Translate

Search This Blog

Tuesday, November 13, 2012

'મંગલમૂર્તિ' કોને કહેવાય?, માનસદર્શન, મોરારિબાપુ


The image and article information are displayed here with the courtesy of 




'મંગલમૂર્તિ' કોને કહેવાય?



Read full article at Divya Bhaskar.



આપણે પણ જો આપણા જીવનમાં ભજન, શાંતિ, ત્યાગ, વૈરાગ્ય અને સંસારની પૂરી સાવધાની રાખીને ચાલીએ તો એ અર્થમાં આપણે પણ 'મંગલમૂર્તિ' છીએ.

રામચરિતમાનસમાં ભગવાન રામની કેટલીક યાત્રાઓ છે. જેમાં ભગવાન રામ વિશ્વામિત્રજી સાથે જનકપુર જાય છે. એ પદયાત્રા છે. બીજી યાત્રા હનુમાનજીના ખભા પર બેસીને ભગવાન રામ ઋષ્યમૂક પર્વત ગયા એ હનુમાનયાત્રા છે. ત્રીજી યાત્રા ભગવાને લંકાના રણમેદાનમાં કરી હતી જેમાં ઇન્દ્રે મોકલેલા રથમાં બેસી ભગવાને રથયાત્રા કરી હતી. છેલ્લે યુદ્ધ પૂર્ણ કરી લંકાથી પાછા ફરતી વખતે ભગવાને વિમાનયાત્રા કરી. આ બધી જ યાત્રાઓ વિશે મારી વ્યાસપીઠને આઘ્યાત્મિક અર્થનું દર્શન થાય છે. રામચરિતમાનસમાં ભગવાન રામ પદયાત્રા કરતા ભારદ્વાજ ઋષિના આશ્રમથી નીકળીને વાલ્મીકિ ઋષિના આશ્રમમાં આવે છે. ત્યારે તુલસીદાસજી ઉદ્ઘોષણા કરે છે કે ભગવાન રામને જોઇને વાલ્મીકિ ઋષિના મનમાં ખૂબ જ આનંદ થયો. શા માટે? તો કહે છે કે 'મંગલમૂર્તિ નયન નિહારી' જે મૂર્તિ વિશે વાલ્મીકિજીએ નારદજી પાસે ઇચ્છા વ્યકત કરી હતી તે આજે પોતાની આંખે સ્વયં દર્શન કરે છે. ભગવાન રામનાં દર્શન આજે પહેલીવાર થયા છે. અહીંયાં ભગવાનની મંગલમૂર્તિનું દર્શન કરીને વાલ્મીકિ ખૂબ જ આનંદિત થયા. તુલસીદાસજીની મંગલમૂર્તિની પહેલી વ્યાખ્યા અહીં વ્યકત થાય છે. મંગલમૂર્તિ શબ્દનો પ્રયોગ આપણે કોઇપણ માટે કરી શકીએ છીએ. આપણા મહારાષ્ટ્રીય ભાઇ-બહેનો ગણેશજીને મંગલમૂર્તિ કહે છે. આપણા દેશમાં ગણપતિ પ્રત્યે આટલી નિષ્ઠા અને પ્રસ્થાપનમાં જો સૌથી વધુ કોઇનું યોગદાન રહ્યું હોય તો તે લોકમાન્ય તિલકજીનું હતું એને વ્યાસપીઠ પરથી સલામ કરું છું. જયારે ઘરે, ઘરે ગામેગામ હનુમાનજીની પ્રસ્થાપના કરવાનું શ્રેય કોઇને જતું હોય તો એ ગોસ્વામી તુલસીદાસજીને જાય છે અને ખરેખર આ સત્યનો આપણે અનાદાર કરી શકીએ નહીં. તો ગણપતિજી પણ મંગલમૂર્તિ છે. શ્રી હનુમાનજી પણ મંગલમૂર્તિ છે અને આ બંને આપણાં મંદિરોમાં સમાંતરે બિરાજે છે. તુલસીદાસજીએ શ્રી હનુમાનજીને મંગલમૂર્તિ રૂપે ઘોષિત કર્યા જ છે:
'મંગલમૂર્તિ મારુતિ નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, મંગલ ....'

તો ભગવાન રામને જોઇને વાલ્મીકિ ઋષિને ખૂબ જ આનંદ થયો. હવે અહીં એક બીજી વાત પણ છે. ભગવાન જયારે વાલ્મીકિ ઋષિના આશ્રમમાં ગયા ત્યારે એકલા ગયા નથી. એમની સાથે સીતાજી પણ હતાં અને લક્ષ્મણજી પણ હતા. તો એ ત્રણેય મંગલમૂર્તિ છે કે કેવળ ભગવાન રામને જ મંગલમૂર્તિ તરીકે મનાયા છે? આનો ખુલાસો થયો નથી. વાલ્મીકિ રામાયણમાં તો વાલ્મીકિ ઋષિ સીતાજીના ચરિત્રને વધારે પ્રધાનતા આપે છે. વાલ્મીકિજીના મનમાં કદાચ મંગલમૂર્તિ સીતાજી પણ હશે?

બીજી એક વાત હું તમને સૂત્રરૂપે બતાવું છું કે જયારે આપણી નજીકની વ્યકિત આપણને ગાળો આપે ત્યારે સમજવાનું કે સત્ય નિકટ છે અને દૂરના લોકો ગાળો આપે ત્યારે સમજવું કે સત્ય પણ દૂર છે. માટે આપણી નજીકની વ્યકિત જયારે આપણી આલોચના કરે તો ખુશ થવું જોઇએ. તો મારી વ્યાસપીઠ તો બધાં વિધિ-વિધાનોથી દૂર છે. મંગલમૂર્તિની એક વ્યાખ્યા છે કે જેમને જોઇને આપણને ખૂબ જ આનંદ થાય એ તત્ત્વ મંગલમૂર્તિ છે પછી એ કોઇપણ હોઇ શકે છે. નાના બાળકને જોઇને આપણને ખૂબ આનંદ થાય તો એ બાળક મંગલમૂર્તિ છે. પત્ની-પતિ, સાસુ, પડોશી પરિવારને જોઇને આપણા દિલમાં આનંદ પ્રગટે તો આપણા માટે એ બધા જ મંગલમૂર્તિ છે. કોઇને જોઇને અકારણ આપણી આંખો ભીની થઇ જાય. એ આપણા માટે મંગલમૂર્તિ છે. અરે જોવાની વાત છોડો, કોઇનું નામ સાંભળીને આપણું હૃદય અને આંખો ઉભરાવા લાગે એ મંગલમૂર્તિ છે. કોઇ દિવ્ય પુરુષ, સાધુપુરુષનાં દર્શનથી આપણી આંખો ભીંજાઇ જાય તો સમજવાનું કે એ મહાપુરુષનાં દર્શન આપણા માટે મંગલમૂર્તિ છે. મંગલમૂર્તિની ચર્ચા આગળ કરીએ કે જેમની પાસે બેસવાથી આપણા મનનાં બધાં તરંગો શાંત થવા લાગે. મન પ્રસન્ન બની જાય, વિચારોમાં શુદ્ધતા આવી જાય, વાણીમાં વિવેક આવી જાય એક શાંતિનો અનુભવ થાય એ મંગલમૂર્તિ છે. ટૂંકમાં આપણા જીવનમાં અમંગલતાનો નાશ થઇ જાય. આપણે આઘ્યાત્મિક પથ પર ચાલવા લાગીએ એવા પ્રેરણાદાયક મહાપુરુષ મંગલમૂર્તિ છે. મારી આપ સર્વને પ્રાર્થના છે કે જીવનમાં કોઇ બુદ્ધપુરુષ મળી જાય અને એની પાસે બેસવાનો લાભ મળે તો એમની પાસે શાંતિથી બેસી રહેવું જોઇએ. મહાપુરુષો પાસે વધારે બોલબોલ કરવું નહીં. એ મહાપુરુષની દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય તો સમજવું કે મોક્ષ પ્રાપ્ત થઇ ગયો. મહાપુરુષોનાં ચરણોમાં બેસવું આપણા માટે પૂરતું છે. એક ભીતરી યજ્ઞ સ્વયં શરૂ થઇ જશે. આપોઆપ કેટલાય સમિધ એમાં બળી જશે, રામચરિતમાનસમાં તો તુલસીદાસજીએ સપ્તસમિધની ચર્ચા કરી છે. હું જયારે નાનો હતો ત્યારે મારા દાદાજીનાં ચરણોમાં બેસીને રામાયણ ભણતો હતો. એ સમયની વાત છે. દિવાળીનો સમય હતો. તલગાજરડામાં બધા પોતાની રીતે મકાનને વ્હાઇટવોશ કરતા હતા. વ્હાઇટવોશ એટલે કે સાદો સફેદો કરતા હતા. અમારે પણ નાનકડું મકાન હતું. આ મકાનની વરચે એક ભીંત હતી. મા આ ભીંતને વ્હાઇટવોશ કરતી હતી. ત્યારે મેં મારા દાદાજીને કહ્યું કે દાદાજી મારી એક ઇચ્છા છે કે આ ભીંત ઉપર મારે એક રામચરિતમાનસની ચોપાઇ લખવી છે. ત્યારે દાદાજીએ મને કહ્યું કે બેટા રામચરિતમાનસમાંથી સપ્તસમિધવાળી વાત ભીંત પર લખ. ત્યારે મેં સપ્તસમિધવાળી વાત વર્ષોપહેલાં ગળીથી ભીંત પર લખી હતી. જે સાત સમિધનાં નામ આ પ્રમાણે છે.

'કુપથ કુતરક કુચાલિ કલિ કપટ દંભ પાષંડ l
દહન રામ ગુન ગ્રામ જિમિ ઈધન અનલ પ્રચંડ  ll '

રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે, તમારે ભીતરી યજ્ઞ કરો તો એમાં સાત સમિધ હોમાઇ જશે.

૧. કુપથ  : કોઇ મંગલમૂર્તિ જીવનમાં મળી જાય તો પહેલાં કુપથ આહુત થઇ જાય છે. જીવનમાંથી ખોટો રસ્તો છૂટી જાય છે. હા, માણસે સ્વયં સુધરવાની જરૂર છે. આપણે કેટલાને સુધારી શકીશું? તો જેમની પાસે જવાથી આપણા કુપથ છૂટી જાય એમને મંગલમૂર્તિ સમજવા.

૨. કુતર્ક : જીવનમાં તર્ક હોવા જોઇએ પણ કુતર્ક નહીં. હા, સતર્ક રહેવું. જેની પાસે બેસવાથી કુતર્ક મટી જાય એ મંગલમૂર્તિ છે. કુતર્ક ભીતરી યજ્ઞનું બીજું સમિધ છે.

૩. કુચાલી : કુચાલીનો અર્થ થાય છે જીવનમાં કયારેય ખોટો વ્યવહાર ન કરવો જોઇએ. જેમની પાસે રહેવાથી, જેના સાંનિઘ્યમાં બેસવાથી આપણો ખોટો વ્યવહાર મટી જાય એ વ્યકિત આપણા માટે મંગલમૂર્તિ છે. જે મહાપુરુષ આપણા વર્તનને શુદ્ધ કરે, વિવેકને જાગ્રત કરે એ મંગલમૂર્તિ છે. હા, કુચાલ જરા સૂ મ છે. જીવનમાં કુચાલ અંદરથી કામ કરે છે. કુચાલી જીવનમાં ઉપરથી દેખાતી નથી, પરંતુ કુચાલ અંદરની વાત છે.

૪. કલિ : કલિયુગ સ્વયં કચરો છે. આપણને બધાને ખબર છે કે સમિધ કયારેક સડેલા પણ હોય છે. કલિના જેટલા પણ દોષ છે એ બધા જ દોષો કોઇના સાંનિઘ્યમાં બેસવાથી નાશ પામે એ આપણા માટે મંગલમૂર્તિ છે. આજે ચાર ગુણોવાળી વાત જૂની થઇ ગઇ છે. હવે તો એક પાંચમા યુગની જરૂર છે, જેને પ્રેમયુગ એવું નામ આપી શકાય. આજે બધી જ જગ્યાએ પ્રેમની જરૂર છે. હા, એને વિવેક સમજવો જોઇએ. પ્રેમયુગ કદાચ એકાદ મિનિટ ચાલેને તો વિશ્વમાં ઘણી સમસ્યાઓ ટળી જશે.

૫. કપટ : કપટ છોડવાથી કયાં છૂટે છે? કોઇ મહાપુરુષના સાંનિઘ્યમાં જવાથી કપટ છૂટી જાય છે. જીવનમાંથી બને તો કપટ ત્યજી દેજો. જરૂર પડે તો કોઇને વાણીથી મોઢે કહી દેજો પણ જીવનમાં કપટ ત્યજવા માટે કોઇ સાધુપુરુષનો સંગ કરજો. જેના સંગથી આપણા જીવનમાં કપટ હટી જાય તે વ્યકિત આપણા માટે મંગલમૂર્તિ છે.

૬. દંભ : દંભની વ્યાખ્યા મારે કરવાની જરૂર નથી. માણસની અંદર કંઇક છે અને બહાર કંઇક હોય છે. બીજું જ દેખાડવાનું અને બુદ્ધિપૂર્વક આયોજન થાય એનું નામ દંભ છે. તુલસીદાસજી કહે છે કે દિવ્યપુરુષના સાંનિઘ્યમાં બેસવાથી આપણા દંભરૂપી સમિધ બળી જાય છે.

૭. પાખંડ: પાખંડ શબ્દ મૂલત: બહુ સારો હતો. જેમને જીવનમાં થોડી ઘણી અનુભૂતિ થઇ ગઇ હોય એ પાખંડ સંપ્રદાય છે પણ સમય જતાં એમાં દંભ આવી ગયો પછી ગોરખધંધા એવો એક શબ્દ આવ્યો માટે ધીરે ધીરે પાખંડ શબ્દ પણ બીજા અર્થમાં પરિવર્તન થયો. તો જીવનમાં સપ્ત સમિધ કોઇ મહાપુરુષનાં ચરણોમાં બેસવાથી ભસ્મ થઇ જાય છે. એ આપણા માટે મંગલમૂર્તિ છે. આપણે પણ આપણા જીવનમાં ભજન, શાંતિ, ત્યાગ, વૈરાગ્ય અને સંસારની સાવધાની રાખીને ચાલીએ તો આપણે પણ મંગલમૂર્તિ છીએ. છેલ્લે નૂતન વર્ષ આપ સર્વ માટે, પૂરા વિશ્વ માટે મંગલમૂર્તિ બની રહે એવી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના. સર્વને નૂતન વર્ષની શુભકામના.

જય સીયારામ

માનસદર્શન

મોરારિબાપુ



No comments:

Post a Comment