Translate

Search This Blog

Sunday, January 11, 2015

પરોપકાર વધે ત્યારે પ્રભુ જીવની નજીક આવે છે, માનસદર્શન, મોરારિબાપુ

પરોપકાર વધે ત્યારે પ્રભુ જીવની નજીક આવે છે



  • હવે લાગે છે કે યુવાધન કથા, સત્સંગ તરફ વળ્યું છે જે એકવીસમી સદીના શુકન છે. હવે પરમાત્મા કયા મારગથી ધરતી ઉપર આવે છે એ વિષયમાં એક પંક્તિ છે.


ગિરિ તરુ નખ આયુધ સબ બીરા,
હરિમારગ ચિતવહિ મતિ ધીરા.



  • મારી દૃષ્ટિએ અહીંયા પરમાત્માના આવવાના ત્રણ મારગ તરફના સંકેત થયા છે ‘ગિરિ, તરુ, નખ’. એક તો ભગવાન પર્વત ઉપરથી આવે છે. બીજો ભગવાનનો આવવાનો મારગ વૃક્ષ છે જ્યારે ત્રીજો મારગ નખ છે. 
  • પ્રભુ આવવાના ત્રણ મારગ છે. હવે ત્રણ મારગમાં પહેલાે મારગ ગિરિ છે. ગિરિ એટલે કે પર્વત એવો અર્થ થાય છે. પર્વત હંમેશાં અચલ છે. પર્વત સ્થિર છે. કાળાંતરે પર્વત પડી જાય એ અલગ વાત છે પરંતુ પર્વત અચલતાનું પ્રતીક છે. ઉત્તરકાંડમાં પર્વતનું દર્શન કરાવતા તુલસીદાસજી લખે છે:


  • હિમગિરિ કોટિ અચલ રઘુબીરા રામ કોણ છે? કોટિ કોટિ હિમાલયની સ્થિરતાનું નામ રામ છે અને તુલસીદાસજીએ બાલકાંડમાં એક એવી વાત પણ કરી છે કે ભગવાન આવે છે એ વાત નક્કી છે પરંતુ એમને પગ નથી.

બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના,
કર બિનુ કરમ કરઇ બિધિ નાના.


  • ઇશ્વર તો પગ વગર ચાલે છે. ભગવાન કાન વગર સાંભળી શકે છે તો પરમાત્મા પર્વતોના રસ્તેથી આવે છે. હવે આનો આધ્યાત્મિક અર્થ એટલો જ કરી શકાય કે પર્વત અચલતાનું પ્રતીક છે. 


  • જે માણસ સ્થિર હશે, જે માણસમાં ખૂબ જ ધૈર્ય હશે એમના મારગ પરથી પ્રભુ આવશે. માટે આપણી સ્થિરતા પણ પ્રભુ આવવાનો એક મારગ છે. દરેક જીવમાં સ્થિરતા ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિને કંઇક પામવું છે એને તો સ્થિરતા રાખવી જ પડશે. 

  •  નરસિંહ, સોક્રેટિસ, ભગવાન ઇસુ એના પ્રમાણ છે. તો પરમાત્માનો એક મારગ છે. પર્વતની અચલતા એટલા માટે ગંગાસતી તો બહુ જ સુંદર વાત કરે છે.


મેરુ રે ડગેને જેના મન નો ડગે,
મરને ભાંગી રે પડે ભરમાંડ રે...
વિપદ પડે પણ વણસે નહીં, ઇ  તો હરિજનના પરમાણ રે.

આપણું ધૈર્ય, સ્થિરતા અચલતા પ્રભુના એક મારગનું નામ છે.


  • બીજો માર્ગ તરુ છે. તરુ એટલે વૃક્ષ, આપણે ત્યાં એવું કહેવાય છે કે વૃક્ષ પરોપકારી છે. વૃક્ષની ગણતરી સંતોમાં થાય છે. આપણા જીવનમાં જ્યારે પરોપકારની વૃત્તિ ધીરે ધીરે વધવા લાગશે ત્યારે પરમાત્માનો રસ્તો ખૂલવા લાગશે. 

  • ત્રીજો રસ્તો નખ છે. આ બહું જ સૂક્ષ્મ છે. એક અર્થમાં તો નખ એ આયુધ છે. નખ પરમાત્માનો ત્રીજો રસ્તો છે. નખ એક અર્થમાં વાસનાનું પ્રતીક છે. પોતાની વાસનાને જે છોડતા નથી, તૃષ્ણાના નખને જે કાપતા નથી, પછી એનાં નાક-કાન કાપી નાખવામાં આવે છે. નખ સૂક્ષ્મતાનું પ્રતીક છે. એવા નખની પ્રતિષ્ઠા ઘણી છે જે પ્રભુનો મારગ બની શકે છે અને એ નખ છે.


શ્રી ગુરુ પદ નખ મનિ ગન જોતી,
સુમિરત દિબ્ય દ્રષ્ટિ હિય હોતી.

માનસકાર કહે છે કે આપણા ગુરુના ચરણના નખની જ્યોતિ છે. એ નખ નથી, એ પ્રકાશ છે. જેનું સ્મરણ કરવાથી વ્યક્તિને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. મારે કહેવું છે કે ગુરુચરણના નખની જ્યોતિના પ્રકાશથી પરમાત્મા સાધકના હૃદયમાં પ્રવેશ કરે છે.

               (સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment