડેલાં પ્રેમીજનોનું દર્દ અધિક પવિત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં એને ‘વપિ્રયોગ’ કહ્યો છે. પ્રેમ આરોહણ છે. એ તો તળેટીથી ટોચ ભણીની ઊધ્ર્વયાત્રા છે. એવરેસ્ટની ટોચ પર જાહેરસભા ન થઇ શકે. ત્યાં તો મૌન જ શોભે! જે સમાજમાં પ્રેમની પ્રતિષ્ઠા ન હોય, એ સમાજમાં હુલ્લડો નહીં થાય તો બીજું શું થાય? બે જીવ કોઇ સુખદ યોગાનુયોગ (સીન્કોનિસિટી)ને કારણે ક્યાંક કોઇ ટર્નિંગ પોઇન્ટ પર ભેગાં મળી જાય, તે પરમ તત્વની કોિસ્મક યોજનાનો ભાગ હોઇ શકે છે. એ રીતે થયેલો લગ્નસંબંધ ચર્મકક્ષા વટાવીને મર્મકક્ષા સુધી પહોંચે તો બેડો પાર! મનુષ્ય જ્યારે નિર્મળ પ્રેમમાં ગળાડૂબ હોય, ત્યારે પૂરી માત્રામાં જીવતો હોય છે. પૂરી માત્રામાં જીવનાર મનુષ્યને ઇષ્ર્યા, દ્વેષ અને હિંસા કરવા માટે સમય જ નથી હોતો. આનંદ એ જ અધ્યાત્મનું કાળજું છે. નવી પેઢી સામે થોરિયાના ઠૂંઠા જેવું શુષ્ક અધ્યાત્મ ધરવાનું ટાળવા જેવું છે. નવી પેઢીને ‘રોમેન્ટિક અધ્યાત્મ’ ખપે છે. મૃત્યુ સામે ટક્કર લઇ શકે એવી એકમાત્ર ઘટનાનું નામ પ્રેમ છે. ઉપનિષદની ભેટ જગતને આપનારા આ દેશમાં આનંદનો દુકાળ શી રીતે હોઇ શકે? આપણે ધાર્મિકતાને નામે એક એવો સમાજ રચી બેઠાં છીએ, જે પ્રેમવિરોધી, જીવનવિરોધી, આનંદવિરોધી અને ગોકુળવિરોધી હોય. આવા ભારતીય આંતરવિરોધનો દુનિયામાં જોટો જડે તેમ નથી. ગુજરાતની યુનિવર્સિટીઓના કેમ્પસ પર શિબિરોનું આયોજન કરીને પોતાનાં કુંવારાં અરમાનોની રંગોળી પૂરનારાં લાખો યુવક-યુવતીઓને પ્રેમ એટલે શું તે કોણ સમજાવશે? એમને વિખૂટાં પડવાની કળાના પાઠ કોણ ભણાવશે? મોટરબાઇકની ગતિને પવનમાં ઊડતા ઝુલ્ફનું સૌંદર્ય પ્રાપ્ત થાય છે. ક્યાંક ગુફતેગોને વૃક્ષની છાયા પ્રાપ્ત થાય છે. ક્યારેક સંબંધ ટકી જાય છે અને ક્યારેક તૂટી પડે છે. તૂટી પડેલા પવિત્ર સંબંધને મૌનની દીક્ષા પ્રાપ્ત થાય તો બેડો પાર! પાઘડીનો વળ છેડે ઋષિ ભૃગુએ તૈત્તિરીય ઉપનિષદ (ભૃગુવલ્લી)માં દસમા અનુવાદના મંત્રમાં દિવ્ય ઉપાસનાની વાત કરીને કહ્યું છે: (૧) પરમાત્મા વરસાદમાં તૃપ્તિ માટેની શક્તિ રૂપે વિરાજમાન છે. (૨) પરમાત્મા વિધ્યુતમાં ઊર્જા સ્વરૂપે વિરાજમાન છે. (૩) પરમાત્મા સર્વ જીવોમાં યશ સ્વરૂપે વિરાજમાન છે. (૪) પરમાત્મા નક્ષત્રોમાં જ્યોતિ સ્વરૂપે વિરાજમાન છે. (પ) પરમાત્મા જનિન્દ્રયમાં પ્રજોત્પત્તિ માટે અમૃત અને આનંદ સ્વરૂપે વિરાજમાન છે. નોંધ : જો તંદુરસ્ત સેક્સ અશ્લીલ હોય તો માતાનું હાલરડું પણ અશ્લીલ ગણાય. સેક્સની નિંદા કરવી એ ઉપનિષદવિરોધી હરકત છે. એ દિવ્ય ઉપાસના છે.
Blog:http://gunvantshah.wordpress.com


No comments:

Post a Comment