‘ગીતા’નો આરંભ સંશય, મધ્ય સમાધાન અને અંત શરણાગતિ છે
(સંકલન : નીતિન વડગામા)
- ‘ગીતા’ એ યોગશાસ્ત્ર છે, પણ ‘રામચરિત માનસ’ પ્રયોગ શાસ્ત્ર છે. ‘ગીતા’માં જે જે યોગોનું વર્ણન છે એના પ્રયોગો ‘રામચરિત માનસ’માં થયા છે
- કૈલાસ આશ્રમ-ઋષિકેશના પીઠાધીશ વિષ્ણુદેવાનંદ ગિરિજી હતા, જે અમારા દાદા થાય.
- એમણે એક પત્ર અમને લખેલો કે બીજું કાંઇ ન થાય તો કાંઇ નહીં, આપણા ઘરમાં ‘રામાયણ’ તો છે જ, પણ એક મંડલેશ્વર તરીકે હું એટલું સૂચન કરું છું કે છોકરાઓ ‘ગીતા’ રોજ વાંચે. અને એ વચનને અમે નિભાવતા રહ્યા.
- પંડિત રામકિંકરજી મહારાજે એક બહુ જ સુંદર નિવેદન કરેલું છે કે ‘ગીતા’ એ યોગશાસ્ત્ર છે, પણ ‘રામચરિત માનસ’ પ્રયોગ શાસ્ત્ર છે. ‘ગીતા’માં જે જે યોગોનું વર્ણન છે એના પ્રયોગો ‘રામચરિત માનસ’માં થયા છે. જેમ કે ‘ક્રોધાત ભવતિ સંમોહ...’ એ છે, તો ‘રામાયણ’માં પછી પ્રયોગો થયા છે કે આમાંથી આ જન્મ્યું.
- ‘મહાભારત’નું ધર્મક્ષેત્ર ‘રામાયણ’માં નથી પણ, ‘રામાયણ’ના યુદ્ધના રણાંગણમાં ધર્મરથ છે. અને એમાં સૌથી પહેલાં વિષાદ વિભીષણને થયો છે.
- અને પછી ભગવાન એને ધર્મક્ષેત્રમાં કહેવાયેલી ‘ગીતા’ નહીં, પણ ધર્મરથમાં કહેવાયેલી ‘ગીતા’ કહે છે.
- આ એક દોહામાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સંયમ-નિયમ એ બધાંની વાત કરી દીધી છે-
સૌરજ ધીરજ તેહિ રથ ચાકા.
સત્ય સીલ દઢ ધ્વજા પતાકા.
- એ એક એવો રથ હોય છે કે જેનાં બે ચક્રો શૌર્ય અને ધૈર્ય હોય છે અને રથની ઉપર ધજા અને પતાકા હોય. ધર્મરથની ધજા પતાકા, એ છે સત્ય-શીલ.’
- ભગવાનનું ભજન એ જ સારથિ છે.
- ‘ગીતા’નો પ્રારંભ મને હંમેશાં સંશય લાગ્યો છે, મધ્ય મને હંમેશા સમાધાન લાગ્યો છે અને અંત મને હંમેશા શરણાગતિ લાગ્યો છે.
- સાંભળવું એ ‘ભાગવત’ની પહેલી ભક્તિ છે, પણ કોને સાંભળવું? એવાને સાંભળો કે તમારું એને કોઇ દિવસ ખોટું ન લાગે અને તમે ગમે તેટલું અપમાન કરો તો એનેય કોઇ દિવસ ખોટું ન લાગે.
- સમાધાન પણ ત્રણ રીતે થાય. એક તો આપણને કોઇ દેખાડી દે. અર્જુને કર્યું વિશ્વરૂપ દર્શન અને સમાધાન થયું. બીજું, ભગવાન કૃષ્ણની વાણીએ સમાધાન કરી દીધું.
- અને ત્રીજું, આખરે તો વિભૂતિ એની છે એટલે એ પણ કારણ હશે. અને ‘ગીતા’ના અંતમાં શરણાગતિ. શરણાગતિ તો છ પ્રકારની છે આપણા શાસ્ત્રમાં. પણ મને જે નજીક પડે એ છે ભરોસો. બીજું, કોઇ બુદ્ધપુરુષના વચનના અધિકારી થાવ. શ્રવણ, સાંભળીને શરણાગતિ થાય. વિભીષણ પ્રભુના ગુણગાન સાંભળીને શરણે આવ્યો છે. અને એમાંય આપણો માંહ્યલો ધક્કો દેતો હોય છે કે, તું ત્યાં જા. એટલે ‘ગીતા’ ને હું આ રીતે પણ સમજવાની કોશિશ કરું.
(સંકલન : નીતિન વડગામા)
No comments:
Post a Comment