The images and links including the article are displayed here with the courtesy of Divya Bhaskar.
રામકથા ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે?
Kanti Bhatt
માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે
કોઈ મને પૂછે કે તમે ધાર્મિક છો? તો હું વાચકો વતી જ કહી દઉં કે મારા વાચકો ધાર્મિક હોય તો હું સવાયો છું. આ જગતમાં માત્ર બે ફોર્સ છે. એક ફોર્સ તલવારનો સાથે સાથે ધનનો અને બીજો બળકટ ફોર્સ છે-આધ્યાત્મિકતાનો. ૨૦મી સદીમાં અમેરિકન પ્રમુખ જે પોતે શસ્ત્રબળમાં અતૂટ શ્રદ્ધા રાખતા તેણે કહેલું કે માનવીનાં શસ્ત્રો કરતાં માનવીની ધર્મ પરની શ્રદ્ધા વધુ બળુકી છે. તે પછી ઈસ્લામ ધર્મની હોય કે કૃષ્ણની હોય કે મોરારિબાપુના રામ કે હનુમાન ઉપરની શ્રદ્ધા હોય!
આધુનિક પ્રજાને સ્પિરિચ્યુઆલિટી કહેશું તો વધુ ગમશે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સર સર્વ પલ્લી રાધાકૃષ્ણને કહેલું ‘મારા જીવનમાં જે કાંઈ બન્યું તેના પરથી મને ખાતરી થઈ છે કે માનવીના તમામ ભૌતિક બળ કરતાં એક મોટું ધર્મનું બળ છે. સ્પીરિચ્યુઆલિટી છે.
આ બળને કારણે તેમજ સાદી ભાષામાં રામ કે કૃષ્ણ કે પયગમ્બર ઉપરથી અટલ શ્રદ્ધાને કારણે ધમૉત્માઓ પૂજાય છે અને મોરારિબાપુની અસર આંતરરાષ્ટ્રીય બની છે. બાપુના જીવનની થોડીક અધૂરી કથા પૂરી કરું છું.
તેમની કુમારવયમાં જ મોરારિબાપુની કથાના શ્રવણ કરનારા રાત-દિવસ વધવા માંડેલા. શાપુરમાં શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે સૌરાષ્ટ્રની ઓઝત નદીને કાંઠે રામખળદાસજી નામના રામાયણના પ્રખર વિદ્વાન બાવા રહેતા હતા. તેને આંખુ રામાયણ કંઠસ્થ હતું. તેમને ‘ક’ અક્ષર ઉપરથી કેટલી રામાયણની ચોપાઈઓ છે તે પૂછો તો તુરંત બોલી જાય. આવા સાધુ સક્ષમ જ એક પરીક્ષાર્થ તરીકે મોરારિબાપુએ સૌપ્રથમ પોતાની રામકથા ખૂબ ભાવપૂર્વક અને તેનામાં જે છુપી સ્ટાઈલ છે તે બતાવીને સંભળાવી. આંખમાં પ્રેમનાં જળજળિયાં પણ હતાં. તે સાંભળી રામખળદાસજી ‘સાધુવાદ’ ‘સાધુવાદ’ આવો શબ્દ બોલેલા. અમારા ગામડાના બાવાઓ કંઈ જોઈ-સાંભળી ધન્ય ધન્ય કે આફરીન થાય ત્યારે બોલતા-સાધુવાદ સાધુવાદ (શાબાશ-શાબાશ).
નવરાત્ર આવે ત્યારે રામકથા કે બીજી કથા કહેવા બાપુ જતા. કોઈને રામપારાયણ બેસાડવી હોય ત્યાં જતા. કથા કહેવા માટે શેર, શાયરી, ગઝલો અને કવિતાનો ઊંડો અભ્યાસ કરતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં હરીન્દ્ર દવે અને સુરેશ દલાલ તેમજ બીજા ઊંચા ગજાના સાહિત્યકારો મોરારિબાપુને ફિલોસોફિકલ સવાલો પૂછતા તેનો ઈન્સ્ટન્ટ ઉત્તર આપતા તેવી તેમની ફિલોસોફીની આપસૂઝ હતી. તે બધો મહુવાના અભ્યાસ અને માલણ નદીના પાણીનો પરતાપ છે. એમની ક્રિએટિવિટીનો કથામાં ભરપૂર લાભ શ્રોતાને મળે છે. ધાર્મિક કે બીજા સામાજિક-ઉપયોગી ટુચકા કહેતા.
સ્કૂલના શિક્ષક તરીકે નોકરી કરી તેમાં નોકરી કરતાં કથા કહેવા માટેની હક્કની રજામાં વધુ દિવસો ગાળતા. નોકરીને પકડી રાખવી પડતી. આજે જેમ મોરારિબાપુની કથાનું વેઈટિંગ લિસ્ટ લાં...બુ છે તેવું ત્યારે નહોતું. કોઈ કથા યોજે કે ન યોજે આવકને-પગારને સ્થિર રાખવા નોકરી ચાલુ રાખતા. કથાની આવક રૂ. ૨૫૦થી રૂ. ૫૦૦ની હોય પછી કથાની માંગ વધવા માંડી અને થયું કે રામાયણે ગુજરાતી અને રાજસ્થાનીનાં હૃદય જકડી લીધાં છે ત્યારે ૧૯૭૪ની ગુરુપૂર્ણિમાના દિવસે નોકરીનું રાજીનામું આપી દીધું.
મહુવાના મારા કપોળ મિત્રો મને કહેતા કે મુરારિ શિક્ષક હતા ત્યારે બીજા સાથે બહુ ઓછું બોલતા. કામ પૂરતું બોલે. નવરા પડે ત્યારે આકાશ સામે જોઈ રહેતા. તે સમયે કવિ હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નામના કૃષ્ણચરિતની નવલકથા વાચેલી. સાહિત્યકારો અને મોરારિબાપુ પરસ્પરના પ્રેમી થયેલા છે. હું પત્રકાર થયા પછી ‘ઘર કી મુરઘી દાલ બરાબર’ની કહેવતના પાતળા સરદાર તરીકે કોઈ વખત ટીકા કરી લેતો પણ જ્યારે મોરારિબાપુને મનફાવે તેવી સાદી રસોઈ બનાવતા તરસરા ગામના તિલક મહારાજને મળ્યો ત્યારે તેમની સાદાઈ અને સાધુવૃત્તિનાં વખાણ સાંભળી મારી કલમને મહુવાની ઓળખાણનું મોણ દઈ દીધું.
ભાખરી, તાંદળજાની ભાજી અને લીલા મરચાં તથા ખીચડીએ તેમનું ભાવતું ભોજન. સવારે દહીં રોટલો તો ખરો. મોરારિબાપુની કથા વધવા માંડી અને ઘરના માણહ માટે દુર્લભ બન્યા ત્યારે પિતાએ મીઠો ઠપકો આપેલો કે મહિને ત્રણ કથાને બદલે બે કથા જ કર તો કેમ? તમે કલ્પના કરો કે રામાયણ અને રામકથાને ભક્તિભાવપૂર્વક ગદગદ કંઠે કહેનાર એક સાધુ સાત જ વર્ષમાં સંત-મોરારિબાપુ થઈ જતા હોય તો આપણે રામકથાનાં આદર્શ પાત્રો પ્રમાણે રામની પિતૃભક્તિ, લક્ષ્મણની ભાતૃભક્તિ સીતાની પતિભક્તિ વગેરે વગેરે પ્રમાણે જો વર્તીએ તો કેટલા ન્યાલ થઈ જઈએ?
મોરારિબાપુને મોઢે સાંભળેલી વાત છે. તેમને એક પ્રખર સંત મળેલા. તેમનો એક અંગુઠો લોહીલુહાણ હતો. તે સતત રામનું રામ રટતા. ઘવાયેલો અંગુઠો રૂઝતો નહીં. મોરારિબાપુએ સંતને પૂછ્યું ‘આ અંગૂઠો કેમ લોહિયાળ છે?’ તો સંતે કહ્યું ત્યાં જ વારંવાર ચોટ લાગે છે-ત્યારે રામને યાદ કરું છું રામને યાદ કરવા માટે સંત હાથે કરીને અંગૂઠાને ઠેસ વગાડીને અંગૂઠાને લોહીલુહાણ કરી દેતા! (મારી બાને ઠેસ લાગે અને અંગૂઠો ઘવાય તો હંમેશાં ‘હાય રામ’ બોલતી) રામ અને રામાયણનું પઠન-શ્રવણ કંઈક અદ્ભુત સ્પિરિચ્યુઅલ ફોર્સ ધરાવે છે.
મારી જાણેલી વાત એક તફાવત સમજાવવા કહું છું. તફાવત એ કે રામકથા તો અડધો ડઝન કથાકારો કરે છે પણ બધા જ કેમ સંત નથી? કંઈક ડીએનએનો કર્ફ છે? તમે જ વિચારો. એક દાખલો.
વાલ્મીકિ રામાયણ ઉપરથી ગોપાલ શર્મણ નામના વિદ્વાને અંગ્રેજીમાં નાટક લખ્યું. આ નાટક મુંબઈ, કોલકાતા, દિલ્હી અને મથુરાના મેગેઝિનોમાં પ્રગટ થયું. દરમિયાન દિલ્હીની અશોક-હોટેલના હોલમાં ભજવાયું. ખૂબ વખણાયું. જલબાલા નામની સુંદર યુવતી સીતાનો પાઠ ભજવીને લોકપ્રિય થઈ. ગોપાલ શર્મણ અને જલબાલા નાટક લઈને ઈંગ્લેંડ, અમેરિકા, યુરોપ ગયાં. ન્યૂયોર્કના બ્રોડ-વે થિયેટરમાં રામાયણ ભજવાયું ન્યૂયોર્ક ટાઈમ્સે સુંદર રિવ્યૂ લખ્યો.
જલબાલા અને ગોપાલ શર્મણ પરણીને વધુને વધુ નાટક ભજવતા ગયા. તાળીઓ પડાવતા ગયા. પણ? પણ એટલું જ કે તે બંને પ્રત્યે શ્રોતા કે પ્રેક્ષકને મોરારિબાપુ પ્રત્યે શ્રોતાઓ અને ખાસ કરીને મહિલાઓ મુગ્ધ ભાવે જોઈ રહીને કથા સાંભળે છે તેવી રામકથાના સ્પિરિચ્યુઆલિટીનો દરિયો શર્મણ કે બીજા કોઈ વહાવી શકતા નથી. મોરારિબાપુને પગે મોટા મોટા સાહિત્યકારો પડે છે. ગોપાલ શર્મણને કોઈ પગે લાગતું નથી!
પશ્ચિમના લેખક પ્રો. વિલિયમ બકએ અને બીજા બે ડઝન વિદ્વાનોએ રામાયણ ઉપર ભાષ્યો લખ્યાં છે. પ્રોફેસરે લખ્યું છે કે પશ્ચિમનાં તમામ મહાકાવ્યો (એપિક્સ) કરતાં રામાયણ-મહાભારત વધુ કંમ્પલિટ મહાકાવ્યો છે. માનવીનો સાંસ્કૃતિક રાજકીય અને સામાજિક ઉદય કેમ થયો તે માત્ર રામાયણ કહે છે. એવી રામાયણને કહેતાં કહેતાં મોરારિબાપુનો ઉચ્ચ દરજ્જાનો આધ્યાત્મિક ઉદય થયો છે તેમ હું માનું છું.
કાન્તિ ભટ્ટ
આસપાસ
Read full article at source link.