Translate

Search This Blog

Saturday, November 3, 2012

સરદારનો 'અક્ષરદેહ', માનસદર્શન, મોરારિબાપુ




The image above and article content below are displayed here with the courtesy of 

Divya Bhaskar.




Posted by Picasa



સરદારનો 'અક્ષરદેહ'



page 8

સરદાર શબ્દમાં કુલ ચાર વર્ણ-અક્ષર છે, જે ચાર વર્ણનો મારે વિસ્તારથી અર્થ કરવો છે. એ અર્થ કરીને મારે સરદારને નમન કરવા છે. 

સરદાર સાહેબનાં પાવન સ્થાનોમાં અવાર-નવાર એક તીર્થયાત્રાના ભાવથી હું દર્શન કરવા માટે જાઉ છું. ખેડા જિલ્લાનું કરમસદ તથા બારડોલી જયાં સરદાર પટેલ સાહેબે નિવાસ કર્યા હતો. પૂજય ગાંધીબાપુએ પણ બારડોલીમાં નિવાસ કર્યો હતો. એવા પવિત્ર સ્થાનમાં મને રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. આજે બારડોલી તરફ જવાનું થાય ત્યારે સરદાર સાહેબની કર્મભૂમિમાં અવશ્ય જાઉ છું. એ આશ્રમમાં આજે પણ મને સરદાર પટેલ સાહેબના વિચારોનાં દર્શન થાય છે. 

આખી દુનિયા સરદાર સાહેબને લોહપુરુષ તરીકે ઓળખે છે. ગાંધીબાપુએ તો એમને સિંહપુરુષ કહ્યા છે. ગાંધીબાપુએ સરદાર પટેલને એક દિવસ બોલાવીને કહ્યું કે તમે કયારેય પાછા પડતા નહીં. તમે જરા પણ મૂંઝવણનો અનુભવ ન કરતા કારણ કે તમે તો મારી દ્રષ્ટિએ ભારત દેશના સિંહપુરુષ છો. 

હવે મહાત્મા-ગાંધીબાપુ સ્વયં સરદારને સિંહપુરુષ કહે એ વાત કદાચ આપણે ન પણ સમજી શકીએ, પણ એક વાત નક્કી છે કે આદિકાળથી લઇને આજ સુધી જેમણે સત્યની ઉપાસના કરી હોય તે સત્યના ઉપાસક આરાધક ભારત દેશને જે મહાત્મા ગાંધીબાપુ પ્રાપ્ત થયા એ ગાંધીબાપુએ જયારે સરદાર સાહેબને સિંહપુરુષ કહ્યા  હશે ત્યારે એમના મનમાં ચોક્કસ એક ખ્યાલ હશે, સ્પષ્ટ વ્યાખ્યા હશે. 

સંસ્કૃત સાહિત્યમાં એક સુભાષિત મને આ પ્રસંગે યાદ આવે છે. જેમાં સુભાષિતકાર કહે છે કે વનમાં વસનારો સિંહ જયારે વનમાં ફરતો હોય ત્યારે બીજાં વન્ય પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક પ્રાપ્ત કરે એ એક પ્રકૃતિ છે. એમાં જરાય ખોટું નથી. એમાં સિંહને પાપ લાગતું નથી. પણ એ વનનો સિંહ કયારેય ઘાસના તણખલામાં મોઢું નાખતો નથી. 

એવી જ રીતે કુલીનકુળમાં, શાલીનકુળમાં અસ્તિત્વની એક વ્યવસ્થારૂપે જે ચેતના ધરા પર આવી હોય એ કોઇ દિવસ નીતિનો માર્ગ છોડતી નથી. સિંહ ગમે તેટલો ભૂખ્યો થાય પણ ઘાસને અડતો નથી (હા આપણા દેશમાં ઘણા માણસો ઘાસ ખાય છે). તો સિંહ ગુજરાતની સોરઠ ધરા ઉપર જ છે. આપણને બધાને ખ્યાલ છે કે સિંહને નાથવો બહુ કિઠન છે. છતાં સિંહને પણ નાથી શકે એવો સાવજનો પણ સાવજ પાકયો જેને એક લોહપુરુષમાં સિંહનાં દર્શન થયાં. માટે ગાંધીબાપુએ સરદારને સિંહપુરુષ એવું નામ આપવું પડ્યું. 

આપણે ત્યાં સિંહનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. જેમાં સિંહનું એક મોટું લક્ષણ છે કે સિંહ કોઇ પણ મારણ કર્યા પછી એકલો ખાતો નથી. બીજું કે કોઇ બીજા દ્વારા કરેલો શિકાર પોતે ખાતો નથી. એવી જ રીતે સરદાર સાહેબ વિશે ગાંધીબાપુએ સ્વવિચાર પ્રગટ કરેલા. આપણે ત્યાં સરદાર પટેલ વિશે બહુ જ બોલાયું છે, ખૂબ જ લખાયું છે પણ સરદાર સાહેબ વિશે મારે બોલવાનું હોય ત્યારે મને સરદાર પટેલ સાહેબમાં એની બહાદુરી પરાક્રમ, ઓજસ્વિતા, નિર્ણય કરવાની શકિત અને સાહસિકતાનાં દર્શન થાય છે. તે ઉપરાંત મને સરદાર સાહેબ બોલું ત્યારે મને ચાર-ચાર અર્થો દેખાય છે. ખરેખર તો સરદાર ઉપનામ છે, પણ મને વધારે ગમે છે. સરદાર શબ્દમાં કુલ ચાર વર્ણ છે જે ચાર વર્ણનો મારે વિસ્તારથી અર્થ કરવો છે. એ અર્થ કરીને મારે સરદારને નમન કરવા છે. 

૧. સરદારનો પહેલો વર્ણ છે  'સ'

'સ' નો અર્થ મારી દ્રષ્ટિએ સમજ છે. સરદારમાં સમજશકિત ખૂબ જ હતી. સાથે બીજો અર્થ છે સહનશકિત. સરદાર સાહેબમાં સહનશકિત પણ વધારે હતી. સરદાર સાહેબે જીવનમાં બહુ જ સહન કર્યું હતું. ગાંધીજી સાથે સરદારને ઘણીવાર વિચારભેદ થતા. વિચારભેદ થવામાં સરદારને વાર લાગતી નહોતી. કોઇપણ વ્યકિત હોય સ્પષ્ટ કહી દેતા. છતાં ઘણું સહન કર્યું હતું. 

આપણા મેઘાણીએ તો લખ્યું છે કે 'છેલ્લો કટોરો પી જજો બાપુ' ગાંધીજી જયારે ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે ઝેરનો કટોરો પી ગયા પણ જયારે ગાંધીજીએ ઝેરને પીધું હશે તેમાંથી જે થોડુંક બચી ગયું હશે એ બચેલા ઝેરને કોઇએ પીધું હોય તો એ ભારત દેશના સરદાર સાહેબે પીધું હતું. આ એની સમજદારી અને સહનશીલતા છે તો સરદારના  'સ' માં મને સમજદારી બહુ દેખાય છે. 

સરદાર સાહેબ પટેલ હતા અને પટેલને બિયારણમાં વધારે ખબર પડે. એ બિયારણના આધારે ખેતરમાં ફૂલછોડને ઉગાડી શકે. ફૂલછોડને ઉગાડીને છોડ ઉપરથી ફૂલ ઉતારી પણ શકે. પણ ફૂલની માળા લગભગ ખેડૂત ન બનાવી શકે. એ ફૂલની માળા બનાવવા માટે તો માળી જોઇએ, પણ ભારત દેશમાં એક એવો ખેડૂત માળી થયો કે આખા દેશના રજવાડાનાં ફૂલને એકસૂત્રમાં પરોવી મા ભારતીના કંઠે માળા આરોપિત કરી. આ ખેડૂત હોવા છતાં મોટા માળી જ હતા. 

આખી  જિંદગી ભારત માટે માળીનું કામ કર્યું છે. કોઇના માલિક બન્યા નથી. મારી તો દરેકને પ્રાર્થના છે ખાસ કરીને આ યુવાન પેઢી પ્રાર્થના કે 'સરદાર વાણી' સરદાર સાહેબનાં નાનાં નાનાં વાકયોને વાંચજો. એમાં સરદારની સમજદારીનાં દર્શન થશે. સમજદારી સાથે બીજો શબ્દ સહનશીલતા હતો. સરદાર સાહેબ જીવનમાં અન્યાયને સહન કરતા ન હતા, પણ ખોટી રીતે કયારેય સહનશકિતને ગુમાવી નથી. 

૨. સરદારમાં બીજો વર્ણ છે 'ર'

'ર' વર્ણમાં મને આખા દેશના રક્ષણનાં દર્શન થાય છે. દેશનું રક્ષણ, જતન અને અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબનું મોટું યોગદાન છે. એક વખત લોકસભામાં એવું બોલાઇ ગયું કે અમુક માઈલ જમીન આપણા નજીકના પાડોશી લઈ ગયા એમાં શું થયું? ત્યાં કોઈ તણખલું ઊગતું નથી. જવા દો ને. આ વાક્ય સાંભળીને સિંહપુરુષ સરદાર ઊભા થઇ ગયા અને લોકસભામાં કહેવા લાગ્યા કે આ જમીન ઉપર એક તણખલું ઊગતું નથી માટે  દેશની જમીન અને એને આપી  દેવાની વાત કરો છો. તો તમે બધા સાંભળો કે માથા ઉપર એકેય તણખલું ઊગતું નથી. તો માથું પણ આપી દોને.



એક ગૃહમંત્રી તરીકેનું એમનું દાયિત્વ એમણે ખૂબ સારી રીતે નિભાવી જાણ્યું હતું. એમાંય અમુક બાબતો જ્યારે ગાંધીજી સ્વીકારે નહીં ત્યારે આ માણસની મનોદશા કેવી બની હશે? વાણીથી કદાચ સરદાર કઠોર લાગે છે પણ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમણે મનોમન નક્કી કરી લીધું કે સત્યનો મંત્ર ક્યારેય નહીં છોડું અને દેશના રક્ષણ માટે જો કોઈ નિર્ણય મારે કરવો પડશે તો સૌ પ્રથમ મારા સત્યના દેવતાને પૂછીને જ હું કરીશ અને જેની પાસે સત્યની તાકાત હોય છે એ જ બીજાનું રક્ષણ કરી શકે છે

૩. સરદારમાં આગળ 'દા' આવે છે 

હવે 'દા' અક્ષર વિશે જો મારે સરદારને સમજવા હોય તો હું એટલું અવશ્ય કહીશ કે 'દાવપેચ'નો  'દા' નહીં. જૂનાગઢ, સોમનાથ કે હૈદરાબાદના પ્રશ્નોમાં એની કોઇ દાદાગીરી નહીં, પણ ભારત દેશના એક ગૃહમંત્રી તરીકેનું પૂર્ણ દાયિત્વ સરદારે નિભાવ્યું છે. એને જ સરદાર કહેવાય. સરદાર સાહેબે ધાર્યું હોત, તો બધું જ કરી શકયા હોત. પણ એ કયાંય દાવપેચ ખેલ્યા નથી. જયારે એમનું જીવન પૂરું થયું ત્યારે એમના ખાતામાં બસો રૂપિયા હતા, કારણ કે એમણે દેશનું દાયિત્વ જ કર્યું હતું પોતાનું કયારેય વિચાર્યું ન હતું. સમાજના છેલ્લા માણસ સુધીની ફરજ એમને ખબર હતી. 

૪. સરદારના છેલ્લા 'ર'માં રમૂજવૃત્તિનું દર્શન થાય છે 

માણસમાં વિનોદવૃત્તિ હોવી જ જોઇએ. ગાંધીજી પણ ઘણીવાર વિનોદ કરતા હતા. 

એક દિવસ ગાંધીબાપુને નાયડુએ પૂછ્યું કે, બાપુ તમારી દ્રષ્ટિએ દુનિયાની સુંદરમાં સુંદર સ્ત્રી કોણ છે? તરત જ ગાંધીબાપુએ જવાબ આપ્યો કે કસ્તુરબા છે. જવાબ સાંભળીને નાયડુ કસ્તુરબા પાસે જાય છે અને કહે છે કે કસ્તુરબા દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તરીકે ગાંધીબાપુ તમને માને છે. 

આ વાત સાંભળીને કસ્તુરબા તરત જ સાડીનો છેડો હાથમાં લઇને વીંટતાં વીંટતાં કહેવા લાગ્યા કે બાપુ કોઇ દિવસ ખોટું ન બોલે એમની વાત સાચી જ છે. આવો વિનોદ માણસને હળવાફૂલ રાખી શકે છે. 

બારડોલી આશ્રમમાં એક દિવસ એક આદિવાસી બાપુને મળવા માટે આવે છે. આશ્રમમાં સરદાર સાહેબ અને જુગતરામબાપા હાજર હતા. બત્રીસ કિલોમીટરથી ચાલીને આદિવાસી બાપુનાં દર્શન કરવા માટે આવે છે પણ એ આદિવાસીને મળવા કોણ જવા દે? એટલે જુગતરામબાપાને મળે છે અને કહે છે કે મારે ગાંધીબાપુને દૂરથી જોવા છે. દર્શન કરવાં છે. જુગતરામબાપા ગાંધીબાપુને આદિવાસીની બધી વાત કરે છે. ગાંધીબાપુ વાત સાંભળીને કહ્યું
 કે પહેલા એને ભોજન કરાવો પછી મળવા મારી પાસે લઇ આવજો. 

ગાંધીજી કેટલા વ્યવહારુ હતા એ આ વાતમાં સ્પષ્ટ દેખાય છે. આદિવાસીને જમાડીને જુગતરામબાપા એક ઓરડામાં લઇ જાય છે. આ સમયે ઓરડામાં ઘણા માણસો બેઠા હતા. પેલો આદિવાસી ફાંફાં મારવા લાગ્યો કે આમાં ગાંધીબાપુ કોણ હશે? એટલે એનાથી જોરથી બોલાઇ ગયું કે આમાં ગાંધીબાપુ કોણ છે? એટલે રમૂજવૃત્તિ. 

સરદાર સાહેબ તરત જ બોલ્યા કે હું બાપુ છું. અહીંયાં સરદારની રમૂજવૃત્તિનાં દર્શન થાય છે, પણ પેલો આદિવાસી સરદારને અદ્ભૂત જવાબ આપે છે કે જે હું હું કરે એ ગાંધીબાપુ ન હોઇ શકે. 

ગૂજરાત વિધાપીઠની સ્થાપના વખતે આચાર્યની નિમણૂક વિશે ખૂબ જ ચર્ચા ચાલતી હતી. ત્યારે સરદાર બોલ્યા કે બાપુ તમારી દ્રષ્ટિમાં કોઇ ન હોય તો હું બેસવા તૈયાર છું. ત્યારે બાપુએ કહ્યું  કે તમે શું કરશો? તો કહે કે હું આપણે ત્યાં ખોટું ભણાવીને ગયા છે એને ભુલાવી નાખીશ અને રાષ્ટ્રવાદનું ભણતર ભણાવીશ. આવી રમૂજવૃત્તિ સરદાર સાહેબમાં હતી. 

આવા સિંહપુરુષની સમજદારી અને સહનશકિત, રાષ્ટ્રના રક્ષણ માટે સત્તામાં દાયિત્વ નિભાવનાર અને રમૂજવૃત્તિમાં રહેનાર સરદાર પટેલને મારી હ્નદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

હજારો વર્ષ ધરતી ફરિયાદ કરે ત્યારે કોઇ કોઇ સાવજ પ્રગટ થાય છે. એવા ગુજરાતના સિંહને, લોહપુરુષને મારા નમન.

'જય સીયારામ'

(સંકલનઃ રામેશ્વરદાસ હરિયાણી)

No comments:

Post a Comment