Translate

Search This Blog

Tuesday, June 16, 2015

મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા

The image and article displayed below are with the courtesy of Divy Bhaskar and Shree Kanti Bhatt.


મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા

મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા



- ધરતી, જળ અને આકાશ એમ સૃષ્ટિનાં ત્રણેય સ્વરૂપોમાં રામકથા કહેનારા ધર્મ નિરપેક્ષ સંત
- રામકથા કહેતા કહેતા મોરારીબાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત બની ગઈ

ચાર્લ્સ કાલેબ કોલ્ટન નામના એક ક્રાંતિકારી પાદરીને ધાર્મિક ઝઘડા પ્રત્યે ભારે રોષ હતો. તેણે કહેલું કે, અરે જુઓ તો આ માણસ કેવો છે? ધર્મ અને ધાર્મિક માન્યતા માટે કંકાસ કરશે, ધર્મ માટે થોથાં લખશે, ધર્મ માટે લડશે અને ધર્મ માટે મરશે પણ ખરો, પણ ધર્મમાં નિરાંતે પ્રેમ ફેલાવીને જીવશે નહીં. આ બાબતમાં ચાર્લ્સ કોલ્ટન સાહેબે આપણાં-અમારા મહુવાના સંત કથાકાર મોરારીદાસ પ્રભુદાસ હરીયાણીને મળવું જોઈતું હતું. મોરારીદાસ જે હવે માત્ર મોરારીબાપુ તરીકે વીકીપીડીયા અને જગતભરમાં ઓળખાય છે તે ચાર્લ્સ કોલ્ટનને અમે કહી શકીએ કે, મોરારીબાપુ ધર્મ માટે કદી કંકાસ કરતા નથી, થોથાં લખતા નથી, પણ ધર્મ અને રામકથા દ્વારા સર્વત્ર પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે.

વિન્સેન્સ સ્મીથ નામના અંગ્રેજ વિદ્વાન માનતા હતા કે, રામચરીત માનસ અર્થાત રામાયણના લેખક સંત તુલસીદાસ શહેનશાહ અકબર કરતા પણ મહાન હતા. તેમના કહેવા પ્રમાણે બુદ્ધ પછી કોઈ મહાન ધર્મગુરુ દુનિયામાં આવ્યા હોય તો તે તુલસીદાસ છે. એ. એ. મેકડોવેલ નામના વિદ્વાને કહેલું કે, ભારતના લાખ્ખો લોકો માટે તુલસીદાસનું ‘રામચરીત માનસ’ બાઈબલને ટપી જાય એટલી શ્રદ્ધા ધરાવે છે. આ તુલસીદાસની રામાયણ કથા કહેનારા સૌરાષ્ટ્રના મહુવા ગામ નજીક તલગાજરડાના મોરારીબાપુનું નામ વિદેશીઓ માટે અજાણ્યું હશે, પરંતુ ગુજરાતના લોકો તેમને બરાબર જાણે છે. હું પણ મારા રૂમમાં હીપ્નોટીક આંખો ધરાવતા મોરારીબાપુની તસવીર રાખું છું.

રામકથા કહેતા કહેતા મોરારીબાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત જેવી થઈ ગઈ છે. આજે 69ની વયે મોરારીબાપુ એક 26 વર્ષના યુવાન કથાકાર જેટલા જ જુસ્સા તેમ જ કંટ્રોલ્ડ શાંતિથી રામકથા કહે છે. એમની શાંતિ ખરેખર સોનેરી છે. મહાત્મા ગાંધીજી રામાયણની ચોપાઈઓ સાંભળીને આનંદ વિભોર થઈ ઉઠતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના પણ પોતે તુલસીકૃત રામાયણ વાંચતા. આગરા યુનિવર્સિટીમાં ડઝનબંધ વિદ્યાર્થી સંત તુલસીદાસ ઉપર મહાનિબંધ (થીસીસ) લખીને પી.એચ.ડી. થાય છે. તુલસીદાસ કોઈ ફિલસૂફ નહોતા. તે માત્ર એક શુદ્ધ સરસ હૃદયવાળા રામ ભક્ત હતા.

આજે હું મોરારીબાપુ વિશે લખું છું ત્યારે સંત તુલસીદાસને મારા લેખમાં લાંબે સુધી પરીચય કરાવ્યો તે રામાયણને લોકભોગ્ય બનાવી મોરારીબાપુએ પુરા ભારતમાં છેક અરૂણાચલ પ્રદેશ અને પરદેશમાં બ્રિટન, દ. આફ્રિકા, કેન્યા, યુગાન્ડા અને ભૂમધ્ય સમુદ્રમાં ચાલતી સ્ટીમરે કથા કરી છે. તેમણે વિમાનમાં કથા કરી છે અને ભવિષ્યમાં દેવતાઓને કથા સંભળાવવા કોઈ અવકાશયાનમાં જશે. ઈટાલીના રોમ શહેર જ્યાં ચારેકોર ઝનુની ખ્રિસ્તી અને રોમના પોપની ફેં ફાટે છે ત્યાં 9 દિવસની રામકથા કહેલી. પેલેસ્ટાઈન અને ઈઝરાયેલનો કંકાસ ચાલે છે ત્યાં જેરૂસલેમમાં પણ કથા કરેલી. જેરૂસલેમ એ યહુદી, મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ધર્મનું શહેર છે. મોરારીબાપુ વગર- સર્ટિફીકેટે ધર્મ નિરપેક્ષ છે. મોરારીબાપુએ યુનુસ અને બેગમ સુઝાનને હજ પઢાવાની સગવડ કરી આપેલી. માત્ર ભાષાની ચાલાકી જ નહીં મોરારીબાપુ સમયના તકાજા સાથે જાગ્રત રહે છે. હમણા નેપાળના પીડીતો માટે બાપુએ રૂ.15 લાખ આપેલા.

જે. એન. કાર્પેન્ટર નામના પાદરી કહે છે કે તુલસીદાસ વૈરાગી બાવા હતા. એ પ્રકારે મોરારીબાપુને અમે સૌ બાવા કહેતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના ‘બાવા’ છે. હું કેન્યાથી નકરૂ નામના હીલસ્ટેશને ગયો. અહીં કાઠીયાવાડના ગાયના ગોવાળો પાલકો રહે છે ત્યાં પણ બાપુ કથા કરી આવ્યા છે. મોરારીબાપુનું સરકારી રજીસ્ટર કે પાસપોર્ટમાં નામ લખાય તો બહુધા પહેલાં મોરારીદાસ હરીયાણી લખાતું. આ અટક બાપુના બાપદાદાની છે. સૌરાષ્ટ્રના સંતો વિશે અનેક ભાત ભાતની કથા હોય છે. આ વાત પ્રમાણે હરીયાણાના સંત સૌરાષ્ટ્રમાં આવેલા તે પરણ્યા નહોતા. તેમના શિષ્ય જીવણદાસજી નાગર બ્રાહ્ણણ હતા. તેમણે સંસાર માંડેલો અને તેમણે હરીયાણી અટક રાખેલી, જીવણદાસજીની સમાધિ મહુવા નજીક તલગાજરડા જે બાપુનું વતન છે ત્યાં છે.

હું પણ મહુવામાં મેટ્રીક સુધી ભણ્યો છું. મહુવામાં નાના ગોપનાથનું મંદિર છે. અમે મહુવાની માલણ નદીમાં નહાવા જતા ત્યારે બાપુ એક ટીનેજર તરીકે કથા કહીને તેની રામપોથીને સંકેલતા તે મેં જોયેલું. ચોમાસામાં માલણ નદીમાં પુર આવે ત્યારે બાપુ આ રામાયણ પોથીને એકદમ માથે ચઢાવીને પુરવાળી નદીમાં ખાબકતા પણ પોથીને કોઈ નુકશાન થવા દેતા નહીં. મોરારીબાપુથી બે મોટી બહેનો છે. મોરારીબાપુ એસએસસી થયા પછી કોલેજમાં ભણવા પૈસા નહોતા. (આજે સેંકડો કન્યાને ભણવાની સગવડ કરી આપે છે). જૂનાગઢ નજીક શાપુર ગામે શિક્ષકની તાલીમ માટેની કોલેજ છે, ત્યાં બાપુએ તાલીમ લીધેલી. બાપુ કવિતા સમજાવે ત્યારે બાળકોને તેમાં રસ પડતો. તેઓ મહાભારત અને રામાયણના પ્રસંગો પ્રેમપૂર્વક સમજાવતા. કલાપિની કવિતા રાગમાં ગાઈને વચ્ચે વાર્તા કહેતા.
મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રાથમિક શાળા હતી. 1946-47ની લડત વખતે ત્યારે એ શાખામાં અમે મીલીટરી તાલીમ લીધેલી. પણ પછી બાપુ એ મંદિરવાળી પ્રાથમિક શાળામાં બે વર્ષ શિક્ષક હતા. એ દરમિયાન જ્યાં પણ સંગીતનો કાર્યક્રમ હોય ત્યાં બાપુ અચુક પહોંચી જતા. સાવરકુંડલા નજીક બાઢડા ગામમાં પંજાબના સાધુ યોગાનંદજીનો આશ્રમ હતો.

બાપુ ત્યાં જતા અને પોતાને ગાવાનો મોકો મળે તેની રાહ જોતા. ધુરંધર ગાયકો આશ્રમમાં આવતા. બાપુને ગાવાનો છેલ્લે મોકો મળતો પણ તાળીઓના ગડગડાટ ‘છેલ્લો’ નહીં પણ ‘પહેલા’નો રણકાર આપતા. શાપુરમાં મોરારીબાપુ શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે ઓજત નદીને કાંઠે રામ ખળદાસજી નામના રામાયણના પ્રખર અભ્યાસી બાવા રહેતા. એ સાધુને આખુ રામાયણ કંઠસ્થ હતું. તેમને ‘ક’ અક્ષર ઉપરથી તુલસીદાસની કેટલી ચોપાઈઓ છે તે બોલવાનું કહે તો તે તુરંત બોલી જતા. આવા સાધુ સમક્ષ મોરારીબાપુએ સૌપ્રથમ પોતાની શૈલીથી ધીમે સ્વરે રામકથા કહી ત્યારે રામ ખળદાસ ‘સાધુવાદ’ એવા પ્રશસ્તિના કાઠિયાવાડી ઉચ્ચારણો કરતા. એટલે કે શાબશ મોરારી શાબાશ! ....
(વધુ આવતીકાલે)

No comments:

Post a Comment