Translate

Search This Blog

Tuesday, August 6, 2013

શિવ સમસ્ત જીવના સમન્વય છે, મોરારિબાપુ, માનસદર્શન

The article is displayed here with the courtesy of Divya Bhaskar.


શિવ સમસ્ત જીવના સમન્વય છે

Source Link : http://www.divyabhaskar.co.in/article/MAG-shiva-is-a-pan-life-integration-4339939-NOR.html


- આપણને જ્યારે કોઈપણ માણસની બુદ્ધિમાં ભક્તિ દેખાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ શિવરૂપ છે

રામચરિતમાનસના અયોધ્યાકાંડમાં તુલસીદાસજી મંગલાચરણના પ્રથમ મંત્રમાં શિવદર્શન પ્રસ્તુત કરે છે. અયોધ્યાકાંડના પ્રથમ મંત્રમાં ભગવાન શિવના બાર પ્રકારનાં દર્શનનું મહત્ત્વ સ્થાપિત થયું છે. એ મંત્રનું આપણે બધા જ મળીને પવિત્ર શ્રાવણ માસમાં થોડું દર્શન કરીએ.

'યસ્યાંઙ્કે ચ વિભાતિ ભૂધરસુતા દેવાપગા મસ્તકે
ભાલે બાલબિધુર્ગભે ચ ગરભં યસ્યોરસિ વ્યાલરાટ્,
સોડયં ભૂતિવિભૂષણ: સુરવર: સર્વાધિપ: સર્વદા,
શર્વ સર્વગત: શિવ: શશિનિભ: શ્રી શડ્કર: પાતુ મામ્.

ભગવાન શિવનાં સૂક્ષ્મરૂપે દર્શન કરવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે કે ભગવાન શિવમાં વિરોધાભાસ જોઈ શકાય છે. શિવમાં સમસ્તનો સમાવેશ છે, જેમાં જડ-ચેતન બધી જ વસ્તુઓ શિવમાં સમાયેલી છે. જેમ કે ભગવાન શિવ પાસે સિદ્ધ પણ રહે છે અને ભૂત-પ્રેત પણ રહે છે. શિવની આરાધના અસુર પણ કરે છે અને સુર પણ કરે છે. ભગવાન શિવ નંદીને પણ રાખે છે અને સિંહને પણ રાખે છે. હૃદયમાં રામનામનું અમૃત રાખે છે, તો કંઠમાં વિષ પણ ધારણ કરે છે. સમગ્ર ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં એ ભસ્માંગ છે. આખાય વિશ્વને ઢાંકરનારા એ પોતે દિગંબર છે. આમ દરેક જગ્યાએ શિવ નિવાસ કરે છે, પાછા કૈલાસમાં એકાંતવાસી પણ છે. ક્યારેક તો પોતાના નંદીને વિમાન બનાવીને આકાશગમન કરે છે. શિવ વિશે તો બધાને ખબર છે કે તે પ્રલયના દેવ છે. પાછા બધાની સ્થાપના પણ કરે છે.

ભગવાન શિવમાં બહુ જ વિરોધાભાસ છે. શિવ પાસે પરસ્પર વિરોધી વસ્તુ સંયુક્ત થઈ જાય છે. શિવ સમસ્ત છે, સૌનો સમન્વય પણ સ્વયં છે. આપણા શરીરમાં કેટલાંય ભિન્ન-ભિન્ન પ્રકારનાં, આકારનાં, ભિન્ન સ્વભાવનાં અંગો છે. ક્યારેક શાન્તિથી વિચારજો કે આપણા શરીરનાં બધાં જ ભિન્ન પ્રવૃત્તિવાળાં અને ભિન્ન પ્રક્રિયાવાળાં અંગો એકબીજાનાં વિરોધી હોવા છતાં પણ તેમના વચ્ચે હાર્મની છે. આપણા પગનું માપ જુઓ અને એની પ્રકૃતિ જુઓ. હાથ એનાથી બિલકુલ વિપરીત લાગે છે, પરંતુ હાથ અને પગ પરસ્પર વિરોધી નથી. અંગોમાં આંખનું કાર્યક્ષેત્ર જુદું જ છે. નાકનો આકર અને કાર્યક્ષેત્ર જુદાં છે. કાન, જીભના પણ આકાર જુદા છે, કાર્યક્ષેત્ર જુદાં છે પણ એક જ મુખમાં એ સંયુક્ત છે. આ બધાનો જ્યારે સમન્વય બને છે ત્યારે વ્યક્તિ સુંદર દેખાય છે. શિવતત્ત્વમાં પણ આવું જ છે. શિવ સમસ્તનો સમન્વય છે.

મંત્રના પ્રારંભમાં લખ્યું કે, 'યસાઙ્કે’ તો ક્યાંક 'વામાઙ્કે’ લખ્યું છે. વળી ક્યાંક 'વામાઙ્કો’ લખ્યું છે. માનસમાં ત્રણ પ્રકારના પાઠાંતર આવે છે. પાઠાંતરનો એક સુંદર અર્થ થાય છે, જેમાં અંક શબ્દનો અર્થ ગોદ એવો થાય છે. 'યસ્યાઙ્કે’ નો અર્થ થાય છે. જેની ગોદમાં પાર્વતી બિરાજમાન છે. બીજું 'વામાઙ્કે’ અહીંયાં વામ એટલે ડાબોભાગ જેના ડાબા ભાગના અંગમાં પાર્વતી બેઠાં છે. જ્યારે ત્રીજું 'વામાઙ્કો’ પાર્વતી અર્ધાંગિનીના રૂપમાં શોભી રહ્યાં છે. આવું માનસના અંતર્ગત શિવનું પહેલું દર્શન છે. મારી વ્યાસપીઠના મત મુજબ એક જ અર્થ થાય છે કે મા પાર્વતી શિવ પાસે વામ ભાગમાં બિરાજિત છે. હવે પાર્વતી એટલે શ્રદ્ધાનું સ્વરૂપ છે જે આપ બધા જાણો છે. મારે અહીંયાં સદ્ગુરુ કૃપાથી શ્રદ્ધાનો અર્થ એટલો જ કરવો છે, આપણી શ્રદ્ધા આપણી ગોદમાં હોવી જોઈએ. શિવનાં પત્ની હોવાને નાતે પાર્વતી વામ ભાગમાં છે, મતલબ કે વામ ભાગમાં હૃદય છે. ભગવાન શંકરે પાર્વતીને હૃદયમાં સ્થાન આપ્યું છે.

તો શિવનું પહેલું દર્શન છે 'યસ્યાઙ્કે ચ વિભાતિભૂધરસુતા’ વામ ભાગ પર શ્રદ્ધાની સ્થાપના છે. બીજું કે ભગવાન શિવના મસ્તક ગંગાજી વહે છે, 'દેવાપગા મસ્તકે’ રામચરિતમાનસમાં ગંગાનો અર્થ ભક્તિ કરવામાં આવ્યો છે. આનો અર્થ મારી વ્યાસપીઠ એટલો જ કરે છે કે જેનું મસ્તિષ્ક ભક્તિથી ભરપૂર હોય, જેના મસ્તકમાં ભક્તિની ધારા વહેતી હોય એ શિવદર્શન છે. ભગવાન શિવનું મસ્તક કેવળ બૌદ્ધિક મસ્તક નથી, ભક્તિથી ભરપૂર પણ છે. આપણને જ્યારે કોઈપણ માણસની બુદ્ધિમાં ભક્તિ દેખાય ત્યારે સમજવાનું કે આ વ્યક્તિ આપણા માટે શિવરૂપ છે. આપણાં મંદિરોમાં શિવશોધ કરવી એ સારી વાત છે. મંદિરમાં જઈને અભિષેક કરવો સારી વાત છે પણ જીવનનાં દરેક ક્ષેત્રમાં શિવની તલાશ થઈ શકે છે.

શિવની પ્રાપ્તિ થઈ શકે છે. આગળ એક બીજું દર્શન તુલસીદાસજી કરાવે છે કે, 'ભાલે બાલવિધુર્’ જેમના ભાલમાં-લલાટમાં સ્વયં બાલચંદ્રમા છે. અહીંયાં એક અર્થ એવો કરી શકાય છે કે જેમનું ભાલ તેજસ્વી છે, જેમના લલાટમાં તેજ છે અને વળી એ તેજ સૌમ્ય છે. જેનો પ્રભાવ દાહક નથી પણ સૌમ્ય છે. કદાચ પૂર્ણ ચંદ્રમામાં દાગ હોઈ શકે છે પરંતુ બીજના ચાંદમાં દાગ હોતો નથી. જેમના તેજમાં કોઈ કલંક ન હોય એ સ્વયં પ્રભા છે. સ્વયં આભા છે. અને તપ વિના ક્યારેય તેજ આવતું નથી. આજે તો વાત વાતમાં લોકો ચમત્કાર કરતા હોય છે. રામ જાણે કેવો ચમત્કાર થતો હશે. જેમના લલાટનું તેજ બીજના ચાંદ જેવું હોય એ વ્યક્તિને સંસારનો કોઈ મોહરૂપી રાહ ક્યારેય ગ્રસી શકતો નથી. એવા તેજસ્વી વ્યક્તિ શિવરૂપ છે. (ક્રમશ:)

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

No comments:

Post a Comment