- ક્યાંક કથા સાંભળીને તમે શરાબ છોડવાનો સંકલ્પ કર્યો પરંતુ ફરીથી તમારી શરાબ ચાલુ થઈ ગઈ. ચાલુ રાખો.
- પરંતુ કથા તો મધુર હોય છે અને આ મધુર કથાને સાંભળતાં-સાંભળતાં ક્યારેક ને ક્યારેક શરાબ છૂટી જશે.
- હું નહીં છોડાવી શકું, કથા જ છોડાવશે. વ્યક્તિ નહીં છોડાવી શકે, વક્તવ્ય છોડાવી દેશે.
- શ્રીમન્ વલ્લભાધીશની આજ્ઞા છે કે વ્યક્તિએ બે કામ કરવાં, એક તો સેવા અને બીજું કથાશ્રવણ.
- પરંતુ મહાપ્રભુજી કહે છે, જેના ઘરમાં સેવા હોય અને જે કથારસિક હોય, એને જો ઉપનયન સંસ્કાર ન કર્યો હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ જાતિભેદ નથી. એ ભગવદ્ ગુણગાન ગાઇ શકે છે. શરત એટલી કે ગુરુમુખી હોવું જોઈએ.
- કથા બધું છોડાવી દે છે. અહીં તમે સૌ મૌન છો. બીજે ક્યાંય તમે રહેશો તો કોઈની નિંદા કરશો, ઇર્ષ્યા કરશો.
- કથા કોઇ એવી મોટી વસ્તુ પકડાવી દે છે કે નાની વસ્તુ આપોઆપ છૂટી જાય છે.
- ગોપીજનોએ ‘ભાગવત’માં ગાયું-
તવ કથામૃતં તપ્તજીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્.
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના:
- મારું એક સૂત્ર છે, કોઇને સુધારવાની નહીં પરંતુ બધાને સ્વીકારવાની કોશિશ કરો.
- ભગવાન વનમાં એટલા માટે ગયા કે ભરતનું મંથન થાય. ભરતરૂપી સંતના ભીતરમાંથી વિશ્વને પ્રેમરૂપી અમૃત પ્રાપ્તિ થાય. તુલસી કહે છે-
પ્રેમ અમિઅ મંદરુ બિરહુ ભરત પયોધિ ગંભીર.
મથી પ્રગટે સુર સાધુ હિત કૃપાસિંધુ રઘુબીર.
- સમુદ્રમંથનમાં તો અમૃત પછી જ નીકળે, પહેલાં તો ઝેર નીકળે છે. આ એક મંથન જ છે. આપણા ભીતરમાં પણ સદ્ગુણ અને દુર્ગુણરૂપી સુર અને અસુર મંથન કરી રહ્યા છે. થોડા સમય માટે કદાચ તમને લાગશે કે કથા હારી કેમ કે શરાબ શરૂ થઈ ગઈ! આસુરી તત્ત્વએ સદ્ગુણને દબાવી દીધા. પરંતુ મંથન ચાલુ રાખો. અમૃત મોડેથી આવશે.
No comments:
Post a Comment