Translate

Search This Blog

Sunday, October 7, 2012

ત્રિદંડી સંન્યાસી કોને કહી શકાય?

The article and image are displayed here with the courtesy of 



ત્રિદંડી સંન્યાસી કોને કહી શકાય?


ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં સંન્યાસનો પરિચય આપતાં કહે છે કે કોઇ વ્યકિત પોતાના જીવન વ્યવહારમાં કયારેય બીજા વ્યકિતનો દ્વેષ ન કરે એ નિત્ય સંન્યાસી છે.

આપણા શાસ્ત્રમાં સંન્યાસના અનેક પ્રકાર બતાવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ સંન્યાસ દંડીસંન્યાસ માનવામાં  આવે છે. આ દંડીસંન્યાસમાં જે પણ આચાર્યો થયા, મહાપુરુષો થયા બધા જ હાથમાં દંડ લઇને ફર્યા છે. આજે પણ કેટલાક સંન્યાસીઓ હાથમાં દંડ લઇને ઘૂમે છે. ભગવાન શંકરાચાર્ય સંન્યાસી પરંપરામાં થયા. એ પરંપરામાં આજે પણ હાથમાં દંડ લઇને આપણે સંન્યાસીઓને જોઇએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં સંન્યાસનો પરિચય આપતાં કહે છે કે કોઇ વ્યકિત પોતાના જીવન વ્યવહારમાં કયારેય બીજા વ્યકિતનો દ્વેષ ન કરે એ નિત્ય સંન્યાસી છે. જીવનમાં પરમાત્મા જે આપે એને સંતોષ માની લઇને ચાલે તેમજ કયારેય કોઇ વ્યકિત પાસેથી આકાં ક્ષા ન કરે એ નિત્ય-નિરંતર સંન્યાસી છે. આ બે સૂત્રને ભગવાન શ્રીકૃષ્ણ સંન્યાસ કહે છે. હવે વ્યાસપીઠ કૃપાથી મારે પણ આપને બધાને સંન્યાસની વાત કરવી છે. મારી દ્રષ્ટિએ જેનું જીવન દ્વૈષમુકત હોય અને જીવન કામનામુકત હોય એને સંન્યાસી કહી શકાય, પણ આ પ્રકારનો સંન્યાસ માણસમાં ત્યારે જ આવે છે, જયારે માણસના વિવેકમાં વર્ધનતા જોવા મળે છે. જીવનમાં વિવેક સાધક પોતાની સાધનાથી જ લાવી શકે છે. આપણા જીવનમાં ઘણાં એવાં મૂલ્યવાન મંત્રો છે પણ એ મંત્રોને આપણે ગંભીરતાથી સ્વીકારતા નથી જેના કારણે આપણામાં વિવેકનું વર્ધન થતું નથી. હવે મંત્રની વાત આવે એટલે ફકત વેદના ઘોષ કરવા એટલું પૂરતું નથી. મેં ઘણીવાર કહ્યું છે કે વેદ આપણી પાસે હોય સારી વાત છે, પણ વેદની સાથે વેદના એટલી જ જરૂરી છે. કોઇની વેદનાને જયાં સુધી સમજી શકીશું નહીં ત્યાં સુધી વેદને ખરા અર્થમાં નહીં સમજી શકીએ. મારી વ્યાસપીઠનું એક સૂત્ર છે જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા હોવા જોઇએ. જેના જીવનમાં આ ત્રણેય વસ્તુ હશે એ મારી દ્રષ્ટિએ મોટો સંન્યાસી છે. હું તો પ્રેમપથનો માણસ છું. બસ, જીવનમાં બને એટલું સત્ય પકડીને ચાલો સાથે પ્રેમ અને કરુણાને રાખો. જીવનમાં પ્રેમથી મોટો કયો મંત્ર હોઇ શકે? મારી વ્યાસપીઠ પણ બીજાને જોડવાનું કામ કરે છે તો જીવનમાં શુદ્ધ મન રાખી નિ:સ્વાર્થભાવથી બીજાને પ્રેમ કરો. મેં તો ઘણીવાર કહ્યું કે હું કોઇ પાસેથી કશું જ લેતો નથી. વર્ષોથી કયાંયથી રામકથાનો એક પૈસો પણ લેતો નથી. મારી રામકથાની પોથી લઇને જાઉ અને કથા પૂરી કરીને પાછો પોથી લઇને નીકળી જાઉં છું, કેવળ મારી રહેવાની વ્યવસ્થા કરવાની હોય છે. એમાં પણ મારે કોઇ સુવિધાની જરૂર હોતી નથી. મારો એક નિયમ છે કે હું ફકત ગંગાજળ પીવું છું માટે ગંગાજળ પણ હું સાથે લઇ જાઉ છું. ફકત રોટી ખાઇ લઇએ એટલે કામ પૂર્ણ થઇ જાય અને કથા પૂરી કરીને સીધા પાછા આપણે આપણા ઘરે. આવું હું કહ્યા કરું છું જે સત્ય છે એમાં જરાય ખોટું નથી. તેમ છતાં ઘણીવાર સમાજમાં મારા વિશે અને રામકથા વિશે ખોટી ગેરસમજ પ્રવર્તે છે, કારણ કે મારી વ્યસ્તતાના કારણે હું કમસેકમ ચાર-પાંચ વર્ષ સુધી સ્વાભાવિક રીતે કોઇને કથા આપી શકતો નથી અને જેને પણ કથા આપું એને ચાર-પાંચ વર્ષ લાગે છે. છતાં ઘણા સમાજ, ઘણા લોકો ઉતાવળા મારી પાસે આવે છે અને આવીને કહે છે કે બાપુ ચૈત્ર માસમાં જ તમારી કથા કરવી છે. અમારા પિતાજીની તિથિ છે. તમારી કથા કરવા માટે બધી તૈયારી છે. તમે જે કહો છો તેવી રીતે વ્યવસ્થા કરીશું પણ તમે અમારી કથા કરો. આવો એક ભાવ, શ્રદ્ધા લઇને મારી પાસે લોકો આવતા હોય છે પણ હું સમય ન આપું, એટલે કે એ સમયમાં કથા ન આપું એટલે તરત જ ગેરસમજ ફેલાય છે કે મોરારિબાપુને જલદી રામકથા કરવા લાવવા હોય તો આટલા રૂપિયા આપો તો જ આવશે. આવું એક નેટવર્ક સમાજમાં હિતેરછુઓ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને આવી જે વાતો કરે છે કે બાપુને આટલા રૂપિયા આપશો તો જ આવશે એ રૂપિયાની રકમ કાંઇ નાની હોતી નથી. હું દરેકને પ્રાર્થના કરીને વ્યાસપીઠ પરથી કહી રહ્યો છું કે મેં ઘણાં વર્ષોથી કોઇ પાસેથી રામકથાનો એક પૈસો લીધો નથી. લોકો ખોટી સમાજમાં સ્ટોરીઓ ઊભી કરતા હોય છે. કોઇ એક માઇનો લાલ તો બતાવે કે અમે રૂપિયા આપ્યા ને મોરારિબાપુએ અમને રામકથા આપી દીધી. કોઇની ખાનદાનીમાં તાકાત નથી કે મોરારિબાપુએ અમારી પાસેથી રામકથાના અમુક રૂપિયા લીધા છે એવું કહી શકે. મોરારિબાપુની વ્યાસપીઠ રૂપિયા લેવા માટે નથી બીજાને પ્રેમ આપવા માટે તથા સમાજના નાનામાં નાના માણસને આદર પ્રાપ્ત થાય એના માટે રામકથા છે. તો હું ચર્ચા કરી રહ્યો હતો કે જીવનમાં કયારેય કોઇનો દ્વેષ ન કરવો જોઇએ. બીજાને સમજતા અને પ્રેમ કરતા શીખો. આજે માણસ નાની એવી વાતમાં બીજાનો દ્વેષ કરતો હોય છે પણ સમાજમાં અઘ્યાત્મની યાત્રા એ જ કરી શકે છે જે કયારેય કોઇનો દ્વેષ ન કરે. જે દ્વેષ ન કરે એ મોટો સંન્યાસી છે. ખરેખર તો મારી વ્યાસપીઠ સંન્યાસ આપવા માટે નથી. વ્યાસપીઠ તો સમજ આપવા માટે છે. કદાચ શંકરાચાર્યનો સંન્યાસ આપણને દૂર પડશે. પણ મને કોઇ સંન્યાસ વિશે પૂછે તો હું એટલું જરૂર કહીશ કે સંન્યાસી બનવું હોય તો દંડી સંન્યાસી થવું. એમાં પણ ત્રિદંડી સંન્યાસી થવું. હવે ત્રિદંડી સંન્યાસીને જરા આપણે વિસ્તારથી સમજીએ. સંસારમાં રહીને આપણાં કર્તવ્યોનું પાલન કરીને આપણા હાથમાં ત્રણ દંડ હોવા જોઇએ. જેમાં સૌ પ્રથમ.

૧. વાણીનો દંડ:

વાણીના દંડનું નામ મૌન છે. જીવનમાં મૌન રાખવું ખૂબ જ જરૂરી છે. જીવનમાં જયારે અમુક પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મૌન માણસને ઘણી રીતે ઉપયોગી થાય છે. માણસ મૌન ધારણ કરે એ એક પ્રકારની દીક્ષા છે. મારી તો દરેકને વ્યકિતગત પ્રાર્થના છે કે સપ્તાહમાં એકાદ દિવસ અથવા મહિનામાં એકાદવાર મૌન રાખો અથવા જરૂર પ્રમાણે વિવેક રાખીને બોલો. આપણે બોલીએ અને આપણી વાતથી મહાભારત સર્જાય એવું ન બોલવું જોઇએ. સમાજમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યકિત વિવેકશૂન્ય બની બોલી જાય છે. પછી આખી જિંદગી પસ્તાય છે. જે માણસ મૌન ધારણ ન કરી શકે એવા માણસનો સંગ કરવો જોઇએ નહીં, માટે જીવનમાં મૌન ખૂબ જ જરૂરી છે. હું તો કહું છું કે જયારે જન્મદિવસ આવે ત્યારે તમે જેટલા વર્ષના થયા હોય એટલા દિવસનું મૌન રાખો. જીવન જીવવાનો આનંદ આવશે. પચાસ વર્ષના થયા છીએ તો પચાસ દિવસનું મૌન રાખો. ઘરના બધા જ લોકો ખૂબ રાજી થશે. તો ત્રિદંડી સંન્યાસનો પહેલો મારી વ્યાસપીઠની સમજમાં મૌનદંડ છે. આજે ઘણા લોકો મૌન રહે છે પણ ઇશારા કરીને બીજાને વધારે હેરાન કરે છે. એક તો એના ઇશારાથી બીજાને કંઇ સમજાય નહીં એટલે સામેવાળો પણ હેરાન થાય અને મૌન રાખવાવાળો પણ હેરાન થાય છે માટે અનુકૂળતા હોય તો મૌનમાં કોઇ સંકેત પણ ન કરો. ઇશારો પણ ન કરો. આપણે ત્યાં મૌનનો બહુ મોટો મહિમા છે. મૌનમાં બહુ તાકાત છે. તો ત્રિદંડી સંન્યાસમાં મૌન એ વાણીનો દંડ છે.

૨. શરીરનો દંડ:

નિષ્કામ કર્મ એ શરીરનો દંડ છે. આપણે આપણી ફરજ બજાવવી જોઇએ. કર્મ કરવું જ જોઇએ જયાં પણ આપણી નોકરી હોય એમાં બહુ જ સભાનતાથી કાર્ય કરવું જોઇએ. કર્મ વિના તો માણસ એક ક્ષણ પણ રહી શકતો નથી, પરંતુ આપણું કર્મ નિષ્કામભાવે થવું જોઇએ. મારું એવું કહેવું નથી કે નોકરી કરીને પગાર ન લો. પગાર તો લેવો જ જોઇએ પણ આપણી નોકરીમાં મહેનતાણા સિવાય બીજો કોઇ સ્વાર્થ તો આપણામાં નથી ને એને આપણે જાણવું જોઇએ. ગીતાજીમાં તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે "મા ફલેષુ કદાચન". ફળની વૃત્તિ રાખવી જોઇએ નહીં. કર્મ કરવામાં રસ પડે એવી વૃત્તિ રાખવી જોઇએ. માણસ પોતાના કાર્યમાં નિષ્કામ બનીને દાયિત્વ નિભાવે એ શરીરદંડ છે. તો જીવનમાં નિષ્કામ બનીને કર્મ કરીએ એ સંન્યાસનો બીજો દંડ છે.

૩. મનનો દંડ:

રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે,

"બિગડત મન સંન્યાસ લેત"

કયારેક સંન્યાસ લઇને મન વધારે બગડે છે. આનો કોઇ ખોટો અર્થ ન કરે. સંન્યાસ લેતી વખતે માણસે શરીરથી. વસ્ત્રથી લેવાનો નથી પણ ભીતરથી સંન્યાસ લેવાની જરૂર છે. વસ્ત્રથી લીધેલો સંન્યાસ તો માણસના મનને વધારે બગાડે છે. ઘણાં યુવાન-ભાઇ-બહેનો મને કહે છે કે બાપુ અમે કથામાં સવારે મેડિટેશન કરીએ છીએ. આવી વાત સાંભળું ત્યારે મને બહુ સારું લાગે છે. જરૂર કથામાં મેડિટેશન કરો. આ પણ એક પ્રકારનો દંડ છે. તો પ્રાણાયામ કરીને ચિત્તને યોગ્ય દિશા તરફ વાળવું એ ચિત્તનો દંડ છે. પ્રાણાયામ ન કરી શકીએ તો ઘ્યાન કરીને પણ મનને સાચી દિશા તરફ વાળી શકાય છે. ટૂંકમાં મનનો દંડ પ્રાણાયામ અથવા ઘ્યાન છે. બને તો પ્રાણાયામ આવડે તો જ કરવો નહીં તો પાછું બીજું કંઇ થશે માટે આપણા માટે સૌથી વધારે શ્રેષ્ઠ છે.

"યોગઃ કર્મસુ કૌશલમ્"

આપણે કોઇપણ કાર્ય કૌશલ્યપૂર્ણ કરીએ. સુવ્યવસ્થિત કરીએ એ આપણા માટે યોગ છે, પ્રાણાયામ છે અથવા તો ઘ્યાન છે. તો ત્રિદંડી સંન્યાસના પ્રકારોમાં નિષ્કામવૃત્તિથી કર્મ કરતા રહેવું એ શરીરનો દંડ છે. સમય અને સમજ મળે ત્યારે થોડું મૌન રાખવું એ વાણીનો દંડ છે. જયારે પ્રાણાયમ કરીને ચિત્તને યોગ તરફ વાળવું એ મનનો દંડ છે. જે માણસ પોતાના જીવનમાં વાણીનો, શરીરનો અને મનનો દંડ મન, કર્મ, વચનથી સ્વીકારે છે એવો વ્યકિત મારી દ્રષ્ટિએ ત્રિદંડી સંન્યાસી છે.

મોરારિબાપુ , માનસદર્શન

(સંકલનઃ રામેશ્વરદાસ હરિયાણી)



 Read full article at epaper of Divya Bhaskar, Sunday Bhaskar, Page 8.



No comments:

Post a Comment