ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ મેળવો
This article is displayed here with the courtesy of Divya Bhaskar daily.
વિષાદથી મુક્તિ, વિદ્યાની પ્રાપ્તિ, વિવેકની વૃદ્ધિ, વિકાસની વૃદ્ધિ અને વિશ્વાસનું દૃઢીકરણ ગુરુના ઘરે, ગુરુનાં ચરણોમાં થાય છે
ગુરુ પોતાની પાસે નવ વસ્તુ રાખે છે અને નવ પૂર્ણાંક છે. એનો મતલબ કે એમની પાસે બધું છે. ભગવાન કરે કોઇને વિષાદ ન જન્મે. પરંતુ જગતમાં તો બધું થતું રહે છે: ક્યારેક ગ્લાનિ, ક્યારેક પ્રસન્નતા, તો હું ભારતીય આધ્યાત્મિકતા તરફથી નિમંત્રિત કરું છું કે જ્યારે મનમાં વિષાદ જન્મે ત્યારે ગુરુગૃહ જવું. ત્યાંથી પ્રસાદ પામ્યા વિના કોઇ પાછું ફર્યું નથી. ત્યાં વિષાદ પ્રસાદમાં કન્વર્ટ ન થાય એવો સંભવ નથી. દુનિયામાં આમ-તેમ જવાથી વિષાદ ઓછો નથી થતો. ગુરુદ્વારે જઇએ ત્યારે કંઇક જુદા હોઇએ છીએ અને પાછા ફરીએ છીએ ત્યારે વળી કંઇક જુદા હોઇએ છીઅે!
બીજી વાત, ગુરુના ઘરે વિદ્યા પ્રદાન કરવાની વ્યવસ્થા હોય છે. 'માનસ'માં તો લખ્યું છે કે 'વિદ્યા સબ પાઇ.' ભજન કરે માયાથી મુક્ત થઇ શકે એવી સંતોની અનુભૂતિ છે. પરંતુ આપણા જેવા સંસારના લોકો માયાગ્રસ્ત છે, એમને વિદ્યાથી જરૂર છે. માયાના બે પ્રકાર છે-વિદ્યા અને અવિદ્યા. ગુરુની પાસે જવાનો ફાયદો થશે કે અવિદ્યા નામની માયા આપણને ત્રાસ નહીં આપી શકે. માયાનો પ્રપંચ આપણા માટે દુ:ખદ ન બને એવી વિદ્યાની આપણને પ્રાપ્તિ થાય. વિદ્યા એટલે સમજ. ગુરુના ગૃહેથી વિદ્યા પ્રાપ્ત થઇ જાય છે ત્યારે આપણા જીવનમાં એક ત્રીજી આંખ ખૂલી જાય છે અને કહેવા લાગે છે કે સંસારમાં સ્વર્ગ જેવું કંઇ નથી. અને મારી વ્યાસપીઠ તે હંમેશાં કહેતી રહે છે કે સ્વર્ગ-નર્ક દ્વન્દ્વ છે, પરંતુ ગુરુના દ્વારેથી વિદ્યા પ્રાપ્ત થઇ જાય છે તો લાગે છે કે જે કંઇ છે અહીં છે. માયા હશે તો પણ, ગુરુગૃહથી વિદ્યા પ્રાપ્ત થાય તો માયા વિદ્યામાયા હશે અને આપણને બંધનમાં નહીં રખો. અવિદ્યા બંધનમાં નાખે છે.
ગુરુના ઘરે જવાથી ત્રીજી વસ્તુ વિવેકમાં વૃદ્ધિ થાય છે. જે ગયા છે એમનો વિવેક વધ્યો છે. ગુરુગૃહ શરીરથી ન પહોંચી શકાય તો ચૈતસિકરૂપે પહોચવું.
ચોથું, ગુરુગૃહ જવાથી વિશ્વાસ દૃઢ થાય છે. આપણે પડવાની તૈયારીમાં હોઇએ છીએ અને પછી સ્વસ્થ થઇને પાછા ફરીએ છીએ. ગુરુનું એક વાક્ય આપણા ભરોસાને દૃઢ બનાવી દે છે. કોઇ હોસ્પિટલમાં જવાથી ભરોસો નથી વધતો, વધે છે તો કોઇ જાગૃત મહાપુરુષનાં ચરણોથી. અને હું જ્યારે 'વિશ્વાસ' શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે આધ્યાત્મિક દૃષ્ટિથી કરી રહ્યો છું. ગુરુના દ્વારે આપણો ભરોસો દૃઢ બને છે.
નિઝામુદ્દીનનો એક ખૂબ પ્રિય શિષ્ય અમીર ખુશરો. એના જીવનમાં બનેલી એક ઘટના. એક દિવસ રાતના સમયે અમીર ખુશરો પગ દબાવે છે. એકાંત છે. પાંચ મિનિટ માટે મનના તરંગો બદલ્યા! અમીર વિચારવા લાગ્યો કે 'શું માણસ પીર છે? જાગૃત છે? મેં કોઇ અંધશ્રદ્ધા તો નથી દાખવી ને? આપણા જેવો તો માણસ છે આ!' વારંવાર મનમાં ખોટા તરંગો અથડાવા લાગ્યા. 'શું પીર છે?' આપણા સૌની મનોદશા રહ્યા કરે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પછી આપણે બહુ દોડીએ છીએ તો ધીરે ચાલવાથી વિશ્રામ મળે છે, ધીરે ચાલવા પછી ઊભા રહેવામાં વિશ્રામ મળે છે. ઊભા રહેવા કરતાં બેસી જઇએ તો વધારે વિશ્રામ મળે છે. સૂઇ જઇએ તો વધુ વિશ્રામ મળે છે, કરવટ બદલવાથી એથીયે વધારે વિશ્રામ મળે છે. અમીરના મનમાં ખોટા તરંગો ચાલતા હતા સમયે નિઝામુદ્દીને કરવટ બદલી. ગુરુની કૃપા જુઓ! એ એક જ વાક્ય બોલીને કરવટ બદલી દે છે કે 'અમીર, કરવટ બદલી લે!' વાત પૂરી! મંત્ર હતો, મહામંત્ર હતો. પછી અમીરનો જે ભરોસો દૃઢ થયો છે! ગુરુ વિના વિશ્વાસનું દૃઢીકરણ બીજું કોણ કરશે?
વિષાદથી મુક્તિ, વિદ્યાની પ્રાપ્તિ, વિવેકની વૃદ્ધિ અને વિશ્વાસનું દૃઢીકરણ ગુરુના ઘરે થાય છે. પાંચમું લક્ષણ વિકાસની વૃદ્ધિ. આખરે તો આપણે સંસારી છીએ. ગુરુગૃહ જતાં આપણા સંસારી લોકોના કંઇક મનોરથ હોય છે કે આપણો વિકાસ થાય. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે વિકાસની વૃદ્ધિ થાય છે. ચાહે ધર્મવિકાસ હોય, અર્થવિકાસ હોય, કામવિકાસ હોય કે મોક્ષવિકાસ હોય. તુલસીનું વાક્ય શાશ્વત છે.
શ્રી ગુરુ ચરનસરોજરજ,
નિજ મન મુકરસુધારિ.
બરનઉ રઘુબર બિમલ જસ,
જો દાયકુ ફલચારિ.
હું કેટલાય લોકોને ગણાવી શકું છું કે જે લોકોએ જાગૃત વ્યક્તિનો સંગ કર્યો હોય અને પછી એમનો ભૌતિક વિકાસ પણ થયો હોય. આને પ્રલોભન સમજતા નહીં. બીજું ઘણું પામવાનું છે. પરંતુ ભૌતિક વિકાસ પણ થાય છે. માણસ બે પાંદડે તો થઇ જાય! કારણ કે પહોંચેલો મહાપુરુષ કૃપણ નથી હોતો. ગુરુ ઉદારમૂર્તિ છે.
ગુરુના ઘરેથી એક છઠ્ઠું દાન મળે છે- છે વિશ્રામ. વિકાસ બાદ વિશ્રામ ન મળે તો વિકાસ શું કામનો? સાતમું સૂત્ર છે, ગુરુ સાથે ચૈતસિક સામીપ્ય પામવાથી વિરાગ વધે છે, વૈરાગ્ય વધશે. બહારથી બધું રહેશે, અંદરથી અસંગતા વધશે. મારું સૂત્ર છે, હાથથી છૂટી જાય એ ત્યાગ અને હાર્ટથી નીકળી જાય એ વૈરાગ્ય. ગુરુગૃહ જવાથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. અને એમની કૃપા થઇ જાય તો ભરી મહેફિલમાં પણ ભીતરી વૈરાગ્ય બહુ આનંદ આપે છે. આગળનું સૂત્ર છે, વારંવાર ગુરુદર્શનથી વિસ્મય વધે છે, જે નથી જોયું એની ખોજ શરૂ થઇ જાય છે. સાધકનું વિસ્મય ઓછું નહીં થવું જોઇએ. વિસ્મયનો એક અર્થ બ્રહ્મજિજ્ઞાસા. સમગ્ર બ્રહ્માંડ ખૂબસૂરત છે તો એનો નિર્માતા કેવો હશે, છે વિસ્મય! ગુરુગૃહની પ્રસાદી છે. સાધક વિસ્મયની સીડી ચડતો જાય છે.
આખરી સૂત્ર છે. ગુરુગૃહની પ્રસાદીથી વિચારશૂન્ય થઇ જવાય છે. વિચારની શૂન્યતા મોટી ઉપલબ્ધિ છે. વિચારશૂન્યતા વધે તો યોગસાધનામાં નિર્વિકલ્પ સમાધિ માનવામાં આવે છે. નહીંતર આપણો વિકાસ આપણને થકવી દે છે! માણસ અરધો બીમાર તો વિચારોથી જ હોય છે. માણસ અકારણ વિચારતો રહે છે. વિચાર જ્યાં કરવાનો હોય ત્યાં કરો. તો ગુરુ પાસેથી નવ આધ્યાત્મિક વસ્તુઓની નવનિધિ પ્રાપ્ત થાય છે. એટલે કોઇ સદ્્ગુરુના દ્વાર પર જવું જોઇએ.
{ (સંકલન: નીિતન વડગામા)
nitin.vadgama@yahoo.com
મોરારિબાપુ
માનસ દર્શન
Source Link : http://epaper.divyabhaskar.co.in/detail/-688796/78214029745/text/57/2017-07-09/8/map/0/
No comments:
Post a Comment