Translate

Search This Blog

Saturday, September 5, 2015

ગોદાવરી નદી

ગોદાવરી નદી વિશે  "ભગવદ્ગોમંડલ" માં નીચે પ્રમાણેની માહિતી ઉપલબ્ધ છે જે અહીં સાભાર પ્રસ્તુત છે.


Read the information at its source link.




દક્ષિણ દેશની એક પ્રખ્યાત નદી તે નાસિક પાસેથી નીકળી બંગાળના અખાતમાં વહે છે. આ નદી વિષે પુરાણમાં કથા છે કે મનુષદેહે ભગવાન શંકર ગંગાજીને પરણ્યા હતા, પણ જ્યારે શિવ કૈલાસમાં ગયા ત્યારે પોતાની પત્ની પાર્વતીથી આ વાત ખાનગી રાખવા ગંગાજીને તેણે પોતાની જટામાં સંતાડ્યાં. પાર્વતીજીને આ વાતની ખબર પડી ત્યારે પોતાના પુત્ર ગણેશને પોતાનાં હરીફ ગંગાજીથી મુક્ત કરવા કહ્યું. પૃથ્વી ઉપર દુષ્કાળ મોકલવામાં આવ્યો. ફક્ત ગૌતમ ઋષિનાં ખેતરોમાં જ અનાજ મળે એવી સ્થિતિ આવી. ગૌતમ ઋષિએ બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે જેવું તે બી વાવે તેવો જ તેનો ફાલ આવે. ગૌતમ ઋષિએ દરેક સ્થળે ખૂબ મદદ કરી, છતાં કેટલાક અદેખા ઋષિઓએ તેનો વિનાશ કરવાનાં કાવતરાં કર્યા. તેનાં ખેતર ચરી જાય તે માટે તેઓએ એક અદ્ભુત ગાય ઉત્પન્ન કરી. દયાળુ ગૌતમ ઋષિ ગાયને હાંકી કાઢવા અશક્ત હતા. તેથી તેને હાંકી કાઢવા તેના ઉપર ઋષિએ પાણી છાંટ્યું. કમનસીબે ગાય તરત જ મરી જઈ ઢળી પડી. તેથી ઋષિને ગોવધ કરનાર તરીકે નિંધ્ય સંબોધન થવા માંડ્યું. આ પાપમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય ગંગાજલ હતો. તેથી તે માટે શંકર ભગવાનનું તપ આદર્યુ. આખરે શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન દીધાં. પોતાની જટાની એક લટ શંકરે તેને આપી. આ લટેને મરી ગયેલ ગાય ઉપર નિચોવતાં ગંગાજલનો પ્રવાહ વહેવા લાગ્યો. ગાય સ્ત્રી સ્વરૂપે સજીવન થઈ, જે ગૌતમ ઋષિને ક્ષમા આપી મરણ પામી. પેલા નિચોવેલા પાણીનો ઝરો મટી એની નદી બની. ગાયને જીવ આવ્યો તેથી આ નદીનું નામ ગોદાવરી પડ્યું. ગૌતમ ઋષિ ઉપરથી આ નદીનું બીજું નામ ગૌતમી પણ છે. ગોદાવરી હિંદુસ્તાનની એક મહાન નદી છે. તે ફક્ત ગંગા અને સિંધુથી નાની ગણાય છે. તે ઊંચી સપાટ જમીનમાં થઈને વહે છે. તે લગભગ ૯૦૦ માઈલ લાંબી છે અને ૧,૨૦,૦૦૦ ચોરસ માઈલમાંથી ધોવાણ તે નદીમાં જાય છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા બ્રહ્મપુરી પાસે આવેલ વ્યંબક નામના ગામ પાસેથી તે શરૂ થાય છે. આ ગામડું મુંબઈથી ઈશાન કોણમાં ૭૦ માઈલ દૂર છે. જૂની માન્યતા એવી હતી કે, તે બહ્મપુરી નજીકના જટાફટકા પર્વતમાંથી નીકળી કુશાવર્ત તળાવમાં જમીનની નીચે વહી આવતી. ગંગા નદીની જમીનમાં વહેતી શાખા તરીકે ગોદાવરી ગણાતી હોવાથી તેનું ધાર્મિક માહાત્યમ્ય ઘણું જ છે. ખાસ કરીને જેને પ્રજા ન હોય તેઓને માટે તેનું સ્નાન સંતાનસુખ આપનારૂં ગણાય છે. સિંહસંક્રાંતિમાં સૂર્ય કે બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીસ્નાન ખાસ કરાય છે. આ નદી શરૂઆતમાં પૂર્વમાં અને પછી નૈઋત્યમાં વહે છે. ૬૫૦ માઈલ વહ્યા પછી તેને મોટી ઉત્તર પ્રાણહિતા નદી મળે છે. આ નદી વર્ધા, પેનગંગા અને વાઈનગંગાના સંગમથી બનેલ છે. આગળ જતાં ગોદાવરીમાં ઉત્તર તરફથી ઇંદ્રાવતી અને સાવરી નદી આવી મળે છે. પછી બેથી અઢી માઈલના પહોળાઈના પટમાંથી સંકોચાતી બસો વાર પહોળાઈનો પટ બનાવે છે અને બહુ જ જોસથી પોતાનો રસ્તો પૂર્વઘાટમાંથી કરી અવાજ કરતી વહે છે. રાજમુંદ્રિ આગળ નદીનો પટ બે માઈલનો છે અને તેની ઉપર રેલવેનો સુંદર પુલ છે. આળ જતાં ગોદાવરી ચાર માઈલ પહોળી થઈ જાય છે. તેમાં ઘણા ટાપુઓ છે. તેના મુખ્ય બે ફાંટા છે: (૧) ગૌતમી ગોદાવરી. તે ગોદાવરી ભૂશિર નજીક બંગાળાના ઉપસાગરને મળે છે. (૨) વસિષ્ઠ ગોદાવરી. તે નરસાપુર આગળ સમુદ્રને મળે છે. ગોદાવરીના નાના મોટા કુલ સાત ફાંટામાં પહેલા ફાંટાનું નામ તુલ્ય છે. આ ફાંટો બીજા છ ફાંટા જેવડો હાવાથી તેનું નામ તુલ્ય પડ્યું છે. ચંદ્રદેવને ૨૭ પત્ની હતી, તેમાં એક તરફ પોતાનો અતુલ સ્નેહ હોવાથી તેના સસરાએ ચંદ્રને ક્ષય થશે એવો શાપ આપ્યો હતો. તુલ્યમાં સ્નાન કરી ચંદ્રે શાપનું નિવારણ કર્યું હતું. ક્ષયના દરદથી મુક્ત થવાને લીધે પોતાના સોમ નામની યાદગીરી જળવાઈ રહે તે ખાતર સોમેશ્વર નામનું શિવમંદિર ચંદ્રે બંધાવ્યું તેમ મનાય છે બીજા ફાંટાનું નામ આત્રેયી છે. આત્રેય મુનિએ ત્યાં રહી ઇંદ્રપદ મેળવવા તપ કર્યું હતું. તેથી તેનું નામ આત્રેયી પડ્યું છે. ઈ. સ. ના પહેલા સૈકામાં પ્લિનીએ વર્ણન કરેલ કોરિંગા નામનું ગામડું આત્રેયી નજીક છે. ત્રીજા ફાંટાનું નામ ભરદ્વાજ છે. ભરદ્વાજ ઋષિએ પોતાની બહેન રેવતી માટે યોગ્ય પતિ મેળવવા ત્યાં પ્રાર્થના કરેલી. તેથી તેનું નામ ભરદ્વાજ રાખવામાં આવ્યું છે. કત નામનો બ્રાહ્મણપુત્ર ત્યાં આવી ચડ્યો. ઋષિએ તેને શાસ્ત્ર શીખવ્યાં. તેના બદલામાં તેની બહેન રેવતીનું પાણિગ્રહણ કરવાનું કતને ઋષિએ કહ્યું. કતની અનિચ્છા છતાં કબૂલ કરવું પડ્યું. કતે રેવતીને આ નદીમાં સ્નાન કરવાનું કહ્યું. સ્નાન કરતાં રેવતીએ બેડોળપણું ગુમાવી ખૂબસૂરતી પ્રાપ્ત કરી. આથી કત ખુશી થયો. આ ફાંટાને તેથી રેવતી પણ કહે છે. ચોથા ફાંટાને ગૌતમી કહે છે. ગૌતમ ઋષિએ તેની પત્નીને ઇંદ્ર સાથે તેનું શિયાળ ભ્રષ્ટ થવાને લીધે શુષ્ક નદી બની જવાનો શાપ આપ્યો હતો. ગૌતમ ઋષિ ઉપરથી આ નદીનું નામ ગૌતમી પડ્યું. ગૌમત ઋષિની પત્ની એ દયા માટે પ્રાર્થના કરતાં શાપના નિવારણ તરીકે ઋષિએ તેણીને કહ્યું કે, જો તે ગોદાવરી નદીને મળશે તો પુન: મૂળ સ્વરૂપ પ્રાપ્ત થશે. પાંચમા ફાંટાને વૃદ્ધગૌતમી કહે છે. ગૌતમ ઋષિને પુત્ર હતો. તેનું નામ પણ ગૌતમ હતું. જન્મથી તે નાક વગરનો જન્મયો હતો. પોતાની આ ખામીને લીધે ગૌતમ નિરાશમાં નાસી ગયો અને જ્યાં ત્યાં રખડવા લાગ્યો. રખડતાં રખડતાં તે શ્વેતગિરિ પર્વતની ગુફામાં પેઠો. ત્યાં તેને એક પવિત્ર વૃદ્ધ બાઈ મળી. જે કોઈ આ ગુફામાં દાખલ થાય તેની સાથે લગ્નગ્રંથિથી જોડાવાની તેને આજ્ઞા હતી. ગૌતમનો વિરોધ છતાં બંનેનાં લગ્ન થયાં, પણ તેઓ લોકોનાં નિંદાપાત્ર બન્યાં. અગસ્ત્ય ઋષિની આજ્ઞા મુજબ તેઓએ ગોદાવરીસ્નાન કર્યું અને તેના પ્રભાવથી તે ખૂબસૂરત યુવાન યુગલ બની ગયું. છઠ્ઠા ફાંટાનું નામ કૌશિકી છે. કૌશિક ઋષિ ઉપરથી એનું નામ કૌશિકી પડ્યું છે. કૌશિક ઋષિ આ પ્રવાહને દરિયામાં લઈ ગયા હતા. એક દિવસ શ્રીરામ ગોદાવરી નદીના પાંચમુખે નાહ્યા પછી આ મુખે આવ્યા અને ત્યાં શિવની સ્થાપના કરી. તેનું નામ રામેશ્વર રાખ્યું. કન્યાકુમારી પાસેનું રામેશ્વર તે આ નહિ. સાતમા પ્રવાહે વસિષ્ઠ નામના ઋષિ વિષ્ણુના નૃસિંહ અવતારના મંદિર આગળ આંતરવેદીમાં તપ કરતા હતા. વસિષ્ઠના જૂના દુશ્મન વિશ્વામિત્ર ઋષિએ હિરણ્યાક્ષનો દીકરો કે જેણે તપથી દૈવી શક્તિ મેળવી હતી તેને વસિષ્ઠ ઋષિને ઈજા કરવા માટે મોકલ્યો. રાક્ષસ આવ્યો અને વસિષ્ઠના સો દીકરાને ખાવા માંડ્યો, પણ ઋષિએ નૃસિંહની પ્રાર્થના કરી અને તેથી નૃસિંહે રાક્ષસનો વધ કર્યો. આ જાત્રાનું મુખ્ય સ્થળ છે.

No comments:

Post a Comment