શબ્દયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ આપણી બુદ્ધિને શુદ્ધ રાખે છે
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
- લક્ષ્મણ જીવધર્મના આચાર્ય છે.
- આચાર્યનું પહેલું લક્ષણ છે જાગૃતિ.
- આચાર્ય એ છે કે જે ચૌદ વર્ષ નહીં, ચૌદ જિંદગી સુધી જાગૃત હોય. જાગૃતિ જ આચાર્યપણાનું પહેલું લક્ષણ છે. સાવધાની, હોશમાં જીવવું એ આચાર્યપણાનું પહેલું લક્ષણ છે. એટલે લક્ષ્મણ જાગૃત છે.
- સત્યને માર્ગે જે ચાલ્યા હશે એનાં ચરણ શીતળ હોય, સુંદર હોય અને સત્યના ઉપાસકો માટે માર્ગદર્શક હોય.
- એક આચાર્યની દોરેલી લક્ષ્મણરેખા જ્યારે સ્વીકારવામાં ન આવી ત્યારે એનું પરિણામ ‘રામાયણ’માં સારું ન આવ્યું. જાનકીનું અપહરણ થયું.
- ‘રામચરિત માનસ’ મુજબ આચાર્યપણું એ છે કે દેશ-કાળ પ્રમાણે એણે કેટલીયે નવી-નવી લક્ષ્મણરેખાઓ દોરવી પડશે.
બંદઉ લછિમન પદ જલજાતા.
સીતલ સુભગ ભગત સુખદાતા.
- મને ગાંધી બહુ ગમે. બીજું કોઇ કારણ નથી. મારે કહેવું છે એ કે સત્યને માર્ગે જે ચાલ્યાં હશે એનાં ચરણ શીતળ હોય, સુંદર હોય અને સત્યના ઉપાસકો માટે માર્ગદર્શક હોય. જાગૃત રહે તે આચાર્ય. દેશ-કાળ પ્રમાણે નિર્ભીકપણે અને નિરહંકારપૂર્વક સમાજ માટે નવી-નવી લક્ષ્મણરેખાઓ નિર્મિત કરે કે, સમાજની કોઇ સીતાનું અપહરણ ન થઇ જાય, સભ્યતાને કોઇ લૂંટી ન જાય, સંસ્કૃતિને કોઇ દાગ ન લગાડી જાય, એનું નામ આચાર્ય.
રઘુપતિ કીરતિ બિમલ પતાકા.
દંડ સમાન ભયઉ જસ જાકા.
- જાગૃત રહેવું, સાવધાન રહેવું, પૂરેપૂરા આધારો પકડવા અને આધારો ન મળે તો જ્યાંથી આધારો મળે ત્યાંથી સત્ય સ્વીકારવાની તૈયારી રાખવી, એ આચાર્યનું એક બહુ મોટું લક્ષણ છે.
- આ દેશમાં હજી પણ ઘણા લોકો સત્ય ઉચ્ચારે છે, પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા! બીજાના સત્યને સ્વીકારવું બહુ અઘરું પડે છે, બહુ તકલીફ પડે છે, ત્યારે આપણે ક્યાંક ટૂંકા પડીએ છીએ!
- આવી બુદ્ધિને વારંવાર વિશુદ્ધ કરવાના, બુદ્ધિને બગડતી અટકાવવાના ત્રણ ઉપાયો ‘ભગવદ્્ગીતા’ એ આપ્યા છે- ‘યજ્ઞ દાન તપ: કર્મ.’ માણસ યજ્ઞ કરે, દાન કરે અને તપ કરે તો બુદ્ધિ વિશુદ્ધ થાય. તો, યજ્ઞ, દાન અને તપ વડે જેમણે પોતાની બુદ્ધિને નિરંતર વિશુદ્ધ રાખીને સમાજને આપ્યું છે એની બહુ મોટી અસર થાય છે.
- બીજું, દાન. કેટલું મોટું વિચારોનું દાન છે આ! આપણા ઘણા સાહિત્યકારો પાસેથી સાંભળ્યું છે કે, ‘રૂપિયા હોય એ દાન કરે, રૂપિયા ન હોય એ શું દાન કરે?’ પણ તમે એક મુસ્કુરાહટનું દાન કરો, કો’કને હસીને બોલાવો. શિક્ષક હસતો હોવો જોઇઅ. એવી જ રીતે, દેશનો ધર્મગુરુ હસતો હોવો જોઇએ. મારે આપને એ કહેવું છે કે આપણે ‘રામાયણ’માંથી બીજું કાંઇ ન શીખીએ ને માત્ર હસવાનું શીખીએ તોય ઘણું! રામ બોલતા એ પહેલાં હસતા. હસે ને પછી બોલે. આ રામનું લક્ષણ છે. પહેલાં મુસ્કુરાય. હસીને વાત શરૂ કરો તો ઘણું કામ થઇ જાય.
- રામકથા એ કેવળ ધાર્મિક કથા નથી. મારી રામકથાને હું કેવળ ધાર્મિક મેળાવડો ગણતો જ નથી. એ એક શિબિર છે નવ દિવસની. અનેક વિષયોની ચર્ચા કરીને આપણે એકબીજાની નજીક આવીએ અને પરસ્પર પ્રેમ કરીએ. મોટામાં મોટી મુશ્કેલી એ છે કે રતિલાલ ‘અનિલ’ને કહેવું પડ્યું કે
નથી એક માનવી પાસે
બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે,
ક્યારનો બંધાય છે રસ્તો.
- રામકથાનું કામ છે માનવીને માનવી સુધી પહોંચાડવાનું. રામ માનવી બનીને આવ્યા હતા. એ પથ્થરો પાસે ગયા, અહલ્યાઓ પાસે ગયા, કેવટો પાસે ગયા, સુગ્રીવો પાસે ગયા, વાંદરાઓ પાસે ગયા, છેવટે રાક્ષસો સુધી પણ ગયા. રામકથા એ સેતુબંધની કથા છે. રામ આપણને એક થવાનું શીખવે છે, પરસ્પર પ્રીતિનો બોધ આપે છે.
(સંકલન : નીતિન વડગામા)
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment