મૃત્યુ નવા જીવનનો શુભારંભ છે,
- મારી સમજ મુજબ મૃત્યુ જ મોક્ષ છે.
- પરલોક જ પ્રશ્નાર્થ છે. આ લોકને સુધારો. આ લોકમાં એકબીજાના સહાયક બનો, કોઇનો દ્વેષ ન કરો, અખંડ સદ્દભાવના જાળવી રાખો. એ જ મોક્ષ છે. શબને શુકન માનવામાં આવે છે.
- અને શબ મળે છે તો આપણે ત્યાં શુકન માનવામાં આવે છે. કારણ કે એક એવો માણસ જાય છે જે કોઇની નિંદા નહીં કરે, ઇર્ષ્યા નહીં કરે, ખોટું નહીં બોલે, તુલના નહીં કરે, સ્પર્ધા નહીં કરે, ચોરી નહીં કરે, લૂંટ નહીં કરે, કાંઇ નહીં કરે!
- મૃત્યુ જ મોક્ષ છે. એના મૃત્યુના રહસ્યને આપણે સમજી લઇએ તો વર્તમાન જીવન બહુ જ ઉત્સાહપૂર્ણ થઇ શકે છે. સુખી થવું હોય તો મૃત્યુનો વિચાર જ ન કરો અથવા સ્વીકાર કરી લો. જે અવશ્ય થવાનું છે, જે જીવનનું ધ્રુવ છે, જે જીવનનું સત્ય છે એવા મૃત્યુનો આપણે સ્વીકાર કેમ ન કરીએ? જ્યારે આપણો જન્મ થયો’તો ત્યારે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, તો આપણે આપણા મૃત્યુનો ઉત્સવ આપણે ખુદ કેમ ન મનાવીએ? મૃત્યુનું સ્વાગત કરીએ. ડરીએ શું કામ? શાંતિથી મૃત્યુ વિશે વિચારીએ તો જીવનમાં ક્યારેય મૃત્યુનો ડર નહીં લાગે. મૃત્યુ માંગલિક બની શકે છે. મૃત્યુ જ મોક્ષ છે. મોક્ષનો મતલબ છે કે સુખ અને દુ:ખનો વિચાર છૂટી જાય. અથવા તો સુખ અને દુ:ખ બંનેનો સ્વીકાર થઇ જાય. એ મૃત્યુમાં થાય છે.
- મોક્ષને માટે મરવું જરૂરી નથી. અંદર કેટલીક વાતો મરી જાય એ જ મોક્ષ છે. અને એ જે શીખી લે છે એનો વર્તમાન મંગલ ભવન થઇ જાય છે, માણસ પ્રસન્ન રહી શકે છે.
- દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક જયન્ત બેઠા હોય છે જે કોઇના જીવનમાં અકારણ ચંચૂપાત કરે છે! દરેક ગામમાં, દરેક ગલીમાં, દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક જયન્ત મળી જાય છે!
- રામના દ્રોહીને ક્યાંય જગ્યા નથી મળતી. અને રામ એટલે સત્ય, રામ એટલે પ્રેમ, રામ એટલે કરુણા. જે સત્યનો દ્રોહી છે, જે પ્રેમનો દ્રોહી છે, જે કરુણાનો દ્રોહી છે અેને વિશ્વમાં ક્યાંય જગ્યા નથી મળતી! એવા રામના દ્રોહીની સ્થિતિ કેવી હોય છે એ દર્શાવવા તુલસીએ પંક્તિ લખી-
માતુ મૃત્યુ પિતુ સમન સમાના.
સુધા હોઇ વિષ સુનુ હરિજાના.
- માતુ મૃત્યુ, જે મા છે એ મોત થઇ જાય છે! ધ્યાનથી સાંભળજો. આ નકારાત્મક સૂત્ર છે અને હું હકારાત્મક ભૂમિકાએ મૃત્યુની વાત કરવા ચાહું છું એટલે ધ્યાનથી સાંભળજો. શંકરાચાર્ય કહે છે કે માતા કુમાતા નથી બનતી. અહીં તો મોત બની જાય છે! જે રામવિરોધી છે એની માતા મોત બની જાય છે! પિતા યમરાજ બની જાય છે! બાપ દંડ દેનારા યમરાજ થઇ જાય છે! રામદ્રોહીને માટે અમૃતનો પ્યાલો વિષ બની જાય છે! મિત્ર છે એ શત્રુ બની જાય છે! અને એમના માટે ગંગા યમપુરીની વૈતરણી બની જાય છે અને આખુંય જગત અગ્નિની માફક બળતું થઇ જાય છે!
- મૃત્યુ યજ્ઞ છે, મૃત્યુ હવન છે. લોકો મૃત્યુને અમંગલ માને છે પરંતુ એ યજ્ઞનું રૂપ છે.
- અને સાહેબ, બીજાનું બલિદાન આપવું સહેલું છે, ખુદનો હવન કરી દેવામાં ખુદાઇ છે. એ યજ્ઞની પ્રક્રિયા છે.
- રામસ્મરણ કરે છે એ મૃત્યુથી શું કામ ડરે? અને સ્મરણ જ મરણ પર વિજયી થશે. સ્મરણ વિના મરણ પર વિજયી થવું મુશ્કેલ છે. મૃત્યુ પણ એક નવા જીવનનો શુભારંભ છે. તો જીવનના પાઠ શીખીએ. જન્મના ઉત્સવની માફક મૃત્યુનો પણ ઉત્સવ થવો જોઇએ.
(સંકલન : નીતિન વડગામા)
Read Full Article at Sunday Bhaskar.
No comments:
Post a Comment