Translate

Search This Blog

Wednesday, June 17, 2015

મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી

The image and the article displayed below are with the courtesy of Divya Bhaskar and Shree Kanti Bhatt.

મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી


મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી




Read the article at its source link.




- મોરારિ બાપૂ તેમના દાદા પાસેથી રામાયણના પાઠ શીખ્યા


- બાપુનું જીવન વહેતું આવ્યું છે, સામાન્ય માનવી સાથે સામાન્ય બની રહીને બાપુ રહ્યા છે.



રિફલેક્શન ઓન ગાંધી’ નામના પુસ્તકમાં જ્યોર્જ ઓરવેલ નામના પ્રખ્યાત માનવ-જીવની વિકાસગાથા લખનારે કહેલું કે દારૂ, તમાકુ, ગાંજો, ચરસ વગેરે ચીજોથી સંતોએ, બાવાએ દૂર રહેવુ જોઈએ. સંતગીરી (સેઈન્ટહુડ)ના સિક્કાથી પણ સાચા સાધુએ દુર રહેવું જોઈએ. જ્યોર્જ ઓરવેલની વાતો મોરારિબાપૂએ સાવ સરળ રીતે અને સહજ રીતે અપનાવી છે. તેમના સ્વભાવમાં કોઈ સંતગીરી કે મોટાઈનો દંભ નથી.

એક દિવસે મોરારિબાપૂ અચાનક મારા મુંબઈના ફ્લેટમાં આવી પહોંચ્યા ત્યારે તેમના જન્મજાત સંસ્કાર જણાઈ આવ્યા હતા. ઓસ્કાર વાઈલ્ડે તો પોતાના પશ્ચિમના અનુભવ પ્રમાણે 1893માં બોલી નાખ્યું કે- કોઈ સંત અને સેતાન-પાપી જન વચ્ચે એટલો ફરક છે કે દરેક સંતને કોઈને કોઈ ‘ભૂતકાળ’ હોય છે અને સેતાન કે પાપી માટે ભવિષ્ય હોય છે. મોરારિબાપૂને માટે આ ઊક્તી સાવ યુઝલેસ છે. મોરારિબાપૂને હું છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી જાણું છું અને છાતી ઠોકીને કહી શકું કે, અહાહા.. તેમને માટે આખો કિર્તીમય વર્તમાન અને ખાસ તો અનોખો અકલ્પ્ય ભવિષ્યકાળ જ છે. તેના જીવનમાં કોઈ ડાઘ મેં જોયો નથી. તેમનામાં સ્પીરીચ્યુઆલીટી જ ભરી પડી છે. જેમ્સ બાલ્ડવીન જેવા વિદ્વાને કહેલું કે- દરેક માનવીમાં જન્મજાત પોતાને સંત જેવા સારા માણસ થવાની તમન્ના (ઈમ્પલ્સ) હોય છે. પોતે જે છે તેનાથી તેને ઉંચું જવુ છે તેના માટે તે અથાગ મહેનત કરે છે.



બાપરે! મોરારિબાપૂએ મોરારિદાસ હરીયાણીમાંથી બાપૂ થવામાં કોઈ જ મહેનત કરવી પડી નથી કે સંત થવાનો કોઈ ધખારો મેં જોયો નહોતો. બસ જીવન વહેતું આવ્યું છે. સામાન્ય માનવી સાથે સામાન્ય બની રહીને તે બસ બાપૂ રહ્યા છે. કોઈ મને પૂછે છે કે મોરારિબાપૂને તમે ઘણું મળ્યા છો. તેમણે કદી વ્યાયામ, દંડ, બેઠક, કુસ્તી કે શરીરને અલમસ્ત બનાવવા કોઈ પ્રયાસ ર્ક્યો છે? મેં કહ્યુ કે મોરારીબાપુએ કદાચ યુવાનીમાં કાંઈ આવી હરકત કરી હોય તો મને ખબર નથી, પણ બાપૂએ તો તેના આત્માને અલમસ્ત અને તગડો રાખવાની ચીવટ પણ રાખવી પડી નથી. તે વધુ સરળતાથી થતું આવ્યું છે.



મારા સદભાગ્ય છે કે હું મહુવામાં મેટ્રીક સુધી ભણ્યો અને ત્યારે શહેર કે ગામડામાં અમારે માટે રામ મંદિર એક કલ્ચરલ એક્ટિવીટીના ધામ બની જતું. મોરારિબાપૂની કથા સાંભળવા નિકટ બેસવા માટે સ્પર્ધા થતી. મોરારિબાપૂનું વાંચન ધીરે ધીરે વિકસવા માંડ્યુ. મને લાગે છે કે તેમને સિકસ્થ સેન્સ- છઠ્ઠી ઈન્દ્રીય જાગ્રત થઈ ગઈ એ વાતનો ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રેબોર્ન સ્ટેડીયમમાં મોરારિબાપૂના આધ્યાત્મિક જ્ઞાન કે ધાર્મિક ઈતિહાસના જ્ઞાનની ચકાસણી કરવા એક મુંબઈગરાની સભા યોજાઈ. તેમાં કવિ હરીન્દ્ર દવે અને કવિ સુરેશ દલાલ તેમજ બીજા સુપર- ઈન્ટેલિજન્ટ લોકો સમક્ષ મોરારિબાપૂને પેશ કરાયા. કોઈ પીએચડી જવાબ આપી શકે તેવા અઘરા પ્રશ્નો બ્રેબોર્ન સ્ટેડીયમમાં બાપૂને પૂછાયા. તે બધા જ સવાલોને શાંતિથી મોરારીબાપૂ જવાબ આપતા હતા, તે જોઈને મોરારિબાપૂ માટે અમુક ‘બુદ્ધિમંતો’ ક્રીટીકલ હતા તેની ટીકાવૃત્તિ ઓગળી ગઈ.

મોરારિ બાપૂ તેમના દાદા ત્રિભુવનદાસ હરીયાણી પાસેથી રામાયણના પાઠ શીખ્યા. મોરારીબાપુ અંતરમુખી, એકદમ શાંત, સ્વમાની- સ્વતંત્ર હતા. એ વખતે તમામ શિક્ષકો મોટે ભાગે ધોતિયા પહેરતા હતા. આવા ધોતિયાવાળા માસ્તર નરોત્તમદાસ મહેતાએ બાપૂને એક ‘ઈન્ટેલેક્ચ્યુઅલ વિદ્યાર્થી’ તરીકે કોમ્પલીમેન્ટ આપેલા. બાપૂ દર વર્ષે સાહિત્યકારોની ગોષ્ટી રાખી પોતે શાંત શ્રોતા તરીકે બેસે છે. જોકે તેમના હાથ સતત માળા ફેરવતા હોય છે! આનું સીગ્નફીકન્સ કેટલું જબ્બર છે. મનને ડાઈવર્ટ ન થવા દેવા માટે ઘણા સાધુઓ આવી રીતે સતત રૂદ્રાક્ષ કે તુલસીની માળા સતત ફેરવે છે.



કેદારનાથ, બદ્રીનાથ કે ગંગોત્રીમાં તો કથા કરી હોય તે તો ઠીક છે, પણ બાપૂએ ભાવનગરની જેલમાં કેદીઓ સમક્ષ પણ રામકથા કરેલી. મને તો સ્ટીમર ‘કુનાર્ડ પ્રીન્સેસ’ નામના પેસેન્જર શીપના ધનિક મુસાફરોની ઈર્ષ્યા આવે છે કે આ સ્ટીમરમાં બાપૂએ કથા કરેલી. 1994માં જુદા જુદા ધર્મના ધુરંધરો એક પ્લેટફોર્મ મળેલા અને સેટેલાઈટ ટીવી સામે બાપૂએ અનોખી રીતે કથા કરેલી. સમુદ્રમાં 250 શ્રોતા હોય કે 37000 ફૂટ ઊંચે અવકાશ હોય ત્યાં બાપુને સાંભળવાનો લ્હાવો ભાગ્યશાળી લેતા. કૈલાસ માનસરોવર કે કૈલાશ પર્વત પણ શું કામ બાકી રહી જાય? ગુરુપૂર્ણિમા જે જુલાઈની પૂનમે આવે છે તે ખાસ દિવસે બહુધા બાપુ તલગાજરડામાં હોય છે અને કોણ જાણે ત્યારે તેમની વાણી ઔર ખીલેલી પૂનમનાં ચાંદ જેવી હોય છે.  હું તો ઘણી વખતે બ્રેબોર્ન સ્ટેડીયમ કે બીજા સ્થળે અમારા આ મહુવાના જણને જોઈ રહેતો અને વિચાર કરતો કે એક જમાનામાં 37-40 વર્ષ પહેલાં રામપરાયણ કોઈ બેસાડે તો કેવા સરળતાથી બાપૂ ‘દોડી’ જતા.



બાપરે! એક તબક્કો એવો આવ્યો કે લખવામાં હું રોજ રોજ એક ‘કલમના મજુર’ તરીકે લખું છું તે રીતે મોરારિબાપૂ તો રામ કથાની સુપર-ડુપર-એક્સપ્રેસ ચલાવવા માંડેલા. કોઈ વખત બપોરે એક ગામે કથા પુરી થાય અને તુરંત બીજા ગામે કથા શરૂ કરી દે ત્યારે મોરારિબાપૂ એક તિલક મહારાજ નામના રસોઈયાને સાથે રાખતા. તે ખૂબ ચીવટથી શેકેલી ભાખરી, તાંદળજાની ભાજી, લીલા મરચા અને ખીચડી ચીવટથી પકવતા. તે ભાગ્યે જ ઝડપથી ખાતા. બાપૂના પિતાએ તેમને ઠપકો આપીને કથાની આ હડીયાપાટીની સંખ્યા ઓછી કરવા કહેલું. એક પ્રસંગ મેં સાંભળેલો. મોરારિબાપૂને એક પ્રખર સંત મળેલા. તેમનો અંગુઠો સતત લોહીલુહાણ હોય. ત્યારે તે રામનું નામ રૂટતા. તેનો અંગુઠો કદી રૂઝાતો નહીં. મોરારિબાપૂએ કતુહલવશ પૂછેલું ત્યારે એ સપ્તરંગી સંતે કહ્યું કે, સતત રામના રટણ માટે હાથે કરીને હું અંગુઠાને ઘાયલ કરું છું. શું મોરારિબાપૂ કથાઓ કરી કરીને થાક્યા નહીં હોય? હું માનુ છું કે પેલા સંતની જેમ સતત રામ સાથે રહેવા બાપૂ રામકથા ઈચ્છા કે અનિચ્છા સાથે કહેતા હશે. પણ બાપુ આ વાતનું ખંડન કે અનુમોદન કરે તે મને સ્વીકાર્ય છે.



(અમુક વાચકને આ લેખમાં બાપૂ વિશે કંઈ વિશિષ્ટ ન લાગ્યું હોય તો મારા પેરેલિસીસની તીવ્ર દશાનો દોષ છે, પણ જીંદગીના મારા છેલ્લા તબક્કામાં બાપુને કાન્તિ ભટ્ટના કોમ્પલીમેન્ટસ છે).

1 comment: