સદ્દગુરુ પોતે દુ:ખી થાય,પણ એ કોઈને દુ:ખી ન કરે
(સંકલન: નીતિન વડગામા)
- ચાર પ્રકારના રાજા હોય. એક, એની હયાતી જ પૂરતી હોય, જેનું હોવું બધામાં વ્યાપી જાય. બે, જેને લોકો પૂજે છે. ત્રણ, એક એવો રાજા જેને બધા પ્રેમ કરે અને ચાર, લોકો એનાથી ડરે.
- બુદ્ધપુરુષ પણ ચાર પ્રકારના હોય.
- કોણ સદ્દગુરુ, કોણ આપણો કર્ણધાર? અને કયો બુદ્ધપુરુષ, જે મને અને તમને પોષે, શોષે નહીં. આપણે ત્યાં ગુરુ માટે બોલાતા ચાર શબ્દોનો ઉપયોગ કરું છું-કુલગુરુ, ધર્મગુરુ, સદ્દગુરુ અને જગદ્દગુરુ.
- બધાં એને જુએ તો ઓળખે, પણ એના મૂળ મર્મને ઓળખી ન શકે. આવું એક તત્ત્વ, જેને જગદ્દગુરુ કહેવાય, એ અધ્યાત્મજગતના શાસક છે. જગદદ્ગુરુ એ છે જે વ્યાપ્ત હોય, આપણને એ નામથી બોલાવતા હોય, પણ એને આપણે પામી શકતા નથી. આપણને એમ જ થાય કે એ આપણા જેવા જ છે, આપણી જેમ ખાય, બોલે. એનું હોવું બહુ જ મોટી અસર ઉપજાવે. પરંતુ વળી પાછું આપણને ક્યારેક ક્યારેક થાય કે આ બુદ્ધપુરુષ હશે? આને તુલસી જગદ્દગુરુ કહે છે. રામ જગદ્દગુરુ છે.
- આ ગુરુ પરંપરામાં જે કુલગુરુ છે એને લોકો પૂજે.
- ત્રીજો ધર્મગુરુ. એનાથી લોકો ડરે. તથાકથિતમાં એવું દેખાય જ છે!
- સદ્દગુરુ એવો હોય કે પોતે દુ:ખી થાય, પણ એ કોઇને દુ:ખી ન કરે. અને બગીચામાં જ રહે પણ એકેય પાંદડું તોડે નહીં. ફૂલને મૂરઝાવા ન દે. આપણી વચ્ચે જ રહે. પણ આપણું શોષણ ન કરે.
- તથાકથિત ધર્મગુરુઓથી જગત ડરે છે. કુલગુરુને લોકો પૂજે છે. જગદ્દગુરુ વ્યાપ્ત છે.
- એવો ગુરુ કે જેને પૂજાવું નથી. એને લોકો પ્રેમ કરે, એનું નામ છે સદ્દગુરુ. સદ્દગુરુની લોકો પૂજા નથી કરતા, એને પ્રેમ કરે છે.
એક એવુ ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વગર પણ જઇ શકું.
- જે વસ્તુ આપણા કારણ વગરના મોહનો ક્ષય કરે તે મોક્ષ. અહીં પ્રેમ, નીતિ, પ્રામાણિકતા, આનંદથી જીવી લેવું, આનાથી બીજો મોક્ષ કયો, સાહેબ! મોક્ષની વાતો કરતા હોય તેના મોઢા પર કડકાઇ હોય છે! પહેલાં તારી આ કડકાઇને તો મોક્ષ આપ! આ પૃથ્વી બહુ જીવવા જેવી છે. અને જે રીતે વિજ્ઞાને સુવિધા કરી છે. મને તો એમ થાય કે બહુ જીવવું છે. મારા ભાગનો મોક્ષ તમને દક્ષિણામાં, તમે વહેંચીને ખાજો! મને તો એવું લાગે છે કે આપણે જે નવ દિવસ આનંદ કર્યો ને ભજન અને ભોજનની જે ઝપટ બોલી છે, આ સ્વર્ગ છે. બીજું શું મોક્ષ?
- મારો ભરત મુક્તિ નથી માગતો-
અરથ ન ધરમ ન કામ રુચિ
ગતિ ન ચહઉં નિરબાન.
જનમ જનમ રતિ રામપદ
યહ બરદાનુ ન આન.
અને મારા નરસિંહ મહેતા સુધી જતાં રહીએ તો...
હરિના જન તો મુક્તિ ન માગે,
માગે જનમ જનમ અવતાર રે,
નિત સેવા નિત કીર્તન ઓચ્છવ,
નિરખવા નંદકુમાર રે,
- ‘ગીતા’ કહે, કર્મ વિના માણસ જીવી શકતો નથી. અને ત્યાં કથા નથી એ ચોક્કસ! ત્યાં કદાચ હરિ હોય તો પણ હરિકથા નથી!
(સંકલન: નીતિન વડગામા)
No comments:
Post a Comment