Translate

Search This Blog

Monday, March 7, 2016

શિવ ચિદાનંદ, સુખધામ, મોહભંજક તથા મદ અને કામથી મુક્ત છે

The following article is displayed here with the courtesy of Divya Bhaskar daily.



શિવ ચિદાનંદ, સુખધામ, મોહભંજક તથા મદ અને કામથી મુક્ત છે

Read the article at its source link. 

શિવતત્ત્વનું દર્શન ‘માનસ’માં અનેક પ્રકારે કરવામાં આવ્યું છે. ‘માનસ’નો ‘સિવ’ શબ્દ જોડીને એક વિશિષ્ટ શિવદર્શન આ દોહામાં છે-
ચિદાનંદ સુખધામ સિવ
બિગત મોહ મદ કામ.
વિચરહિં મહિ ધરિ હૃદયં
હરિ સકલ લોક અભિરામ.
શિવ ચિદાનંદ છે. તમે જેમના ચિત્તનો આનંદ અખંડ જુઓ એમને શિવ સમજવા. એમના નામનો આશ્રય કરીને જે સાધક આગળ વધે છે એ જ ચૈતસિક આનંદને નિરંતર પ્રાપ્ત કરી શકે છે.

જેમની પાસે આપણી ભીતરી ઊર્જા જાગ્રત થવા લાગે, અકારણ આપણી આંખો ભીંજાવા લાગે, એવું થાય કે મારા આત્મલિંગ પર કોઈના અનુગ્રહનું જળ અભિષેક કરી રહ્યું છે, તો એ છે સુખધામ

‘રુદ્રાષ્ટક’માં પણ ‘ચિદાનંદ’ શબ્દ વારંવાર આવે છે. ભગવાનનું એક નામ છે સચ્ચિદાનંદ, ચૈતસિક આનંદ. આનંદનાં ત્રણ સ્તર છે. આનંદની ધારા જ્યારે ચિત્ત સુધી પહોંચી જાય છે ત્યારે બુદ્ધપુરુષોને અખંડ આનંદ અનુભવાય છે. આનંદ તો સૌમાં છે, કારણ કે આપણે તત્ત્વત: આનંદ સ્વરૂપ છીએ. એની ખોજ થવી જોઇએ. વર્ષો પહેલાં બંગાળમાં એક ઘટના બની. ગોપાલ ભટ્ટ નામે મોટો પંડિત હતો. એ ચોવીસ કલાક આનંદમાં રહેતો હતો. અન્ય પંડિતોને તેમના અખંડ આનંદની ઇર્ષ્યા થવા લાગી.

એક પંડિતે ગોપાલ ભટ્ટને જિજ્ઞાસા કરી કે આપના આનંદનું રહસ્ય શું છે? પંડિતજીએ કહ્યું, મારી પાસે એક મણિ છે. એ મણિનું નામ આનંદમણિ છે. તેથી હું નિરંતર આનંદમાં રહું છું. તો, પંડિતોએ કહ્યું કે, એ મણિ ક્યાંથી મળશે? અમને પણ બતાવો. ગોપાલ ભટ્ટે કહ્યું, એના માટે ઘણો પ્રયાસ કરવો પડશે. પૂર્ણિમાની રાતે જ્યારે ચાંદ તમારા માથા પર હોય ત્યારે ત્યાં ખોદવું, ત્યાંથી આનંદ મળશે. મણિ ત્યાં છે. પંડિતજીએ કહ્યું, કાલે જ પૂનમ છે. આપ અમારી સાથે આવશો? ગોપાલ ભટ્ટે કહ્યું, હા, જરૂર, હું આવીશ.

બધા પંડિતો એકઠા થયા. જ્યાંથી ખૂલું આકાશ દેખાતું હતું ત્યાં ગોપાલ ભટ્ટ સાથે ગયા. પૂર્ણિમાનો ચાંદ હતો. ગોપાલ ભટ્ટે કહ્યું, જ્યારે ચાંદ તમારા માથા પર આવે ત્યારે ખોદવાનું શરૂ કરી દેજો. એટલું કહીને ગોપાલ ભટ્ટ વૃક્ષ નીચે સૂઇ ગયા. થયું એવું કે, પેલા લોકો જ્યાં જાય ત્યાં એના માથા પર ચાંદ જ દેખાતો હતો! હવે ખોદે તો ક્યાં ખોદે? આખી રાત વિતાવી. કંઇ પાલે પડ્યું નહીં!

સવારે નારાજગી સાથે પંડિતોએ ફરિયાદ કરી, ગોપાલજી, અમને મૂંઝવણમાં મૂકીને આપ સૂઇ ગયા, અમે બહુ જ ખોદ્યું, પરંતુ કાંકરા નીકળ્યા! ગોપાલ ભટ્ટે કહ્યું, મારું કહેવું એમ હતું કે, જ્યારે માથા પર ચાંદ આવે ત્યારે જમીનને ખોદવી નહીં, મસ્તિષ્કને ખોદવું. જે વિચારોને કારણે આનંદમણિ ઉપલબ્ધ નથી થતો, જે વિચારોના આવરણને કારણે આનંદમણિ દટાયેલો રહે છે, એ વિચારોને હટાવી દો. જમીન ખોદવાની જરૂર નથી. આનંદનો મણિ સૌ પાસે છે.

આપણે આપણા વિચારોનું દર્શન કરીએ. જો તમારો પુરુષાર્થમાર્ગ છે, પ્રયાસમાર્ગ છે, સાધનાનો માર્ગ છે, જાતે પુરુષાર્થ કરવો છે તો એ તરફ જવું પડશે. જો તમારો માર્ગ કેવળ કૃપાનો માર્ગ છે, તો ગુરુ પર છોડી દો. કેટલાક લોકો પુરષાર્થથી પ્રાપ્તિ કરવાની ચેષ્ટામાં રહે છે, અને ક્યારેક-ક્યારેક આપણે માનીએ છીએ કે, આ બધું આપણા પુરુષાર્થથી થયું છે. પરંતુ જ્યારે જાણ થાય છે ત્યારે સમજાય છે કે આપણા પુરુષાર્થથી નથી થયું, કોઇની કૃપાથી થયું છે.

શ્રી હનુમાનજી માનતા હતા કે, સંજીવનીનો પહાડ મેં ઉઠાવ્યો છે. તેથી ભરતજીએ કહ્યું કે, પહોંચવામાં વિલંબ થશે અને વૈદ્યએ સમયાવધિ આપી છે તો આપ એમ જ જશો તો વિલંબ થશે. એટલે મારા આ બાણ પર આપ પર્વતસહિત બેસી જાઓ. હું આપને સમયસર લંકા પહોંચાડી દઇશ. કળિયુગમાં મારા યુવાન ભાઇઓને સલાહ આપું છું કે, હનુમાનજીના ઉગ્ર સ્વરૂપની ઉપાસના ન કરવી. હનુમાનનું સૌમ્ય સ્વરૂપ છે. ઉગ્રતા તમને ઉગ્રતા આપશે. સૌમ્યતા તમને સૌમ્યતા આપશે.

માનસિકતા શસ્ત્રમુક્ત હોવી જોઇએ, સંઘર્ષમુક્ત હોવી જોઇએ. તો, મારાં ભાઇ-બહેનો, બે માર્ગ છે. એક સાધનાનો પક્ષ કે કર્મનો પક્ષ. બીજો પક્ષ છે કૃપાનો પક્ષ. જે આપણી આનંદધારાને પ્રગટ થવામાં અવરોધ ઊભો કરે એવા વિચારોને કાંકરાની માફક ફેંકી દેવા. સૌની પાસે આનંદમણિ છે. આનંદ આપણું સ્વરૂપ છે. પરંતુ આનંદ વિશે મનમાં વિકલ્પો થયા કરે છે. પરંતુ સાધક કૃપાપક્ષને લઇને જો પ્રયત્ન કરે તો યાત્રા ધીમી હોય, તો પણ એની યાત્રા આનંદના સ્તરેથી બુદ્ધિ સુધી પહોંચે છે.

ત્યારબાદ આનંદની યાત્રા ચિત્તપ્રદેશમાં થાય છે, જેને ચિદાનંદ કહે છે. ‘ચિદાનંદ’ બહુ સુંદર શબ્દ છે. ‘ચિદાનંદ સુખધામ સિવ’ શંકરાચાર્યજી કહે છે, આનંદને માટે ધીરે ધીરે બધાં જ સ્તર છૂટી જાય અને ‘ચિદાનંદ રૂપ: શિવોડહમ્ શિવોડહમ્.’ બીજું લક્ષણ, સુખધામ શિવ. ભગવાન શિવ સુખધામ છે. રામનું નામ છે સુખધામ. ‘સો સુખધામ રામ અસ નામ.’ શિવનું સ્વરૂપ સુખધામ છે. શિવ પાસે જવાથી સુખ મળે છે. સુખની અનુભૂતિ થાય છે. એનો મતલબ થયો કે જેમની પાસે જવાથી નિરંતર સુખનો અનુભવ થાય છે એ શિવ છે.

એ કોઇ ગણવેશવાળા હોવા જરૂરી નથી. કોઇ એવી વ્યક્તિ મળી જાય કે જેમની પાસે આપણી ભીતરી ઊર્જા જાગ્રત થવા લાગે અને સુખનો અનુભવ થવા લાગે તથા અકારણ આંખો ભીંજાવા લાગે અને એવું થાય કે મારા આત્મલિંગ પર કોઇના અનુગ્રહનું જળ અભિષેક કરી રહ્યું છે, તો એ છે સુખધામ. ત્રીજું લક્ષણ છે, શિવ મોહથી મુક્ત છે. સદ્્ગુરુ મોહથી મુક્ત છે. એ મોહને મિટાવે છે. એમનામાં વિશુદ્ધ પ્યાર હોય છે, આસક્તિ નથી હોતી. ‘માનસ’ના શિવ મોહભંજક છે.

જેમની પાસે પદ હોય એમને મદ હોય. શિવમાં કોઇ મદ નથી. શિવ કામથી મુક્ત છે. શિવ આમ ચિદાનંદ છે, સુખધામ છે, મોહભંજક છે, મદ અને કામથી મુક્ત છે. શિવના આ પંચશીલ છે.

(સંકલન : નીતિન વડગામા)

No comments:

Post a Comment