Translate

Search This Blog

Thursday, September 17, 2015

એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોવો જોઇએ

The article displayed below is with the courtesy of Sunday Bhaskar.

એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોવો જોઇએ

Source Link: http://www.divyabhaskar.co.in/news/MAG-manas-darshan-by-moraribapu-in-sunday-bhaskar-5113351-NOR.html

પ્રેમ ન રજોગુણી હોવો જોઇએ, ન તમોગુણી કે સત્ત્વગુણી હોવો જોઇએ. પ્રેમમાંથી વિશેષણ કાઢવાં જોઇએ. ગુણરહિત પ્રેમ હોવો જોઇએ.

પ્રેમની કેટલીક પરિભાષાઓ નારદજીએ આપી છે. એક વિકૃત પ્રેમ પણ હોય છે. એને પ્રેમ નામ આપવું એ યોગ્ય નથી. પરંતુ સમજવા માટે તમારી સમક્ષ બોલી રહ્યો છું. વિકૃત પ્રેમમાં ભીષણતા હોય છે. વિકૃત પ્રેમમાં મારામારી, કાપાકાપી હોય છે. જેમાં બદલો લેવાની વિકૃતિ હોય છે. પ્રતિશોધની આગ બળતી હોય છે. આપણે ઘણીવાર અખબારમાં વાંચતા હોઇએ છીએ કે એક વ્યક્તિએ પ્રેમ કરતા-કરતા એક વ્યક્તિની હત્યા કરી દીધી. આને પ્રેમ કહેવો કે કેમ? અને જો એને પ્રેમ કહેવો હોય તો એની આગળ એક વિશેષણ લગાડવું પડે, આને વિકૃત પ્રેમ કહેવાય. બીજો સંસ્કૃત પ્રેમ હોય છે જે શાલીનતાથી પૂર્ણ ભરેલો હોય છે, સ્વનિર્મિત હોય, મર્યાદામાં હોય, સુશોભિત હોય છે જેમાં ફક્ત સાત્ત્વિકતાનું દર્શન થાય છે. જેમાં સામેવાળાની સુરક્ષા અકબંધ હોય છે. એક ડિસ્ટન્સ રાખીને જેટલું નજીક જઇ શકાય, એટલું નજીક જઇને આસન જમાવીને બેસી જવું એવા પ્રેમને હું ઉપાસના કહું છું.

મુઝ કો યે તો પતા ચલે કિ એબ હૈ ક્યા ક્યા મુઝ મેં,
તૂ મેરા અાયના બન જાય તો મૈં રૂબરૂ હો જાઉં |

શાયર કહે છે કે મને એટલી તો જાણ થાય કે મારામાં નબળાઇઓ કેવી કેવી છે. કમસે કમ મારી નબળાઇઓ તો જોઇ શકું. આ પ્રેમની નજર છે. એ નજરથી બંદગી બની જાય. એક સાત્ત્વિક શાલીનતા આપણી ઉપાસના બની જાય. એવા પ્રેમની ચર્ચા છે. નારદજી તો સ્પષ્ટ કહે છે કે ‘ગુણરહિત’ પ્રેમની આજુબાજુ એક પણ વિશેષણ ન હોવાં જોઇએ. પ્રેમ ન રજોગુણી હોવો જોઇએ, ન તમોગુણી કે સત્ત્વગુણી હોવો જોઇએ. પ્રેમમાંથી વિશેષણ કાઢવાં જોઇએ. ગુણરહિત પ્રેમ હોવો જોઇએ. પ્રેમની ચર્ચા સંવાદના રૂપમાં ચાલી રહી છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી મારે ત્રણ સૂત્રો તમારી સમક્ષ મૂકવાં છે જેને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. પ્રેમ આપણા બધામાં પ્રગટ થવા માટે ઉત્સુક હોય છે. પરંતુ પ્રગટ થતો નથી એનું એક કારણ છે ‘અનૃત’ શાસ્ત્રીય શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું.

અનૃત એટલે કે અસત્ય કે જૂઠ. આપણા જીવન વ્યવહારમાં આપણા જીવનની દરેક ચેષ્ટાઓમાં જ્યારે જૂઠની બોલબાલા હોય છે એવા સમયે આપણી અંદર પ્રેમ સ્વરૂપ હોવા છતાં પણ પ્રેમ પ્રગટ થઇ શકતો નથી કારણ કે એ અનૃત છે. મારે રામકથાના આધારે વિષયને અનુરૂપ એક વાત તમારી સમક્ષ મૂકવી છે. રામચરિતમાનસમાં કથા છે કે શિવ અને પાર્વતી એક સુંદર પ્રેમીયુગલ છે. આપ બધા જાણો છો અર્ધનારેશ્વર છે પરંતુ કથાના આધારે એક વાત પાકી થાય છે કે સતી જ્યારે દક્ષની કન્યા હતાં એવા સમયે ભગવાન શિવ સાથે રામકથા સાંભળવા માટે ઋષિ પાસે જાય છે. શિવ કથા સાંભળે છે. સતીએ કથા સાંભળી નથી. કથા પૂરી કરીને દંડકવનમાંથી પસાર થતી વખતે શિવ ભગવાન રામનાં દર્શન કરે છે. એવા સમયે રામ લીલા કરી રહ્યા છે.

સતીના મનમાં સંદેહ પેદા થાય છે કે શિવ રામને પ્રણામ કરે છે એ ક્યાંના બ્રહ્મ છે. શિવ સતીને સમજાવે છે કે, દેવી મનમાં સંદેહ ન કરો. મારા ઇષ્ટદેવ ભગવાન રામ છે. અે અત્યારે લીલા કરી રહ્યા છે માટે વનમાં ફરે છે. દેવી આપનો નારી સ્વભાવ છે. આપ સંશય ન કરો. સતી ન માન્યાં અને બોલ્યાં કે તમે જેને બ્રહ્મ માનો છો એ રામની હું પરીક્ષા કરીને જોવા માગું છું કે એ બ્રહ્મ છે કે શું છે? પછી સતી પરીક્ષા કરવા જાય છે. ભગવાન રામના વ્યાપક રૂપને મહેસૂસ કરે છે અને સતીને ગ્લાનિ થાય છે કે મેં આ કદમ શા માટે ઉઠાવ્યાં? હવે શિવ પૂછશે તો શું જવાબ દઇશ? સતી શંકર પાસે આવે છે. શંકર હસીને સતીને પૂછે છે કે તમે ઠીક તો છો ને? તમે રામની પરીક્ષા કેવી રીતે કરી એ તો જરા બતાવો અને એ સમયે સતી અનૃત સ્થિતિમાં આવે છે. શિવ સમક્ષ ખોટું બોલે છે. એક અર્થમાં આ પ્રસંગને જોઇએ તો ખ્યાલ આવે કે સતીનું નિવેદન ઋત નથી સત્ય નથી. સતી એમ કહે છે કે મેં કોઇ પરીક્ષા લીધી નથી. અસત્યના કારણે ન તો રામકથામાં પ્રેમ પ્રગટ થયો કે ન રામમાં પ્રગટ થયો. જેની છાયા બનીને આવ્યા હતા એવા શિવમાં પણ પ્રેમ પ્રગટ ન થયો. આપણે બધા જેટલા અસત્યથી બચીશું એટલો પ્રેમ પ્રગટ થવાનો રસ્તો ખૂલશે.

તેરે મેરે હાથ મેં પત્થર, મૈં ભી સોચું તૂ ભી સોચ|
તેરે મેરે શિશે કે ઘર મેં, મૈં ભી સોચું તૂ ભી સોચ||

આપણે સૌ આત્મદર્શન કરીએ અને જે જવાબ મળે એના પર ધ્યાન દઇએ. આપણે સત્ય શા માટે બોલીએ છીએ? શાંડિલ્ય ભક્તિસૂત્રમાં એક બહુ સારી વાત આવે છે. ભગવાન શાંડિલ્ય કહે છે અપરાધના ત્રણ પ્રકાર છે. એક અપરાધ વ્યક્તિ આદતવશ કરે છે. ઘણા લોકોને કોઇ જ કારણ ન હોય તેમ છતાં ખોટું બોલે છે. એક એવી આદત પડી ગઇ છે કે વાત-વાતમાં ખોટું બોલે. બીજો અપરાધ એવો છે કે જેમાં અપરાધ કરવાની ઇચ્છા ન હોય તેમ છતાં થઇ જાય. ભીડમાં જઇ રહ્યા હોય અને ભીડમાં કોઇને ધક્કો લાગી કોઇ પડી જાય. એ ઇચ્છતા નથી તેમ છતાં થઇ જાય. ત્રીજી વાત એવી છે મૂર્છામાં, મૂઢતામાં, બેહોશીમાં અપરાધ થઇ જાય. ખબર જ પડતી નથી કે હું પોતે શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું.

માણસ અસત્ય શા માટે બોલે છે? એનો એવો કંઇક સમય હોય છે એને કારણે બોલવું પડે છે અથવા તો કોઇ પ્રલોભન હોય એટલે બોલવું પડે છે. કોઇ ડર કે દબાવને કારણે કોઇ મજબૂરી હોય છે દરેક ને પોતપોતાનાં કારણો હોય છે. જેના કારણે તે અસત્ય બોલતો હોય છે. પરંતુ એક વાત પાકી છે કે જ્યારે જ્યારે આપણા જીવનમાં અનૃત આવે છે ત્યારે પ્રેમની ધારા વહેતી બંધ થઇ જાય છે. મારા વ્યક્તિગત અનુભવથી હું કહી રહ્યો છું કે અસત્ય આવે છે ત્યારે પ્રેમપ્રવાહ કુંઠિત થઇ જાય છે. મને એક શ્રોતાએ પૂછ્યું હતું કે, બાપુ પ્રેમ પ્રગટ કરવાની કૂંચી શું છે? જેટલી માત્રામાં સત્ય આપણા જીવનમાં અક્ષુણ્ણ રહે તો સમગ્ર અસ્તિત્વ આપણને પ્રેમ કરશે. સમગ્ર કાયનાત પ્યાર કરશે.

સંતો-ફકીરો પાસે આપણે શા માટે જઇએ છીએ? એમની પાસે જવાથી આપણને શા માટે સારું લાગે છે? કારણ કે ત્યાં કોઇ ને કોઇ નિજી વિદ્યાથી પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ કોઇ પણ હાલતમાં માણસને પ્રસન્ન રાખી શકે છે. જો પ્રસન્ન હશે તો માણસ ક્યારેય અપ્રસન્ન થઇ શકે જ નહીં. ભગવદગીતાનું એક સૂત્ર છે કે જે માણસ પ્રસન્ન રહી શકે છે એમની બુદ્ધિ સ્થિતપ્રજ્ઞ છે. ક્યારેક વિચારો કે પ્રસન્નતા પ્રેમ વગર આવી શકે? પ્રામાણિક પ્રેમ પ્રસન્નતાની જનેતા છે. ગીતાએ તો ત્યાં સુધી કહ્યું કે આપણા સર્વ દુ:ખોનો નાશ કેવળ પ્રસન્નતાથી થાય છે. પ્રસન્ન ત્યારે જ રહી શકાય છે જ્યારે દિલમાં પ્રામાણિક પ્રેમ હોય અને પ્રેમ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે સત્યની માત્રા વધે છે. જ્યારે તમે પ્રસન્ન રહો ત્યારે તમે એ પણ ધ્યાન રાખજો કે મારાથી સામેવાળો પ્રસન્ન રહે એવું હું પોતે કરું.

જો એવું તમે કરશો તો તમારી પ્રસન્નતાની માત્રામાં વધારો થશે. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે, દુ:ખ તમારા મસ્તિક સુધી પહોંચતું નથી. ત્યાં સુધી ક્યારેય દુ:ખ જઇ શકતું નથી. દુ:ખ જ્યાંથી પેદા થાય છે ત્યાંથી જ પ્રસન્નતા એનાં મૂળ કાપી નાખે છે. પછી દુ:ખ દિમાગ સુધી કેવી રીતે પહોંચે? એક વાત સમજી લઇએ કે અનૃત-જૂઠ-સચ્ચાઇનું સ્થાન હોઠ છે. કરુણાનું સ્થાન આંખ છે અને પ્રેમનું સ્થાન હૃદય છે. આપણા હોઠ જેટલા અસત્યથી બચે એટલી પ્રેમની ધારા વધશે. બધામાં પ્રેમની ધારા છે પરંતુ અનૃતને કારણે ધારા ફૂટતી નથી માટે જીવનમાં પોતે પોતાને પ્રેમ કરો. દરેક જીવને પ્રેમ કરો. સમગ્ર જીવન પ્રેમમય બનાવો. સામેની વ્યક્તિ આપણને પ્રેમ કરે છે કે નહીં એ છોડો, આપણે પ્રેમ કરતા શીખી જઇએ તો સામેવાળો અવશ્ય પ્રેમ કરશે. સમગ્ર વિશ્વમાં પ્રેમનો સેતુબંધ થાય, તેમજ એકવીસમી સદીનો મંત્ર પ્રેમ હોય એવી વ્યાસપીઠ ઉપર ભગવાન રામનાં ચરણોમાં પ્રાર્થના કરું છું.
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

મોરારિબાપુ
rameshwardashariyani@gmail.com

No comments:

Post a Comment