ધર્મ શીલ અને સભ્યતા શીખવે છે
સંકલન : નીતિન વડગામા
- ‘નારી મોહિ સંપત્તિ નાસી’ તુલસીના કાળમાં સંન્યાસમાં જે પાખંડ આવી ગયેલો તેનો તેમણે આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે.
- ‘વિનયપત્રિકા’માં તો કહે છે, ‘બિગરત મન સંન્યાસ લેત...’ મન બગડ્યું છે. ‘રામાયણ’માં ‘સંન્યાસ’ શબ્દનો વૈરાગ્યપરક અર્થ કરીને કહ્યો છે-
કહિઅ તાત સો પરમ બિરાગી.
તૃન સમ સિદ્ધિ તીનિ ગુન ત્યાગી.
- સંન્યાસ એ છે જેણે સિદ્ધિઓ ત્યાગી નહીં, ત્રણે ગુણોને પણ ત્યાગી દીધા. રજોગુણ ત્યાગ્યો, તમોગુણ ત્યાગ્યો અને સત્ત્વગુણ પણ છોડી દીધો. એનું નામ સંન્યાસ. ‘
- બ્રહ્માનંદજી કહે છે એ ત્રિગુણાતીત છે-
ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી,
રીત જગત સે ન્યારી.
બ્રહ્માનંદ સંતન કી સોબત,
મિલત હૈ પ્રગટ મુરારિ.
જગત માંહીં સંત પરમ હિતકારી
- ‘સાધુ શું વધારી દે આપણું?
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ.
ભરમ મિટાવત ભારી.
- સાધુનો સંગ એટલે આ સંગ.
- ધર્મ તો વહેંચવાનો હોય. વેચવાનો ન હોય. સાધુ એને માનો, સદ્્ગુરુ એને માનો, આધ્યાત્મિક વ્યક્તિ એને માનો જેના સંગમાં જવાથી એ આપણા ઉપર દબાણ ન કરે. એવા કોઇ સંતની સોબત થાય.
- છતાંયે માગ્યા વગર ન રહી શકાય તો એક વસ્તુ માગવી કે હે પ્રભુ, મારું આયુષ્ય પૂરું થાય એના પહેલાં તું જેને પ્રેમ કરતો હોય એવા કોઇ સાધુનો ભેટો કરાવી દેજે. તને તો બધા પ્રેમ કરે છે પણ જેના વગર તને ન ગમે, એવા સાધુનો સંગ કરાવજે. કોઇ એવા સંત-ફકીરનો ભેટો કરાવજે કે જેને યાદ કરતાં તારી આંખો ભીની થાય. એવા કોઇ સદ્્ગુરુ દેખાડ. જે જીવનનું પરમ સત્ય જાણે છે.
મિલે કોઇ ઐસા સંત ફકીર.
પહુંચા દે ભવદરિયા કે તીર.
- ધર્મ બહુ વિવેક શીખવે છે. ધર્મ મર્યાદા શીખવે છે. ધર્મ શીલ અને સભ્યતા શીખવે છે. હું આચાર્ય આનંદશંકર બાપાલાલ ધ્રુવને કાલે જ યાદ કરતો હતો. સાહિત્યના તો બહુ મોટા વિદ્વાન, પણ ધર્મનો સ્તંભ પણ એનો મજબૂત હતો.ધર્મ ઉપર બહુ બોલતા. એનું જ એક વાક્ય છે, ‘ધર્મ વારતહેવારે બદલવાનાં કપડાં નથી.’ ધર્મ એટલે વારતહેવારે બદલી નાખીએ એ કપડાં નથી સાહેબ! ધર્મ એટલે તો ચામડી છે. કપડાં બદલાય, ચામડી નહીં. હજી એક ઓછું લાગે છે. ધર્મ એ ચામડી નથી. ધર્મ એટલે તો રક્ત છે. રક્ત નહીં, ચાલો, હજી ઓછું છે. ધર્મ એ તો માનવીનું મન છે. મન સૂક્ષ્મ છે, મન જરાય સ્થૂળ નથી. હવા પકડાતી નથી એમ મન પકડાતું નથી. એને પકડવું દુષ્કર છે. ‘ગીતા’ના શબ્દો છે. મન પણ નથી, ધર્મ આત્મા છે. ધર્મ માનવીનો સ્વભાવ અને એટલે જ સ્વભાવરૂપી ધર્મનું ધર્માંતરણ નથી થઇ શકતું. એને દીક્ષિત કરવો પડે છે. એના ઉપર ઘાટ ઘડાય.
- સાધુ તો વિચાર બદલે, દૃષ્ટિ બદલે.
સંકલન : નીતિન વડગામા
No comments:
Post a Comment