Translate

Search This Blog

Wednesday, June 26, 2013

મૃત્યુ થકી આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવીએ છીએ

The article by Shree Kanti Bhatt, published in the Divya Bhaskar daily is displayed here with their courtesy.



મૃત્યુ થકી આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ ચૂકવીએ છીએ
Kanti Bhatt |


Source Link: http://www.divyabhaskar.co.in/article/ABH-death-is-god-4302870-NOR.html


ઈશ્વરની ચિઢ્ઢી l માનવીનો આત્મા એ જ ખરો ‘માનવ’ છે, એ ચાલ્યો જાય ત્યારે દેહ તો માત્ર કોચલું છે

માનવજાત કેટલી વિચિત્ર છે કે તેમના એક રામબાણ ઈલાજ સામે જ તે લડે છે. તે રામબાણ ઈલાજ છે. મૃત્યુ. મૃત્યુ આપણને તમામ દુ:ખ-દદોઁમાંથી મુકત કરે છે. પણ તેનો નાહકનો શોક અને ઘોંઘાટ કરીએ છીએ. આવી વાત હું નથી કરતો પણ ડૉ. સર થોમસ બ્રાઉનીએ ઘણાં વર્ષો પહેલાં કરી છે. મૃત્યુ એ કુદરતે ગોઠવેલી ઘટના છે. ઈશ્વર-અલ્લાહે જ પ્રોગ્રામ્ડ કરેલ છે. મુસ્લિમો રડતા નથી. મૈયત લઈને શાંતિથી કબર સુધી જાય છે. જયોર્જ બનૉર્ડ શોએ કહેલું કે મરણ એ ખરેખર કોઈ રડવાનો કે શોકનો પ્રસંગ નથી.

એલા ભાઈ તમે મરણ વખતે પુષ્પોના ગુચ્છો મોકલો છો. પુષ્પો તો આનંદની લાગણી માટેનાં પ્રતીક છે. તો ફૂલો મોકલીને મૃતાત્મા માટે ખરેખર તો આનંદ વ્યક્ત કરો કે તે કોઈ પણ ઉંમરે મર્યો હોય તે તેને માટે પ્રોગ્રામ્ડ થયેલી ચીજ હતી. દરેક મનુષ્ય આયુષ્ય પ્રમાણે જ જીવે છે. એક સેકન્ડ પણ વહેલો કે મોડો નહીં. બનૉડે શોએ કહેલું કે મરણ વખતે મોઢા તાણીને ગંભીર થઈને બેસવું એ તો અભણ લોકોની અજ્ઞાનતા છે. આપણે મરેલાના સ્મરણને માણવું જોઈએ. મારી પુત્રીનાં મરણ વખતે (તે ૨૯ વર્ષની હતી) મેં આવો જ અભિગમ રાખેલો. કોઈ ગંભીર મોં લઈને આવે તો હું હસીને શક્તિના બચપણની વાત કરતો.

ડીટરીચ લોનહોફર નામનો ક્રાંતિકારી સામ્યવાદ સામે લડનારો જેલમાં હતો. તેણે તેના મિત્રોને જેલમાંથી લખેલું. ‘મારા મોત વખતે ઉત્સવ રાખજો. કારણ કે ડેથ ઈઝ ધ સુપ્રીમ ફેસ્ટિવલ ઓન ધ રોડ ટુ ફ્રિડમ.’ આ પ્રકારે કુદરતી મુક્તિ જેને હું દિવ્ય મુક્તિ કહું છું તેવી મુક્તિ પામનારનો શોક ન કરવો! ખરેખર તો ઇર્ષ્યા કરવી જોઈએ! વિલિયમ શેકસપિયરે ‘કિંગ હેન્રી’ નાટકમાં એક સંવાદ લખેલો. ‘મૃત્યુ એ તો આપણે ઈશ્વર પ્રત્યેનું ઋણ છે તે જ ચૂકવીએ છીએ. એ ડરવાની કે કકળાટ કરવાની ચીજ નથી.’ મારા ઝાઝમેર ગામે કોઈ રામાનંદી કે માર્ગી સાધુનું મોત થાય ત્યારે મંજીરા, ઢોલક વગેરે વગાડતા અને ભજનકીર્તન કરતાં કરતાં નાચગાન સાથે તેના શબને લઈ જવાતું. અહી તો યાત્રીઓ મરી ગયા તેના નાહકનો ઘોંઘાટ અખબારો ૧૦-૧૦ દિવસથી કરે છે તેને પશ્ચિમનાં અખબારો વખોડે છે. હું નથી વખોડતો.

કુંદનિકાબહેન કાપડિયાએ લગભગ છ વર્ષ પહેલાં ‘અંત વેળાએ’ પુસ્તક લખેલું તેમાં એક કવિની પંક્તિઓ છાપેલી:

જનની ખોળામાં બોલાવે તેમાં ડરવાનું શું?
માતા વસ્ત્રો મેલાં થાય તેને બદલાવે તેમાં રડવાનું શું?
થાક્યાનો વિસામો મૃત્યુ છે, જીવનનો અંત કદીયે નથી, જીવ છે અનંત
માધવ (કૃષ્ણ) મળવાને બોલાવે તેમા રૂદન શેનુ?

અરુણાચલ પ્રદેશમાં વસતાં રમણ મહર્ષિએ પણ કહેલું કે કૈલાસ પર્વત પર મરો, કાશી-બનારસમાં મરો કે માનસરોવરની યાત્રામાં મરો ત્યારે તેનો કોઈ ઘોંઘાટ ન કરવો. તેમાં રામકૃષ્ણ પરમહંસે ઉમેરો કર્યો કે જ્યારે કોઈ યાત્રાળુ યાત્રામાં મરે ત્યારે તેને તો જલદી મોક્ષ મળ્યાનો આનંદ મનાવવો જોઈએ. સર પ્રભાશંકર પટ્ટણી અને બીજા વિદ્વાનોએ મૃત્યુને ઈશ્વરે મોકલેલી ચીઢ્ઢી કહી છે. ડૉ. એરિક ફ્રોચે કહેલું કે જરૂર મૃત્યુ કોઈ મીઠી વાત નથી. પણ કોઈ ઉમદા કાર્ય કરી ગયું હોય અને મૃત્યુનો જરા અફસોસ કરાતો ઠીક છે પણ રોકકળ નહીં. ડૉ. એલબર્ટ હુબાર્ડે ૧૯૧૫મા મરતાં પહેલાં કહેલું કે માણસને માટે મરવાના બે રસ્પિેકટેબલ રસ્તા છે. એક રસ્તો છે પરપિકવ ઉંમર થાય ત્યારે મરી જવું અને બીજું છે કોઈ અકસ્માત કે યાત્રામાં મરી જવું. બીજું મોત સારું છે કારણ કે એ ઈશ્વરની સુંદર યોજના હતી.

મોત પામેલાને હિન્દુ હોય કે મુસ્લિમ તેને જે વસ્ત્ર પહેરાવ્યું હોય કે ઓઢાડ્યું હોય તેને ખિસ્સા હોતા નથી! ફ્રેન્ચ વિજ્ઞાની પિટર અરનેસ્ટ વેઈઝે કહેલું કે: એવરી ડેથ, ઈવન ધ ક્રુઅલેસ્ટ ડેથ ઈઝ લુકડ અપોન બાય નેચર, વિથ ટોટલ ઈનડીફરન્સ, નેચર હેઝ નો રોલ ઈન ડેથ. આખી માનવજાત નષ્ટ થઈ જાય તે પછી પણ કુદરત તેનું કામ કયેg જાય છે. તેનું કામ નવસર્જનનું છે. માનવ એક જ વાત યાદ રાખે ગમે તેટલો છાતી તાણીને ચાલે પણ તે મરી જાય પછી તે ‘ચપટીક’ રાખ થઈ જાય છે. પવન ક્યારે તે રાખને તાણી જાય તેની ખપર પડતી નથી! મહુવા ગામમાં અમુક જૈનો ખૂબ ભાવિકો હતા. ત્યાં ઉત્તમ દેરાસર હતું. ઘણા જૈન સાધુ ત્યાં ‘સંથારો’ કરવા આવતા એટલે કે મૃત્યુ થાય ત્યાં સુધી અનાજ છોડી દેતા.

૧૧૬ વર્ષ પહેલાં સ્વામિ અભેદાનંદજી અમેરિકા ગયા ત્યારે ત્યાં ‘ન્યૂ ઈગ્લેંડ ક્રિમેશન સોસાયટી’ ઊભી થઈ હતી. તેના પ્રમુખ પાદરી પોલ ધાધીંગહામે ખ્રિસ્તીઓને અપીલ કરેલી કે દાટવાને બદલે હિન્દુ અને જૈનોની જેમ અગ્નિદાહ શ્રેષ્ઠ છે.

સ્વામી અભેદાનંદે ‘ક્રિમેશન ઈન ઈન્ડિયા’-ભારતમાં મૃત શરીરને અગ્નિદાહ નામની પુસ્તકમાં લખેલું કે ‘હિન્દુઓમાં મૃત શરીરની અંતિમવિધિ કરવાની એકદમ બ્યુટીફૂલ પદ્ધતિ છે. પરંતુ તેનો અર્થ એમ નથી કે બીજો બધા ધર્મોમાં અંતિમવિધિ કરાય છે તે ખોટી છે. ધર્મપ્રમાણે અંતિમવિધિ કરવી જોઈએ. પણ એક વાત સૌ સ્વીકારશે કે માનવીનો આત્મા-સ્પિરિટ તેના શરીરથી અલગ છે. તેનો આત્મા એજ ખરો ‘માનવ’ છે. પણ આત્મા ચાલ્યો જાય તો દેહ તો માત્ર કોચલું છે. આત્મા જ સર્વસ્વ છે અને શરીર કાંઈ નથી. એ આત્મા મુકત થવા મથે છે અને બીજા નવા શરીરમાં જન્મવા મથે છે. મૃત્યુ એ મથામણનો ઉત્તમ માર્ગ છે!’

ખરેખરે તો મૃત્યુની અવસ્થા આવે ત્યારે જીવનના વિકાસની છેલ્લી તક ગણાય છે તે ડૉ. કુબલરની વાત મને ગમી. મૃત્યુ તો તમારી બાજુમાં લપાઈને બેઠું જ છે એટલે તમારે મૃત્યુને વહેલાસર સમજી લેવું જોઈએ. જાપાનના વિદ્યાર્થીઓને મૃત્યુના પાઠ ભણાવાય છે. કહેવામાં આવ્યું છે કે ‘મૃત્યુ તો માનવીના જીવનની મર્યાદા આંકે છે. તે ઘરની એરકંડશિન્ડ કેબિનમાં થાય, મોટર રસ્તે થાય કે હિમાલય કે કૈલાસ માનસરોવરની યાત્રામાં થાય. પરંતુ માણસે તેની પાસે ૩૦ની ઉંમરે ૪૦ની ઉંમરે કે કોઈપણ ઉંમરે તેની પાસે જે ‘સમય’ છે તેટલા સમયમા કશુંક સુંદર, સર્જનાત્મક કે અરે માત્ર એક પાડોશી યાદ કરે તેવું કંઈક બીજા માટે જીવ્યા હોય તેવું કરતાં જવું જોઈએ.

ડૉ. ક્રિશ્વિયન બનૉડે કહે છે કે ખરેખર તો જો તમારા નિકટના લોકોને વિલાપ કરતાં છોડવા ન હોય તો-અને જો તમે જિંદગીથી ગળે આવી ગયા હો તો બીમારીમાં રીબાઈને દુવાઓ થકી જીવનને લંબાવવા કરતાં હાથે કરીને મૃત્યુ નોતરવું સારું છે. પણ એક સોરાષ્ટ્રની ભૂમિના જીવ તરીકે કહું કે ‘કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના નિકટના લોકોને મૃત્યુને ભૂલી જવાની ફિલસૂફી ડહોળવી કે તેને વિલાપ ન કરવાનું કહેવું નહીં. દરેક વ્યક્તિને પોતાના નિકટજનનાં મૃત્યુ વખતે તેની લાગણીઓ વ્યક્ત કરવા દો. કદાચ મૃતાત્મા પણ
ખુશ થશે!

No comments:

Post a Comment