તુલસીનું ‘રામચરિત માનસ’ માત્ર મહાકાવ્ય નથી, મહામંત્ર છે
સંકલન : નીતિન વડગામા
- તુલસીજયંતી’નું આ પાવન પર્વ છે.
- તુલસીનો ગ્રંથ ‘રામચરિત માનસ’ એ ગ્રંથ નથી, સદ્્ગ્રંથ છે.
- મારા માટે તુલસીનું ‘રામચરિત માનસ’ એ સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી છે,
- બીજા તુલસીદાસ કોઈ થઈ જ ન શકે. તુલસી તુલસી છે. સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજે બહુ સારું કહ્યું હતું. ક્યારેક કોઈ પત્રકારોએ એમને પૂછ્યું કે આપને લોકો તુલસીના અવતાર માને છે. આપનો અભિપ્રાય શું છે? તો પંડિતજીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો કે તુલસીએ એક ‘રામચરિત માનસ’નું નિર્માણ કર્યું પરંતુ એમના ‘રામચરિત માનસે’ અનેક તુલસીદાસોનું નિર્માણ કરી આપ્યું છે. એટલે જેમ રામ સમાન રામ, સમુદ્ર સમાન સમુદ્ર, આકાશ સમાન આકાશ, એવી રીતે તુલસી સમાન તુલસી. બીજા કોઈ થઈ જ ન શકે.
- મારા માટે તુલસી અને તુલસીનો જે સદ્્ગ્રંથ છે એ વૈશ્વિક છે.
- જે લોકો ગુણાતીત શ્રદ્ધાના માલિક છે એમના માટે તુલસીનું શાસ્ત્ર, તુલસીનો સદ્્ગ્રંથ ‘રામચરિત માનસ’ માત્ર મહાકાવ્ય નથી, મહામંત્ર છે. ‘મહામંત્ર જોઈ જપત મહેસૂ.’
- તુલસીદાસજી મહાપાગલ છે.
- જે ગલને પામી ગયા એ પાગલ છે.
- તુલસી પાંચ વસ્તુના પાગલ હતા.
- એક, તુલસીમાં રૂપનું પાગલપન હતું.
- તુલસી પ્રેમદીવાનો માણસ છે.
સીતા રામ ચરન રતિ મોરેં,
અનુદિન બઢઉ અનુગ્રહ તોરેં.
- આ તુલસી પ્રેમદીવાની વ્યક્તિ છે.
કામિહિ નારિ પિખારિ જિમિ લોભિહિ પ્રિય જિમિ દામ.
તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિ રામ.
- માણસે વિષયીમાંથી જો સાધક બનવું હોય તો જીવનના અનુભવોને અણદેખ્યા નહીં કરવા જોઈએ.
- તુલસી રૂપદીવાના, પ્રેમદીવાના અને તુલસી દર્દ-દીવાનાના પ્રતીક છે.
- તુલસીનું ચોથું દીવાનાપન છે, એ નામદીવાના છે. ‘એહિ મહં રઘુપતિ નામ ઉદારા.’
- પાંચમું પાગલપન તુલસીનું છે, એ સંતદીવાના છે.
- તુલસીનો ધર્મ કયો છે? ‘રામો વિગ્રહવાન ધર્મ.’ તુલસીનો ધર્મ રામ છે.
- તુલસીનો અર્થ પણ રામ છે અને તુલસીનો કામ પણ રામ છે.
બલકલ બસન જટિલ તનુ સ્યામા,
જનુ મુનિબેષ કીન્હ રતિ કામા.
- જાનકીમાં એમને રતિનું દર્શન થયું છે અને રામમાં કામનું. તો તુલસીનો કામ પણ રામ છે.
રામ ભજન સોઈ મુક્તિ ગોસાંઈ.
તુલસીનો મોક્ષ પણ રામ છે. અને પંચમપુરુષાર્થ જે પ્રેમ છે, એ તુલસીનો પ્રેમપદાર્થ પણ રામ છે. જેમનું બધું જ રામ છે એવી એક મહાવિભૂતિ છે તુલસી.સંકલન : નીતિન વડગામા
No comments:
Post a Comment