આપણા જીવનના વૃક્ષનું મૂળ છે આપણો પોતાનો સ્વભાવ
(સંકલન : નીતિન વડગામા)
- અને એ બે હાથમાંનો એક હાથ નિંદા કરનારાઓ ઉપર છે અને એક હાથ સ્તુતિ કરનારાઓ ઉપર છે. બસ, આટલામાં બધું સમજી જજો!
- એમ છતાં પણ હું તમને પ્રાર્થના કરું કે હવે થોડાં જીવનનાં વૃક્ષને જુઓ, જેથી ક્યારેક હનુમાનજીને તમારા વૃક્ષ પર આવીને છુપાઈ જવાની ઇચ્છા થાય.
- વૃક્ષનાં દરેક પાસાંને તમે જુઓ. એક તો એનું મૂળ છે, જે જમીનમાં છુપાયેલું છે. એ દૃશ્યમાન નથી, અદૃશ્ય છે. મૂળ પછી આવે છે થડ. પછી આવે છે શાખાઓ અને એ શાખાઓમાં પર્ણ આવે છે. પછી આવે છે ફૂલ અને ફળ. અને જ્યારે ફળ પાકે છે ત્યારે કોઈ શુક આવે છે, કોઈ પક્ષી આવે છે. પક્ષી તો આગંતુક છે. એને બાજુએ રાખો, પરંતુ વૃક્ષનાં આ પાસાંઓને સમજો. મૂળ, થડ, શાખાઓ, પર્ણ, ફૂલ, ફળ અને એના ફળમાં જ રસ સમાહિત છે. કોઈ પણ વૃક્ષની આ છબિ છે.
- આપણા જીવનનાં વૃક્ષનું મૂળ છે આપણો પોતાનો સ્વભાવ. મારા ગોસ્વામીજીએ યોગ્ય લખ્યું છે કે, ‘મિટઇ ન મલિન સુભાઉ.’ પ્રત્યેક વ્યક્તિના જીવન-વૃક્ષનું મૂળ છે એનો પોતાનો સ્વભાવ. માણસનો વિકાસ નિજ સ્વભાવને અનુકૂળ હોવો જોઈએ.
યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચ ય:
હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તો ય: સ ચ મે પ્રિય:
- ગોવિંદ કહે છે કે એવા સાધક મને પ્રિય છે, જેમને કારણે દુનિયાના કોઈ પણ જીવને ઉદ્વેગ નથી થતો અને જે સ્વયં પણ દુનિયાને કારણે ઉદ્વેગ નથી પામતા. અને પછી જેમને નથી હર્ષ કે નથી અમર્ષ. નથી ભય કે નથી ઉદ્વેગ. કોઈ વ્યક્તિનું જીવન-વૃક્ષ એમના સ્વભાવમાંથી ઊગ્યું છે અને એ તમારો દ્વેષ કરીને તમને ઉદ્વિગ્ન કરવાની ચેષ્ટા કરતા જ રહે, તો એ સમયે તમે ઉદ્વિગ્ન ન થાઓ, એમને ક્ષમા કરો, એવું ‘ગીતા’માં શ્રીકૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપતાં કહ્યું છે.
- આ જગતની સમગ્ર પરંપરા કહે છે કે અહીં જ્યારે કોઈને કોઈએ માર્યા છે ત્યારે પોતાના લોકોએ જ માર્યા છે!
- આ એક વાત સમજો કે સમજી-વિચારીને આપણે કોઈને ઉદ્વિગ્ન ન કરીએ. પોતાના સ્વભાવને કારણે કોઈ ઉદ્વિગ્ન થઈ જાય તો એનું દાયિત્વ આપણા પર નથી. એવી જ રીતે સામેની વ્યક્તિ પોતાના સ્વભાવ મુજબ જે વર્તન કરે છે એને કારણે તમે ઉદ્વિગ્ન ન થાઓ.
- જે કોઈથી ઉદ્વિગ્ન ન થાય, જે કોઈને ઉદ્વિગ્ન ન કરે તેમજ જેમને નથી હર્ષ કે નથી અમર્ષ એટલે કે ક્રોધ, ઈર્ષા કે ભય એ સાચો સાધક છે.
- સમુદ્ર આટલો ઊછળે છે, કૂદે છે, ગર્જે છે, પરંતુ માછલીઓને કોઈ ભય નથી, કોઈ અમર્ષ નથી, કોઈ ચિંતા નથી. આપણે સૌ પણ ભવસિંધુનાં તરંગોમાં છીએ. એ તત્ત્વજ્ઞાનને સમજી લો.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment