Translate

Search This Blog

Sunday, May 14, 2017

‘માનસ’નાં માતૃચરિત્રો આપણને કંઈક પ્રેરણા આપે છે

‘માનસ’નાં માતૃચરિત્રો આપણને કંઈક પ્રેરણા આપે છે


  • રામચરિત માનસ’નાં સાતેય સોપાનમાં માતૃ-ચરિત્રનો મહિમા થયો છે. ‘બાલકાંડ’ ખોલીએ તો ત્યાં એક મહાસતી ઉમાનું ચરિત્ર છે. ‘અયોધ્યાકાંડ’માં તો જાનકીનું ચરિત્ર છે જ. ‘અરણ્યકાંડ’માં બહુ સંક્ષેપમાં એક મહાસતી અનસૂયાનું ચરિત્ર પડ્યું છે. ‘કિષ્કિંધાકાંડ’માં તારાનું ચરિત્ર છે. વાલિપત્ની તારાને પણ આપણા આચાર્યોએ સતી તરીકે સ્વીકાર્યાં છે. ‘સુન્દરકાંડ’માં જઇએ એટલે ફરી ત્યાં જાનકીજીનું ચરિત્ર છે. સીતાજી તો દરેક જગ્યાએ છે.


પણ ત્યાં એક ત્રિજટા જેવું પાત્ર બેઠું છે. જે થોડા સમય માટે આવે છે, પણ ‘રામાયણ’નું એક બહુ જ પાયાનું ચરિત્ર છે ત્રિજટાજી. ‘લંકાકાંડ’માં જઇએ તો આપણા આચાર્યોએ જેને સતી તરીકે સ્વીકાર્યાં છે એ મંદોદરી છે. એને પણ આપણે સતી તરીકે આવકાર્યાં છે. ‘ઉત્તરકાંડ’માં ફરી જાનકીજીનાં દર્શન આપણને થાય છે. ‘માનસ’ના સાતેય કાંડમાં સત્્થી ભરાયેલાં આ બધાં ચરિત્રો મને ને તમને કંઇક પ્રેરણા આપે છે.
‘રામાયણ’ તો ચરિત્રોનો સદ્દગ્રંથ છે, પણ વાલ્મીકિની દૃષ્ટિએ સીતાચરિત્ર મહાન છે.


જનકસુતા જગજનનિ જાનકી.
અતિસય પ્રિય કરુણાનિધાન કી.


  • માતૃશરીરનાં ત્રણ સ્તર. ‘જનકસુતા’ પહેલું સ્તર. તુલસી કહે છે, એ જનકની પુત્રી છે. ‘જગજનની જાનકી’ આખા જગતની મા એ એનું બીજું સ્તર છે. ને ત્રીજું સ્તર ‘અતિશય પ્રિય કરુણાનિધાન કી’, રામનાં અતિ પ્રિય એ ત્રીજું સ્તર. જનકની પુત્ર, જગતની માતા અને કરુણાનિધાન રામભદ્રનાં અતિ પ્રિય એવાં જાનકીજીની સ્તુતિ કરે છે. 
  • આ ત્રણ વાત એક પંક્તિમાં છે અેના ઉપરથી વ્યાસપીઠ કહે છે કે નારીનાં ત્રણ સ્તર છે. એ પુત્રી છે, મા છે, પ્રિયા અથવા પત્ની છે.



તાકે જુગપદ કમલ મનવાઉ,
જાસુ કૃપા નિરમલ મતિ પાવઉં.



  • જાનકી મા છે, એટલે કહેવાયું છે કે મા, તું મને શુદ્ધબુદ્ધિ કર. મા અને બાપમાં બહુ ફરક છે.

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે.
મને સુખ માટે કટુ કોણ પાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

  • રામકૃષ્ણ કયો મંત્ર બોલતા હતા? એક જ મહામંત્ર હતો ઠાકુરનો ‘મા’, ‘મા.’



  • તો બુદ્ધિ તો બધામાં છે જ, પરંતુ નિર્મળ નથી. નિર્મળ બુદ્ધિ એટલે નીરક્ષીરનું ભાન છે એવી શુદ્ધ બુદ્ધિ.
  • એમ તુલસી કહે, તું મને શુદ્ધ કરી અને પછી રામ સુધી પહોંચાડ. તો આ અર્થમાં ત્રિસ્તરીય જાનકીનું સ્વરૂપ છે.

(સંકલન : નીતિન વડગામા)

Continue reading at Sunday Bhaskar..................

No comments:

Post a Comment