એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યકતા છે
- મા છે જ અહિંસક. એનું જે મૂળરૂપ છે એ કરુણાની મૂર્તિ છે. એકવીસમી સદીમાં એ રૂપને આપણે કેન્દ્રમાં મૂકવું જોઈએ
- અને મા અહિંસારૂપેણ ન હતી એવું કોઇ દિવસ ન માનશો. એ તો મૂળમાં અહિંસારૂપેણ જ છે, હતી અને રહેશે. કોઇ વિશેષ કારણોને લીધે એમણે ખડગ ધારણ કર્યું હશે, એમણે ત્રિશૂલ ધારણ કર્યું હશે.
- મારી મા ચામુંડા ભગવતીએ જ્યારે-જ્યારે ખડગ અને ત્રિશૂલ લીધાં હશે ત્યારે એને એવું લાગ્યું હશે, સમાજના દેહને એક રોગ લાગુ પડ્યો છે! સમાજમાં વિગ્રહને, સમાજના શરીરને ઘણી અકારણ વસ્તુઓ અડી ગઇ છે. અને એણે ઓપરેશન કરવું જોઇએ, તેથી ક્યારેક ચંડમુંડ માટે, ક્યારેક રક્તબીજ મહિષાસુર માટે, ક્યારેક રાવણ માટે, એ ઓપરેશન માટે જ શસ્ત્રો લીધાં છે.
- ‘રામચરિત માનસ’માં ભવાનીનું જ ભવન છે, એમાં ક્યાંય હથિયાર નથી-
ગઇ ભવાની ભવન બહોરી.
બંદી ચરન બોલી કર જોરી.
- શાસ્ત્રોને જ્યારે કટ્ટરતાના વાઘા પહેરાવવામાં આવે છે ત્યારે શાસ્ત્રો પણ હિંસા કરવામાં કાંઇ બાકી રાખતાં નથી!
- આ યુનો સંસ્થાએ, આ વિશ્વસંસ્થાએ બીજી ઑક્ટોબર વિશ્વવંદ્ય ગાંધીબાપુના નામની સાથે ‘અહિંસાદિન’ ડિક્લેર કર્યો! સ્વાધ્યાયના પ્રણેતા, સ્વાધ્યાયનો કર્મ કરતો વિચાર જેમણે મહારાષ્ટ્રથી લઇને ગુજરાત-કચ્છમાં વધારે કર્યો, એવા બ્રહ્મલીન પૂજ્ય પાંડુરંગ દાદા, એમના મુખેથી ક્યારેક સાંભળ્યું છે કે એક હાથમાં તલવાર અને એક હાથમાં પવિત્ર કુરાન જેવો ગ્રંથ લઇ ધર્મનો પ્રચાર ન થઇ શકે.
- અને તેથી મારી વ્યાસપીઠ માતાને અહિંસારૂપેણ જોવા માગે છે. મા તું સ્વતંત્ર છો. તને એમ લાગે કે સમાજને ઓપરેશનની જરૂર છે ત્યારે મા તું તારા સંકલ્પમાંથી ઊભું કરી અને એ રોગોનું નિવારણ કરી શકીશ. પણ મા અમને એવી સદ્બુદ્ધિ આપ કે અમે તને અહિંસારૂપે જોઇએ. નવાં ગીતડાં રચવાં જોઇએ, જેના કેન્દ્રમાં અહિંસા હોય. કોઇ પણ સ્વરૂપનું સર્વાંગ દર્શન થવું જોઇએ.
- તો બાપ, મા છે જ અહિંસક. રામ અહિંસક જ છે. કૃષ્ણ અહિંસક જ છે. પણ ક્યારેક મહાન ઓપરેશન કરવા પડ્યાં હશે. ક્યારેક ચંડમુંડ, ક્યારેક મહિષાસુર માટે. એનું જે મૂળરૂપ છે એ કરુણાની મૂર્તિ છે.
- પણ સત્ય પછીના ક્રમે ગાંધીએ કોઇ વસ્તુને મૂકી તો એ અહિંસા છે. અને તેથી જ-
સત્ય અહિંસા ચોરી ન કરવી,
વણજોતું નવ સંઘરવું.
- ‘આ દુનિયાનો શ્રેષ્ઠતમ ધર્મ કયો?’ કાગભુશુંડિ બોલ્યા છે-
પરમ ધર્મ શ્રુતિ બિદિ અહિંસા.
પર નિંદા સમ અઘ ન ગરીસા.
- દેવસ્થાનોમાં હિંસા બંધ થાય. ધર્મને નામે હિંસા બંધ થાય. સીમાડા માટે હિંસા બંધ થાય. સમજણ કેળવવી રહી, કારણ કે યુગોથી ચાલતી હિંસાએ કોઇ પરિણામ નથી આપ્યું.
- આ હું અને તમે વ્યક્તિગત જીવનમાં ન કરીએ કે મારું ગમે તેટલું બૂરું કર્યું હશે તો હું બદલો નહીં લઉં. હિંસા નહીં કરું. હું જાતે બલિદાન આપીશ. શેના બદલા લેવાના?
- હિંસા અનેક રીતે થઇ રહી છે સમાજમાં. આપણે આપણાથી શરૂઆત કરીએ, બસ! તો અહિંસાનું રૂપ આપણી સામે રહે. હિંસાનાં ત્રણ રૂપો તો જગજાહેર છે. જેને શાસ્ત્રીય રૂપ કહી શકાય. એક છે ખુદે કરેલી હિંસા. માણસ પોતે હિંસા કરે. ઘણા ખુદ ન કરે પણ બીજા પાસે કરાવે એ કારિત હિંસા. કારિત હિંસા પાછળ રહીને કરાવી નાખે, ‘તું આનું અપમાન કરી નાખજે. અમે નહીં બોલીએ. તું બોલી નાખજે!’ ત્રીજી હિંસાનું નામ છે અનુમોદિત હિંસા. પોતે હિંસા કરે પણ નહીં, કરાવે પણ નહીં અને કોઇક કરી હોય એને અનુમોદન આપી દે કે એ જ લાગના હતા!
- ઘણા માણસો પોતે જાતે હિંસા દેખાય એમ ન કરે પણ ઉચ્ચારિત હિંસા કરતા હોય. કોઇને ધક્કો ન મારે પણ વેણ એવાં કાઢે કે ધક્કો મારી દે! દ્વેષબુદ્ધિથી તમે કોઇના માટે બોલો એ હિંસા છે. માણસ દ્વેષપૂર્વક ચિત્તથી વાણીનાં બાણ મારે એ ઉચ્ચારિત હિંસા છે. ઘણા માણસો ડાહ્યા હોય. બહુ ડાહ્યા તો ન કહેવાય. બહુ હોશિયાર હોય! એ શું આમ આમ આચરિત હિંસા પણ ન કરે, ઉચ્ચારિત ન કરે, વિચારણામાં હિંસા કરે કે આને કો’ક આંટી જાય! માનાં નોરતાંમાં હું અને તમે એવા વેણ ફરે અને આપણે બદલી નાખીએ એવા વ્રત નહીં પણ શિવ સંકલ્પ વ્રત કરીએ. કોઇની હિંસા ન થાય. ના કારિત, ના અનુમોદિત, ના ઉચ્ચારિત, ના આચારિત. આ જે દુર્ગા છે એને અહિંસા રૂપે આપણે જાગૃત કરીએ. એકવીસમી સદીમાં અહિંસારૂપેણ માની આવશ્યકતા છે.
(સંકલન : નીિતન
વડગામા)
No comments:
Post a Comment