Translate

Search This Blog

Tuesday, January 11, 2011

ૐ અને ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે, બીજ મંત્ર છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે.
સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે, ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.”
ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે.
માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે. ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.
ૐ – ઓમ – ના અ (A), ઉ (U) અને મ (M) માં સ્વર્ગ લોક, મૃત્યુલોક અને પાતાળ લોક સમાવિષ્ટ છે.
જે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળથી પર છે એ જ ૐ – ઓમ – છે.
ૐ – ઓમ – અથવા તો ઓમકાર અ, ઉ, મ, ર કાર અને ર કાર ઉપર બિન્દુથી બને છે. ૐ – ઓમ – ને જાણવા, સમજવા આ અક્ષરના વિવિધ અર્થ સમજવા જરુરી છે. આ વિષે ઘણા મહાનુભાવોએ તેમના પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.
ૐ – ઓમ -ના ૧૦૦૦ અર્થ કરવામાં આવ્યા છે. અનેક મહાપુરુષોએ આ અંગે તેમની ટિપણી કરી છે. આ ૧૦૦૦ અર્થો પૈકી ભારતના અર્વાચિન ઋષિ અને પ્રજ્ઞા પુરુષ શ્રી વિનોવા ભાવેએ કરેલ અર્થ ઘટન અંગેની ટિપણી સમજવા જેવી છે.
તેમના કહેવા પ્રમાણે સંસ્કૃત શબ્દ ૐ – ઓમ – અને લેટીન શબ્દ Omne એક જ ધાતુમાંથી આવે છે, જેનો અર્થ સર્વ થાય છે.આ બંને શબ્દો સર્વજ્ઞ, સર્વત્ર અને સમર્થ – સર્વ શક્તિમાન એવો નિર્દેશ કરે છે. એટલે કે ૐ – ઓમ – એટલે એ શક્તિ જે સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વ શક્તિમાન છે.
ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવાય છે. પ્રણવ ‘નુ’ ધાતુમાંથી બને છે, જેનો અર્થ પ્રાર્થના થાય છે. આમ ૐ – ઓમ – એટલે સારામાં સારી પ્રાર્થના એવો પણ કરી શકાય.
“અ”, “ઉ” અને “મ” થી ૐ મંત્ર બને છે, તેમજ તેના ચિહ્નમાં “ર” કાર અને તેના ઉપર બિંદુ છે.
અ નો સંદર્ભ સર્જક એટલે બ્રહ્મા, ઉ નો સંદર્ભ પાલક એટલે કે વિષ્ણુ અને મ નો સંદર્ભ સંહારક એટલે કે મહાદેવ છે. આમ ૐ માં ત્રિમૂર્તિ – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ – સમાવિષ્ટ છે.
ૐ જે અ, ઉ અને મ તેમજ અર્ધ ચંદ્રાકાર અને તેના ઉપર બિન્દુથી બને છે, જ્યાં “અ” જાગૃત અવસ્થાનો સંકેત કરે છે, “ઉ” સ્વપ્ન અવસ્થાનો સંકેત કરે છે અને “મ” સુષુપ્ત અવસ્થાનો સંકેત કરે છે. સુષુપ્ત અવસ્થામાં મન અને બુધ્ધિ શાંત થઈ જાય છે. આમ અ, ઉ, મ્ અર્ધચંદ્રાકાર અને બિન્દુથી બનતો ૐ ચોથી અવસ્થાની સ્થિતિ છે. આ ચોથી અવસ્થાને સમાધિની સ્થિતિ કહેવાય છે. અ ની જાગૃત અવસ્થા, ઉ ની સ્વપ્ન અવસ્થા અને મ ની સુષુપ્ત અવસ્થા માંથી પસાર થતાં એટલે કે ઓમ નો નાદ બંધ થતાં એક અગાઢ શાંતિની અવસ્થા આવે છે જેને તુરીયા અવસ્થા કે સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં બધું જ શાત થઈ જાય છે.
“અ” ને વાણી, “ઉ” ને મન અને “મ” ને જીવનના ધબકારા- પ્રાણ - પણ કહી શકાય. અને અ, ઉ, મ્ ,ર કાર અને બિન્દુથી બનતા ૐ ના સ્વરુપને આત્મા-અંશી કહી શકાય, જે પરમ અંશ પરમાત્મા નો એક ભાગ છે.
અ, ઉ, મ એ અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ છે. તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ Divinity છે અને તે આકાર, અને કૃતિથી પર છે.
અ, ઉ, મ એ ઈચ્છા, ભય અને ક્રોધ રહિત છે તો અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ પૂર્ણ પુરુષ છે અને આ પૂર્ણ પુરુષ પરમ પરમાત્માને સંપૂર્ણ સમર્પિત છે.
અ, ઉ, મ એ નર, નારી અને નાન્યતર જાતિ દર્શાવે છે જ્યારે અ, ઉ, મ, ર કાર અને બિન્દુથી રચાયેલ ૐ એ કૃતિ અને તેના કર્તાનું એક જ સ્વરુપ છે.
સત્યનું નામ એ જ ઓમકાર છે. ભારતીય આધ્યાત્મ જગતનું રહસ્ય ઓમકારમાં સમાઈ જાય છે. ઓમકારને એક શબ્દ તરીકે ઓળખવવો કે વર્ણવવો એક ભૂલ છે, કારણ કે ઓમકાર કોઈ શબ્દ નથી, કારણ કે દરેક શબ્દનો અર્થ હોય છે. જ્યારે ઓમકારને કોઈ શબ્દ ગણી તેનો અર્થ ન સમજાય. ઓમકાર એ એક અનુભૂતીનો વિષય છે. તે તો માત્ર એક શુધ્ધ ધ્વનિ છે. તેમજ તેને એક ધ્વનિ કહેવો પણ એક લાચારી કે આપની સમજવાની મર્યાદા છે. કોઈ પણ ધ્વનિ પેદા કરવા માટે બે વસ્તુને ટકરાવવું પડે, જ્યારે ઓમકારના ધ્વનિને પેદા કરવા આવું કરવાની જરુરીયાત જ નથી રહેતી. ઓમકાર અનાહદ નાદ છે જે કોઈ પણ જાતના ટકરાવ કે આઘાત વિના પેદા થયેલ નાદ – ધવ્નિ છે.
ઓમનો જાપ તો આપણા કંઠની ટકરાહટ છે, આપણા પોતાનામાં જ પેદા થયેલ ધ્વનિ છે. અન્ય મંત્રો છે, જ્યારે ઓમકાર મહા મંત્ર છે, બીજ મંત્ર છે જેમાંથી બીજા બધા મંત્રોની ઉત્પતિ થઈ છે.
ભારતીય આધ્યાત્મિક જગતે મનને મટાડવાની વાત કરી છે. અને જ્યારે મન મટી જાય છે ત્યારે ઓમકારનો અનાહદ નાદ પેદા થાય છે, ઓમકાર ધ્વનિ સંભળાય છે. ઓમકાર મૂળ સ્તોત્ર છે, જેનાથી બધા સ્વર પેદા થાય છે. તમામ અસ્તિત્વ ઓમકારથી જોડાયેલું છે. ઓમકારનો અનાહદ નાદ એટલે શૂન્યનું સંગીત.
વિજ્ઞાનની શોધ વિદ્યુત છે, તેમાં ઉષ્મા, ઉર્જા સમાવિષ્ઠ છે. આજ રીતે ઓમકારને જો વિદ્યુત સમજીએ તો તેમાં ઉષ્મા, ઉર્જા અને પ્રાણનું સ્પંદન સમાવિષ્ઠ છે. આના દ્વારા જ સત્યને પામી શકાય. એક ઓમકારની ધૂનમાં લીન થઈ જઇએ તો બીજું બધું જ શાન્ત થઇ જશે, બહારની દુનિયા શૂન્યમાં પરિવર્તિત થઇ જશે.
યોગ્ય રીતે કરેલી ઓમકારની સાધના પરમ સાથે નાતો બંધાવવા સક્ષમ છે. ઓમકારની સાધના કરવા માટે સ્વસ્થ ચિત્તે શાન્ત ટટાર બેસી, હોઠ બંધ રાખી, જીભને તાળવા સાથે ચોંટાડી ઓમકારનો નાદ શરુ કરો. આ નાદના ગુંજારવને હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવો કે જેથી બહાર પણ સાંભળી શકાય. આમ સતત કરવા રહેવાથી સાધનામાં ક્રમશઃ પ્રગતિ થશે અને સાધનાની એક એવી સ્થિતિ આવશે જ્યારે તમે સાધનાની સ્થિતિમાં મસ્ત બની જશો અને મન તેમજ શરીર સ્વસ્થ બની જશે. ઓમકારના ગુંજારવથી ભીતર અમૃત ઝરવાનો મીઠો અનુભવ થશે. સંગીતની પોતાની આગવી અને અનોખી સુરા છે. ભીતર ઓમકારનો નાદ ગુંજવાથી તમે મદમસ્ત બની સ્ફુર્તિથી ભરપુર બની જશો. અને આમ આ પ્રકારની સાધનામાં ઓમકારનો ધ્વનિ કરતા રહેવાથી એક સ્થિતિ એવી આવશે જ્યારે આપણી ઓમકારની ધૂનની સાથે સાથે બીજી પણ એક આંતરિક ધૂન પેદા થશે. આ આંતરિક ધૂન અદભૂત હશે. આ સ્થિતિ આવતાં આપણી બાહ્ય ધૂન શાંત થઈ જશે અને આપણે આંતરિક ધૂનને શ્રોતા બની સાંભળી રહ્યા હોઇશું. આ સ્થિતિમાં અંદર રોમે રોમમાં પ્રકાશ છવાઈ જશે, અંધકાર દૂર થઇ જશે અને આપણે ઓમકારના અમૃતને માણતા માણતા મહા સુખની વર્ષામાં ભીંજાવા લાગીશું, પરમ તત્વનો અનુભવ કરવા લાગીશું. આ એક અતુલનીય અને અવર્ણનીય સ્થિતિ હશે. અને આમ આ સ્થિતિ આવતાં ઓમકાર આપણા સારીરિક અને માનસિક સ્વરુપને બદલી નાખનારું પરમ રસાયણ બની જશે.
ઓમકારના ધ્વનિની ખુબીથી સત્યના મિલનનો અનુભવ થશે તેમજ તેનાથી આપણામાં સંતોષ આવી જશે, મન સ્થિર થ ઈ જશે, પ્રાણ સ્થિર બનશે, મનની ચંચળતા આપ મેળે દૂર થઈ જશે, દુઃખોનો ભ્રમ ભાગી જશે અને જીવનની દોડાદોડી વિલીન થતાં આનંદ વર્ષા થશે. ઓમકાર પરમાત્માની પહેલી લહેર છે. અર્થાત પરમાત્મા સ્પષ્ટા મટી સ્પષ્ટ બનશે અને એ જ સંસારના માર્ગેથી પાછા જવાનો, સાચા માર્ગે જવાનો રાહ બતાવશે. ઓમકાર કોઈ ખરીદી શકાય કે ઉધાર મેળવી શકાય તેવી ચીજ નથી. એ તો એક જીવંત પ્રાણ શક્તિ છે. એને પ્રાપ્ત કરવા માટે તમામ કામનાઓથી મુક્ત બની ખાલી થવું પડે.
મનોવૈજ્ઞાનિકો માણસને એક ભીડ તરીકે ઓળખાવે છે એ સાવ સાચું જ છે. આપણે બહારથી તો માત્ર એક માણસ જ છીએ. પણ આપણી અંદર પણ અનેક માણસો છે, અંદર એક બજાર ભરેલું છે અને સર્વ ઠેકાણે માણસોની ભીડ જમા થયેલી છે. આપણી આ આંતરિક ભીડને સમેટી લીધા સિવાય આપણે ઓમકારની પરમ સિધ્ધિને પામવા માટે યોગ્ય નથી. અંદરના ખંડિત થઈ ગયેલ ભાગોને એક કરવા પડે. ઓમકાર જ આ ખંડિત ભાગોને એક કરી શકે, ઓમકાર સિમેન્ટ માફક આપણા આ ખંડિત ભાગોને એક કરી અખંડતા પેદા કરશે જે અદભૂત હશે.
ઓમકાર એકત્વનું, અખંડતીતાનું પૂર્ણ સ્વરુપ છે. આપણી પ્રાર્થના, પૂજા, ધર્મપરાયણતા ખંડ ખડમાં છિન્નભીન્ન થઈ ગયેલ છે. આપણે સાંસારિક કાર્યોમાં ભાગેડુ બની જીવી રહ્યા છીએ. આપણા કામમાં અખંડપણું નથી અને આપણું મન મર્કટ બનીને નાસભાગ કર્યા કરે છે. આવી ચેષ્ટાઓ હશે ત્યાં સુધી ઓમકારની સાધના યોગ્ય ફળ નહીં આપે.
ઉત્સવ મગ્ન, આનંદ પૂર્ણ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ જ ઓમકારની પરમ પ્રાપ્તિનો અધિકારી બની શકે છે. આવી વ્યક્તિ જ આંતર ધ્વનિના સાજને બેસાડી શકે છે, ઓમકારની દુનિયામાં ડૂબકી લગાવી સાચી ધાર્મિકતાને વરી શકે છે.
ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે
ૐ કાર મંત્રઘ્વનિ મનુષ્યને સમૃધ્ધિ આપે છે, દોષ અને દુર્ગુણો દૂર કરે છે, જીવનોન્નતિમાં ઉત્કર્ષ-માર્ગ મેળવી આપે છે અને એમની અનેક મૂંઝવણો દૂર કરે છે.
ૐ ઘ્વનિ અંત:કરણને શુદ્ધ કરે છે, યોગસાધનામાં આવતાં વિધ્નોને દૂર કરે છે અને કુશળતા અર્પે છે. આ ૐ કારની સિદ્ધિ એટલી પ્રબળ છે કે કોઇ ચીજ-વસ્તુ એનાથી દૂર રહેતી નથી, અર્થાત્ સર્વ મંગલકારી કાર્યોમાં એનો જયજયકાર થાય છે.
ૐના ગાનથી દુષ્ટ વિચારો નાશ પામે છે. ૐના રટણથી પ્રેરણા, શકિત અને બળ મળે છે. ૐના જપથી મન એકાગ્ર બને છે. એ રસ્તો બતાવે છે, રક્ષણ આપે છે, ઊઘ્ર્વારોહણ કરાવે છે, ઘ્યેય સુધી પહોંચાડે છે અને જન્મ-મરણના ફેરાથી પણ છોડાવે છે.
આ ૐકાર વિશે સામવેદ મંત્રઘ્વનિમાં લખ્યું છે કે,
ૐકાર-પ્રભવા દેવા ૐકાર-પ્રભવા સ્વરા
ૐકાર-પ્રભવાં સર્વ ત્રૈલોક્યં સચરાચરમ
ૐકારથી જ સર્વદેવતા ઉત્પન્ન થાય છે. ૐકારથી જ સ્વરનિધિની જાગૃતિ છે, ત્રણે લોકમાં સર્વ જીવો, સર્વ પ્રાણીઓનું ચેતન છે. સ્વર્ગ-મૃત્યુ અને પાતાળ અર્થાત્ બ્રહ્માંડનું સ્વરૂપ ૐકારમાં જ સમાયું છે.
સુખમાં કે દુ:ખમાં ૐકારનો સાથ અમૂલ્ય છે, નિર્જન સ્થાનમાં રાહબર સમાન છે. ગૃહસ્થાશ્રમમાં સુખ-શાંતિ, સ્થિરતા અને કાર્યકુશળતા આપે છે. ૐકારનો ઘ્વનિ જ સુખદાયક છે.
ૐકારના અર્થ વિશે ભગવદ્રગોમંડલમાં નીચે પ્રમાણે વર્ણન આપેલ છે.
ૐ વેદનો પહેલો અને પવિત્ર ઉચ્ચાર; પરબ્રહ્મ; પરમાત્મા; પુરુષોત્તમ; ઉત્તમ પુરુષ; ક્ષરાક્ષરથી પર; પરમ. જુઓ ઓં. આ પદ અનુભવગમ્ય છે. ૐકાર, પ્રણવ સર્વવ્યાપી, અનંત, તાર, શુક્લ, વૈદ્યુત્ હંસ, તુર્ય, પરબ્રહ્મ એનાં પર્યાય નામો છે. ૐ એ શબ્દબ્રહ્મ છે. દરેક વેદમંત્રની પહેલાં અને પછી ૐનો ઉચ્ચાર કરવાની રૂઢિ છે. વેદ, ઉપનિષદ અને ગીતામાં ૐનો મહિમા ખૂબ ગવાયો છે. સર્વ વેદોનો સાર ઉપનિષદ છે, ઉપનિષદનો સાર ગાયત્રી છે, ગાયત્રીનો સાર વ્યાહ્યતિ છે, વ્યાહ્યતિનો ૐકાર અને ૐકાર એ જ બ્રહ્મ છે; એ સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે. જે ૐકારમાં મગ્ન રહે છે, તે પદબ્રહ્મને પામે છે. ૐ અ, ઉ અને મ્ નો બનેલો હોઈ તેમાં ત્રણે દેવની શક્તિઓ રહેલી છે. अच् ધાતુ રક્ષા, પ્રકાશ, પાલન, હિંસા, વૃદ્ધિ આદિ અર્થમાં છે. ચતુર્દશ ભુવનની રક્ષા કરવાને કારણે અથવા સંસારસાગરથી રક્ષા કરવાને કારણે ૐ નામ પડ્યું છે. તેના ત્રણે અક્ષરો ત્રણ વેદનું પણ સૂચન કરે છે. ૐને ઉદ્ગીથ કહેવામાં આવે છે. ઉપનિષદોમાં ૐકારનું માહાત્મ્ય ભિન્ન ભિન્ન મંત્રોમાં ગવાયું છે. તેનો સાર એમ છે કે, ૐકારને ત્રિમાત્ર બ્રહ્મ કહે છે. આદિકાળમાં તપથી સિદ્ધ બનેલ બ્રહ્માના મુખથી તે પ્રકટ થયેલ છે. કઠોપનિષદમાં નચિકેતાને ઉપદેશ આપતાં યમરાજ કહે છે કે, સર્વે વેદો જે પદને પ્રતિપાદન કરે છે અને સર્વે તપ જેને પ્રતિપાદન કરે છે, જેની ઇચ્છા કરતા મુમુક્ષુ જનો બ્રહ્મચર્ય આચરે છે, તે પદ તારે માટે સંક્ષેપથી કહું છું. એ પદને ૐ કરીને પણ કહે છે. એ નક્કી નાશ રહિત અપર બ્રહ્મ છે, એ જ અવિનાશી પરબ્રહ્મ છે, એ અક્ષરને જાણીને જે જેને ચાહે છે, તેને તે પ્રાપ્ત થાય છે. આ આલંબન શ્રેષ્ઠ છે, આ આલંબન ઉત્કૃષ્ટ છે. આ આલંબને જાણીને બ્રહ્મલોકમાં પૂજ્ય થાય છે. પ્રશ્નોપનિષદમાં સત્યકામ ઋષિએ પિપ્પલાદ આચાર્યને પ્રણવની ઉપાસના વિષે પ્રશ્ન પૂછતાં જણાવ્યું છે કે, હે સત્યકામ ! જે આ પ્રણવ છે તે જ પર અને અપર બ્રહ્મ છે. તેથી આ પ્રણવના આશ્રય વડે જ ઉપાસક અકાર માત્રાની ઉપાસના કરે, તો તે ઉપાસનાના બળથી જ સારી રીતે બોધવાન થતાં તરત જ પૃથ્વી વિષે જન્મ પામે છે અને તેને ફરી ઋગ્વેદનો મંત્ર મનુષ્યશરીર પ્રાપ્ત કરાવે છે; વળી તે મનુષ્યદેહ વિષે તે ઉપાસક તપ વડે, બ્રહ્મચર્ય વડે, શ્રદ્ધા વડે યુક્ત થઈ ઐશ્વર્ય પામે છે. વળી જો તે ઉપાસક અકાર, ઉકાર બે માત્રા વડે મન વિષે ઉપાસના કરે છે, તો તે યજુર્વેદના મંત્રો વડે અંતરિક્ષ વિષે ચંદ્રલોકમાં પહોંચાડાય છે. તે ચંદ્રલોક વિષે મહિમાને ભોગવીને ફરી આ લોક વિષે જન્મ લે છે. વળી જે અકાર, ઉકાર, મકાર ત્રણ માત્રા વડે યુક્ત થઈ આ પૂર્ણ અક્ષર ૐ એ વડે તે જ પરમ પુરુષની ઉપાસના કરે, તો તે ઉપાસક તેજરૂપ મુક્ત થાય છે એટલે કે કાંચળી ઉતારે છે, તેમ તે પાપથી છૂટીને સામવેદના મંત્રો વડે હિરણ્યગર્ભ લોક પ્રત્યે પહોંચાડાય છે અને પછી તે ઉપાસક આ ઉત્કૃષ્ટ હિરણ્યગર્ભથી આ સર્વોત્કુષ્ટ નવ દ્વાર આદિના પુર વિષે શયન કરનાર પરમ પુરુષને દેખે છે એટલે કે પ્રાપ્ત થાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે, ૐ એ જ બ્રહ્મ છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે, ૐકાર જ આ સર્વ છે. માંડૂક્ય ઉપનિષદમાં તો આ શબ્દની ભરપૂર વ્યાખ્યા છે. તેમાં તેનું પૃથક્કરણ કરીને એવો અર્થ કરેલ છે કે, अ એટલે વૈશ્વન કે જે જાગતી દુનિયામાં જાગ્રત આત્માનું ચૈતન્ય છે; उ એટલે તેજ કે જે આ સ્વપ્નમય દુનિયામાં સ્વપ્નાનો આત્મા છે અને म એટલે પ્રજ્ઞ કે જે ઊંઘતા આત્માની દુનિયાનો પ્રાણ છે. આખા ૐનો અર્થ જાણી શકાય નહિ એવો છે અને તેની અંદર આખી સૃષ્ટિનો સમાવેશ થાય છે. ઉપનિષદોમાં અનેક પ્રકારે અર્થ કરાયેલ આ ૐ એ અક્ષર બ્રહ્મ છે. આ વર્ણાક્ષરરૂપી બ્રહ્મ જ જગતને આરંભે હતું એટલે સર્વ ક્રિયાના તેનાથી જ પ્રારંભ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્વમુખે ગીતામાં કહ્યું છે કે, સર્વ વેદોમાં હું ૐકાર છું; ૐ એકાક્ષર બ્રહ્મ છે; ૐ, તત્ અને સત્ એ બ્રહ્મનાં ત્રિવિધ નામ છે. વિષ્ણુસહસ્ત્રનામમાં સમજાવ્યું છે કે, प्र ઉપસર્ગપૂર્વક णु ધાતુ સ્તુતિ અર્થમાં છે, જેના વડે શ્રેષ્ઠ આત્માની સ્તુતિ થાય છે તેને પ્રણવ કહે છે. ૐ જાગૃતે બહિર્પ્રજ્ઞ અકાર વિશ્વ, સ્વપ્ને ઉકાર થઈ તૈજસ્ અંતઃપ્રજ્ઞ; સુષુપ્તિમાં રહી અકામ મકાર પ્રાજ્ઞ, ૐકાર અદ્વિતીય શિવ અમાત્ર શાંત. – વિહારી अ, इ, उ, ए, ओ એમ પાંચ અક્ષરો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પ્રમાણે પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલા હોઈ એ પાંચ પુરુષલિંગ તથા आ, ई, ऊ, ऐ, औ એ પાંચ સ્ત્રીલિંગ અને ऋ, ऋ, लृ, ल्द એ ચાર નપુંસકલિંગ તથા अं, अः એ બે અનુસ્વાર અને વિસર્ગ મળી સોળ સ્વરો નિર્માણ થયેલા છે. મતલબ કે અપૌરુષેય એવા વેદાંગશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે મૂળ તેસઠ કિંવા ચોસઠ વર્ણોથી બનેલા આ વર્ણશાસ્ત્રની ઉત્પત્તિ મૂળ ઈશ્વરીય કિંવા ચૈતન્યતત્ત્વ ૐમાંથી જ થયેલી છે. પ્રથમ अ જાગ્રતનો સાક્ષી એટલે અભિમાની વિશ્વરૂપ છે. उ સ્વપ્નો સાક્ષી તૈજસનો વાચ્ય છે અને म् સુષુપ્તિનો સાક્ષી પ્રાજ્ઞરૂપ વાચ્ય છે. વળી કેટલાકને મતે તો ૐની અ, ઉ, મ્ ને અમાત્રા એમ ચાર માત્રા છે. અનો વિશ્વ તથા વિરાટ સાથે, ઉનો તૈજસ તથા હિરણ્યગર્ભ સાથે, મ્ નો પ્રાજ્ઞ તથા ઈશ્વર સાથે અને અમાત્રાનો પ્રત્યકચૈતન્ય તથા બ્રહ્માની સાથે અભેદ યોગભ્યાસી દીક્ષા દ્વારા તથા પુરુષ પ્રયત્ન દ્વારા અનુભવતાં શીખે છે. આ ૐનું પ્રતીક અથવા સંકેતરૂપ ચિહ્ન ત્રિકોણસ્થ બિંદુ ગણવામાં આવે છે. આ બિંદુ મૂલમંત્રનું પ્રતીક અથવા બોધકરૂપ છે અને તેને ઉપાસનાશાસ્ત્રમાં યંત્ર એવું નામ અપાય છે.
*****
ઓમ જપ કે રટન માટે નથી. જ્યારે સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

ઓમ ની શોધ આકસ્મિત હોઇ શકે છે, પરંતુ જ્યારે પણ અને જેઓએ પણ ઓમની શોધ કરી તેઓ કાંઇક એવાની શોધમાં હતા કે જે શાંતિ-નિરવતા વચ્ચે સેતુ સમાન કડી બની શકે. શાંતિ યા નિરવતામાં કોઇ અર્થસભરતા યા અર્થહીનતા, કાંઇ જ હોઇ ન શકે. એ બંનેથી પર સાક્ષાત્ પરલોક જ છે. હકીકતમાં ઓમ્ શબ્દ શાંતિને જોડવા પ્રયોજાયેલ છે. ધ્વનિરચનામાં પાયાના ત્રણ અક્ષર અ-ઉ અને મ ની મદદથી ઓમ્ની રચના કરાયેલ છે. આ ત્રણેય અક્ષરો ઉચ્ચારશાસ્ત્રના મૂળ શબ્દ (seed) છે.

આ અ-ઉ-મ ક્યાંય લેખિત સ્વરૂપે નહીં હોવાં છતાં માત્ર લાક્ષણિક પ્રતીકરૂપે જ છે. ઓમ્ તેનાં મૂળરૂપમાં સંસ્કૃતમાં પ્રાપ્ય છે કે જેમાં તે ચિત્રાંકનરૂપમાં જ પ્રદર્શિત થયેલ છે. આ કોઇ શબ્દ યા અક્ષર નથી. ઓમ એક ચિત્રરૂપ છે. ઓમ્ એક એવા અવકાશની પ્રતિકૃતિ છે જેમાં મર્યાદાવાળી ધ્વનિસૃષ્ટિનો અંત આવે એવી અનંતતાનો શાંતિપ્રવેશ પ્રયોજાય, જેથી શબ્દ અને શબ્દહીનતાની સીમા ઘડાય છે. ઓમ પછી કોઇ શબ્દ જ નથી. કહેવાય છે ઓમ સંસાર અને તેને પારનું સીમાંકન છે. જેથી સંસારત્યાગ સમયે એનું સ્મરણ કરનારને કવચિત્ તે સંસાર પાર કરાવે. ભારતના પ્રતિભાવંતોએ ઓમ્ શબ્દને વિશ્વસ્તર પર અત્યંગ દુરગામી અર્થપૂર્ણતા અને પ્રગાઢ બૌધિકતા પ્રદાન કરાવી છે.

ઓમ એક અપવાદ-રૂપ, વિરલ અને અપૂર્વ શબ્દ છે. આ શબ્દની અસામાન્યતા એ છે કે એ અર્થશૂન્ય છે. બધાં જ શબ્દો પોતાનો કાંઇક અર્થ ધરાવે છે. જ્યારે ઓમ્નો કોઇ અર્થ જ નથી. આ શબ્દનું દુનિયાની કોઇપણ ભાષામાં ભાષાંતર કરવાનું શક્ય નથી અને એમ કરવાનો કોઇ ઉપાય પણ નથી. જો એનો કોઇક અર્થ હોત તો કોઇપણ ભાષામાં એનો સમાનાર્થી શબ્દ શોધી શકાતો પરંતુ એની અર્થશૂન્યતાની વિશિષ્ટતા જ એને ભાષાંતરના પ્રયોગથી ક્યાંય અજ્ઞાત બનાવે છે તથા અત્યંત લાક્ષણિક બળ બક્ષે છે. સંસારમાં કદાચ આ એક જ શબ્દ છે જે અર્થપ્રયોજનને પાર છે. આવી દેખીતી અર્થહીનતા જ એને સૂક્ષ્મ રીતે અત્યંત શક્તિમાન અને સીમાહીન બનાવે છે.

ઓમ જપ યા રટણ માટે નથી, પરંતુ ધ્વનિ-શ્રવણના અનુભવની આંતરિકતા છે. ધ્યાન-ચિંતનમાં જ્યારે બધા શબ્દો માનસિકતામાંથી શાંત થાય ત્યારે ઓમ્નો આવિર્ભાવ આરંભાય છે. એના ઉચ્ચારણની આવશ્યકતા નથી, કારણ કે ઉચ્ચારણ ફરી આપણને જ શ્રોતા બનાવે જે ક્રિયા ઓમ્ની આંતરિકતાને દ્રઢ થતાં અવરોધે છે અને તેનું સ્વસંગીત હણાય છે. તમામ શબ્દો, ઘોંઘાટ, શમી જાય ત્યારે જ ઓમ્નું આંતરિક સ્વશ્રવણ શક્ય બને. જ્યારે સંપૂર્ણ માનસિકતા અને બુદ્ધિજન્યતા, વિચારો અને શબ્દો બધું શમી જાય અને ઊંડી શાંતિ અનુભવ્યા બાદ જે અસામાન્ય સૂક્ષ્મ કંપન શેષ રહી જાય તેને આ દેશે ઓમ તરીકે ઓળખ્યો છે.

ક્યારેક અત્યંત ઊંડા ખાલીપાનો આપણામાં સ્વપ્રવેશ થાય છે ત્યારે તે પોતાનો એક ધ્વનિ, એક આગવું સંગીત લઇને આવે છે. અથડાત યા ઘર્ષણ એ અવાજના અનુભવ માટેની પૂર્વશરત છે પરંતુ આ તો કોઇપણ કારણહીન પડઘો છે. ધ્યાન-ચિંતન એ શાંતિ-પ્રવેશની યાત્રા છે. જ્યારે અવાજ સદંતર બિનહયાત બને, જ્યારે કોઇ જ બીજાપણું, દ્વૈતતા (Duality) શેષ નહીં રહે અને આંતરિક એકલતા અનુભવાય ત્યારે પેલો અકારણ પ્રયોજાયેલ ધ્વનિ અસ્તિત્વ પામે. ભારતનાં ઋષિઓ એને ઓમ તરીકે ઓળખે છે.

નું વિસ્તૃત પ્રયોગીકરણ તેની પ્રાર્થનામયતા અને વૈશ્વિક શાંતિના ધ્વનિકરણની અદ્ભુત ક્ષમતા પ્રમાણિત કરે છે. વ્યાપક અસર પેદા કરનાર ઓમ માત્ર આંતરિકતાનો વિસ્ફોટ (inner explosion) છે. જે દ્રઢતાપૂર્વકના પ્રયોગ દ્વારા શક્ય છે.

No comments:

Post a Comment