Translate

Search This Blog

Sunday, June 16, 2013

જીવનમાં પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે, માનસદર્શન, મોરારિબાપુ

The article displayed here is with the courtesy of Divya Bhaskar daily.

જીવનમાં પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે
Morari Bapu
Link: http://www.divyabhaskar.co.in/article/MAG-gratification-in-life-thats-seeing-god-4293258-NOR.html

જીવનમાં કદાચ પરમાત્મા મળે કે ન પણ મળે પરંતુ પરમાત્મા દ્વારા બનાવેલી આ પ્યારી પૃથ્વી ઉપર માનવ બનીને પ્રસન્ન રહો. પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે.

રામચરિતમાનસમાં પંચવટીનાં રહસ્યોને સમજવા માટે પાંચ પ્રસંગોની પ્રધાનતા છે. રામચરિતમાનસના અરણ્યકાંડમાં આ પંચવટીનો પ્રસંગ આવે છે. એમાં પાંચ ઘટનાનું નિરૂપણ થયું છે. સૌથી પહેલી ઘટના પંચવટીમાં એ ઘટી છે કે ત્યાંથી આસુરીવૃત્તિના વિનાશનો સંકલ્પ થયો છે. આ પ્રસંગ કાગભુશુંડિ પોતાની રીતે જણાવે છે. તો પહેલા રાક્ષસવિનાશનો સંકલ્પ થયો. બીજું લક્ષ્મણને ઉપદેશ, ત્રીજું શૂર્પણખાની કુરૂપતા, ચોથું ખરદૂષણનો અંત તેમજ આખરે જાનકીજીનું અપહરણ. આ પાંચ ઘટનાઓની પ્રધાનતા જેની સાથે જોડાયેલી છે એને પંચવટી કહેવાય છે. હવે લક્ષ્મણજી ભગવાન રામને જે પાંચ પ્રશ્નો પૂછે છે એ પાંચ જ શા માટે? આના જવાબમાં મારી વ્યાસપીઠને એટલું સમજાય છે કે સંસારમાં પાંચથી વધુ પ્રશ્નો છે જ નહીં. એ પાંચ પ્રશ્નોના સાચા જવાબ મળી જાય તો જીવનમાં કંઇ જાણવાનું બાકી રહેતું નથી. જેને પાંચ પ્રશ્ન સમજાઇ જાય છે એના જીવનમાં ક્યારેય કોઇ પ્રશ્ન રહેતો નથી. ભગવાન શંકરાચાર્યની બહુ મોટી ઉદ્ઘોષણા છે કે 'ચિદાનંદ રૂપ: શિવોઙહં શિવોઙહં’ હવે ભાગવતના પ્રારંભમાં પણ દર્શન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે સૂત-શૌનકની ચર્ચા પ્રશ્નોમાં થાય છે. ભાગવતજીમાં પ્રશ્ન છે કે જ્ઞાન-વૈરાગ્યનું વર્ણન કેવી રીતે થાય? મને એમ લાગે છે કે આ પ્રશ્નમાં જ સમગ્ર શ્રીમદ્ ભાગવત છે.

કઠોપનિષદનું દર્શન કરવામાં આવે તો ખ્યાલ આવશે કે વિદ્યા શીખવા માટે નચિકેતાએ કેટલા પ્રશ્નો પૂછ્યા છે? બહુ જ ઓછા પ્રશ્નો પૂછ્યા છે. આપણે લોકો તો એટલા બધા પ્રશ્નો પૂછીએ કે આપણને જવાબો પણ ખ્યાલ રહેતા નથી. માણસના જીવનમાં બહુ વધારે પ્રશ્ન ન હોવા જોઇએ. વધારે પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ. આપણે બધા જ આપણા પ્રશ્નો કે સમસ્યાના સર્જક છીએ તમે માત્ર પ્લેઝરમાં જીવન જીવશો તો પણ પ્રશ્ન થશે. પ્લીઝ તમે બધા આનંદમાં જીવો આનંદ આપણું પોતાનું સ્વરૂપ છે. ભગવાન બુદ્ધ આ માર્ગે ચાલ્યા હતા. આપણે બધા આનંદમાં જીવવાના અધિકારી છીએ કેમ કે આપણે આનંદરૂપ છીએ. આનંદ આપણો મૂળ સ્વધર્મ છે. હિ‌ન્દુ છીએ માટે હિ‌ન્દુધર્મનું આપણને ગૌરવ હોવું જોઇએ. ઇસ્લામ ધર્મીઓને ઇસ્લામ હોવાનું ગૌરવ હોવું જોઇએ. યહૂદીઓને યહૂદી ધર્મનું, ઇસાઇઓને ઇસાઇ ધર્મનું ગૌરવ હોવું જોઇએ. બૌદ્ધ, જૈન જે પણ હોય બધાને પોતાના ધર્મનું ગૌરવ હોવું જોઇએ. પરંતુ આપણા નિજધર્મનો આપણને આનંદ હોવો જોઇએ.

'આનંદ આમાર ગોત્ર. ઉત્સવ આમાર જાતિ.’

આ બંગાળમાંથી ઊઠેલો નારો છે. આપણને બધાને ખ્યાલ છે કે આપણે કોઇ કર્મકાંડની વિધિમાં બેસીએ ત્યારે આપણા શાસ્ત્રીબાપા સંકલ્પ કરાવે જેમાં આપણને આપણા ગોત્રનું નામ લેવાનું કહે. ટૂંકમાં ગોત્રનો પરિચય આપવામાં આવે છે. એવા સમયે આપણે જે પરંપરામાંથી આવતા હોઇએ એનું ગૌરવ લેતા હોઇએ છીએ. હું પોતે કર્મકાંડમાં બેસું અને મને પૂછવામાં આવે તો હું જે પરંપરામાંથી આવું છું એ નિમ્બાર્ક પરંપરામાં અચ્યુત ગોત્રનું નામ અવશ્ય લઉં. અમારી પરંપરામાં અચ્યુત ગોત્ર છે. અમારી કુળદેવી રુક્મિણી છે. અમારો વેદ સામવેદ છે. અમારી ગાયત્રી ગોપાલ ગાયત્રી છે. આપણે ત્યાં પારંપરિક પ્રવાહમાં કોઇનું કશ્યપ ગોત્ર હોય છે. કોઇનું ગૌતમ હોય છે.

આવી રીતે સૌનું ગોત્ર હોય છે પણ 'આનંદ આમાર ગોત્ર’ આનંદ આપણા ગોત્રનું નામ લેવાથી આવે છે. આપણા વડવાઓની વાત આપણી પરંપરાની વાત ત્યારે મને તો બહુ જ ગમે છે. હું તો આખી પરંપરાને નમન કરી લઉં કે બાપ તારી કૃપાથી આજે અમે કેટલા રૂડા છીએ. મને અમારી વૈષ્ણવ સાધુની પરંપરા બહુ જ ગમે છે. એ અમારું મૂળ છે. આવી રીતે બધાને પોતપોતાના મૂળનું ગૌરવ હોવું જોઇએ. થોડા સમય પહેલાં મારી વ્યાસપીઠ ને જેરૂસલામથી આમંત્રણ મળ્યું. અમે કથા કરવા માટે જેરૂસલામ ગયા. ત્યાં મારી સાથે ચાર-પાંચ જણા હતા. અમે બધા ત્યાંની મસ્જિદ જોવા માટે ગયા. જ્યાંથી મહંમદ પયગંબર સાહેબે સ્વર્ગારોહણ કર્યું હતું એ મસ્જિદમાં જવાની તો મનાઇ છે પરંતુ મેં ત્યાંના માણસોને કહ્યું કે તમારા નિયમ મુજબ જ્યાં સુધી જવાય ત્યાં સુધી તમે અમને લઇ જાવ. અમારે તમારો કોઇ નિયમ તોડવો નથી. ત્યાંના માણસો અમને પ્રેમથી બોલ્યા કે ત્યાં સુધી આપ જઇ શકો છો. એવા સમયમાં એક ભાઇએ મને પ્રશ્ન કર્યા કે આપ કયા ધર્મના છો. આપ મુસલમાન છો? ત્યારે મેં કહેલું કે હું હિ‌ન્દુ ઇન્સાન છું. હિ‌ન્દુ શબ્દ તો મારે બોલવો પડે છે. બાકી તો આપણે માનવ છીએ. આપણી કોઇ નાતજાત નથી. હું રામકથામાં ઘણીવાર વ્યાસપીઠ ઉપરથી દોહરાવું છું કે જીવનમાં કદાચ પરમાત્મા મળે કે ન પણ મળે પરંતુ પરમાત્મા દ્વારા બનાવેલી આ પ્યારી પૃથ્વી ઉપર માનવ બનીને પ્રસન્ન રહો.

પ્રસન્નતા એ જ ઇશ્વર દર્શન છે. પરિવારમાં સારી રીતે રહીએ, સારું ખાનપાન કરીએ, સમાજમાં ઇજ્જત મેળવીએ પછી મુશ્કેલી શું છે? શું કામ નિસ્તેજ જીવવું જોઇએ. શું કામ અપ્રસન્ન જીવન જીવવું જોઇએ. છતાં લોકો અપ્રસન્ન જોવા મળે છે. એનું એક જ કારણ છે કે આપણે ટુકડામાં વિભક્ત થઇ ગયા છીએ. કોઇ જાતિના નામ પર વિભક્ત છે તો કોઇ ધર્મના નામ પર વિભક્ત છે. મને હમણાં જ કોઇએ પ્રશ્ન કરેલો કે તમને મૃત્યુનો ડર લાગે છે? હું આપને બધાને દિલથી કહી રહ્યો છું કે મને કોઇ વાતનો ડર લાગતો નથી. મને કોઇ ભીષણ પરિસ્થિતિમાં એકલો છોડી દેવામાં આવે તો પણ હું ડરું એમ નથી. મારા રામનામનું બળ છે. મારી પાસે હરિનામનું બળ છે જે મને નર્ભિયપણું પ્રદાન કરે છે. મારા ગુરુની કથાનું બળ છે. આપણે ત્યાં ઘણા માણસો એવા હોય છે કે વાત વાતમાં ડરી જાય છે. મને કોઇ ડરાવી શકતું નથી કારણ કે હું મારી સાધુતા જાળવીને બેઠો છું. હું તો સેવા કરું છું. સેવામાં ક્યારે બદલો લેવાની વાત આવતી નથી માટે હું નર્ભિય છું. એકવાર સ્વામી શરણાનંદજીને પણ મૃત્યુના સંદર્ભમાં પ્રશ્ન પુછાયો હતો. ત્યારે સ્વામીજીએ કહેલું કે જે પોતાના માટે જીવે છે એને મૃત્યુનો ડર વધારે લાગે છે. સ્વામીજીના વિચારો સાથે મારો બહુ જ સંબંધ છે. બીજું સ્વામીજીએ કહેલું કે જે ખોટું જીવે છે એને મૃત્યુનો ડર લાગે છે. સત્ય તો અભય છે. ભય તો અસત્યમાંથી પેદા થાય છે. ત્રીજો સ્વામીજીનો જવાબ એ હતો કે જે સત્સંગ કરતો નથી એને મૃત્યુનો ડર વધારે લાગે છે. સત્સંગ એટલે કોઇ સારા માણસનાં સાંનિધ્યમાં રહેવાની વાત છે. જેનું સાંનિધ્ય જ આપણને પુષ્ટ કરે છે. આપણું શોષણ ન કરે અને પોષણ કરે એ સત્સંગ છે. મારા ભાઇ-બહેન એવા માણસોની પાસે જજો કે જેની પાસે જવાથી તમારી અંદર આનંદ આવી જાય.’

તો પંચવટીના પાંચ પ્રસંગ એ વડનાં પાંચ ઝાડ છે. જ્યાં પ્રભુએ કુંભજઋષિના કહેવાથી પોતાની જાતે પૂર્ણકુટિર બનાવી હતી. જેમાં પ્રભુ નિવાસ કરતા હતા. એક સમયે લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે કે મને આટલી વસ્તુ સમજાવી દો તો હું બધું જ છોડીને આપની સેવા કરું. અંતે લક્ષ્મણજી ભગવાનને પાંચ પ્રશ્ન કરે છે કે જ્ઞાન કોને કહેવાય? વૈરાગ્ય કોને કહેવાય? માયા કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય અને ઇશ્વર અને જીવમાં કેટલો ભેદ છે. આવા પાંચ પ્રશ્ન લક્ષ્મણજી ભગવાન રામને પૂછે છે. ભગવાન રામ લક્ષ્મણજીને જવાબ આપે છે પણ જવાબ પ્રશ્નોના ક્રમમાં આપતા નથી. માયાથી શરૂઆત કરે છે. લક્ષ્મણ, માયા બીજું કંઇ નથી. આ હું છું અને આ મારું છે, આ તારું છે એનું નામ માયા છે. એના ઉપર ભાષ્ય કરવાની જરૂર નથી. બીજો જવાબ જ્ઞાન વિશે પ્રભુ આપે છે. જ્યાં માન આદિ એક પણ દુર્ગુણ નથી જ્યાં અભિમાન જેવો એક પણ દોષ ન હોય એ જ્ઞાન છે.

વૈરાગ્ય એટલે કે તણખલાની જેમ સમસ્ત સિદ્ધિઓ, ત્રણેય ગુણોનો ત્યાગ કરીને સાધના-ઉપાસના દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ છૂટી જાય અને ત્રણેય ગુણો પણ નીકળી જાય એ વૈરાગ્ય છે. ભક્તિ એટલે કે કપટ છોડીને ભજન કરવું એ ભક્તિ છે. અંતે ભગવાન રામ જીવ અને ઇશ્વરનો ભેદ સમજાવતા કહે છે કે ત્રણ વસ્તુ ન જાણે એ જીવે છે જેમાં માયાને, ઇશ્વરને અને પોતાની જાતને ન જાણી શકે એનું નામ જીવાત્મા છે. આ ત્રણેય અજ્ઞાનતાનું નામ જીવાત્મા છે. આ બધાં જ બંધનમાંથી મુક્તિ અપાવે જે નિરંતર માયાને પ્રેરિત કરે છે, એ પરમાત્મા છે. એ શિવ છે. આવી રીતે ભગવાન લક્ષ્મણજીને પાંચ પ્રશ્નોના જવાબ આપે છે અને લક્ષ્મણજી બધું જ છોડીને પ્રભુની સેવામાં રહે છે. આપણે પણ પંચવટીમાં પુછાયેલા પાંચ પ્રશ્નોને બરાબર સમજીને જીવનને સાર્થક કરીએ તેવી પ્રભુનાં ચરણોમાં પ્રાર્થના.
'જય સીયારામ’

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

rameshwardashariyani@gmail.com

માનસદર્શન, મોરારિબાપુ

1 comment:

  1. ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
    આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.

    ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :

    1. GL Dictionary - અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ

    2. GL Plus - ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ

    3. GL Special - અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ

    4. GL Games - ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ

    5. Lokkosh - લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ

    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


    · Android - play.google.com/store/search?q=gujaratilexicon

    · Blackberry - appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?

    · iPhone - Coming Soon !

    આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

    જય જય ગરવી ગુજરાત !

    ReplyDelete