Translate

Search This Blog

Tuesday, November 20, 2012

આપણા ઘરને એક ધામ બનાવીએ


The image and article content are displayed here with the courtesy of 




આપણા ઘરને એક ધામ બનાવીએ, 18-11-2012









કળિયુગમાં બને તો બીજા લોકોને ભોજન કરાવજો. જો આપણે આટલું કરતા થઇશું તો આપણને એક ધામનાં દર્શનનું ફળ પ્રાપ્ત થશે.

રામચરિતમાનસમાં તુલસીદાસજીએ બતાવેલા અન્યગૃહ અને ગુરુગૃહ આ બંનેમાં ફરક કેટલો છે એ સમજવું ખૂબ જરૂરી છે. જેથી ગુરુગૃહની વિશેષતા સમજી શકાય. માનસમાં એક ગૃહનું નામ નૃપગૃહ પણ છે. ઘણા મને પૂછે છે કે બાપુ ગુરુગૃહ અને ગુરુધામમાં કેટલો ફરક છે? આના જવાબમાં હું એટલું જ કહેવા માગું છું કે ગુરુગૃહ અને ગુરુધામમાં ખાસ કોઇ ફરક નથી. બંને એક રૂપમાં છે. હા, આપણે ત્યાં ધામની એક વ્યાખ્યા વિશિષ્ટ રૂપમાં જોવા મળે છે. આપણે ત્યાં સ્થૂળ રૂપે ધામનાં દર્શન કરવામાં આવે છે. ધામની એક એવી માન્યતા આપણે ત્યાં છે કે જે જગ્યાની બાજુમાં નદી વહેતી હોય એને ધામ કહેવાય છે. બીજી રીતે ધામને એવી રીતે ઓળખવામાં આવે છે કે જયાં સ્થૂળરૂપમાં કોઇ પાવનપર્વત, સમુદ્ર હોય જયાં વિશિષ્ટ લોકોનો નિવાસ હોય, સ્વયં પરમાત્માનું પ્રાગટય થયું હોય, જેમ કે ભગવાન રામ પ્રગટયા એ સ્થાનને આજે આપણે અવધધામથી ઓળખીએ છીએ અથવા જે ભૂમિમાં પરમાત્માની લીલાનું સમાપન થયું હોય એવા સ્થાનને આપણે ધામ કહીએ છીએ, ભગવાન કૃષ્ણનું પ્રાગટય વ્રજધામમાં પરંતુ એમનો દેહોત્સર્ગ પ્રભાસધામમાં થયો માટે આપણે બધા એ ભૂમિને પ્રભાસધામના નામથી ઓળખીએ છીએ. ભગવાન શિવની વાત કરીએ તો સમસ્ત બ્રહ્માંડ એમનું ધામ છે. મારી વ્યાસપીઠ તો ત્યાં સુધી છે કે કોઇ નાનકડા ગામમાં કોઇ શુભ ઘટના ઘટે તો એ ગામને ધામ કહેવા માટે મારી વ્યાસપીઠને કોઇ જ તકલીફ નથી. તો ધામની વાત આવે એટલે મોટેભાગે નદી, પર્વત, આશ્રમ, શુભ પ્રાગટય, મહાપુરુષોનું નિવાસ આવું સ્થૂળરૂપ આપણે વિચાર કરતા હોઇએ છીએ. રામચરિતમાનસમાં તુલસીદાસજી તાત્ત્વિકરૂપે ચર્ચા કરતા શરીરને જ ધામ કહે છે. પોતાનું શરીર જ મોટું ધામ છે.

'સાધન ધામ મોચ્છ કર દ્વારા  l
પાઇ ન જેહિ પારલોક સંવારા  ll'

તુલસીદાસ કહે છે કે આપણો દેહ એક ધામ છે. મારું તો માનવું છે કે આપણે ઇચ્છીએ તો આપણા પોતાના ઘરને ધામ બનાવી શકીએ. ઘરમાં કોઇ ભૌતિક સુવિધાની જરૂર નથી. ફર્નિચર વસાવવાની જરૂર નથી. એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર નથી. આગળ ધામની વાતમાં એક ચર્ચા થઇ કે જયાં નદી વહેતી હોય એને ધામ કહેવાય. મારે નદી ઘરમાં વહેતી કરવી નથી પણ મારે નદીનો અર્થ એ કરવો છે કે જે ઘરમાં પરસેવો વહેતો હોય, આનો અર્થ એ કે આપણા ઘરના બધા જ વ્યકિત પ્રેમથી પુરુષાર્થ કરતા હોય. થોડા પણ પ્રમાદી ન હોય અને એ વાત નક્કી છે કે જે ઘરમાં પુરુષાર્થ થાય છે એ મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ એ ઘર સામાન્ય ઘર નથી પણ પરમધામ છે. વચ્ચે બીજી વાત કરી દઉ કે પુરુષાર્થ જ કેવળ જીવનનું અંતિમ ચરણ નથી. પુરુષાર્થ રૂપી નદીની સાથે સાથે આંખોમાં ભાવનું પાણી વહેવું જોઇએ. ઘરના દરેક સભ્યની સાથે પ્રેમ કરતા, એકબીજા પ્રત્યે સમર્પણ કરતાં કરતાં આપણી આંખો ભરાઇ આવે તો આપણે કોઇને પૂછવાની જરૂર નથી. સ્વયં માની લેવાનું કે મારું ઘર એક ધામ છે. જે ઘરમાં દીકરો બાપની આજ્ઞાનું પાલન કરે, બાપની મર્યાદા રાખે તેમજ સામે પક્ષે બાપ પણ પોતાના દીકરા ઉપર નિત્ય પ્રસન્ન રહીને પ્રેમ વરસાવે એ ઘર મોટું ધામ છે. એવી જ રીતે દરેક ઘરમાં સાસુ અને વહુ મા અને દીકરીની જેમ રહે એ ઘર ધામ છે. સાસુ વહુમાં મા-દીકરીનો ભાવ જાગે એ ઘર તીર્થ સમાન છે. મારી તો દરેક પરિવારને પ્રાર્થના છે કે ઘરને તીર્થ બનાવો. એકબીજાની વાતને સમજવાનો પ્રયાસ કરો. જો એકબીજાની વાતને સમજતા થઇ જઇશું તો અવશ્ય ઘરને ધામ બનાવી શકીશું. બીજું કે જયાં પર્વત હોય એને ધામ કહેવાય છે. ઉત્તરાંચલને આપણે ધામના નામથી ઓળખીએ છીએ. કારણ કે ત્યાં પર્વતો ઉપર બદરીનાથ, કેદારનાથ જેવાં તીર્થ આવેલાં છે. થોડી તાત્ત્વિક ચર્ચા પહાડ વિશે કરીએ. જે ઘરમાં પર્વત હશે એ ઘર એક ધામ છે. પહાડની વ્યાખ્યા આપતાં રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે કે

'પાવન પર્બત બેદ પુરાના
રામકથા રુચિકર નાના'

આપણે ત્યાં વેદ, પુરાણ અને શાસ્ત્ર આપણા માટે પહાડ છે. જે ઘરમાં શાસ્ત્રની પૂજા હશે, શાસ્ત્રની ઊચાઇ હશે, એ પરિવાર ધામ છે. જેમના હૃદયમાં કુરાન હોય, એમની માટે એ કુરાન મક્કાધામ છે. જેના જીવનમાં ની ઊચાઇ હશે એના માટે એ સ્વયં અમૃતસર છે. જે ઘરમાં પોતાનો ધર્મ ગ્રંથ હશે અથવા તો તમે જે ગ્રંથને માનતા હોય એ ઘરમાં હશે તો એ ઘર આપણા માટે ધામ છે. હા, શ્રદ્ધાની ખૂબ જ જરૂર છે. મારું તો માનવું છે કે જયારે ઘરમાં કોઇ સમસ્યા આવે ત્યારે તમને જે ગ્રંથ ઉપર શ્રદ્ધા હોય એ ગ્રંથને નમન કરી કોઇ એક પાનું ખોલીને વાંચજો. એમાં સમસ્યાનું સમાધાન દેખાશે. જીવનમાં ગમે ત્યારે સમસ્યા આવે સૌ પ્રથમ શ્રદ્ધાથી શાસ્ત્ર સાથેવાત કરો થોડી રાહત થશે. મારું તો માનવું છે કે આત્મગ્રંથ સૌથી મોટો ગ્રંથ છે. બસ ભીતરથી આપણે ખોલવાની જરૂર છે. તો શાસ્ત્રના આધારે સમસ્યા હટાવી શકાય છે. આપણી ઋષિપરંપરા શાસ્ત્રના આધારે જ ચાલતી હતી. ફકત શ્રદ્ધાની જ આવશ્યક છે. જો સમસ્યા આવે અને શ્રદ્ધાથી કેવળ શાસ્ત્રનાં દર્શન કરવામાં આવે ને તો પણ સમસ્યા હટી જાય છે. આપણાં શાસ્ત્રો તો શ્વાસ લેનારાં શાસ્ત્ર છે.

ત્રીજું, જયાં સમુદ્ર છે એ સમુદ્રની બાજુના સ્થાનને ધામ કહેવાય છે. આપણા ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, બેટદ્વારકા અન્ય પ્રાંતમાં જગન્નાથપુરી, રામેશ્વર આ બધા સમુદ્રતટની બાજુમાં છે માટે આપણે એને ધામ કહીએ છીએ. આપણા ઘરમાં પણ સમુદ્ર લાવવા માટે કાંઇ કરવાની જરૂર નથી. ફકત હનુમાન ચાલીસાનો પાઠ કરો. 'જય હનુમાન જ્ઞાન ગુનસાગર' હનુમાન ચાલીસા એક સમુદ્ર છે અથવા તો કોઇ ગુરુમાં આપણી નિષ્ઠા હોય તો તુલસીદાસજી કહે છે,

'ગુરુ વિવેક સાગર જાના'

ગુરુનો આશ્રય સમુદ્ર છે. જે ઘરમાં ગુરુનાં વચનોનું પાલન થતું હશે એ ઘર ધામ છે.

ચોથું એવું માનવામાં આવે છે કે જયાં યજ્ઞની ધૂમ્રશિખાઓ વાતાવરણને પવિત્ર કરતી હોય એવા સ્થાનને ધામ કહેવાય છે. આપણા ઋષિમુનિઓ યજ્ઞ કાર્ય કરતા, માટે એને આપણે ધામ એવું કહેતા. જે ઘરમાં યજ્ઞ થતો હોય, એવા ઘરને ધામ કહી શકાય છે. અહીંયાં મંત્ર બોલીને યજ્ઞ કરવાની વાત નથી પરંતુ જે ઘરમાં નિત્ય અતિથિ, ગાય, શ્વાન, માતા-પિતા, પતિ અને બાળકો માટે ભોજન બનાવાતું હોય અને એ ભોજન બનાવવા માટે જે અગ્નિ પ્રજજવલિત કરવામાં આવે અને પછી પ્રેમથી ભોજન બનાવી બધાને જમાડવામાં આવે એ ઘર ધામ છે. ભગવાને તમને આપ્યું હોય તો બીજાની મદદ કરજો. કળિયુગમાં બને તો બીજા લોકોને ભોજન કરાવજો. જો આપણે આટલું કરતા થઇશું તો આપણને એક ધામનાં દર્શનનું ફળ પ્રાપ્ત થશે. હું ઘણીવાર વિનોદમાં કહ્યા કરું છું કે એક ભાઇનાં પત્નીનો જન્મદિવસ હતો અને પતિ મહોદયે સવારમાં મધુર અવાજે કહ્યું  કે બોલ આજે હું તને કયાં ફરવા લઇ જાઉ? પત્ની ખુશ થઇને બોલી કે વાહ કળિયુગ પૂરો થયો અને હવે પાંચમો પૃથ્વી ઉપર પ્રેમયુગ શરૂ થયો છે. મારી વ્યાસપીઠ પણ ઇચ્છે છે કે સત્યુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ એ તો આપણા શાસ્ત્રીય કાલગણના છે. પણ પાંચમો પ્રેમયુગ હોવો જ જોઇએ. આજે પૂરા વિશ્વને પ્રેમયુગની ખૂબ જરૂર છે પણ એક વાત નક્કી છે કે સત્ય હશે તો પ્રેમ અવશ્ય આવશે. આપણા ઘરમાં સત્યનું વાતાવરણ હશે તો પરિવારમાં અચૂક પ્રેમનું દર્શન થશે અને જયાં પ્રેમ હશે ત્યાં કરુણા આવશે જ. અને સત્ય, પ્રેમ, કરુણામાં મારી વ્યાસપીઠે કરુણાને અંતમાં રાખી છે. એનો એક આશય છે કે સત્યનું ઉચ્ચારણ, વિચારણા અને સ્વીકાર કઠીન છે. પ્રેમપંથ તો એ જવાળા છે. કદાચ વ્યકિતમાં સત્ય ન હોય, પ્રેમ ન હોય પણ પૂરા સંસારમાં કરુણા વિનાનું કોઇ ન હોઇ શકે. આપણા ઇતિહાસના દાખલા છે કે લૂંટારાની આંખમાં પણ આંસુ આવ્યાં છે. કરુણા તો નિરંતર છે. સત્ય અને પ્રેમ કઠોર હોઇ શકે છે. આપણા મહાત્મા ગાંધીબાપુનો પ્રેમ કઠોર હતો. પણ કરુણા ખૂબ હતી. તો ગૃહ અને ધામમાં કેટલો ફરક છે એની ચર્ચામાં હું એટલું કહીશ કે ગુરુની સાથે ગૃહ શબ્દ લાગે ત્યારે એ કુટિયામાં રહેતા હોય તો પણ એ ધામનું સ્વરૂપ છે. આપણે પણ આપણા ઘરને એક ધામ બનાવીએ અને સર્વ સત્ય, પ્રેમ, કરુણાથી જીવન જીવીએ એવી ભગવાન રામજીનાં ચરણોમાં પ્રાર્થના.

(સંકલનઃ રામેશ્વરદાસ હરિયાણી)

માનસદર્શન

મોરારિબાપુ

Read full article at epaper of Sunday Bhaskar edition of Divya Bhaskar daily, page 8.

No comments:

Post a Comment