COURTESY : DIVYA BHASKAR
C
Bhaskar News, Mumbai | Oct 04, 2012
મારી કારકિર્દીનો સૂર્ય પુસ્તક વિમોચન અને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક મોરારિબાપુના હસ્તે અર્પણ
સુરેશ દલાલ સંપાદિત મારી કારકિર્દીનો સૂર્ય પુસ્તકનો વિમોચન સમારંભ હાલમાં ભાઈદાસ હોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મોરારિબાપુના હસ્તે લોકાર્પણ થયેલા આ સંચયમાં સ્વયમ મોરારિબાપુ, સ્વામી માધવપ્રિયદાસ, સુરેશ દલાલ, અમરીશ પટેલ, અલકા શર્મા, અશરફ ડબાવાલા, કાજલ ઓઝા વૈદ્ય, કાંતિ ભટ્ટ, કુન્દન વ્યાસ, ખલીલ ધનતેજવી, જયવંતી મહેતા, તારક મહેતા, નટવર ગાંધી, નીતિન ગોદીવાલા, વિનોદ ભટ્ટ, શાહબુદ્દીન રાઠોડ, મુંબઈમાં ચકચાર જગાવનાર એસીપી વસંત ઢોબળે વગેરે વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાની કારકિર્દી વિશે લખેલા લેખોનો સમાવેશ થાય છે.
ઈમેજના પ્રકાશન આયોજિત આ વિમોચન પ્રસંગે હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અર્પણ સમારંભને પણ સાંકળી લેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૧નું હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક પત્રકારત્વ માટે ભગવતીકુમાર શર્માને અને સાહિત્ય માટે અંકિત ત્રિવેદીને પૂજ્ય મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
ત્રણેક વર્ષ પહેલાં સુરેશભાઈએ આપેલા હરીન્દ્ર દવેના પરિચયની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બની રહી. પ્રસ્તુત પ્રસંગે ભગવતીકુમાર શર્માએ મૈત્રીની મિસાલ સમા હરીન્દ્ર - સુરેશ સાથેની મુલાકાત યાદ કરી પોતાની પત્રકારત્વની પ્રર્દીઘ કારકિર્દી વિશે રસપ્રદ વાત કરી હતી. લોકપ્રિય સંચાલક-કવિ અંકિત ત્રિવેદીએ ટૂંકો પ્રતિભાવ આપી કાવ્યપઠન કર્યું હતું.
મોરારિબાપુએ સુરેશભાઈની એકિઝટને મૂઢમાર નહીં, પણ ગૂઢમાર તરીકે લેખાવી પોતાના પ્રિય પુસ્તક તરીકે હરીન્દ્ર દવેના માધવ ક્યાંય નથી મધુવનમાં પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ વતી રમેશ પુરોહિતે વિજેતા સર્જકોનો પરિચય આપ્યો હતો. ઈમેજ વતી નવીનભાઈ દવેએ સ્વાગત અને શોભા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રતાપભાઈ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું.
શાહબુદ્દીન રાઠોડે હાસ્યની છોળો ઉડાડતાં શૈક્ષણિક અને હાસ્ય કલાકાર તરીકેની કારકિર્દી વિશે આગવી શૈલીમાં રજૂઆત કરી હતી. કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોષીએ કર્યું હતું. પ્રેક્ષકોથી છલકાઈ ગયેલા સભાગૃહમાં તખ્તા પર ગોઠવાયેલી હરીન્દ્ર- સુરેશની તસ્વીરો જોઈને હરીન્દ્ર દવેની પંક્તિ જ યાદ આવતી રહી: મહેંકમાં મહેંક મળી જાય તો મૃત્યુ ન કહો.
No comments:
Post a Comment