Translate

Search This Blog

Tuesday, September 12, 2017

માનસ પિતૃ દેવો ભવ

રામ કથા

માનસ પિતૃ દેવો ભવ

સાપુતારા

ગુજરાત

શનિવાર, તારીખ ૦૯/૦૯/૨૦૧૭ થી રવિવાર, તારીખ ૧૭/૦૯/૨૦૧૭

કેંદ્રીય વિચારની પંક્તિઓ

कोउ पितु भगत बचन मन कर्मा । 

सपनेहुँ जान न दूसर धर्मा ॥


सो सुत प्रिय पितु प्रान समाना । 

जध्यपि सो सब भाँति अयाना ॥


શનિવાર, ૦૯/૦૯/૨૦૧૭

માતૃ દેવો ભવ એ સત્ય છે, પિતૃ દેવો ભવ એ પ્રેમ છે અને આચાર્ય દેવો ભવ એ કરૂણા છે. આ એક ત્રિકોણ છે.

રામ ચરિત માનસમાં જેનો ઉલ્લેખ પિતૃ તરીકે થયો હોય તેવાં અનેક પાત્ર છે. પણ આમાં ૯ મુખ્ય પાત્રો છે.

૧ ભગવાન મહાદેવ પિતૃ છે. સમગ્ર જગતના બાપ શિવ છે.

૨ ભગવાન રામ

૩ સત્યકેતુ રાજા

૪ મહારાજ સ્વયંભૂ

૫ મહારાજ દશરથ

૬ મહારજ જનક

૭ ગીધરાજ જટાયુ

ભગવાન જટાયુને પિતા કહે છે અને જટાયુની પિતૃ ક્રિયા પણ કરે છે. રામ તેમના પિતા રાજા દશરથની પિતૃ ક્રિયા નથી કરી શકતા.

૮ વાલી

૯ દશાનન

જો આપણામાં જાગૃતિ ન હોય તો બીજામાં બધું હોવા છતાંય કંઈ જ ન દેખાય.

ગુરૂ ઉપર શંકા કરો પણ ગુરૂ કૃપા ઉપર કદીય શંકા ન કરો. ગુરૂ દેહધારી હોવાના નાતે શંકા થઈ જાય.


રવિવાર, ૧૦/૦૯/૨૦૧૭

મન, વચન, કર્મથી જે પુત્ર પિતૃ ભક્ત છે તેવો પુત્ર પિતાને પ્રાણ સમાન પ્રિય હોય છે. આવા પુત્રનો એક જ ધર્મ મન, વચન, કર્મથી પિતૃ ભક્તિ કરવી એ છે, તેનો બીજો કોઈ ધર્મ નથી.

જે પુત્ર જ્ઞાન પુત્ર હોય તે પુત્ર પિતાને આંખ સમાન પ્રિય હોય છે.

જે આજ્ઞાંકિત પુત્ર હોય તે મન સમાન પિય હોય છે.

પિતાના કદમો પર ચાલનાર, પિતાની પરંપરાને ક્ષમતા, ઓકાત પ્રમાણે નિભાવનાર પુત્ર ચરણ સમાન પ્રિય હોય છે.

જે પુત્ર પ્રગતિ કરે છતાંય નમ્રતા રાખે તે પુત્ર પિતાને શિર સમાન પ્રિય હોય છે.

જે પ્રાણ સમાન પ્રિયતા છે તે સવાર્ધિક પ્રિયતા છે.

જો આપણામાં જાગૃતિ આવી જાય તો આપણને અહ્મં બ્રહ્માસ્મિ સમજાઈ જાય અને આપણે જ બ્રહ્મ છીએ તે સમજાઈ જાય.

સત્‌સંગથી લૌકિક વિવેક અને અલૌકિક વિવેક પ્રાપ્ત થાય છે.

કુટુંબમાં બનતી અપ્રિય ઘટના જેવી કે કુટુંબમાં કોઈ યુવાન અથવા નાની ઉંમરના સભ્યનું અવસાન થવું, આવી ઘટનાને બુદ્ધ પુરૂષની અનુભૂતિ પ્રમાણે સમજવી પડે.જ્યારે કોઈ પિતૃ તેના પરિવાર ઉપર બહું મમતા રાખે ત્યારે તે પિતૃ તે પરિવારમાં સંતાન તરીકે જન્મ લે છે અને આવું સંતાન નાની ઉંમરમાં નિર્વાણ પામે છે જેથી આવી ઘટનાનું પુનર્વતન ન થાય. કુટુંબમાં નાના ઊંમરે મૃત્યુ ન થાય તે પરંપરાને તોડવા માટે જે પિતૃ તેની પરિવાર પ્રત્યેની મમતાના લીધે તે જ પરિવારમાં ફરીથી સંતાન તરીકે જન્મી નાની ઊંમરે અવસાન પામે છે.

શ્વાસ તૂટે પણ વિશ્વાસ કદી ન તૂટે...... મજબુર સાહેબ

એકાંત ઈશ્વર એટલા માટે આપે છે કે એકાંત એ ઈશ્વરને ભજવાનો, ઈશ્વરને પ્રેમ કરવાનો મોકો છે.

રાધા, ગોપીઓ, મીરા એ ઈશ્વરને પ્રેમ કર્યો છે.

જેમ મહાદેવનું વર્ણન થઈ શકતું નથી તેવી જ રીતે વિશ્વાસનું પણ વર્ણન થઈ શકતું નથી.

તેથી જ આપણે કહીએ છીએ કે,

असितगिरिसमं स्यात् क्ज्जलं सिन्धु पात्रं
सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी ।
लिखति यदि गृहित्वा शारदा सर्वकालं
तदपि तव गुणानां ईश पारं न याति॥

વિશ્વાસ એ છે જ્યાં ક્યારેય કોઈના પ્રત્યે વહેમ પેદા ન થાય.

જ્યારે કોઈ મુશ્કેલી આવે, ઉપાધિ આવે ત્યારે શરીરના સ્તરથી ઉપર ઊઠી મનના સ્તરે જવાથી આવેલ મુશ્કેલીઓ હલકી થઈ જશે. જો મનના સ્તરે મુશ્કેલી હલ ન થાય તો ક્રમશઃ મનના સ્તરથી ઉપર ઊઠી બુદ્ધિના સ્તરે જવાથી મુશ્કેલી હલ થશે. જો બુધ્ધિના સ્તરે પણ હલ ન મળે તો ચિતના સ્તરે જવાથી મુશ્કેલી હલ થશે. આમ ક્રમશઃ ઉપરના સ્તરે જવાથી મુશ્કેલી હલ થઈ જશે.

સાધુની ક્ષણ અને અન્ન ક્ષેત્રનો કણ ક્યારેય ન બગાડો.

ભગવાનની કૃપા વરસવામાં કોઈ ભેદ ન કરે, કૃપા તો બધા જ ઉપર થાય.

પિતાના પગલે પગલે ચાલો, માતાની આગળ ચાલો એટલે કે એવો ભાવ રાખો કે મારી માતા મારી પાછળ મારી રખવાળી કરવાની જ છે અને આચાર્યની સાથે સાથે ચાલો.

સતી ધર્મમાં પતિ જ સર્વસ્વ છે જ્યારે સાધવી ધર્મમાં પરમાત્મા જ સર્વસ્વ છે. મીરા સાધવી ધર્મમાં છે તેથી તે કૃષ્ણને જ સર્વસ્વ માને છે.

કોને પિતૃ ચરણ માનવાં?

મહાદેવનાં લક્ષણ પિતૃ સંદર્ભે જોઈએ તો તેવા લક્ષણ વાળા પિતૃને પિતૃ ચરણ ગણી શકાય.

 जोगी जटिल अकाम मन नगन अमंगल बेष

 જે બાપ યોગી હોય એટલે કે સંયમી હોય, વિષય લંપટ ન હોય, મર્યાદામાં રહેતો હોય, ઉપરથી સંસારમાં હોય પણ અંદરથી સંન્યાસી હોય, જે ભોગી ન હોય પિતૃ ચરણ છે.

લાકડી એ દંડ છે, સંયમનું પ્રતીક છે.

જટિલ એટલે જટાધારી.

સંસારની માયા જાળ એ જટા છે, ઉપાધિ છે. આવી ઉપાધિઓને જે તેના મસ્તકનો મુગુટ બનાવે, મસ્તકની શોભા વધારવામાં ઉપયોગ કરે તે પિતૃ ચરણ છે.

પિતૃ એ છે જે બધી મુશ્કેલીઓ સહી લે પણ તેની જાણ પોતાના સંતાનોને ન થવા દે તે પિતૃ છે.

પરિવારના પાલનમાં જે કોઈ સકામના ન રાખે તે પિતૃ છે.

અકામ મન એ છે જે પુત્ર પાસેથી કોઈ અપેક્ષા ન રાખે.

નગ્ન અવસ્થા એટલે નિર્દંભ અવસ્થા, જેમાં કોઈ દંભ ન હોય.

અમંગલ વેશ એટલે કુટુંબ માટે કામ કરતાં કરતાં તૂટી જાય અને પોતાના વેશનું પણ ભાન ન રહે, પોતાના માટે સારાં કપડાં પણ ન પહેરે તેવો પિતૃ.

આવાં શિવરૂપી લક્ષણ ધરાવનાર પિતૃનું શ્રાધ્ધ કરવાનું હોય.

સાધુ બ્રાહ્મણને શ્રાધ્ધ પક્ષમાં ભોજન કરાવવાથી પિતૃઓ રાજી થાય.

જે પોતાના માતા પિતાના વચન નિભાવવા માટે તે વચન પ્રમાણે અનુસરણ કરે તે સંતાન ભાગ્યશાળી છે. રામ પિતાના વચન પાલન માટે તે પ્રમાણે અનુસરણ કરે છે.

આધુનિક ઉપકરણોએ આપણી સ્વતંત્રતા છીનવી લીધી છે. જો કે આવાં ઉઅપકરણો આવશ્યક પણ છે.


સોમવાર, ૧૧/૦૯/૨૦૧૭

મન, વચન, કર્મથી પિતૃ ભક્તિ કરનાર સંતાન પિતૃને પ્રાણથી પણ અધિક પ્રિય હોય છે.

અહીં પિતૃનો અર્થ માતા અને પિતા બંને થાય છે.

એહી બિધિ રામ જગત પિતુ માતા

રામ જગતના માતા પિતા છે.

પરમ પિતા પરમાત્મા માતા અને પિતા બંને છે.

જે રક્ષણ કરે, પાલન કરે તે પિતૃ છે.

માર્ગી માર્ગ એ ભજનાનંદીનો માર્ગ છે જ્યારે ગાર્ગી માર્ગ એ વેદનો માર્ગ છે, વૈદિક પરં પરાનો માર્ગ છે.

ફકીરોનો વિશ્વાસ ન કરો પણ ફકીર ઉપર વિશ્વાસ કરો.

પિતૃનો એક અર્થ સૂર્ય થાય છે. તેથી જ સૂર્યને અર્ધ્ય આપવાની પ્રથા છે.

પિતૃનો એક અર્થ દેવ થાય છે.

એક લોક પિતૃ લોક છે જે ચંદ્રની બાજુમાં છે એવું કહેવાય છે.

પિતૃ શ્રાધ અમાવાસ્યાના દિવસે થાય છે.

પિતૃ ગીતા નામનું એક પુસ્તક છે.

ભગવાન રામ

રામ સૂર્ય વંશમાં છે જે પિતૃ છે.

કૃષ્ણ ચંદ્ર વંશમાં જે પિતૃ છે.

રામનાં લક્ષણ પિતૃ સંદર્ભે...

બાપ એટલે પિતા અને બાપ એટલે પુત્ર પણ થાય.

રામ ચરિત માનસમાં બાપુ શબ્દ ફક્ત એક જ વાર વપરાયો છે.

રામ રઘુ વંશના કમલ રૂપી વનને વિકસિત કરે છે તેવી રીતે જે પિતૃ પુરા વંશને વિકસિત કરે તે પિતૃનું તર્પણ કરાય.

પ્રેમનો અભાવ જ દ્વૈષ છે.

પ્રકાશની ગેરહાજરી જ અંધકાર છે.  ... ઓશો

વાણીના દોષ છે; વ્યાકરણ દોષ, ઉચ્ચાર દોષ, ભાવ દોષ અને કટુ દોષ - કટુ વાણી છે.

તપ કરવાથી પ્રેમ ન થાય.

યોગ, ધ્યાન, તપ કરવાથી પ્રેમ પેદા ન થાય.

અન્યને પોતાના ગણવાથી પ્રેમ પેદા થાય.

અન્યને પોતાના ગણી તેના તરફથી કોઈ અપેક્ષા ન રાખીએ ત્યારે પૂર્ણ પ્રેમ પેદા થાય.

આંખ કૃપા છે જ્યારે આંસુ કરૂણા છે.

રામ રૂપી પિતૃ જેનું તર્પણ કરાય તે પિતૃ દેવતા, બ્રાહ્મણ, ગાયનું હિત કરનાર હોય, તેનામાં દૈવી વિચારોથી ભરપુર હોય, વિવેકની પ્રધાનતા હોય, ગૌ સેવા કરનાર હોય, ગર્વ ન કરનાર હોય, ધીરે ધીરે મોહને સિમિત કરનાર હોય, એક અવસ્થાએ પહોંચ્યા પછી ક્રોધ ન કરનાર હોય.


૬ સમયે ક્રોધ ન કરવો - સવારે ઊઠતાં ક્રોધ ન કરવો, કામ ધંધાએ જતી વખતે અને કામ ધંધાએથી આવીને ક્રોધ ન કરવો, ભોજન અને ભજન કરતી વખતે ક્રોધ ન કરવો તેમજ રાત્રે સુતી વખતે ક્રોધ ન કરવો.


મંગળવાર, ૧૨/૦૯/૨૦૧૭

પિતૃના ૪ પ્રકાર હોય  છે.

ચાર પ્રકારે પ્રમાણ આપી શકાય.

૧ વેદ પ્રમાણ જે વેદ આધારીત હોય.

૨ અનુમાન પ્રમાણ જે અનુમાન આધારીત હોય, તર્ક આધારીત હોય.

૩ પ્રત્યક્ષ પ્રમાણ જે પ્રત્યક્ષદર્શી આધારીત હોય, પ્રત્યક્ષ જોયેલું હોય.

૪ અંતઃકરણ પ્રમાણ જે એવું પ્રમાણ કે જેનું અંતઃકરણ યોગ, જપથી શુદ્ધ હોય તેવી વ્યક્તિનું અંતઃકરણ આપે તેવું પ્રમાણ.

પિતૃના પ્રકાર :

૧ રજો ગુણ પ્રધાન પિતા

રજો ગુણ પ્રધાન પિતા કાયમ પ્રવૃત્તિમય રહે, નિવૃત્તિની અવસ્થા આવ્યા પછી પણ કાર્યરત રહે, પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહે.

રજો ગુણીને દરરોજ નવીન વસ્તુનો આગ્રહ રહે.

આધ્યાત્મવાદી રોજ નૂતન ચીજનો નહીં પણ રોજ નૂતન ચિતનો આગ્રહ રાખે.

માતાના જઠરમાં ઉદરમાં ગર્ભાવસ્થા દરમ્યાન જે સુખ સુવિધા છે તેવી બીજે ક્યાંય નથી. માતાના ઉદર જેવું પારણું બીજે ક્યાંય નથી.

પરમાત્માની ચર્ચા કર્યા વિના કોઈ બુદ્ધ પુરૂષના સાનિધ્યમાં મૌન બેસવું બહું મૂલ્યવાન છે, પરમાત્માથી પણ વધારે મૂલ્યવાન છે. ...... જે. કૃષ્ણ્મૂર્તિ

ખીજાઈને ચૂપ ન રહેવું પણ સમજીને ચૂપ થઈ જવું.  ..... ગંગાસતી

નીંદા કરનારને પણ પ્રેમ કરો. મોંઢા ઉપર હાથ મુકીને ચૂપ થવાનો સંકેત ફક્ત  ચૂપ રહેવું એટલો જ નથી પણ એવો છે કે નીંદા કરનારને પણ ફ્લાઈંગ કીસ કરો.

લાકડી લઈને લોટ માગવા જવું એટલે સંયમ રાખીને લોટ માગવા જવું. જો સંયમ નહીં હોય, વાસના હશે તો પ્રલોભનના, કામનાના, લોભના કૂતરા કરડશે જ.

ભૌતિકવાદી પોતે નથી બદલાતો પણ ગુરુને બદલવાનું, બીજાને બદલવાનું તેમજ નવી નવિ ચીજોની ઈચ્છા કરે છે.

સેવાના ભોગે સ્મરણ ન છોડાય. સ્મરણ છોડી એવા કરવા ન જવાય.

૨ તમો ગુણી પિતા

તમો ગુણી પિતા કાયમ ગુસ્સો જ કર્યા કર, કોઈ પણ કારણ ન હોય તો પણ ગુસ્સો કરે.

૩ સતો ગુણી પિતા

સતો ગુણી પિતા ભજન કરનાર હોય, ધર્મનું આચરણ કરનાર હોય, સાધુને સેવનાર હોય.

૪ ગુણાતીત પિતા

વાલી રજો ગુણી બાપ છે.

રાવણ તમો ગુણી બાપ છે.

સત્યકેતુ રાજા, સયંભુમનુ રાજા સત્વ ગુણી બાપ છે.

શંકર ભગવાન, રામ ભગવાન ગુણાતીત બાપ છે.

સત્યકેતુ પિતૃ

સતીના પિતા દક્ષ રજો ગુણી બાપ છે.

પાર્વતીના પિતા હિમાલય સતો ગુણી બાપ છે.

હિમાલયના ૪ ગુણ છે.

૧ હિમાલયની ઊંચાઈ બહું છે. પિતાની ઊંચાઈ બધાને ગમે.

૨ હિમાલયમાં ઊંચાઈની સાથે સાથે સ્થિરતા છે, અચલતા છે જેથી ક્યારેય ખલન થતું નથી.

૩ હિમાલયમાં ઊંચાઈ, અચલતા હોવા છતાંય શીતલતા છે.

૪ હુમાલયમાં ઊંચાઈ, સ્થિરતા, અચલતા અને શીતલતા હોવા છતાંય ધવલતા છે.

સત્યકેતુ રાજા પ્રતાપભાનુનો પિતા છે, કૈકેયી દેશનો રાજા છે.

સત્યકેતુ એટલે સત્યની ધજા ફરકાવનાર, કેતુ એટલે ફરકાવવું.

સત્યકેતુ સમય આવ્યે રાજ્ય પુત્રોને સોંપી હરિ ભજન માટે નીકળી પડે છે અને તે પણ કોઈ પણ જાતની પ્રતિષ્ઠા માટે નહીં.

મંત્ર, જાપ અનુરાગ સહિત, પ્રેમ પૂર્વક કરવા જોઈએ.

અત્યંત તપ કરનારમાં ક્રોધ, ઉપેક્ષા વધી જાય, અત્યંત તપ કરનાર ક્રોધી બની જાય, તેનામાં ઉપેક્ષા વૃત્તિ આવી જાય.

પરમાત્મા તત્વ બૌધિકતાથી પર છે.

જ્યાં સુધી બૌધિકતા દૂર ન થાય ત્યાં સુધી પરમાત્મા તત્વ ન સમજાય. જે. કૃષ્ણમૂર્તિ

કથાનું ફળ હરિ ભક્તિ છે.

સંશય આત્મા વિનશ્યતિ, કૃષ્ણ અર્જુન ને કહે છે કે “સંશય આત્મા વિનશ્યતિ “, જે સંશયી છે તેનો નાશ નક્કી છે.

બ્રહ્મ પરીક્ષાનો વિષય નથી પણ પ્રતીક્ષાનો વિષય છે.


બુધવાર, ૧૩/૦૯/૨૦૧૭

તુલસીદાસજીએ ૧૦ લોકો પાસે કૃપાની યાચના કરી છે.

કૃપા અને કરૂણા એક હોવા છતાંય બંને શબ્દ જ્યારે વપરાય છે ત્યારે બંનેમાં કંઈક ફેર છે, પાતળી ભેદ રેખા છે.

રામ ભગવાન માટે કૃપાસિન્ધુ અને કરૂણાસિન્ધુ બંને વપરાયા છે.

ગાર્ગી અને માર્ગી વચ્ચે શું ફેર છે?, કોને કહેવાય?

સરસ્વતીના હાથમાં વીણા અને વેદ બંને છે.

ગાર્ગી વેદની એક ઋષિ મહિલા છે, વેદની ઋષિકા છે.

ગાર્ગી વીણા છે તો માર્ગી વાણી છે.

ગાર્ગી વેદ વાણી, શ્લોક વાણી, દેવયાન છે તો માર્ગી લોક વાણી, પિતૃયાન છે. માર્ગીમાં બાપુ શબ્દ વપરાય છે જે પિતૃયાન છે.

ગાર્ગી ગ્રંથ વિચાર પ્રધાન છે તો માર્ગી પ્રંથ પ્રધાન વિચાર છે.

ગાર્ગી માર્ગમાં દેવોનું મહિમા ગાન છે તો માર્ગી માર્ગમાં સદૈવ મનુષ્યની મહિમાનું ગાન છે.

શ્લોક ધર્મ અને લોકધર્મની બે પાંપણ વચ્ચે જ ધર્મ રૂપી આંખ સલામત છે. તેમજ આ બે પાંપણમાં ઉપરની પાંપણ ગાર્ગી છે તો નીચેની પાંપણ માર્ગી છે.

લક્ષ્મણ ધર્મનું પ્રતીક છે જેનું રામ અને સીતા આંખોની પાંપણ માફક જતન કરે છે.

ગાર્ગી માર્ગમાં ગગન ગમન છે તો માર્ગી માર્ગમાં ધરતી ઉપર ગમન છે.

આધ્યાત્મ રામાયણના રામ એ દેવ છે જ્યારે વાલ્મીકિ અને તુલસી રામાયણના રામ મનુષ્ય છે.

ગાર્ગી માર્ગ અને માર્ગી માર્ગ એ બંને માર્ગની આવશ્યકતા છે.

ગાર્ગી માર્ગ મંત્ર પ્રધાન છે તો માર્ગી માર્ગ હરિનામ પ્રધાન છે.

ગાર્ગી માર્ગમાં દેવતાઓનો મહિમા છે તો માર્ગી માર્ગમાં મનુષ્યનો મહિમા છે.

ગાર્ગી માર્ગ એ જમણો પગ છે તો માર્ગી માર્ગ એ ડાબો પગ છે. જ્યાં જમણો પગ સ્થિર માર્ગ છે અને ડાબો પગ ગતિશીલ માર્ગ છે.

કથા એ તો માર્ગીઓનો ભંડારો છે.

કરૂણા અને કૃપા

કૃપા માગવાથી મળે જ્યારે કરૂણા વગર માગ્યે મળે. કરૂણા તો કાયમ થયા જ કરે. કરૂણા કરવા માટેની માગણી એ એક અપવાદ છે.

કૃપા એ કૂવાની સીંચાઈ છે જ્યારે કરૂણા એ નભની વર્ષા છે.

કૃપા એ એક હેંડ પંપ છે જ્યારે કરૂણા એ ટ્યુબવેલ છે.

દેવ દનુજ નર નાગ મુનિ કોઉ

તુલસી ૧૦ પાસે કૃપા માગે છે.

૧ દેવતા

૨ દનુજ - અસુર

૩ નર

૪ નાગ

૫ મુનિ

૬ પ્રેત

૭ પિતૃ

૮ ગંધર્વ

૯ કિન્નર

૧૦ રજનીચર

રજનીચર એ છે જે જ્યારે આખું જગત સુતુ હોય ત્યારે જગતના કલ્યાણ માટે જાગે છે. રાતે ચોકી કરનાર પણ રજનીચર છે.

રામ ચરિત માનસમાં પિતર શબ્દ ૭ વાર આવ્યો છે.

હરિ ભજન કરનારે કોઈ કર્મકાંડ કરવાની જરૂર જ નથી રહેતી.

દશરાજાની પિતૃ વંદના

દશરથ રાજાનું આખું જીવન મંગલમય છે, તે પુંણ્ય શ્લોક છે.

રામ વનવાસ દરમ્યાન ભરદ્વાજ મુનિને માર્ગ પૂછે છે. અને તેમને માર્ગ બતાવવા ૫૦ શિષ્યો તૈયાર થાય છે. આ ૫૦ પૈકી ફક્ત ૪ જ શિષ્યોને ભરદ્વાજ મુનિ મોકલે છે. આ ૪ શિષ્યો એ ચાર વેદ છે. આમ રામ વેદના માર્ગ ઉપર છે. આ વેદ માર્ગ છે. શરૂઆતના ૫૦ શિષ્યો એ શાસ્ત્રો છે જેમાં ૪ વેદ, ૧૮ પુરાણ, ૬ શાસ્ત્ર વગેરે છે.

જ્યારે રામ યમુના કિનારે આવે છે ત્યારે ત્યાંથી આ ચાર શિષ્યોને પાછા મોકલે છે. યમુના એ પ્રેમ ધારા છે, પ્રેમ માર્ગ છે. ત્યાર પછીની રામની યાત્રા કરૂણાના માર્ગની યાત્રા છે. હવે રામ કરૂણાના માર્ગે યાત્રા કરે છે.

રામના વનવાસ પછી જ્યારે દશરથ રાજા જાણે છે કે ત્રણમાંથી કોઈ પણ વનવાસમાંથી પાછા નથી આવ્યા ત્યારે રામના વિરહમાં દશરથ રાજા વિરહમાં દેહ છોડી દે છે.

સતસંગ જ સ્વર્ગ છે.

દશરથ એવા પિતૃ ચરણ છે કે જ્યાં વેદ પણ દશરથની પ્રસંશા કરે છે, દશરથ રાજા ધર્મ ધુરંધર છે, બધા ગુણોના ધામ છે, જેમના હ્નદયમાં સારંગપાણિ રામ બિરાજે છે, તેમનામાં જ્ઞાન છે, ભક્તિ પણ છે.

દુઃખ, આપત્તિ અને વિપત્તિમાં શું ફેર છે?

દુ;ખ એ છે જે તેને આવવાની આગાહી કરે છે, દુઃખ આવવાનું હોય તે પહેલાં તેનો કોઈ સંકેત આવી જાય છે, જેમ કે તાવ આવતા પહેલાં માથુ દુખવા લાગે વગેરે.

અચાનક આવે તે આપત્તિ છે જેમ કે ભૂકંપ, વાવાઝોડું વગેરે.

વિપત્તિ એ છે જે આપણું ભજન છોડાવી દે, હરિ સ્મરણ છોડાવી દે. અને હરિ સ્મરણ છોડાવી દે એ મોટામાં મોટી વિપત્તિ છે.

વિપત્તિ એના ઉપર આવે જે સહન કરવા સક્ષમ હોય.

કબીર કહે છે કે….
મન મથુરા દિલ દ્વારકા,કાયા કાશી જાન.
દસો દ્વાર કા દેહરા,તામે જ્યોતિ પહેચાન.


કાશી ના મદિર રૂપી શરીર માં મન એ મથુરા નું મંદિર છે,દિલ એ દ્વારકાનું મંદિર છે, આવીજ રીતે શરીર ના દસ દ્વારો ઉપર એક એક મંદિર આવેલું છે. અને આ બધા જ મંદિરો માં રહેલ દીવાની એક જ્યોતિ સ્વરૂપ પરમાત્મા  રહેલા છે. અને એ પરમાત્માને ઓળખવાના છે.


ગુરૂવાર, ૧૪/૦૯/૨૦૧૭

જનક પિતૃ ચરણ

જનક એ એક વિલક્ષણ પિતૃ ચરણ છે.

જેવી રીતે વક્તાની બેઠક જે વ્યાસ પીઠ છે તેવી જ રીતે શ્રોતાની પણ એક બેઠક છે જેને પ્યાસ પીઠ કહેવાય.
કથાનો પ્રચાર કરવાની જરૂર જ નથી.

કથાની ચાર ભૂમિકા છે, મન પ્રધાન ભૂમિકા, બુદ્ધિ પ્રધાન ભૂમિકા, ચિત પ્રધાન ભૂમિકા અને અહંકાર પ્રધાન ભૂમિકા.

કથાની શરૂઆતમાં થતી સ્તુતી દરમ્યાન શ્રોતાએ એકાગ્ર રહી પોતાની ભૂમિકા નક્કી કરવાની હોય કે તે કઈ ભૂમિકાએ શ્રવણ કરવા માગે છે. જ્યારે આ ભૂમિકા નક્કી થઈ જશે ત્યારે કથાના સૂત્રો આપોઆપ સમજાઈ જશે, કથા પચશે.

કથા મનોરંજન છે, મનોમંથન છે તેમજ મનોનિગ્રહ પણ છે.

બુદ્ધિની ભૂમિકાએથી ગરૂડે કાગભુષંડી પાસેથી કથા સાંભળી છે.

કાગડો એ પક્ષીમાં ચાંડાલ છે જેમાં કાગભુષંડી અપવાદ છે. કાગડો ચાંડાલ હોવા છતાં ય ફક્ત તે જ શ્રાધ ખાવા આવે છે, તેથી કાગડો પિતૃ છે. અને કોઈ કાગડો એકલો શ્રાધ નથી ખાતો. તે કા કા કરી બીજા કાગડાઓને બોલાવી સાથે શ્રાધ ખાય છે. કાગડો શુકનવંત પક્ષી ગણાય છે.

પશુઓમાં કૂતરો ચાંડાલ છે. કૂતરો ચાંડાલ હોવા છતાંય તેનામાં વફાદરીનો ગુણ છે. તેની ઘાણેન્દ્રીય અદભૂત છે જેનો ઉપયોગ કરવામાં આવે છે.

મુનિઓમાં જે મુનિ શ્રાપ આપે છે, ક્રોધ કરે છે તે ચાંડાલ છે.

બીજાની નીંદા કરનાર ચાંડાલ છે એટલું જ નહી પણ તે સર્વ શ્રેષ્ઠ ચાંડાલ છે.

ચાંડાલમાં પણ શુભ જોવાનો પ્રયત્ન કરો, શુભ શોધવાનો પ્રયત્ન કરો જેથી કરીને કાગડામાં પણ કગભુષંડી મળી જાય.

જો મનમાં સંકલ્પ વિકલ્પની પ્રધાનતાની ભૂમિકા હોય તો તે તીર્થ રાજ પ્રયાગની કથા છે જ્યાં સમતાની ભૂમિકાએ કથા થાય છે.

જો ચિતની પ્રધાનતા હોય તો ચિત્રકૂટની કથા શ્રવણ કરો જ્યાં તુલસીની દીનતાની ભૂમિકા છે, શરણાગતિની ભૂમિકા છે.

જો અહંકારની પ્રધાનતા હોય તો પણ કથા સાંભળો જેથી જેવી રીતે સતી તેની સતીની ભૂમિકામાંથી પાર્વતી બની જાય છે.

પોતાની પાસે જે હોય તે (મન, બુદ્ધિ, ચિત, અહંકાર ) લઈને જેવા છો તેવા કથા સાંભળવા જાવ.

સ્વામી શરણાનંદજી સુખ અને આનંદમાં શું ફેર છે તેના જવાબમાં કહે છે કે સુખ એ છે જે દુઃખને દબાવી દે છે અને આનંદ એ છે જે દુઃખને મટાડી દે છે.

તેથી જ માનસ કહે છે કે …

સંકટ કટૈ મિટૈ સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા

બાપ કોને કોને કહેવાય?

ખેડૂત જગતનો તાત છે, પિતા તુલ્ય છે.

જનક એ એક અદભૂત કિસાન છે જેને કિસાની કરતાં કરતાં સીતા પ્રાપ્ત થઈ.

રાષ્ટ્રના રાજાને બાપ કહેવાય છે.

રાષ્ટ્રપિતા જે સત્યના પૂજારી છે તે બાપ છે.

જે સર્જક, વર્ધક અને પુષક હોય તે બાપ સમાન છે.

ક્ષત્રિયોને બાપુ કહેવાય છે કારણ કે ક્ષત્રિયો સમાજના સર્જક, વર્ધક અને પોષક હોય છે.

ઋષિ, મુનિ, આચાર્ય, ગુરૂ વગેરે જે જ્ઞાની છે તેમજ વિવેકી છે તેને બાપ કહેવાય.

જનક એ એક એવો બાપ છે જે શક્તિ, ભક્તિ અને શાંતિનો સર્જક છે.

સુનયનાનો પતિ, જેના નયન સુંદર છે – દ્રષ્ટિકોણ સુંદર છે, વિચાર સુંદર છે તેનો પતિ બાપ કહેવાય.

જેને પરમાત્માના ચરણોમાં ગુપ્ત પ્રેમ છે, ગુપ્ત ભક્તિ છે એ પિતૃચરણ પૂજ્ય છે.

પિતા એ છે જે ભક્તિને અખંડ રાખી, ભક્તિને ગુપ્ત રાખી તેના કુટુંબના સભ્યો પ્રત્યેની ફરજ સારી રીતે નિભાવે. હરિના ચરણોમાં પ્રેમ ગુપ્ત હોવો જોઈએ. જેથી તે પ્રેમની કુટુંબના સભ્યોને જાણ ન થાય અને કુટુંબ પ્રત્યે સારી રીતે ફરજ નીભાવી શકાય.

ચાણ્યક તેની નીતિમાં કહે છે કે જે રાષ્ટ્રમાં કોઈ નાયક ન હોય, કોઈ આગેવાન ન હોય, બાળક જેવો નાયક – રાજા હોય, સ્ત્રી નાયક હોય તે રાજ્યમાં રહેવું ન જોઈએ. સ્ત્રી – માતૃ શરીર લાગણીશીલ હોવાના કારણે કઠોર નિર્ણય નથી લઈ શકતી તે અર્થમાં માતૃ શરીરની આ વાત અહીં છે. આજના સંદર્ભમાં ઘણી માતૃ શરીર આગેવાનો નાયક તરીકે સફળ રહ્યા છે.

સાધુ રાજનીતિમાં ન જાય પણ રાજનીતિની જાણકારી જરૂર રાખે.

ટીમ વર્કના અભાવમાં લોકશાહી સફળ નથી થતી.


જનક દેહમાં હોવા છતાં વિદેહી છે.

જનક એ એક એવો બાપ છે જે ભોગી છે, પ્રેમી છે, થોડાક ક્રોધી પણ છે (ધનુષ્ય ભંગના પ્રસંગે ક્રોધ કરી બોલે છે), વિવેકી છે, ઈચ્છા મુક્ત છે, અનિહ છે.

જો આપણી ધારણા પ્રમાણે ઘટના ઘટે તો તેને હરિ કૄપા સમજવી અને જો આપણી ધારણાથી વિપરીત ઘટના ઘટે તો તેને હરિ ઈચ્છા સમજવી.

ઈચ્છા મુકત કેવી રીતે બની શકાય?

ઈચ્છા કરવી એ અપરાધ નથી.

ઇચ્છા મુકતિ સમાન કોઈ ભૂમિકા નથી.

અભ્યાસ કરવાથી ઈચ્છા છૂટી જાય.

કૈલાશ પીઠાધીશ્વર વિષ્ણુદેવાનંદગિરિજીએ ઈચ્છા મુક્ત થવા માટે ૪ પ્રકાર વર્ણવ્યા છે.

૧ વર્તમાન સાથે જોડાયેલ હોય તેવી ઈચ્છા કરવી. ભવિષ્ય કાળ માટે ઈચ્છા ન કરવી.

૨ જે ઈચ્છા કરીએ તેની પ્રાપ્તિનાં સાધનો – ઉપકરણો ઉપલબ્ધ હોવાં જોઈએ. એવી ઈચ્છા કરાય જે પ્રાપ્ત કરવા માટે સાધન ઉપલબ્ધ હોય.

૩ બીજાનું અહિત થતું હોય તેવી ઈચ્છા ન કરવી.

૪ ફક્ત પોતાને જ લાભ મળે તેવી ઈચ્છા ન કરો. આપણી ઇચ્છાનો લાભ બીજાને પણ મળે તેવી હોવી જોઈએ. આપણી ઈચ્છાનું ફળ બધા માટે હોવું જોઈએ.

ઉપરોક્ત સિવાયની કોઈ ઈચ્છા ન કરવી. ઉપર જણાવ્યા પ્રમાણે ૪ થી વિપરીત હોય તેવી ઈચ્છા ક્યારેય ન કરવી.

આવી ઈચ્છા કરનાર, આ પ્રમાણે વર્તનાર અનિહ છે, ઈચ્છા મુક્ત છે. આ પ્રમાણે રહેનાર સફેદ વસ્ત્રમાં પણ સંન્યાસ ધારણ કરનાર નૂતન સંનયાસી છે. આ ગાર્ગી માર્ગનું દર્શન (વિષ્ણુદેવાનંદગિરિજીનું) છે.

આપણામાં જે પહેલો વિચાર આવે છે તે પરમાત્માનો વિચાર છે, ત્યાર પછીના બીજા વિચાર આપણા વિચાર છે.

બસ એટલી સમજ મને

બસ  એટલી  સમજ  મને  પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે

આવીને   આંગળીમાં   ટકોરા   રહી   ગયા
સંકોચ   આટલો      કોઈ   બંધ  દ્વાર  દે

સૌ પથ્થરોના  બોજ  તો  ઊંચકી લીધા અમે
અમને  નમાવવા  હો  તો   ફૂલોનો  ભાર  દે

પીઠામાં  મારું   માન   સતત  હાજરીથી  છે
મસ્જિદમાં રોજ જાઉં તો  કોણ  આવકાર દે!

દુનિયામા  કંઇકનો  હું કરજદાર છું  ‘મરીઝ
ચૂકવું  બધાનું  દેણુ  જો  અલ્લાહ  ઉધાર  દે

( ગઝલના ગવાયેલા શેર)

માની  લીધું   કે   પ્રેમની  કોઈ  દવા  નથી
જીવનના   દર્દની  તો   કોઈ   સારવાર  દે

ચાહ્યું  બીજું  બધું  તે  ખુદાએ   મને   દીધું
  શું  કે  તારા  માટે  ફક્ત  ઈન્તિઝાર  દે

નવરાશ  છે   હવે   જરા  સરખામણી   કરું
કેવો  હતો  અસલ  હું  મને    ચિતાર  દે

તે   બાદ  માંગ   મારી   બધીયે   સ્વતંત્રતા
પહેલાં  જરાક   તારી   ઉપર  ઈખ્તિયાર  દે

  નાનાં નાનાં  દર્દ  તો  થાતાં  નથી સહન
દે   એક   મહાન  દર્દ   અને   પારાવાર   દે

રચનાઃ મરીઝ



તેન ત્યકેન ભુજ્જીથા

કોઈના પ્રત્યે અચાનક અને અકારણ સાચો પ્રેમ જાગે તો તે અસ્તિત્વની યોજના છે, કોઈ અકસ્માત નથી. અહીં પારમાર્થિક પ્રેમની વાત છે.

જનકનો શબ્દાર્થ પિતા છે તેમજ સાગર પણ છે.

આમ જનક વિવેકના  જ્ઞાન સાગર છે.


શુક્રવાર, ૧૫/૦૯/૨૦૧૭

પિતૃ ચરણનું શ્રાધ એટલે જે પિતૃ ચરણ હયાત નથી તેનું સ્મરણ કરો, તેમના સુકર્મને – સારા કાર્યોને યાદ કરી સ્મરણ કરો અને જે પિતૃ ચરણ હયાત છે તેની સેવા કરો.

“આજ્ઞા સમ શું સાહિબ સેવા” પ્રમાણે હયાત પિતૃઓની સેવા કરો.

ધર્મ પ્રેક્ટિકલ હોવો જોઈએ.

ધર્મનો અર્થ એ છે જે સદા જીવંત છે, જે વર્તમાન છે, જે શાસ્વત છે, ભૂતકાળ કે ભવિષ્ય કાળ નહીં.

જો કથા શ્રવણ દરમ્યાન શ્રોતાની ભૂમિકા ન બને તો સૂત્રની વાવણી કેવી રીતે કરાય? બીજ કેવી રીતે રોપાય? વાવણી કેવી રીતે કરાય?

માતા પિતા પોતાની વ્યસ્તતાના કારણે પોતાના સંતાનોના ઉછેરમાં સમય નથી આપતાં તેથી તેવાં સંતાન અવળા માર્ગે ચડી જાય છે.

કથા જેવો બીજો કોઈ અવસર જ નથી કે જ્યાં સ્વૈછિક પરિવર્તન થાય છે.

એક ચેતના બીજી ચેતનાને અભિમુખ થવા પ્રયત્ન કરે જ. તેથી જ તો લોકો કથા ટીવી ઉપર લાઈવ આવતી હોવા છતાંય કથા મંડપમાં આવે છે, ભલે ત્યાં કદાચ કોઈ અગવડતા પડે તો પણ.

ઋષિ રૂણ

ઋષિ રૂણ શાસ્ત્રોના અધ્યયન કરવાથી, શાસ્ત્રોના પાઠ કરવાથી, ભજન કરવાથી, અભંગ ગાવાથી, રામાયણ ગીતાના સ્વાધ્યાય દ્વારા, ગુરૂગ્રંથનો પાઠ કરવાથી, શાસ્ત્ર વચનના ગુણગાન કરવાથી તેમજ આવા પ્રકારના અન્ય કાર્યો કરવાથી થાય.

પિતૃ રૂણ

જે પિતૃ ચરણ હયાત નથી તેના આદર્શોનું પાલન કરવાથી તેમજ જે હયાત છે તેની સેવા કરવાથી પિતૃ રૂણ ચૂકવી શકાય.

જંગલની માવજત, વૃક્ષનું જતન એ પણ પિતૃ તર્પણ જ છે.

પીપળો એ પિતૃનું પ્રતીક છે.

નાગ પિતૃ છે. તેથી જ નાગ દેવનું મંદિર થાય છે. નાગનો એક અર્થ હાથી થાય છે.

તલ જેવડા અહંકારને મટાડી દેવો એ નાગ તર્પણ છે. જો સ્વપ્નમાં નાગ દેખાય તો તલ વટ ખાંડવી એવી માન્યતા છે એટલે કે તલ સમાન સામાન્ય નાના અહંકારને પણ ખાંડી નાખવો- મટાડી દેવો એવો અર્થ થાય.
અહંકાર શૂન્યતા એ પિતૃ તર્પણ છે.

શંકર જગતનો બાપ છે. તેને જલાભિષેક કરવો એ પણ પિતૃ તર્પણ છે.

શાલીગ્રામને જળ અર્પણ કરવું, પૂજન કરવું એ પિતૃ તર્પણ છે.

રોજ રામાયણનો પાઠ, હરિ નામનો જપ એ પિતૃ તર્પણ છે.

ગુરૂ વચનનું પાલન એ પિતૃ તર્પણ છે. ગુરૂ પિતૃ છે. જે ગુરૂને સેવે તેને કોઈ તર્પણની જરૂર નથી. ગુરૂ વચનામૃતનું પાન એ પિતૃ તર્પણ છે.

દેવ રૂણ

દેવ રૂણ યજ્ઞ કરવાથી, દાન આપવાથી, યાત્રા કરવાથી, દેવતાઓને બળ મલે તેવાં સુક્રિત કર્મ કરવાથી થાય.
કોઈકનો ચૂલો સલગાવી દેવો એ પણ યજ્ઞ જ છે. જે અભાવ ગ્રસ્ત છે તેના માટે વ્યવસ્થા કરી ભોજન મળે તેવી ગોઠવણ કરવી.

શરીરનો મદ એટલે યુવાનીનો મદ, યુવાનીનો વટ, સૌંદર્યનો મદ – વટ, આરોગ્યનો મદ – વટ – મને કંઈ થાય જ નહીં તેવો મદ.

નિર્ભયતા આધ્યાત્મ યાત્રાનું પહેલું લક્ષણ છે.

વાત પિત અને કફ એ ત્રણેય જરૂરી છે. તેનો પ્રકોપ થાય ત્યારે રોગ થાય. તેનું સમતુલન બદલાય ત્યારે રોગ થાય.

પિતૃ સમસ્ત દેવતાઓમાં શ્રેષ્ઠ છે, બધાની ઉપર છે. અહીં પિતૃ એટલે જગતનો બાપ શંકર, શાલીગ્રામ.

પિતૃ ચરણ જટાયુ

પિતૃ ચરણ જટાયુ એ એવા પિતૃ છે જે રામ ભગવાનના પણ બાપ છે, પિતૃ છે તેમજ રામ પોતાના પિતા દશરથની અંતિમ ક્રિયા ન કરી શક્યા પણ જટાયુની અંતિમ ક્રિયા કરે છે, જટાયુનું પિતૃ તર્પણ કરે છે.

શિવરાત્રી એ FATHERS DAY છે.

નવરાત્રી એ MOTHERS DAY છે.

હનુમાન જયંતિ એ FRIENDSHIP DAY છે.

શબરી સાચી MOTHER છે.

જટાયુ એ અધમ ખગ છે અને છતાંય રામ તેના પ્રત્યે પ્રેમ કરે છે, પ્રેમ વધારે છે.

પ્રેમ, ભક્તિ કેવી રીતે વધે?

પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય છે પણ પ્રેમ કેવી રીતે પ્રગટ થાય?

પરમાત્માની સકામ ભાવે ભક્તિ કરો તો તે પરમાત્મા સંસાર બની જાય છે. અને સંસારમાં નિષ્કામ ભાવે જવ તો સંસાર પરમાત્મા છે.

પરમાત્માને નિષ્કામ ભાવે પ્રેમ કરવાથી અને સંસારની સેવા કરવાથી અને આમ કરતાં બંને પાસેથી (પરમાત્મા અને સંસાર) કોઈ અપેક્ષા ન રાખો તો વગર માગ્યે પરમાત્મા પ્રેમ કરશે અને સંસાર પણ પ્રેમ કરશે.

સાચા પ્રેમીને શાંતિ નથી જોઈતી. સાચો પ્રેમી તો તેના પ્રિયતમને યાદ કરીને રૂદન જ કરે છે.

સાચા પ્રેમીને શાંતિ અને મુક્તિ ખાખ સમાન છે. સાચા પ્રેમીને શાંતિ હોય જ નહીં.

ગોપી જન જે સાચા પ્રેમી છે તે તો રુદન જ કરે છે.

પ્રેમીને તેની અશાંતિ હજારો સુખથી પણ વધારે છે.

પ્રેમી ચેનની માગ કરે તો તે માગ તેના પ્રેમનું અપમાન છે, પ્રેમનો અપરાધ છે.

રામને પ્રેમ કરનાર અયોધ્યાવાસીઓને અને ભરતને ચેન નથી મળ્યું.

જ્ઞાનમાં સ્વરૂપનું સ્મરણ થાય, સ્વયંનું સ્મરણ થાય.

ભક્તિમાં સર્વેશ્વરનું સ્મરણ થાય, ગોવિંદનું સ્મરણ થાય.

જ્ઞાન એ કર્મ છે જ્યારે ભક્તિ એ કોઈની કૃપાનું પરિણામ છે.

દશરથ રાજા અને જટાયુ જે બંને રામના પિતા છે તેમાં સમાનતા અને વિષમતાનો અભ્યાસ કરવો જોઈએ.

શ્રેષ્ઠ વ્યક્તિ જ્યાં પણ જાય ત્યાં છવાઈ જાય.

જટાયુના પ્રસંગથી એવું પ્રતિપાદીત થાય છે કે પરાજ્ય થવાનો નક્કી હોય તેમજ ફરજ બજાવતાં બજાવતાં મૃત્યુ થવાનું નક્કી હોય તો પણ ફરજ નિભાવવાની જવાબદારીમાં પાછી પાની ન કરાય.

પહેલાં યુદ્ધ દરમ્યાન યુદ્ધમાં ધર્મ હતો જ્યારે આજે કાળ પરિવર્તનના પરિણામે ધર્મમાં યુદ્ધ ચાલી રહ્યું છે.

રેખાનું ઉલ્લઘન કરો એટલે અપહરણ થાય જ.


જટાયુ અંતિમ ક્રિયા પછી પ્રગટ થઈ રામની ચાર બંધમાં સ્તુતિ કરે છે.

શનિવાર, ૧૬/૦૯/૨૦૧૭

આપણને શુભ પ્રવૃત્તિ પણ ક્યારેક ફસાવી દે છે, વ્યસ્ત રાખે છે.

પિતાના કેટલાક પ્રકાર

  • જન્મદાતા પિતા
  • પાલક પિતા
  • ધર્મ પિતા
  • આધ્યાત્મ પિતા જેમાં ફ્કત પ્રેમ એ જ સંબંધ હોય છે.
  • નીતિ નિયમોમાં આબદ્ધ પિતા – ભીષ્મ પિતામહ
  • ઘાતક પિતા – હિરણ્યાકશ્યપુ


સંબંધના કેટલાક પ્રકાર
  • વાસના સંબંધ
  • અર્થ સંબંધ
  • વેર વૃત્તિનો સંબંધ
  • ધર્મ સંબંધ
  • ભાવ સંબંધ
  • પ્રેમ સંબંધ જે શ્રેષ્ઠ સંબંધ છે.

તેથી જ તો ગવાયું છે કે …

સબસે ઊંચી પ્રેમ સગાઈ

પુરૂષ અર્થનો દાસ ન હોવો જોઈએ તેમજ પરમાર્થનો પણ દાસ ન હોવો જોઈએ.

જે પિતામાં નીચે પ્રમાણેની વસ્તુઓ હોય તેનું શ્રાધ કરવાની જરૂર નથી.

જે પિતા ૨૪ કલાક પોષણ આપે તેવા પિતાનું શ્રાધ કરવાની જરૂર નથી.

પીપળો ૨૪ કલાક ઓક્સિજન આપે છે, ૨૪ કલાક પોષક તત્વ આપે છે.

પીપળો, વડ વગેરે પિતૃ છે.

પીપળાના ફળને કાગડો ખાઈને તેના બી અઘાર મારફત બહાર કાઢે તેમાં પીપળાના અનેક બી હોય છે જેમાંથી અનેક પીપળ વૃક્ષ પેદા થાય છે.

આમ કાગડો પણ પીપળાનો પિતૃ છે, બાપનો પણ બાપ છે, કાગ ભૂષંડી જેવો પિતૃ છે.

જે બાપ પ્રમાદી ન હોય પણ જેનું શરીર શ્રમિક હોય, જેની બુદ્ધિ વિવેકી હોય, અહંકારનો અભિમાની ન હોય તેવા પિતાનું શ્રાધ કરવાની જરૂર નથી.

પ્રહલ્લાદ જેવો ભક્ત પથ્થરમાંથી ભગવાનને પ્રગટ કરી શકે છે તો પરમાત્માનું પણ કર્તવ્ય છે કે તે પણ પથ્થરમાંથી અહલ્યા જેવા ભક્તને પ્રગટ કરે.

પાગલ ન બનાવી દે તે પ્રેમ શું કામનો?

વાલી દર્શન

વાલીનું સમગ્ર જીવન ચાર સ્તંભ ઉપર આધારીત છે. અને આ ચાર સ્તંભ પૈકીના બે સ્તંભ સારા છે અને બે સ્તંભ ખરાબ છે.

૧ વાલીને તેની પત્નીએ શીખવાડ્યું છે કે પરમાત્મા સમદર્શી છે. અને વાલી પણ આ માને છે કે રામ સમદર્શી છે. વાલીનો આ સ્તંભ સારો સ્તંભ છે.

સત્ય પગપાળા ચાલે અને અસત્ય ઘોડે સવારી કરી ચાલે તો પણ અસત્ય સત્યને પકડી ન શકે, આંબી ન શકે.

૨ પરમાત્માએ ધર્મના કારને, ધર્મના હેતુ માટે અવતાર લીધો છે એ વાલી જાણે છે. આ પણ સારો સ્તંભ છે.

૩ વાલીમાં મૂઢતા છે.

૪ વાલીમાં અભિમાન છે.

૩ અને ૪ સ્તંભ સારા સ્તંભ નથી.

ઋષુમુક કે ઋષિમુખ પર્વતનું શિખર એ સતસંગનું શિખર છે.

વાલી એ કર્મનું પ્રતીક છે, કર્મ છે તેથી કર્મ જ્યાં સતસંગ હોય ત્યાં પીછો નથી કરી શકતું.

કર્મ એ પિતા છે જે કાયમ પીછો કર્યા જ કરે. કર્મ બળવાન છે.

ક્રિયા એ માતા છે જે ગોદમાં લે છે.

જીવ જ્યારે સતસંગની ટોચે હોય ત્યારે કર્મ તેનો પીછો નથી કરી શકતું. તેમજ સતસંગ જ્યારે શિખરે હોય ત્યારે ભગવાન રામ પણ તેની – જીવની સાથે મૈત્રી કરવા વગર પ્રયાસે આવે છે અને જીવના પ્રાણની રક્ષા કરે છે.

વિનોબાજી જ્યારે ગાંધીજીને પૂછે છે કે રામ નામ લેવાથી તમને શું ફાયદો થયો ત્યારે તેના જવાબમાં ગાંધીજી કહે છે કે રામ નામ લેવાથી મને ત્રણ ફાયદા થયા છે.

૧ રામ નામ લેવાથી, રામ નામ જપ કરવાથી ભય મુક્તિ મળે.

૨ રામ નામ લેવાથી, રામ નામ જપ કરવાથી વિકારોથી મુક્તિ મળે.

૩ રામ નામ લેવાથી, રામ નામ જપ કરવાથી રોગોમાંથી મુક્તિ મળે.

આ ત્રણ ઉપરાંત રામ નામ લેવાથી, રામ નામ જપ કરવાથી – કૃષ્ણ નામ લેવાથી આંખોમાં બંધ અશ્રુને મુક્તિ મળે. પ્રેમ ધારા રૂપે અશ્રુ વહેવા લાગે. અને જગતમાં હોવા છતાં જગતથી મુક્ત કરી દે, જગતથી પર કરી દે, અસંગ બનાવી દે.

જે આશ્રમ આગમ, આરોગ્ય, આશ્રય, આહાર, આરામ આપે તે જ આશ્રમ છે.


બ્રહ્નના આશ્રિતને કર્મ કશું કરી શકતું નથી. સુગ્રીવ રામનો આશ્રિત છે.

હરિ કહે છે કે હે જીવ તું સંસારના સંઘર્ષ સામે લડ, હું તારી પાછળ જ છું. પણ અહીં ભરોંસાનો – વિશ્વાસનો સવાલ છે.

જીવ જ્યારે કર્મ સાથે લડે છે ત્યારે જીવ – આપણે ઈશ્વરને નથી જોતા પણ ઈશ્વર વૃક્ષની આડમાં – વૃક્ષ પાછળ છુપાઈને આપણને જુએ છે. (સુગ્રીવ અને વાલીની લડાઈનો પ્રસંગ)

પરમાત્મા વૃક્ષ રૂપ છે.

સંસાર વિટપ વૃક્ષ છે.

જીવનમાં કર્મ સાથે સંઘર્ષ કરતાં કરતાં પરમાત્મા તરફ નજર રાખવી. (સુગ્રીવ – જીવ જ્યારે વાલી - કર્મ સામે લડવા જાય છે ત્યારે વળી વળીને રામ તરફ જુએ છે.)

વાલી તેના અંત સમયે કુમાર દાન કરે છે અને પોતાના પુત્ર અંગદને રામના હાથમાં સોંપે છે અને તેને તેમનો દાસ બનાવવા આગ્રહ કરે છે.

સાચો વાલી – પિતા એ છે જે પોતાના સંતાનને સત્યના, પ્રેમના, કરૂણાના હાથમાં સોંપે.

રામ વાલીના હ્નદયમાં બાણ મારે છે. એટલે કે વાલીના હ્નદયમાં છુપાયેલ પ્રેમ પ્રગટ થાય.


હ્નદયમાં છુપાયેલ પ્રેમ હરિના બાણથી કે બુદ્ધ પુરૂષની વાણીથી પ્રગટ થાય.


રવિવાર, ૧૭/૦૯/૨૦૧૭


ભક્તિ માર્ગમાં જે સાધનથી સાધ્ય પ્રાપ્ત થયું હોય તે સાધનને સાધક ન છોડે.

અહીં સાધન શુદ્ધ હોવું જોઈએ.

પિતા બીજ દાતા છે જ્યારે માતા ક્ષેત્ર છે.

કિસાન બીજ દાતા છે, પૃથ્વી માતા છે.

કૃષ્ણએ કહ્યું છે કે, “હું બધાનો બીજ દાતા છું”.

કાળ પરિણામે વૃદ્ધાશ્રમ આવશ્યક છે પણ પિતૃ ભક્તિ સામે વૃદ્ધાશ્રમ શોભા નથી આપતાં.

કલિયુગનું વર્ણન કરતાં તુલસીદાસજી કહે છે કે, ……..


કલિયુગમાં સંતાન પોતાના માતાપિતાને ત્યાં સુધી માનશે જ્યાં સુધી પુત્ર સંતાન પોતાની પત્નીનો ચહેરો નહીં જુએ.

પુત્રવધૂએ પોતાના પતિને કહેવું જોઈએ કે, “હું આવી તે પહેલાં તારા માતાપિતા આવેલ છે”.

કાન્તા એ છે જે માર્ગ ભૂલેલા પતિને યોગ્ય માર્ગે લાવે.

પાછળ ચાલવું, અનુગમન કરવું એ આત્મગૌરવનું હનન નથી. પાછળ ચાલનાર જેનું અનુગમન કરે છે તે (જેનું અનુગમન કરેલ છે તે) જ્યારે થાકી જાય કે માર્ગ ભૂલી અવળા માર્ગે જાય ત્યારે આગળ ચાલનારને પ્રોત્સાહિત કરે, યોગ્ય માર્ગ બતાવે.

જે પત્ની તેના પતિને વફાદાર રહે, પોતાનામાં ડહાપણ રાખે, સહનશીલ હોય, પતિની અનુગામીની હોય અને પ્રેમાળ હોય તો તેને તેના પતિનો પુષ્કળ પ્રેમ મળે.

કેટલાક અગ્નિ નીચે પ્રમાણે છે.
  • કાન્તાનો વિયોગ એ અગ્નિ છે.
  • સ્વજનનું અપમાન જે સહી ન શકાય અને કહી પણ ન શકાય તેવું હોય તે અગ્નિ સમાન છે.
  • જે વ્યક્તિ કરજદાર હોય તે કરજ અગ્નિ સમાન છે.
  • જે દરિદ્રતામાં જીવે છે તે દરિદ્રતા અગ્નિ સમાન છે.

રાવણ દર્શન – રાવણની પિતૃ વંદના

રાવણ તેના પૂર્વ જન્મમાં શંકરનો ગણ છે, જય વિજય, જલંધર, સત્યકેતુ જેવા બાપનો પુત્ર છે. આમ રાવણનું પિતૃ કૂળ પાવન છે.

પણ મહિસુર – બ્રાહ્નણના શ્રાપ વશ રાવણ અસુર બની જાય છે.

રાવણ પાસેની ૧૦ વસ્તુમાં ૫ વસ્તુ સારી છે જ્યારે ૫ વસ્તુ સારી નથી.

  1. રાવણ બળવાન છે. હનુમાનજી રાવણના ગુરૂ છે અને ગુરૂ હોવાના નાતે તેને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થયેલ છે. (બલ બુદ્ધિ વિદ્યા દેહું મોહિ હરહું કલેશ વિકાર)
  2. રાવણ બુદ્ધિમાન છે.
  3. રાવણ વિદ્યાવાન છે.
  4. રાવણ તપવાન છે.
  5. રાવણ ધનવાન છે.
  6. રાવણ નીતિવાન નથી.
  7. રાવણ ધર્મવાન નથી.
  8. રાવણ શીલવાન નથી. શીલવાન વ્યક્તિ ઘડીએ ઘડીએ રૂપ ન બદલે. અહીં રાવણ રૂપ બદલ્યા કરે છે. શીલવાન એ છે જે બધાને જુએ પણ તેની આંખમાં વાસના ન હોય પણ ઉપાસના હોય.
  9. રાવણ ભક્તિવાન નથી. રાવણ પોતે કહે છે કે હું ભક્તિ નહીં કરી શકું.
  10. સમર્પણથી આવે તે ભક્તિ પણ અપહરણથી તો ભક્તિની છાયા જ આવે.
  11. રાવણ રૂપવાન નથી. રાવણને દશ મસ્તક છે. આમ દશ મસ્તકવાળો રૂપવાન કેવી રીતે હોય? જે રૂપવાન હોય તે પોતાના રૂપથી જ સંતુષ્ટ હોય, બીજાના રૂપનું અપહરણ ન કરે, બીજાના રૂપનો શિકાર ન કરે.

રાવણ પાસેની ૧ થી ૫ વસ્તુ સારી છે જ્યારે ૬ થી ૧૦ વસ્તુ સારી નથી.

મન એ વાસનાનો સમૂહ છે, વાસનાનું બંડલ છે.

આ વાસનાનું બંડલ ખુલી જાય એટલે મન રહે જ નહીં.

વાસના જાય એટલે મન પણ જાય, મન રહે જ નહીં.

વાસનાના કારણે જ મન છે.

વાસના કેવી રીતે જાય?

સ્વામી શરણાનણદજીએ કરેલ મનની વ્યાખ્યા અને વાસના દૂર કરવાનો ઉપાય, શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય, ત્યાગ અને પ્રેમ પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવ્યા છે. જે નીચે પ્રમાણે છે.

વિશુદ્ધ જ્ઞાનથી – શુદ્ધ જ્ઞાનથી વાસના દૂર થાય. જેવી રીતે દીપક પ્રગટાવો એટલે અંધકાર દૂર થાય તેવી રીતે શુદ્ધ જ્ઞાન આવે એટલે વાસના દૂર થાય.

વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ શુદ્ધ હ્નદયમાંથી – શુદ્ધ અંતઃકરણમાંથી, શુદ્ધ બુદ્ધિમાંથી થાય.

જેના હ્નદયમાં પ્રેમ અને ત્યાગ છે તે હ્નદય શુદ્ધ હ્નદય છે.

દુનિયામાં દેહથી લઈને બધી જ વસ્તુઓ પોતાની નથી એવું માનો, એવું સમજી લો એ ત્યાગ છે.

ત્યાગ ત્યારે જ આવે જ્યારે આપને માનીએ કે મારો દેહ અને અન્ય વસ્તુઓ મારી નથી.

આપને જેને પોતાના માનીએ છીએ તેની સાથે અસંગ બની તેમની સેવા કરવાથી અને પરમાત્માને પોતાના માનવાથી પ્રેમ આવે, પ્રેમ પેદા થાય.

પુસ્તકોમાંથી શુદ્ધ જ્ઞાન ન મળે, પુસ્તકોમાંથી ફક્ત માહિતિ જ્ઞાન મળે.

શબ્દનો ઉપાસક નિરંકુશ હોવો જોઈએ.

કવિ રાજ્યના આશ્રયમાં રહે, કે કવિને રાજ્યાશ્રય આપીએ એ કવિનું અપમાન છે.

કવિ રાજ્યના આશ્રયમાં ન રહે પણ રાજ્ય કવિના આશ્રયમાં રહે.

જે શીલવંત સાધુ ન હોય તેને પ્રણામ કરીને પોતાને તેવા સાધુ કે વ્યક્તિથી દૂર કરી દેવા જોઈએ અને જો શીલવંત સાધુ મળે તો તેને વારંવાર પ્રણામ કરવા જોઈએ.

ગંગાસતી પણ આવું જ કહે છે.

પોતાપણાનો ત્યાગ એ પ્રાસંગિક ત્યાગ છે. ત્યાગ એટલે બધું જ છોડી દેવું એવું નહીં પણ બધાની સાથે રહી અસંગ પણે બધાની સેવા કરવી.


__________________________________________________________________________________________________
Articles displayed with the courtesy of Divya Bhaskar daily>

  • ધરતી પર જો સ્વર્ગ હોય તો તે સાપુતારા છે : મોરારિબાપુ



સાપુતારા:રામચરિત માનસ રામકથાના પાંચમા દિવસે રામકથાનું રસપાન કરાવતા પૂજ્ય મોરારિબાપુએ અનેક બોધ પ્રસંગો સાથે પિતૃ પિતા દેવો ભવનો મહિમા રજૂ કર્યો હતો. સાપુતારાના સ્પોર્ટસ કોમ્પલેક્સ મેદાનમાં હજારોની જનમેદની વચ્ચે યોજાયેલી રામચરિત રામકથાના પાંચમા દિવસે પિતૃદેવો ભવ વિશે જણાવ્યું હતું કે તુલસીદાસ મહારાજના મતે રાજા દશરથ ઉત્તમ પિતૃ દેવો ભવનો ભકત હતા. મનુષ્ય બે પ્રકારના હોય છે. એક એકમુખી અને બીજો અનેકરૂપી, અનેકરૂપી છે, તે ભગવાન કૃષ્ણ છે.

તુલસીદાસ મહારાજના મતે રાજા દશરથ ઉત્તમ પિતૃ દેવો ભવનો ભકત હતા, માર્ગી પિતૃયાન છે જ્યારે ગાર્ગી દેવયાન

ભાગતા, જાગતા અને ઉંઘતા પણ આવડે તેઓ ગોપીઓ સ્નાન કરે ત્યારે કદમના વૃક્ષ પરથી વસ્ત્રો હરણ કરતા પણ આવડે અને દ્રૌપદીના ચીરહરણ વખતે વસ્ત્ર પૂરા પણ પાડતા આવડે. નરનારીને પ્રભુ શ્રીરામને પ્રિય હતા, આ રામકથામાં ભગવાન શિવ અને પાર્વતીના પ્રસંગને ટાંકતા જણાવ્યું હતું કે જનક રાજા પ્રભુ શ્રીરામની કથા મને સંભળાવો ત્યારે ભગવાન શિવે જણાવ્યું કે દેવોના સખત તપશ્ચર્યા કરી રાવણે અમરત્વ પ્રાપ્ત કર્યું.
રાવણે દેવો પસેથી આશીર્વાદ મેળવી લીધા બાદ દેવો, પૃથ્વી, ચંદ્ર, આકાશમાં હાહાકાર મચાવ્યો, તેણે ધન, સૌંદર્યનો શિકાર, દરિદ્રો, ઋષિમુનિઓ પર અત્યાચાર કરવા લાગ્યો. ધરતીમાત ગાયનું રૂપ ધારણ કરી ઋષિમુનિઓને રાવણના અત્યાચારથી મુક્ત થવા પ્રાર્થના કરવા લાગી પરંતુ દેવો,

ઋષિમુનિઓએ લાચારી વ્યકત કરી, સૌ ભેગા મળી પરમપિતા બ્રહ્મા પાસે જઈ રાવણના ભયથી મુક્ત થવા પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે આકાશવાણી થઈ કે દેવ, ઋષિમુનિ, મનુષ્ય પર આવેલી મુશ્કેલી દૂર કરવા હું અયોધ્યામાં જન્મ લઈશ. બાદમાં સૌ વિખૂટા પડે છે ત્યારે પરમપિતા બ્રહ્મા સૌ દેવો રોકી જણાવે છે કે સૃષ્ટિ પર આવી પડેલી આપત્તિને નાશ કરવા પ્રભુનું આગમન થવાનું હોય આપે પણ સુંદરમાંથી વાંદર થઈ કામે લાગી જવું પડશે, જેથી પ્રભુરામના જન્મ બાદ દેવો વાંદરાઓ, રીંછના રૂપે આસુરી શક્તિના નાશમાં કામે લાગી જાય છે. જ્યાં વાનરરાજ હનુમાન દ્વારા રાવણનું અભિમાન ઉતરી જાય છે. તેમણે માર્ગી અને ગાર્ગી અંગે જણાવ્યું હતું કે માર્ગી પિતૃયાન છે જ્યારે ગાર્ગી દેવયાન. માર્ગી મનુષ્યના ગુણ ગાય છે જ્યારે ગાર્ગી દેવોની મહિમા દર્શાવે છે. તેમણે ગિરિમથક સાપુતારાના સુંદર વાતાવરણથી પ્રસન્ન થતા કહ્યું કે ધરતી પર જો સ્વર્ગ હોય તો તે સાપુતારા છે. લીલીછમ વનરાઈ અને વાદળોમાં સંતાકૂકડી રમતા પહાડો સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. પાંચમાં દિવસે પણ રામકથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

  •  જે સદા સત્સંગ કરે તેનું કર્મ કંઈ બગાડી શકતો નથી


સાપુતારા: પિતૃ દેવો ભવ: પિતા પરમેશ્વર શ્રીકૃષ્ણ છે. પિતૃના ત્રણ પ્રકાર છે જન્મ દેવાવાળો, પાલક પિતા, ધર્મના પિતા. કેટલાક ઘાતક પિતા હોય છે જેમ કે હિરણ્યકશ્યપ પિતૃચરણ વંદના રામચરિત માનસ કથાનું 8મા દિવસે પૂજ્ય બાપુએ પ્રારંભ કરાવ્યો હતો. રામચરિત રામકથાને આગળ ધપાવતા પૂજ્ય મોરારિબાપુએ જણાવ્યું હતું કે પીપળાનું વૃક્ષ પિતૃતર્પણ માટે ઉત્તમ કહેવાયું છે.

જે 24 કલાક ઓક્સિજન વાયુ આપતો હોય તેને બાપ કહેવાય. કેટલાક વ્યક્તિ મારો ખરાબ સમય ચાલે છે એવું કહે છે પરંતુ તેમને ખાવાની ઈચ્છા હોય અને ખાવાનુ ન મળે તેમજ તેમને બોલાવાની ઈચ્છા થાય અને ન બોલાય, સાંભળવાની ઈચ્છા હોય અને ન સંભળાય તો તે ખરાબ સમય છે. ભગવાન રામનો જન્મ માત્ર રાવણનો સંહાર કરવાનો નથી પરંતુ મનુષ્ય જાતિનો ઉદ્ધાર કરવાનો પણ છે.

રામાયણના બાલીના પાત્ર વિશે સમજ આપતા જણાવ્યું હતું કે બાલીના વ્યક્તિત્વના ચાર સ્થંભ પર ઉભો છે. જેમાં બે સ્થંભ સારા છે જ્યારે બે બૂરાઈ સમાન છે. બાલી કર્મનું પ્રતિક છે જે સદા સત્સંગ કરે તેનું કર્મ પણ કંઈ બગાડી શકતો નથી. તેમણે બાલી-સુગ્રીવના યુદ્ધ તથા પ્રભુરામ, લક્ષ્મણ, સીતાના 14 વર્ષના વનવાસની કથાનું રસપાન કરાવ્યું હતું.

આજના 8મા દિવસની માનસચરિત કથામાં સૌરાષ્ટ્રના ડાયરાના પ્રખ્યાત દિગુભા ચૂડાસમા, લક્ષ્મણ બારોટ વગેરે કલાકારો સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કથાને વિશ્રામ આપ્યા બાદ સાંજે પૂ. મોરારિબાપુ સાપુતારાના આસપાસના ગામડાઓમાં આદિવાસીઓના ઘરે નાગલીના રોટલા અને શાક આરોગતા આદિવાસીઓ પણ ગદગદ થઈ ગયા હતા.


__________________________________________________________________________________________________

No comments:

Post a Comment