Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા
જય ગુરુ દેવ
આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ((મંગળવાર, અષાડ સુદ ૧૫, સંવત ૨૦૭૫, તારીખ ૧૬ જુલાઈ ૨૦૧૯) મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્ સત્ વંદન
શંકરમ્ શંકરાચાર્યમ્ કેશવમ્ બાદરાયણમ્
સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ
કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ
દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।
गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||
શ્રી નીતિન વડગામા સંકલિત લેખ જે દિવ્ય ભાસ્કર દૈનિક (તારીખ ૧૪ જુલાઈ, ૨૦૧૯) માં પ્રકાશિત થયેલ છે તે તેમના તેમજ દિવ્ય ભાસ્કર ના સૌજન્ય સહ અત્રે પ્રસ્તુત છે.
ગુરુપદ એક બાજુ હોય છે, ગુરુપદરજ ચારે બાજુ ઘૂમે છે
Source Link :
https://www.divyabhaskar.co.in/db-column/morari-bapu/news/gurupada-is-on-one-side-the-gurupadraj-swells-around-1563070118.html
- રજ પાણીનો સંગ કરે તો કીચડમાં મળી જાય છે અને કોઈ પવનપુત્રનો સંગ કરે તો ગગનમાં ચડે છે
પહેલા આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ગુરુપદ કોને કહેવાય? એક તો જો ગુરુ ઉપસ્થિત હોય તો એમનાં ચરણ ગુરુપદ છે. બીજી વાત, ગુરુ જો હયાત ન હોય તો ગુરુની પાદુકા ગુરુપદ છે. ત્રીજું ગુરુપદ છે ગુરુનાં વાક્ય-વચન-પ્રમાણ. ચોથું, આપણા કોઈ બુદ્ધ પુરુષે જે સ્થાનમાં રહીને સાધના કરી હોય એ સ્થાનને પણ અધ્યાત્મજગત ગુરુપદ કહે છે. જેમ કે, એમનું કોઈ જન્મસ્થાન હોય, જીવનસ્થાન હોય. પાંચમું ગુરુપદ છે એમણે અન્યત્ર જઈને સાધના કરી હોય એવું કોઈ સ્થાન. જન્મ ક્યાંક થયો હોય, જીવન પણ ક્યાંક વિતાવ્યું હોય, છતાં પણ વચ્ચે-વચ્ચે ક્યારેક કોઈ વિશિષ્ઠ સ્થાનમાં જઈને એમણે વિશેષ સાધના કરી હોય, જેમ કે ક્યારેક કોઈ હિમાલય કે ગિરનાર ગયું, ક્યારેક કોઈ ગુફામાં બેસી ગયું કે કોઈના ઘરમાં, આશ્રમમાં, એને પણ આપણું આધ્યાત્મિક જગત ગુરુપદ માને છે. ચાહે એ બોધિવૃક્ષ હોય, ચાહે એ કબીરવડ હોય, ચાહે એ ટાગોરનું બનિયન ટ્રી હોય, ચાહે એ તીરથરાજ પ્રયાગનો અક્ષયવટ હોય, ચાહે એ દૂધરેજનો વડલો હોય, ચાહે એ કાગભુશુંડિએ જ્યાં સાધના કરી એ વટવૃક્ષ હોય કે કૈલાસસ્થિત વેદવિધિત વટવૃક્ષ હોય. દીક્ષિત સ્થાન સચેત હોય છે.
આ બધાં ગુરુપદોની રજ શું છે? ગુરુ જ્યાં પ્રકટ થયા હોય એને એની રજ માનવામાં આવી છે. જન્મના સમયે જે યોગ હોય. જેમ કે, કોઈ બુદ્ધ પુરુષનો જન્મ થાય છે, ચાહે બુદ્ધનો હોય, મહાવીરનો હોય, જગદ્્ગુરુ શંકરનો હોય, એવી ચેતના માના ગર્ભમાં આવે છે ત્યારે પણ કોઈ વિશેષ ક્ષણ હોય છે અને ચેતના આવે છે એ પણ રજ થ્રૂ આવે છે. કોઈ સાધુપુરુષ જન્મ લે છે ત્યારે આખા સંસારમાં અલૌકિક એવી પ્રસન્નતા ફેલાઈ જાય છે. પરમ ચેતનાનું અવતરણ થાય છે ત્યારે અસ્તિત્વ ફૂલોની વર્ષા કરે છે. આપણી તકલીફ એ છે કે જ્યારે બુદ્ધ પુરુષ પ્રગટ થાય છે ત્યારના વાયુમંડળનું કોઈ નિરીક્ષણ નથી કરતું, કેમ કે ખબર જ નથી હોતી કે કોણ આવવાનું છે? એ તો પછી ખબર પડે છે! ક્યારેક-ક્યારેક તો એ આખુંયે જીવન વિતાવીને ચાલ્યા જાય, પછી શતાબ્દીઓ બાદ ખબર પડે છે! સમાજ ઘણું ચૂકી ગયો છે! ચૂકતો રહ્યો છે! ચેતનાઓની પદરજની બાબતમાં આપણે ઘણા ધોખા ખાધા છે! તો ગુરુની પ્રાગટ્યસ્થલિ એ ગુરુપદ છે. એ સમયનું વાતાવરણ, એક આખુંયે નભમંડળ એ જ છે ગુરુપદરજ. ગુરુપદ એક બાજુ હોય છે, ગુરુપદરજ ચારે બાજુ ઘૂમે છે. ‘માનસ’ની એક પંક્તિ છે :
ગગન ચઢઈ રજ પવન પ્રસંગા,
કીચહિં મિલઈ નીચ જલ સંગા.
રજ પાણીનો સંગ કરે તો કીચડમાં મળી જાય છે અને કોઈ પવનપુત્રનો સંગ કરે તો ગગનમાં ચડે છે. જ્યાં સુધી આપણે એ વાયુમંડળમાં નથી આવતા ત્યાં સુધી એ સ્થાનમાં લાખ રહીએ, પણ અનુભવ નથી થઈ શકતો. સાધકના ચિત્તમાં ગુરુની કૃપાથી નભોમંડળનો આભાસ થાય છે ત્યારે અંત:કરણના આકાશને શુદ્ધ થવામાં વાર નથી લાગતી.
બીજું, ગુરુની પાદુકાને પુરુપદ કહે છે. પાદુકાની રજ છે પાદુકાનો અવાજ. પાદુકા બોલે છે. પાદુકા લાકડાની હોય અને ચાલો ત્યારે પાદુકા બોલે એ એના બોલ છે. પાદુકાની રજ છે એનો અવાજ, એનો ધ્વનિ. શુદ્ધિકરણની પ્રક્રિયા છે પાદુકા. અયોધ્યામાં ચૌદ વર્ષ સુધી સમગ્ર રાજ્યસંચાલન કેવળ પાદુકાના માર્ગદર્શનમાં થયું છે અને જ્યાં સુધી પાદુકાએ શાસન કર્યું, ત્યાં સુધી પાદુકાની પદરજે અવધપ્રદેશના સાર્વભૌમ ભૂગોળને સુરક્ષિત રાખી. પદથી પણ પાદુકાનો મહિમા વિશેષ છે અને પાદુકાથી વિશેષ એની રજનો મહિમા છે. ક્રમશ: વિશેષતા છે. પાદુકા બોલે છે. એની ભાષા જુદી છે. આપણે ન સમજી શકીએ અથવા તો મૌનવાણી હશે. પદથી વિશેષ પાદુકાનો મહિમા છે. પાદુકાથી વિશેષ પદરજનો મહિમા છે. તુલસી લખે છે, ‘નિત પૂજત પ્રભુ પાંવરી.’ પાદુકા એને આદેશ આપતી હતી. ચૌદ વર્ષ સુધી અયોધ્યાની પ્રજાના પ્રાણના બે રક્ષક બે પાદુકા હતી. પાદુકાનો બોલ સંભળાય તો તે એની રજનો અનુભવ છે.
‘રામચરિત માસન’માં ગુરુની છ વિદ્યા છે- ગુરુ, શ્રીગુરુ, કુલગુરુ, સદગુરુ, ત્રિભુવનગુરુ, જગદગુરુ. હવે એ છની રજ શોધો. તુલસીના મનમાં ગુરુ કોણ છે? તુલસીના મનમાં બીજા કોઈ ગુરુ નથી, નરરૂપ હરિ એ ગુરુ છે. ‘માનસ’ના શબ્દોમાંથી સંકેત મળે છે કે તુલસી જે ગુરુની ચર્ચા કરે છે એ એમના ગુરુ નરહરિ છે, ‘બંદઉ ગુરુ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ.’ મર્યાદાને કારણે ગુરુનું નામ સ્પષ્ટરૂપે શિષ્ય નથી લેતા, એટલા માટે અહીં નર અને હરિની વચ્ચે ‘રૂપ’ શબ્દ મૂકીને તુલસીએ પોતાના નરહરિ મહારાજની વંદના કરી. નરરૂપ હરિ અને ગુરુના ચરણની રજ છે શાસ્ત્રદાન, વિદ્યાદાન, કલાદાન. એ છે એની રજ. એ વારંવાર આપશે. એમને લાગે કે હવે બરાબર છે ત્યારે બંધ કરશે. તુલસીની દૃષ્ટિ એમના ગુરુ છે નરહરિ મહારાજ અને ‘રામચરિતમાનસ’ રૂપી એક મહાન સદ્્ગ્રંથ એમણે આપ્યો એ થઈ ગઈ રજ.
શ્રીગુરુ મા જાનકી છે, જગદંબા છે, પરામ્બા છે, આપણા સૌની શ્રીગુરુ છે. એ મા જ શ્રીગુરુ છે. સીતા માટે, જગદંબા માટે ‘શ્રી’ શબ્દ ગોસ્વામીજીએ ઘણી વાર પ્રયોજ્યો છે. શ્રીગુરુ મા જાનકી છે અને એ ગુરુની રજ, એક થોડી એવી કૃપા પ્રજ્ઞાની શુદ્ધિ કરે છે, પ્રજ્ઞાનું જાગરણ કરે છે. શક્તિસ્વરૂપા ગુરુ, માતૃસ્વરૂપા ગુરુ, એ રજમાત્ર કૃપા કરે અને નિર્મળ બુદ્ધિનું દાન કરે. એ શ્રીગુરુની દેન છે. ત્રીજા, કુલગુરુ. જેવી રીતે ‘રામચરિતમાનસ’માં અવધપુરના કુલગુરુ વશિષ્ઠજી છે. જનકપુરના કુલગુરુ છે શતાનંદજી મહારાજ. કુલગુરુ આપણને થોડો આચારધર્મ બતાવી દે છે. પોતાના આશ્રિતને જેટલું એ પચાવી શકે એટલો આચારધર્મ બતાવવાનું કુલગુરુનું કર્તવ્ય છે. વિચારવાન અને આચારવાન કુલગુરુ આચારોને પ્રસ્થાપિત કરી શકે છે અને એમની રજમાત્રથી આચાર પ્રસ્થાપિત થઈ શકે છે. ચોથા, સદગુરુ. સદગુરુની રજ શું કામ કરે? સદગુરુની રજ માત્ર કૃપાથી આપણી અંદર રહેલા સંશય અને ભ્રમનો નાશ થઈ જાય છે. થોડી એવી કૃપા થઈ જાય તો સંદેહ અને ભ્રમનો નાશ થઈ જાય છે. જેમને વધારે સંશય કે ભ્રમ થતા હોય એમણે સદગુરુના ચરણની રજ શોધવી.
ગુરુ શાસ્ત્ર આપે, શ્રીગુરુ પ્રજ્ઞા આપે, કુલગુરુ આચાર આપે અને સદગુરુ સંશયનો નાશ કરે. ‘રામચરિતમાનસ’માં અનેક સદગુરુ છે. ભરતને હું સદગુરુ માનું છું. હનુમાનજી તો સદગુરુ છે, છે, છે અને બાબા કાગભુશુંડિ સદગુરુ છે. સદગુરુની રજમાત્ર કૃપાથી સંદેહ અને ભ્રમનું નિવારણ થાય છે. ‘રામચરિતમાનસ’માં ત્રિભુવનગુરુ શિવ છે, મહાદેવ છે. ત્રિભુવનગુરુની રજમાત્ર કૃપા કલ્યાણની વર્ષા કરે છે, કલ્યાણથી આપણને નવડાવી દે છે. ‘રામચરિતમાનસ’માં જગદગુરુ છે રામ. અત્રિ મહોદયનાં વચન છે. રામ આપણી આંખના પલકારાનું ધ્યાન રાખનારું અને રક્ષણ કરનારું તત્ત્વ છે. જગદગુરુ રામની રજમાત્ર કૃપા હોય તો તમારા પારિવારિક જગતમાં રામની સ્થાપના થઈ શકે. રામની કૃપા હોય તો વિશ્રામ, આરામ, વિરામ, અભિરામ મળી શકે.
(સંકલન : નીતિન વડગામા)
ગુરુ પૂર્ણિમાના આજના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ વાંચન માટે
અહીં ક્લિક કરવા વિનંતિ.
Guru Purnima Sandesh 2019, Jigyasa and bhajan by Pujya Bhaishri on the occasion of Guru Purnima
Guru Purnima is the most significant day in the entire calendar year for seekers of truth, harmony and happiness. In this Guru Purnima Sandesh, presented in the form of a slideshow, Pujya Bhaishri explains who these FOUR Gurus are and why we must express our gratitude to them on this divine occasion.
Please click here.